જો કુછ હૈ સો તૂ હી હૈ

શ્રીરામકૃષ્ણદેવ કલકત્તામાં કાશીપુરના બગીચામાં કૅન્સરની સારવાર લઈ રહ્યા હતા. નરેન્દ્રનાથ, જેઓ પછીથી સ્વામી વિવેકાનંદજીના નામે વિશ્વવિખ્યાત બન્યા, ત્યારે આધ્યાત્મિક અનુભૂતિ માટે ખૂબ વ્યાકુળ હતા. એક દિવસ શ્રીરામકૃષ્ણદેવને તેમણે આધ્યાત્મિક અનુભૂતિ કરાવી આપવા માટે આગ્રહપૂર્વક અનુરોધ કર્યો. શ્રીરામકૃષ્ણદેવે કહ્યું : ‘તારા કુટુંબની કોઈ વ્યવસ્થા કરી આવ એટલે તને બધું મળી રહેશે. તારે શું જોઈએ છે?’ નરેન્દ્રનાથે ઉત્તર આપ્યો, ‘હું તો હંમેશા સમાધિ અવસ્થામાં લીન થઈને પડ્યો રહેવા માગું છું.’ અન્ય કોઈ પણ ગુરુ હોત તો અવશ્ય પ્રસન્ન થયા હોત, પણ આ તો હતા અનન્ય શિષ્યના અનન્ય ગુરુ! શ્રીરામકૃષ્ણદેવે કહ્યું, ‘ધિક્કાર છે તને. હું તો ઇચ્છતો હતો કે તું એક વિશાળ વટવૃક્ષની જેવો બનીશ જેની છાયા તળે લાખો નર-નારીઓ શાંતિ પામશે, પણ તું તો કેવળ પોતાની મુક્તિ, પોતાના આનંદની જ કામના કરી રહ્યો છે! અરે, સમાધિ કરતાં પણ ઉચ્ચતર સ્થિતિ છે. શું તું પેલું ભજન ગાતો નથી – જો કુછ હૈ સો તૂ હી હૈ?’

શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદ, બન્નેનું પ્રિય ભજન હતું – છેલ્લા મુગલ બાદશાહ ઝફરે લખેલ સૂફી ગીત, જેમાં વેદાંતના સંદેશનો જ સ્પષ્ટ પડઘો રહેલ છે. સર્વવ્યાપક ઈશ્વરને અનુલક્ષીને કવિ કહે છે –

તુઝસે હમને દિલકો લગાયા,
જો કુછ હૈ સો તૂ હી હૈ ।
એક તુઝકો અપના પાયા,
જો કુછ હૈ સો તૂ હી હૈ ॥

શ્રીરામકૃષ્ણદેવ કહેતા કે આંખ મીંચીને ઈશ્વરનું ધ્યાન થઈ શકે તેમ આંખો ઉઘાડીને પણ થઈ શકે, કારણ કે એ જ ઈશ્વર વિભિન્ન રૂપોમાં રહેલ છે.

દરેક મનુષ્યના હૃદયમાં રહેલ દિવ્ય ચેતનાને અનુલક્ષીને કવિ કહે છે –

સબકે મકાન દીલકા મકીન તૂ
કૌનસા દિલ હૈ જિસમેં નહીં તૂ,
જહાઁ મૈં દેખા તૂ હી નઝર આયા,
જો કુછ હૈ સો તૂ હી હૈ ॥

ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ પણ કહે છે – ‘ईश्वर: सर्वभूतानाम् हृद्देशेऽर्जुन तिष्डति ।’

‘હે અર્જુન, સર્વ જીવોના હૃદયમાં ઈશ્વરનો નિવાસ છે.’

‘કઠોપનિષદ્’માં પણ કહ્યું છે- ‘एष सर्वेषु भूतेषु गूढोऽत्मा न प्रकाशते’ ‘દરેક જીવમાં આ આત્મા છુપાયેલ છે’.

કવિ જીવની સમાનતાની વાત કરતાં કહે છે,

ક્યા મલાયક ક્યા ઇન્સાન,
ક્યા હિન્દુ ક્યા મુસલમાન ।
જેસા ચાહા તૂને બનાયા,
જો કુછ હૈ સો તૂ હી હૈં ॥

વેદોમાં કહ્યું છે – ‘एकम सत् विप्रा बहुधा वदन्ति’- ‘સત્ય એક જ છે, જ્ઞાનીઓ તેનું વિવિધરૂપે વર્ણન કરે છે.’ શ્રીરામકૃષ્ણદેવે પોતાના જીવનની પ્રયોગશાળામાં વિભિન્ન ધર્મોનું પાલન કરી વિભિન્ન ભાવે ‘પરમ સત્ય’નો અનુભવ કરી ઘોષણા કરી હતી – ‘જેટલા મત તેટલા પથ.’ ‘દરેક ધર્મ એક જ પરમ સત્ય તરફ લઈ જાય છે.’ સર્વધર્મસમભાવની આ જ ભાવનાને વાચા આપતાં કવિ કહે છે –

કાબા મેં ક્યા દેવલ મેં ક્યા,
તેરી પરસ્તી હોગી, સબ જાઁ ।
સભીને તુઝકો સિર હૈ ઝુકાયા,
જો કુછ હૈ સો તૂ હી હૈ ॥

‘ઈશાવસ્યોપનિષદ્’માં કહ્યું છે –

‘ईशा वास्यमिदर्म्ं सर्वं यत्किञ्च जगत्यां जगत्‌’

‘જગતમાં જે કાંઈ છે એ સઘળું ઈશ્વરથી ઓતપ્રોત છે.’ 

