(ભગવાન બુદ્ધ અને સ્વામી વિવેકાનંદજીની સામ્યતા)

આ વર્ષે ૧૧મી મેના દિવસે સર્વત્ર બુદ્ધપૂર્ણિમા ઉજવાશે. સ્વાભાવિક રીતે જ આ પ્રસંગે ભગવાન બુદ્ધની કરુણામૂર્તિ આપણા મનસપટલ પર ઉપસી આવે છે. સાથે જ ઉપસી આવે છે એક અન્ય કરુણામૂર્તિ સ્વામી વિવેકાનંદજીની, જેમનું હૃદય માનવજાતનાં દુઃખોથી સદા વિચલિત રહેતું.

અમેરિકા ગયા પહેલાં આબુરોડ સ્ટેશન પર સ્વામી વિવેકાનંદજીની મુલાકાત, તેમના ગુરુભાઈ સ્વામી તુરીયાનંદજી સાથે થઈ હતી. પાછળથી આ મુલાકાતનો ઉલ્લેખ કરતાં સ્વામી તુરીયાનંદજીએ કહ્યું હતું : “એ વખતે સ્વામીજીએ જે ઉદ્‌ગારો કાઢ્યા હતા એની સ્મૃતિ હજુય તાજી છે…તેમણે કહ્યું હતું, ‘હરિભાઈ, હું હજુ પણ તમારો તથાકથિત ધર્મ સમજી શક્યો નથી, પણ મારું હૃદય વિશાળ બની ગયું છે. અને લાગણીઓ અનુભવવાનું હું શીખી ગયો છું. વિશ્વાસ રાખો કે હવે હું ખરેખર તીવ્ર સંવેદનશીલ થઈને લાગણી અનુભવી શકું છું.’ તેઓ એટલા બધા ભાવુક બની ગયા હતા કે તેમનું ગળું રુંધાઈ ગયું હતું. તેઓ આગળ કશું કહી ન શક્યા… સ્વામી વિવેકાનંદજીના હૃદયના ઊંડાણમાંથી નીકળેલા આ શબ્દોએ મારી મનોદશા પર કેવો પ્રભાવ પાડ્યો, એની તમે કલ્પના કરી શકો છો ખરા? મેં વિચાર્યું કે, ભગવાન બુદ્ધે પણ શું આવી વાતો નહોતી કહી? શું તેમણે પણ આવી લાગણી નહોતી અનુભવી?” સ્વામી તુરીયાનંદજીએ આગળ ચાલતાં કહ્યું : “અને મને યાદ છે કે જ્યારે તેઓ બોધિવૃક્ષ નીચે ધ્યાનમગ્ન થવા માટે બોધિગયા ગયા હતા, ત્યારે તેમને ભગવાન બુદ્ધનાં દિવ્ય દર્શન થયાં હતાં. અને તેઓ તેમના શરીરમાં પ્રવિષ્ટ થયા હતા… હું એ સ્પષ્ટ રીતે જોઈ શક્યો હતો કે સમગ્ર માનવસમુદાયની વ્યથા તેમના તીવ્ર સંવેદનશીલ હૃદયમાં પ્રવેશી ગઈ હતી.”

સ્વામીજીના ગુરુભાઈ સ્વામી શિવાનંદજીને માર્ચ ૧૯૩૩ના કોઈ એક દિવસે સવારે સ્વામીજીનાં દર્શન થયાં હતાં. સ્વામીજીએ કહ્યું – ‘તારકદાદા, યાદ છે ને, હું બુદ્ધરૂપે આવ્યો હતો અને તમે આવ્યા હતા આનંદ રૂપે? ચાલો હવે, ક્યાં સુધી રહેશો?’ આ દર્શન પછી સ્વામી શિવાનંદજીએ તેમના સેવકોને કહ્યું હતું કે હવે તેમને તરત જ જવું પડશે. અને ખરેખર થોડા જ મહિનાઓ પછી તેમણે દેહત્યાગ કર્યો.

આપણે જ્યારે આ બે વિભૂતિઓના જીવન અને ઉપદેશોની સરખામણી કરીએ છીએ ત્યારે એ વિચાર્યા વિના આપણો છૂટકો જ થતો નથી કે શું આ બન્ને આત્માઓ, ૨૪૦૦ વર્ષોના ગાળામાં આ ધરતીના પટ પર અવતરેલ એક જ હસ્તી, એક જ અસ્તિત્વ તો નથી?

