ॐ भूर्भुव: स्व:। ॐ तत्सवितुर्वरिण्यं भर्गो देवस्य धीमहि। धियो यो न: प्रचोदयात्
‘ઓમ્, અમે તે સવિતાના વરેણ્ય તેજનું ધ્યાન ધરીએ છીએ. તે આ માનવજગતમાં પરમતત્ત્વની પ્રાપ્તિ માટે ઉચ્ચતર જ્ઞાનના પ્રદેશમાં પ્રવેશવા માટે અમને પ્રેરણા આપો.’
વિશ્વસંસ્કૃતિમાં ભારતની ભૂમિકા હમેશાં માનવમાં રહેલી મૂળભૂત દિવ્યતાના ઉપદેષ્ટા તરીકેની જ રહી છે. સ્વામી વિવેકાનંદ ભારતના કર્તવ્યધર્મ તરીકે સંસ્કૃતિના આધ્યાત્મીકરણને ગણાવે છે. હાર્વર્ડમાં પશ્ચિમના શ્રોતાઓના આશ્ચર્ય વચ્ચે તેમણે ઉદ્ઘોષણા કરી હતી કે ‘માનવની ભીતરમાં મૂળથી જ રહેલી દિવ્યતાનું પ્રકટીકરણ થવું એ જ સંસ્કૃતિ છે.’ લંડનમાં પણ તેમણે કહ્યું હતું કે એ જ સંસ્કૃતિ સૌથી મહાન છે કે જેણે વધારેમાં વધારે સંખ્યામાં બુદ્ધો અને ક્રાઈસ્ટો જન્માવ્યા હોય.’
ભારતવર્ષ આ હાડમાંસના પરિચ્છિન્ન માનવદેહની ભીતર વસેલા અનન્તનો સદાય ઉપાસક અને આવાહક રહ્યો છે. જ્યાં સુધી માનવ પોતાના આ સ્થૂળ ભૌતિક દેહની મર્યાદાઓની પેલી પાર પહોંચવાનું નહિ શીખે ત્યાં સુધી, તેની ગમે તેટલી બૌદ્ધિક તેજસ્વિતા હશે, તો પણ તે કેવળ કાં તો સામાજિક પ્રાણી કે રાજકીય પ્રાણી અથવા તો દૈહિક પ્રાણી અથવા તો આર્થિક પ્રાણી કે પછી કોઈનો માત્ર હાથો જ બની રહેશે.
મનોદેહના આ સીમિત સંકુલમાંથી અનન્ત ચેતનાનું જાગરણ કેવી રીતે થાય? હજારો વર્ષોની આધ્યાત્મિક શોધયાત્રાઓ પછી વૈદિક ઋષિઓએ શબ્દબ્રહ્મની શક્તિની શોધ કરી. સંત પોલના કહેવા પ્રમાણે આ પરમ શબ્દનું રટણમાત્ર માનવમાં પરમાત્માનો આવિષ્કાર કરે છે; હાડમાંસના આ દેહમાં ચેતનાને જગાડે છે. આ પરમ શબ્દ તે ‘ઓમ્’ છે. ઉપનિષદોએ અલગ અલગ સેંકડો રીતે આ ‘ઓમ્’નો મહિમા ગાયો છે.