કવિ એ જ સર્વવ્યાપક બ્રહ્મને અનુલક્ષીને કહે છે –

અર્શ સે લે કર ફર્શ ઝંમી તક,
ઔર ઝંમી સે અર્શ બરી તક ।
જહાઁ મૈં દેખા તૂ હી નઝર આયા,
જો કુછ હૈ સો તૂ હી હૈ ॥

જીવનની સાર્થકતા આ સર્વવ્યાપક ઈશ્વરને જ સ્વીકારવામાં છે, આ જ્ઞાન ‘કવિ ઝફરને’ અંતે લાધે છે – ઘણું બધું જોયા વિચાર્યા બાદ –

સોચા સમઝા દેખા ભાલા,
તુઝ જેસા કોઈ ન ઢૂંઢ નિકાલા ।
અબ યહ સમઝમેં ઝફર કી આયા,
જો કુછ હૈ સો તૂ હી હૈ ॥

મહાકવિ નરસિંહ મહેતાના ભજન ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ’નો જ રણકાર જાણે ઉપર્યુક્ત સૂફી ગીતમાં મળે છે.

પ્રખ્યાત વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈને એક અમૂલ્ય સમીકરણ આપ્યુ હતું – E = mc2. એવી જ રીતે આપણા મનીષીઓએ એક સમીકરણ આપ્યું હતું – જીવ = શિવ. આ સમીકરણ આપણે ભૂલી ગયા હતા, તેનું સ્મરણ કરાવવા માટે આ યુગમાં શ્રીરામકૃષ્ણદેવનો આવિર્ભાવ થયો છે.

ઉપનિષદોમાં બે પ્રકારના બ્રહ્મની વાત છે – પરબ્રહ્મ (Transcendental Brahman) અને અપરબ્રહ્મ (Immanent Brahman). સેંકડો વર્ષોથી આપણે અ૫૨બ્રહ્મની – સર્વવ્યાપક બ્રહ્મની ઉપાસનાની વાત ભૂલી ગયા હતા તથા જગતને બ્રહ્મમય જોવાનું ભૂલી ગયા હતા. જગતની પારના ઈશ્વરને પામવાની મથામણમાં, પોતાની વ્યક્તિગત મુક્તિની લાલસામાં જગતમાં રહેલ દુઃખી જીવો પ્રત્યેનું કર્તવ્ય ભૂલી ગયા હતા. એટલે જ શ્રીરામકૃષ્ણદેવે પોતાના જીવન – સંદેશ દ્વારા આ વાત આપણા આજના વૈજ્ઞાનિક યુગમાં સાબિત કરી બતાવી અને પુનઃપ્રસ્થાપિત કરી.

એકવાર શ્રીરામકૃષ્ણદેવ ગંગાનદીની કાંઠે બેઠા હતા ત્યારે તેમણે જોયું કે દૂર નદીમાં બે નાવિકો વચ્ચે ઝથડો થઈ રહ્યો છે. ત્યાં તો એક નાવિકે બીજાની પીઠ પર જોરથી માર માર્યો શ્રીરામકૃષ્ણદેવ વેદનાથી ચીસ પાડી ઊઠ્યા. તેમના ભાણેજ હૃદયરામ તરત જ દોડીને આવ્યા. આવીને તેમણે જોયું કે શ્રીરામકૃષ્ણદેવની પીઠ લાલચોળ થઈ ગઈ હતી.. હૃદયરામ તરત જ બરાડી ઊઠ્યા, ‘મામા, બોલો તો કોણે તમારી પીઠ ૫૨ માર્યું? આજે તેની ખેર નહીં રહેવા દઉં.’ શ્રીરામકૃષ્ણદેવે જ્યારે જણાવ્યું કે તેમની પીઠ પર નહીં પણ એક નાવિકની પીઠ પર બીજા નાવિ મારવાથી તેમની પીઠ લાલચોળ થઈ ગઈ ત્યારે હૃદયરામ અવાક્ થઈ ગયા. કેવી અદ્ભુત અદ્વૈતાનુભૂતિ! આવી અદ્વૈતાનુભૂતિના કેટલાંય જીવંત ઉદાહરણ શ્રીરામકૃષ્ણદેવના જીવનમાં જોવા મળે છે. પોતાની આ અનુભૂતિ પછી જ તેમણે ‘શિવજ્ઞાને જીવ સેવા’નો સંદેશ આપ્યો હતો. એટલે જ તે આટલો પ્રભાવશાળી બન્યો.