સ્વામી વિવેકાનંદજીની ધ્યાનસ્થ મૂર્તિ નિહાળતી વખતે જે સૌથી પ્રથમ વાત ધ્યાન ખેંચે છે તે છે તેમની ભગવાન બુદ્ધની ધ્યાનસ્થ મૂર્તિ સાથેની સામ્યતા.

સ્વામીજીના જીવનના કેટલાય પ્રસંગો આ વાતની શાખ પૂરે છે કે આ સામ્ય, કેવળ ભૌતિક સંયોગ માત્ર નથી. ભગવાન બુદ્ધ વીરોચિત ઢબછબના રૂપમાં ઢળેલા એક ક્ષત્રિય હતા અને શારીરિક, માનસિક તેમજ આધ્યાત્મિક ગુણોથી સુસંપન્ન વ્યક્તિ હતા, અને સ્વામી વિવેકાનંદ પણ એવા જ હતા. ભગવાન બુદ્ધ બાળપણમાં ય ધ્યાનાવસ્થામાં ચાલ્યા જતા અને સ્વામીજી પણ એવું જ કરતા. સિદ્ધાર્થ શિશુકાલમાં એટલા દયાળુ હતા કે દેવદત્તના બાણથી ઘાયલ થયેલા એક પંખીના પ્રાણ એમણે બચાવ્યા હતા, અને બિલે (સ્વામીજીનું બચપણનું નામ) પણ એટલો દયાળુ હતો, તે પોતાના મકાન પાસેથી પસાર થતા ભિખારીઓને ઘરની વસ્તુઓ આપી દેતો. આ મુસીબત ટાળવા એને ઘરમાં પૂરી રાખવામાં આવતો હતો. જ્યારે સિદ્ધાર્થનો જન્મ થયો, ત્યારે તેમના વિશે કહેવામાં આવ્યું કે આ બાળક લોકોને અજ્ઞાનાંધકારમાંથી મુક્ત કરશે અથવા જો એ રાજ્ય કરવા ઇચ્છશે તો સમગ્ર વિશ્વનો રાજા બનશે. પરંતુ એને સમ્રાટ બનાવવાના એના પિતાએ કરેલા બધા પ્રયત્નો વ્યર્થ નીવડ્યા. યુવાન નરેન્દ્રનાથ, ભાવિ સ્વામી વિવેકાનંદ, દરરોજ રાત્રે જ્યારે ઊંઘવા જતા, ત્યારે તેમના મનમાં જીવનનાં એકમેકથી તદ્દન ભિન્ન એવાં બે રૂપો સામે ખડાં થતાં – એક તો સફળ ગૃહસ્થજીવનની કલ્પના અને બીજું એક મહાન સંન્યાસીની પરિકલ્પના. અને એ બન્ને રૂપોને પ્રાપ્ત કરવામાં તેઓ પોતાને શક્તિશાળી જણાતા. ભાવિના નિર્ણયનો આ સંઘર્ષ ધીરે ધીરે સમાપ્ત થયો અને છેવટે તેમણે તપોમય સંન્યાસીજીવન અપનાવવાનો નિશ્ચય કર્યો. તેમને વિવાહગ્રંથિથી બાંધવાના તેમના પિતાના બધા જ પ્રયત્નો નકામા નીવડ્યા.

