ઉદય પામી રહેલું નૂતન ભારત
જાગેલું ભારત હવે બધા ક્ષેત્રોમાં આગળ ધપી રહ્યું છે. સ્વામીજીએ જે ભવિષ્ય ભાખ્યું હતું કે પૂર્વે હતું તેના કરતાં પણ વધારે ગૌરવશાળી બનશે, તે હવે બની રહ્યું છે. એનાં ઘણા નક્કર ઉદાહરણો પ્રાપ્ત થઈ રહ્યા છે.
૧૧-૧૨-૯૮ના ગુજરાત સમાચારમાં આવ્યું હતું કે ‘લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સે’ એક અલગ પ્રકારનો સર્વે કર્યો-‘વિશ્વમાં સહુથી સુખી દેશ કોણ?’ આ સર્વેમાં આશ્ચર્યજનક પરિણામો આવ્યાં! જેની માથાદીઠ આવક કદાચ સહુથી ઓછી હશે તેવો બાંગ્લાદેશનો પહેલો નંબર હતો! જ્યારે માથાદીઠ આવક જેની વધારે છે, તેવા અમેરિકાનો ૪૬મો નંબર હતો! બ્રિટનનો ૩૨મો ક્રમ હતો, અને ભારતનો પાંચમો નંબર હતો. દુનિયાના સુખી દેશોમાં ભારત પાંચમા ક્રમે છે. એ ભારત માટે આનંદની વાત ગણાવી શકાય.
પહેલી ઓગસ્ટ ’૯૯ના ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં લેખ આવ્યો હતો. જેમાં લખ્યું હતું કે સમગ્ર વિશ્વમાં વૈદિક મેનેજમેન્ટ એક નવો મંત્ર બની ગયો છે. ફોર્ડ ફાઉન્ડેશન કંપની આજે વૈદિક મેનેજમેન્ટ અપનાવી રહી છે. મેનેજમેન્ટમાં ભારતીય મેનેજમેન્ટને ‘ફોર્થ વેવ’ કહેવામાં આવે છે. જેમાં પ્રથમ મોજું હતું બ્રિટિશ મેનેજમેન્ટનું બીજું મોજું આવ્યું અમેરિકન મેનેજમેન્ટનું, ત્રીજું મોજું આવ્યું જાપાનીઝ મેનેજમેન્ટનું, અને હવે છેલ્લે જે ચોથું મોજું આવ્યું છે તે છે, ભારતીય મેનેજમેન્ટનું – વૈદિક મેનેજમેન્ટનું. બાકીના બધા મેનેજમેન્ટોમાં પૈસો તો મળે છે, પણ શાંતિ મળતી નથી. હવે લોકો એવી કાર્યપ્રણાલી ઇચ્છે છે, જેમાં શાંતિ ને સમૃદ્ધિ બંને મળે. અને તે માત્ર વૈદિક મેનેજમેન્ટમાં જ મળે છે. આથી અમેરિકાની ઘણી મોટી કંપનીઓ આજે ભારતીય મેનેજમેન્ટ પ્રત્યે વળી રહી છે.
૨૪-૬-૯૯ના ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ‘લેબર ઓફ લવ’ નામનો લેખ આવ્યો હતો. તેમાં એમ જણાવ્યું હતું કે દીપક ચોપ્રાનો સિદ્ધાંત મોટી મોટી કંપનીઓમાં અપનાવવામાં આવી રહ્યો છે. હવે નફાનું ધ્યેય ગૌણ બનવા લાગ્યું છે. કંપનીઓમાં પણ હવે સુખશાંતિને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. આ રીતે હવે ભારતીય આધ્યાત્મિકતા પાશ્ચાત્ય દેશોના યંત્રવત્ અને જડ ગણાતા ઉદ્યોગોમાં પણ પ્રવેશી ચૂકી છે. પાશ્ચાત્ય દેશોની મોટી મોટી કંપનીઓના ડાયરેક્ટરો પણ હવે ‘આધ્યાત્મિક સલાહકારોની સલાહને અનુસરતા થઈ ગયા છે અને તેથી તેમને પોતાને અને કંપનીને ઘણો જ ફાયદો થયેલો જોવા મળે છે.’ બેરેટ -Barret- નામના એક નિષ્ણાત તો હવે ‘ફૂલટાઈમ’ આધ્યાત્મિક સલાહકાર બની ગયા છે. વર્લ્ડ બેંક, સ્વીઝ બેંક, અને અનેક મોટાં કોર્પોરેશનો તેમની આધ્યાત્મિક સલાહ સ્વીકારે છે. એથી સમસ્યાઓ જલ્દી ઊકલી જાય છે. જટિલતા ઓછી થઈ જાય છે અને પછી એવી કોઈ ગંભીર સમસ્યાઓ તો ઉદ્ભવતી જ નથી.
