વિદેશથી પાછા ફર્યા પછી સ્વામી વિવેકાનંદજીએ સમસ્ત દેશને જાગ્રત કર્યો હતો, સેંકડો વર્ષોની ગુલામીને લીધે આત્મ શ્રદ્ધા, આત્મ-સન્માન ગુમાવી બેઠેલ તમોગુણથી ઢંકાયેલ ભારતવાસીઓમાં નવચેતનાનો પ્રાણસંચાર કર્યો હતો. આ માટે તેમણે કોલંબોથી આલમોડા સુધીના તેમનાં પ્રવચનોમાં વારંવાર કહ્યું હતું –
“उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत”
“ઊઠો, જાગો, અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો.”
ખરેખર તો આ શ્લોક ‘કઠોપનિષદ’માંથી લેવામાં આવેલ છે અને તેનો અર્થ સ્વામીજીના આ ‘આર્ષપ્રયોગ’થી કરેલ અર્થ કરતાં જુદો છે –
उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत ।
रस्य धारा निशिता दुरत्यया दुर्गं पथस्तत्कवयो वदन्ति ॥
(કઠોપનિષદ : ૧/૩/૧૪)
“ઊઠો, જાગો અને શ્રેષ્ઠ વ્યક્તિઓ પાસે જઇ તેઓની પાસેથી આત્મજ્ઞાન મેળવી લો, કારણ કે જ્ઞાનીઓ આ આત્મજ્ઞાનના માર્ગને છરાની તીક્ષ્ણ ધારની જેવો અત્યંત કઠિન કહે છે.”
સંતો-સાધકોએ અધ્યાત્મના માર્ગને કઠિન કહ્યો છે કારણ કે આ માર્ગમાં અનેક બાધાઓ આવે છે, વળી આ માર્ગ લપસણો છે, અનેક પ્રકારનાં પ્રલોભનોમાં અટવાઇ જવાની બીક છે. એટલે જ કવિ પ્રીતમ કહે છે –
હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને;
પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને,
ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ પણ કહે છે –
मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये ।
यततामपि सिद्धानां कश्चिन्मा वेत्ति तत्त्वतः ॥
(ગીતા : ૭/૩)
“હજારો મનુષ્યોમાં કોઇક જ મારી પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે અને એવો પ્રયત્ન કરવાવાળામાંથી કોઇક જ મને તત્ત્વતઃ જાણે છે.”
તો હવે ઉપાય શો છે? શું આ અધ્યાત્મના માર્ગને, કાંટાળો છે માટે છોડી દેવો? જો એમ કરીશું, શ્રેયનો માર્ગ છોડીને પ્રેયનો માર્ગ અપનાવીશું, તો આપણે અમરત્વની – અમૃતની પ્રાપ્તિ કદી નહિ કરી શકીએ, વારંવાર મૃત્યુના મુખમાં સપડાવું પડશે, જન્મ-મરણના ચક્રમાં પિસાવું પડશે, આદિ શંકરાચાર્ય કહે છે તેમ ‘પુનરપિ જનમમ્ પુનરપિ મરણમ્ – પુનરપિ જનની જઠરે શયનમ્’- પુનઃ પુનઃ જન્મ-મરણના દુઃખ-કષ્ટમાંથી પસાર થવું પડશે. મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરવો હોય તો ગમે તેવો કઠિન હોય તો પણ અધ્યાત્મનો – આત્મ-સાક્ષાત્કારનો માર્ગ અપનાવવો જ પડશે.