પોતાના પિતાના અવસાન પછી ખાસ કરીને જ્યારે તેઓ વિપત્તિઓની ભીંસમાં સપડાયા ત્યારે દૈવી ન્યાય અને દયાની બાબતમાં તેમજ આનંદસ્વરૂપ ઇશ્વરની આ સૃષ્ટિમાં દુઃખ વિષાદના સહ-અસ્તિત્વના સંબંધમાં સંશયવાદના ચકરાવામાં પડી ગયા હતા. ભગવાન બુદ્ધે પણ રોગ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુના રૂપમાં માનવોની વેદના નિહાળી ત્યારે આવી જ લાગણી અનુભવી હતી. ભગવાન બુદ્ધના હૃદયને વ્યક્તિગત મુક્તિની ઝંખનાએ નહિ, પરંતુ સમગ્ર માનવજાતની પીડાએ હચમચાવી મૂક્યું હતું. પોતાની મોક્ષ- પ્રાપ્તિ માટે નહિ, પણ આખી માનવજાતને દુ:ખોના ભોગવટામાંથી છોડાવવા ભગવાન બુદ્ધે વૈભવવિલાસનો ત્યાગ કર્યો હતો અને સત્યની ખોજ કરવા તેઓ ચાલી નીકળ્યા હતા. આવી જ ભાવના અને આવી જ આકાંક્ષાથી માનવજાતિને એની દિવ્યતાનું ભાન કરાવવા સ્વામીજીએ પણ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું હતું. તે એટલે સુધી કે દુઃખમાં ડૂબેલી પોતાની માતા અને ભાઈઓ તરફનો મોહ પણ તેમને એવું કરતાં અટકાવી ન શક્યો અને તેમણે સંસારમાંથી વૈરાગ્ય લઈ લીધો. સને ૧૮૯૪ના જાન્યુઆરી માસની ૨૯મી તારીખે જુનાગઢના દીવાન શ્રી હરિદાસ વિહારીદાસ દેસાઈને એક પત્રમાં તેમણે લખ્યું હતું : “એક તરફ હતી ભારતીય ધર્મ અને વિશ્વના ભાવિ વિશેની મારી પરિકલ્પના અને યુગ યુગોથી અધોગતિ પામતા, નિઃસહાય એ લાખો નરનારીઓ, કે જેમને વિશે વિચાર સરખોય કોઈ કરતું નથી, તેમના પ્રત્યેનો મારો પ્રેમ, અને બીજી તરફ મારા સહુથી વધારે અંતરંગ અને પ્રિયપાત્ર લોકોને દુઃખી કરવાનું હતું. આ બન્નેમાંથી મેં પહેલો વિક્લ્પ પસંદ કર્યો.”

ભગવાન બુદ્ધ બોધિગયામાં બોધિવૃક્ષની નીચે સત્યનો સાક્ષાત્કાર કરવા માટે દૃઢ સંકલ્પ કરીને ધ્યાનમગ્ન થયા હતા. એ જ બોધગયા તરફ નરેન્દ્રનું મન પણ ખેંચાયું હતું. ત્યારે શ્રીરામકૃષ્ણ કાશીપુરમાં રહેતા હતા. પોતાના ગુરુભાઈઓની સાથે તેઓ પણ તે જ પવિત્ર સ્થળે જવા માટે નીકળી પડ્યા હતા. એ વખતે સ્વામીજી ભગવાન બુદ્ધના વિચારોમાં ઓતપ્રોત હતા. એ વખતે તેઓ બૌદ્ધ મનસ્વી હતા. તથાગતની પ્રચંડ જ્ઞાનશક્તિ, તેમના વિચારોનું ઉત્કૃષ્ટ સંતુલન, સત્ય માટેની તેમની અદમ્ય અભિલાષા, એમનો ઉજ્વલ વૈરાગ્ય, એમનું સંવેદનશીલ હૃદય, એમનું મૃદુ-ગહન-ગંભીર વ્યક્તિત્વ, એમની ઉદાત્ત મૌલિકતા તેમજ તત્ત્વશાસ્ત્ર અને માનવચરિત્ર વચ્ચે સંતુલન સ્થાપિત કરવાની તેમની અદ્ભુત રીત – આ બધા ગુણો બીજા ગુરુભાઈઓમાં ફેલાઈ ગયા હતા. તે બધા ભગવાન બુદ્ધની પેઠે પોતાના જીવનના ભોગે ય સત્યપ્રાપ્તિ માટે કૃતસંકલ્પ બન્યા હતા. તે લોકોએ પોતાના ધ્યાનખંડની ભીંતો ઉપર મોટા અક્ષરોમાં, સત્યસાક્ષાત્કાર માટેનો ભગવાન બુદ્ધનો પેલો પ્રસિદ્ધ દૃઢસંકલ્પ લખી રાખ્યો હતો :

इहासने शुष्यतु मे शरीरं
त्वगस्थिमासं प्रलयं च यातु ।
अप्राप्य बोधिं बहुकल्पदुर्लभं
नैवासनात्कायमतश्चलिष्यते ॥

“આ આસન પર મારું શરીર ભલે સુકાઈ જાય, મારાં ચામડી, હાડકા અને માંસ ભલે ગળી જાય પણ જ્યાં સુધી બહુકલ્પદુર્લભ બોધિ મને પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી આ આસન પરથી મારું શરીર ચલાયમાન નહિ થાય.”

