‘સ્વામીજી, એક પ્રાઈવેટ વાત કરવી છે.’

‘કહો, શી સમસ્યા છે?’

‘જ્યારે ધ્યાન કરવા બેસું છું, ત્યારે ધ્યાનમાં મન લાગતું નથી. મન ભટકવા લાગે છે. અનેક આડાઅવળા વિચારો ન જાણે ક્યાંયથી ધ્યાનના સમયે જ મનમાં આવવા લાગે છે. એમ કેમ થાય છે?’

‘ભાઈ, આ તમારો એકનો પ્રશ્ન નથી. આ તો ઓપન સિક્રેટ છે. બધા મને આ સિક્રેટ કહી જાય છે.’

‘પણ કેટલીક ધ્યાન શિબિરોમાં તો ત્રણ કલાકમાં સમાધિનો અનુભવ કરાવી દે છે. પાંત્રીસ ડોલરમાં ‘ઇન્સ્ટન્ટ સમાધિ’ની પ્રાપ્તિ થાય છે, એવી જાહેરાતો આવે છે. સાતસો રૂપિયાની મની-બેક ગેરંટીવાળી કેસેટ આવે છે. એ જુઓ-સાંભળો ચોક્કસ સમાધિ થઈ જાય છે. આવું બને શકે ખરું?’

આ યુવાનનો પ્રશ્ન અત્યારના કહેવાતા ગુરુઓ દ્વારા ‘ઇન્સ્ટન્ટ સમાધિ’ની કેવી જાહેરાત થાય છે તેનો નમૂનો છે. આજકાલ ઇન્સ્ટન્ટનો જમાનો છે. ‘ઇન્સ્ટન્ટ કોફી’, ‘ઇન્સ્ટન્ટ ફૂડ’ એમ હવે ‘ઇન્સ્ટન્ટ સમાધિ’. પણ અનેક વરસોની કઠિન તપશ્ચર્યાથી જે પ્રાપ્તિ થાય છે, સમાધિ શું કોઈ ત્રણ કલાકમાં કરાવી શકે? એ શું એટલી બધી સહજ સરળ છે કે આંખ મીંચીએ એટલે સમાધિ પ્રાપ્ત થઈ જાય? સમાધિ તો રાજયોગનું આઠમું સોપાન છે. પહેલાં સાત પગથિયાં સિદ્ધ થાય પછી આઠમા પગથિયે પહોંચી શકાય. એના બદલે સાત પગથિયાં સિદ્ધ કર્યા વગર સીધો કૂદકો આઠમા પગથિયે મારવો છે, તો એ અશક્ય છે. એ આઠ સોપાનો છે, ‘યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ.’ એકધારી સાધના દ્વારા પ્રથમ છ સોપાન સિદ્ધ થયા પછી ધ્યાન સિદ્ધ થાય છે. બે ચાર દિવસ થોડો સમય ધ્યાનમાં બેસવાથી શું તાત્કાલિક મનની ચંચળતા દૂર થઈ જશે? એને માટે તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા સિદ્ધ કરવાં પડશે.

અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહને યમ કહેવામાં આવે છે. આ યમ મનને અને ચિત્તને શુદ્ધ કરે છે. મન, વચન અને કાર્યથી કોઈને ય દૂભવવાં નહીં એનું નામ અહિંસા છે. સર્વ વસ્તુઓ સત્યમાં જ રહેલી છે અને સત્ય દ્વારા જ પ્રાપ્ત થાય છે. જે હકીકત કહેવા જેવી હોય તે જ કહેવી તેનું નામ સત્ય, કોઈની વસ્તુ ચોરી કે બળજબરીથી ન લેવી તેને અસ્તેય કહેવામાં આવે છે. મન, વચન અને કર્મમાં હંમેશા અને દરેક સ્થિતિમાં ઇંદ્રિયસંયમ પાળવો તે બ્રહ્મચર્ય. ગમે તેવી વિપત્તિમાં આવી પડાય તો પણ કોઈ પાસેથી દાન ન લેવું તે અપરિગ્રહ છે. આ યમના પાંચ તપની સાથે સાથે બીજા પાંચ આચારવ્રતોનું પાલન કરવાથી ધ્યાન જલ્દી સિદ્ધ થાય છે. એ પાંચ વ્રતો છે, ‘તપ, સ્વાધ્યાય, સંતોષ, શૌચ અને ઈશ્વરપ્રણિધાન.’ આ આચારવ્રતોને નિયમ કહેવામાં આવે છે. ત્રીજું સોપાન છે, આસન. તેમાં ધ્યાનમાં કે ઈશ્વરની ભક્તિ કે ઉપાસનામાં બેસતી વખતે છાતી, ખભા અને માથું ટટ્ટાર રાખવા. પછી આવે છે, પ્રાણાયામ. પ્રાણ એટલે શરીરની જીવનશક્તિ, તેને નિયંત્રણમાં રાખવી તે પ્રાણાયામ છે. આપણી બહિર્મુખ જ્ઞાનેન્દ્રિયોને ઇચ્છાશક્તિના નિયમન હેઠળ લાવવી તે છે પ્રત્યાહાર. મનને મસ્તકના મધ્યમાં કે હૃદયકમળમાં સ્થિર કરવું તે છે ધારણા. મન એક જ પ્રત્યય ઉપર એકાગ્ર બને તે છે ધ્યાન અને જ્યારે પ્રત્યય પણ ન રહે અને મનની બધી જ વૃત્તિઓ એકાકાર બની જાય તે છે સમાધિ. પ્રત્યય એટલે જેનું ધ્યાન કરવામાં આવે છે, તે પદાર્થ, વસ્તુ કે ઈશ્વર. કોઈ પણ જાતના વિક્ષેપ વગર એક પ્રત્યય પર બાર સેકંડ ધ્યાન રહે તો તે ધારણા થઈ કહેવાય. જો ૧૨x૧૨=૧૪૪ સેકંડ ધ્યાન રહે તો તે ધ્યાન થયું કહેવાય અને જો ૧૨x૧૨x૧૨=૧૭૨૮ સેકંડ સુધી ધ્યાન રહે તો તે સમાધિ કહેવાય. સમાધિના પણ સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત એવા બે પ્રકારો છે. આમ ધ્યાનમાં તરત જ મન લાગી જવું એ તો સ્વામી વિવેકાનંદ જેવા કોઈ જન્મથી જ ધ્યાનસિદ્ધ હોય એમને માટે જ શક્ય બને છે. બધાંને માટે નહીં.

તો પછી શું કરવું? શું ધ્યાન કરવું છોડી દેવું? ના. બિલકુલ નહીં. શરૂઆતમાં ધ્યાન કરવું કઠિન છે. પણ અભ્યાસથી એ સાધ્ય બને છે. એ માટે નિરંતર અભ્યાસ કરવો જરૂરી છે.

પાતંજલ યોગસૂત્રમાં પણ કહ્યું છે:

‘स तु दीर्घकालनैरन्तर्यसत्कारासेवितो दृढभूमि:।’

લાંબા સમય સુધી આદરપૂર્વક નિરંતર પુષ્કળ અભ્યાસ કરવાથી એ દૃઢ બને છે.

અર્જુનને પણ મનને વશ કરવું ખૂબ જ મુશ્કેલ લાગે છે. તે શ્રીકૃષ્ણને કહે છે કે ભગવન્, આપે મને યોગની વાત તો કરી પણ મનની ચંચળતાને લઈને યોગ ટકી શકે એમ મને લાગતું નથી અને પછી કહે છે:

‘चंचल हि मन: कृष्ण प्रमाथि बलवद्दृढम्।
तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्कारम्॥’

