‘સ્વામીજી, મારે તો બધો જ વખત ધ્યાન કરવું છે. આ કામકાજની ઝંઝટમાંથી મુક્ત થઈ પરમાત્મામાં લીન થઇ જવું છે’
‘એમ કે!’
‘હા, આ કામકાજની વ્યસ્તતામાં ભગવાન ભૂલાઈ જાય છે. એથી બધું જ છોડીને અંતરમાં ભગવાનનું ધ્યાન સતત કરીશ તો સમાધિમાં ઈશ્વરદર્શન જલ્દી થઈ જશે.’
‘એમ’? સ્વામી તુરીયાનંદજી એ બ્રહ્મચારી યુવકની સામે જોઈને આશ્ચર્યથી કહ્યું.
‘ભલે બેટા, તારી એવી ઈચ્છા છે, તો એકાંત ધ્યાનનો અનુભવ પણ કરી લે. તને એવો ઓરડો આપું છું જ્યાં તુ આખો દિવસ ને રાત એકાંતમાં રહીને ધ્યાન કરી શકીશ. તને બે વાર ખાવાનું ત્યાં મળી જશે. બીજા કોઈ તને કોઈ જાતની ખલેલ નહીં પહોંચાડે.’ સ્વામી તુરીયાનંદજીએ વારાણસીમાં તે બ્રહ્મચારી સાધુને એકાંત ધ્યાન માટેની સગવડ કરી આપી. ઉત્સાહથી તે એકાંત ઓરડામાં ધ્યાન માટે ગયો. પણ થોડા દિવસો પછી સ્વામી તુરીયાનંદજીએ જોયું તો એ બ્રહ્મચારી પોતાના ઓરડાની બહાર નીકળીને ફળિયામાં રહેલાં પક્ષીઓ સાથે વાતો કરી રહ્યો હતો. સ્વામી તુરીયાનંદજી આ જોઈ ગયા. અને બ્રહ્મચારીને કહ્યું ‘બસ, આટલામાં તારા એકાંતવાસની ઈચ્છા પૂરી થઈ ગઈ? હવે તને સમજાઈ ગયું ને કે ચોવીસે કલાક ધ્યાન કરવું કેટલું કઠિન છે? જા, હવે જઈને તારું કામ સંભાળી લે. સવાર-સાંજ ધ્યાન કરવું. શાસ્ત્ર પઠન કરવું, નામ જપ કરવા. હરિ સંકીર્તન કરવું, અને સાથે સાથે નિષ્કામ કાર્ય કરવું તો મન છટપટશે નહીં.’ થોડા જ દિવસના એકાંત ધ્યાનના અનુભવે એ બ્રહ્મચારી સાધુને એવો તો અકળાવી મૂક્યો હતો કે તે જઈને ચૂપચાપ કામે વળગી ગયો.
આજના ભૌતિક યુગમાં કોઈ બધો જ વખત ધ્યાન કરી શકતું નથી. તેમ બધો જ વખત ભક્તિ કે નામસ્મરણ પણ કરી શકતું નથી. એ જ રીતે ઈશ્વરના વિચારમાં પણ કોઇ બધો સમય લીન થઈ શકતું નથી, તેમ બધો વખત સેવા પણ થઈ શકતી નથી. કેમકે, આજના યુગમાં મનુષ્યનું મન ચંચળ બની ગયું છે. એકાગ્રતા ઓછી થઈ ગઈ છે. બુદ્ધિ સ્થિર નથી. શરીર સ્વસ્થ નથી. એથી કોઇ વ્યક્તિ એક જ માર્ગ દ્વારા ઈશ્વર પ્રાપ્તિ ઝડપથી અને સહેલાઈથી કરી શકતી નથી. એ માટે તો બધા જ ઉપાયોને એક સાથે અજમાવવા જોઇએ.
આપણે હવે એકવીસમી સદીમાં પ્રવેશી રહ્યા છીએ. જેમ વીસમી સદી એ વિજ્ઞાન અને ટેક્નોલોજીની હતી, તેમ એકવીસમી સદી એ આધ્યાત્મિકતાની હશે તેમ પાશ્ચચાત્ય વિદ્વાનો પણ કહે છે. એકવીસમી સદીની આશ્ચર્યકારક શોધો એ વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રની નહીં હોય, પણ એ શોધો આધ્યાત્મ વિજ્ઞાનની હશે, માનવજીવનના રહસ્યોના ઉકેલ માટેની શોધો હશે. વિજ્ઞાને મનુષ્યને ભૌતિક સુખ-સગવડના સાધનો આપ્યાં છે, ચોવીસ કલાક મનોરંજન માટેની સગવડ કરી આપી છે, પણ વિજ્ઞાન મનુષ્યની હતાશાને દૂર કરી શક્યું નથી. તેના મન પરના તનાવ અને ભારને હટાવી શક્યું નથી. મનુષ્ય જેમ જેમ વિજ્ઞાનનાં સાધનો દ્વારા સુખ – શાંતિ શોધવાનો પ્રયત્ન કરે છે, તેમ તે અશાંતિ ને અજંપાના કળણમાં વધુ ને વધુ ખૂંપતો જાય છે. કોમ્પ્યુટરો, સુપર કોમ્પ્યુટરો, મોબાઇલ ફોન, ફેક્સ, ઈ-મેઈલ, સ્પુટનિકો, ઉપગ્રહો, સુપરસોનિક અને ઝડપી ગતિના કોન્કોર્ડ વિમાનો, ટી.