બોધિગયા પહોંચીને તે લોકોએ ધ્યાનસ્થ થવા માટે એ જ પવિત્ર બોધિવૃક્ષની નીચે રહેલું એ જ પથ્થરનું આસન પસંદ કર્યું કે જેની ઉપર બેસીને ભગવાન બુદ્ધ ધ્યાનમગ્ન થયા હતા અને જ્યાં તેમણે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. એ જ સમયગાળામાં નરેનને કાશીપુરમાં નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ થઈ હતી. જોગાનુજોગ પોતાના મહાપ્રયાણની પહેલાં સ્વામીજીની છેલ્લી તીર્થયાત્રા પણ બોધગયાની જ હતી. ત્યારે તેઓ પોતાના ઓગણચાલીસમાં જન્મદિવસે ત્યાં ગયા હતા. હકીકતમાં બોધગયા સ્વામીજીના જીવનનું પહેલું અને છેલ્લું મુખ્ય તીર્થ હતું.

ભગવાન બુદ્ધે બુદ્ધત્વ પ્રાપ્ત કર્યા પછી સારનાથમાં (વારાણસીમાં) પહેલી વાર ‘ધર્મચક્ર પ્રવર્તન’ કર્યું હતું. અને એ જ વારાણસીમાં સ્વામી વિવેકાનંદજીએ પ્રસિદ્ધ ઘોષણા કરી હતી : “હું જઈ રહ્યો છું અને ત્યાં સુધી પાછો નહીં ફરું કે જ્યાં સુધી સમાજ ૫૨ એક બૉમ્બની પેઠે ફૂટી ન પડું, અને એને (સમાજને) એક પાળેલા કૂતરાની પેઠે મારી પાછળ ચાલતો ન બનાવી મૂકું.” વારાણસીમાં જ તેમણે શિષ્યોને જીવતા શિવની સારવાર અને અન્નના અભાવે રોગ અને ભૂખથી મરી રહેલાં નરનારીઓની સેવા માટે પહેલો સેવાશ્રમ શરૂ કરવા પ્રેર્યા હતા.

જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ભગવાન બુદ્ધે સમ્યક્ આચરણ દ્વારા સમસ્ત તૃષ્ણાના વિનાશનો મહાન સંદેશ ફેલાવવા દેશનું પગપાળા ભ્રમણ કર્યું હતું અને સ્વામીજીએ પરિવ્રાજકરૂપે કેવળ આખા દેશમાં જ નહિ, પણ પશ્ચિમના દેશોની પણ યાત્રા, સર્વ ધર્મોના સમન્વયનો મહાન સંદેશ દેવા માટે કરી. તેમણે પોતે કહ્યું : “જેવી રીતે ભગવાન બુદ્ધ પાસે પ્રાચ્ય દેશોને આપવા માટે સંદેશ હતો, તેવી રીતે મારી પાસે પાશ્ચાત્ય દેશો માટે સંદેશ છે.”

ભગવાન બુદ્ધે ‘બહુજન હિતાય બહુજન સુખાય’નો આદર્શ રાખીને સંન્યાસી-સંઘની સ્થાપના કરી, તો સ્વામીજીએ પણ ‘આત્મનો મોક્ષાર્થં જગદ્વિતાય ચ’નો આદર્શ રાખીને પોતાના ગુરુને નામે એક સંઘ સ્થાપ્યો. પોતાના શિષ્યોને સ્વામીજી કહેતા : “ભગવાન બુદ્ધ મનુષ્ય ન હતા, એક અનુભૂતિ હતા. તમે બધા એમાં સમાઈ જાઓ! અને એની ચાવી અહીંથી લો!” ભગિની નિવેદિતાને દીક્ષા આપતી વખતે એમણે તેમને શિવની પૂજા કરવાનું અને તથાગત બુદ્ધની ઉપાસના કરવાનું અને તેમના ચરણોમાં પુષ્પો અર્પણ કરવાનું કહ્યું હતું. ભગિની નિવેદિતા લખે છેઃ “તેમણે કહ્યું, ‘જાઓ અને તેમને અનુસરો કે જેમણે દિવ્ય બોધ પ્રાપ્ત કર્યા પહેલાં પાંચ હજાર વાર જન્મ લઈને પોતાનું જીવન બીજાઓ માટે સમર્પિત કરી દીધું હતું.’ તેમણે આ વાતો એવી રીતે કહી કે જાણે તેઓ એક વ્યક્તિને માધ્યમ બનાવીને ભવિષ્યમાં ગમે ત્યારે તેમની પાસે માર્ગદર્શન મેળવવા આવનાર સૌને કહી રહ્યા હોય!”

