કલાવિશિષ્ટ વિશેષાંકની વિષયવસ્તુ છે – શિલ્પકલા, ચિત્રકલા, સંગીતકલા ઇત્યાદિ. આ કલાઓના સંદર્ભમાં આપણે આ લેખમાં શ્રીરામકૃષ્ણદેવના દિવ્ય જીવનમાં પ્રસ્ફુટિત થતી આ કલાઓનું વિવેચન કરવાનો વામન પ્રયાસ કરીશું વિવિધ પ્રસંગોના માધ્યમથી.

કલા-આગાર શ્રીરામકૃષ્ણદેવમાં જન્મથી જ અદ્‌ભુત અનુકરણશક્તિ હતી. વળી કલા-કામગીરીની કોઠાસૂઝ પણ બાલ્યાવસ્થાથી તો હતી જ! વય વધવાની સાથે આ બન્ને શક્તિ ઉત્તરોત્તર નવી નવી દિશામાં વિકસવા લાગી. ગામના કુંભારોને દેવ-દેવીઓની મૂર્તિ ઘડતાં જોઈને, કુતૂહલતાપૂર્વક પૃચ્છા કરીને તેમણે મૂર્તિકલા પોતાને ઘેર અજમાવવા માંડી.

કાળક્રમે તેઓ મૂર્તિકલામાં પારંગત થઈ ગયા. આનું અન્ય કારણ એ પણ હતું કે તેમની ધર્મપ્રેમી પ્રકૃતિને કારણે તેમને વિધવિધ દેવ-દેવીઓની મૂર્તિઓ ઘડીને યથાવિધિ પૂજા કરવાનું બહુ ગમતું.

કલાપારખુ શ્રીરામકૃષ્ણદેવે એક વાર એક ગામઠી કારીગરને દુર્ગામાતાની મૂર્તિનું રંગકામ કરતો જોયો. મૂર્તિને ધ્યાનપૂર્વક નીરખ્યા પછી તેઓ બોલી ઊઠ્યા, ‘અરે, માતાજીની આંખો કંઈ આમ હોય?’ આવું કહીને તેમણે પેલા મૂર્તિકારના હાથમાંથી પીંછી લઈને માતાજીનાં નેત્રો એવાં સુંદર ચીતરી આપ્યાં કે એ નેત્રોમાં જ અપૂર્વ તેજસ્વિતા, અદ્‌ભુત આનંદ અને અલૌકિક કરુણાના ભાવો પ્રસ્ફુટિત થઈ ઊઠયા! કોઈએ શીખવ્યું તો હતું જ નહિ, તો પછી તેઓ આ બધું ક્યાંથી શીખ્યા હશે? કદાચ જન્મથી જ બક્ષિસ મળી હશે! બાળપણથી જ તેઓમાં શિલ્પપ્રતિભા હતી.

કલાનિધિ શ્રીરામકૃષ્ણદેવનું ચિત્રકામ અને મૂર્તિવિધાનમાં કૌશલ્ય અદ્‌ભુત હતું. પદ્ધતિસરની તાલીમ લીધી ન હોવા છતાં આ કૌશલ્યનું રહસ્ય હતું એકાગ્રતા અને અંતર્દર્શન. ભાવાવેશમાં એમને દિવ્ય દેવ-દેવીઓનાં સ્વરૂપોનાં દર્શન થતાં અને પોતાની અંતરશક્તિથી એ સ્વરૂપોને સમજવાની સૂક્ષ્મ કલા-વિવેચન-શક્તિ પણ ખીલી ઊઠી હતી. આ બન્ને શક્તિની સહાયે તેઓ માટીની અનુપમ મૂર્તિઓનું નિર્માણ કરી શકતા. આશ્ચર્યકારક તો એ હતું કે ધંધાદારી મૂર્તિકારોની મૂર્તિઓની ક્ષતિઓ પણ તેઓ બતાવી શકતા! આવું કેમ ન હોય? તેઓ હતા કલાપારંગત!