વી. અને અનેકવિધ ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો, માઇક્રોટોપ્સ સાધનો વગેરે અનેક આશ્ચર્યકારક વસ્તુઓ સાથે આપણે એકવીસમી સદીમાં પ્રવેશીએ રહ્યા છીએ. એક સૈકા પહેલાં વીસમી સદીમાં પ્રવેશનારી માનવજાતિને કલ્પના પણ નહીં હોય કે વિજ્ઞાન અને ટેક્નોલોજી સો વર્ષમાં તો સમગ્ર વિશ્વનું ચિત્ર બદલી નાંખશે! આ ભૌતિક વિદ્યાની ઉજ્જવળ બાજુ થઈ, પણ બીજી બાજુ જોઈએ તો માનવજાતને પીડા આપતી જે સમસ્યાઓ વીસમી સદીના પ્રારંભે હતી તે સઘળી આજે પણ મોજુદ છે. એટલું જ નહીં પણ એ સમસ્યાઓ વધુ જટિલને વધુ વિકરાળ બની ગઈ છે અને ઘણી નવી સમસ્યાઓ તેમાં ઉમેરાઈ પણ છે. યુદ્ધો, આતંક, હિંસા, વેરઝેર અને ભયનું પ્રમાણ વધ્યું છે. સ્વાર્થ, સંકુચિતતા અને સત્તા લોલુપતાએ મનુષ્યની દૃષ્ટિને ધૂંધળી બનાવી દીધી છે. ઈચ્છાઓ, ભૂખો, વાસનાઓ વધુ વકર્યાં છે. સુખ સગવડના સાધનો વધ્યાં પણ સુખ વધ્યું નથી. મનુષ્યના જીવનમાં શાંતિ નથી, સલામતી નથી, સ્થિરતા નથી, છે ફક્ત દુ:ખો ને દુ:ખો. શરીરનાં દુ:ખો, મનનાં દુ:ખો, લાગણીઓનાં દુ:ખો, અભાવનાં દુ:ખો. આવી સ્થિતિથી તંગ આવી ગયેલી માનવજાતિ એકવીસમી સદીમાં ઝંખે છે, મૃગજળ જેવાં આભાસી સુખો નહીં, પણ સાચાં સ્થાયી સુખને. અને તે સાચાં સ્થાયી સુખનો માર્ગ છે, સમન્વયાત્મક યોગ.
સમન્વયાત્મક યોગ એ કંઈ નવો યોગ નથી કે અટપટી સાધના પદ્ધતિ નથી. પરંતુ તેમાં જ્ઞાન, ધ્યાન, ભક્તિ અને કર્મ – ઈશ્વર પ્રાપ્તિ માટેનાં આ ચાર મુખ્ય સાધનો છે, તે સઘળાંનો સમન્વય કરવામાં આવેલો છે. દરેક ધર્મમાં આ ચારમાંથી કોઈ એકને વિશેષ મહત્ત્વ આપવામાં આવેલું જોવા મળે છે. વૈષ્ણવ ધર્મમાં ભક્તિને પ્રાધાન્ય આપવામાં આવેલું છે. ખ્રિસ્તી ધર્મમાં પણ શરણાગતિની વાત આવે છે. તેમાં પણ ભક્તિને મહત્ત્વ આપેલું છે. ઈસ્લામ ધર્મ સલામ શબ્દથી બનેલો છે, અને સલામનો અર્થ છે, શરણાગતિ. જૈન ધર્મ જ્ઞાનમાર્ગી છે – તે આત્મ સાક્ષાત્કારમાં માને છે. જ્યારે બૌદ્ધ ધર્મ આત્મા – પરમાત્મામાં માનતો નથી, પણ તે પણ જ્ઞાનમાર્ગી જ છે કારણ કે, તેમાં કહેવાયું છે કે જીવન દુઃખથી ભરેલું છે. તેથી દુઃખ- મુક્તિનો ઉપાય શોધવાનો. છે. અને તે ઉપાય છે, નિર્વાણ. પાતંજલ યોગસૂત્રોમાં મહર્ષિ પતંજલિએ અષ્ટાંગયોગ (રાજયોગ)ની સાધના કરીને પરમપદની પ્રાપ્તિની વાત કરી છે. જેનાં સોપાનો છે : યમ, નિયમ, આસન, પ્રાણાયામ, ધ્યાન, ધારણા અને સમાધિ. તો કેટલાક નિ:સ્વાર્થ સેવા દ્વારા, અનાસક્તિપૂર્વક કર્મ કરીને પરમતત્ત્વને મેળવવાનો ઉપાય સૂચવે છે આ રીતે પ્રત્યેક ધર્મ કોઈ એક માર્ગનું અનુસરણ કરવા કહે છે, પછી તે ભક્તિનો માર્ગ હોય, જ્ઞાનનો કે પછી સેવાનો માર્ગ હોય. શ્રીરામકૃષ્ણ દેવ કહે છે કે આ દરેક માર્ગ ઈશ્વર પાસે લઈ જાય છે. જેને જે માર્ગ અનુકૂળ આવે, તે માર્ગ લઈ શકે છે.
