ભારતમાં કેટકેટલી મહાન સ્ત્રીઓ થઈ ગઈ છે. એક મીરાંબાઈ, એક અહલ્યા બાઈ, વગેરે આગવી રીતે સમાજમાં મહામૂલ્યવાન મણિ સમાન છે. કોઈ કોઈ નારી આધ્યાત્મિક જગતમાં વિરલ દૃષ્ટાંત પૂરું પાડે છે. તેમની કેટલી બધી પુણ્યશ્લોક વાર્તાઓ – ઘટનાઓ છે. જે બધી જ લીપીબદ્ધ નથી. પ્રકાશિત નથી. અંત:પુરની આડશમાં જ કેટલી મહાન નારીઓનું જીવન સમાપ્ત થઈ ગયું છે. તેમના જીવનવૃત્તાંતનો કોઈ ઇતિહાસ લખાયો નથી. તેમના જીવન વિષે કોઈ ભાવના કે ચિંતનનો અવકાશ પણ રહ્યો નથી. ખાસ કરીને જે ચૂપચાપ આધ્યાત્મિક જીવન જીવી ગઈ છે, એવી એક મૂક સાધિકાની વાત છે.
તે હતી એક ગ્રામ્ય કન્યા. તેનું નામ ક્ષમા. તેના તાંત્રિક પિતાએ તેનું નામ પાડ્યું હતું. ક્ષમા તો દેવીનું નામ છે અને એક દુર્લભ ગુણનું વિશિષ્ટ સ્વરૂપ છે. ક્ષમા પાતળી પરવાળા જેવી, સુંદર મુખ જાણે દેવીની પ્રતિમા! ઢીંચણ સુધીના લાંબા વાળ, પરંતુ વર્ણે શ્યામ છે. બંગાળનાં ગામડાંઓમાં આવી તો કેટલીય સ્ત્રીઓ હશે, કોણ તેની ભાળ રાખે? આ વખતે દુર્ગાપૂજાનો સમય થયો છે. ક્ષમાના પિતા મા વિનાની દીકરીને કહે છે : ‘બેટા, દેવી પખવાડિયામાં એક લાખ દુર્ગાનામનો જપ કરવાથી દુર્ગાદેવી પ્રસન્ન થાય.’
કન્યાએ પૂછ્યું, ‘માત્ર ‘દુર્ગા’ ‘દુર્ગા’ જપુ પિતાજી? પિતાએ કહ્યું, ‘હા, બેટી. એ નામથી બધું જ થશે.’ કેવળ નામનો જ ભરોસો છે, હોં’ પિતાનું મન મોટેભાગે તેમની ઈષ્ટદેવી શ્યામાકાલીનાં ધ્યાનમાં મગ્ન રહે. તેમના ચિંતનમાં ડૂબ્યા રહે. ક્યારેક દીકરી તરફ જોઈને અચાનક સ્તબ્ધ થઈ જાય. કન્યાનું કેવું રૂપ છે? મનમાં વિચારે કે જાણે પોતાની આરાધ્યદેવી જ તેમની કન્યા રૂપે પધાર્યા છે. વળી મનમાં વિચાર આવે કે એ કઈ રીતે સંભવે? આ તો પોતાની પુત્રી છે.
બ્રાહ્મણપરામાં દુર્ગાપૂજા કરીને પાછા ફર્યા ત્યારે પિતાએ જોયું કે નાની દીકરીએ તેમના માટે રસોઈ કરીને રસોડામાં જ પાટલા પર આંખ મીંચીને બેસી રહી છે અને વચ્ચે વચ્ચે ‘બડ બડ’ કરે છે. એમ લાગે છે કે માતાજીનું નામ લે છે. થાકેલા પિતાના આગમનથી તે પગ ધોવા માટે પાણીનો લોટો અને ટુવાલ લઈને ઊભી છે. પરંતુ તેનું મન અંતર્મુખ છે. કાળી કાળી મોટી આંખો ભાવવિભોર એકદમ બાહ્યજ્ઞાન રહિત સ્થિતિમાં ઊભી છે. પિતાએ પૂછ્યું : શું દુર્ગા નામનો જપ કરે છે?’ શરમાઈને દીકરી કંઈ બોલી નહિ અને પિતાની સેવા કરવા લાગી. મનમાં વિચારે છે : આવા દેવતા જેવા સાધક પિતા કોને મળે?