મૃત્યુના મુખમાંથી બચવાનો એક માત્ર ઉપાય – આત્મ-સાક્ષાત્કાર
‘કઠોપનિષદ’માં મૃત્યુના દેવતા યમરાજ નચિકેતાને મૃત્યુના મુખમાંથી બચવાનું રહસ્ય સમજાવતાં કહે છે –
अशब्दमस्पर्शमरूपमव्ययं तथारसं नित्यमगन्धवच्च यत् ।
अनाद्यनन्तं महतः परं ध्रुवं निचाय्य तन्मृत्युमुखात् प्रमुच्यते ॥
(કઠોપનિષદ : ૧/૩/૧૫)
“જે શબ્દરહિત, સ્પર્શરહિત, રૂપરહિત, રસરહિત અને ગંધરહિત છે તથા જે અવિનાશી, નિત્ય, અનાદિ, અનંત, મહત્થી પણ મહાન અને ધ્રુવ સત્ય છે, એવા આત્માનો સાક્ષાત્કાર કરીને મનુષ્ય મૃત્યુના મુખમાંથી સદાને માટે છૂટી જાય છે.”
ગ્રીક પૌરાણિક કથા પ્રમાણે સ્ફિંક્સથી થીબસનો એક રાક્ષસ છે જેનું શરીર એક સિંહનું છે અને મસ્તક એક નારીનું છે. થીબસના લોકોને કોયડાના રૂપમાં એ સ્ફિંક્સ એક પ્રશ્ન પૂછતી. તેણે કઠોર શરત મૂકી હતી કે તેના પ્રશ્નનો સંતોષજનક ઉત્તર ન આપી શકે તેને મરવું પડશે, અને જો કોઇ ઉત્તર આપી શકશે તો તે થીબસના સિંહાસન પર વિરાજમાન થશે. તેનો પ્રશ્ન હતો – “કોણ એવું છે કે જે સવારે ચાર પગથી ચાલે છે, બપોરે બે પગથી ચાલે છે અને સાંજે ત્રણ પગથી ચાલે છે?” એમ કહેવાય છે કે ઓડિપસે કોયડાનો ઉકેલ આપીને કહ્યું, “માણસ શિશુરૂપે ચાર પગથી ચાલે છે, યુવાવસ્થામાં બે પગે ચાલે છે અને વૃદ્ધાવસ્થામાં લાઠીને સહારે ચાલે છે.” આ ઉત્તર સાંભળી સ્ફિંક્સે સમુદ્રમાં ઝંપલાવ્યું અને મરી ગઇ, અને ઓડિપસ થીબસનો રાજા બની ગયો.
ઇજિપ્તની પૌરાણિક કથા પ્રમાણે સ્ફિંક્સનું શરીર સિંહનું છે અને મસ્તક પુરુષનું છે. રોમન સ્ફિંક્સને ક્યારેક પુરુષનું અને ક્યારેક સ્ત્રીનું મસ્તક હોય છે. ખરેખર તો આપણે સૌ પુરુષો અને સ્ત્રીઓ સ્ફિંક્સ જ છીએ – આપણામાં માનવીય અને પાશવિક બન્ને પ્રકારની પ્રવૃત્તિઓ રહેલ છે, અને આ આપણા વાસ્તવિક સ્વરૂપને – આત્માને છુપાવી દે છે. જ્યારે સ્ફિંક્સ આપણને પૂછે છે – “તમે કોણ છો?” ત્યારે આપણે જો એનો સાચો ઉત્તર આપી શકીએ કે “હું આત્મા છું” તો આપણા અંદરનો સ્ફિંક્સ મરી જશે, આપણી અંદર ચાલતું માનવીય અને પાશવિક પ્રવૃત્તિઓનું યુદ્ધ અંત પામશે, આપણે પોતાના વાસ્તવિક સ્વરૂપને – આત્માને જાણી લઇશું. મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરી લઇશું.
રથયાત્રાનો આધ્યાત્મિક મર્મ
દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે પુરીમાં શ્રીજગન્નાથ મહાપ્રભુની રથયાત્રાનું આયોજન કેટલાંય વર્ષોથી વિશાળ પાયે થાય છે. એમ કહેવાય છે કે જેઓ આ દિવસે રથમાં બેસેલ શ્રી જગન્નાથનાં દર્શન કરે છે તેઓ મુક્ત બની જાય છે, એટલે લાખો નરનારીઓ આ દિવસે પુરી આવે છે. એકવાર શ્રીમા શારદાદેવી આ રથયાત્રા નિહાળવા પુરી ગયાં હતાં. ત્યાં લાખો નરનારીઓની વિશાળ જનમેદની જોઇ અને એ વિચારથી આનંદિવભોર બની ગયાં કે આટલા લોકો મુક્ત થઇ જશે. પાછળથી તેમને સમજાયું કે જેઓએ પોતાના અંતરમાં રહેલ જગન્નાથનાં દર્શન કર્યાં છે, જેઓ વાસનામુક્ત થયા છે તેઓ જ મુક્ત થશે.