શિવજ્ઞાને જીવ સેવા

એકવાર શ્રીરામકૃષ્ણદેવે દક્ષિણેશ્વ૨માં ભક્તો સાથે વાર્તાલાપ કરતી વખતે શ્રી ચૈતન્ય મહાપ્રભુના સંપ્રદાય વિશે કહ્યું : ‘આ સંપ્રદાયમાં ત્રણ ઉપદેશ મુખ્ય છે – ‘નામે રુચિ’ (પ્રભુના નામમાં રુચિ), ‘વૈષ્ણવેર સેવા’ (વૈષ્ણવોની સેવા) અને ‘જીવે દયા’ (જીવ પર દયા). ‘જીવે દયા’ શબ્દો બોલતી વખતે શ્રીરામકૃષ્ણદેવ ભાવાવેશમાં આવી ગયા. થોડી વાર પછી અર્ધબાહ્યદશામાં આવ્યા ત્યારે સ્વગત બોલવા લાગ્યા, ‘જીવ પર દયા! જીવ પર દયા! અરે! પૃથ્વી પર સળવળતો એક ક્ષુદ્ર કીડો વળી બીજા જીવો પ્રત્યે દયા બતાવે? તું વળી દયા બતાવનાર કોણ? ના! દરેક જીવ તો શિવસ્વરૂપ છે, જીવની શિવજ્ઞાનથી સેવા કરવી જોઈએ.’

આત્માના ઊંડાણમાંથી આવતા આ શબ્દો દરેક જણે સાંભળ્યા પણ નરેન્દ્રનાથ સિવાય કોઈ એનો મર્મ પકડી શક્યા નહીં. ઓરડામાંથી બહાર નીકળતી વખતે તેમણે કહ્યું, ‘ગુરુદેવના એ અદ્ભુત શબ્દોમાં મેં અપૂર્વ પ્રકાશ જોયો! સામાન્ય રીતે કઠોર અને કર્કશ ગણાતા વેદાંત જ્ઞાનનો અને ભક્તિનો એમણે કેવી મધુર રીતે મેળ બેસાડી દીધો! જો ઈશ્વરની ઇચ્છા હશે તો આ મહાન સત્યને હું જગત સમક્ષ રજૂ કરીશ અને પંડિત કે મૂર્ખ, રાય કે રંક, બ્રાહ્મણ કે ભંગી સૌ એનો સાક્ષાત્કાર કરી શકે એવું હું કરીશ.’

ઈશ્વરે તેમને આ તક આપી. શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી સંન્યસ્ત વ્રત લઈ તેઓ નરેન્દ્રનાથમાંથી સ્વામી વિવેકાનંદ બન્યા, પરિવ્રાજકરૂપે સમસ્ત ભારતનું ભ્રમણ કર્યું, શિકાગો વિશ્વધર્મસભામાં સનાતન ધર્મનો ઝંડો ફરકાવ્યો, ચાર વર્ષ સુધી વેદાંતનો પ્રચાર કરી ઇ.સ.૧૮૯૭માં ભારતમાં પાછા ફરી તેમણે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. ‘શિવજ્ઞાને જીવ સેવા’ના આ સંદેશને મૂર્તસ્વરૂપ આપવા માટે આજે રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના દેશ-વિદેશના ૧૩૭ શાખા કેન્દ્રો દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે લાખો લોકોની સેવા માટે ભિન્ન ભિન્ન પ્રકારનાં કેટલાંય સેવા-કાર્યો ચાલી રહ્યાં છે – ૧૪ ઇન્ડોર હોસ્પિટલ, ૯૫ આઉટડોર હોસ્પિટલ, ૨૮ મોબાઈલ ડિસ્પેન્સરી, ૨૯૫૯ શૈક્ષણિક સંસ્થાઓ (કુલ વિદ્યાર્થીઓ – ૧,૬૮,૫૬૬) ગ્રામીણ અને આદિવાસી વિકાસનાં કાર્યો, રાહત કાર્યો, વિભિન્ન ભાષાઓમાં પ્રકાશનો વગેરે. ઘણાં લોકો ભૂલથી માને છે રામકૃષ્ણ મિશન એક સમાજસેવી સંસ્થા છે. પણ ખરેખર તો એ એક આધ્યાત્મિક સંસ્થા છે જેનો આદર્શ છે – ‘આત્માનો મોક્ષાર્થં જગત્ હિતાય ચ’ (પોતાના આત્માની મુક્તિ અને જગતનું હિત કરવા માટે).

સ્વામી વિવકાનંદજીએ પોતે પણ આ અદ્વૈતાનુભૂતિ કરી લીધા પછી જ આ સેવાયોગનો પ્રચાર કર્યો હતો એટલે તે આટલો પ્રભાવશાળી નીવડ્યો. વિદ્યાર્થી અવસ્થામાં તેમણે શ્રીરામકૃષ્ણદેવની સાથે આ વિશે તર્ક પણ કર્યો હતો.

