‘સોળે સાન…’ની જૂની કહેવત મુજબ, અગાઉ સોળ વર્ષની વયે પહોંચેલી વ્યક્તિ પુખ્ત ગણાતી. વેપારીનો દીકરો વેપારમાં લાગી જતો અને બ્રાહ્મણનો દીકરો કર્મકાંડ કરાવવા લાયક ગણાતો. કામારપુકુરવાસી ક્ષુદીરામના ત્રણ દીકરાઓમાંનો સૌથી નાનો, ગદાધર સને ૧૮૫૨માં સોળ વરસનો થઈ ગયો હતો. ભારતમાં મેકોલેના આગમન પછી આરંભાયેલી શિક્ષણ પદ્ધતિ હજી કામારપુકુર પહોંચી ન હતી. ત્યાંની ધૂળી નિશાળમાં ગદાધરે લેખનવાચનનો થોડો અભ્યાસ કર્યો હતો. સને ૧૮૩૬માં જન્મેલા ગદાધરને ગણિત પ્રત્યે જરા પણ રુચિ ન હતી. ગણિતમાં સંખ્યા આવે – ૪,૨૪, ૩૪… અને એ સંખ્યા સાથે મર્યાદા આવે: ૪ એટલે ચાર જ, નહીં ત્રણ કે નહીં પાંચ… ગદાધરને, કદાચ, મર્યાદાનું બંધન સ્વીકાર્ય ન હતું.

ગદાધરના પિતા અવસાન પામ્યા ત્યારે ગદાધરનું વય સાતેક વર્ષનું હશે. ઓગણીસમી સદીના એ પૂર્વાર્ધના અંતનાં વર્ષોમાં, ધીમું પરિવર્તન દેશમાં આવી રહ્યું હતું. ઈંગ્લેન્ડમાં ઉદ્યોગો ઝડપથી વિકસી રહ્યા હતા. એ ઉદ્યોગો માટે કાચા માલની માંગ મગરની મોંફાડની જેમ વધી રહી હતી અને એ ઉદ્યોગો જે માલ પેદા કરે તે માટે બજારો જોઈએ. પોતાની નાગચૂડ જેવા વહીવટ હેઠળના અને પોતાના દેશ – બ્રિટન – કરતાં ક્યાંય વધારે મોટી વસતિ ધરાવતા વિશાળ દેશ ભારતમાં અંગ્રેજોને એ બંને સગવડ મળી ગઈ. અહીંથી બધો કાચો માલ ઈંગ્લેન્ડ જવા લાગ્યો અને ત્યાંથી તૈયાર માલની આગબોટો અહીં માલ ઠાલવતી થઈ ગઈ. અનેક ગામડાંઓ ભાંગ્યાં. ત્યાં રોજીરોટીનો અભાવ વધવા લાગ્યો. ગદાધરના પિતાના અવસાન પછીથી થોડા જ સમયે ગદાધરના સૌથી મોટા ભાઈ રામકુમારને કોલકાતાની વાટ પકડવી પડી હતી.

પણ ઘરના મોભી હોઈને, રામકુમારને ઘરની અને નાના ભાઈ ગદાધરની ચિંતા રહેતી. ગદાધરના ભણતર ઉપર પૂર્ણ વિરામ મુકાઈ ગયું હતું. પારંપારિક કર્મકાંડ શીખી, યજમાનોને ત્યાં નાનામોટા, વિધિઓ કરાવી, સીધો અને દક્ષિણા કમાવાનું જરાય વલણ ગદાધરમાં ન હતું. ગામને પાદરે આવેલી ધર્મશાળાઓમાં આવતા સાધુબાવાઓના અવલોકનમાં એને વધારે રસ હતો. ‘દીકરો, બાવો તો નહીં બની જાય?’ એ ભય પણ ગદાધરનાં માને હતો. પણ લાડકા દીકરા પ્રત્યે એ આકરું વેણ કાઢી શકતાં  ન હતાં. જોકે, ગદાધરના વિનય વિવેકમાં કે અડોશપડોશીઓ પ્રત્યેના વર્તનમાં લેશમાત્ર અવિનય વર્તાતો ન હતો.

