દુ:ખદ અવસાન: પ્રસ્તાવના:

અમે પ્રાથમિક શાળામાં ભણતાં ત્યારે બગલાની પાંખ જેવા સફેદ ટેરીખાદીનાં પોશાકમાં સ્વાતંત્ર્ય દિનની સલામી ઝીલતા જગુભાઈ જેવા જાજરમાન નેતાઓથી બહુ પ્રભાવિત થતાં. એમને મનોમન નમન કરતા. એમનાં ભાગ્યની પ્રશંસા કરતા. એમના જેવા બનવાની ખ્વાહિશ રાખતા. બાળકો તો બાળકો પણ મોટેરાઓ સુદ્ઘાં આવા લોકનેતાઓનાં પ્રવચનો અહોભાવથી સાંભળતા અને એમના ચીંધેલ માર્ગે ચાલવાના મનસૂબા ધરાવતા.

મારામાં સમજણ આવી પછી ખબર પડી કે જગુભાઈના પગલે ચાલવું એટલે દેશ અને જાતને ખાડામાં નાખવી. બાળમાનસ એવી ઘરેડમાં હતું કે લોકો જેવું માનતા હોય અને જે કરતા હોય એવું બોલે. પછી ખબર પડી કે જેવું બોલે એવું જ એ લોકો કરતા હોતા નથી. ભોળા લોકો નેતાઓની હજાર સારી વાતો સાંભળે છે. એને આદર્શ ગણીને એ રસ્તે ચાલે છે. જોકે આ પણ એક રીતે તો ફાયદો જ ગણાય. લોકો શ્રદ્ધા કે અંધશ્રદ્ધાથી સારા માર્ગ પર ચાલે તો છે! મોટા લોકોનો દંભ પણ ક્યારેક જનસમૂહને ઉપકારક બને છે. તો પછી દંભથી નુકસાન શું?

લોકો જ્યારે જાણે કે સારી સારી વાતો કરનાર માનવીનું વાસ્તવિક જીવન દુરાચારી છે. ત્યારે શ્રદ્ધાળુ માનવીને ખૂબ ગુસ્સો આવે છે. પછી દરેક સારી વાત કરનારને લોકો શંકાની નજરે જુએ છે. દંભની આ ઉધાર બાજુ છે. જેનો સંબંધ સામાન્યજનની સાથે છે.

દંભના નુકસાનની એક બીજી બાજુ પણ છે. આ બાજુ દંભી માનવીને સંબંધિત છે. શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી જગુભાઈની વાતમાં આ બીજી બાજુની વાત આવે છે.

જગુભાઈના અવસાનના સમાચાર સાંભળીને મને ખૂબ દુ:ખ થયું. માનવીનું મૃત્યુ એ હંમેશા દુ:ખદ સમાચાર ગણાય. મૃત્યુના બહાને કુદરત માનવ જીવનના ઇતિહાસનું પ્રકરણ પૂરું કરે છે. સ્નેહીનું મૃત્યુ માનવીને વિચલિત કરે છે. પોતાનાં સુખદુ:ખનો હમદર્દ એવો એક જીવ આ દુનિયામાંથી કાયમને માટે અલોપ થઈ જાય છે. પૂજ્ય વડીલ કે આધ્યાત્મિક ગુરુવર્યની વિદાય માનવી માટે ન પૂરાય એવી ખોટ બને છે.

જગુભાઈ મારા આત્મજન ન હતા. પૂજ્ય વડીલ કે આધ્યાત્મિક ગુરુવર્ય તો ન જ હતા. તેમ છતાં જગુભાઈનાં અવસાનના સમાચાર સાંભળીને મને ખૂબ દુ:ખ થયું!