આજે નવું વૈશ્વિક અર્થકારણ ઉદય પામી રહ્યું છે. ‘ગ્લોબલાઈઝેશન’ શબ્દ ઘણો જ પ્રચલિત થઈ ગયો છે. આજે વિશ્વનો કોઈપણ દેશ એકાકી રહી શકે તેમ નથી. વિશ્વબજારમાં ભારતે પણ પોતાનું સ્થાન દૃઢ કરવાનું છે; પોતાની આગવી ઓળખ આપવાની છે. ભારત પોતાની આધ્યાત્મિકતા દ્વારા જ પોતાનું સ્થાન દૃઢ કરી શકશે. આધ્યાત્મિક ભારતીયકરણ દ્વારા જ ભારત મહાસત્તા બની શકશે. સો વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે ભારતને પશ્ચિમના વિજ્ઞાન અને ટેકનોલોજીની જરૂર છે. પણ તેના બદલામાં ભારત પાસે પશ્ચિમને આપવા માટે વેદાંતનું અમૃત છે. એક પ્રવચનમાં તેમણે કહ્યું હતું; ‘બીજી પ્રજાઓને આપણે ઘણી બાબતો શિખવવાની છે. આ ભૂમિ દર્શનશાસ્ત્રોની, આધ્યાત્મિકતાની નીતિધર્મની, મધુરતાની, મૃદુતાની અને પ્રેમની જનની છે. આ બધાં આ ભૂમિમાં હજી યે છે. અને મારો દુનિયાનો અનુભવ પાકા પાયા ઉપર ઊભો રહીને મારે મુખેથી હિંમતભર્યું નિવેદન કરાવે છે કે આ બાબતોમાં ભારત જગતની બીજી પ્રજાઓમાં મોખરે અને સહુથી આગળ પડતી પ્રજા છે.’
સ્વામી વિવેકાનંદનું આ અનુભવજન્ય નિવેદન આજે સાચું પડી રહ્યું છે. ભારત પાસે આજે જગતની પ્રજાઓને આપવા જેવું ઘણું ઘણું છે. ભારતની આધ્યાત્મિકતા આજે ભારતના સીમાડાઓને વીંધીને વિશ્વભરમાં વિસ્તરી રહી છે. દરેક ક્ષેત્રમાં તેનો અમલ થઈ રહ્યો છે. ડો. થિસનનું પુસ્તક ‘ધ રિથમ ઓફ મેનેજમેન્ટ’-વૈદિક જ્ઞાન ઉપર આધારિત મેનેજમેન્ટ ઉપર લખાયેલું છે. નેધરલેન્ડમાં આનો પ્રયોગ સફળતાપૂર્વક થઈ રહ્યો છે. શિકાગોની રિસર્ચ કોર્પોરેશનના સર્વેક્ષણ પ્રમાણે અમેરિકાની ૪૦% કંપનીઓ સ્ટ્રેસ મેનેજમેન્ટના રેગ્યુલર કોર્સ ચલાવે છે. સ્ટ્રેસ મેનેજમેન્ટ માટેની પાશ્ચાત્ય મનોવિજ્ઞાનની વૂડડોલ્સ, પંચિંગ બેગ્સ, હેટ ડાયરીઝ વગેરે પદ્ધતિઓ સદંતર નિષ્ફળ નીવડી છે. તે મુજબ વ્યક્તિ પોતાની લાગણીઓ – વૃત્તિઓને ખુલ્લી કરી દે એટલેે ટેન્શન જતું રહે, પણ આ પદ્ધતિથી તનાવ કાયમ માટે દૂર થતો નથી. આંતરિક શાંતિ પ્રાપ્ત થતી નથી. આ માટે પ્રયોગો દ્વારા સિદ્ધ કરેલો અકસીર ઉપાય ધ્યાનનો છે. એટલે હવે અમેરિકાની ઘણી કંપનીઓમાં ધ્યાનના કાર્યક્રમને ફરજિયાત બનાવવામાં આવેલો છે. ઓસ્ટ્રેલિયા, સ્વીડન અને જર્મનીમાં ‘પ્રેક્ટીકલ વેદાંત’ના વર્ગો નિયમિત રીતે ચાલી રહ્યા છે.