પરંતુ, આધુનિક માનવને શીઘ્ર પરિણામ જોઈએ છે અને શીઘ્ર પરિણામ માટે તો તેની પાસેનાં બધાં જ સાધનોનો મહત્તમ ઉપયોગ કરવો જરૂરી છે. મેનેજમેન્ટનો સિદ્ધાંત પણ એ જ કહે છે કે Maximum Utilization of all resources. ઈશ્વરે આપણને આપેલાં સાધનો ચાર છે; મન, બુદ્ધિ, હૃદય અને શરીર. આ ચારેય સાધનોનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરીને ક્રમશ: રાજયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ અને કર્મયોગ આમ ચારે યોગો દ્વારા મનુષ્ય પોતાના અંતરમાં રહેલી દિવ્યતાને પ્રગટ કરીને જીવન જીવવું એ એકવીસમી સદીના મનુષ્યની અનિવાર્ય જરૂરિયાત બની રહેશે. આજના યુગમાં માનસિક તનાવ ખૂબ જ વધી ગયો છે. એટલે મનને શાંત અને સ્વસ્થ કરવા માટે, એકાગ્રતા કેળવવા માટે જરૂર છે, ધ્યાનની. ધ્યાનની મહત્તા આજે યુરોપ, અમેરિકાએ પણ સ્વીકારી છે. અમેરિકાની ૧રપ મેડિકલ સ્કૂલોમાંથી ૯૮ મેડિકલ સ્કૂલોમાં ધ્યાનનો વિષય ફરજિયાત કરવામાં આવેલો છે. ધ્યાનની સિદ્ધિ માટે છે રાજયોગ, જેની સાધનાથી ચિત્ત રૂપી સરોવરના બધા જ તરંગો શાંત થઈ જાય છે અને પછી નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ થાય છે. ત્યારે અનંત આનંદ અને અનંત જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. હંમેશા નામસ્મરણ કરવું. પ્રભુના શરણાગત બની રહેવું, એ છે ભક્તિ દ્વારા સાધનાનો માર્ગ. તો નિત્યાનિત્યનો વિચાર કરવો, આત્માના સ્વરૂપનું શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરતાં કરતાં એના સ્વરૂપને પામવું એ છે જ્ઞાનયોગ. એમાં તીક્ષ્ણ ને સૂક્ષ્મબુદ્ધિ જાગૃત થતાં ઈશ્વરના સ્વરૂપની સમજ પ્રગટે છે. ભગવાને મનુષ્યને સુંદર શરીર આપ્યું છે તો એ શરીર વડે ઈશ્વર માટે કામ કરવાનું છે, તો એ છે કર્મયોગ. આધુનિક માનવ પોતાના કોઈ એક કરણ દ્વારા પૂર્ણતાની પ્રાપ્તિ સરળતાથી નહીં કરી શકે. તેણે પોતાના આ ચારેય કરણોનો ઉત્તમોત્તમ ઉપયોગ કરીને ધ્યેય પ્રાપ્તિ સહજતાથી કરવાની છે.
સ્વામી વિવેકાનંદ આર્ષદૃષ્ટા પયગંબર હતા. તેમણે માનવજાતિના ભવિષ્યનું દર્શન કર્યું હતું. આવનારી સદીઓમાં ઝડપી ભૌતિક વિકાસની સાથે સાથે જો મનુષ્યની આંતર ચેતનાનો વિકાસ નહીં થાય તો માનવજાતિનું ભાવિ ભયમાં મૂકાશે, તે તેઓ પોતાની આંતરદૃષ્ટિથી જોઈ શક્યા હતા. એથી જ તેમણે આધુનિક માનવની આંતરશક્તિઓનો પૂરેપૂરો વિકાસ થાય તે માટે ચારેય યોગોનો સમન્વય કરીને સમન્વયાત્મક યોગ આપ્યો. શ્રીરામકૃષ્ણ મઠ-મિશનનું પ્રતીક ચિહ્ન જ્યારે બનાવવાનું હતું, ત્યારે સ્વામી વિવેકાનંદે આ પ્રતીકમાં ઉછળતા સાગરનાં મોજાં, ખીલેલું કમળ, ઊગતો સૂર્ય, સર્પ અને હંસના પ્રતીકો દ્વારા આધુનિક માનવજાતિનો આધ્યાત્મિક માર્ગ સૂચવી દીધો. પછી આ પ્રતીકો અંગે સ્પષ્ટતા કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘ચિત્રમાં દેખાતો ઉછળતો જળરાશિ કર્મનું, કમળ ભક્તિનું અને ઉદય પામતો સૂર્ય જ્ઞાનનું સૂચન કરે છે. ચિત્રમાં વીંટળાઈને રહેલો સર્પ યોગ અને જાગૃત કુંડલિની શક્તિનો પરિચાયક છે અને હંસ તે પરમાત્માનું પ્રતીક છે. આ પ્રતીકની પાછળ એવો ખ્યાલ રહેલો છે કે કર્મ, ભક્તિ, જ્ઞાન અને યોગના સમન્વય દ્વારા પરમાત્મ દર્શનની પ્રાપ્તિ થાય છે.’
આમાંના કોઈ એક માર્ગ દ્વારા પણ આત્મ દર્શન જરૂર થઈ શકે, પણ આધુનિક માનવ માટે કોઈ એક માર્ગના અનુસરણમાં ઘણાં જોખમો રહેલાં છે, જ્યારે ચારેય યોગોનો સમન્વય કરવાથી કોઈ એક માર્ગનાં જોખમોને નિવારી શકાય છે. વળી એકસાથે માનવના બધાં જ કરણોનો ઝડપથી વિકાસ થાય છે.
