પૂનમની રાત હતી. ચાર દારૂડિયાઓએ નક્કી કર્યું કે, આજ નાવ ચલાવીને નદીને પેલે પાર દૂર એક જગ્યાએ સહેલ કરવા જઈશું અને ખૂબ મઝા માણીશું. તેમણે ખૂબ દારૂ ઢીંચ્યો અને નાવમાં બેઠા. જલદીથી પેલે પાર પહોંચવા માટે હલેસાં માર્યાં. આખી રાત હલેસાં માર્યાં. છેવટે તેઓને લાગ્યું કે, હવે કિનારો આવ્યો છે. જ્યારે દારૂનો નશો થોડો ઓછો થયો ત્યારે સવારના અજવાળામાં તેઓએ આશ્ચર્યથી જોયું કે, નાવ તો જે ઘાટ પરથી તેઓ ચડ્યા હતા ત્યાં જ હતી! આમ કેમ બન્યું? છેવટે ખબર પડી કે, આટલાં બધાં હલેસાં માર્યાં છતાં નાવ તો એક તસુ પણ આગળ વધી નહોતી. કારણ કે દારૂના નશામાં તેઓ લંગર ઉઠાવવાનું જ ભૂલી ગયા હતા!
આપણા બધાની પણ આવી જ અવસ્થા છે. મનને એકાગ્ર કરવાના, વશ કરવાના પ્રયત્નો તો ખૂબ કરીએ છીએ, હલેસાં તો ખૂબ મારીએ છીએ, પણ મનની એકાગ્રતારૂપ નાવ એક તસુ પણ આગળ ચાલતી નથી. કારણ કે સાંસારિક કાર્યોના નશામાં આપણે આસક્તિનું લંગર ખોલવાનું જ ભૂલી જઈએ છીએ. જ્યાં સુધી અનિચ્છનીય વસ્તુઓ પ્રત્યેની આસક્તિનાં બંધન આપણે નહિ છોડીએ, અનાસક્તિ અને વૈરાગ્યનો ભાવ આપણા જીવનમાં નહિ આવે ત્યાં સુધી ઈચ્છનીય વસ્તુઓમાં ચિત્તને ચોટાડવાનું, મનને એકાગ્ર કરવું આપણા માટે અશક્ય બની જશે.
એક વિદ્યાર્થી દસમા ધોરણમાં ખૂબ જ સારા માર્ક્સ મેળવીને ઉત્તીર્ણ થયો. પણ બારમા ધોરણની પરીક્ષામાં વારંવાર નાપાસ થવા લાગ્યો. વાલીઓને, શિક્ષકોને, તેના મિત્રોને બધાંને આશ્ચર્ય થયું કે, આટલો તેજસ્વી વિદ્યાર્થી અચાનક આમ મનની એકાગ્રતા કેમ ગુમાવી બેઠો? પછીથી જાણવા મળ્યું કે, આ સમય દરમિયાન તેને વીડિયો ફિલ્મ જોવાની એવી આદત લાગી ગઈ હતી કે, દરરોજ ગંદી ફિલ્મો જોવામાં તેનો સારો એવો સમય જતો. બાકીનો સમય જ્યારે તે ભણવામાં લગાડતો તે પણ ફિલ્મોના ચિંતનમાં જ પસાર થતો. ભણવામાં તેનું ચિત્ત ચોટતું નહિ. આવી પરિસ્થિતિમાં તે કેવી રીતે ભણવામાં સફળ થઈ શકે? જ્યાં સુધી તે વિવેકબુદ્ધિ દ્વારા વિચાર કરી, સંકલ્પ કરી, વીડિયો ફિલ્મો પ્રત્યે વૈરાગ્યનો ભાવ નથી કેળવતો ત્યાં સુધી તેના માટે એકાગ્રતા કેળવવી અશક્ય બની જશે.
એક ખેડૂત ખૂબ પરિશ્રમપૂર્વક પોતાના ખેતરમાં પાણી સીંચતો. દરરોજ તે કૂવામાંથી પાણી, ઉલેચીને ખેતરમાં પાણી પાતો પણ ખેડૂતને આશ્ચર્ય થયું કે, તોય પાક તો સુકાઈ જાય છે! છેવટે તેને કારણ જાણવા મળ્યું. ખેતરની પાળમાં ઉંદરે ઘણાં છિદ્રો કર્યાં હતાં. આ છિદ્રો વાટે પાણી બધું બહાર નીકળી જતું હતું.
આમ, એકાગ્રતા કેળવવા માટે, મનને વશ કરવા માટે અભ્યાસની સાથે સાથે વૈરાગ્યની પણ એટલી જ આવશ્યક્તા છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને મનને વશ કરવા માટે અભ્યાસ અને વૈરાગ્યની આવશ્યક્તાની વાત કરે છે. મહર્ષિ પતંજલિ પણ ચિત્તવૃત્તિઓના નિરોધ માટે અભ્યાસ અને વૈરાગ્યની આવશ્યક્તાની વાત કરે છે – ‘अभ्यासवैराग्याभ्याम् तन्निरोधः’ (પાતંજલ યોગસૂત્ર-૧/૧૨) આ સૂત્ર પરના ભાષ્યમાં વ્યાસદેવ કહે છે કે, ચિત્તરૂપી નદી બે દિશાઓમાં વહે છે : એક, વિષયોની દિશામાં થઈને પાપની તરફ અને બીજી, વિવેકની દિશામાં થઈને કલ્યાણ તરફ. વૈરાગ્ય દ્વારા ચિત્તનદીને પાપ તરફ વહેતી અટકાવવામાં આવે છે અને અભ્યાસ દ્વારા તેને કલ્યાણ તરફ વહેવડાવવામાં આવે છે. વૈરાગ્યના અભાવમાં અભ્યાસ આંધળો છે અને અભ્યાસના અભાવમાં વૈરાગ્ય લૂલો છે. વૈરાગ્ય સાધનાને દિશા પ્રદાન કરે છે અને અભ્યાસ શક્તિ પ્રદાન કરે છે. રાવણ, કુંભકર્ણ, હિરણ્યકશ્યપ, વગેરે અસુરો અને હિટલર, મુસોલિની જેવી વ્યક્તિઓ આ વાતનું પ્રમાણ છે કે, વૈરાગ્ય વગરની એકાગ્રતા કેટલી ખતરનાક નીવડી શકે છે!