ખરેખર તો, જગન્નાથપુરીની આ રથયાત્રા આપણા જીવનની રથયાત્રા – આધ્યાત્મિક યાત્રાને આગળ ધપાવવાનો, અંતરમાં રહેલ જગન્નાથના – આત્માનાં દર્શન કરવાનો સંદેશ આપવા માટે છે. કઠોપનિષદમાં આ આધ્યાત્મિક રથયાત્રા વિશે કહ્યું છે કે આ શરી૨ ૨થ છે, બુદ્ધિ સારથિ છે, મન લગામ છે, ઇન્દ્રિયોરૂપી ઘોડાઓ વિષયોરૂપી માર્ગો પર દોડી રહ્યા છે, અને જીવાત્મા આ રથનો સ્વામી છે. આ રથયાત્રાનો ઉદ્દેશ છે – ‘तद्विष्णो: परमं पदम्’ – વિષ્ણુની –પરમપદની પ્રાપ્તિ-આત્મ-સાક્ષાત્કાર, પણ આત્મ-વિશ્લેષણ કરવાથી જણાશે કે આપણે માનવ જીવનના આ પરમ લક્ષ્યને ભૂલી ગયા છીએ, ઘોડાઓરૂપી ઇન્દ્રિયભોગ ભોગવવામાં પ્રવૃત્ત થઇ પોતાની ઇચ્છા પ્રમાણે વર્તન કરી રહી છે, મનરૂપી લગામ ઢીલી પડી ગઇ છે, અને લગામ ખેંચવાની અત્યંત આવશ્યકતા હોવા છતાં સારથિ તેમ નથી કરી રહ્યો કારણ કે તે પોતે જ નશામાં ચકચૂર થઇ ગયો છે. કેટલું ભયંકર!
મોટરગાડી ફૂલસ્પીડમાં જઇ રહી હોય અને ડ્રાઇવરે ઢીંચીને દારૂ પીધેલ હોય, પછી ભયંકર અકસ્માત થવામાં વાર કેટલી? પાછળની સીટ પર બેઠેલ ગાડીનો માલિક જો તરત જ ગાડી રોકાવી ડ્રાઇવરનો નશો દૂર કરે અને પછી જ તેને સ્ટીયરીંગ વ્હીલ પર બેસાડે તો જ અકસ્માતમાંથી બચી શકાય. પણ માલિક પોતે પણ નિદ્રાધીન હોય તો? તો પછી મહાન વિપત્તિમાંથી બચવાનો કોઇ ઉપાય નથી.
આપણી બુદ્ધિ પણ જ્યારે ભોગવાદનું સમર્થન કરવા લાગી જાય ત્યારે આપણે સમજવું જોઇએ કે સારથિ નશામાં ચકચૂર થઇ ગયો છે, તેનો નશો દૂર કરવા તેને સત્સંગનું ટ્રીટમૅન્ટ આપવું પડશે, ગુરુજનો પાસે તેને લઇ જઇ તેનો નશો દૂર કરવો પડશે. ભગવાન બુદ્ધ કહે છે કે જે મૂર્ખ પોતાને મૂર્ખ માને છે તે તેટલા પ્રમાણમાં બુદ્ધિમાન છે, પણ જે મૂર્ખ પોતાને બુદ્ધિમાન માને છે તે તો ખરેખરો મૂર્ખ છે! ઘણા લોકો ભોગવાદમાં પ્રવૃત્ત થાય છે, મોજશોખમાં ડૂબી જાય છે અને પોતાના બચાવમાં કુતર્કનો આશ્રય લે છે, પણ મનમાં જાણે છે કે તેઓ અન્યને છેતરી રહ્યા છે. તેઓની પોતાની બુદ્ધિ ભ્રષ્ટ થઇ ગઇ છે, એવો આછો ખ્યાલ એમને આવી ગયો હોય છે. આવા લોકો આધ્યાત્મિક પતનમાંથી – વિપત્તિમાંથી બચી શકે તેમ છે. પણ કેટલાક લોકો તો એ વાતનો સ્વીકાર પણ નથી કરતા કે તેઓની બુદ્ધિ ભ્રષ્ટ થઇ ગઇ છે. ગુરુજનો પાસે જઇ પોતાની બુદ્ધિનું ટ્રીટમૅન્ટ કરાવવાને બદલે પોતે જ ગુરુ – આચાર્ય – અરે, ભગવાન સુધ્ધાં બની જાય છે; તેઓ તો ભોગ દ્વારા સમાધિપ્રાપ્તિની વાત પણ કરે છે! આવા લોકોનું આધ્યાત્મિક પતન નિશ્ચિત છે.