ભગવાન બુદ્ધે કેવળ માનવજાતને જ નહિ, સકલ પ્રાણી – જગતને પણ પોતાનું બનાવી લીધું હતું. અંબપાલી નામની વેશ્યા, એક અસ્પૃશ્ય જેની પાસેથી ભગવાન બુદ્ધે છેલ્લું ખાણું લીધું હતું તે, તેમજ એક હજામ પણ તેમની પાસેથી નિર્વાણનું વરદાન પામી ધન્ય બન્યાં હતાં. રાજગીરમાં એક બકરાનો જીવ બચાવવા તેઓ પોતાનો જીવ અર્પણ કરવા તત્પર થઈ ગયા હતા. સ્વામીજીનું હૈયું પણ દબાયેલા-પિસાયેલા લોકો માટે દ્રવિત થતું હતું. ખેતડીની નર્તકી, ખેતડીનો મોચી તેમજ અલ્મોડાનો એક ગરીબ મુસલમાન ફકીર – બધાને તેમના આશીર્વાદ અને સન્માન મળ્યાં હતાં. તેમના આર્દ્ર હૈયામાંથી મર્મભેદક વાક્ય નીકળી પડ્યું હતું : “હું તો એને મહાત્મા માનું છું કે જેનું હૃદય દરિદ્રો માટે દ્રવી ઊઠે. એમ ન હોય તો એ દુરાત્મા છે”…”…હું વારંવાર જન્મું અને હજારો દુઃખો સહું કે જેથી હું એવા ઇશ્વરની પૂજા કરી શકું કે જે હંમેશાં હાજરાહજૂર છે. હું કેવળ એ ઇશ્વરમાં જ વિશ્વાસ કરું છું જે જીવમાત્રનું સમષ્ટિરૂપ છે. અને જે દુષ્ટના રૂપે, પીડિતોના રૂપે તેમજ બધી જાતિઓ, બધા વર્ગો, ગરીબોના રૂપે પ્રગટ થયો છે, એ જ મારો વિશેષ આરાધ્ય છે.” તેમણે કહ્યું : “જ્યાં સુધી મારા દેશમાં એક કૂતરો પણ ભૂખ્યો છે ત્યાં સુધી એના માટે ખોરાક મેળવવો અને એની સારસંભાળ લેવી એ જ મારો ધર્મ છે.” ભગિની નિવેદિતાએ પોતાના ગુરુને એમ કહેતા સાંભળ્યા હતા કે, “હું કોઈ પણ અપરાધ કરવામાં કે હંમેશાં નરકમાં જવા માટે ય અચકાઈશ નહિ, જો એમ કરવાથી ખરેખર હું કોઈ વ્યક્તિને મદદ કરી શકું.” તેઓ આગળ લખે છે : “અમારામાંના કેટલાંકને તેમણે વારંવાર કહેલી બોધિસત્ત્વની જીવનગાથા પાછળ પણ તેમની આ જ ભાવના રહેલી જણાતી, જાણે કે વર્તમાન યુગમાં એની વિશેષ આવશ્યકતા હોય, બોધિસત્ત્વ, જ્યાં સુધી વિશ્વનો છેલ્લામાં છેલ્લો રજકણ પણ પોતાની પહેલાં મુક્ત ન થઈ જાય, ત્યાં સુધી પોતાની નિર્વાણ પ્રાપ્તિનો સ્વીકાર નહોતો કર્યો.”