આ રીતે દિવસો પસાર થાય છે. એક દિવસ કોઈ એક સંન્યાસી ભિક્ષાની ઝોળી લઈને ઊભો છે. પિતા ઓસરીમાં તેલ માલીશ કરે છે. સ્નાન કરીને પૂજામાં બેસવાના છે. ડાહી દીકરીએ પોતાના કુશળ હાથથી પૂજાની સામગ્રી સજાવી છે. ‘નારાયણ હરિ’નો સાદ સાંભળી દીકરી ત્યાં દોડી આવી. એક થાળીમાં ચોખા, દાળ, ઘી, ગોળ બધી જ સામગ્રી ગોઠવીને સાધુની ઝોળીમાં આપવા ક્ષમા ત્યાં આવી. સાધુ તો ક્ષમાને જોઈને સ્તબ્ધ થઈ ગયા. તેમણે તેના પિતાને પૂછ્યું : તમારી દીકરી છે? રાખી નહિ શકો દેવીશક્તિ છે. જરાક જેટલી અવગણના થશે તો ચાલી જશે? ભિક્ષા લઈને સાધુ ચાલ્યા ગયા. પિતાના મનમાંથી સાધુની વાત ક્રમશ: ભુલાઈ ગઈ. પિતા વિચારવા લાગ્યા કે હવે પુત્રી સાથે બેસીને વાતચીત કરવી જોઈએ.
તેમની દીકરી સત્ત્વગુણી, શાંત, બુદ્ધિમતી અને અંતર્મુખી છે. હવે મોટી થઈ છે. તેના વિવાહ તો કરવા પડશે. ક્ષમા પિતાની ચિંતા સમજી શકતી હતી અને પિતાને કહ્યું : ‘પિતાજી, મારું જીવન અલગ પ્રકારનું છે. મારાં લગ્ન ન કરશો. હું તપશ્ચર્યા કરીશ.’
પિતાએ પણ લગ્ન માટે બહુ આગ્રહ કર્યો નહિ. તેમણે જોયું કે પોતાની દીકરીની પ્રકૃતિ ભિન્ન પ્રકારની છે. જગત કારણરૂપિણી જનની પ્રત્યે તેનો ઊંડો પ્રેમ છે. કિશોરી જાણે માતૃભાવમાં મગ્ન. રાતે જાગતી રહે અને સ્થિરતાપૂર્વક આકાશ તરફ જોઈ રહે. વર્ષાના જળથી ભરેલાં વાદળાં જોઈને માતાજીના છૂટા કેશની શોભા નિહાળે – કમળના તળાવની પાળે ગાલ પર હાથ રાખીને શું વિચારે? માતાજીનાં કમળનયન કે ચરણકમળ! તેમને કોઈપણ માણસ માટે કોઈપણ જાતનું કુતૂહલ કે જિજ્ઞાસા નહિ. એક દિવસ ક્ષમાએ પોતાના પિતાને પૂછ્યું, ‘પિતાજી, સાંભળ્યું છે કે બહુ પુણ્યોના પ્રતાપે માણસનો જન્મ મળે અને આ જન્મમાં જ ભગવાનનાં દર્શન કરી શકાય. તો પછી પિતાજી બધા શા માટે રોજગાર મેળવવા વિહ્વળ રહે. શા માટે વિવાહ કરીને સુખી થવા ઇચ્છે? શા માટે પૃથ્વીનું આટલું વિશાળ ઘર હોવા છતાં નવું એક ઘર બાંધવાની ઇચ્છા કરે?
પિતા તો પ્રશ્ન સાંભળીને અવાક્ થઈ ગયા. એ વળી શું, મા? શ્યામા મા તો વૃત્તિ રૂપે પણ જગતમાં છે; માતા પિતા રૂપે, સંતાન રૂપે પણ છે. જે રૂપે જેઓ તેમને ઇચ્છે તે ભાવ પ્રમાણે તેઓ મા ને પામે. તને શું કોઈ ઇચ્છા થતી નથી?
– હા. થાય.
– શું ઇચ્છા થાય?
– મને એમ લાગે કે હું જાણે પૃથ્વી – મારા ખોળામાં વૃક્ષ, છોડ, પાંદડા, નદી, પહાડ, ઝરણાં, પશુ-પક્ષી, માણસ બધાં જ વસે છે. હું જાણે બધાંની મા, હું બધાંનું પાલન કરું, ક્યારેક વળી વિચારું છું કે હું આકાશ છું. મારામાં ચંદ્ર – સૂર્ય – ગ્રહ – નક્ષત્ર – તારાઓ રહ્યા છે. હું મુક્ત છું. મારો જાણે કોઈ અંત નથી. શાશ્વતકાળથી હું રહું છું. પોતાનું શરીર જોઈને મને થાય કે આ શરીર કેટલું નાનકડું છે. હું કેટલી સીમિત છું: પિતાજી, મારું મન અટલા સાંકળા પરિવેશમાં રહેવા ઇચ્છતું નથી. મને તો એમ લાગે છે કે હું બહુ વિરાટ છું. મારામાં અનંત શક્તિ છે. જ્યારે જ્યારે હું વિચારું કે હું એક નાનકડી છોકરી ત્યારે મને ખૂબ રડવું આવે છે. શ્યામા મા પાસે જઈને કહું : મા, હું શું આટલી નાની?