પશ્ચિમના લોકોને હવે ભારતનાં ઔષધશાસ્ત્ર અને આયુર્વેદમાં — ‘હર્બલ મેડિસીન’માં વિશેષ રસ જાગ્યો છે. અત્યાર સુધી એલોપેથિક દવાઓમાં જ તેમને શ્રદ્ધા હતી. પણ હવે તેઓ ‘ઓલ્ટરનેટ મેડિસીન’ અપનાવતા થયા છે. એલોપેથિક ને બદલે નેચરોપેથી, હોમિયોપેથી, આયુર્વેદ, એક્યુપ્રેસર, એક્યુપંક્ચર, યોગાસનો, ધ્યાન આ બધું સ્વીકારવા લાગ્યા છે, અમેરિકામાં ૧૨૫ મેડિકલ સ્કૂલમાંથી ૯૨ મેડિકલ સ્કૂલમાં આ ઓલ્ટરનેટ મેડિસીન ફરજિયાત શિખવવામાં આવે છે. ભારતના ડો. દીપક ચોપ્રાના પુસ્તક ‘એજલેસ બોડી એન્ડ ટાઈમલેસ માઈન્ડ’, ‘પરફેક્ટ હેલ્થ’ વગેરેની લાખો પ્રતો યુરોપ – અમેરિકામાં વેંચાઈ ગઈ છે. ડો. હર્બટ બેન્સને ‘રીલેક્સેશન રિસ્પોન્સ’ પુસ્તક લખ્યું છે, તેમાં જણાવ્યું છે કે ધ્યાન દ્વારા કેવી રીતે શાંતિ પ્રાપ્ત થાય છે અને રોગ દૂર થાય છે, તનાવ દૂર થઈ શકે છે, બ્લડ પ્રેસર ઓછું કરી શકાય છે, હૃદયના ધબકારાને ધ્યાન દ્વારા નિયમિત કરી બાયપાસ સર્જરીને બાયપાસ કરી શકાય છે. કેટલાય પાશ્ચાત્ય ચિંતકો અને વિદ્વાનો હવે યોગ અને ધ્યાન તરફ વળવા લાગ્યા છે અને કેટલાક તો કહે છે કે એકવીસમી સદી એ યોગ અને આધ્યાત્મિકતાની સદી હશે. તે ભારતની સદી હશે.
ભારત રત્ન ડો. અબ્દુલ જે કલામે પુસ્તક લખ્યું છે – ‘ઈન્ડિયા ૨૦૨૦-એ વિઝન ઓફ ધ ન્યુ મિલેનિયમ’આ પુસ્તકમાં ઈ.સ. ૨૦૨૦માં ભારત કેવું હશે તેનું ચિત્ર રજૂ કર્યું છે. તેમણે જણાવ્યું છે કે સ્પેસ ટેક્નોલોજીમાં ભારત પ્રથમ હશે. સેટેલાઈટ ટેક્નોલોજીમાં ભારત પ્રથમ હશે. બાયોટેક્નોલોજી, બાયોકેમિસ્ટ્રી, ઈકોનોમિક્સ, એગ્રીકલ્ચર અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં ભારત અગ્રીમ હશે. ૨૦૨૦માં ભારત વિકસિત દેશોમાં ચોથા સ્થાને હશે. વર્લ્ડ ઈકોનોમીક ફોરમે કરેલા સર્વેનું તારણ તો ભારતને પાંચ વર્ષની અંદર ત્રીજી મહાસત્તાના સ્થાને મૂકે છે. તેના મત મુજબ આર્થિક ક્ષેત્રે ભારત અમેરિકા અને ચીન પછી ત્રીજું સ્થાન પ્રાપ્ત કરશે. લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સે પણ આ જ વાતનું સમર્થન કર્યું છે, તેણે પણ જાહેર કર્યું છે કે આગામી પાંચ વર્ષમાં આર્થિક ક્ષેત્રે ત્રણ મહાન દેશો હશે, તે છે અમેરિકા, ચીન અને ભારત. આજે ભારત ઘઉંના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે. સોફટવેરના ઉત્પાદનમાં પણ ભારત હવે અમેરિકાને હંફાવી રહ્યું છે. ભારતની સોફટવેરની નિકાસ પ્રતિવર્ષ ૧૦,૦૦૦ કરોડ રૂપિયાને આંબી ગઈ છે. વળી તે દર વર્ષે ૪૦%ના વિકાસ દરે વૃદ્ધિ પામી રહી છે. સૌથી મોટા લશ્કરને ધરાવવામાં ભારત ચોથા ક્રમે છે. જ્યારે સૌથી મોટી લોકશાહી ધરાવવામાં પ્રથમ ક્રમે છે. વસ્તીની દૃષ્ટિએ ચીન પછી ભારતનો ક્રમ બીજો આવે છે. પરંતુ ભણેલા, અંગ્રેજી ભાષા બોલી શકે તેવા, એન્જિનિયર્સ, ડોક્ટર્સ, ટેકનોક્રેટ જેટલા ભારત પાસે છે, તેટલા વિશ્વના બીજા કોઈ દેશ પાસે નથી. ‘નેશનલ જોગ્રોફી’માં આ આંકડા આપવામાં આવ્યા હતા, તે પ્રમાણે ભારતમાં ૩૫ લાખ પ્રોફેશ્નલ્સ અને ૧૩ લાખ સ્કોલર્સ છે. અમેરિકામાં એકલા ‘નાસા’માં ૩૫% વૈજ્ઞાનિકો ભારતીય છે. તેમજ અમેરિકામાં ૩૨% ડોક્ટરો ભારતીય છે. ત્યાંની સીલીકોન વેલીમાં ૪૦ હજારથી વધારે ભારતીયો કામ કરે છે.