જીવન વ્યવહારમાં વેદાંત

એક દિવસ શ્રીરામકૃષ્ણદેવ નરેન્દ્રનાથને જીવ અને બ્રહ્મની એકતા સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. થોડીવાર પછી નરેન્દ્રનાથ ઓરડાની બહાર નીકળી ગયા અને હાજરા મહાશય પાસે આવીને શ્રીરામકૃષ્ણદેવે કહેલ સંદેશની ઠેકડી ઉડાવવા લાગ્યા અને હસતાં-હસતાં બોલવા લાગ્યા, ‘આ કુંજો બ્રહ્મ! આ પ્યાલો બ્રહ્મ અને આપણે પણ બ્રહ્મ! આથી વધારે વિચિત્ર વાત બીજી કઈ હોઈ શકે?’ ભાવાવેશમાં રહેલા શ્રીરામકૃષ્ણદેવે નરેન્દ્રનાથનું હાસ્ય સાંભળ્યું. તેઓ બહાર આવ્યા અને નરેન્દ્રનાથને સ્પર્શ કર્યો. આ સ્પર્શનો અદ્ભુત પ્રભાવ પડ્યો. તત્ક્ષણ તેમને બધું બ્રહ્મમય દેખાવા માંડ્યું. જમવા બેઠા ત્યારે ભોજન, થાળી, પીરસનાર વ્યક્તિ, પોતે સૌ કેવળ બ્રહ્માસ્વરૂપ છે એવી અનુભૂતિ થઈ. દરેક કાર્ય કરતી વખતે તેમને આવી રીતે સર્વત્ર બ્રહ્મદર્શન થયું. ગીતામાં કહેલ શ્લોક ‘બ્રહ્માર્પણમ્ બ્રહ્મહવિઃ….’ અને ઉપનિષદના સંદેશ ‘સર્વમ્ ખલુ ઈદમ્ – બ્રહ્મ’નો સાક્ષાત્કાર સ્વામીજીએ આમ યુવાવસ્થામાં જ કરી લીધો હતો, છતાંય જગતના આ ઐક્ય વિશે તેઓ પૂર્ણતઃ નિઃશંક તો બન્યા આલ્મોડામાં, જ્યારે તેઓ પરિવ્રાજકરૂપે ભ્રમણ કરી રહ્યા હતા.

હિમાલયમાં ભ્રમણ કરતાં કરતાં સ્વામી વિવેકાનંદજી તેમના ગુરુભાઈ સ્વામી અખંડાનંદજી સાથે આલ્મોડા તરફ જઈ રહ્યા હતા. ત્યારે આલ્મોડાથી લગભગ ૨૦ કી.મી. દૂર કાકરીઘાટ નામની જગ્યાએ એક વિશાળ વટવૃક્ષની છાયામાં એક સુંદર ઝરણાની પાસે તેઓ ઊંડા ધ્યાનમાં મગ્ન થઈ ગયા. ક્લાકેકના ધ્યાન પછી તેમણે સ્વામી અખંડાનંદજીને કહ્યું, ‘ગંગાધર! અહીં આ વટવૃક્ષની નીચે મારા જીવનની એક અત્યંત જટિલ સમસ્યા ઉકેલાઈ ગઈ!’ આ પછી તેમણે તેમને થયેલ બ્રહ્મ (macrocosom) અને પિંડ (microcosom)ની એકતાના અદ્ભુત દર્શનની વાત કરી.

આજે તો હવે આધુનિક વિજ્ઞાને પણ સાબિત કરી આપ્યું છે કે વિશ્વના બધા પરમાણુઓ એકબીજા સાથે ૫રસ્પર સંકળાયેલા છે. ડેવિડ બોહ્‌મે પોતાના પ્રયોગો દ્વારા પુરવાર કર્યું છે કે આ જગત હૉલિસ્ટિક (holistic) છે. નોબૅલ પુરસ્કાર વિજેતા પ્રખ્યાત વૈજ્ઞાનિક શ્રોડિંજર આ સત્યને સુંદર રીતે રજૂ કરે છે – ‘consciousness is singular of which plural is unknown’ (‘ચેતના એક જ છે, તેનું બહુત્વ અજ્ઞાત છે.’)

એકવાર સિસ્ટર નિવેદિતાએ સ્વામી વિવેકાનંદજીને પૂછ્યું, ‘શું આ વાત સાચી છે કે બૌદ્ધ ધર્મ એમ કહે છે આત્મા (એક) મિથ્યા છે અને જગત (અનેક) સત્ય છે, જ્યારે હિન્દુ ધર્મ કહે છે કે બ્રહ્મ (એક) સત્ય છે અને જગત (અનેક) મિથ્યા છે?’ સ્વામીજીએ જવાબ આપ્યો, ‘હા, હું અને શ્રીરામકૃષ્ણ દેખાડવા માટે આવ્યા છીએ કે અનેક અને એક એ ભિન્ન-ભિન્ન સમયે અને ભિન્ન-ભિન્ન અવસ્થામાં મન દ્વારા અનુભવાતું એક જ તત્ત્વ છે.’