‘હે કૃષ્ણ, મન અતિચંચળ, ઇંદ્રિયોને વિહ્વળ કરનારું, બળવાન અને હઠીલું છે, તેથી તેને રોકવું એ વાયુને રોકવા જેવું મને દુષ્કર લાગે છે.’ અર્જુનની આ વાત સાંભળીને શ્રીકૃષ્ણ ભગવાન તેનો તિરસ્કાર કરતા નથી, જેમ પ્રથમ અધ્યાયમાં કહ્યું હતું કે ‘આમ કાયર થા નહીં, એ તને શોભતું નથી. હૃદયની તુચ્છ દુર્બળતાને ખંખેરીને ઊભો થઈ જા અને યુદ્ધ કર.’ ‘તારું મન કેમ એકાગ્ર થતું નથી. આ તને શોભતું નથી.’ આવું કંઈ કહેવાને બદલે તેઓ તો કહે છે કે, ‘હે પાર્થ, તારી વાત સાવ સાચી છે. ચંચળ મનને વશ કરવું ખૂબ જ મુશ્કેલ છે.’ ભગવાન પોતે પણ મનની ચંચળ પ્રકૃતિનો સ્વીકાર કરે છે અને પછી તેને વશમાં કરવાનો માર્ગ પણ બતાવે છે. તેઓ કહે છે:

असंशय महाबाहो मनोदुर्निग्रह चलम्।
अभ्यासेन तु कौंतेय वैराग्येण च गृह्यते॥

હે મહાબાહો, એ મન ચંચળ છે, વશ થવું કઠિન છે. એમાં કોઈ શંકા નથી. પરંતુ હે કૌંતેય, અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા તે પણ જરૂર વશ થાય છે.’

આમ દીર્ઘકાળ સુધી ધ્યાનનો સતત અભ્યાસ કરવાથી જ મન ધીમે ધીમે એકાગ્ર બને છે. મનની પ્રકૃતિ જ બ્રહ્માજીએ એવી ઘડી છે કે તે બહારના પદાર્થો પર જાય છે. હવે તેની પ્રકૃતિ બદલવી એટલે કે તેને અંતરમાં વાળવું એ તો નદીના સામા પ્રવાહમાં તરવા જેવું છે. જેમની પ્રકૃતિ અંતર્મુખી હોય તેમના માટે ધ્યાન સરળ બને છે. પણ એવું તો સિદ્ધયોગીઓ કે અવતારીપુરુષોની બાબતમાં બને છે. શ્રીરામકૃષ્ણદેવનું મન તો એટલું બધું અંતર્મુખી હતું કે એ વારંવાર સમાધિમાં ડૂબી જતું. એ મનને બહાર લાવવા માટે તેઓ ઘણીવાર એમ બોલતા કે, ‘હું પાણી પીઈશ, મીઠાઈ ખાઈશ.’ આમ બોલીને તેઓ પોતાના મનને બહારના પદાર્થ પર કેન્દ્રિત કરતા કે જેથી તે બધો જ વખત સમાધિમાં ચાલ્યું ન જાય. તેમને પરમચૈતન્યની ભૂમિકામાંથી સાધારણ ભૂમિકામાં મનને લાવવા માટે આમ કરવું પડતું હતું. તેઓ આમ બોલતા, ત્યારે કંઈ એમને ખરેખર પાણી પીવાની કે મીઠાઈ ખાવાની ઇચ્છા થતી નહોતી. પણ અંતર્મુખી મનને બહાર લાવવા માટે તેમને આમ કરવું પડતું.

સ્વામી વિવેકાનંદ પણ નાનપણથી જ ધ્યાન સિદ્ધ હતા. તેઓ નાના બાળક હતા, તે સમયે બધા તેમને ‘બિલે’ કહેતા, ત્યારે તેઓ પોતાના મિત્રોની સાથે ધ્યાનની રમત રમતા. એક વખત આવી રીતે બધા ધ્યાન કરી રહ્યા હતા, ત્યારે ત્યાં સાપ આવતાં, બધા ડરીને ભાગી ગયા, પણ બિલેનું ધ્યાન ન છૂટ્યું. અને તેઓ તો ત્યાં જ નિશ્ચલ બેસી રહ્યાં. આ છે મનની અડગ એકાગ્રતા. નાનપણથી જ એમને ધ્યાન સહજ હતું. અમેરિકામાં ટ્રામમાં બેઠાં બેઠાં પણ તેઓ ધ્યાનસ્થ બની જતા. જ્યારે છેલ્લું સ્ટેશન આવે ત્યારે કંડક્ટર તેમને ધ્યાનમાંથી જગાડી ઊતરવાનું કહેતો, ત્યારે તેમને ખબર પડતી કે ‘તેમનું ઊતરવાનું સ્ટેશન તો ક્યારનું ય ચાલ્યું ગયું છે.’ બજારમાં, શિકાગોના મેળામાં ભારે કોલાહલોની વચ્ચે પણ તેમનું ધ્યાન ચાલુ રહેતું.