છેલ્લે છ મહિના પહેલાં હું જગુભાઈને એમના ઘેર મળ્યો હતો. જગુભાઈ પથારીવશ હતા. બહુ ભયંકર બીમારીમાં સપડાયા હતા. અડધા અંગમાં લકવાની અસર હતી. ડાયાબીટીસ પણ હતું. આંખે ઝાંખપ આવી હતી. મોતિયાની અસર હતી. કાનમાંથી રસી નીકળતી હતી. જગુભાઈ પર ચતુર્દિશામાંથી જાણે ચાર ચાર રોગોએ એકી સાથે હુમલો કર્યો હતો. એક માસ્તર સાથે હું એમની ખબર કાઢવા ગયો હતો. લકવાની અસર નીચે અડધું અંગ લાકડા જેવું નિશ્ચેતન હતું. કાનમાંથી નીકળતી રસી અવારનવાર કપડાંથી સાફ કરવી પડતી. તેમાંથી ભયંકર દુર્ગંધ વછૂટતી હતી! એક બાજુનો કાન તો લકવાની અસર નીચે નિશ્ચેતન હતો. સાજા ગણાય એવા કાનમાંથી અંદરની કોઈ વિકૃતિને કારણે દુર્ગંધ મારતી રસી વહેતી હતી. આખો રૂમ દુર્ગંધ મારતો હતો. જોકે એમનાં બહેનને આવી કોઈ દુર્ગંધ આવતી નહીં હોય. ભાઈ તરફની લાગણીને કારણે કાં આ રૂમના હવામાનથી ટેવાઈ ગયા હોવાને કારણે. અમે બહારની ખુલ્લી તાજી હવામાંથી આવ્યા હતા એટલે અમને દુર્ગંધ આવે એ સ્વાભાવિક છે.

જગુભાઈનું રૂપ બિહામણું લાગતું હતું. મને જોઈને તેઓ મનોમન ઝંખવાયા હોય એવું મને લાગ્યું. એમની સાજી (સાજી એટલે લકવાની અસર સિવાયની) આંખના એક ખૂણામાં મને ઝળઝળિયા દેખાયાં. હું સમજી ગયો કે તેમનું અંત:કરણ પશ્ચાતાપની આગમાં ભડકે બળે છે.

હકીકતમાં તબિયતની ખબર કાઢવા જવાનું તો એક બહાનું હતું. મારે એમની કરુણ હાલત નજરોનજર નિહાળવી હતી! એમના અંત:કરણમાં સુષુપ્ત રીતે ભંડારાયેલો પશ્ચાતાપ એમના ચહેરા પર ઊભરી આવે છે કે નહીં તેનું જાત નિરીક્ષણ કરવું હતું.

એમની મોતિયાવાળી આંખમાં મને આવી આછેરી ઝલક દેખાઈ. મારું મન ભૂતકાળમાં સરી પડ્યું…

જગુભાઈ શિક્ષણ સમિતિના ચેરમેન હતા. ઓ…હો! શું એમનો માભો! કેવો દોરદમામ! બગલાની પાંખ જેવું શ્વેત ધોતિયું અને શ્વેત ઝભ્ભો પહેરે. આર કરેલી ઈસ્ત્રી ટાઈટ સફેદ ગાંધી ટોપી માથા પર શોભે. લાલ ગુલાબ સમો રૂપાળો દેહ. પરંતુ આ આકર્ષક દેહ વચ્ચે કરડાકીભર્યો સખત ચહેરો! ભલભલાના હોશકોશ ઉડાડી દે એવો.

શિક્ષણ સમિતિના ચેરમેનનો હોદ્દો જિલ્લા પંચાયતના પ્રમુખ પછીની કક્ષાનો હોય છે. તેમ છતાં જગુભાઈની હાક પૂરી જિલ્લા પંચાયત પર ચાલતી હતી. પ્રમુખ પણ એમની સલાહ મુજબ જ વર્તે છે, એવો ગણગણાટ અવારનવાર સાંભળવા મળતો.

જગુભાઈ વિધુર હતા. તેમના વિધવા બહેન ઘરની દેખરેખ રાખતા. બે પુત્રી અને એક પુત્રના તેઓ પિતા હતા. શરૂઆતમાં મને જગુભાઈનો બહુ પરિચય ન હતો. એમનું વ્યક્તિત્વ એટલું પ્રભાવશાળી હતું કે પ્રથમ મિલને જ મુલાકાતી એમનાથી પ્રભાવિત થઈ જાય. સ્વાતંત્ર્ય દિવસે એક શાળાના ધ્વજવંદન કાર્યક્રમમાં મેં એમને પ્રથમવાર સાંભળેલા. રાષ્ટ્રભક્તિ અને બાળકોમાં સંસ્કાર સિંચન ઉપર બહુ પ્રભાવશાળી વક્તવ્ય સાંભળીને મને એમના તરફ બહુ માન થયું હતું.