વજ્રધ્વજ સૂત્ર અનુસાર, એક બોધિસત્ત્વ (આગળ જતાં થનારા બુદ્ધ)નો એવો સંકલ્પ હોય છે કે, “ખરેખર, વધારે સારું તો એ છે કે બીજા લોકો વિષાદમાં પડ્યા રહે એના કરતાં ફક્ત હું જ દુઃખ ભોગવું. માટે મને પોતાને બંધકના રૂપમાં અવશ્ય સમર્પિત કરી દેવો જોઈએ કે જેથી સંપૂર્ણ વિશ્વ નરક, જાનવરો અને યમલોકની વિભીષિકાથી બચી શકે. મારે મારા આ શરીરના માધ્યમથી બધાં પ્રાણીઓ માટેનાં બધાં કષ્ટોનો અનુભવ કરવો જોઈએ. હું બધાં પ્રાણીઓ વતી બધાંને અભયદાન આપું છું અને એ શા માટે, સમસ્ત પ્રાણીજગતને મુક્ત કરવાના ઉદ્દેશ્યથી મારામાં બધા પ્રકારનાં જ્ઞાન પર વિજય મેળવવાની ઈચ્છા ઉત્પન્ન થઈ છે.” આ રીતે ભગવાન બુદ્ધે સાર્વલૌકિક કરુણાનો એ સંદેશ આપ્યો, કે જે વેદાન્ત અનુસાર બધાં પ્રાણીઓની મૂળભૂત એકતા ઉપર આધારિત છે. તે અનુસાર અન્ય લોકો તરફના પ્રેમને લીધે પોતાના નિર્વાણનો પણ ત્યાગ કરી દેવો, એ જ ખરેખરા અર્થમાં નિર્વાણની પ્રાપ્તિ છે.

સ્વામીજીએ અનેક વાર સર્વજનીન મુક્તિના વિચારને એવી જ રીતે વ્યક્ત કર્યો છે કે જે રીતે ભગવાન બુદ્ધે વ્યક્ત કર્યો હતો. તેમણે પોતાના શિષ્ય શ્રી શરત્‌ચન્દ્ર ચક્રવર્તીને કહ્યું હતું : “એ માની લઉં છું કે અદ્વૈતની અનુભૂતિ દ્વારા તમે વ્યક્તિગત મુક્તિ મેળવી લો છો; પણ એમાં વિશ્વનું શું ભલું થશે? તમારે તો દેહત્યાગની પહેલાં આખા વિશ્વને મુક્ત કરવું પડશે. ત્યારે જ તમે શાશ્વત સુખમાં સ્થિર રહી શકશો.” વળી તેમણે કહ્યું : “શું તમે એમ માનો છો કે જ્યાં સુધી એક પણ જીવ બંધનમાં પડ્યો રહે ત્યાં સુધી તમે મુક્તિ મેળવી શકશો? જ્યાં સુધી એ મુક્ત નહિ થઈ જાય ત્યાં સુધી તમારે કેટલીયવાર જન્મ લેવો પડશે, કારણ કે એને બ્રહ્માનુભૂતિ કરાવવામાં તમારે મદદ કરવી પડશે.” તેમણે શ્રી ગિરીશ ઘોષને કહ્યું હતું : “તમે જાણો છો ગિરીશબાબુ? મને એવું લાગે છે કે વિશ્વને દુઃખમુક્ત કરવા મારે જો હજાર વાર જન્મ લેવો પડે તો હું ખરેખર જ એવું કરીશ. જો એવું કરવાથી એક આત્માનું દુઃખ પણ થોડું ઓછું થાય તો હું એવું કેમ ન કરું? ફક્ત પોતાની જ મુક્તિથી બાકીના બધાને શો લાભ થાય? એ રસ્તે પોતાની સાથે બધા લોકોને દોરી જવા પડશે.”

આ રીતે સ્વામી વિવેકાનંદજીનું જીવન અને એમનો સંદેશ જાણે ભગવાન બુદ્ધના જ જીવન અને સંદેશનો પડઘો હતો. અને અઢી હજાર વરસ પહેલાં ગુંજી ઊઠેલા એ સંદેશને તેમણે એક નવી શ્રદ્ધેયતા અર્પી હતી.