આધ્યાત્મિક જીવન તરફ ડગલાં માંડનારાઓ માટે ‘ઓમ્’ની અત્યંત વ્યાવહારિક સમજૂતી ગાયત્રીમંત્ર આપે છે. પ્રશ્નોપનિષદ ઉપદેશે છે કે આ ‘ઓમ્’નો જાપ માનવદેહમાં સૂર્યકિરણો દ્વારા શક્તિની તાજગી કાયમ રાખે છે. માનવજીવનના ત્રણેય સ્તરો – ભૂઃ એટલે સ્થૂલ ભૌતિક સ્તર, ‘ભુવઃ’ એટલે બૌદ્ધિક કે જ્ઞાનીય સ્તર અને ‘સ્વઃ’ એટલે આધ્યાત્મિક સ્તર-માં સફલતા અને સંપૂર્ણતા પ્રાપ્ત કરાવે છે. મહાનારાયોપનિષદ અને માંડૂક્યોપનિષદ તો વળી એથીય આગળ જઈને ઉપર્યુક્ત ત્રણેય સ્તરોની પેલી પાર સર્વવ્યાપક બ્રહ્મની અપરોક્ષ અનુભૂતિ, આ ‘અ, ઉ, અને મ’ના નીરવ જાપથી કેવી રીતે થાય છે, તેની રીત બતાવે છે. મહાનારાયણોપનિષદ કહે છે કે આ ‘ચતુઃશૃંગી સૌર’-ચાર શીંગડાવાળા વૃષભરૂપ ઓમ્ (અ, ઉ, મ અને શબ્દાતીતતા) માનવમાં દીપ્તિ જગાડે છે. કઠોપનિષદમાં તો આ ‘ઓમ્’નો મહિમા, મૃત્યુના દેવ પોતાના તેજસ્વી શિષ્ય નચિકેતાને સૌથી વધારે પ્રમાણમાં સંભળાવે છેઃ
‘હું તને આ સર્વોત્તમ તત્ત્વ વિશે ટૂંકમાં કહીશ. એ ‘ઓમ્’ છે. બધા વેદો (જ્ઞાન શાખાઓ), બધી જ આધ્યાત્મિક સાધનાઓ તપશ્ચર્યાઓ, ઈશ્વરને ઝંખતા સર્વ સાધકોની શોધ-યાત્રાઓ-વગેરે બધું જ છેવટે તો આ ‘ઓમ્’ તરફ જ આકર્ષાય છે.’
‘ઓમ્’ માનવનું પરિવર્તન કરી શકે છે – કરે છે. મર્યાદિત માનવની ભીતર અમર્યાદ-અનન્ત તત્ત્વ જાગવા માંડે છે. આ અનન્ત સત્-ચિત્-આનંદ-સ્વરૂપ તત્ત્વ જ ઈશ્વર કહેવાય છે. અને માનવના પરિચ્છિન્ન આત્મામાં જ આ અપરિચ્છિન્ન વૈશ્વિક ચેતના-બ્રહ્મ-ને જગાડવાનું રહસ્ય ઉપનિષદોએ આ ગાયત્રીમંત્રના જાપમાં શોધી કાઢ્યું છે. એ ગાયત્રીમંત્ર ‘ઓમ્’થી શરૂ થાય છે.
આ વિશ્વની બધી શક્તિઓના મૂળ સ્રોતરૂપે વૈદિક દૃષ્ટાઓ સમક્ષ સૂર્યદેવ જ હજરાહજૂર જણાયા હતા. અને એમાં તથ્ય પણ છે. કારણ કે માનવપ્રાણીઓને હમેશાં રોગો, અવરોધો અને મૃત્યુ સાથેના પોતાના અસ્તિત્વ માટેના સંઘર્ષમાં શક્તિના નિરંતર અને નિયમિત જાગરણની જરૂર પડે છે.