મારા એક મિત્ર દૂરના તાલુકામાં હતા. તેમની બદલી જિલ્લા વડા મથકે થઈ. એમની પત્ની પ્રાથમિક શાળામાં શિક્ષિકા હતાં. પોતે વડા મથકે આવી ગયા હોવાથી એમની પત્નીની પણ આ સેન્ટરમાં બદલી થાય એવી એમની ઇચ્છા હતી. શિક્ષણાધિકારી મારા સંબંધી હતા. મને બદલી માટે વાત કરી. મેં કહ્યું –

‘આમાં શી મોટી વાત છે? શિક્ષણાધિકારી સાહેબ સાથે આપણે સારી ઓળખાણ છે. વળી પતિ-પત્નીને એક સેન્ટર પર રાખવા એવો સરકારનો પરિપત્ર છે. તમે ચિંતા કરશો નહીં. હું શિક્ષણાધિકારી સાહેબને મળી લઈશ.’

સાંજે શિક્ષણાધિકારીને ઘેર મળ્યો. વાત કરી.

‘થોડી મુશ્કેલી છે. રાહ જોવી પડશે, પણ થઈ જશે.’

એમના જવાબથી મને સંતોષ થયો.

બે મહિના – ત્રણ મહિના એમ કરતા આઠ મહિના થયા. બદલી થઈ નહીં. હું ઉપરાઉપરી પાંચ વાર શિક્ષણાધિકારીને મળ્યો. દર વખતે ‘થઈ જશે’ એવો જવાબ મળતો. હું આ જવાબ મારા મિત્ર પંડયાને આપતો. એક વાર એમણે મને કહ્યું: ‘સુમનભાઈ, માઠું ન લગાડતા, પણ તમે બહુ ભોળા છો. એમ પ્રસાદ ધર્યા વિના બદલી થાય નહીં.’

‘અરે! શી વાત કરો છો! શિક્ષણાધિકારી સાથે આપણે ઘર જેવા સંબંધ છે. મારું માન રાખે જ.’

‘મને શ્રદ્ધા નથી’ એવું પંડયાભાઈ બોલ્યા તેથી મને માઠું લાગ્યું! હું સાંજે સાહેબને ઘેર ગયો.

‘સાહેબ, હવે તો હદ થઈ કહેવાય! તમારાથી ન બની શકે તેમ હોય તો ના કહેજો. પણ હવે જો એકાદ મહિનામાં તમે કાંઈ નહીં કરો તો આપણ સંબંધ ફોક જાણજો!’

સાહેબ મીઠું હસ્યા.

‘સુમનભાઈ, આ કાંઈ એટલી સરળ વાત નથી. અથરા ન થાવ. થઈ જશે.’

દર પંદર દિવસે અમે સહકુટુંબ એમના ઘેર જતા. પછીથી મેં એમના ઘેર જવાનું માંડી વાળ્યું.

મારો સંબંધનો પારો થોડો નીચે ઉતર્યા પછી મને જાણવા મળ્યું કે પૈસા આપ્યા વિના બદલી થતી નથી. એમાં પણ શિક્ષણાધિકારી તો પ્રમાણમાં સારા માણસ છે. પરંતુ શિક્ષણ સમિતિનાં ચેરમેન જગુભાઈ બહુ મોટું ડાચું ફાડે છે અને એમની ઇચ્છા વિના શિક્ષણાધિકારી કાંઈ કરી શકતા નથી.

શરૂઆતમાં આ વાત મારા માન્યામાં ન આવી. પરંતુ પછી તો હું આ ક્ષેત્રમાં આતુરતાપૂર્વક ઊંડો ઉતર્યો. ખરી હકીકત જાણીને જગુભાઈ વિશેનો મારો સઘળો ભ્રમ ભાંગી ગયો. નાણાંની વાત તો હજુ સહ્ય હતી. ઊંડા ઊતરતા એવું જાણવા મળ્યું કે એક ચોક્કસ ગેસ્ટ હાઉસમાં જગુભાઈ રાતવાસો કરે છે. ત્યારે એમનાં સ્ત્રી એજન્ટો એમની તહેનાતમાં માસ્તરાણીઓ ખડી કરે છે. આવા અનીતિમય ધંધા વર્ષોથી ચાલે છે. કેટલીક શિક્ષિકાઓ આ દલાલીના કામમાં સંડોવાયેલી છે. તેઓ લોહી અને નાણાં બંને પ્રકારની દલાલીના કામ જગુભાઈ વતી કરે છે. બદલીના કેસોમાં આવા દલાલોના સંપર્ક સાધવાથી માગણી મુજબના સ્થળે બદલી થઈ જાય છે. એવી ચારેકોર હવા જામેલી હતી. પરંતુ હું કામથી કામ રાખનાર માણસ હોવાથી આ બાબત મારી નજરે ચડી ન હતી. પંડયાભાઈની પત્નીની બદલીનો પ્રશ્ન ઊભો થયો ત્યારે મને બદલી પ્રકરણે નિસ્બત ઊભી થવાથી આ બધું જાણવા મળ્યું.