કલામર્મજ્ઞ શ્રીરામકૃષ્ણદેવ મૂર્તિકલામાં પારંગત હતા તેનું અન્ય દૃષ્ટાંત જોઈએ. દક્ષિણેશ્ર્વર કાલીમંદિરમાં આગમન બાદ, એક દિવસ તેમને શિવમૂર્તિ ઘડીને પૂજા કરવાની ઇચ્છા થઈ. નાનપણમાં કામારપુકુરમાં તેઓ ઘણી વાર આમ કરતા. તેમનો એ ખાસ શોખ હતો. ઇચ્છા થતાં જ ગંગાકિનારાની માટી લાવીને, સુચારુપણે ગૂંદીને તેઓએ તેમાંથી નંદિ, ડમરુ તથા ધ્યાનસ્થ નેત્રોવાળી, પદ્માસન વાળેલી સુંદર શિવમૂર્તિ બનાવી. પછી પૂજા ચાલુ કરી. મથુરબાબુ અચાનક ત્યાં આવી ચડ્યા, જોયું અને વિસ્મય પામ્યા. આવી અતિશય સપ્રમાણ, સુવાંગ સુંદર અને દેવભાવયુક્ત નેત્રોવાળી મૂર્તિ બજારમાં ક્યારેય જોવા મળતી નથી, તો પછી આને ઘડનાર કોણ હશે? ભાણેજ હૃદયરામને પૂછતાં ખબર પડી કે આ મૂર્તિના રચયિતા તો છે કલાશિરોમણિ શ્રીરામકૃષ્ણ. આ કલાપ્રિયતાનાં સુલક્ષણોને લઈને જ કાલીમંદિરમાં સૌ પ્રથમ કાલીમાને અલંકાર પહેરાવનાર-વેશકારી તરીકે તેમની નિમણૂક થઈ હતી.

કલાવિશેષજ્ઞ શ્રીરામકૃષ્ણદેવના જીવનનો આવો જ એક પ્રસંગ છે. એક સમયે જન્માષ્ટમીના દિવસે રાધાગોવિંદના પૂજારી ક્ષેત્રનાથથી શ્રીગોવિંદજીની મૂર્તિ ખંડિત થઈ. હવે આવ્યું ધર્મસંકટ! ખંડિત મૂર્તિની પૂજા કેમ કરીને થાય! બોલાવાઈ પંડિતોની સભા. સભામાં નિર્ણય લેવાયો કે ખંડિત મૂર્તિની પૂજા શાસ્ત્રવિરુદ્ધ છે. રાણી રાસમણિને આ નિર્ણય નાપસંદ લાગ્યો. મથુરબાબુ દ્વારા શ્રીરામકૃષ્ણદેવનો અભિપ્રાય મગાવાયો. ખંડિત મૂર્તિની મરામત કરીને તેનું જ પૂજન ચાલુ રાખવું એવો શ્રીરામકૃષ્ણનો મત હતો. તેમણે પોતે જ ખંડિત મૂર્તિના પગને એવો તો કુશળતાપૂર્વક સાંધી આપ્યો કે ઝીણવટથી જોનારનેય સાંધો નજરે ન પડે! આજેય તે મૂર્તિ વિદ્યમાન છે. આ છે શ્રીરામકૃષ્ણદેવની કલાવિશેષજ્ઞતાનું પ્રમાણ.

કલારસિક શ્રીરામકૃષ્ણદેવની અન્ત્યલીલા ટાણેનો બીજો એક રસપ્રદ પ્રસંગ છે 21 જાન્યુઆરી, 1886નો, આ પ્રસંગનું આલેખન આ મુજબ છે :

‘ચિંતાજનક સ્વાસ્થ્યકાળે પણ શ્રીરામકૃષ્ણદેવ શિલ્પ-પ્રતિભાઓની રચનાઓમાં મગ્ન છે. કાશીપુરના ઉદ્યાનગૃહના દક્ષિણ તરફના વરંડાની છત પર બેઠા છે. લાકડાના કોલસાથી ચિત્રો દોરી રહ્યા છે. રેખાંકનોથી ઘણાં બધાં સુંદર ચિત્રો તૈયાર થયાં છે. તેમણે કેટલાંય ચિત્રો દોર્યાં, જેવાં કે હાથમાં હુક્કો ધારણ કરેલી એક વેશ્યા સ્ત્રી, હાથીનું મુખ, શિવ અને તારકનાથ. એક પક્ષીનું ચિત્ર પણ દોર્યું. પક્ષીનું ચિત્ર તેમને અતિશય પ્રિય હતું. આ ચિત્રકલાના આલેખન વખતે તેઓ પ્રસન્નચિત્ત હતા.’ તેમના દ્વારા દોરાયેલાં આ ચિત્રોનું સજીવારોપણ વિષયવસ્તુઓ અંગેનું અતિ સૂક્ષ્મતાપૂર્વક નિરીક્ષણ કરવા પાછળની તેમની ક્ષમતા પ્રગટ કરે છે.

કલાસમ્રાટ શ્રીરામકૃષ્ણદેવને અનેકવિધ કલાઓમાં બાલ્યાવસ્થાથી જ અભિરુચિ હતી. ઉંમર વધતાં આમાં વિષયાંતર થયું-બાલ્યાવસ્થામાં વૃદ્ધિંગત ચિત્રકલા અને મૂર્તિકલાએ વળાંક લીધો અને દક્ષિણેશ્ર્વર-નિવાસકાળમાં ગાયનકલા, સંગીતકલા અને નૃત્યકલા પૂર્ણકક્ષાએ ખીલી ઊઠયાં. અહીં મૂર્તિવિધાનકલા અને ચિત્રકલા વિસારે પડ્યાં. હવે અધ્યાય શરૂ થયો સંગીતકલા અને નૃત્યકલાનો.

