સ્વામી વિવેકાનંદજી ખેતડી (રાજસ્થાન)માં નિવાસ કરી રહ્યા હતા. ખેતડીના મહારાજા અજિતસિંહે એક દિવસ એક સંગીતસભાનું આયોજન કર્યું. એક ગાનારી બાઈજીને પણ બોલાવી હતી. સ્વામીજી સંગીતના શોખીન છે એમ જાણી મહારાજાએ તેમને પણ મહેફિલમાં આવવા માટે સંદેશો મોકલાવ્યો. પણ સ્વામીજીએ જવાબ મોકલાવ્યો કે એક સંન્યાસી માટે આવા ઉત્સવમાં જોડાવું યોગ્ય નથી. ગાયિકાને આ સાંભળીને આઘાત લાગ્યો. તેણે દુ:ખી થઈ અત્યંત દર્દભર્યા કંઠે સુરદાસનું પ્રસિદ્ધ ભજન ગાવાનું શરૂ કર્યું :
પ્રભુ મોરે અવગુન ચિત ન ધરો
સમદરશી હૈ નામ તિહારો ચાહે તો પાર કરો…
’હે પ્રભુ, મારા દોષ તરફ ધ્યાન ન આપશો. તારું નામ તો સમદર્શી છે, મારો ઉદ્ધાર કરજે.’ સ્વામીજીએ દૂરથી દર્દભર્યું ગીત સાંભળ્યું અને મનોમન પોતાને ધિક્કારવા લાગ્યા : ‘શું હું સાચો સંન્યાસી છું? સંન્યાસી હોવા છતાં પણ મેં મારી અને સ્ત્રી વચ્ચે ભેદ કેમ જોયો?’ તેમની આંખો ઊઘડી ગઈ. તેમને યાદ આવ્યું કે ભેદદૃષ્ટિ અજ્ઞાનથી માયાથી જ થાય છે, બધાંમાં પેલી એક જ સત્તા વિરાજમાન છે. તેથી તેઓ કોઈની ઘૃણા કરી શકે નહીં; તે જ ક્ષણે સ્વામીજી સંગીતની મહેફિલમાં હાજર થઈ ગયા. ગીત પૂરું થયા પછી ગાનારી બાઇજીને માતાનું સંબોધન કરીને તેમણે તેની પાસેથી ક્ષમા માગી.
સ્વામીજીને ત્યારે પોતાના ગુરુ શ્રીરામકૃષ્ણદેવ અવશ્ય યાદ આવ્યા હશે. પાછળથી તેમણે શ્રીરામકૃષ્ણદેવની આરાત્રિકમની રચના કરી ત્યારે આઠમા પદમાં લખ્યું :
‘પ્રેમાર્પણ સમદરશન જગજન દુઃખ જાય’
શ્રીરામકૃષ્ણદેવ દરેક નારીમાં જગન્માતાનાં દર્શન કરતા. અદ્વૈતજ્ઞાનની અનુભૂતિ થયા બાદ તેમનો ભેદભાવ બિલકુલ જતો રહ્યો હતો. એક દિવસ શ્રીરામકૃષ્ણદેવ દક્ષિણેશ્વરમાં મા કાલીના મંદિરમાં જગન્માતાનું ધ્યાન કરી રહ્યા હતા પણ ધ્યાન બરાબર લાગતું ન હતું. પછી તેમણે જોયું કે ૨મણી નામની વેશ્યાનું (જે પ્રત્યેક દિવસે ગંગામાં સ્નાન કરવા આવતી) રૂપ ધારણ કરીને જગન્માતા સિંહાસનની પાસે ઊભાં ઊભાં કળશની પાસેથી જોઈ રહ્યાં છે. આ જોઈને તેઓ હસવા લાગ્યા અને કહેવા લાગ્યા, ‘વાહ! વાહ! મા! આજે તને રમણી બનવાની ઈચ્છા થઈ? ભલે, આજે આ જ રૂપમાં મારી પૂજા ગ્રહણ કર.’ અન્ય એક દિવસે તેઓ ઘોડાગાડીમાં બેસી કલકત્તાની મછુઆ બજારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે થોડી વેશ્યાઓ શણગાર સજીને, સુંદર વસ્ત્રોમાં સજ્જ થઈ લોકોના મનને લલચાવી રહી છે. આ જોઈ તેઓ આશ્ચર્યચક્તિ થઈ બોલી ઊઠ્યા, ‘વાહ! વાહ! મા! આજે તને આવું રૂપ ધારણ કરવાની ઈચ્છા થઈ?’ આમ કહી તેઓને પ્રણામ કર્યા.
