વાત એમ છે કે શાસ્ત્રો બહુ ભણવાની જરૂર નહિ. બહુ ભણીએ એટલે તર્ક, ચર્ચા, વાદ એ બધાં આવી જાય. નાગાજી મને ઉપદેશ આપતા કે ગીતા દસ વાર બોલવાથી જે થાય, તે જ ગીતાનો સાર! એટલે કે ‘ગીતા ગીતા’ દસ વાર બોલતાં બોલતાં, ‘ત્યાગી’ ‘ત્યાગી’ થઈ જાય. (૧.૫૭૪)

ગીતા આખી ભણ્યા વિનાય ચાલે. દસ વાર ‘ગીતા, ગીતા’ બોલ્યે જે થાય એ જ ગીતાનો સાર. અર્થાત્ ‘ત્યાગી.’ હે જીવ, બધું છોડીને ઈશ્વરની આરાધના કર. એ જ ગીતાની સાર વાત.(૧.૭૨૦)

જ્ઞાન-પ્રાપ્તિના અધિકારી બહુ જૂજ! ગીતામાં કહ્યું છે કે હજારો માણસોમાંથી કોઈ એકાદો ઈશ્વરને જાણવાની ઇચ્છા કરે. તેમજ વળી જેઓ ઇચ્છા કરે તેવા હજારોમાંથીયે એકાદો કોઈક ઈશ્વરને ઓળખી શકે. (૧.૫૯૬)

ગીતામાં છે કે જેને ઘણા માણસો માને, પછી એ વિદ્યાને માટે, ગાવા-બજાવવા માટે, લેક્ચર આપવા માટે, કે યા બીજા કશાને માટે હોય પણ જરૂર જાણજો કે તેનામાં ઈશ્વરની વિશેષ શક્તિ છે. (૧.૭૭૧)

ગીતામાં કહ્યું છે કે મરણ વખતે જેનું સ્મરણ કરે, પરલોકમાં પણ એ જ થાય. ભરત રાજાએ ‘હરણ’ ‘હરણ’ ચિંતન કરતાં શરીર છોડ્યું હતું એટલે હરણ થઈને જન્મ્યા. ઈશ્વર-ચિંતન કરતાં કરતાં દેહત્યાગ કરવાથી ઈશ્વર-પ્રાપ્તિ થાય અને આ સંસારમાં આવવું ન પડે. (૧.૭૭૮)

કર્મો ક્યાં સુધી કરવાનાં રહે? જ્યાં સુધી દેહ-અભિમાન હોય ત્યાં સુધી. અર્થાત્ દેહ જ હું છું એ ભાવના રહે ત્યાં સુધી. ગીતામાં આ વાત છે. દેહમાં આત્મ-બુદ્ધિ કરવાનું નામ જ અજ્ઞાન. (૧.૭૧૪)

સંસારમાં રૂપિયાની જરૂર છે ખરી, પરંતુ એને માટે એટલી બધી ચિંતા કરો મા. યદૃચ્છાલાભ એ જ સારું. સંચયને માટે એટલી ચિંતા કરો મા. જેઓ મન, પ્રાણ, ઈશ્વરને સમર્પણ કરે; જેઓ તેના ભક્ત, શરણાગત, તેઓ એ બધાની એટલી ચિંતા કરે નહિ. ‘યત્ર આય, તત્ર વ્યય,’ – એક બાજુથી પૈસા આવે, તો બીજી બાજુએ ખરચાતા જાય. એનું નામ યદૃચ્છાલાભ. એ ગીતામાં છે. (૧.૬૦૨)

(બંગાળી નાટકનો ઉલ્લેખ કરીને શ્રી‘મ’એ કહ્યું) ભવાની પાઠકે ગીતાનો શ્લોક ટાંકીને કહ્યું, ‘જે વ્યક્તિ સર્વત્ર મને જુએ છે અને સર્વ વસ્તુને મારામાં જુએ છે, તેની પાસે હું અદૃશ્ય નથી રહેતો, અને તે મારી દૃષ્ટિમાંથી દૂર રહેતો નથી. જે વ્યક્તિ જીવ અને બ્રહ્મના અભેદનો અનુભવ કરીને સર્વમાં રહેલા મને ભજે છે, તે ગમે તેવી અવસ્થામાં રહે, પણ તે યોગી મારામાં જ રહે છે. હે અર્જુન! સુખ હો યા દુ:ખ; જે પોતાની સમાન જ સૌના પ્રત્યે સમદૃષ્ટિ રાખે છે તે યોગી જ મારા મત પ્રમાણે સર્વશ્રેષ્ઠ છે.