પરન્તુ, માણસમાં એક વાર આ શક્તિનો ઉદય થયો એટલે એ કાં તો આ વિશ્વનો વિનાશક બની જાય અથવા તો વિશ્વને હચમચાવી નાખનાર બુદ્ધ, ક્રાઈસ્ટ કે વિવેકાનંદ જેવો બની જાય! શક્તિ જાગી હોય, છતાં જો એ અધોગામી, વ્યક્તિગત સ્વાર્થપરાયણ, ઇન્દ્રિયરત, ભૌતિક અને કેવળ પ્રાણીસહજ મનોવૃત્તિઓના માર્ગે જ વહેતી હોય તો એ માત્ર માણસમાં રહેલ પશુત્વને જ વધારે પ્રમાણમાં અને વધારે અધ્યાત્મપૂર્વક પ્રકાશિત કરે છે. અને એનાથી ઊલટું જો એ શક્તિ ઉચ્ચતર જનકલ્યાણકારી અંતર્જ્ઞાન અને જીવનનાં વૈશ્વિક પરિમાણમાં વહેતી હોય, તો એ માનવમાં રહેલ ઈશ્વરને પ્રકટ કરી દે છે. હાડમાંસમાંથી હાડમાંસ જ ઉત્પન્ન થાય છે અને ચૈતન્યમાંથી ચૈતન્ય જ જન્મે છે. ઈશુ ખ્રિસ્તે કહ્યું છે કે જ્યાં સુધી તમારો ફરી વખત જન્મ નહિ થાય, ત્યાં સુધી તમે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરી શકશો નહિ.
ગાયત્રીમંત્ર એ હાડમાંસથી બનેલ માનવપ્રાણીને આપવામાં આવતી આધ્યાત્મિક પુનર્જન્મની દીક્ષા છે. આ ગાયત્રી મંત્રથી, જ્યારે માણસને દીક્ષિત કરવામાં આવે છે. ત્યારે માણસ ‘દ્વિજ’- બ્રાહ્મણ બને છે, એનો આધ્યાત્મિક પુનર્જન્મ થાય છે. આ મંત્રના વારંવાર ઉચ્ચારાયેલા શબ્દો વાસ્તવિક સત્ય બની રહે છે. આવા દીક્ષિત જનને ગાયત્રી પ્રેરણા આપે છે અને તેથી એની માનવીય શક્તિ, માનવવિશ્વની શ્રેષ્ઠતા-ભૂઃ, જ્ઞાનીય કે બૌદ્ધિક કર્મીઓના વિશ્વની શ્રેષ્ઠતા ભુવઃ અને સાધુ સન્તોના વિશ્વની શ્રેષ્ઠતા-સ્વઃ તરફ વળે છે. આવશ્યક્તા ફક્ત એટલી જ છે કે વિશ્વની સર્વ શક્તિના મૂળ સ્રોતરૂપ સૂર્યદેવ પાસેથી સંપાદિત કરેલી આ શક્તિને ઉચ્ચતર માનવીય માર્ગે પ્રવાહિત કરવી જોઈએ, એને ઊર્ધ્વગામી કરવી જોઈએ.(प्रचोदयात्)
પંજાબના પ્રદેશમાં પરિભ્રમણ કરતા સ્વામી વિવેકાનંદે એક રહસ્યમય ક્ષણે વૈદિક ઋષિમુનિઓ દ્વારા ગવાયેલું ગાયત્રીનું મહિમાગાન, બરાબર એ જ પ્રાચીનતમ સ્વરોમાં અને એ જ શબ્દોમાં સાંભળ્યું. પછી એ જ સ્વર એ જ મંત્ર તેમણે પોતાના ગુરુભાઈ સ્વામી અભેદાનંદને શીખવ્યા. (કંપ્લીટ વર્ક્સ, ૧/૧૮૫) એ મંત્રી આ પ્રમાણે છેઃ
‘आयाहि वरदे देवि त्र्यक्षरे बह्मवादिनि ।
गायत्रि च्छन्दसां मातर्ब्रह्मयोनि नमोऽस्तु ते ॥
‘હે ત્રણ અક્ષરવાળાં (અ,ઉ,મ્.), હે બ્રહ્મનો ઉપદેશ કરનારાં, હે વરદાન કરનારાં, હે દેવી, હે વેદમાતા, વિશ્વજનની હે ગાયત્રી, આપ પધારો. હું આપને વંદન કરું છું. આપ-ગાયત્રી તો સર્વવેદમંત્રોમાં શ્રેષ્ઠ છો.’