અમેરિકાની અત્યંત મહત્ત્વપૂર્ણ વૈજ્ઞાનિક સંસ્થા-‘નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટાન્ડર્ડ એન્ડ ટેક્નોલોજી’ના ડાયરેક્ટર પદે ભારતની ૩૨ વર્ષની યુવતી ડો. આરતી પ્રભાકરની નિમણૂક કરવામાં આવી તેના પછી તેણે એટલું સુંદર કાર્ય કરી બતાવ્યું કે ‘સ્પાન’ પત્રિકાએ તેની છબિ મુખપૃષ્ઠ પર છાપી. મેગ્સેસે એવાર્ડ પ્રાપ્ત કરનાર કિરણ બેદીને અમેરિકાના રાષ્ટ્રપતિએ ખાસ નિમંત્રણ આપી બોલાવ્યા હતા અને અમેરિકાની જેલોમાં પણ તિહાર જેલની જેમ કેવી રીતે પરિવર્તન આવી શકે તે માટે તેમની સલાહ લીધી હતી. હરિયાળી ક્રાંતિના પ્રણેતા અને ભારતને અન્ન ઉત્પાદનમાં સ્વાવલંબી બનાવનાર ડો. સ્વામીનાથન વિશ્વ વિખ્યાત કૃષિ વૈજ્ઞાનિક છે. આજે વિશ્વના દરેક ક્ષેત્રમાં ‘ધ ઈન્ડિયન જિનિયસ’નું જાદુ પથરાઈ ચૂક્યું છે. વિજ્ઞાનમાં નોબલ પુરસ્કાર વિજેતા ડો. હરગોવિંદ ખોરાના અને ડો.ચંદ્રશેખર, ડો.અબ્દુલકલામ, ડો. જયંત નારલીકર, વગેરે; સાહિત્યમાં ડો.વિક્રમ શેઠ, અરુંધતી રોય વગેરે; અર્થશાસ્ત્રમાં ડો.અમર્ત્ય સેન, ડો.જગદીશ ભગવતી વગેરે; સંગીતમાં સિતારવાદક પંડિત રવિશંકર, સંતુરવાદક પંડિત શિવકુમાર, ગાયક ભીમસેન જોશી વગેરે; પોતાની આગવી સિદ્ધિઓથી વૈશ્વિક ફલક ઉપર છવાઈ ગયા છે. ફેશનમાં પણ ભારતીય ફેશન ડીઝાઈનરોએ બનાવેલાં વસ્ત્રોની આજે વિશ્વમાં ભારે માંગ છે. ઋતુ બેરીના વસ્ત્રોની યુરોપ અમેરિકામાં ખૂબ જ માગ છે. તો ભારતીય કલાએ પણ પશ્ચિમના લોકોને મોહિની લગાડી છે. ભારતીય કલાકારોના સ્ટેજ શો હોય તો તેમાં ત્રણ ગણા વધારે લોકો આવે છે. પાશ્ચાત્ય કલાકારોના કાર્યક્રમોમાં એટલી સંખ્યા થતી નથી, એ જ બતાવે છે કે ભારતની કલામાં જે અભિજાત્ય, સંસ્કારિતા, તન, મન ને આત્માને પ્રફુલ્લિત કરીને, ભટકતી વૃત્તિઓને શાંત કરીને, આનંદમય સ્થિતિમાં મૂકી આપવાની શક્તિ રહેલી છે. તેના પ્રત્યે હવે વિશ્વના લોકો જાગી ઊઠ્યા છે. આથી જ પાશ્ચાત્ય લોકોને ભારતીય સંગીત અને કલા પ્રત્યે વિશેષ રુચિ જાગી છે. કેટલાય પાશ્ચાત્ય વિદ્વાનો અને વિદ્યાર્થીઓ આજે ભારતના સંસ્કૃતિ, ધર્મ સાહિત્ય અને કલાનો અભ્યાસ કરવા ભારતમાં આવી રહ્યા છે. જાણે તક્ષશિલા અને નાલંદા વિશ્વવિદ્યાલયના દિવસો જુદા સ્વરૂપે ફરીથી આવી રહ્યા ન હોય! આજે વિશ્વના લોકોને ભારતીય વાનગીઓ પ્રત્યે પણ એટલું જ આકર્ષણ જાગ્યું છે. વિદેશોમાં ભારતીય રેસ્ટોરાંમાં શાકાહારી વાનગીઓની ભારે માગ થઈ રહી છે. આમ વૈશ્વિક સ્તર પર આજે દરેક ક્ષેત્રમાં ભારતીયનું સ્થાન ઘણું મહત્ત્વનું બની ગયું છે. આમ એકવીસમી સદીનો હજુ પ્રારંભ પણ નથી થયો ત્યાં રેસ્ટોરાંથી માંડીને અવકાશ સુધી ભારત વિશ્વમાં વ્યાપ્ત બની ગયું છે.