પિતાજી એ પૂછ્યું : મા, શું તારા પ્રશ્નનો જવાબ આપે?
માતાજી મને જવાબ આપે : કોણે કહ્યું કે તું નાની છે? તું તો અનંત છો – તું મારી છો.
અચાનક ફૂંફાડો મારતા એક વિશાળ સાપને પિતાએ ઘરમાં સરકતો જોયો. પિતા અત્યંત ભયભીત થઈ ગયા.
ક્ષમા બોલી : પિતાજી, એ તો શિવનો સાપ છે. રોજ આવે છે. દૂધ આપું. એટલે પીને ચાલ્યો જાય છે.
પિતાજીની તો નીંદર હરામ થઈ ગઈ. આ દીકરીનું હવે શું કરવું? આની ઉંમર નાની છે. આનું ભવિષ્યમાં શું થશે?
એ દિવસો દરમ્યાન એક ઘટના ઘટી. પિતાજીનાં આશ્રયે એક તંત્રસાધક આવ્યો. તે તો ક્ષમાને જોઈને એકદમ મુગ્ધ થઈ ગયો અને તેણે ક્ષમાના પિતાજી પાસે ક્ષમા સાથેના વિવાહનો પ્રસ્તાવ મૂક્યો. ક્ષમા તેનાં પ્રસ્તાવથી ગુસ્સામાં ગાંડીતૂર થઈ ગઈ. પિતાજીની સામે જ કેટલીય વાત સંભળાવી દીધી. ક્ષમા અત્યંત તેજસ્વિની. સાધકને તેણે કહ્યું : ‘માતાજીની આરાધના કરો છો અને તમને મારાંમાં જગદંબાનાં દર્શન ન થયાં? શું જોયું તમે? છિ છિ.’ ફરી ક્ષમાએ પિતાજીને કહ્યું : ‘આ રીતે મારો અનાદર થયો. હું હવે રહીશ નહિ.’ સાધક લજ્જિત થઈને નીચે મોંએ ત્યાંથી ચાલ્યો ગયો. હવે પિતાજી તો નવી સમસ્યામાં પડ્યા. તેમણે પૂછ્યું : ક્યાં જઈશ, બેટા? એ તો સારો પ્રસ્તાવ હતો. હું તો નિશ્ચિંત થઈ જાત.’ ક્ષમાએ અટ્ટહાસ્ય કર્યું અને બોલી : હા, પિતાજી તમે હવે જલદી નિશ્ચિંત થઈ જશો. મારો સમય તો સમાપ્ત થયો છે. એ વાત હવે જવા દયો. આવતીકાલે મૌની અમાવાસ્યા છે. માતાજીની રાત્રે પૂજા કરવાની વ્યવસ્થા કરો. હું પૂજાની સામગ્રી ગોઠવી આપીશ?
રાત પડી. કેવું ગંભીર અંધારું. ક્ષમાએ પૂજાની બધી જ વ્યવસ્થા કરી આપી. ત્યારબાદ અંધકારમાં બેસીને સુરીલા કંઠે માતાજીને ભજન સંભળાવવા લાગી.
‘મા મારી શું અપર થઈ
હું તો તારી પોતાની પુત્રી
ની વાત શું તું ભૂલી ગઈ?’
પિતાજીની પૂજા પુરી થઈ. હવનની પૂર્ણાહુતિ આપીને સાધક પિતાએ દેવીને પ્રણામ કર્યા ત્યારે રાત્રે બે વાગ્યા હતા. તેમણે જોયું કે ક્ષમા ખુલ્લા વાળ રાખીને ઊભી છે. મુખ પર અદ્ભુત કાંતિ! આટલી જ્યોર્તિમય કેમ લાગે છે? દીકરી હસીને બોલી : ‘આવું છું
પિતાજી!’ ત્યારબાદ ક્ષમાએ માતાજીને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને ફરી ઊઠી નહિ.
Your Content Goes Here