વડીલ બંધુ રામકુમાર માટે આ બાબત ચિંતાજનક હતી. કોલકાતાથી જ્યારે પણ એ કામારપુકુર આવે ત્યારે, કર્મકાંડ શીખવાથી આઘા રહેવાની, વળતરમાં પૈસા આવે કે સીધું આવે એવી ધાર્મિક ક્રિયાઓ શીખવાથી પણ આઘા રહેવાની ગદાધરની દૃઢ વૃત્તિ અને, ત્યાં આવતા જતા સાધુઓના સંગનું સેવન મોટા ભાઈને ગમતાં ન હતાં. એમના મનમાં વિચાર આવ્યો: ‘ગદાધરને મારી સાથે કોલકાતા લઈ જવો; ત્યાં એ મને ઘરકામમાં અને રસોઈમાં સહાય કરે; ‘ટોલ’ (પાઠશાળા)માં મારી પાસે ક્રિયાકાંડનું ભણે અને એ રીતે રોટલો રળવાની વિદ્યા એ મેળવે.’

ગદાધરના હિતની જ આ બાબત હોઈ, પોતાના લાડકા પુત્રને આંખથી ઓઝલ કરવામાં માતાએ, કદાચ કમને, સંમતિ આપી.

(૨)

ગદાધર પોતાના મોટા ભાઈ સાથે બ્રિટિશ હિંદની પાટનગરીમાં સને ૧૮૫૩માં ગયા તેને બે એક વર્ષ થયાં. ભારતના રાજકીય ઇતિહાસમાં ત્યારે ઉથલપાથલનું મંડાણ થઈ ચૂક્યું હતું. એ ઉથલપાથલથી કોલકાતા અને બંગાળ પ્રાંત ભલે અલિપ્ત રહ્યાં હતાં પણ, કોલકાતામાં કશુંક નવું જ રંધાઈ રહ્યું હતું.

કેવટ – માછીમાર – જ્ઞાતિની પણ અતિ સમૃદ્ધ એક મહિલાએ, સને ૧૮૪૭ આસપાસ, કાશીની જાત્રાએ જવાનો નિર્ધાર કર્યો અને એ માટે આઠદસ વહાણોમાં લાંબી યાત્રા માટેની સરસામગ્રી – સાત આઠ ગાયો સુધ્ધાં – એમણે લીધી. પ્રયાણની આગલી રાતે, એ રાણીને સ્વપ્ન આવ્યું: મા કાલીની મૂર્તિ એમની સાથે ખડી થઈ અને રાણીને એ કહેવા લાગી, ‘તું કાશી શા માટે જાય છે? મારે માટે અહીં એક મંદિર બંધાવ. હું તેમાં વાસ કરીશ.’ જાગ્રત થતાં રાણીએ કાશીયાત્રાના વિચાર પર પૂર્ણવિરામ મૂકી દીધું અને, માતાજીની ઇચ્છાપૂર્તિ માટે પ્રયાસ આદર્યો. મહાનગરી કોલકાતાની ઉત્તરે, સાતઆઠ કિલોમીટરને અંતરે, ગંગાકાંઠે વિશાળ જમીન લઈ, ત્યાં, માતાજીની ઇચ્છાનુસાર, કાલીમાતાનું મંદિર તેમણે બંધાવવા માંડ્યું.