મનની એકાગ્રતા માટે અને તેના નિયંત્રણ માટે છે ધ્યાન. ધ્યાન એ રાજયોગનું સાતમું સોપાન છે. આથી મનુષ્ય પહેલી જ વાર ધ્યાનમાં બેસે ને કંઈ સીધે સીધું ધ્યાન લાગી જતું નથી. એ માટે લાંબી સાધના કરવી પડે. છે. યોગ્ય ગુરુના માર્ગદર્શન હેઠળ રાજયોગનાં બધાં સોપાનો – યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા ધ્યાન અને સમાધિ – ચઢવાં પડે છે. પછી છેવટે નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થાય છે. આ સ્થિતિમાં પછી બધું જ બ્રહ્મમય બની જાય છે. આ સિદ્ધિની પ્રાપ્તિ માટે સદ્ગુરુનો સાથ અને પવિત્ર વાતાવરણ, શુદ્ધ હવા, નીરવ શાંતિ અને સદ્ગુરુનું સાંનિધ્ય હોય તો પ્રાણાયામ જલ્દીથી સિદ્ધ થાય છે. કુંડલિની શક્તિ પણ જલ્દી જાગૃત થાય છે ને સમાધિ પણ પ્રાપ્ત થાય છે. પરંતુ ઘોંઘાટભર્યું શહેરી વાતાવરણ, પ્રદુષિત હવા, અને પ્રત્યક્ષ ગુરુના માર્ગદર્શન વગર ફક્ત પુસ્તકો વાંચીને પ્રાણાયામની સાધના કરવામાં આવે તો તેમાં મન સ્થિર થવાને બદલે ક્યારેક અસ્થિર થઈ જાય છે. ચિત્ત ભ્રમ પણ થઈ જાય છે. એકાએક કુંડલિની જાગૃત થઈ ઉંચે ચડી જાય અને પછી નીચે ન ઉતરે તો તેવા સાધકની સમતુલા તુટી જાય છે અને ઘણી વાર પાગલ પણ બની જાય છે. મેન્ટલ હૉસ્પિટલમાં મોકલવા પડે, તેવી સ્થિતિ સર્જાય છે. વળી ધ્યાનમાં રંગો દેખાય, દર્શનો થાય, પ્રકાશ દેખાય, ઉચ્ચભૂમિકાની અનુભૂતિઓ થાય અને સાધકની જો ચિત્તશુદ્ધિ થઈ ન હોય તો તે પોતાને મહાન માનવા લાગે છે. એમાંય જો થોડીઘણી સિદ્ધિ મળે તો તો તેને એમ જ થઈ જાય છે કે ‘મારા જેવું કોઈ નહીં.’ એમાં કોઈ કોઈતો પોતાની જાતને વળી ભગવાન માનવા લાગે છે. આવો પોતાની મેળાએ બનેલો અધકચરો સાધક પોતે તો નીચે પડે છે, પણ બીજાઓને પણ પાડે છે. એની સિદ્ધિઓ હોવાને કારણે અજાણતાં જ બીજાઓનું નુકશાન થઈ જાય છે અને તેનું ફળ તેણે ભોગવવું પડે છે. શ્રીરામકૃષ્ણદેવે આ સંદર્ભમાં એક ઉદાહરણ આપ્યું હતું: એક રાજયોગી સમુદ્ર કિનારે બેઠો બેઠો ધ્યાન કરતો હતો. સમુદ્રમાં તોફાન ઊઠેલું જોયું ને આ યોગીનું ધ્યાન તૂટી ગયું. તેણે જોયું સમુદ્ર ઉછાળા મારી રહ્યો હતો. તેણે પોતાની સિદ્ધિનો ઉપયોગ કર્યો ને કહ્યું: ‘તોફાન શાંત થઈ જાઓ.’ એની યોગસિદ્ધિને પરિણામે તોફાન શમી ગયું. પણ એકાએક તોફાન અટક્યું, તેમાં પેસેન્જરોથી ભરેલી એક સ્ટીમર પોતાની સમતુલા જાળવી ન શકી અને સમુદ્રમાં ડૂબી ગઈ. અસંખ્ય માણસો મરી ગયાં. આ માણસોના મૃત્યુનું કારણ પેલા યોગીની સિદ્ધિ હતી, આથી આ બધાનાં મૃત્યુનું પાપ એ યોગીને લાગ્યું. આમ રાજયોગના ભયસ્થાનો ઘણાં છે.
વળી આજના યુગમાં કોઈ લાંબો સમય સળંગ ધ્યાન કરી શકતું નથી. લોકો બે-ચાર કલાક ધ્યાન કરે તો પણ મનની સમતુલા જાળવી શકતા નથી. આથી ધ્યાનમાં ધીમે ધીમે આગળ વધવું જોઈએ. ધ્યાનની સાથે સાથે જ્ઞાન, ભક્તિ અને કર્મનું સંયોજન કરવાથી ધ્યાનના અતિરેકના દુષ્પરિણામોમાંથી બચી શકાય છે. અલબત્ત, રાજયોગ એ ઈશ્વર પ્રાપ્તિ માટેનો ‘શોર્ટ કટ’ – ટૂંકો માર્ગ છે. એ અષ્ટાંગ યોગના નિયમો પ્રમાણે કરતાં ખૂબ ઝડપથી ઈશ્વરપ્રાપ્તિ થઈ શકે છે, પણ આ માર્ગ જોખમી પણ એટલો જ છે. હિમાલયમાં તીર્થસ્થળોની યાત્રાએ જતાં, ત્યાં પણ બે પ્રકારના માર્ગો આવે છે. એક છે પહાડી માર્ગ, જેનો ઉપયોગ ત્યાંના સ્થાનિક લોકો અને ગુરખાઓ કરે છે. આ ખૂબ ટૂંકો માર્ગ હોય છે. પણ ભારે જોખમી છે, એટલે સામાન્ય મનુષ્યો એ માર્ગે જઈ શકતા નથી. કેમકે સહેજ સમતુલા ગુમાવી એટલે સીધા ખીણમાં નીચે અને પછી બચવાની શક્યતા જ રહેતી નથી. જ્યારે બીજો માર્ગ એ કંડારેલો માર્ગ છે, આ માર્ગ તો થોડો લાંબો, પણ સલામત છે. સામાન્ય લોકો આ સલામત માર્ગે જ જાય. છે. રાજયોગ એ જોખમથી ભરેલો ટૂંકો માર્ગ છે. આ માર્ગના ભોમિયા સમા સમર્થગુરુ સાથે ન હોય તો એમાં નીચે. પડવાની પૂરી શક્યતા રહેલી છે.