એક વાર ઉચ્ચ કુલીન પરિવારની કેટલીક સ્ત્રીઓ શ્રીરામકૃષ્ણદેવ સાથે દક્ષિણેશ્વરમાં વાતચીત કરી રહી હતી. તેમના મનમાં ગર્વ થયો કે અમે ઉચ્ચ વર્ણનાં-કુલીન પરિવારનાં છીએ તેથી શ્રીરામકૃષ્ણદેવ અમારા પર વિશેષ કૃપા કરી રહ્યા છે. એટલામાં ત્યાંથી રમણી નામની વેશ્યા પસાર થઈ. શ્રીરામકૃષ્ણદેવે પોકારીને કહ્યું, ‘કેમ રમણી, આજકાલ દેખાતી નથી?’ ઉચ્ચ કુલીન પરિવારની સ્ત્રીઓનો ગર્વ ચૂરચૂર થઈ ગયો.
શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્ત શ્રી ગિરીશ ઘોષ શરૂઆતમાં શ્રીરામકૃષ્ણદેવની આ ઉચ્ચ અદ્વૈતાવસ્થા સમજી ન શક્યા, તેમ છતાં તેમને બધાની સાથે નમ્રતાપૂર્વક પ્રેમપૂર્ણ, સન્માનપૂર્વકનો, વ્યવહાર કરતા જોઈ તેઓ મુગ્ધ થયા. એક વાર તેઓ ‘અમૃતબઝાર પત્રિકા’ના ત્યારના સંપાદક શ્રી શિશિર ઘોષ સાથે કલકત્તામાં શ્રી બલરામ બોઝના મકાનમાં શ્રીરામકૃષ્ણદેવનાં દર્શન કરવા ગયા. તેઓએ જોયું કે શ્રીરામકૃષ્ણદેવની પાસે જ બીધુ નામની નર્તકી બેઠી હતી જે તે દિવસે ભજનો ગાવાની હતી. કોઈકે તો કહી પણ નાખ્યું, ‘જુઓ જુઓ, બીધુનો પહેલેથી તેઓની સાથે સંબંધ હશે, નહિ તો તેઓ તેની સાથે આવી રીતે વિનોદ ન કરે.’ શ્રી શિશિર ઘોષે કહ્યું, ‘બહુ જોઇ લીધું, હવે ચાલો.’ શ્રી ગિરીશ ઘોષને પણ ન છૂટકે જવું પડ્યું. પાછળથી તેઓને ખબર પડી કે શ્રીરામકૃષ્ણદેવ એટલી ઉચ્ચ અદ્વૈત અવસ્થામાં રહેતા કે તેમને મન પુરુષ-સ્ત્રીનો, ઊંચ-નીચનો ભેદભાવ રહ્યો જ ન હતો. તેઓ ખરા અર્થમાં સમદરશી હતા.
શ્રી ગિરીશ ઘોખના સ્ટાર થિએટરમાં જ્યારે શ્રીરામકૃષ્ણદેવ ‘ચૈતન્યલીલા’ નાટક જોવા ગયા ત્યારે કેટલાક ભક્તોએ આ માટે આપત્તિ કરતાં કહ્યું કે તેમાં તો મોટા ભાગના પાત્રોનો અભિનય સ્ત્રીઓ કરશે. આજથી એક સો વર્ષ પૂર્વે નાટકમાં અભિનય કરતી સ્ત્રીઓને સમાજ સારી નજરથી જોતો ન હતો. શ્રીરામકૃષ્ણદેવે કહ્યું, ‘હું તો એ સ્ત્રીઓને પણ મારી જગન્માતા આનંદમયીરૂપે જોઈશ.’ તેઓ ખરેખર નાટક જોવા પધાર્યા. નાટક પૂરું થયા પછી તેમણે પ્રશંસા કરતાં કહ્યું, ‘અસલ નકલ એક લાગ્યું.’ આ પછી ગિરીશ ઘોષે અભિનેત્રીઓને શ્રીરામકૃષ્ણદેવના આશીર્વાદ લેવા માટે પ્રણામ કરવા કહ્યું. શ્રીરામકૃષ્ણદેવે નટી વિનોદિની વગેરે અભિનેત્રીઓના માથા પર હાથ મૂકી આશીર્વાદ આપ્યા. તેઓ આશીર્વાદ પામી ધન્ય બની ગઈ. નટી વિનોદિનીએ, પોતાના અનુભવ વિશે લખ્યું, ‘નૃત્યની અદામાં શ્રીરામકૃષ્ણદેવ મારી પાસે આવ્યા અને કહ્યું, ‘હરિ ગુરુ, હરિ ગુરુ.’ પછી તેમણે મારા માથા પર પોતાના બન્ને હાથો મૂકી મારો અપવિત્ર દેહ પાવન કર્યો. તેમણે તેને આશીર્વાદ આપી કહ્યું, ‘ચૈતન્ય થાઓ.’ નટી વિનોદિનીની આ પછી અદ્ભુત આધ્યાત્મિક પ્રગતિ થઈ. ત્યારના વખતમાં બંગાળની અત્યંત સુપ્રસિદ્ધ અભિનેત્રીઓમાં તેની ગણના થતી હતી. ૧૨ વર્ષમાં તેણે ૫૦ નાટકોમાં ૬૦ પાત્રોનો અભિનય કર્યો હતો. આમ છતાં, શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી તુરત ૧૮૮૬માં જ માત્ર ૨૩ વર્ષની વયે તેણે નાટકજગતથી સંન્યાસ લઈ લીધો અને બાકીના ૫૫ વર્ષો સુધી તે ગોપાલની સાધનામાં રત રહી..