આવું જ ધ્યાન તેમના ગુરુભાઈ સ્વામી શારદાનંદજીનું પણ હતું. તેઓ શ્રીરામકૃષ્ણ-મિશનના પ્રથમ જનરલ સેક્રેટરી હતા. તે સમયે તેઓ ઉદ્‌બોધનમાં રહેતા હતા. ઉદ્‌બોધનમાં ઉપરના માળે શ્રીમા શારદાદેવી રહેતાં હતાં. શ્રીમાની સાથે ગોલાપમા વગેરે પણ રહેતાં. ગોલાપમાનો સ્વભાવ ભારે કર્કશ હતો. તેઓ જોરજોરથી વાતો કરતાં રહેતાં. શ્રીમા સાથે તેમની ભત્રીજી નલિની અને રાધુ પણ રહેતી હતી. શ્રીમાની નાની ભાભી સુરબાળા જે પાગલ થઈ ગઈ હતી, તે પણ ત્યાં રહેતી. આ બધાંનો શોર-બકોર ઉપર સતત થતો જ રહેતો. નીચે શ્રીમાના દર્શને અનેક મુલાકાતીઓ આવતાં, તેમની અવર-જવર, અને તેમાંથી કેટલાં લોકોને ઉપર દર્શનાર્થે મોકલવા, તેની સતત કામગીરી ઉપરાંત શ્રીરામકૃષ્ણ મઠ-મિશનનાં જનરલ સેક્રેટરી તરીકેનાં અનેક મહત્ત્વના કાર્ય કરવાનાં, આ બધાંની વચ્ચે, ઉદ્‌બોધનની નીચેની એક નાનકડી ઓરડીમાં પોતાનું જાડું શરીર માંડ માંડ સમાવીને સ્વામી શારદાનંદજીએ શ્રીરામકૃષ્ણ-લીલાપ્રસંગનો અમરગ્રંથ લખ્યો! કેવી એકાગ્રતા ને તન્મયતા!

એમને આ રીતે લખતા જોઈને એક ભક્તે એમને પૂછ્યું: ‘શરત્ મહારાજ, ઉપરમાં તો માછલી બજાર કરતાં પણ મોટું બજાર છે અને તેનો આટલો બધો શોરબકોર સતત થાય છે, તો તમને લખવામાં વિક્ષેપ થતો નથી?’

તેમણે ઉત્તરમાં કહ્યું, ‘જો ભાઈ, મેં મારા મનને સમજાવી દીધું છે કે મતલબની વાત જ સાંભળવી. બીજી કોઈ વાત સાંભળવાની જ નહીં.’

મન ઉપર સંપૂર્ણ કાબૂ હોય તો જ આ સ્થિતિ પ્રાપ્ત થઈ શકે. એ પૂર્ણતાની સ્થિતિ છે. આવા મનુષ્યો માટે તો તેઓ જ્યાં હોય ત્યાં ધ્યાન કરી શકે છે. પછી તે યુદ્ધભૂમિ હોય કે બજાર હોય કે જંગલનું એકાંત હોય. એમના માટે પછી સ્થળનું મહત્ત્વ રહેતું જ નથી. પણ સામાન્ય મનુષ્યોને માટે તો આમ કરવું બહુ જ મુશ્કેલ છે. તેમને તો જરાસરખો અવાજ થાય કે ધ્યાનમાં ભંગ પડી જાય છે. પછી ધ્યાન લાગતું નથી. ઇંદ્રિયો આંખ, કાન, નાક-એ બધી વિષયો તરફ દોડીને ભાગે છે. પણ એમાં કંઈ ઇંદ્રિયોનો દોષ નથી. બ્રહ્માજીએ ઇંદ્રિયોને ઘડતી વખતે તેમના મુખ બહાર રાખી દીધાં છે. એટલે તેઓ બહારનું જ જુએ છે. કઠોપનિષદ્‌માં આનું વર્ણન કરતાં કહ્યું છે:

पराञ्चिखानि व्यतृणत्स्वयंभूस्तस्मात्पराङ् पश्यति नान्तरात्मन् ।
कश्चिद्धीरः प्रत्यगात्मानमैक्षदावृत्तचक्षुर-मृतत्वमिच्छन् ॥

બ્રહ્માએ ઇંદ્રિયોને બહિર્મુખી કરી છે. એટલે માનવ ઇંદ્રિયો દ્વારા બહારની વસ્તુઓ જ જુએ છે. અંતરાત્માને નહીં. કોઈ ધીર-વિવેકી માનવ અમૃતત્ત્વ પામવાની ઇચ્છાથી ચક્ષુ વગેરે ઇંદ્રિયો બાહ્યવિષયોમાંથી પાછી વાળીને અંતરાત્માને નીરખે છે.

આમ ઇંદ્રિયોનો સ્વભાવ જ બહિર્મુખી હોવાથી મન અંતરમાં એકાગ્ર થઈ શકતું નથી. પરંતુ કોઈ ધીરપુરુષ અમૃતત્ત્વની ઇચ્છાથી બહિર્મુખી મનને સતત અભ્યાસ દ્વારા અંતર્મુખી કરે છે અને ઈશ્વરનો સાક્ષાત્કાર કરે છે. તે આત્મા સાથે એકરૂપ થઈ જાય છે, પછી એને શરીરબોધ રહેતો નથી. અને તે મૃત્યુ ઉપર વિજય મેળવે છે. પરંતુ એ માટે સતત બહાર દોડી રહેલા મનને બળજબરીથી, યત્નપૂર્વક અંતરમાં વાળવું પડે છે. એમાં સતત લાગી રહેવું પડે છે. એ કંઈ ચમત્કારની જેમ એક દિવસમાં અંતરમાં વળી જતું નથી. આ સંદર્ભમાં શ્રીરામકૃષ્ણદેવ ખાનદાની ખેડૂતની વાત કહે છે. બે પ્રકારના ખેડૂત હોય છે.— એક ખાનદાની ખેડૂત અને બીજા ધંધાદારી ખેડૂત. ધંધાદારી ખેડૂત, ખેતીમાં થતો લાભ જોઈને ખેતી કરવા લલચાય છે. સબસીડી મળે, જમીન મહેસૂલમાં રાહત મળે અને વરસ સારું જતાં ખૂબ લાભ મળે, માટે તેઓ ખેતી કરે છે. પણ જો એક વરસ દુષ્કાળ પડે, કે બીજે વરસે પૂર આવે ને પાક ન થાય તો આ ધંધાદારી ખેડૂત ખેતી છોડી દે છે કે આમાં કંઈ લાભ નથી. પણ બીજા પ્રકારનો જે ખેડૂત છે, તે તો ગામડાનો અસ્સલ ખેડૂત છે, જે ખાનદાની ખેડૂત છે, તે તો બે વરસ શું પાંચ વરસ નબળાં જાય તો પણ પોતાની ખેતી છોડતો નથી. ખેતીમાં લાગી જ રહે છે. એમ સાધકો પણ બે પ્રકારના છે. પ્રથમ પ્રકારના સાધકોને તાત્કાલિક લાભ જોઈએ છે. પણ ધીરજપૂર્વક મહેનત કરવી નથી. થોડી મહેનતથી તેઓ થાકી જાય છે અને પછી કહે છે કે ‘આ મારું કામ નહીં.’ એમ કહી મનને એકાગ્ર કરવાનો પ્રયત્ન જ છોડી દે છે. બીજા પ્રકારના સાધકો તે સાચા સાધકો છે. તેઓ કહે છે કે ‘ધ્યાન લાગવું જ જોઈએ. ભલે આજે નહીં લાગે, તો આવતીકાલે જરૂર લાગી જશે.’ એમ માનીને દરરોજ પ્રયત્ન કરે છે. આમ રોજેરોજ પ્રયત્ન કરતાં તેમનું મન તૈયાર થઈ જાય છે, અને આખરે તેઓ ધ્યાન કરવામાં સફળતા મેળવે છે. આ સાધનામાં ધીરજપૂર્વકના પ્રયત્ન કરવાથી ચોક્કસ સફળતા મળે જ છે. ધીરજપૂર્વકના પ્રયત્નો કરવાની ભાવના દ્વારા જ કેવી રીતે ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે, તેની વાર્તા સ્વામી વિવેકાનંદ ‘ધ્યાન અને તેની પદ્ધતિ’માં કહે છે:

નારદમુનિ એક વખત વનમાંથી પસાર થતા હતા. ત્યારે તેમણે એક મનુષ્યને જોયો. તે એટલા લાંબા સમયથી ધ્યાન કરી રહ્યો હતો કે એના શરીરની આસપાસ ઊધઈનો મોટો રાફડો થઈ ગયો હતો! તેણે નારદને પૂછ્યું, ‘મુનિ કઈ તરફ જઈ રહ્યા છો?’

‘વૈકુંઠમાં જાઉં છું.’

‘તો તો તમે ભગવાનને મળશો. તો તેમને પૂછજો કે મને ઈશ્વરનો સાક્ષાત્કાર ક્યારે થશે?’

‘ભલે જરૂર પૂછીશ.’ પછી નારદજી આગળ ચાલ્યા, તો તેમણે એક બીજા માણસને જોયો તે પણ ભગવાનનું ભજન કરી રહ્યો હતો. તેણે પણ નારદજીને તેઓ ક્યાં જઈ રહ્યા છે, તે બાબતમાં પૂછ્યું અને જ્યારે જાણ્યું કે તેઓ વૈકુંઠમાં ભગવાન પાસે થઈ રહ્યા છે, ત્યારે તેણે કહ્યું: ‘તમે ભગવાનને પૂછજો ને કે મને ભગવાનનાં દર્શન ક્યારે થશે?’

ઘણા સમય પછી નારદમુનિ પાછા આવ્યા ત્યારે પેલા ઊધઈના રાફડા વાળા માણસે પૂછ્યું કે ‘ભગવાને મારા માટે શું કહ્યું?’

‘ભગવાને કહ્યું કે ચાર જન્મ પછી તમને ઈશ્વર-સાક્ષાત્કાર થશે.’ આ સાંભળીને તે માણસ તો રડવા લાગ્યો કે ‘અરેરે, મેં આટલું બધું તપ કર્યું, મારી આજુબાજુ ઊધઈનો રાફડો જામી ગયો ત્યાં સુધી મેં ધ્યાન કર્યું, તો ય આ જન્મમાં ઈશ્વરનો સાક્ષાત્કાર નહીં થાય? હજુ આવા ચાર ચાર જન્મો સુધી મારે તપ કરવાનું?’ એમ કરીને તે નિરાશ બની ગયો. નારદજી ત્યાંથી આગળ ચાલ્યા ને બીજા માણસ પાસે આવી પહોંચ્યા. તેણે પૂછ્યું: ‘તમે મારા વિશે ભગવાનને પૂછ્યું હતું?’

‘હા, તેમણે કહ્યું કે સામે આંબલીનું ઝાડ દેખાય છે, એના ઉપર જેટલાં પાંદડા છે, એટલાં જન્મોમાંથી પસાર થયા બાદ તને ઈશ્વરનો સાક્ષાત્કાર થશે.’

‘શું ભગવાને પોતાના મુખે કહ્યું કે મને ઈશ્વરનો સાક્ષાત્કાર થશે? સાચ્ચે જ. ભલે ને આટલા જન્મો લેવા પડે. હું તૈયાર છું. પણ મને ભગવાન તો મળશે ને.’ આમ કહીને તે તો ગાવા લાગ્યો, નાચવા લાગ્યો. ‘ત્યાં તો આકાશવાણી સંભળાઈ કે, ‘વત્સ, તને હમણાં જ ઈશ્વરનો સાક્ષાત્કાર થશે.’ અને તેને ભગવાનનાં દર્શન થયાં ને મુક્તિ મળી ગઈ. આ તેની અખૂટ ધીરજનું ફળ હતું. તે આંબલીના ઝાડ પરનાં પાંદડાં જેટલા જન્મો સુધી સાધના કરવા તૈયાર હતો. તે નિરાશ ન થયો. પહેલા માણસને ચાર જન્મનો સમય પણ બહુ લાંબો લાગ્યો અને તેથી તેના માટે ઈશ્વરનો સાક્ષાત્કાર દૂર ઠેલાઈ ગયો. જ્યારે બીજા માણસની દીર્ઘકાલ સુધી સાધના કરવાની તૈયારી ઉત્કટતાએ તેને તત્ક્ષણ ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવી દીધો. આમ લાંબા સમય સુધી ધીરજપૂર્વક અવિરત સાધના કરવાની જો તત્પરતા હોય, ઉત્કટતા હોય તો પરમપદની પ્રાપ્તિ ચોક્કસ થાય છે જ.