શ્રીરામકૃષ્ણ દેવના અંતરંગ શિષ્ય અને શ્રીરામકૃષ્ણ મઠના અધ્યક્ષ સ્વામી શિવાનંદજી પાસે એક યુવાન શિષ્ય જેને બધા છોટા નગેન કહીને બોલાવતા, તેણે રજા માગતાં કહ્યું ‘મહારાજ, મારે હવે કાયમ માટે તપશ્ચર્યા કરવા ઋષિકેશ ચાલ્યા જવું છે. મને રજા આપો.’ સ્વામી શિવાનંદજી માનવમનની પ્રકૃતિના જ્ઞાતા હતા. તેઓ જાણતા હતા કે કાયમ માટે તપશ્ચર્યા આની પ્રકૃતિને અનુકૂળ નથી. આથી તેમણે કહ્યું; ‘ભલે તું તપ કરવા જા, મારી નાં નથી. પણ કાયમ માટે નહીં, થોડા સમય માટે જા, પાછો આશ્રમમાં આવતો રહેજે.’ પણ નગેને એમનું કહેવું માન્યું નહીં. તે ઋષિકેશમાં રાજયોગની સાધના કરવા લાગ્યો. એનું પરિણામ એ આવ્યું કે તે પાગલ થઇ ગયો. બધો જ વખત ગુરુના પ્રત્યક્ષ માર્ગદર્શન વગર સતત ધ્યાન કરવામાં આવે તો ઘણી વખત આવું વિપરીત પરિણામ પણ આવી શકે છે.
મનુષ્યનું મન ખૂબ જ ચંચળ છે, એ બધો વખત સ્થિર અને એકાગ્ર રહી શકતું નથી. એટલે જ ધ્યાનની સાથે નિષ્કામ કર્મ અને સેવા કાર્યની પણ જરૂર છે. શ્રીરામકૃષ્ણ મઠ મિશનના દશમા પરમાધ્યક્ષ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે કહ્યું હતું કે સ્વામી વિવેકાનંદ કર્મયોગ પર બહુ જ ભાર મૂકતા હતા. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, ‘સાધુ-સંન્યાસીઓને રાજ્યોગ-જ્ઞાનયોગ–ભક્તિયોગ – જેને જે અનુકૂળ આવે તેની સાધના કરી શકે છે, પરંતુ, બધાને માટે એક યોગ તો ફરજિયાત છે, અને તે છે, કર્મયોગ.’ સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે જેઓ બીજાનાં દુઃખને દૂર કરવા કર્મો કરે છે, તેનાં પોતાનાં દુઃખ આપોઆપ દૂર થઈ જાય છે. જે બીજાને પ્રસન્ન કરે છે, તેને પોતાને પ્રસન્નતા આપોઆપ મળે છે. વળી કર્મ કરતાં કરતાં અન્યના દુઃખોને જોતાં સંસારની અસારતાનો અનુભવ થાય છે અને દુઃખમય સંસાર પ્રત્યે અનાસક્તિ કેળવાય છે. આ દુઃખોમાંથી મુક્ત કરનારી એકમાત્ર શક્તિ છે, તે છે ભગવાન. એની પ્રતીતિ વારંવાર થાય છે. એથી ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા દૃઢ બને છે. વળી કર્મના સિદ્ધાંત પ્રમાણે મનુષ્યે કરેલાં કર્મોનું ફળ અવશ્ય મળે છે. અન્યના દુઃખોને જોઈને એની પણ પ્રતીતિ થતાં દુષ્કૃત્યોમાંથી આપોઆપ છૂટી જવાય છે. આમ કર્મયોગ દ્વારા મનુષ્ય ઈશ્વરની નજીક ઝડપથી પહોંચી શકે છે. આથી જ સ્વામી વિવેકાનંદજીએ સંન્યાસી શિષ્યોને કહ્યું હતું કે ‘સવાર સાંજ તમે ગમે તે પ્રકારની યોગ સાધના કરો પણ દિવસ દરમિયાન તમારે નિષ્કામ કર્મો કરવાં જોઈશે. તેમાં કોઇ જ અપવાદ નહીં ચાલે.’ સ્વામી વિવેકાનંદ તો દૂરનું ભવિષ્ય જોઈ શકતા હતા. તેમણે પોતાની આર્ષદૃષ્ટિથી જોયું હશે કે અહીં શ્રીરામકૃષ્ણ મઠ – મિશનમાં ભવિષ્યમાં કેવી કેવી પ્રકૃતિ લઈને મનુષ્યો સાધુ બનવા આવશે, એટલે સર્વના માટે તેમણે નિષ્કામ કર્મ કરવાનું ફરજિયાત બનાવી દીધું. એમનો ઘડેલો નિયમ તો બધાંએ પાળવો જ પડશે.’ આ રીતે શ્રીરામકૃષ્ણ મઠ – મિશનના સાધુઓને પણ સેવાકાર્યો કરવાં જ પડે છે. એમાં કોઇ અપવાદ હોતો નથી. એક દિવસ એક બ્રહ્મચારીએ સ્વામી વીરેશ્વરાનંદજીને કહ્યું; ‘મહારાજ, હું આખો દિવસ માત્ર ધ્યાન કરીશ. કોઈ કામ નહીં કરું. ત્યારે તેમણે હસતાં હસતાં કહ્યું; ‘તો તો મારે તને રાંચી મોકલવો પડશે.’ (રાંચીમાં મોટી મેન્ટલ હોસ્પિટલ છે, ત્યાં ગાંડાઓની સારવાર થાય છે, એનો નિર્દેશ તેમણે આ રીતે કર્યો હતો.)