શ્રીરામકૃષ્ણદેવનો પ્રેમ ઊંચ-નીચ, પુરુષ-સ્ત્રી, આબાલ-વૃદ્ધ સૌ પર સમાન રીતે વરસતો. દરેક જાતિની, દરેક ધર્મની, દરેક સંપ્રદાયની વ્યક્તિઓ તેમના પ્રેમનો આસ્વાદ માણી શકતી.
એક દિવસ સાંજે શ્રીરામકૃષ્ણદેવના એક ભક્ત શ્રી મન્મથનાથ ઘોષ કલકત્તામાં જરતલા મસ્જિદ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે એક અદ્ભુત દૃશ્ય જોયું, એક ફકીર મોટે અવાજે પ્રાર્થના કરી રહ્યો હતો, ‘હે ખુદા, તમે આવો, હે પ્રિય, તમે દયા કરી આવો.’ પ્રાર્થનામાં એટલી અંતરની ભાવના હતી કે તેની આંખોમાંથી આંસુની ધાર વહી રહી હતી. એ જ સમયે શ્રીરામકૃષ્ણદેવ કાલીઘાટથી એ જ રસ્તે પાછા ફરી રહ્યા હતા. એકાએક તેમણે ઘોડાગાડી રોકાવી અને નીચે ઊતરીને તેઓ દોડીને ફકીરની પાસે આવ્યા. બન્ને એકબીજાને ભેટી પડ્યા અને પ્રેમાશ્રુ વહાવવા લાગ્યા. આ અદ્ભુત દૃશ્ય જોઈને બધા મુગ્ધ થઈ ગયા.
ઈ. સ. ૧૮૮૫માં ગળામાં કૅન્સર થવાથી શ્રીરામકૃષ્ણદેવને કલકત્તાના શ્યામપુકુરના મકાનમાં ૩૧મી ઑક્ટોબરે સવારે લાવવામાં આવ્યા. ત્યાં એક ખ્રિસ્તી સંન્યાસી શ્રી પ્રભુદયાલ મિશ્ર આવ્યા. પાંત્રીસેક વર્ષની ઉંમર, ઘઉંવર્ણો ચહેરો, વિશાળ આંખો, મોટી દાઢી, હાથમાં છડી, યુરોપિયન વસ્ત્રોમાં સજ્જ એવા આ સંન્યાસીએ શ્રીરામકૃષ્ણદેવના ઓરડામાં પ્રવેશ કર્યો કે તરત જ શ્રીરામકૃષ્ણદેવે તેમને ભાવભર્યો આવકાર આપ્યો. વાતચીતના પ્રસંગમાં શ્રી મિશ્રે તુલસીદાસજીને ટાંકતા કહ્યું, ‘દરેક વ્યક્તિમાં રામ જ રહેલા છે.’ શ્રીરામકૃષ્ણદેવે કહ્યું, ‘એક રામ, તેના હજાર નામ. ખ્રિસ્તીઓ જેને ગૉડ કહે છે, તેને જ હિન્દુઓ રામ, કૃષ્ણ ઈશ્વર અને અન્ય નામથી બોલાવે છે.’
