‘ગુજરાતના સાહિત્યકારો પર રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ’ વિષયક આ શ્રૃંખલામાં આ અંકમાં એક વધુ પીછું ઉમેરાઈ રહ્યું છે. સુપ્રસિદ્ધ કવિ, કટાર-લેખક, સંપાદક, નાટ્યલેખક, નવલકથાકાર એવા શ્રી ડૉ. હરીન્દ્રભાઈ દવે સાહિત્યકારોમાં આગવું સ્થાન ધરાવે છે.

ડૉ. હરીન્દ્રભાઈ દવેનો જન્મ કચ્છ જિલ્લાના ખંભરા ગામે ૧૯મી સપ્ટેમ્બર, ૧૯૩૦ના રોજ થયો હતો. તેમણે ગાંધીજીએ જ્યાં અભ્યાસ કર્યો હતો તે શામળદાસ કૉલેજ, ભાવનગરમાં પ્રથમ અભ્યાસ કર્યા બાદ, ૧૯૫૧માં યુનિવર્સિટી ઑફ બોમ્બેથી બી.એ.ની પદવી પ્રાપ્ત કરી.

શ્રી હરીન્દ્રભાઈએ અનેક પ્રકારના કાવ્યસંગ્રહ, નિબંધસંગ્રહ તેમજ અન્ય વિભિન્ન વિષયો પર પચાસથી વધુ પુસ્તકો લખ્યાં છે, જેમાંથી ખૂબ પ્રસિદ્ધ એક પુસ્તક ‘કૃષ્ણ અને માનવસંબંધો’નો Krishna and Human Relations શીર્ષક હેઠળ અંગ્રેજી ભાષામાં અનુવાદ પણ થયો છે. આ સિવાય પણ બીજી અનેક પ્રસિદ્ધ રચનાઓમાં ‘સંગ-અસંગ’ (જેમાં સંન્યાસીઓ સાથેના તેમના જીવનનાં સંસ્મરણો છે), ‘લોહીનો રંગ લાલ’ (૧૯૬૨), ‘અગનપંખી’ (૧૯૬૨), ‘માધવ ક્યાંય નથી મધુવનમાં’ (૧૯૭૦), ‘કથા રામની વ્યથા માનવની’ વગેરે અનેક પુસ્તકો તેમના લેખનકાર્યનું પ્રમાણ છે.

૧૯૫૧થી ૧૯૬૨ દરમિયાન તેમણે ‘જનશક્તિ’ દૈનિક માટે પત્રકારિતા કરી અને ૧૯૭૩માં તેના સંપાદક પણ રહ્યા. તેમજ ‘સમર્પણ’ નામના સામયિક માટે ઘણાં વર્ષો સુધી સંપાદનકાર્ય કર્યું.

૧૯૭૮માં તેમના કાવ્યસંગ્રહ ‘હયાતી’ માટે તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ એનાયત થયો. આ ઉપરાંત, તેમને ૧૯૮૨માં ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’, મધ્યપ્રદેશ સરકાર તરફથી ‘કબીર’ એવોર્ડ, પત્રકારિતા માટે ‘ગોએન્કા પુરસ્કાર’ વગેરેથી નવાજવામાં આવ્યા.

વિશેષ ઉલ્લેખનીય છે કે શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના બારમા પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજની (જેઓ એ પહેલાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષપદે રહી ચૂક્યા હતા) ઘણાં વર્ષોથી ઇચ્છા હતી કે જેમ બંગાળી, હિંદી વગેરે પ્રાદેશિક ભાષાઓમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાના પ્રચાર-પ્રસાર માટે સામયિકોનું પ્રકાશન થાય છે, તે પ્રમાણે ગુજરાતી ભાષામાં પણ એક સામયિકનું પ્રકાશન થાય. અનેક પ્રયત્નો પછી બેલુર મઠની પરવાનગી મળતાં એ સામયિક પ્રથમ ત્રિમાસિક સામયિકના રૂપે લીંબડીથી પ્રકાશિત કરવામાં આવતું હતું, જે પછીથી એપ્રિલ, ૧૯૮૯માં માસિક પત્રિકા રૂપે રાજકોટથી પ્રકાશિત કરવાની પરવાનગી બેલુર મઠથી મળી.

એ ઐતિહાસિક પ્રસંગે ૧૩મી એપ્રિલ, ૧૯૮૯ના રોજ માસિક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના વિમોચન માટે એક ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એ સમયે પૂજ્ય સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ (તેઓ પણ એક સમયે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનું અધ્યક્ષપદ શોભાવી રહ્યા હતા) કે જેઓ મઠ-મિશનના આસિ. જનરલ સેક્રેટરી હતા, તેઓની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. તે સમયે ડૉ. હરીન્દ્રભાઈ દવે ‘જન્મભૂમિ પ્રવાસી’ પત્રિકાના સંપાદક હતા અને સાથે જ ‘જન્મભૂમિ’ ગ્રુપમાં તેમનું મહત્ત્વનું અને સન્માનનીય સ્થાન હતું, તેથી તેઓ અતિ વ્યસ્તતા વચ્ચે પણ નિમંત્રણનો સ્વીકાર કરીને મુખ્ય અતિથિરૂપે બે દિવસ માટે પધાર્યા હતા. આ સમયે શ્રીમત્‌ સ્વામી મુમુક્ષાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ હતા. આમ, ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ નામની માસિક પત્રિકાનું પ્રકાશન રાજકોટથી શરૂ થયું.