કર્મો દ્વારા મનુષ્ય પૂર્ણતાને જરૂર પ્રાપ્ત કરી શકે, પણ એ કર્મો સમત્ત્વબુદ્ધિથી થવાં જોઇએ. પૂર્ણતાની ભાવનાથી થવાં જોઇએ. આધુનિક યુગમાં કાર્ય માટે Zero defectનો આદર્શ રાખવામાં આવ્યો છે. બધાં લોકો ઉત્તમ ગુણવત્તાવાળાં કાર્યનો આગ્રહ રાખે છે. તે માટે ગીતાએ પ્રબોધેલા કર્મના માર્ગે ચાલવું પડશે. યોગઃ કર્મસુ કૌશલમ્ કર્મમાં કુશળતા દાખવવી એ યોગ છે. પણ સાચા યોગી બન્યા વગર કર્મમાં કુશળતા આવતી નથી, એ પણ હકીકત છે. એવી કુશળતા ત્યારે જ આવે છે, જ્યારે મન એકાગ્ર હોય, શાંત હોય, સ્થિર હોય, કાર્ય સાથે તદ્રુપ હોય. આવી રીતે કરેલું કાર્ય પાછું ઈશ્વરને અર્પણ રૂપ હોય, ત્યારે એ કાર્ય કાર્ય નથી રહેતું પણ યોગ બની જાય છે. અંતરની દિવ્યતાનો આવિર્ભાવ કરનાર બની રહે છે. આ રીતે થતાં કાર્યમાં પછી કોઇ ટેન્શન નથી રહેતું કેમકે એ કામ પછી કોઈને ખુશ કરવા નથી થતું, કોઈ દેખાવ માટે નથી થતું, કોઈ પ્રશંસા મેળવવા માટે નથી થતું, પણ ભગવાને માટે હોય છે એટલે એ કાર્ય દ્વારા સહજ આનંદની પણ પ્રાપ્તિ થાય છે. પણ કાર્યની પાછળ જો ફળની આશા આવી તો એ કર્મ બંધન બની જાય છે. ધાર્યું ફળ ન મળે એટલે દુઃખ થાય છે. એટલે જ ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં અર્જુનને કહ્યું કે, ‘અર્જુન, તારે કર્તવ્ય કર્મ કરવાનું છે. ફળની ચિંતા કરવાની નથી.’ જેઓ અનાસક્તિપૂર્વક, સમત્વબુદ્ધિથી પોતાનું કર્તવ્ય કર્મ બરાબર સારી રીતે કરે છે, તેમની વરસોથી તપશ્ચર્યાથી જે સિદ્ધિયોગીઓને નથી મળતી તેવી સિદ્ધિ તેઓ સહજપણે પ્રાપ્ત કરી શકે છે.
પરંતુ કર્મયોગનું પણ ભયસ્થાન છે. જો સૂક્ષ્મ વાસનાઓ અને અહંકાર નિર્મૂળ ન થયાં હોય તો કર્મયોગમાં પણ અભિમાન આવી જાય છે. વ્યક્તિના મનમાં એવું વલણ આવી જાય છે કે ‘હું કેટલી બધી સેવા કરું છું. લોકોનું કલ્યાણ કરું છું.’ પછી પ્રસિદ્ધિનો મોહ પણ આવી જાય છે. ‘બધાં લોકોએ મારાં સેવાકાર્યની કદર કરવી જોઇએ, મને માન આપવું જોઈએ.’ આવી ભાવના એના મનમાં દૃઢ બને છે. પ્રસિદ્ધિની ઝંખનાથી. એ કર્મયોગમાંથી કર્મભોગમાં સરી પડે છે. આવા પ્રકારે કરેલાં કર્મો મનુષ્યોને આધ્યાત્મિક માર્ગમાંથી દૂર લઈ જાય છે.