પોતાના દેહાવસાનના થોડાક જ દિવસ પહેલાં, સ્વામીજી પોતાના શિષ્ય શરત્‌ ચક્રવર્તી સાથે વાતો કરી રહ્યા હતા. સ્વામી બ્રહ્માનંદજીએ શિષ્યને ધમકાવ્યો કે સ્વામીજી અસ્વસ્થ છે, આ જાણવા છતાં ય ગંભીર વિષયો પરની નાહક ચર્ચા કરીને તે એમને થકવી રહ્યો છે. આ સાંભળીને સ્વામીજીએ પોતાના ગુરુભાઈને કહ્યું : “તમારા ડૉક્ટરોના પ્રતિબંધની કોણ પરવા કરે છે? આ લોકો તો મારા પુત્રસમ છે. એમને શીખ દેવામાં જો મારું શરીર નષ્ટ પણ થઈ જાય, તો એની કોણ પરવા કરે છે?” એટલે સુધી કે પોતાની મહાસમાધિને દિવસે, ૪ જુલાઈ, ૧૯૦૨ના રોજ, ત્રણ કલાક સુધી તેમણે બ્રહ્મચારીઓને સંસ્કૃત વ્યાકરણ ભણાવ્યું, અને સ્વામી પ્રેમાનંદજી સાથે વૈદિક વિદ્યાલયની સ્થાપના તથા બીજા વિષયો પર વાતચીત કરતાં કરતાં તેઓ દૂર દૂર સુધી લટાર મારતા રહ્યા.

ખરેખર, સ્વામીજી અને ભગવાન બુદ્ધ આખા વિશ્વ સાથે એકીભૂત થઈ ગયા હતા. નીચેની ઘટનાનું વર્ણન શ્રીરામકૃષ્ણના એક અંતરંગ શિષ્ય સ્વામી વિજ્ઞાનાનંદજીએ કર્યું હતું. એ સિદ્ધ કરે છે કે, ભગવાન બુદ્ધના હૃદય પેઠે જ સ્વામીજીનું સંવેદનશીલ હૃદય પણ કેવી રીતે સમગ્ર વિશ્વ સાથે એકીભૂત થઈ ગયું હતું. તે એટલે સુધી કે પૃથ્વીમાં પીડાનો આછો તરંગ પણ તેમના હૃદયમાં ભીતરી પડઘો પાડી દેતો.

બેલુરમઠમાં એક વાર રાત્રે લગભગ એક વાગ્યે સ્વામીજી પોતાના ઓરડામાંથી બહાર ધસી આવ્યા અને ઓસરીમાં આમ તેમ આંટા મારવા લાગ્યા. સ્વામી વિજ્ઞાનાનંદજીએ આ જોયું એટલે સ્વામીજી પાસે જઈને પૂછ્યું : “કેમ, તમને ઊંઘ નથી આવતી કે?” સ્વામીજીએ ઉત્તરમાં કહ્યું : “જો, પેસન, હું તો ગાઢ નિદ્રામાં સૂતો હતો. પણ અચાનક મને એક આંચકો લાગ્યો. મને લાગ્યું કે કોઈકે મને ધક્કો માર્યો હશે અને મારી ઊંઘ ઊડી ગઈ. એવું લાગે છે કે ક્યાંક કોઈક દુર્ઘટના થઈ છે કે જેને પરિણામે માણસો મોટા દુઃખમાં સપડાઈ ગયા છે. એણે જ મને જગાડી દીધો.”

આ સાંભળીને વિજ્ઞાનાનંદજી મહારાજ મનોમન હસ્યા. કારણ કે આ કંઈ માનવાજોગ વાત ન હતી. પણ સવારે તેમણે વર્તમાનપત્રોમાં જોયું કે પાછલી રાત્રે એ જ સમયે ફિજી પાસે ક્યાંક જ્વાળામુખી ફાટ્યો છે, એથી કેટલાય માણસો અને સંપત્તિનો નાશ થયો છે. વિજ્ઞાનાનંદજી મહારાજ તો એ વિચારીને આશ્ચર્યમુગ્ધ જ બની ગયા કે કલકત્તાથી પાંચ હજાર માઈલ દૂર ઉત્પન્ન થયેલા સંકટે સ્વામીજીની નિદ્રા કેવી રીતે ઉડાડી દીધી હશે.

તેમને લાગ્યું કે સ્વામીજીનું નાડીતંત્ર ‘સીસ્મોગ્રાફ’ (ધરતીકંપ માપવાના યંત્ર) કરતાં ય વધારે સંવેદનશીલ બની ગયું છે. આમ, સ્વામીજીનું હૃદય ભગવાન બુદ્ધની જેમ આખા વિશ્વ સાથે એકીભૂત થઈ ગયું હતું. સ્વામીજીને અંતરંગરૂપે જે લોકો જાણતા હતા તેમને માટે તેઓ આ યુગના બુદ્ધાવતાર હતા. ભગવાન બુદ્ધ અને સ્વામી વિવેકાનંદજી જાણે કે એક હસ્તી, એક અસ્તિત્વ હતા.

Total Views: 157

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.