મને જગુભાઈ તરફ ભયંકર ઘૃણા પેદા થઈ! સ્વાતંત્ર્ય દિને રાષ્ટ્રપ્રેમ અને સંસ્કારની ડાહી ડાહી વાતો કરનાર અને બગલાની પાંખ જેવા શ્વેત વસ્ત્રધારી જગુભાઈ આવા ચારિત્ર્યહીન! ભ્રષ્ટાચારી!

મારા સંબંધી એવા શિક્ષણાધિકારી તરફ પણ મને અભાવ પેદા થયો. એક અધિકારી કક્ષાના માણસ જગુભાઈની આવી ગેરવર્તણૂક કેમ સહન કરી શકતા હશે? એમને સ્વમાન જેવું કશું નહીં હોય શું? કોઈ પણ સ્વમાની અધિકારી આવા માણસ સાથે બેસી શકે ખરો? મારા આજ સુધીના એમના સંપર્ક આવન-જાવન છતાં જગુભાઈનાં કરતૂતો વિશે ક્યારેય એક અક્ષર પણ ઉચ્ચાર્યો નથી. તો શું તેઓ પણ આ કૌભાંડમાં સામેલ હશે?

*******

જગુભાઈના વિધવા બહેને અમને ચા-પાણી પાયા. બહુ ધર્મનિષ્ઠ બાઈ તરીકેની તેમની છાપ હતી. અમે સારી વાર સુધી બેઠા હતા. મારા મિત્રે ઈશારાથી પૂછ્યું-

‘હવે ઊઠશું?’

મેં ઈશારાથી જ જવાબ વાળ્યો ‘થોડી વાર બેસો’

જગુભાઈની હાલત જોઈને મને અપાર સુખ થતું હતું! આ સુખની ઘડીઓ વહેલી પૂરી થઈ જાય એમ હું ઇચ્છતો ન હતો. અમે બેઠા રહ્યા. મારી હાજરીથી જગુભાઈને કોઈ સુખ સાતા થાય એવી સંભાવના ન હતી. મારો ઉદ્દેશ પણ એમને શાંતિ આપવાનો ન હતો. એમના દુ:ખ દર્દ મારે માટે કુતૂહલ અને સંશોધનનો વિષય હતો. હાજતનો સમય થયો હશે. આગળ પડદો પાડીને વિધવા બહેને પથારીમાં જ હાજત કરાવી. પડદો હટ્યો મને એકાએક વિચાર આવ્યો. મેં પૂછ્યું –

‘બહેન, કિશોરભાઈ નથી?’

‘શી વાત કરું ભાઈ! સૌ સ્વાર્થના સગા છે. પત્ની અને બાળકો સાથે મુંબઈ સ્થાયી થયા છે. સાજા હતા ત્યારથી જ બાપ-દીકરાને બનતું ન હતું. હવે તો ડોકાય જ શેના? આ હું જ એમની બહેન અને હું જ એમનો દીકરો.’

મને પરમ આનંદ થયો! કુદરતનાં કર્મફળના કાયદાનો મારો અભ્યાસ મને એવા તારણ પર લાવ્યો હતો કે હરામનું ધન એકઠું કરનારને પાછલી અવસ્થામાં સંતાન તરફનું સુખ હોતું નથી. અનીતિના ધન વડે ગમે તેટલા લાલનપાલનમાં ઉછેરાયેલાં સંતાનો પાછલી અવસ્થામાં માવતરની શુશ્રૂષા કરે એવી કોઈ જોગવાઈ કુદરતના કાયદામાં નથી. મારી આ માન્યતા – સંશોધનને પુષ્ટિ મળી.

બહેને કહ્યું:

‘ભાઈને વાંચનનો તો અનહદ શોખ છે. આંખ સારી હોત તો વાંચીને સમય પસાર કરત. પરંતુ બંને આંખોએ દગો દીધો. રાતદિવસ ઘડિયાળના કાંટા સામે નજર રાખી દિવસો વિતાવે છે. મારો ભાઈ બિચારો બહુ રીબાય છે!’