વિમોચન પ્રસંગે શ્રી ડૉ. હરીન્દ્રભાઈ દવેએ પોતાના વક્તવ્યમાં કહ્યું હતુંઃ

‘આ કાર્યક્રમને વિમોચનને બદલે લોકાર્પણ કાર્યક્રમ કહેવો વધુ ઉચિત છે, કારણ કે આજે આ માસિક લોકો માટે, સમસ્ત જનતા માટે અર્પણ કરવામાં આવે છે. આજે જ્યારે સંસ્કારોનો, મૂલ્યોનો દુ:કાળ પડ્યો છે, જ્યારે સમાજમાં સંસ્કાર અને મૂલ્યોનો હ્રાસ થઈ ગયો છે, તે સમયે આ પ્રકારનું માસિક લોકો માટે બહુ મોટું રાહતનું કાર્ય કરશે. આ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ નામ બહુ સાર્થક છે. આ જ્યોતથી આધ્યાત્મિક અંધકાર અને અજ્ઞાન છે, તે દૂર થશે, જે આજના સમય માટે આવશ્યક છે.’

પછી તેમણે શ્રીરામકૃષ્ણદેવના જીવન-સંદેશ વિશે કહ્યું, ‘શ્રીરામકૃષ્ણદેવે પોતાના સરળ ઉપદેશ દ્વારા આપણને આધ્યાત્મિક જીવનની ચાવી આપી દીધી છે. તેઓએ ૯૯૯ દરવાજા ખોલી આપ્યા છે, માત્ર એક દરવાજો બંધ છે. પરંતુ આપણે કેવા કમનસીબ છીએ કે ૯૯૯ દરવાજા ખુલ્લા હોવા છતાં, તેમાં પ્રવેશ કરવાને બદલે એક બંધ દરવાજામાં માથું અથડાવી રહ્યા છીએ. શ્રીરામકૃષ્ણદેવે આટલો સરળ ઉપદેશ આપ્યો હોવા છતાં આપણે જાણી જોઈને આંખો પર પટ્ટી બાંધી દીધી છે અને આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ સામે જ હોવા છતાં તે માર્ગે જવા માટે તૈયાર નથી. શ્રીરામકૃષ્ણદેવનો જે પ્રેમભાવ હતો, તે સમસ્ત વિશ્વ માટે હતો; દરેક દેશના લોકો માટે, દરેક ધર્મના અનુયાયીઓ માટે હતો. તેમના આ સમષ્ટિ પ્રેમમાંથી આપણે કંઈક શીખવું જોઈએ, ગ્રહણ કરવું જોઈએ. એ બહુ મોટો બોધ છે.’

પોતાનાં સંસ્મરણો ટાંકતાં તેમણે કહ્યું હતુંઃ

“હું બીજી ઓક્ટોબર, ૧૯૭૨ના દિવસે બેલુર મઠ ગયો હતો. હું ગંગા કિનારે બેઠો હતો. મને ત્યાં એટલું સારું લાગ્યું, એવી આધ્યાત્મિક અનુભૂતિ થઈ કે તેનું વર્ણન કરી શકું તેમ નથી. એ સમયે શ્રીરામકૃષ્ણદેવ પ્રતિ એક પ્રાર્થના જગદંબા માટે ઉદિત થઈ આવીઃ

તારાં ચરણોમાં જેમ રામકૃષ્ણ બેઠા હતા,

એમ કહો! ક્યારે મને બેસાડશો…”

ત્રિ-દિવસીય ઉત્સવનો બીજો દિવસ સ્વામી વિવેકાનંદ વિશે ફાળવવામાં આવ્યો હતો. શ્રી હરીન્દ્રભાઈએ પ્રવચનમાં કહ્યું હતુંઃ

‘સ્વામી વિવેકાનંદનું જીવન અતિ અલ્પ હતું. તે અલ્પ સમયમાં તેમણે જે પ્રેરણાદાયી જીવન જીવ્યું છે, તે આપણને હજારો વર્ષ સુધી પ્રેરણા આપતું રહેશે. તેમનો ‘શિવજ્ઞાને જીવસેવા’નો ઉપદેશ-મંત્ર આજના સમયમાં વધુ આવશ્યક છે.’

સ્વાધીન ભારતના પ્રથમ ગવર્નર જનરલ શ્રી રાજગોપાલાચારી (રાજાજી)ના શબ્દોને ઉદ્ધૃત કરતાં તેમણે કહ્યું— ‘જો સ્વામી વિવેકાનંદ ન હોત તો, ન તો હિંદુ ધર્મ બચ્યો હોત કે ન તો ભારત બચ્યું હોત.’

કવિવર રવીન્દ્રનાથ ટાગોરને ટાંકીને તેમના શબ્દોનો ઉલ્લેખ પણ કર્યો— ‘જો તમારે ભારતને જાણવું હોય તો વિવેકાનંદને જાણો. તેમાં બધું સકારાત્મક છે, કશું નકારાત્મક નથી.’

અંતે, સ્વામીજીની ‘The Cup’ (જામ) નામની કવિતાનો પાઠ કરી તેમણે સમાપન કર્યું હતું. આમ, તેઓ રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાથી સુપરિચિત અને અભિભૂત હતા. આવા ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ તારલાનું ૨૯મી માર્ચ, ૧૯૯૫ના રોજ દુઃખદ નિધન થયું હતું.

Total Views: 329

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.