સિસ્ટર નિવેદિતા સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળાની ભૂમિકામાં લખે છે, ‘આપણા સ્વામીજીના જીવનને સર્વોચ્ચ મહત્ત્વ આપનાર બિના આ છે, કારણ કે અહીં તેઓ માત્ર પૂર્વ અને પશ્ચિમનું જ નહિ, પરંતુ અતીત અને ભાવિનું પણ મિલનકેન્દ્ર બને છે. જો અનેક અને એક ખરેખર એક જ તત્ત્વ હોય તો પછી માત્ર ઉપાસનાની બધી પદ્ધતિઓ જ નહિ, પણ કાર્ય કરવાની બધી પદ્ધતિઓ, પ્રયત્નના બધા પ્રકારો તથા સર્જનની બધી રીતો પણ એક સરખી રીતે ઈશ્વર-સાક્ષાત્કારના માર્ગો છે. એટલે કે વ્યાવહારિક (secular) અને આધ્યાત્મિક (sacred) વચ્ચે ભેદ રહ્યો નહિ. પરિશ્રમ એટલે જ પ્રભુ-પ્રાર્થના, વિજય એટલે જ ત્યાગ. જીવન પોતે જ ધર્મ, અને સંપત્તિ એ ત્યાગ અને અપરિગ્રહ જેટલી જ કઠિન જવાબદારી બની રહેશે.’

સિસ્ટર નિવેદિતાના કથન પ્રમાણે ‘આ અનુભવ સ્વામીજીને જ્ઞાન અને ભક્તિથી ભિન્ન નહિ પણ એ બંનેને પ્રગટ કરનાર એવા કર્મયોગના મહાન ઉપદેશક બનાવે છે. એમને મન જીવ અને શિવના મિલન માટે કારખાનું કે પ્રયોગશાળા, વાડી કે ખેતર, બધાં જ સાધુની ગુફા કે દેવમંદિરનાં દ્વાર જેટલાં જ સાચાં અને યોગ્ય સ્થળ છે. એમને મન પ્રાણીસેવામાં અને ઈશ્વરની ઉપાસનામાં, મર્દાઈમાં અને શ્રદ્ધામાં, સાચી નીતિમત્તામાં અને આધ્યાત્મિક્તામાં કશો જ ભેદ નથી.’

એક વાર સ્વામી વિવેકાનંદજીએ દક્ષિણ ભારતમાં વાર્તાલાપ કરતી વખતે કહ્યું હતું, ‘આદિ શંકરાચાર્યે વેદાંતને પુનઃ પ્રતિષ્ઠિત કરી અદ્ભુત કાર્ય કર્યું, પણ તેઓ આ વેદાંતને વનમાં કે ગુફામાં રાખી ગયા હતા, મારો જન્મ થયો છે – વનના આ વેદાંતને ઘેર લઈ જવા માટે.’ સ્વામીજીએ વ્યાવહારિક વેદાંત (Practical Vedanta)નો પ્રચાર કર્યો અને કહ્યું કે આ વેદાંતને દૈનિક જીવનમાં વ્યવહારમાં લાવવાથી એક માછીમાર વધુ સારો માછીમાર બનશે, એક વિદ્યાર્થી વધુ સારો વિદ્યાર્થી બનશે, એક શિક્ષક વધુ સારો શિક્ષક બનશે.

સ્વામી વિવેકાનંદજીનું વિશિષ્ટ પ્રદાન – સેવાયોગ

એક વાર સ્વામી વિવેકાનંદજીના એક ગુરુભાઈએ તેમને કહ્યું, ‘તમે નવું વળી શું કહ્યું છે? એ જ વેદાંતની જૂની વાતોનો પ્રચાર કર્યો છે.’ સ્વામીજીએ ઉત્તર આપ્યો, ‘આ કર્મયોગ, આ સેવાયોગ એ મારું વિશિષ્ટ પ્રદાન છે. આ પહેલાં કોઈએ કર્મયોગનો આવી રીતે પ્રચાર કર્યો નહોતો.’ તેમણે આગળ કહ્યું કે ‘સંન્યાસ ધર્મની યોગ્યતા ધરાવતી મહાન વ્યક્તિઓ અતિ અલ્પ હોય છે, પણ આ સેવાના આદર્શનું અવલંબન કરીને સાધારણ વ્યક્તિઓ પણ સંન્યાસ ધર્મનો સ્વીકાર કરી શકશે.’

પ્રાચીન માન્યતા એવી છે કે કર્મ અને જ્ઞાનનો સમન્વય ક્યારેય સંભવ નથી, કર્મ બહુ તો ચિત્તશુદ્ધિ કરવામાં સહાયક નીવડે, પણ સ્વામી વિવેકાનંદજી તો એમ માને છે કે નિઃસ્વાર્થ સેવા કરવાથી અન્ય કોઈ સાધનાની સહાય વગર પણ મુક્તિ ઉચ્ચતમ આધ્યાત્મિક અનુભૂતિ મેળવી શકાય છે. પરંપરાગત દૃષ્ટિથી કર્મયોગએ ઈશ્વર સાથે સંયોગ માટેનું પરોક્ષ સાધન છે. એટલે જ સ્વામી વિવેકાનંદજીએ વેદાંતને જીવનવ્યવહારમાં લાવીને સેવાકર્મો કરવાનો જે માર્ગ સૂચવ્યો છે તેને અમે અહીં ‘સેવાયોગ’ એવું નામ આપ્યું છે, જે પરોક્ષ નહિ, પ્રત્યક્ષરૂપે સમાધિ આપી શકે, એટલું જ નહિ, સમાધિથી પણ ઉચ્ચત૨ આધ્યાત્મિક અવસ્થા, જેને શ્રીરામકૃષ્ણદેવે વિજ્ઞાનની અવસ્થા કહેલ, તે આપી શકે.