********

પંડયાભાઈની પત્નીની બદલી બે વર્ષ પછી જિલ્લા મથકે થઈ. બદલી માટે વીસ હજારનો ખર્ચ થયો એમ પંડયાભાઈએ મને કહ્યું ત્યારે શિક્ષણાધિકારી સાહેબ સાથેના સંબંધના જોર પર હું બદલી કરાવી આપીશ એવી મારી બાલીશ શ્રદ્ધા પર મને શરમ થઈ!

જગુભાઈ બહુ ભણેલા નહીં. અંગ્રેજીમાં બોલીને પ્રભાવ પાડવાનો એમનો જબરો શોખ હતો. થોડા અંગ્રેજી શબ્દો ગોખી રાખેલા. એમના વિશે એક સાચી જોક બહુ પ્રચલિત થઈ ગઈ હતી.

શિક્ષિકાઓના ઈન્ટરવ્યુ હતાં. એક બહેનને ઘણાં પ્રશ્નો પૂછ્યાં પછી છેવટ બોલ્યા: ‘તમે નોકરી માટે ફીટ ઠર્યા છો. હમણાં તમને ટેમ્પરરી ઓર્ડર મળશે. વરસ પછી પ્રેગનન્ટ કરી આપશું. રાજીને?’

ચાર ગુજરાતી ભણેલાં જગુભાઈને પરમેનન્ટ અને પ્રેગનન્ટ વચ્ચેના ભેદની કોઈ સમજ ન પાડે ત્યાં સુધી ખબર ન હોય તે સ્વાભાવિક છે!

જગુભાઈના ચારિત્ર્ય ભ્રષ્ટતાના ઘણા કિસ્સા નોંધાયેલા છે. સાહિત્ય અને સુરુચિનો ભંગ ન થાય એટલે બહુ દાખલા ટાંકતો નથી.

લાઠી – ગોળી ખાઈને ગાંધીજી અને એમના સેંકડો અનુયાયીઓએ સમૃદ્ધ ભારતના નિર્માણ માટે દેશને આઝાદી અપાવી. સ્થાનિક પ્રશ્ને લોકો પોતાના જ નિર્ણય લે એ હેતુસર પંચાયતી રાજ પદ્ધતિ અમલી બનાવી. અધિકારીઓ લોકોનાં દુ:ખદર્દ સમજતા નથી. લોકોના પ્રશ્નોનો નિકાલ થતો નથી. આવી માન્યતાના જોરે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા પ્રજાના પ્રતિનિધિઓના હાથમાં વિશાળ સત્તાઓ સુપ્રત કરી. ગ્રામ્ય લોકો ભલાભોળા છે. એમના પ્રતિનિધિ પણ આવા જ ભલાભોળા હશે. આથી તેમના હાથમાં સત્તા હોય એટલે ગ્રામ્ય પ્રજાની ઘણી સમસ્યાઓનો ફટાફટ નિકાલ થઈ જશે એવી શ્રદ્ધાથી પંચાયત પદ્ધતિને વિકસાવવામાં આવી છે.

પણ જગુભાઈ જેવા પ્રજાના પ્રતિનિધિ, ગાંધીજીના ગાલ પર કચકચાવીને થપ્પડ મારતા હોય એમ, શિક્ષણ જેવા પવિત્ર ક્ષેત્રને પણ અર્થ અને કામની પૂર્તિ માટેનું ક્ષેત્ર બનાવી દીધું! ગાડરડા ઢોર જેવી પ્રજા આવા સફેદ વસ્ત્રધારી રાક્ષસોને પાછી સલામ મારવામાં ગૌરવ લેતી હોય છે.

લોકો કરે પણ શું? કાયદો પણ શું કરે? કાંટાળી વાડમાં છીંડા પાડવામાં પૂરું જોખમ! કાયદામાં છીંડા પાડવા એ તો જગુભાઈ જેવા ભ્રષ્ટ માણસો માટે રમત વાત ગણાય. નહીંતર ભ્રષ્ટાચાર વિરોધી ધારાની પોથીમાં ઓછું ચિતરામણ થયું છે? છતાં જગુભાઈ જેવા ભ્રષ્ટાચારી પાસે કાયદો લાચાર! સરકાર પણ શું કરે? બધા જ લાચાર! આ લાચારીનો ભરપૂર લાભ ઉઠાવીને પ્રજાના પ્રતિનિધિ એવા જગુભાઈએ બિન્ધાસ રીતે અર્થ અને કામ ભોગવ્યા.