પહેલી સપ્ટેમ્બર ૧૯૯૯ના ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં લેખ આવ્યો હતો. – How the West is being won – તેમાં જણાવવામાં આવ્યું હતું કે નાસાએ આપણા મહાન વૈજ્ઞાનિક ચંદ્રશેખરના નામ ઉપરથી તેના સ્પેસ ટેલિસ્કોપને નામ આપ્યું છે, ‘ચંદ્રા’. ભારતીય વૈજ્ઞાનિકનું આવું ગૌરવ આ પહેલાં ક્યારેય થયું નહોતું. તાજેતરમાં કારગિલના યુદ્ધમાં આપણે વિજય મેળવ્યો. અત્યંત વિકટ અને કુદરતની ભારે વિષમ પ્રતિકૂળતાવાળી સ્થિતિમાં જે કુનેહપૂર્વક આપણે યુદ્ધની વ્યૂહરચના કરી, તેમજ ભારે સંયમ જાળવીને સાવચેતીપૂર્વક લડાઈ લડ્યા અને અણુયુદ્ધથી વિરત રહ્યા એ જોઈને પશ્ચિમના દેશો આશ્ચર્યચકિત થઈ ગયા. કારગિલની પરિસ્થિતિને નજરે જોવા માટે, ભારતની આવી કુનેહભરી લડતને બિરદાવવા માટે અમેરિકાનાં સ્ટેટ સેક્રેટરી મેડલીન એબ્રાઈટ ભારત આવ્યા. હવે અમેરિકાને પણ એવી પ્રતીતિ થાય છે કે ભારતમાં જ એ શક્તિ રહેલી છે કે જે વિશ્વના દેશોને એક કરી શકશે. એક સૈકા પહેલાં – પંદરમી જાન્યુઆરી ૧૮૯૭માં કોલંબોના માનપત્રના પ્રત્યુત્તરમાં સ્વામી વિવેકાનંદે આપેલા ભાષણના શબ્દો ફરી જીવંત બની ગયા હોય તેવું લાગે છે. તેમણે કહ્યું હતું; ‘પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એ ચારે દિશાઓમાં આ પૃથ્વીને આવરી લેનાર તત્ત્વજ્ઞાનની ભરતીનો મહાજુવાળનો પ્રારંભ પૂર્વે આ ભૂમિ પરથી જ થયો હતો. અને દુનિયાની ભૌતિક સંસ્કૃતિને – જડવાદને આધ્યાત્મિક ઓથ આપનાર જુવાળનો આરંભ પણ હવે અહીંથી જ થવો જોઈએ. બીજા દેશોમાં લાખોના હૃદયના મર્મભાગોને બાળી રહેલો જડવાદનો ભડભડ બળતો દાવાનળ જેનાથી શાંત થઈ શકે તે જીવનદાયી શાંતિજળ આ ભૂમિમાં જ છે. મિત્રો! મારું કહેવું માનજો. આમ જરૂર થવાનું જ છે.’
અને આપણે હવે જોઈ શકીએ છીએ કે સ્વામી વિવેકાનંદે કહ્યું છે, તેમ જ અત્યારે થઈ રહ્યું છે. ભૌતિકવાદના અજંપ જીવનને પરમશાંતિમાં, સાચા આનંદમાં લઈ જનારાં ભારતનાં જીવનદાયી શાંતિજળને – વેદાંતના અમૃતને પીવા માટે આજે વિશ્વના દેશો તલસી રહ્યા છે.
૮મી ઓગસ્ટ-૯૯ના ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’માં જણાવવામાં આવ્યું હતું કે સોફટવેર ક્ષેત્રના બેતાજ બાદશાહ બિલગેટ્સ આજે વિશ્વના સૌથી વધુ ધનિક છે. તેમની પાસે એંસી બિલિયન ડોલરની સંપત્તિ છે. હવે તેમણે આ સઘળી સંપત્તિ ગરીબોને કલ્યાણ માટે દાનમાં આપી દેવાની જાહેરાત કરી છે. દાનની આ પ્રેરણા તેમને ભારતની મુલાકાતે આવ્યા પછીથી થઈ છે, એમ તેમણે જણાવ્યું હતું. તેમના પ્રેરણાસ્રોત એવા સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો તેઓ નિયમિત વાંચે છે એમ કોલકાતાના સમાચાર પત્રોએ જણાવ્યું હતું. સ્વામી વિવેકાનંદ જ્યારે ભૌતિક દેહમાં હતા ત્યારે તેમણે તે સમયના સૌથી વધુ ધનિક ઉદ્યોગપતિ રોકફોલરને આ ટ્રસ્ટીશીપ મેનેજમેન્ટનો સિદ્ધાંત શિખડાવ્યો હતો અને તેમને પોતાની સંપત્તિનો સદુપયોગ કરવાની, દાન આપવાની પ્રેરણા આપી હતી. આજે બિલ ગેટ્સ સ્વામી વિવેકાનંદનાં પુસ્તકોમાંથી એ જ પ્રેરણા પ્રાપ્ત કરી વિશ્વનો સૌથી મોટો દાનવીર બની રહ્યો છે!
વિશ્વના મહાન જ્યોતિષી ‘Noel Tyl’નું પુસ્તક છે – ‘Predictions for a New Millenium’ એમાં તેમણે ભારત વિશે ભવિષ્યકથન કરતાં લખ્યું છે: ‘India is going to be a key power in south east Asia in 2012’ ભારત ઈ.સ.૨૦૧૨માં દક્ષિણપૂર્વ એશિયામાં એક મહત્ત્વપૂર્ણ શક્તિ બનશે. જ્યોતિષીઓ પણ હવે ભારત મહાસત્તા બનશે તેની આગાહીઓ કરી રહ્યા છે.