પણ ઇચ્છા કરવી સહેલ છે તેટલો તેનો અમલ આસાન નથી. મંદિર તૈયાર થઈ ગયું. હવે, મૂર્તિપ્રતિષ્ઠા કરવાનું રહ્યું. સને ૧૮૪૭થી બંધાવા માંડેલું મંદિર સંકુલ લગભગ બંધાઈ ગયું હતું અને, યોગ્ય મુહૂર્ત અનુસાર, વિદ્વાન બ્રાહ્મણોના મંત્રોચ્ચારના નિનાદ સાથે મંદિરમાં મૂર્તિપ્રતિષ્ઠાપનનો વિધિ ગોઠવવા રાણીએ પ્રયત્ન આરંભ્યો. પણ, હિન્દુ ધર્મની જ્ઞાતિવાદની, રાણી હલકા – શૂદ્ર – વર્ણની હોઈ એને આવું મંદિર બાંધવાનો અધિકાર જ નથી તે બાબતની – દાંડી ઢોલ પર પડવા લાગી. જેટલા પંડિતોને રાણીએ વંદન કરી પૂછ્યું તે સૌનો એક જ જવાબ: ‘રાણી શૂદ્ર છે, એને મંદિર બંધાવવાનો અધિકાર નથી અને એ મંદિરમાં ઉચ્ચ વર્ણની કોઈ પણ વ્યક્તિ પગ પણ ન મૂકે.’

રાણીને હતપ્રભ કરી દે તેવી બાબત આ હતી. બધા પ્રખ્યાત પંડિતોનો આ જ મત હતો. પણ રાણી રાસમણિ નિરાશ થઈ હાથ જોડીને બેસી ના રહ્યાં. એમણે કામારપુકુરથી કોલકાતા આવેલા વિદ્વાન કર્મકાંડી રામકુમારની સલાહ માગી. રામકુમારની સલાહ તો બીજા પંડિતોની સલાહના જેવી જ હતી: ‘રાણી શૂદ્ર જાતિની હોઈ, એનાથી આવું પવિત્ર ધર્મકાર્ય કરી શકાય નહીં.’ પરંતુ, બીજા બધા પંડિતોની માફક રામકુમાર ત્યાં અટકી ના ગયા. એમણે રાણી રાસમણિને ઉપાય બતાવ્યો:

‘આ તમામ મિલકતનું દાન કોઈ બ્રાહ્મણને રાણી કરી દે તો તે પછી, મંદિરમાં માતાજીની મૂર્તિપ્રતિષ્ઠા કરવામાં કશો બાધ નથી.’

મોક્ષ મળ્યા જેટલો આનંદ રાણી રાસમણિને થયો હશે. આ માર્ગ બતાવનાર રામકુમાર પાસે જ રાસમણિએ ૧૮૫૫ની સાલમાં કાલીમંદિરમાં મૂર્તિપ્રતિષ્ઠાવિધિ કરાવ્યો. અનેક બ્રાહ્મણોને, કુટુંબીજનોને, સ્નેહીઓને, અભ્યાગતોને રાણીએ ભરપેટ જમાડ્યાં. બ્રાહ્મણોને સારી દક્ષિણાથી નવાજ્યા. જમવાથી દૂર રહેનાર એક વ્યક્તિ હતી – રામકુમારનો નાનો ભાઈ ગદાધર. ‘રાણી શૂદ્ર જાતિનાં હોઈ તેનું અન્ન ખાઈ ખોળિયું અપવિત્ર ના કરાય’ – આ એની દૃઢ માન્યતા હતી. પૈસા બે પૈસાના ચણામમરા ફાકી એણે પેટ ભર્યું. કાલીનો પોકાર એના બહેરા કાને નહીં પહોંચ્યો હોય.

પણ, ‘પહાડ મહમ્મદ પાસે ન જાય તો મહમ્મદ પહાડ પાસે જાય’ – એ કહેવત અનુસાર, પોતાનાથી વિમુખ રહેતા પોતાના પુત્રને માએ મંદિરમાં બોલાવ્યો. રામકુમારે એ મંદિરમાં પૂજારી તરીકે નોકરી લીધી અને એ ત્યાં જ રહેવા લાગ્યા. પછી ગદાધર પણ ત્યાં રહેવા ગયા. દાળિયા મમરા ફાકી પેટ ભરવાને બદલે, મંદિરમાંથી સીધો લઈ તેની રસોઈ ગંગાજળથી રાંધી કરી તેને જમતો કર્યો, તેને પોતાના પૂજારીપદે બેસાડ્યો…. અને એ રીતે, પોતાના પ્રેમભક્તિપાશમાં, ગદાધરને મા બાંધતાં ગયાં. 