મહાનારાયણોપનિષદ ગાયત્રી વિશે, એના અર્થવિશે અને એનાં વિવિધ સ્વરૂપો વિશે લંબાણપૂર્વક કહે છે. દરેક માનવપ્રાણીમાં સ્વનઃ નિહિત શક્તિનું સુયોગ્ય પ્રકટીકરણ કરવા માટે એનું વિધાનાત્મક ઊર્ધ્વગામી સામર્થ્ય એમાં દર્શાવ્યું છે. માનવજીવનની સાર્થક્તા માટે અને સંસ્કૃતિની ઉન્નતિ માટે વૈદિક ઋષિમુનિઓએ આ ગાયત્રીની શક્તિ સંબંધે કેટલી અને કેવી બધી શોધયાત્રાઓ ચલાવી છે, તે નીચેના મંત્રો આપણને કહી જાય છેઃ
‘आयातु वरदा देवी अक्षरं ब्रह्म संमितम्
गायत्री छन्दसां मातेदं बह्म जुषस्व ॥
‘વેદાન્ત-ઉપનિષદો દ્વારા સંમિત-સુનિશ્ચિત એવા અવિનાશી બ્રહ્મ (નો ઉપદેશ કરવા માટે) સર્વ છન્દોની માતા ગાયત્રી અહીં આવો અને એ પૂર્વોક્ત પરબ્રહ્મ સાથે અમારું અનુકૂલન સાધો.’
‘ओमित्येकाक्षरं ब्रह्म । अग्निर्देवता ब्रह्म इत्यार्षम गायत्रं छन्दं परमात्म स्वरुपम् । सायुज्यं विनियोगम् । અગ્નિ એના દેવતા છે; “ઓમ્” એ એકાક્ષરી બ્રહ્મ છે, બ્રહ્મ એના ઋષિ પણ છે, એનો છન્દ ગાયત્રી છે, વિશ્વરૂપે પ્રગટ થયેલા સર્વવ્યાપી પરામાત્મા (પરમતત્ત્વ) સાથેની એકતા એનું પ્રયોજન છે.’
‘ओजोऽसि सहोऽसि वलमसि भ्राजोऽसि देवानां धाम्नामासि विश्वमसि विश्वायु: सर्वमसि सर्वायुरभिभूरां गायत्रीमावाहयामि छन्दर्षी नावाहयामि श्रियमावाहयामि गायत्रि या गायत्री छन्दो विश्वामित्र ऋषि: सविता देवताग्निमुखं ब्रह्मा शिरो विष्णुर्ह्रदयं रुद्र: शिखा पृथिवी योनि: प्राणापानव्यानोदानसमाना सप्राणा श्वेतवर्णा सांख्यायनसगोत्रा गायत्री चतुर्विंशत्यक्षरा त्रिपदा षट्कुक्षि: पंचशीर्षोपनयने विनियोगः ।’
‘હે ગાયત્રી, તમે શક્તિનું સારતત્ત્વ છો, તમે ધૈર્ય અથવા પ્રશમનશક્તિ છો; તમે શરીરબલ છો; તમે ભવ્ય છો; તમે સર્વદેવોનાં નામરૂપ અને ધામરૂપ છો; તમે સ્થાવર જગત છો; તમે સંપૂર્ણ જીવનવિસ્તૃતિ છો; અથવા તમે સર્વ જડ ચેતનનાં સ્વામિની છો; દરેક જીવિત પ્રાણી તમે જ છો; તમે સર્વનાં આયુષ્યસ્વરૂપ છો; અમારા બધા વિરોધીઓ પર તમે વિજય મેળવો છો; ‘ઓમ્’માં બતાવેલું સત્ય તમે જ છો. હું મારા હૃદયમાં ગાયત્રીનું આવાહન કરું છું; હું એના છન્દ અને ઋષિઓનું આવાહન કરું છું; હું એના દેવતાનું આવાહન કરું છું; હું સર્વાન્તર્ગત સરસ્વતીનું આવાહન કરું છું; ગાયત્રીનો છંદ ગાયત્રી છે; વિશ્વામિત્ર એના ઋષિ છે, સવિતા દેવતા છે, અગ્નિ મુખ છે, ચતુર્મુખ બ્રહ્મા એનું મસ્તક છે, વિષ્ણુ હૃદય છે, રુદ્ર શિખા છે, ॥ પૃથ્વી યોનિ છે, પ્રાણ-અપાન-વ્યાન-ઉદાન-સમાન એના પ્રાણ છે, શ્વેત એનો વર્ણ છે; જ્ઞાની ઋષિઓની એ સગોત્ર છે. આ ગાયત્રીના ચોવીસ અક્ષરો છે, ત્રણ એનાં ચરણો છે. એને છ કોશો કે કવચો છે. એનાં પાંચ મસ્તક છે અને ઉપનયનસંસ્કારમાં એનો વિનિર્યોગ થાય છે (વૈદિક છાત્રજીવનની દીક્ષામાં એનું પ્રયોજન છે).
આ ઉપાસનાના મુખ્ય ભાગમાં સાધકના પોતાના જ હૃદયમાં સૂર્યનાં તેજો ગોલકમાં સ્થિત એવી પરમાત્મસ્વરૂપ ગાયત્રીનું ધ્યાન સમાયેલું છે.
પરંપરાની રીતે એ દેવતાને પ્રાતઃકાળે ‘ગાયત્રી’નું, મધ્યાહને ‘સાવિત્રી’નું અને સાયંકાળે ‘સરસ્વતી’નું નામ આપવામાં આવ્યું છે. ‘ગાયત્રી’ શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે : ‘ગાયન્તં ત્રાયતે ઇતિ ગાયત્રી’— અર્થાત્ ‘જે એના મહિમાનું ગાન કરનારાનું રક્ષણ કરે છે તે ગાયત્રી છે.’ એ ગાયત્રીમંત્રનું રટણ કરનારને અનેક પાપોમાંથી બચાવે છે. એને ‘સાવિત્રી’ એવું નામ એટલા માટે અપાયું છે કે એ સૃષ્ટિમાં પ્રકાશ પાથરનાર સવિતૃદેવનું પ્રતિનિધિત્વ કરે છે એને જ વળી ‘સરસ્વતી’ નામ આપવાનું કારણ એ છે કે તે વાણીના રૂપમાં વિશ્વની અભિવ્યક્તિ કરે છે.
ગાયત્રીને જ સાવિત્રી અને સરસ્વતીનાં નામ આપવામાં આવ્યાં છે, એ વાત ઉપરથી કહી દીધી છે. સમગ્ર સૃષ્ટિના અંતસ્તલમાં રહેલા અને સૌને પ્રેરતા પરમાત્માને ‘સવિતૃ’ એવું નામ આપ્યું છે. અને એટલે એના મહિમાનો પરિચ્છેદ ‘સાવિત્રી’ કહેવાય છે. વેદોને ‘સરસ્’— તળાવ સાથે સરખાવ્યા છે, કારણ કે એ જીવન – જળ બક્ષે છે. અને એવા વેદીના સારતત્ત્વસ્વરૂપ ગાયત્રીને ‘સરસ્વતી’નું નામ પણ આપવામાં આવ્યું છે. ગાયત્રીની આ બન્ને પરિભાષાઓ (સાવિત્રી અને સરસ્વતી) પ્રાર્થનાના વિષય તરીકે અદકેરું મહત્ત્વ ધરાવે છે.