ઓરડામાં બેઠેલ અન્ય ભક્તોએ મિસ્ટર વિલિયમની વાત કરી જેઓ પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તી હતા. તેમણે ગુડફ્રાયડેના દિવસે (સંભવતઃ ૧૮૭૬માં) શ્રીરામકૃષ્ણદેવની મુલાકાત લીધી હતી અને શ્રીરામકૃષ્ણદેવમાં તેમણે ઇશુ ખ્રિસ્તનો સાક્ષાત્ આવિર્ભાવ જોયો હતો. શ્રી મિશ્રે કહ્યું, ‘અત્યારે તેમને (શ્રીરામકૃષ્ણદેવને) તમે આમ જુઓ છો, વળી તેઓ જ સ્વયં ઈશ્વર છે. તમે લોકો તેમને ઓળખી શકતા નથી. અત્યારે હું પોતાની આંખોથી તેમને સાક્ષાત્ જોઈ રહ્યો છું, પણ મેં તેમને દિવ્ય દર્શનમાં પહેલાં જ જોયા હતા. મેં એક બગીચો જોયો, જેમાં એક ઊંચી જગ્યા પર બેઠા હતા, નીચે એક અન્ય વ્યક્તિ બેઠેલી હતી પણ તે એટલી આગળ વધેલી ન હતી.’ વાતચીત કરતી વખતે મિશ્રે પાટલુન નીચે પહેરેલું ભગવા રંગનું વસ્ત્ર બતાવ્યું અને પોતાની વ્યક્તિગત વાતો કરી. તેઓ બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા હતા. પછી ઈશુ ખ્રિસ્તને પોતાના ઈષ્ટરૂપે સ્વીકારી કવૅકર સંપ્રદાયમાં જોડાયા. પોતાના એક ભાઈના લગ્નના દિવસે લગ્નમંડપ ભાંગી પડતાં તે તથા તેમના બીજા એક ભાઈ ત્યાં જ મૃત્યુ પામ્યા હતા. તે જ દિવસે તેમણે સંસાર ત્યાગ કર્યો હતો.
થોડી વાર પછી શ્રીરામકૃષ્ણદેવે ભાવાવસ્થામાં મિશ્રને કહ્યું, ‘તમે જેના માટે પ્રયત્નો કરો છો તે અવશ્ય મળશે.’ મિશ્ર શ્રીરામકૃષ્ણદેવમાં પોતાના ઈષ્ટ ઈશુ ખ્રિસ્તને જોયા અને હાથ જોડી સ્તુતિ કરવા માંડ્યા. પછી ભક્તોને તેમણે કહ્યું, ‘તમે લોકો તેમને ઓળખતા નથી, તેઓ ઇશુ ખ્રિસ્ત પોતે જ છે.’
અંગ્રેજી પત્રિકા ‘સિંધ ટાઈમ્સ’ (Sindh Times) અને સિંધી પત્રિકા ‘સિંધ સુધાર’ના સંપાદક શ્રીહીરાનંદ શૌકિરામ અડવાણી યુવાન હતા ત્યારે શ્રીરામકૃષ્ણદેવના પ્રેમપાશમાં એવા બંધાઈ ગયા હતા કે શ્રીરામકૃષ્ણદેવ, જ્યારે ગળામાં કૅન્સર થવાથી, કાશીપુરના બગીચામાં અંતિમ દિવસો પસાર કરી રહ્યા હતા ત્યારે તેમને જોવા તેઓ છેક સિંધથી ૨,૨૦૦ માઈલનું અંતર કાપીને આવ્યા. કુંવરસિંહ વગેરે શીખ સિપાઈઓ પણ શ્રીરામકૃષ્ણદેવના નિઃસ્વાર્થ પ્રેમના ભાગીદાર બન્યા હતા.
એટલે જ તો શ્રીરામકૃષ્ણદેવ વિશે સ્વામી વિવેકાનંદજી કહે છે, ‘તેમના જન્મ સાથે જ સત્યયુગનો પ્રારંભ થયો છે. ત્યારથી બધા પ્રકારના ભેદભાવનો અંત આવ્યો છે. છેક ચાંડાલ સુધીનો પ્રત્યેક માનવ ઈશ્વરીય પ્રેમનો ભાગીદાર છે. પુરુષ અને સ્ત્રી વચ્ચેનો, ગરીબ અને અમીર વચ્ચેનો, બધો ભેદભાવ નિર્મૂળ કરવા તેઓ જીવ્યા. તેઓ શાંતિના અગ્રદૂત હતા. હિન્દુઓ અને મુસલમાનો તેમ જ હિન્દુઓ અને ખ્રિસ્તીઓ વચ્ચેની જુદાઈ હવે ભૂતકાળની હકીકત બની ગઈ છે. આ સત્યયુગમાં શ્રીરામકૃષ્ણદેવના પ્રેમની ભરતીએ સૌને એક કરી દીધાં છે.’