‘James Redfield’ની ‘બેસ્ટ સેલર્સ’ બુક છે; ‘The Celestine Prophecy’-એમાં તેમણે લખ્યું છે કે વિશ્વમાં એક નવી ચેતના પ્રવેશી રહી છે. તેને લઈને એક નવી જાગૃતિ આવી છે. આ ચેતના તે આધ્યાત્મિક ચેતના છે. અનેક દૃષ્ટાંતો દ્વારા તેમણે આ આધ્યાત્મિક ચેતનાની સમજ આપી છે. આને લઈને સૂક્ષ્મ સ્તરે તો સમગ્ર વિશ્વમાં મહાન પરિવર્તન થઈ ચૂક્યું છે અને હવે તે ભૌતિકસ્તર પર આવિર્ભાવ પામી રહ્યું છે. આ આધ્યાત્મિક પરિવર્તનનું મૂળ સ્રોત ભારત છે.
મહાન ઈતિહાસકાર એર્નોલ્ડ જે. ટોયેન્બી કહે છે; ‘The present chapter had a Western begining, but if the world has to survive from self destruction, it must have an Indian end.’ તેઓ જણાવે છે કે ભારતીય સંસ્કૃતિ જ વિશ્વને વિનાશમાંથી બચાવી શકશે; સમ્ર્રાટ અશોક અને મહાત્મા ગાંધીના અહિંસાના સિદ્ધાંતો અને શ્રીરામકૃષ્ણદેવે પોતાના જીવનમાં સાક્ષાત્કાર કરેલા સર્વધર્મોના સમન્વયનો માર્ગ જ જગતને બચાવી શકશે.
સેમ્યુઅલ ડી. હન્ટીન્ગટનના નવા પુસ્તક ‘ધ ક્લેશ ઓફ સિવિલાઈઝેશન્’માં જણાવ્યું છે કે છેલ્લાં વીસ વર્ષમાં જેટલાં યુદ્ધો થયાં છે, તેમાના મોટા ભાગના બે દેશ વચ્ચેનાં યુદ્ધો નથી, પણ બે ધર્મો વચ્ચેનાં યુદ્ધો છે, ઈસ્લામ અને ક્રિશ્ચિયાનીટી વચ્ચેનાં યુદ્ધો છે. વિશ્વમાં ધર્મ ધર્મ વચ્ચે હુંસાતુંસી છે. તેથી ધર્મઝનૂનવાદ વકર્યો છે. તેને પરિણામે વિશ્વમાં અશાંતિ ને અસલામતિ પ્રવર્તે છે. તો આ સંપ્રદાયો વચ્ચેના ઝઘડાઓને નિવારવાનો ઉપાય શું? એનો ઉપાય ‘ધ ગોડ ઓફ ઓલ’ પુસ્તકમાં ક્લાઉડ એલન સ્ટાર્કે બતાવ્યો છે. તેમણે જણાવ્યું છે કે આધુનિક માનવ કોઈના ય કહેવાથી કંઈ સ્વીકારતો નથી. એને તો એવો નક્કર પુરાવો જોઈએ છે કે જે સિદ્ધ કરી આપે કે બધા જ ધર્મોનું સત્ય એક જ છે. શ્રીરામકૃષ્ણ પરમહંસે પોતાના જીવનની પ્રયોગશાળામાં બધા ધર્મોની સાધના કરી સિદ્ધ કરી આપ્યું કે બધા ધર્મો એક જ પરમ સત્ય પ્રત્યે લઈ જાય છે. તેઓ કહે છે કે આ યુગમાં શ્રીરામકૃષ્ણનો સર્વધર્મ સમન્વયનો સિદ્ધાંત જ જગતને ધર્મઝનૂનતામાંથી બચાવી શકશે. બોસ્ટન યુનિવર્સિટીના પ્રોફેસર ફ્રાન્સિસ જે કલુની કહે છે કે ‘સુસંવાદિતાભર્યું જીવન કેવી રીતે જીવવું એ આ યુગમાં શ્રીરામકૃષ્ણે શીખવાડ્યું છે. શ્રીરામકૃષ્ણ પાસે જવાથી ક્રિશ્ચિયન વધારે સારો ક્રિશ્ચિયન બની શકે છે.’
બોસ્ટન યુનિવર્સિટીના પ્રોફેસર દાઉદ મોહમદ રહબાર કહે છે કે આ યુગ લોકશાહીનો યુગ છે. હવે સરમુખત્યારશાહી નહીં ચાલે. સામંતો, રાજાઓ, જમીનદારો જેમ ગયા તેમ કોઈ એક ધર્મ સર્વોપરી છે, એ સ્થિતિ પણ હવે નહીં ટકે. એક માત્ર ભારતનું વેદાંત એવું છે કે જેમાં કોઈ વિશેષ ધર્મ કે રાજાની વાત નથી, પણ સર્વવ્યાપી સર્વજ્ઞ આત્માની વાત છે. તેમના મત પ્રમાણે આવનાર સદીમાં એકમાત્ર આવું ઉદાર અધ્યાત્મજ્ઞાન જ જગતને અસહિષ્ણુતા અને ધર્મઝનૂનતામાંથી ઉગારી શકશે.