ત્યાર પછી ગાયત્રીમંત્રનું સ્વરૂપ વર્ણવવામાં આવ્યું છે. એને આઠ આઠ અક્ષરોવાળાં ત્રણ ચરણો છે. છ. વેદાંગોરૂપી એને છ કવચો છે. એને ચાર વેદોનાં અને પાંચમાં વેદ ગણાતા ઇતિહાસ-પુરાણનું એક મળીને પાંચ મસ્તકો છે ગાયત્રી – વિષયક આ વિસ્તૃત વર્ણનો ઉપનયનસંસ્કાર પામતા બટુક આગળ ગાવામાં આવે છે. અને પછી એને ગાયત્રીમંત્ર આપવામાં આવે છે :
‘ॐ भु: । ॐ भुव: । ॐ स्व: । ॐ मह: । ॐ जन: । ॐ तप: । ॐ सत्यम् । ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि । धियो यो न: प्रचोदयात् । ॐ आपो ज्योति रसोऽमृतं ब्रह्म भूर्भुवः स्वरोम् ।’
મહાનારાયણોપનિષદ આગળ કહે છે કે –
उत्तमे शिखरे देवि [जाते] भूम्यां पर्वतमूर्धनि ।
ब्राह्मणेभ्योऽभ्यनुज्ञाता गच्छ देवि यथासुखम् ॥
– ‘હે દેવી, જ્યાં સુધી બ્રાહ્મણો તમારું ફરી વખત આવાહન કરે, ત્યાં સુધી તમને ઠીક લાગે તેવા પૃથ્વી પરના સર્વોચ્ચ અને શુચિતમ ગિરિશિખરે અથવા તો કોઈ પણ ઉચ્ચ સ્થળે બિરાજો’ ‘स्तुता मया वरदा वेदमाता प्रचोदयन्ती पवने द्विजाता । आयुः पृथिव्यां द्रविणं ब्रह्मवर्चसं मह्यं दत्वा प्रजातुं ब्रह्मलोकम् ॥’
‘મારા વડે મહિમાગાન કરાયેલી, પવનની પેઠે સૃષ્ટિને દોરનારી, બે જન્મસ્થાનવાળી, વરદાયક વેદમાતા મને આ પૃથ્વી પર દીર્ઘજીવન, સમૃદ્ધિ અને વેદાધ્યયનની શક્તિ આપીને પછી ઉત્કૃષ્ટ ઉત્પત્તિવાળા બ્રહ્મલોકમાં જાઓ.’
અને એ જ મહાનારાયણોપનિષદમાં છેલ્લે આપણને મૂળ ગાયત્રીમાંથી નીપજેલા બાર ભેદો મળે છેઃ
१. पुरुषस्य विद्म सहस्राक्षस्य महादेवस्य धीमहि ।
तन्नो रुद्रः प्रचोदयात् ॥
‘આપણે એ પરમોત્તમ પુરુષને પિછાણીએ; અને જ્ઞાનની પ્રાપ્તિ માટે આપણે એ હજાર આંખવાળા મહાદેવનું ધ્યાન ધરીએ; એ જ્ઞાનદાતા રુદ્ર આપણને પ્રેરણા આપો-એમાં સ્થિર રાખો.’
જ્ઞાન અને સમજણ પર શાસન કરનાર શક્તિ અહીં રુદ્રને નામે વર્ણવાઈ છે. રુદ્ર જ્ઞાનના દાતા છે. અને એ રીતે એ સમગ્ર સૃષ્ટિના પ્રેરક છે. વિરાટ તરીકે તે અનેક આંખોવાળા છે, અને સમગ્ર સૃષ્ટિને વ્યાપી રહેલા પુરુષ છે. મહાદેવના સામાન્ય નામથી એનું અનન્ય દિવ્ય સ્વરૂપ અહીં વર્ણવાયું છે.’
२. तत्पुरुषाय विद्महे । महादेवाय धीमहि ।
तन्नो रुद्र: प्रचोदयात् ॥
‘એ પરમપુરુષને આપણે જાણીએ; એ માટે આપણે મહાદેવનું ધ્યાન ધરીએ; આપણને રુદ્ર પ્રેરણા આપો.’