સંન્યાી અને સેવાયોગ

સ્વામી વિવેકાનંદજીના આદેશથી જ્યારે તેમના શિષ્યોએ કનખલ-હરિદ્વા૨માં રોગીઓની સેવા કરવાનો પ્રારંભ કર્યો ત્યારે સંન્યાસી સંપ્રદાયમાં ઊહાપોહ થઈ ગયો. રામકૃષ્ણ મિશનના સાધુઓ દશનામી સંપ્રદાય અંતર્ગત હોવા છતાં તેઓનો અન્ય સંન્યાસી સંપ્રદાયના સાધુઓ દ્વારા બહિષ્કાર કરવામાં આવતો, તેઓ ‘ભંગી સાધુ’ કહેવાતા, કારણ કે તેઓ રોગીઓની સેવા – શુશ્રૂષા પોતાના હાથે કરતા. આજે લગભગ સો વર્ષ બાદ સ્થિતિ બદલાઈ રહી છે. હવે ધીરે ધીરે અન્ય સંન્યાસીઓ પણ સેવાધર્મનું મહત્ત્વ સમજી રહ્યા છે.

સ્વામી વિવકાનંદજીના ગુરુભાઈઓને પોતાને પણ ‘સેવાયોગ’ની મહત્તા વિશે સંશય ઉત્પન્ન થયો હતો તો પછી અન્યોની વાત જ ક્યાં રહી! સ્વામી વિવેકાનંદજીના ગુરુભાઈ સ્વામી યોગાનંદજીએ એક વાર આ સંશય તેમની સમક્ષ પ્રગટ કર્યો હતો. પાછળથી તેમને પોતાની ભૂલ સમજાઈ હતી. સ્વામી વિવેકાનંદજીના અન્ય ગુરુભાઈ સ્વામી તુરીયાનંદજી તેમના જીવનના છેલ્લા તબક્કામાં અફસોસ કરતા કે તેમણે સ્વામી વિવેકાનંદજીના આ સેવાયોગનું પાલન ન કર્યું. ૧૪ જાન્યુઆરી ૧૯૨૧ના રોજ તેમણે રામકૃષ્ણ મિશનની વારાણસી હૉસ્પિટલમાં કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ માત્ર ત્રણ દિવસ ખરા અર્થમાં શિવજ્ઞાનથી સેવા કરશે તો તેને મુક્તિ મળી જશે.

વિશ્વપ્રસિદ્ધ ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ ના લેખક શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’ (માસ્ટર મહાશય) પણ શરૂઆતમાં એમ માનતા કે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશ પ્રમાણે ધ્યાન, જપ, પ્રાર્થના વગેરે પરંપરાગત સાધના જ હિતાવહ છે, સેવાકાર્યો માયાના બંધનસ્વરૂપ છે – સંન્યાસીઓ માટે ત્યાજ્ય છે. એક વાર શ્રીમા શારદાદેવી વારાણસી આવ્યાં ત્યારે માસ્ટર મહાશય પણ ત્યાં જ હતા. શ્રીમા શારદાદેવી રામકૃષ્ણ મિશનની હૉસ્પિટલ જોવા ગયાં. ત્યાં સંન્યાસીઓને રોગીઓની સેવા કરતાં જોઈને તેઓ અત્યંત સંતુષ્ટ થઈ બોલ્યાં, ‘શ્રીરામકૃષ્ણદેવ અહીં સાક્ષાત્ વિરાજે છે. અહીં ઠીક-ઠીક નારાયણસેવા થાય છે.’ શ્રીમા શારદાદેવીએ પ્રસન્ન થઈને દશ રૂપિયાની એક નોટ દાનસ્વરૂપે આપી હતી. આજે પણ વારાણસી સેવાશ્રમમાં તે નોટ સંભાળીને રાખવામાં આવી છે. આ પછી માસ્ટર મહાશયને પણ કહેવું પડ્યું, ‘શ્રીમા પણ જ્યારે આ સેવા ધર્મનો સ્વીકાર કરે છે, ત્યારે તો માન્યા વગર છૂટકો નથી.’

સ્વામી વિવેકાનંદજીના ‘સેવાયોગ’ના અહ્વાનને સંપૂર્ણપણે ગ્રહણ કરવાવાળા ગુરુભાઈઓમાં સૌથી મોખરે હતા – સ્વામી અખંડાનંદજી મહારાજ. રામકૃષ્ણ મિશનનું સૌથી પ્રથમ રાહત કાર્ય તેમણે જ શરૂ કર્યું હતું – પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં. આ રાહત કાર્યના પ્રારંભ માટે સ્વામી અખંડાનંદજી મહારાજના જીવનમાં બનેલ એક પ્રસંગ મહત્ત્વપૂર્ણ છે.