૧૯૯૩માં કોલકાતામાં શિકાગો ધર્મસભાની શતાબ્દીની ઉજવણી વખતે નેતાજી ઈન્ડોર સ્ટેડિયમમાં ૨૦ દેશોના ૧૨૦ પ્રતિનિધિઓ એકત્ર થયા હતા. તેમાં જર્મનીની વેદાંત સોસાયટીના, સોનેરી દાઢીવાળા, શ્વેત ઝબ્બા અને પાયજામાના ભારતીય વસ્ત્રોમાં સજ્જ, પુરાણકાળના ઋષિ જેવા જણાતા, અધ્યક્ષ ઝાઈઝેક આવ્યા હતા. તેમણે જાહેરમાં કહ્યું: ‘અમને આ પુણ્યભૂમિ ભારતમાં આવીને અને અહીં નેતાજી ઈન્ડિોર સ્ટેડિયમમાં આવીને ખૂબ જ આનંદ થયો છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ પોતાના દેશની સ્વાધીનતાની શોધમાં અમારા દેશમાં આવ્યા હતા અને અમે આજે નેતાજી પાસે (નેતાજી સ્ટેડિયમમાં) અમારા આત્માની શોધમાં આવ્યા છીએ. કારણ કે ભારત પાસે જે આત્માનું જ્ઞાન છે, તેવું વિશ્વમાં ક્યાંય નથી.’ તેઓ ભારતના એ જ્ઞાનનો જર્મનીમાં પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે. ૨૫ વર્ષથી તેઓ જર્મનીમાં વેદાંત સેન્ટર ચલાવે છે. શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદના કેટલાંય પુસ્તકો અને માસિક પત્રિકા તેઓ જર્મન ભાષામાં પ્રકાશિત કરી રહ્યા છે. પરંતુ તેઓની અનેક વખતની માગણી હોવા છતાં જર્મનીમાં શ્રીરામકૃષ્ણ મઠ-મિશનની શાખા નથી. (અત્યારે ત્યાં સેન્ટર શરૂ થઈ ગયું છે.) કેમકે બેલુર મઠ પાસે અનેક દેશોથી કેન્દ્રો પ્રારંભ કરવા માટે વિનંતી કરવામાં આવી રહી છે, પરન્તુ સંન્યાસીઓની એટલી સંખ્યા ન હોવાથી આવાં લગભગ એક હજાર અનૌપચારિક કેન્દ્રો બેલુડ મઠના વિધિવત્ કેન્દ્રો બની શક્યાં નથી. તેમણે પોતાના વક્તવ્યમાં આશ્ચર્યજનક વાત કહી કે ‘અમે લોકોએ હવે નક્કી કર્યું છે કે, અમે અમારા સંન્યાસીઓને ઉત્પન્ન કરીશું. ત્યાં વેદાંત કેન્દ્રમાં જર્મન યુવતી હવે રોજ મંત્ર જાપ કરે છે, શ્રીરામકૃષ્ણ કથામૃત (જર્મન અનુવાદ) વાંચે છે, અને ભગવાનને પ્રાર્થના કરે છે કે, ‘હે ભગવાન મારા ગર્ભમાં જે બાળક છે, તેને સંન્યાસી બનાવો. મારા દેશને અત્યારે સંન્યાસીઓની જરૂર છે.’ આ છે યુરોપના દેશોની ભારતના જ્ઞાન માટેની તીવ્રતમ ઝંખનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ. આજે વિશ્વભરની માનવજાતના આત્મામાંથી પોકાર ઊઠી રહ્યો છે કે ભારત અમારા ઉપર વિજય પ્રાપ્ત કરે. કેમ કે એ વિજય જ વિશ્વને સાચી શાંતિ અને એકતા પ્રદાન કરશે એવી પ્રતીતિ સઘળા દેશો કરી રહ્યા છે.