આપણી બુદ્ધિ જાત જાતના તર્કો દ્વારા આપણી ભોગવાદી પ્રવૃત્તિઓને સ્વીકૃતિ આપે છે, અને આપણે પણ એવા ભ્રમમાં રાચીએ છીએ કે આપણે મજામાં છીએ, આપણી રથયાત્રા બરાબર જ ચાલી રહી છે, તેનું કારણ છે – જીવાત્મા પોતે પણ મોહનિદ્રામાં પોઢેલ છે. રથમાં પાછળ બેઠેલ જીવાત્મારૂપી માલિક પણ ઊંઘી રહ્યો છે. એટલે જ શાસ્ત્રો આ મોહનિદ્રામાંથી જગાડવા આહ્વાન કરે છે – “ઉત્તિષ્ઠત! જાગ્રત!”, “ઊઠો, જાગો!” ૮૪ લાખ યોનિઓમાંથી માત્ર આ મનુષ્ય યોનિમાં જ આત્મ સાક્ષાત્કાર થઇ શકે, અનંત શાંતિ, અનંત સુખ, અનંત જ્ઞાનની પ્રાપ્તિ થઇ શકે, અમરત્વની પ્રાપ્તિ થઇ શકે. તેમ છતાં આત્મ સાક્ષાત્કારના આ લક્ષ્યને ભૂલી જઇ, આપણી બુદ્ધિ દ્વારા કુતર્કોને સ્વીકૃતિ આપીએ છીએ, સારથિ નશામાં ચકચૂર થઇ ગયો છે, તેના ટ્રીટમૅન્ટની વ્યવસ્થા નથી કરી રહ્યા, લગામ ઢીલી પડી ગઇ છે, ઘોડાઓ પોતાની ઇચ્છા પ્રમાણે પૂરપાટ દોડી રહ્યા છે અને અકસ્માત સર્જાવાની અણી પર આપણો રથ છે. એટલે જ શાસ્ત્રો આપણને ચેતવણી આપી કહે છે, કે ઊઠો, જાગો, મોહ-નિદ્રામાંથી જાગૃત થાઓ, પોતાના લક્ષ્યનું સ્મરણ કરો અને આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ગુરુજનો પાસે જઇ જ્ઞાન પ્રાપ્ત કરો.
ગુરુની આવશ્યકતા ઘણા
લોકો તર્ક કરે છે – “અમે તો આટલા બુદ્ધિશાળી છીએ, અમે પોતે આટલાં બધાં શાસ્ત્રોનું અધ્યયન કર્યું, આટલાં બધાં પુસ્તકો વાંચ્યાં છે, અમારે વળી ગુરુ પાસે જવાની – એક મનુષ્યને મસ્તક નમાવવાની શી આવશ્યકતા?” આવા લોકોના વિષે ઉપનિષદમાં કહ્યું છે –
अविद्यायामन्तरे वर्तमाना: स्वयं धीराः पण्डितंमन्यमानाः ।
दन्द्रम्यमाणा: परियन्ति मूढा अन्धेनैव नीयमाना यथान्धा: ॥
(કઠોપનિષદ : ૧/૨/૫)
“અંતરમાં અવિદ્યા હોવા છતાં પોતાને બુદ્ધિમાન અને પંડિત માનવાવાળા મૂઢ લોકો અનેક યોનિઓમાં એવી જ રીતે ઠોકરો ખાતા રહે છે જેમ કે અંધજન દ્વારા માર્ગદર્શન પ્રાપ્ત કરેલ અંધજન.”