કલાપ્રાણ શ્રીરામકૃષ્ણદેવનો કંઠ અતિ મધુર અને કર્ણપ્રિય હતો. તેઓ પ્રેમરસભર્યા સુકંઠે ગાંધર્વનેય શરમાવે તેવાં સુમધુર ગીતો ગાતા. ગીત ગાતાં ગાતાં ભાવાવેશમાં આવી જઈને કીર્તનમાં-નૃત્યમાં ગદ્ગદ મતવાલા થઈ પ્રેમોન્મત્ત થઈ ઊઠતા. એમના સુકંઠમાંથી નીકળતો સુમધુર સૂર એવો તો દિવ્ય અને અલૌકિક હતો કે ઉ5સ્થિત સર્વજન સૂધબૂધ ખોઈ ભાવાભિભૂત થઈ જતા. આ પ્રસંગોનાં અનેકાનેક દૃષ્ટાંતો શ્રીરામકૃષ્ણ કથામૃતમાં યત્ર-તત્ર આલેખિત થયેલાં છે. તોતાપુરી જેવા મહાજ્ઞાની પણ તેમનાં ગીતનું માધુર્ય માણીને દ્રવિત થઈ ઊઠતા, રડી પડતા.

કલાનિષ્ણાત શ્રીરામકૃષ્ણદેવની નૃત્યકલા વિશે પણ આવું જ છે. કેવી હતી તેમની નૃત્યકલા! તેમના સિંહવિક્રમ નૃત્યમાં – નહિ આડંબર કે નહિ ઊછળકૂદ, નહિ કષ્ટસાધ્ય અસ્વાભાવિક અંગમરોડ કે નહિ દેહ પરનો અપ્રાકૃત કાબૂ. તેમના નૃત્યમાં હતાં આનંદયુક્ત અધીરતાપૂર્ણ માધુર્ય અને ક્રિયાના સંયોગે પ્રત્યેક અંગની સ્વાભાવિક સંસ્થિતિ તેમજ ગતિવિધિ. તેમનું મધુર ઢબનું નૃત્ય સર્વાકર્ષક બની રહેતું અને સંક્રામક પણ. ઉપસ્થિત સર્વજન તેમાં સંમિલિત થઈ જઈ આત્મવિસ્મૃત થઈ જતા! મણિમોહન મલ્લિકના ઘેર બ્રાહ્મોત્સવમાં, જયગોપાલ સેનના ગૃહે, બલરામ બસુના ભવનમાં, દક્ષિણેશ્ર્વર કાલીવાડીના પ્રાંગણમાં કે પોતાના ઓરડામાં – જ્યાં પણ કીર્તનાનંદ થતો ત્યાં આવું સ્વર્ગમાંય અલભ્ય એવું નૃત્ય સર્વદા આરંભાતું. પાણિહાટિના મેળામાં તો તેમના તાંડવનૃત્ય વખતે દેહમાંથી જે પ્રકારનું રુદ્ર-મધુર સૌંદર્ય નિષ્પન્ન થતું તેની આંશિક છાયા સુદ્ધાં અન્યત્ર જોવા મળતી નથી. એમની નૃત્યકલા હતી સુખમય સાગરમાં શેલારા મારતી માછલી જેવી પ્રાકૃત. અંગ-પ્રત્યંગની ગતિ અને હલનચલનમાં ખીલી ઊઠતાં કોમળતા અને માધુર્યમિશ્રિત  શક્તિના અદ્‌ભુત પ્રાકટ્યનું વર્ણન કરવું અસંભવિત છે.

કલાનિપુણ શ્રીરામકૃષ્ણદેવનું સંગીતકલા વિષયક જ્ઞાન તો ‘કથામૃત’ના વાચકને થયા વિના રહે જ નહિ! ‘સા, રે, ગ, મ, પ, ધ, નિ’ હાર્મોમિનયમના સ્વરો; તા ધિન્ના, તા…તા-ધિન્ના વગેરે તબલાના ઠેકા; તાનપૂરો, તંબુરો, મૃદંગ, પખવાજ, મંજિરાં, (સમૂહવાદ્ય) કોન્સોર્ટ ઇત્યાદિ સંગીતકલા વિષયક ઉલ્લેખો અવારનવાર તેમના વાર્તાલાપમાં જોવા મળે છે. આ બતાવે છે કે તેઓ સર્વ પ્રકારનાં વાજિંત્ર-ગાનથી સુપરિચિત હતા. અંતમાં, ‘કલા’ વિષયક આટલાં બિરુદો તેમને કેમ ન શોભે? તેઓ હતા તો લીલાનિપુણ!  તે હતા તો કલાવાન!

Total Views: 489

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.