(સ્વામી આત્માનંદજી મહારાજ રચિત હિન્દી પુસ્તક ‘ગીતાતત્ત્વ-ચિંતન’ના એક અંશનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ આપની સમક્ષ પ્રસ્તુત છે. – સં.)

આ જ અર્જુન મહાભારતના યુદ્ધ પછી એક દિવસે શ્રીકૃષ્ણ પાસેથી ફરી એક વાર ગીતાનો ઉપદેશ સાંભળવા માટે આગ્રહ કરે છે. પરંતુ કૃષ્ણ તેની વિનંતી પર ધ્યાન નથી આપતા. યુદ્ધ પછી પાંડવોના શુભ દિવસો આવ્યા છે. અર્જુન નિશ્ચિંત છે અને સંસારના સુખોપભોગમાં રત છે. એક દિવસ કૃષ્ણ સાથે તે ટહેલવા નીકળે છે. એકાંત સ્થાનમાં પ્રકૃતિનું સૌન્દર્ય જોતાં બન્ને બેઠા છે. કંઈ કેટલાય પ્રસંગો વિશે વાર્તાલાપ ચાલી રહ્યો છે.

અચાનક અર્જુન શ્રીકૃષ્ણને વિનંતીભર્યા સ્વરે કહે છે, “ભગવાન! આપે યુદ્ધભૂમિમાં જે ગીતાનું અપૂર્વ ગાન કર્યું હતું, તે ફરી એક વાર મને સાંભળવાની ઇચ્છા થઈ છે. ત્યારે તો મારું મન અતિ ચંચળ હતું અને કેટલીયે પ્રકારની મુશ્કેલીઓમાં સપડાયેલો હતો. આપે ત્યારે જે ઉપદેશ આપ્યો હતો, તે હું બરાબર ધ્યાનપૂર્વક સાંભળી શક્યો ન હતો અને એ બધું હું ભૂલી પણ ગયો છું. હવે તો આપની કૃપાથી મારી સઘળી ચિંતાઓ દૂર થઈ ગઈ છે અને મારું મન પણ પ્રફુલ્લિત છે. જો એક વાર ફરી એ ઉપદેશ આપ મને સંભળાવો તો આપની બહુ કૃપા થશે.” શ્રીકૃષ્ણે ઉત્તરમાં કહ્યું હતું—

न शक्य तन्मया भूयः तथा वक्तुम् अशेषतः।
परं हि ब्रह्मकथितं योगयुक्तेन तन्मया:॥

‘હે અર્જુન! તે સમયે મેં અત્યંત યોગ-યુક્ત અંતઃકરણથી ઉપદેશ કર્યો હતો. હવે સંભવ નથી કે ફરી હું એવો જ ઉપદેશ કરી શકું.’

શ્રીકૃષ્ણના આ કથનનો શું અર્થ છે? એ જ કે, ગીતાનો ઉપદેશ આપતી વખતે કૃષ્ણ બ્રહ્મ-તન્મયતાની સ્થિતિમાં હતા, સમાધિ-અવસ્થામાં હતા. અર્જુનના હૃદયના વલોપાતે કૃષ્ણના ગુરુભાવને જાગ્રત કરી દીધો હતો. અર્જુનને સાંભળવાની સ્થિતિમાં જોઈને કૃષ્ણનું મન યોગની ઉચ્ચ સ્થિતિમાં જઈને આરૂઢ થઈ ગયું હતું. શિષ્ય જ્યારે વિહ્વળ થઈને ગુરુને શરણાગત થાય છે, ત્યારે ઈશ્વર ગુરુના માધ્યમથી શિષ્ય પર કૃપા કરે છે. પરિસ્થિતિઓથી ગભરાઈને અર્જુન શ્રીકૃષ્ણના શરણે જાય છે અને કહે છે—‘शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्’—‘હું આપનો શિષ્ય છું, આપણા શરણે આવ્યો છું, મને શિક્ષા પ્રદાન કરો.’ અને શ્રીકૃષ્ણ શિષ્યની આ વિહ્વળતા, આ ડર જોઈને પીગળી જાય છે અને યોગયુક્ત થઈ જાય છે. યોગયુક્ત થવાનો અર્થ છે સમાધિનો અનુભવ કરવો. અને સમાધિમાં મનુષ્ય સ્થિર બની જાય છે. પરંતુ અહીં કૃષ્ણના રૂપમાં આપણે એક એવા અદ્‌ભુત પુરુષનાં દર્શન કરીએ છીએ, જે સમાધિમાં ગીતાનું ગાન કરે છે. એટલા માટે ગીતાની ભાષાને હું સમાધિની ભાષા કહું છું. ગીતાનો સમગ્ર ઉપદેશ સમાધિની ભાષામાં અપાયેલો છે, તે ઋષિ-પ્રસૂત ઉપનિષદોના મંત્રોની જેમ ભગવાન દ્વારા કહેવાયેલા મંત્ર છે.