માનવામાં ન આવે એવી વાત છે. આજે તો ચારે તરફ ઘોર કળિયુગ દેખાય છે. સતયુગનાં કોઈ એંધાણ દેખાતા નથી. પણ આપણે ધૈર્ય રાખવું પડશે. યુગ નિર્માણનું કાર્ય સો – બસો વર્ષોમાં શક્ય નથી. હજુ તો શ્રીરામકૃષ્ણદેવને અંતર્ધાન થયે માત્ર એકસો દસ વર્ષ થયાં છે. ધીરે ધીરે સમન્વયના મસીહા – પ્રેમના દૂત શ્રીરામકૃષ્ણદેવનો સંદેશ લોકો અપનાવશે તેમ તેમ સમાજમાં પરિવર્તન આવશે. પ્રખ્યાત ઇતિહાસકાર ડૉ. આર્નોલ્ડ ટૉયન્બીના કથન પ્રમાણે જો વિશ્વને સંપૂર્ણ વિનાશમાંથી બચવું હોય તો તેણે ભારતીય આદર્શોને અપનાવવા જ પડશે – શ્રીરામકૃષ્ણદેવના જીવન દ્વારા પ્રતિપાદિત સર્વધર્મ સમન્વયની સંદેશ અને મહાત્મા ગાંધી તથા સમ્રાટ અશોકનો અહિંસાનો સિદ્ધાંત અપનાવવો જ પડશે.
શ્રીરામકૃષ્ણદેવના દિવ્યપ્રેમથી આકર્ષિત થઈ વિભિન્ન ધર્મોના, વિભિન્ન સંપ્રદાયોના, વિભિન્ન દેશોના કેટકેટલાય લોકો શ્રીરામકૃષ્ણદેવનાં પુસ્તકો વાંચી રહ્યા છે, દેશ-વિદેશમાં તેમના સંદેશ ‘શિવજ્ઞાનથી જીવસેવા’ને વ્યવહારમાં મૂકવા અનેક કેન્દ્રો પ્રારંભ કરી રહ્યા છે. ‘આત્માનો મોક્ષાર્થમ્ જગત્ હિતાય ચ’ના મંત્રથી પ્રેરિત થઈ પોતાની આધ્યાત્મિક વિકાસ કરી રહ્યા છે; શ્રીરામકૃષ્ણદેવના પ્રેમના વિતરણનું માધ્યમ બની રહ્યા છે.
આધુનિક માનવ પ્રેમનો ભૂખ્યો છે. આજે સાચો પ્રેમ ક્યાંય જડતો નથી. સ્વામી વિવેકાનંદજી કહેતા કે લૌકિક પ્રેમોમાં સર્વશ્રેષ્ઠ એવા માતાના પ્રેમમાં પણ થોડી અપેક્ષા હોય છે, થોડો સ્વાર્થ હોય છે, પણ શ્રીરામકૃષ્ણદેવનો પ્રેમ તો છે – વિશુદ્ધ સ્વાર્થગંધહીન. આવા પ્રેમને સમસ્ત માનવજાતને અર્પણ કરવા શ્રીરામકૃષ્ણદેવ રાહ જોઈ ઊભા છે. તેમના હાથમાં પ્રેમામૃતનો પ્યાલો છલોછલ ભરેલો છે. તો ચાલો, આપણે પણ જેવા છીએ તેવા શ્રીરામકૃષ્ણ પાસે પહોંચી જઈએ. શંકા કરવાની જરૂર નથી કે તેઓ આપણને પોતાનો પ્રેમ અર્પણ કરશે કે નહીં, કારણ કે તેઓ તો સમદર્શી છે – ગિરીશ ઘોષ, પદ્મ વિનોદ, બિહારી જેવા દારૂડિયાઓ પર, મન્મથ જેવા ગુંડોઓ પર, મથુરબાબુ જેવા જમીનદાર પર, હાજરા મહાશય જેવા કપટીઓ પર, રસિક મહેતર જેવા અસ્પૃશ્યો પર, ભગવતી દાસી જેવી દુષ્ચરિત્ર સ્ત્રીઓ પર, નટી વિનોદિની જેવી અભિનેત્રીઓ પર, રમણી જેવી વેશ્યાઓ પર પોતાના પ્રેમનું વર્ષણ કર્યું હતું. તો પછી આપણા પર કેમ નહીં કરે? ચાલો, એ પ્રેમામૃતનું એકાદ ટીપું પણ આપણા જીવનને અમૃતમય બનાવી દેશે, ધન્ય બનાવી દેશે.
Your Content Goes Here