પરંતુ જે કદી લાચાર હતી નહીં અને હશે નહીં એવી કુદરત દ્વારા કર્મફળના કાયદાની વિવિધ કલમો હેઠળ જગુભાઈને સજા થઈ ત્યારે જગુભાઈ હબક ખાઈ ગયા! ન ધારેલું પરિણામ સામે આવ્યું. કોઈ ચાલાકી કામ ન આવી. શિક્ષણ સમિતિના ચેરમેન પદ સમયે પડયો બોલ ઉઠાવનાર હજુરિયાઓ પૈકી કોઈ હજુરિયાઓ કર્મફળના કાયદાની વિવિધ જોગવાઈઓ હેઠળ ક્યાંક છટકબારી શોધી આપવા માટે આજે જગુભાઈ પાસે તૈનાત નથી. જગુભાઈનાં કુકર્મોનો ભોગવટો નજરે નિહાળવાનો મને લ્હાવો મળ્યો હતો. જગુભાઈ જીવતે જીવ નરકને ભોગવી રહ્યા હતા.

મારા સંશોધનને બળ મળ્યું.

તેમ છતાં જગુભાઈના અવસાનના સમાચાર સાંભળીને મને દુ:ખ થયું. સતત દસ વર્ષ સુધી શિક્ષણ સમિતિમાં રહ્યા. લાખો ભેગા કર્યા. કંઈકના ચારિત્ર્ય સાથે રમત રમ્યા. આવા દુરાચારી જગુભાઈ માત્ર એક વર્ષની સખત પીડાની સજા ભોગવીને છૂટી ગયા બસ?

મારી તો એવી અપેક્ષા હતી કે વર્ષો સુધી જગુભાઈ જીવતા નરકની યાતના ભોગવે! એમનાં કર્મના ભોગવટા માટે તો ખરી જ. પરંતુ બીજા અનેકના માર્ગદર્શન માટે પણ આ જરૂરી હતું.

અનેક ગુન્હામાં સંડોવાયેલ રીઢા આરોપીને પ્રામાણિક પોલીસ અધિકારી તનતોડ મહેનત બાદ પકડવામાં સફળ થાય. તહોમતદાર સામે રીતસરનું ચાર્જશીટ રજૂ થાય. સખત સજા થાય એવો બરાબરનો તખતો ગોઠવાઈ ગયો હોય. આવા સમયે તહોમતદાર પોલીસને હાથતાળી દઈને ભાગી જાય. પ્રામાણિક પોલીસ અધિકારી સમસમી ઊઠે! કેટલી મહેનત અને લમણાંઝીંક પછી આ અઠંગ આરોપીને સાણસામાં લીધો હતો! હાલ તો બધી જ મહેનત પાણીમાં ગઈ!

મને આવો જ અફસોસ થયો. શિક્ષણ જેવા પવિત્ર ક્ષેત્રમાં, અઠંગ ભ્રષ્ટાચારી જગુભાઈએ એમના કાર્યકાળ દરમિયાન ભરપૂર ભ્રષ્ટાચાર આચર્યો હતો. કોઈ કાયદો એમને સકંજામાં લઈ શકયો ન હતો. બિન્દાસ રીતે કુકર્મો આચરતા તેઓ સમાજમાં માનભેર વિચરતા હતા.

આ કુકર્મી, કુદરતના કર્મફળના કાયદા હેઠળ માંડ સકંજામાં આવ્યા હતા. મેં ધાર્યું હતું કે આ કાયદા હેઠળ એમને લાંબાકાળની જીવતાજીવ નરકની સજા પડશે. ધારણા મુજબ સજા પણ થઈ. હું પ્રસન્ન હતો. પરંતુ એમના અવસાને મને હતાશ કર્યો.

શિક્ષણ સમા પવિત્ર ક્ષેત્રને ભ્રષ્ટ કરનારા આમ ટૂંકાગાળાની સજા ભોગવી છૂટી ગયા!