ઈ.સ. ૧૮૯૭ના મે માસમાં નવદ્વીપધામનાં દર્શન કરી સ્વામી અખંડાનંદજી મહારાજ મુર્શિદાબાદ તરફ જઈ રહ્યા હતા. પથમાં દાદપુર, મહુલા, નપુકુર વગેરે ગામોમાં દુષ્કાળની ભીષણ પરિસ્થિતિ જોઈ તેમનું હૃદય અત્યંત વ્યથિત થઈ ગયું. ત્યારે તેમની પાસે માત્ર ચાર આના હતા. રસ્તામાં તેમણે જોયું કે એક દરિદ્ર મુસ્લિમ બાળા જોર જોરથી રડી રહી છે. પૂછવાથી તેમને ખબર પડી કે તેનું માટીનું પાત્ર ફૂટી ગયું છે, ઘરમાં કંઈ ખાવાનું ન હોવાથી અને બીજું કાંઈ પણ ન હોવાથી ઘરના લોકો તેને વઢશે એ બીકે તે રડે છે. સ્વામી અખંડાનંદજીએ બે પૈસાના પૌંઆ અને મમરા ખરીદીને આપ્યા. ત્યાં તો ગરીબ ક્ષુધાર્ત બાલક-બાલિકાઓનું ટોળું જામી ગયું. સ્વામી અખંડાનંદજી પાસે જે ત્રણ આના બચેલ હતા તેમાંથી તે સૌને પૌંઆ અને મમરા ખરીદીને આપ્યા. અને આમ ખરા અર્થમાં ફકીર બની ગયા. દુષ્કાળગ્રસ્ત લોકોનાં દુઃખથી તેમના અંતરમાં હાહાકાર મચી ગયો. તેમના અંતરના ઊંડાણમાંથી તેમને ત્યાં જ સેવાવ્રતમાં લાગી જવાની પ્રેરણા મળી. તેમની તીર્થયાત્રા ત્યાં જ પૂરી થઈ. તેઓ દુષ્કાળ રાહતના કાર્યમાં લાગી ગયા. પછી તો તેમણે અનાથાશ્રમ ખોલ્યો અને અનેક સેવાકાર્યો કર્યાં.

ગુજરાતના લોકોને માટે જાણવું રસપ્રદ રહેશે કે સ્વામી અખંડાનંદજી મહારાજના આ મહાન સેવાયજ્ઞની પ્રેરણાનાં બીજ રોપાયાં હતાં – ગુજરાતમાં, જ્યારે તેઓ ભારતના પરિભ્રમણ દરમિયાન એક વર્ષથી પણ વધુ સમય માટે જામનગરમાં રોકાયા હતા. ત્યાં ઝંડુ ભટ્ટની સેવાભાવનાથી તેઓ અત્યંત પ્રભાવિત થઈ ગયા. ઝંડુ ભટ્ટ વિશે સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું, ‘મેં ઘણાં સ્થળોની મુલાકાત લીધી છે, ઘણા ઉમદા વ્યક્તિઓને જોયા છે, પણ ઝંડુ ભટ્ટ જેવા ઉદાર માણસ ક્યાંય જોયા નથી.’

આધુનિક માનવને ‘સેવાયોગ’ માટે આહ્વાન

આધુનિક માનવ માટે સરળતમ અને સર્વશ્રેષ્ઠ માર્ગ છે – ‘સેવાયોગ’. ૨૭મી ઑક્ટોબર ૧૮૯૪ના રોજ અમેરિકાથી સ્વામી વિવેકાનંદજીએ પ્રેરણાદાયી પત્રમાં લખ્યું હતું – ‘ઈશ્વરને શોધવા તમારે બીજે ક્યાં જવું છે? શું આ બધાં દરિદ્ર, દુઃખી અને દુર્બળ મનુષ્યો પોતે જ દેવો નથી? પહેલાં એમની સૌની પૂજા શા માટે ન કરવી? ગંગા કિનારે કૂવો ખોદવા શા માટે જવું?’

તેમના પ્રિય ગુરુભાઈ સ્વામી અખંડાનંદજી મહારાજને સ્વામી વિવેકાનંદજીએ ૧૮૯૪માં અમેરિકાથી પત્રમાં લખ્યું હતું, ‘ખેતડી શહેરના નીચલા વર્ગના તેમજ ગરીબ લોકોને ઘેર ઘેર જજો અને તેમને ધર્મ શીખડાવજો, તેમને ભૂગોળ અને બીજા વિષયોનું મૌખિક શિક્ષણ આપજો. ગરીબોનું કંઈક પણ કલ્યાણ ન કરતાં, આળસુ થઈને બેઠા બેઠા રજવાડી ભોજન ઉડાડવાં અને ‘જય-ભગવાન શ્રીરામકૃષ્ણ!’ બોલવું તેમાં કાંઈ ભલું થવાનું નથી… તમે તો વાંચ્યું છે : ‘માતૃદેવો ભવ’ ‘પિતૃદેવો ભવ’ ‘માતાને દેવ સમાન ગણો’ ‘પિતાને દેવ સમાન ગણો’ પણ હું કહું છુંઃ ‘દરિદ્ર દેવો ભવ’ ‘મૂર્ખ દેવો ભવ’ ‘ગરીબને, અભણને દુઃખીઓને – એવા લોકોને ઈશ્વર માનો. આ લોકોની સેવા એ જ સર્વોચ્ચ ધર્મ છે.’