તેથી, જ્યારે અર્જુન શ્રીકૃષ્ણને ફરી એક વાર ગીતા સંભળાવવાનો આગ્રહ કરે છે ત્યારે તેઓ કહે છે કે હવે તે સંભવ નથી. ત્યારે સમરાંગણમાં કૃષ્ણ અર્જુનની મનઃસ્થિતિને જોઈને યોગની ઉચ્ચ અવસ્થામાં આરૂઢ થઈ ગયા હતા. ત્યારે અર્જુન યોગ્ય રીતે શ્રોતાના ગુણોથી યુક્ત હતો. આજે તેમાં યોગ્ય શ્રોતાની પાત્રતા નથી. આજે જે કંઈ તે કૃષ્ણને પૂછી રહ્યો છે, તેમાં પહેલાંના જેવી પીડા નથી, વ્યાકુળતા નથી. આજે તે માત્ર ઉત્સુકતાપૂર્વક જ પૂછી રહ્યો છે. અને અધ્યાત્મ-વિદ્યા, આ ગૂઢ યોગને માત્ર ઉત્સુકતાવશ અનુસરે છે, તેના માટે નથી. આજે અર્જુનના પ્રાણમાં ખળભળાટ નથી. એટલે જ કૃષ્ણ ફરી ગીતાનો ઉપદેશ નથી આપતા. કૃષ્ણ બહુ ઉદાર છે, તેઓ અર્જુનને એમ નથી કહેતા કે, “અર્જુન! આજે તારામાં ગીતા સાંભળવાની પાત્રતા નથી, એટલે નથી સંભળાવી રહ્યો,” પરંતુ કહે છે, “મારામાં સંભળાવવાની પાત્રતા નથી, આજે મારું ચિત્ત યોગયુક્ત નથી.” તેઓ શિષ્યનો દોષ પોતાના પર વહોરી લે છે.

તો ગીતા તેમના માટે છે, જેમની અંદર મંથન શરૂ થઈ ગયું છે. એનો અર્થ એ નથી કે જો વ્યાકુળતા ન હોય, જો ભીતર મંથન ન હોય, તો ગીતા વાંચવી જ ન જોઈએ. ગીતાનો પાઠ તો દરેક અવસ્થામાં કરી શકાય છે. ભડકામણી નવલકથાઓ અને વાર્તાઓ કરતાં ગીતાનું પઠન કરવું ચોક્કસ જ લાભદાયક છે અને સંભવ છે કે ધીરે ધીરે પાઠકના હૃદયમાં મંથન શરૂ થઈ જાય. પણ ગીતા-પાઠનો ખરેખરો લાભ તેમને જ પ્રાપ્ત થાય, જે સંસારનાં દ્વંદ્વોથી વ્યાકુળ થઈને માર્ગની ખોજમાં હોય, જે ખરેખર જ ઇન્દ્રિયો અને મનની ગુલામીથી ત્રાસી ગયેલા હોય અને તે ગુલામીનો અંત લાવવા ઇચ્છતા હોય.

કેટલાય લોકો માત્ર પાઠ કરવા ખાતર ગીતાનો પાઠ કરે છે. તેઓ પૂજા-ઉપાસનાનો એક ક્રમ બનાવી લે છે, જે અંતર્ગત રામાયણ કે ગીતાનું દરરોજ પારાયણ પણ થાય છે. આ કોઈ ખરાબ વાત નથી. એ સારું જ છે. પરંતુ આ પારાયણને જ સર્વસ્વ સમજી લેવું એ અયોગ્ય વાત છે. માત્ર પારાયણ કરવામાં આવે અને તેના મર્મ તરફ ધ્યાન ન હોય, તો આવું પારાયણ વિશેષ લાભદાયક સિદ્ધ નથી થતું. આમ તો પોપટને પણ રામાયણ કે ગીતાનો અંશ ગોખાવી દેવામાં આવે તો તે રામાયણની ચોપાઈઓ અને દોહા બોલી દેશે, ગીતાના શ્લોકનું રટણ કરશે, પણ તેથી શું? જ્યારે બિલાડી તેના પર હુમલો કરશે, ત્યારે તો તે ‘ટેં-ટેં’ જ કરશે, રામાયણ અને ગીતાના શબ્દો ભૂલી જશે. આપણે પણ મોટાભાગે પોપટ જેવા જ છીએ. ઘણા ઉપદેશોનું રટણ તો કરીએ છીએ, પરંતુ જ્યારે વાસ્તવિક જીવનમાં તે ઉપદેશોનો અમલ કરવાનો સમય આવે છે, ત્યારે આપણે પોપટની જેમ ‘ટેં-ટેં’ કરવા માંડીએ છીએ. એનાથી એમ ન સમજવું કે ગીતાનું પારાયણ વ્યર્થ છે. તાત્પર્ય એ છે કે પારાયણ પાછળ ભાવ હોવો જોઈએ—જીવનનાં શાશ્વત મૂલ્યો સમજવાનો ભાવ, જીવન-સંગ્રામ સમજવાનો ભાવ, હૃદયમાં ચાલતા દેવાસુર-સંગ્રામમાં દેવોને વિજયી બનાવવાનો ભાવ. જો આ ભાવ આપણને પારાયણ માટે પ્રેરિત કરતો હોય, તો સમજવું કે આપણે સાચા માર્ગ પર અગ્રસર થઈ રહ્યા છીએ.

Total Views: 147

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.