એ એક વર્ષ પહેલાં કામારપુકુર છોડી ગદાધરે કોલકાતા પ્રયાણ કર્યું ત્યારે, એને કલ્પના હતી ખરી કે, મા કાલી પોતાને બોલાવી રહ્યાં છે? મોટા ભાઈની પાઠશાળામાં થોડું ભણવું, ઘરની સાફસફાઈ કરવી, રસોઈ કરવી, મોટા ભાઈએ ચીંધેલે ચાર પાંચ ઘેર જઈ દેવપૂજા કરવી: આ બધા કરતાં, દક્ષિણેશ્વરનું એમનું કામ જુદા પ્રકારનું હતું. રામકુમારે કે ગદાધરે કલ્પ્યું જ ન હોય તેવું આ કાર્ય હતું અને, મંદિરમાં માતાજીના પૂજારીની નોકરી લેનાર ગદાધર, નોકરી કરનાર પૂજારી મટી, માનો લાડકો પુત્ર બની ગયા, માના પ્રિય પાત્ર બની ગયા, માના અનન્ય ભક્ત બની ગયા.

પણ, ગદાધર – શ્રીરામકૃષ્ણદેવ – ની આ પ્રગતિ વિઘ્નદોડ કરતાં પણ કઠણ હતી. પૂજ્ય શ્રીમાનાં દર્શન માટે પોતાને ગળે માની કરવત મૂકવા એને તૈયાર થવું પડ્યું હતું; મા નિત્ય દર્શન આપે એ માટે આકરી તપસ્યા કરવી પડી હતી, મંદિરની ભોંય પર આળોટવું પડ્યું હતું, નાકલીટી ઘસવી પડી હતી. મંદિરમાંની કાલી માતાની મૂર્તિનું પૂજન કરતાં પણ, બધાં વિધિ-વિધાનોને એણે નેવે મૂક્યાં હતાં, માની પ્રતિમાને અર્પણ કરવાનાં પુષ્પો મંદિરમાંની પ્રતિમાને ચરણે કે મસ્તકે ચડતાં પહેલાં શ્રીરામકૃષ્ણને મસ્તકે ચડતાં! 

માને ધરાવવા માટે લઈ જવાતા પ્રસાદનો થાળ માને ધરાવાય તેની પહેલાં, ‘મા, પહેલાં હું ખાઉં એમ તું કહે છે? ચાલ, મેં આ ખાધું’ – આમ બોલી મા માટેના પ્રસાદના થાળમાંથી વીસ બાવીસનો આ ગામડિયો પૂજારી, બેએક કોળિયા પોતાના મોઢામાં મૂકી દેતો! આ સમગ્ર આચરણ શાસ્ત્ર વિરુદ્ધ હતું, ધર્મ વિરુદ્ધ હતું. આવું અધાર્મિક આચરણ કરનારને રુખસદ જ મળવી જોઈએ. પૂજારીઓમાંના કેટલાકે આ વિશે ફરિયાદ પણ કરી. રાણી રાસમણિના જમાઈ મથુરબાબુ મંદિરનો વહીવટ સંભાળતા હતા. એ જાતનિરીક્ષણ કરવાને આવ્યા. અને, પૂજાવિધિ કરતી વેળાનો, શ્રીમાને થાળ ધરાવતી વેળાનો ભાવ શ્રીરામકૃષ્ણના મુખ પર જોઈ એ એવા તો પ્રભાવિત થઈ ગયા કે, મંદિરનાં પગથિયાં ઊતરતાં એ બોલ્યા:

‘ભટ્ટાચારજી મહાશયને કોઈએ કશું કહેવાનું નથી કે કશું કરવાનું નથી. એમની પોતાની વિશિષ્ટ રીતે જ એમને પૂજા કરવા દેવાની છે.’