મનને જ્યારે ધ્યાનમાં એકાગ્ર કરવાનો અભ્યાસ કરવામાં આવે છે, ત્યારે એક બીજો પ્રશ્ન પણ ઊઠે છે અને તે એ છે કે જ્યારે આવો અભ્યાસ શરૂ નહોતો કર્યો, ત્યારે તો મન બરાબર ચાલતું હતું, પણ જેવો અભ્યાસ શરૂ કર્યો અને ધ્યાનમાં બેઠા કે અનેક પ્રકારના આડાઅવળા ને ખોટા વિચારો આવવા શરૂ થઈ જાય છે. મોટેભાગે બધાંની બાબતમાં આમ બને છે. તો એવું શા માટે થતું હશે? એનું કારણ એ છે કે આપણું મન બે વિભાગમાં વહેંચાયેલું છે. એક તો બાહ્યમન કે ચેતન મન બીજું અચેતન મન. હવે તો પાશ્ચાત્ય મનોવૈજ્ઞાનિકોએ પણ conscious mind અને unconscious mind આમ બે પ્રકારના મનનો સ્વીકાર કર્યો છે. આપણું ચેતન મન તો ૧૦% જ છે. બાકીનું ૯૦% મન એ અચેતન મન છે. જેને આપણે જાણતાં નથી. ચેતન મનનો પણ ઘણો ઓછો ભાગ આપણે જાણીએ છીએ. અચેતન મનમાં તો આપણા હજારો જન્મોના સંસ્કારો પડેલા હોય છે. ધ્યાન દ્વારા આ સંસ્કારોને, અચેતન મનને વલોવવાની પ્રક્રિયા શરૂ થાય છે. સમુદ્રમંથનમાં વલોવતાં પહેલાં ઝેર નીકળ્યું ને અમૃત તો સૌથી છેલ્લે નીકળ્યું. એવું જ અહીં પણ બને છે. ધ્યાનમાં બેસતાં શરૂઆતમાં કદી કલ્પના પણ ન કરી હોય એવા વિચારોનો હુમલો થાય છે. અને આ હુમલો સતત થતો રહે છે. ત્યારે સાધકને એમ થાય છે કે કોઈ ભૂતપ્રેત હુમલો કરી રહ્યું છે. બુદ્ધ ભગવાને પણ જ્યારે ધ્યાન શરૂ કર્યું પછી એમને મારની આખી સેનાનો સામનો કરવો પડ્યો. આ માર એટલે બીજું કંઈ નહીં પણ પૂર્વજન્મના સંસ્કારોનું ઘનીભૂત રૂપ. ધ્યાન શરૂ કરતાં જ અચેતન મનમાંથી અશુદ્ધિ બહાર આવે છે. એટલે એમ માનવાનું નહીં કે પહેલાં આપણે સારાં હતાં, આપણને કદી આવા વિચારો આવતા ન હતા અને હવે આપણે ખરાબ થઈ ગયાં છીએ. આ તો ખાટલા નીચે સંતાયેલો ચોર બહાર નીકળ્યો છે. લાઈટ કરવામાં આવે તો સંતાયેલો ચોર બહાર નીકળે છે. હવે બે રસ્તા છે, એક તો પાછી લાઈટ બંધ કરીને સૂઈ જવાનું ને માની લેવાનું કે ચોર નથી. પણ સૂઈ ગયા પછી ચોર તો એનું કામ કરવાનો જ છે. તે ગળું દબાવીને મારી નાખશે ને લૂંટી લેશે. એટલે ચોરને જોઈ ગયા પછી કંઈ સારી રીતે ઊંઘી શકાતું નથી. આથી એક જ રસ્તો છે કે ધક્કો મારીને ચોરને દરવાજાની બહાર કાઢી મૂકવો. પછી બધું સલામત. એવું જ અહીં પણ બને છે. ધ્યાનનો પ્રકાશ આવતાં અંદર બેઠેલા ચોરો ને રાક્ષસો બહાર આવે છે. આ રાક્ષસોને હવે આપણી અંદરથી બહાર કાઢી મૂકવાના રહ્યા. આ વિશે શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી અદ્‌ભુતાનંદજી કહે છે, ‘ભગવાનનું નામ લેવાથી, ધ્યાન કરવાથી ગરમી ઉત્પન્ન થાય છે અને અંદર રહેલા રાક્ષસો એ સહન કરી શકતા નથી. તેઓ અચેતન મનમાંથી ચેતન મનમાં આવી જાય છે.’ પછી શું કરવાનું? જે ઉપાયથી તેઓ બહાર આવ્યા, એ જ ઉપાયથી એમને ચેતન મનમાંથી પણ ફેંકી દેવાના છે. એટલે કે ધ્યાન અને ભગવાનના નામનો જપ સતત ચાલુ રાખવાથી એ રાક્ષસો પછી ચાલ્યા જાય છે. પછી તો એ મન એવું બની જાય છે કે એ રાક્ષસો એ મનમાં પ્રવેશી શકતા જ નથી. એટલે ધ્યાનની શરૂઆતમાં કુવિચારો આવે તો બિલકુલ ગભરાયા વગર ધ્યાન ચાલુ જ રાખવું જરૂરી છે. જો અધવચ્ચેથી છોડી દેવામાં આવે તો પછી ક્યારેય મન ધ્યાનમાં લાગશે નહીં. સ્વામી વિવેકાનંદ મનને વાંદરાની સાથે સરખાવે છે. તેઓ કહે છે કે મન તો વાંદરા જેવું જ ચંચળ છે. વાંદરાને દારૂ પીવડાવવામાં આવે, પછી વીંછી ડંખ મારે ને પછી તે ઉપર ભૂત સવાર થાય તો વાંદરું એક ક્ષણ પણ સ્થિર રહી શકે નહીં. મનનું પણ એવું જ છે. ચંચળ તો છે જ, તેમાં ઇચ્છાઓ રૂપી દારૂ પીવડાવવામાં આવે, ઇર્ષ્યારૂપી વીંછીનો ડંખ લાગે અને અહંકારરૂપી ભૂત સવાર થાય, તો પછી એ મન ધ્યાનમાં કેવી રીતે લાગે? એ મન કેવી રીતે એકાગ્ર બને?