જગુભાઈની આ સત્ય ઘટના ઘટ્યાને આજે દસકાઓ થયા છે. એમણે આ ક્ષેત્રમાં વાવેલ બીજ આજે વટવૃક્ષ થઈને શાખા-પ્રશાખાઓમાં અત્રતત્ર આડબીડ ફેલાયું છે. પાર વિનાના પ્રજાના પ્રતિનિધિરૂપ સમાજસેવકો આજે જગુભાઈના ચીંધેલ માર્ગ પર ચાલી રહ્યાં છે.

આવા ગેંગલીડર જગુભાઈને કુદરતે આમ સાવ સસ્તામાં જવા દીધા? માત્ર એક જ વર્ષની મામૂલી સજા! એમના અનુયાયીઓ પર આની કેવી વિપરિત અસર થશે એનો વિચાર નહીં થયો હોય શું?

‘દરેક ભ્રષ્ટાચારીને વીણી વીણીને મારીશ’ એવી કુદરતની ખાતરીમાં શતપ્રતિશત વિશ્વાસ હોવા છતાં જ્યારે જ્યારે જગુભાઈના અવસાનની ઘટના સ્મૃતિમાં આવે છે.’ ત્યારે કોઈક જાતના વસવસા સાથે હૃદય ખિન્નતાથી ભરાઈ જાય છે!

બીજાઓની જેમ હું એવું આશ્વાસન પણ લઈ શકતો નથી કે જગુભાઈની બાકીની સજા એ બીજા જન્મમાં ભોગવશે. હું તો દૃઢપણે માનું છું કે માનવીએ કરેલાં સારા કે નરસા કર્મોનું ફળ એને જીવતે જીવ આ જન્મમાં જ મળે છે. કુદરતનાં કર્મફળના કાયદા હેઠળનું આ વૈજ્ઞાનિક સત્ય છે, એક વર્ષની પ્રમાણમાં ટૂંકી બીમારી બાદ થયેલ જગુભાઈનું અવસાન એ મારે મન દુ:ખદ અવસાન છે.

ટહુકો: કળિયુગ મિમાંસા:

ક્રૂરતાભરી રીતે અનેક સત્તાધીશોને રહેંસી નાખીને આઝાદી મેળવી હોય તો વાત જુદી હતી. સત્ય અને અહિંસાના વ્રતધારીઓના સાત્ત્વિક અને મૂક બલિદાનના રસ્તે આપણને આઝાદી મળી છે. આ દૃષ્ટિએ અહીં રામરાજ્ય કે સતયુગ હોવો જોઈએ. સ્વાતંત્ર્યની શરૂઆતમાં ભાવનાશાળી નેતાઓને કારણે સતયુગ અને આપણને વેંતછેટું હતું. 

પરંતુ બગલાની પાંખ જેવા સફેદ વસ્ત્રધારીઓ તથા વાણીવિલાસથી ભોળા લોકો પર ભૂરકી છાંટનારા જગુભાઈ જેવા દંભી – દુરાચારી માણસોએ સતયુગના રસ્તે રોળા નાખ્યા. અધવચ્ચે અટકાવી દીધો. મારફાડ કળિયુગને મોકળું મેદાન મળ્યું. કાળાં કર્મોની જાજમ પાથરીને કાળમુખા કળિયુગને માટે રસ્તો ખુલ્લો કર્યો. કેટલાક નેતા – અભિનેતા – ફૂટપાથિયા સૌ યથાશક્તિ અનીતિ આચરીને આજે પણ કળિયુગની કુરનીશ બજાવવાની હરીફાઈમાં રમમાણ છે.

કળિયુગ એ કોઈ યુગનું નામ નથી. જગુભાઈ જેવા દુરાચારીઓએ નિર્માણ કરેલી આ કામચલાઉ વ્યવસ્થા છે. શિક્ષણ સમિતિના ચેરમેન જગુભાઈએ નીતિયુક્ત વ્યવહારથી તંત્ર ચલાવ્યું હોત તો એ વિસ્તારના શિક્ષણ તંત્રને સતયુગનો અનુભવ થયો હોત. એમના દુરાચારે શિક્ષણ જગતને તત્પૂરતો કળિયુગનો સાક્ષાત્કાર કરાવેલ છે. ભ્રષ્ટાચાર નાબૂદી માટેના કાયદાઓ તો હમણાં ઘડાયા. કર્મફળનો કાયદો આ દુનિયા પર અમલમાં ન હોત તો કેવા કેવા અનર્થો ‘યાવદ્ચંદ્ર દિવાકરૌ’ ચાલુ રહ્યા હોત?

Total Views: 178

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.