સ્વામી વિવેકાનંદજી કહે છે કે પુસ્તકિયા જ્ઞાનથી આત્મ – જ્ઞાન પ્રાપ્ત ન થઇ શકે, એક જ્યોત દ્વારા જ અન્ય જ્યોત પ્રગટી શકે, જીવાત્મામાં નવચેતનાનો સંચાર અન્ય ઉચ્ચતર જીવાત્મા જ કરી શકે. આપણે ગમે એટલા મહાન પંડિત હોઇએ, આપણે ગમે એટલાં પુસ્તકો વાચેલ હોય તો પણ આપણામાંથી મોટા ભાગના લોકો આધ્યાત્મિક દૃષ્ટિએ શિશુ છીએ, કારણ કે અધ્યાત્મવિદ્યા માટે આપણી સાધારણ બુદ્ધિ કામમાં નથી આવતી. તે માટે તો શુદ્ધ બુદ્ધિ – અત્યંત સૂક્ષ્મ બુદ્ધિની આવશ્યકતા હોય છે. આવી બુદ્ધિ તર્ક દ્વારા પ્રાપ્ત નથી થતી એ તો ગુરુજનોના સત્સંગથી જ પ્રાપ્ત થાય છે. નચિકેતાની આવી જ સૂક્ષ્મ, શુદ્ધ બુદ્ધિ હતી. યમરાજે તેની આવી બુદ્ધિની પ્રશંસા કરતાં કહ્યું –
नैषा तर्केण मतिरापनेया प्रोक्तान्यैनैव सुज्ञानाय प्रेष्ठ ।
यां त्वमापः सत्यधृर्तिबतासि त्वादृङ्नो भूयान्नचिकेतः प्रष्टा ॥
(કઠોપનિષદ ૧/૨/૯)
‘હે પ્રિયતમ! તે જેને પ્રાપ્ત કરી છે એવી બુદ્ધિ તર્કથી પ્રાપ્ત નથી થતી, એ તો અન્ય પાસેથી જ ઉપદેશ દ્વારા પ્રાપ્ત થાય છે અને આત્મજ્ઞાનમાં નિમિત્ત બને છે. ખરેખર તું ઉત્તમ ધૈર્યવાન છો. હે નચિકેતા! તારા જેવા જ જિજ્ઞાસુ અમને મળ્યા કરે.”
ગુરુનો અર્થ છે – જે અંધકારમાંથી પ્રકાશ તરફ લઇ જાય –
અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ લઇ જાય –
गुकारोऽन्धकारस्तु रुकारस्तन्निवर्तकः ।
अन्धकारनिवर्त्या तु गुरुरित्यभिधीयते ॥
ગુરુના માહાત્મ્યને સમજાવતી એક સુંદર વાર્તા છે. એક સિંહણ જંગલમાંથી પસાર થઇ રહી હતી. રસ્તા પરથી ઘેટાનું ઝુંડ જઇ રહ્યું હતું. રસ્તો પાર કરવા માટે સિંહણે છલાંગ લગાવી. સિંહણના ગર્ભમાં એક બચ્ચું હતું. તે ઘેટાંના ઝુંડમાં પડી ગયું. સિંહણ રસ્તાની પેલે પાર પડી અને મરી ગઇ. સિંહણનું નાનું બચ્ચું ઘેટાંની સાથે રહેવા લાગ્યું. ઘેટાંની જેમ ઘાસ ખાય, ઘેટાંની જેમ બેં બેં કરે, અને ઘેટાંની સાથે સાથે ફરે. એકવાર એક મોટો સિંહ એ જ જંગલમાંથી પસાર થઇ રહ્યો હતો. તેણે આશ્ચર્યથી જોયું કે નાનો સિંહ ઘેટાંની જેમ બેં બેં કરી રહ્યો છે. તે નાના સિંહની નજીક ગયો. બધાં ઘેટાં ભયભીત થઈ ભાગવા લાગ્યાં. નાનો સિંહ પણ ભયભીત થઇ ભાગવા લાગ્યો. પણ મોટા સિંહે તેને પકડી લીધો અને કહ્યું, “અલ્યા, તું તો મારા જેવો સિંહ છો. તું ઘેટાંની જેમ મારાથી ડરે છે કેમ?” નાના સિંહે બેં બેં કરતાં કહ્યું, “હું તો ઘેટું છું.” નાનપણથી ઘેટાંની સાથે રહેતાં રહેતાં તે ભૂલી જ ગયો હતો કે તે સિંહ છે. ‘સંગ તેવો રંગ!’ ઘેટાંની સાથે રહેતાં તે પણ બીકણ બની ગયો હતો, આત્મશ્રદ્ધા ગુમાવી બેઠો હતો. મોટા સિંહે તેને વારંવાર સમજાવ્યો કે ‘તું તો સિંહ છો.’ પણ તેમ છતાં નાનો સિંહ બેં બેં જ કરતો રહ્યો. છેવટે કંટાળીને મોટો સિંહ તેને ઢસડીને એક તળાવ સુધી લાવ્યો અને તેને તળાવમાં બન્નેનો પડછાયો જોવાનું કહ્યું. નાના સિંહે આશ્ચર્યથી જોયું કે તે તો ખરેખર સિંહ જેવો જ દેખાતો હતો. મોટા સિંહે તેના મોમાં માંસનો ટુકડો નાખી દીધો અને જોરથી ગર્જના કરવા કહ્યું. નાનો સિંહે બેં બેં કરવાનું છોડી દઇ ગર્જના કરવા લાગ્યો અને પછી તો જંગલનો રાજા બની ગયો.
સ્વામી વિવેકાનંદજી આ વાર્તા સંભળાવી કહેતા – “ઓ સિંહો! આ મિથ્યાભ્રમને ખંખેરી નાખો કે તમે ઘેટાં છો, તમે અમર આત્મા છો, મુક્ત આત્મા છો, ધન્ય છો, ભવ્ય છો, તમે જડપદાર્થ નથી, તમે શરીર નથી, પદાર્થ તમારો દાસ છે, તમે તેના દાસ નથી.”
સદ્ગુરુ શિષ્યને તેના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન કરાવે છે, તેની મોહનિદ્રા ભંગ કરી તેના લક્ષ્યની યાદ દેવડાવે છે, આ આત્મ-દર્શન માટેની સાધનામાં તેને પ્રવૃત્ત કરે છે, સાધનાનો માર્ગ દેખાડે છે, માર્ગમાં આવતી બાધાઓને અતિક્રમણ કરવાના ઉપાયો બતાવે છે, અમૃતને પ્રાપ્ત કરવા માટે સાધના દ્વારા ચિત્તરૂપી સમુદ્રનું મંથન કરતી વખતે ભયંકર હળાહળ નીકળે છે ત્યારે તેની રક્ષા કરે છે; કામધેનુ, કલ્પવૃક્ષ વગેરે રૂપી સિદ્ધિઓ, પ્રલોભનો શિષ્યના જીવનમાં આવે ત્યારે તેમાંથી પણ તેને બચાવે અને તેના હૃદયરૂપી સરોવરમાં આત્માનાં દર્શન કરાવી તેને સદા માટે ભયમુક્ત, દુ:ખમુક્ત કરાવે છે, અનંત સુખ, અનંત શાંતિ અને અનંત જ્ઞાન, અને અમરત્વની પ્રાપ્તિ કરાવે છે.
ગુરુપૂર્ણિમાના પર્વ પ્રસંગે આવા સદ્ગુરુઓના ચરણોમાં આપણા કોટિ કોટિ પ્રણામ!
Your Content Goes Here