અભ્યાસ કોને કહેવાય? પતંજલિ કહે છે, ‘तत्र स्थितौ यत्नोऽभ्यासः’ (પાતંજલ યોગસૂત્ર: ૧૩) ચિત્તવૃતિ નિરોધની સ્થિતિમાં મનને સતત રાખવાનો પ્રયત્ન કરવો એ જ અભ્યાસ છે. ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે-
यतो यतो निश्चरति मनश्चंचलमस्थिरम् ।
ततस्ततौ नियम्यैतदात्मन्येव वशं नयेत् ॥
(ગીતા : ૬/ર૬)
‘અસ્થિર અને ચંચળ મન જે જે વિષય માટે બહાર જાય, તે તે વિષયમાંથી તેને હટાવીને, તેને વશ કરીને આત્મામાં જ સ્થાપિત કરે.’
આ પ્રકારના અભ્યાસથી શુભ ટેવો થાય છે અને ટેવોનો આ સમૂહ જ ચરિત્ર કહેવાય છે. ટેવો ઊંડી થઈને સંસ્કારોનું રૂપ ધારણ કરે છે અને તેઓ અચેતન સ્તર પરથી આપણા જીવનને સન્માર્ગે લઈ જાય છે.
અભ્યાસમાં દૃઢ થવા માટે પતંજલિ ત્રણ શરતો મૂકે છે : દીર્ઘકાળ, નૈરંતર્ય અને સત્કાર ‘दीर्घकालनैरन्तर्यसत्कारासेवितोदृढभूमि:’ (પાતંજલ યોગસૂત્ર-૧/૧૪) મનને વશ કરવા માટે નિરંતર દીર્ઘકાળ સુધી આદરપૂર્વક પ્રયત્ન કરવો પડશે.
સ્વામી વિવેકાનંદજીના શિષ્ય સ્વામી વિરજાનંદજી (રામકૃષ્ણ મઠ અને મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ) ‘પરમપદને પંથે’ પુસ્તકમાં મનને વશ કરવાનો અચૂક ઉપાય બતાવે છે-
“વાતમાં કહે છે ને કે, ‘કામ વિનાનું મન એ શેતાનનું કારખાનું!’ એ સાવ સાચી વાત. તેને વશ કરવું હોય તો જોર કરીને તેને નિયમોના બંધનમાં બાંધવું જોઈએ. વિચાર કરીને એવો એક routine દૈનિક કાર્યક્રમ કરવો કે જેનું પાલન કરી શકાય, અને દૃઢ સંકલ્પ રાખવો કે, ગમે તે અવસ્થામાં પડો ને, બીજું ગમે તે કામ આવી પડે ને, પણ જે નિયમ બાંધ્યો છે તે ગમે તેમ કરીને પાળવો જ. એ પ્રકારની નિષ્ઠા અને દૃઢતા જોઈએ. આહાર – વિહાર, ભણવુંગણવું, વ્યાયામ, નિદ્રા, કામકાજ, ધ્યાનભજન, એટલે સુધી કે ખુશીમજા, રમતગમત એ બધાં કામોનો એક નક્કી કરેલો સમય રહે. આડીઅવળી રીતે ફાવે તેવી રીતે દિવસ ગાળવાથી જીવન વૃથા જવાનું. નિયમ બાંધીને મનને દૃઢ ભાવે હુકમ કરીને કહેવું : ‘અરે બાપલા, તું ઈચ્છે કે ન ઈચ્છે, તારે આ બધા નિયમો માનીને જ ચાલવાનું છે.’ થોડાક દિવસ મન વાંકું થઈ બેસશે. કોઈ રીતે અંકુશ માનવાનું નહિ, આમતેમ નાસભાગ કરવાનું. પરંતુ ત્યારે કોઈ રીતે છોડવું નહિ, એને પકડીને પરાણે કામમાં લગાડવું, સાથે સાથે તેને સમજાવવુંય. હિંસક પશુને વશ કરવું અને મનને વશ કરવું એક જ સરખું. અસીમ ધૈર્ય, ખંત અને ઈચ્છાશક્તિ જોઈએ. જ્યારે મન દેખશે કે, અરે બાપરે! કોઈ રીતે બંધન તૂટે એમ નથી, ત્યારે પછી એ પોતાનું અક્કડપણું છોડવાનું, ને ડાહ્યુંડમરું થઈને જેમ કહેશો તેમ કરશે. આને કહેવાય અભ્યાસયોગ. એના વિના મનને વશ કરવાનો બીજો કોઈ ઉપાય નથી એમ નક્કી જાણજો.”.
(ક્રમશ:)
3 Comments
Leave A Comment
Your Content Goes Here






ઉત્તમ, સરસ માર્ગદર્શન
ઉત્તમ
માન ને વશ કરવાનો સરસ ઉપાય…..