३. तत्पुरुषाय विद्महे । वक्रतुण्डाय धीमहि ।
तन्नो दन्ति: प्रचोदयात् ॥
‘અમે એ પુરુષોત્તમને પિછાણીએ; એ માટે અમે વક્રતુંડનું ધ્યાન ધરીએ. દન્તિ અમને તે તરફ પ્રેરો.’
४. तत्पुरुषाय विद्महे । चक्रतुण्डाय धीमहि ।
तन्नो नन्दि प्रचोदयात् ॥
‘અમે તે પરમપુરુષને જાણીએ, તે માટે અમે ચક્રતુંડનું ધ્યાન ધરીએ; અમને નન્દિ તે તરફ દોરી જાઓ.’
५. तत्पुरुषाय विद्महे । महासेनाय धीमहि ।
तन्न: षण्मुख: प्रचोदयात् ॥
‘અમે તે પરમપુરુષને પિછાણીએ; તે માટે અમે મહાસેનનું ધ્યાન ધરીએ. ષણ્મુખ અમને તે તરફ પ્રેરો.’
६. तत्पुरुषाय विद्महे । सुवर्णपक्षाय धीमहि ।
तन्नो गरुड: प्रचोदयात् ॥
‘અમે તે પરમપુરુષને જાણીએ, તે માટે અમે સુવર્ણપક્ષનું (સોનાની પાંખોવાળાનું) ધ્યાન ધરીએ, ગરુડ અમને પ્રેરણા આપો.’
७. वेदात्मनाय विद्महे । हिरण्यगर्भाय धीमहि ।
तन्नो ब्रह्म प्रचोदयात् ॥
‘અમે વેદસ્વરૂપ પરમપુરુષને જાણીએ; તે માટે હિરણ્યગર્ભનું અમે ધ્યાન કરીએ. બ્રહ્મ અમને તે તરફ પ્રેરો,’
८. नारायणाय विद्महे । वासुदेवाय धीमहि ।
तन्नो विष्णुः प्रचोदयात् ॥
‘અમે નારાયણને જાણીએ; એ માટે વાસુદેવનું ધ્યાન ધરીએ; વિષ્ણુ અમને તે તરફ પ્રેરો.’
९. वज्रनखाय विद्महे तीक्ष्णदँष्ट्राय धीमहि ।
तन्नो नारसिँहः प्रचोदयात् ॥
‘અમે વજ્રનખ (લોઢા જેવા નખવાળા ૫૨મપુરુષ)ને જાણીએ, તે માટે તીક્ષ્ણદંષ્ટ્રનું ધ્યાન ધરીએ; નારસિંહ અમને તે તરફ પ્રેરો.’
१०. भास्कराय विद्महे । महद्द्युतिकराय धीमहि ।
तन्नो आदित्यः प्रचोदयात् ॥
‘અમે તે ભાસ્કરને જાણીએ; તે માટે મહાતેજ કરનારનું ધ્યાન ધરીએ, અમને આદિત્ય તે તરફ દોરી જાઓ.’
११. वैश्वानराय विद्महे लालीलाय धीमहि ।
तन्नो अग्निः प्रचोदयात् ॥
‘અમે તે વૈશ્વાનરને જાણીએ; તે માટે લાલીલનું ધ્યાન ધરીએ; અમને અગ્નિ તે તરફ પ્રેરો.’
१२. कात्यायानाय विद्महे । कन्याकुमारिं धीमहि ।
तन्नो दुर्गिः प्रचोदयात् ॥
અમે કાત્યાયનને જાણીએ; તે માટે કન્યાકુમારીનું ધ્યાન ધરીએ; અમને મા દુર્ગા તે તરફ પ્રેરી રહો.’
ભાષાંતર : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
Your Content Goes Here




