શ્રીરામકૃષ્ણદેવ મુસ્લિમોની નિયમિત નમાઝ પઢવાની ટેવને બિરદાવીને સાધકોને નિયમિત રીતે ધ્યાન કરવા માટે પ્રોત્સાહિત કરતા. મુસ્લિમોની આ વિશેષતા છે કે નમાઝનો સમય થાય કે તરત જ તેઓ જ્યાં, જે જગ્યાએ હોય ત્યાં જ તરત જ નમાઝ પઢવા બેસી જાય. એક વાર બાદશાહ અકબર શિકારેથી પાછા ફરતા હતા. સંધ્યાટાણું થયું કે તરત જ બાદશાહ નમાઝ પઢવા ગાલીચો પાથરીને બેસી ગયા. એવામાં ત્યાંથી એક યુવતી પસાર થઈ. પોતાના પતિને મળવાની આતુરતામાં, તેના ચિંતનમાં એટલી મગ્ન હતી કે તેને ખબર પણ ન પડી કે દોડતી વખતે તેના પગની ધૂળથી ગાલીચો રજે ભરાયો. બાદશાહે પેલી યુવતીને હાજર કરવાનું ફરમાન કર્યું. યુવતીને તેમણે પૂછ્યું: “આ બેઅદબી કરનાર તું હતી?” યુવતીએ જવાબ આપ્યો: “મને ખબર નથી જહાંપનાહ! હું તો મારા પતિના ચિંતનમાં મગ્ન હતી. એટલે બાહ્ય વસ્તુઓને વીસરી ગઈ હતી. પણ હજૂર, આપ તો નમાઝમાં હતા. દુનિયાના બાદશાહના ધ્યાનમાં મારા જેવી નાચીજ ઓરતની હસ્તી વીસરી શક્યા નહિ?”

આપણું મન ધ્યાનમાં એકાગ્ર થતું નથી તેનું એક કારણ છે – ઈષ્ટ પ્રત્યે પ્રેમનો અભાવ.

મીરાંબાઈ કહે છે-

પ્રેમગલી અતિ સાંકરી તામે દો ન સમાય.’

ખ્રિસ્તી ધર્મમત પ્રમાણે ઈશ્વર જાણે કે ઈષ્યાળુ છે. તેઓ ભક્તના હૃદયમાં એકલા જ રહેવા માગે છે ત્યાં કોઈ વિરોધીને તેઓ સાંખી શકતા નથી.

તુલસીદાસજી કહે છે:

જર્હાં રામ તર્હાં નહીં કામ,
જર્હાં કામ વર્હાં નહીં રામ
તુલસી દોનો ન રહ સકે,
રવિ રજની ઈક ઠામ

જેમ સૂર્ય અને રાત્રિ એક સાથે ન રહી શકે તેમ રામ અને કામ હૃદયમાં એક સાથે ન રહી શકે. જો હૃદયમાં ઈશ્વર પ્રત્યે પ્રેમ આવી જાય તો આપણું ધ્યાન સરળ બની જશે. કામ કરતી વખતે પણ, અહર્નિશ પોતાની મેળે ભગવાનનું ધ્યાન થઈ જશે. શ્રીરામકૃષ્ણદેવ એક પ્રેમમાં પડેલ યુવતીનું ઉદાહરણ આપીને સમજાવતા કે જેમ તે સ્ત્રીનું મન અહર્નિશ કામ કરતી વખતે પણ પોતાના પ્રેમીમાં ચોંટેલું હોય છે, તેવી જ રીતે જે ઈશ્વરને ખરા હૃદયથી ચાહે છે તેને ઈશ્વરનું સ્મરણ-ચિંતન સતત થાય છે. ધ્યાનમાં મન પોતાની મેળે એકાગ્ર થાય છે.

પણ ઈશ્વર પ્રત્યે આવો પ્રેમ હૃદયમાં આવવો એ એટલું સહજ નથી. શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ પાર્ષદ સ્વામી પ્રેમાનંદજી મહારાજ એક વાર્તા કહેતા. એક ફેરિયાવાળો બૂમ પાડતો જઈ રહ્યો હતો – “પ્રેમ લેવો છે કોઈને પ્રેમ?” આસપાસથી ઘણા લોકો એકઠા થઈ ગયા અને ઉત્સાહભેર કહેવા લાગ્યા “હા અમારે જોઈએ છીએ. બોલો, શું ભાવ?”