ઇંગ્લેંડના મિસ. માર્ગારેટ નોબૅલને પોતાના જીવનનું આ ‘સેવાયોગ’ માટે બલિદાન કરવા માટે આહ્વાન આપતાં સ્વામી વિવેકાનંદજીએ અત્યંત પ્રેરણાદાયી પત્રમાં લંડનથી ૭મી જૂન ૧૮૯૬ના રોજ લખ્યું હતું – ‘દુનિયાને પ્રકાશ કોણ આપશે? ભૂતકાળમાં આત્મભોગ તે ‘કાયદો’ હતો, અને અફસોસ કે યુગો સુધી તે રહેવાનો જ. ‘બહુજન હિતાય બહુજન સુખાય’ દુનિયાના વીરોમાંયે વી૨ અને શ્રેષ્ઠમાંય સર્વશ્રેષ્ઠ લોકીએ પોતાનાં બલિદાન આપવાં પડશે. અનંત પ્રેમ અને અમાપ દયાવાળા સેંકડો બુદ્ધોની (દુનિયા માટે) જરૂર છે…જાગો, ઓ મહાનુભાવો! જાગો, દુનિયા દુઃખમાં બળી રહી છે, તમારાથી સૂઈ રહેવાય કે?’ મિસ. નોબૅલે પોકાર સાંભળ્યો, પોતાના સમસ્ત જીવનનું બલિદાન ભારતમાતાની સેવા માટે, નારી શિક્ષણના કાર્ય માટે નિવેદિત કરી દીધું. આથી સ્વામી વિવેકાનંદજીએ તેમને બ્રહ્મચર્યદીક્ષા વખતે નામ આપ્યું – ‘નિવેદિતા’!

ઈ.સ. ૧૮૯૭માં વિદેશથી પાછા ફર્યા પછી સ્વામી વિવેકાનંદજી રામેશ્વરમ્ મંદિરનાં દર્શને ગયા હતા ત્યાં તેમણે જે ઐતિહાસિક ભાષણ આપ્યું હતું તેમાં કહ્યું હતું, ‘સર્વ ઉપાસનાનો મર્મ આ છે : પવિત્ર થવું અને બીજાનું કલ્યાણ કરવું. જે મનુષ્ય દીન-દુઃખિયાઓમાં, નિર્બળોમાં અને રોગીઓમાં ભગવાન શિવનાં દર્શન કરે છે, તે સાચેસાચ શિવની ઉપાસના કરે છે!’

સ્વામી વિવેકાનંદજીએ સંસ્કૃત, અંગ્રેજી અને બંગાળીમાં અનેક કાવ્યોની રચના કરી છે. તેમના એક અત્યંત પ્રેરણાદાયી બંગાળી કાવ્ય ‘સખાર પ્રતિ’ (સખા પ્રત્યે)માં તેઓ શિવજ્ઞાનથી જીવસેવાનું આવાહ્ન કરતાં કહે છે –

સમર્પો! કિન્તુ ના જરીય બદલામાં કંઈ ચહો,
અરે! બિન્દુ ઇચ્છો? તજી દઈ તમે સાગર મહા!
સહુ ભૂતો કેરો સુહૃદ્ બસ એ પ્રેમ સમજો,
અને બ્રહ્મે, કીટે સકળ સહુ આધાર ગણજો.

સહુનો એ પ્રેમી, પરમ તમ, પ્રેમાસ્પદ બનો,
બધું વાળી નાખો, તનમન પ્રભુના ચરણમાં,
બહુ રૂપોમાં એ ઈશ અચલ ઊભા તમ કને,
બીજે શોધો શાને? જીવ-પૂજનમાં છે શિવ પૂજા.

આધુનિક માનવ ધન કમાવામાં, કેરિયર બનાવવામાં, જીવન વ્યવહારનાં કાર્યોમાં, એટલો વ્યસ્ત છે, દૈનંદિન સમસ્યાઓમાં એટલો ગુંચવાયેલો છે કે તેની પાસે પ્રાર્થના ભજન કરવાનો, ધ્યાન કરવાનો કે જ્ઞાન – ચર્ચા કરવાનો સમય નથી. આધુનિક માનવનું મન એટલું ચંચળ છે કે ધ્યાનમાં મન બેસતું નથી. તેથી રાજયોગની સાધનામાં આગળ વધી શક્તો નથી. આધુનિક માનવ પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવમાં સંશયવાદી બની ગયો છે, ઈશ્વરમાં સાચી શ્રદ્ધા જ નથી, પછી ‘ભક્તિયોગ’ની સાધના ક્યાંથી થાય? ‘જ્ઞાનયોગ’ની સાધના માટે અતિ આવશ્યક વિવેક-વૈરાગ્યની મૂડી પણ આધુનિક માનવ પાસે નથી. એટલે જ સ્વામી વિવેકાનંદજી આધુનિક યુગને માટે અનુકૂળ, સરળતમ અને શ્રેષ્ઠતમ સાધન-‘સેવાયોગ’ – કર્મયોગની સાધના માટે આધુનિક માનવને આવાહન કરે છે.

Total Views: 350

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.