‘ભટ્ટાચારજી મહાશય’ની પૂજા જોતાં મથુરબાબુને લાગ્યું હતું કે, મંદિરમાંની મા કાલીની પ્રતિમા જીવંત છે અને ભટ્ટાચારજીની પૂજા જ એ પ્રેમથી સ્વીકારી રહી છે. મથુરબાબુને લાગ્યું હતું કે, ભટ્ટાચારજીની પૂજા જ સાચી પૂજા છે.

કામારપુકુર છોડી પાંચ સાત વરસો પહેલાં દક્ષિણના કોલકાતામાં પગ મૂકતી વેળા એ ‘ભટ્ટાચારજી’ ગદાધરને થોડી ખબર હતી કે પોતે આમ મા કાલીના પાશમાં બંધાઈ જશે? ને બંધાઈ જશે તે એવા કે, પછી, એ પાશમાંથી એમને મુક્તિ જ નહીં મળે? એ પાશ પોતાને માટે પરમ પ્રેમનો પાશ થઈ જશે? પણ, માની ભક્તિનો, માની વત્સલતાનો અનન્ય ગાળિયો ગદાધર – શ્રીરામકૃષ્ણ – ના ગળામાં બરાબર પડી ચૂક્યો હતો. એ તો ગદાધરને ગમતી બાબત હતી. એ માટે એ મંદિરની ફરશ પર, મંદિર ફરતી જમીનની ભોંય પર કેટલું આળોટયા હતા? નાનું, અબોલ શિશુ માની આંગળીએ વળગી રહે તેમ ગદાધર માને વળગી રહ્યા હતા. અને એ ‘વળગણ’ જીવનભરનો વ્યાપાર બની ગયું.

કેટલી સરળતાથી મા સાથે એ વાતો કરી શકતા હતા! ‘નરેન્દ્ર નારાયણનો અવતાર છે’, એ ઠાકુર બોલ નરેન્દ્રને સ્વીકાર્ય ન હતો તો, તરત એ મંદિરમાં દોડી ગયા હતા અને પોતાના બોલ વિશેની સચ્ચાઈની ખાતરી કરી લાવ્યા હતા. 

એક દહાડો કેશવ સેન સાથે બીજા બ્રાહ્મ ભક્તો કાલી મંદિરે આવી, થોડો સત્સંગ કરી ગયા તે ભેગા જ, ઠાકુર બોલી ઊઠયા હતા કે, ‘કેશવમાં જે તેજ છે તેના કરતાં અઢાર ગણું વધારે ધારદાર તેજ નરેન્દ્રમાં છે.’ એમના આ બોલનો જોરદાર વિરોધ કરનાર નરેને વાંધો ઉઠાવ્યો તો ઠાકુરે કહ્યું હતું: ‘આ કંઈ હું નથી બોલ્યો. માએ મારી પાસે આ બોલાવ્યું છે.’

અને, કેન્સરના અસાધ્ય રોગથી પીડાઈ, કાલીમંદિર છોડી તેઓ વરાહનગર અને કાશીપુરમાં ગયા અને ત્યાં, ગળાની અસહ્ય પીડાને કારણે એમનો ખોરાક ખૂબ જ ઘટી ગયો ત્યારે, એમના પ્રિય શિષ્ય નરેનના આગ્રહને વશ થઈ, પોતે બે કોળિયા વધારે ખોરાક ખાઈ શકે તેવી પ્રાર્થના કરવા તેમણે માને પ્રાર્થના કરી તો, તરત જ શ્રી માએ શિષ્યોનાં મોઢાં ચીંધી ઠાકુરને કહ્યું હતું: ‘તું આ બધાં મોઢાં વડે નથી ખાતો?’

મા સાથેનું આવું નૈક્ટય અનન્ય છે. કામારપુકુરનું ગામડું છોડી, મહાનગરી કોલકાતામાંના મા કાલીના અદૃશ્ય બોલતા બોલાવ્યા એ મહાનગરવાસી થનાર શ્રીરામકૃષ્ણના દક્ષિણાયાન પાછળનો નિગૂઢ હેતુ આ હતો.

Total Views: 142

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.