ફેરિયાવાળાએ કહ્યું, “આ કોઈ સાધારણ વસ્તુ નથી, જે પૈસાથી ખરીદી શકાય. મારી પાસે તો ત્રાજવું છે. એક પલડામાં તમારું માથું કાપીને મૂકીશ, બીજા પલડામાં એટલા જ વજનનો પ્રેમ રાખીશ.”

આ સાંભળીને બધા નાસી ગયા.

“માથા સાટે મોંધી વસ્તુ સાંપડવી નહિ સહેલ જોને,”

“પરથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને.” પ્રીતમે બરાબર જ લખ્યું છે.

ઈશ્વર પ્રત્યે સાચા પ્રેમના અભાવમાં ધ્યાનમાં મન એકાગ્ર ન થવું આ મોટાભાગના સાધકોની સમસ્યા છે. એક વાર એક શિષ્યે શ્રીમા શારદાદેવીને પૂછ્યું – “ઈશ્વરને જોયા વગર મનુષ્ય તેને કેવી રીતે પ્રેમ કરી શકે?” શ્રીમાએ જવાબ આપ્યો: “ખરી વાત છે. પવન સાથે કોણ દોસ્તી બાંધી શકે?”

ઈશ્વર પ્રત્યેનો ખરો પ્રેમ તેમનાં દર્શનથી સંભવે પણ તેમનાં દર્શન તો ત્યારે જ થાય કે જ્યારે આપણું ધ્યાન-ચિંતન પ્રગાઢ બને. આમ સમસ્યા ગૂંચવણભરી છે – દર્શન વગર પ્રેમ ન થાય અને પ્રેમ વગર ધ્યાન ન થાય પણ ધ્યાન વગર દર્શન ન મળે.

એકવાર શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી અદ્ભુતાનંદજી મહારાજને એક ભક્તે પૂછ્યું, “મહારાજ, અમે તો ઈશ્વરને જોયા નથી, તો અમે તેમને કેવી રીતે પોકારી શકીએ?” સ્વામી અદ્ભુતાનંદજી મહારાજે સુંદર વ્યવહારુ સૂચન કર્યું – “તમે શું એક કંપનીના મૅનેજરને તેને એક વાર પણ જોયા વગર આવેદન (application) નથી મોકલતા? મૅનેજર સાથેની તમારી મુલાકાત (interview) તમારા આવેદન પત્ર પર નિર્ભર કરે છે.” ઈશ્વરને પ્રાર્થનારૂપી આવેદન મોકલવાથી તે તમને મુલાકાત (interview) આપશે – ઈશ્વરની એક ઝલક મળશે. આ ઝલક મળવાથી સાધકમાં પ્રેમનો સંચાર થશે, ધ્યાનમાં એકાગ્રતા આવશે અને ધ્યાન વધુ પ્રગાઢ બનવાથી ઈશ્વર પ્રત્યેનો પ્રેમ પણ વધશે. આમ પ્રાર્થના અને ધ્યાન એકબીજાના પરિપૂરક છે.

આવી જ રીતે જપ અને ધ્યાન પણ એકબીજાના પરિપૂરક છે. ધ્યાનમાં મન એકાગ્ર ન થતું હોય ત્યારે ઈષ્ટમંત્રનો જાપ કરવાથી મન એકાગ્ર બને છે અને ધ્યાન પ્રગાઢ થવાથી મંત્રનો જાપ અહર્નિશ થયા કરે છે. શ્રી રામકૃષ્ણદેવના અંતરંગ પાર્ષદ સ્વામી બ્રહ્માનંદજી કહેતા કે ઈષ્ટમંત્રનાં જાપ અને ધ્યાન બન્ને સાથે કરવાથી સફળતા વધુ જલદી મળે છે.

(ક્રમશ:)

Total Views: 128

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.