‘આ બધાં ઉત્તમ ભક્તનાં લક્ષણ’, એમ કહીને શ્રીરામકૃષ્ણે સમર્થન કર્યું (૧.૮૪૬)

ગીતામાં યુક્ત આહારની વાત આવે છે. સાત્ત્વિક, રાજસિક અને તામસિક આહાર. વળી સાત્ત્વિક, રાજસિક અને તામસિક દયા; સાત્ત્વિક અહંકાર વગેરે બધું છે…..એમાં સર્વ શાસ્ત્રોનો સાર છે….. કર્મ-યોગનો અર્થ શો ખબર છે? બધાં કર્મોનું ફળ ભગવાનને સમર્પણ કરવું. (૨.૨૧૪)

જ્ઞાનીને માટે કશાનો દોષ નહીં. ગીતાના મત પ્રમાણે જ્ઞાની પોતે ખાય નહીં, કુંડલિનીને આહુતિ આપે. પણ ભક્તને માટે એમ નથી. (૧.૬૮૬)

ગીતા બધાં શાસ્ત્રોનો સાર. સંન્યાસીની પાસે બીજું કાંઈ ન હોય તો પણ નાની ગીતા તો હોય જ. (૨.૧૧૪)

‘જેવો રોગ તેવી દવા. ગીતામાં ભગવાને કહ્યું છે કે ‘હે અર્જુન, તું મારું શરણ લે, તને બધી જાતનાં પાપમાંથી હું મુક્ત કરીશ.’ પ્રભુના શરણાગત થાઓ, એ સદ્‌બુદ્ધિ આપશે, એ બધો ભાર લેશે. ત્યારે બધી જાતનો વિકાર નીકળી જશે. શું આ બુદ્ધિ દ્વારા ઈશ્વરને સમજી શકાય? એક શેરના લોટામાં શું ચાર શેર દૂધ સમાય? વળી પ્રભુ પોતે ન સમજાવે ત્યાં સુધી સમજાય? એટલે કહું છું કે પ્રભુના શરણાગત થાઓ. તેમની જેમ ઇચ્છા હોય તેમ કરે. તે ઇચ્છામય, માણસમાં તે શી શક્તિ છે?’ (૧.૩૭૧)

ચૈતન્યદેવ જ્યારે દક્ષિણમાં તીર્થભ્રમણ કરતા હતા ત્યારે તેમણે જોયું કે એક જગ્યાએ એક માણસ ગીતા વાંચે છે. બીજો એક માણસ જરા દૂર બેસીને તે સાંભળે છે અને રડે છે. તેની આંખમાંથી આંસુની ધારા વહે છે. ચૈતન્યદેવે પૂછ્યું, ‘તમે આ બધું સમજી શકો છો?’ પેલાએ જવાબ આપ્યો કે ‘મહારાજ? હું શ્લોક, ભાષ્ય વગેરે કાંઈ સમજી શકતો નથી.’ ‘ત્યારે તમે કેમ રડો છો?’ – ચૈતન્યદેવે પૂછ્યું. એટલે ભક્તે કહ્યું, ‘પ્રભો, હું જોઉં છું અર્જુનનો રથ; અને તેની સાથે ભગવાન અને અર્જુન વાત કરી રહ્યા છે. એ જોઈને મારાથી રડી જવાય છે.’ (૧.૬૦)

ગીતામાં જોયું નથી? અનાસક્ત થઈને સંસારમાં રહીને કર્મ કર્યે, બધું મિથ્યા જાણીને જ્ઞાન થયા પછી સંસારમાં રહ્યે, ઈશ્વર-પ્રાપ્તિ થાય. (૨.૩૫૨)

(શ્રીરામકૃષ્ણ કથામૃતમાંથી ઉદ્ધૃત)

Total Views: 4

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.