જગદ્ગુરુ ભારત
સ્વામી વિવેકાનંદ ભારતને બહુ જ મહત્ત્વ આપતા. આથી કોઈએ તેમને કહ્યું કે, ‘તમે તો સંન્યાસી છો. તમારા માટે તો સમગ્ર વિશ્વ એક કુટુંબ સમાન હોવું જોઈએ, તેના બદલે તમે ભારતને આટલું બધું મહત્ત્વ કેમ આપો છો?’ ત્યારે તેમણે કહ્યું ‘વિશ્વના કલ્યાણ માટે તો ભારતને મહત્ત્વ આપી રહ્યો છું. કારણ કે જો ભારત બચશે તો જ વિશ્વ બચશે. સમગ્ર વિશ્વ ત્યારે જ બચે કે જ્યારે તે આધ્યાત્મિકતાનો સ્વીકાર કરે અને આ આધ્યાત્મિકતાની જનની છે ભારત.’ લાહોરમાં આપેલાં પ્રવચનમાં તેમણે ભારતના ઉદ્ધારની જરૂર ફક્ત ભારતના પોતાના માટે જ નથી, પણ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે છે, એ વાત કહેતાં જણાવ્યું હતું; ‘ભારતના ઉદ્ધાર પર આખી દુનિયાના કલ્યાણનો આધાર રહેલો છે. એનું કારણ છે, મારે તમને ખુલ્લે ખુલ્લું કહી દેવું જોઈએ કે પાશ્ચાત્ય સંસ્કૃતિના પાયા મૂળમાંથી જ હલી ગયા છે, ભલે ગમે તેવી મોટી મહેલાત હોય, પણ જો તે જડવાદના પોચા રેતીના પાયા પર બંધાયેલી હશે તો તે કોઈ દિવસે જમીનદોસ્ત થવાની જ છે. તેને રોવાનો વખત આવવાનો જ છે. જગતનો ઈતિહાસ એની સાક્ષી પૂરે છે.’ આ જડવાદના પોચા રેતીના પાયા ઉપર ઊભેલી સંસ્કૃતિને બચાવવાનો એક માત્ર રસ્તો એ પાયામાં ભારતની આધ્યત્મિકતાને રેડીને તે પાયાને મજબૂત બનાવી દેવામાં રહેલો છે. હવે એ સમય આવી પહોંચ્યો છે કે ભારતે પોતાના આધ્યાત્મિક વૈભવને ખુલ્લો કરી દેવો પડશે. સ્વામી વિવેકાનંદ કહે છે, ‘આત્મનો મોક્ષાર્થં, જગત્ હિતાય ચ । પોતાના કલ્યાણને માટે તો ખરું જ પણ સમગ્ર વિશ્વના કલ્યાણને માટે ભારતે હવે કટિબદ્ધ થવાનું છે. જગતના કલ્યાણનું દાયિત્વ ભારત ઉપર રહેલું છે. એ જવાબદારી વહન કરવા માટે ભારતના લોકોએ પુરુષાર્થ કરવો પડશે. પોતાની અંતર્નિહિત દિવ્યતાને જાગૃત કરવી પડશે. પોતાની આધ્યાત્મિક ચેતનાને વિસ્તારવી પડશે. જાણે કે સ્વામીજી ગર્જના કરી રહ્યા છે; ‘ઓ ભારત, તું તારા પગ ઉપર ખડો થઈ જા અને તારી આધ્યાત્મિકતાથી વિશ્વપર વિજય પ્રાપ્ત કર!’ સ્વામીજીનું જગદ્ગુરુ ભારતનું સ્વપ્ન સિદ્ધ થશે. ત્યારે પોતાનાં તેજોમય કિરણો દ્વારા સમગ્ર વિશ્વ પર જ્ઞાનમય પ્રકાશ રેલાવતી આપણી પ્રાચીન ભારતમાતા વિશ્વની સામ્ર્રાજ્ઞી બની પોતાના ગૌરવવંતા સિંહાસન પર વિરાજમાન હશે. અને ત્યારે એ જગતમાં યુદ્ધો નહીં હોય, ધર્મોના ઝઘડાઓ નહીં હોય, રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે ઈર્ષ્યા ને કલુષિતતા નહીં હોય, પણ હશે પ્રેમ અને બંધુતા, શાંતિ અને સમૃદ્ધિ. સમગ્ર માનવજાતિ ભારતમાતાના દૈવી પ્રકાશની છાયામાં સુરક્ષિત અને આનંદિત હશે. વિશ્વને આ સ્થિતિએ પહોંચાડવું એ ભારતનું લક્ષ્ય છે અને ત્યારે જ ભારતે વિશ્વપરનો સાચો વિજય મેળવ્યો ગણાશે.
તો ચાલો, આપણે સૌ સ્વામી વિવેકાનંદના આ સ્વપ્નને સિદ્ધ કરવા કાર્યમાં ઝંપલાવી દઈએ અને તેમના આહ્વાન – ‘ઊઠો, જાગો, અને ધ્યેયપ્રાપ્તિ થઈ જાય ત્યાં સુધી મંડ્યા રહો’ને લક્ષમાં રાખીને મંડ્યા રહીએ. સાથે સાથે સ્વામી વિવેકાનંદના ચરણોમાં પ્રાર્થના કરીએ, ‘સ્વામીજી, તમે સમસ્ત જગતના કલ્યાણ માટે ભારતના પુનર્જાગરણનું અને પોતાની આધ્યાત્મિકતા દ્વારા સમસ્ત વિશ્વ પર વિજય પ્રાપ્ત કરવાનું જે સ્વપ્ન સેવ્યું છે તેને ચરિતાર્થ કરવા માટેની શક્તિ અમને આપો.’ વાહ! ગુરુકી ફતેહ! ભારતમાતાકી જય!
Your Content Goes Here