આથી ચિત્તશુદ્ધિ માટે, અંતઃકરણની નિર્મળતા માટે ધ્યાનની આવશ્યકતા પણ સેવાકાર્યો સાથે એટલી જ મહત્વની છે અને જ્ઞાનની પણ એટલી જ જરૂર છે. શ્રીરામકૃષ્ણ દેવ કહે છેઃ ‘હંમેશા સત્ અસત્નો વિચાર કરવો. ઈશ્વર જ સત્ એટલે નિત્ય વસ્તુ, બીજું બધું અસત્ એટલે અનિત્ય. એવી રીતે વિચાર કરતાં કરતાં અનિત્ય વસ્તુનો મનમાંથી ત્યાગ કરવો.’ આ છે જ્ઞાનયોગ. આ યોગમાં ઈશ્વરના સ્વરૂપનું ચિંતન કરતાં કરતાં તેની સાથે તદ્રુપ બનવાનું છે. ‘અહં બ્રહ્માસ્મિ’, ‘પ્રજ્ઞાનં બ્રહ્મમ્’, ‘તત્ત્વમસિ’, ‘સોઽહમ્’, ‘ચિદાનંદ રૂપ: શિવોઽહં શિવોઽહં’, આ મંત્રો પર ચિંતન મનન કરતાં કરતાં પછી તેની અનુભૂતિ થવા લાગે છે. અજ્ઞાનનો પરદો હટી જતાં એ પરમતત્ત્વની અનુભૂતિ થાય છે અને પછી તો જ્ઞાન સહજ બની જાય છે. પણ જ્યાં સુધી આ અંતિમ સ્થિતિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સજાગપણે પ્રયત્ન ચાલુ રાખવા જોઈએ. નહીંતર અધૂરા જ્ઞાનયોગીઓમાં પણ અભિમાન આવી જાય છે કે ‘મારા જેવો જ્ઞાની કોઇ નહીં.’ પછી તે બીજા મનુષ્યોને તુચ્છ માનવા લાગે છે. વળી તેનો સ્વભાવ પણ ઉગ્ર બની જાય છે. તેની સહનશક્તિ ઓછી થઇ જાય છે. તે બધા તરફ વાતવાતમાં ગુસ્સે થઈ જાય છે. શ્રીરામકૃષ્ણ દેવના જ્ઞાનમાર્ગના ગુરુ તોતાપુરી હતા. તેમણે શ્રીરામકૃષ્ણને સંન્યસ્તની દીક્ષા આપી હતી અને નિર્ગુણ નિરાકારનું ધ્યાન શીખવાડ્યું હતું અને તેને પરિણામે શ્રીરામકૃષ્ણ દેવ ત્રણ દિવસ સુધી નિર્વિકલ્પ સમાધિમાં રહ્યા હતા. આ ગુરુ તોતાપુરી જ્ઞાની તો હતા પણ ક્રોધી પણ એટલા જ હતા, એક દિવસ તેઓ ધૂણી ધખાવીને ધ્યાન કરવા બેઠા. પાસે શ્રીરામકૃષ્ણ પણ બેઠા હતા. એવામાં કોઈ ભક્તે એ ધૂણીમાંથી અંગારો લીધો. તોતાપુરીએ એ જોયું. ધ્યાનમાંથી ઊભા થઈ ગયાને ચીપિયો લઈને તેને મારવા દોડ્યા.
આ જોઈને શ્રીરામકૃષ્ણ ખડખડાટ હસી પડ્યા ને બોલ્યા; ‘કહાં ગયા તુમ્હારા જ્ઞાન?’ ‘સર્વમ્ ખલુ ઈદમ્ બ્રહ્મ’ આમ તો તોતાપુરીના શિષ્યે આ શબ્દો ઉચ્ચાર્યા હતા, એથી તેમનો ગુસ્સો વધવો જોઈતો હતો, પણ એ શિષ્યની ભૂમિકા પોતાના કરતાં પણ ઘણી ઊંચી છે, તે તોતાપુરી જાણતા હતા, એટલે તેમણે શ્રીરામકૃષ્ણને કહ્યું; “ઠીક કહા, તુમને ઠીક કહા – આજ સે કભી ગુસ્સા નહીં કરૂંગા.’ એમ કહીને તેમણે તે જ ક્ષણે ક્રોધનો ત્યાગ કરી દીધો. પરંતુ જ્ઞાનમાર્ગના બધા સાધકોને શ્રીરામકૃષ્ણ દેવનાં આવાં પ્રત્યક્ષ સાંન્નિધ્યનું સદ્ભાગ્ય સાંપડતું નથી. એટલે જ્ઞાનમાર્ગમાં પણ પતનની પૂરી શક્યતા રહેલી છે. શ્રીરામકૃષ્ણ દેવ જ્ઞાનમાર્ગીને વાંદરીના બચ્ચાની સાથે સરખાવે છે. વાંદરીનું બચ્ચુંપોતાની માને પકડી રાખે છે. એટલે બચ્ચાંની પકડ ક્યારેક ઢીલી પણ થઈ જાય અને વખતે છૂટી પણ જાય તો બચ્ચું પડી પણ જાય. જ્ઞાનમાર્ગમાં વ્યક્તિએ પોતાની જાતે પરમતત્ત્વની શોધ કરવાની છે. સ્વપ્રયત્નથી બધું કરવાનું છે. એટલે એમાં પતનની પૂરી શક્યતા રહેલી છે. વળી આ માર્ગ સાધકને શુષ્ક, નીરસ અને અન્ય પ્રત્યે કઠોર અને ઉદાસીન બનાવી દે છે. આથી જ્ઞાનની સાથે પ્રેમ અને ભક્તિની પણ એટલી જ જરૂર છે.
