આંખ્યું રે અંજાય એવા સૂરજના કેમ કરું રે દીદાર?
ગુરુજી, મને ટેરવું ભરીને સહેજ આંજો ઓલ્યા તેજનું તુષાર.
પાછલા પરોઢિયે સપનામાં જોયાં મેં પંડયથી પરાયાં પાંચ વહાણ,
હલેસાં હોય તો હંકારી જાઉં આ તો પડછાયે તોળાતાં તાણ.
ગુરુજી, નહીં જાવું મેરુ મઝધાર મને લઈ ચાલો કાંઠે એક વાર,
આંખ્યું રે અંજાય એવા સૂરજના કેમ કરું રે દીદાર?
તાણા છોડીને છોડું અંધારું એમ પછી વાંચું હું પળના રે વેદ,
આખુંય આભ ભલે ઘેરાતું હોય મારે પીંછામાં પામવા છે ભેદ.
હોય જળના રે કુંભ ભલે હેમના મને આલો એક બુંદ ઓડકાર
ગુરુજી, મને ટેરવું ભરીને સહેજ આંજો ઓલ્યા તેજનું તુષાર.
મહેન્દ્ર જોષી
Your Content Goes Here