ભક્તિ એટલે મનુષ્યના હૃદયમાંથી ઊઠતી અને પરમાત્મા પ્રત્યે જતી પ્રેમની સરવાણી. આ પ્રેમ દ્વારા અનેક ભક્તોએ પરમાત્માને પોતાના બનાવ્યા છે. ભક્તિ દ્વારા સાધના એટલે ભક્તિ યોગ. સ્વામી વિવેકાનંદ કહે છે, ‘ભક્તિ યોગ સ્વાભાવિક મધુર ને નમ્ર છે. જ્ઞાનયોગીની જેમ તે ઊંચે ચઢતો નથી. એટલે તેને એવાં મોટાં પતનનો ભય પણ નથી.’ ભક્તિનો માર્ગ એ પ્રેમનો માર્ગ છે. શરણાગતિનો માર્ગ છે. શ્રીરામકૃષ્ણ દેવ એને બિલાડીના બચ્ચાંનો માર્ગ કહે છે. બિલાડીનું બચ્ચું સંપૂર્ણપણે તેની માં ઉપર જ આધારિત હોય છે. તેને તેની માં મોઢામાં પકડીને હેરવે ફેરવે છે. માની પકડ મજબૂત હોય છે એટલે તેને પડી જવાનો બિલકુલ ભય રહેતો નથી. આ માર્ગ સહુથી વધુ સલામત છે. વળી ભગવાનને પ્રેમ કરવાથી પછી નીચે પડવાની કોઈ શક્યતા જ રહેતી નથી. આ માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ ગોપીઓનું ગણાવી શકાય. તેમનું સમગ્ર ચિત્ત શ્રીકૃષ્ણમાં જ હતું. શ્રીકૃષ્ણ પ્રત્યેના ઉત્કટ પ્રેમને પરિણામે ધ્યાન યોગીઓ અનેક પ્રયત્નોથી પરમાત્મા સાથે તદ્રુપતા સાધી શકે તેવી તદ્રુપતા ગોપીઓએ સહજપણે સાધી હતી. કૃષ્ણમય બનવાને પરિણામે તેમને શ્રીકૃષ્ણનું જ્ઞાન, પ્રેમ અને આનંદ પણ સહજરીતે જ પ્રાપ્ત થયાં. આપણા યુગમાં પણ મીરાંબાઇ, નરસિંહ મહેતાએ પ્રેમ દ્વારા જ ભગવાનને પ્રાપ્ત કર્યા હતા. પણ જો ભગવાનને સંપૂર્ણ સમર્પણ ન હોય તો ભક્તિ દ્વારા છેતરાઈ જવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. ભક્ત બુદ્ધિથી નહીં પણ હૃદયથી કાર્ય કરતો હોય છે, એટલે લાગણીવેડામાં વહી જવાનો ભય રહેલ છે. શ્રીરામકૃષ્ણ દેવ કહેતાં કે ‘ભક્તો હોબી તો હોબી, બોકા હોબી કેનો’ ‘ભક્ત બનો પણ ભોટ નહીં.’ ભક્તિ સાથે જ્ઞાન હોવું જરૂરી છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ પણ કહે છેઃ
તેષાં જ્ઞાની નિત્યયુક્ત એકભક્તિર્વિશિષ્યતે ।
પ્રિયો હિ જ્ઞાનિનોડત્યર્થમહં સ ચ મમ પ્રિયઃ ॥
ગીતા -૭ : ૧૭
‘તેઓમાં અનન્યભાવે મારી ભક્તિ કરનારો અને સદા મારામાં જોડાઈ રહેનારો જ્ઞાની શ્રેષ્ઠ છે. આવા જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને એવો જ્ઞાની મને બહુ પ્રિય છે.’
સ્વામી વિવેકાનંદ આવા ભક્ત અને જ્ઞાની હતા. વળી ધ્યાન તો એમને સહજ હતું. ૩૯ વર્ષનાં ટૂંકા આયુષ્યમાં એમણે વિશ્વભરમાં જે કાર્ય કર્યું તેની તુલના કોઈ સાથે કરી શકાય તેમ નથી. જ્ઞાન, ભક્તિ, ધ્યાન અને કર્મ – દ્વારા ઓછામાં ઓછા સમયમાં વ્યક્તિત્વનો કેવો પૂર્ણ વિકાસ થાય છે, અને આંતર ચેતના કેવી વ્યાપક બને છે, તે સ્વામી વિવેકાનંદના જીવન દ્વારા જોઈ શકાય છે. પાશ્ચાત્ય જગતના વિદ્વાન ચિંતક રોમા રોલાં કહે છે કે ‘સ્વામી વિવેકાનંદ એક સાથે ચાર ઘોડાઓ ઊપર સવારી કરી રહ્યા છે.’ આ ચાર ઘોડા એટલે ચાર યોગ – રાજયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ અને કર્મયોગ. પોતાના અલ્પજીવનમાં આ ચારેય યોગોને સિધ્ધ કરીને સ્વામીજીએ ભાવિ માનવજાતિ માટે સમન્વયાત્મક યોગનો નવો માર્ગ કંડારી આપ્યો છે. આવનારી સદીમાં મનુષ્ય જો સાચી રીતે અને સારી રીતે જીવવું હશે, અપાર તનાવોથી મુક્ત બનીને સાચી શાંતિમાં સ્થિર થવું હશે અને ભૌતિકવાદના ભયાનક આક્રમણને ખાળીને હંમેશ માટે સાચો આનંદ પ્રાપ્ત કરવો હશે, તો સ્વામી વિવેકાનંદે પ્રબોધેલા આ સમન્વયાત્મક યોગને જીવનમાં ચરિતાર્થ કરવો પડશે, તેણે પણ ચાર ઘોડાના અસવાર બનવું પડશે. તેના વગર બીજો કોઈ રસ્તો નથી –
નાન્ય પન્થાઃ વિદ્યતેઽયનાય ।
Your Content Goes Here