તો પછી આપણે શું કરવું? આ માટે શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના દસમા પરમાધ્યક્ષ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે એક ઉદાહરણ દ્વારા સાવ સરળ ને સીધો માર્ગ બતાવ્યો છે. એક યુવકે તેમને પ્રશ્ન પૂછ્યો હતો કે ધ્યાનમાં મન લાગતું નથી. અનેક પ્રકારના ખોટા વિચારો આવે છે, ને મન ખૂબ જ વિક્ષિપ્ત થઈ જાય છે, મહારાજ, કોઈ રસ્તો બતાવો.’ ત્યારે તેમણે કહ્યું: ‘માની લો કે, તમે મારા ઓરડામાં આવો ત્યારે હું છાપું વાંચતો હોઉં. તમે બે ત્રણ વાર મને બોલાવો અને હું જવાબ જ ન આપું તો તમે શું કરો?’

‘મહારાજ, હું પાછો ચાલ્યો જાઉં.’

‘તો બસ આ જ વાત છે.’

તે યુવાનના આશ્ચર્ય વચ્ચે તે દિવસે સવારે આમ જ બન્યું હતું. તે મહારાજના ઓરડામાં ગયો હતો ને મહારાજ છાપું વાંચતા હતા. બે ત્રણ વાર બોલાવ્યા છતાં મહારાજે સાંભળ્યું નહીં એટલે એ પાછો જતો રહ્યો હતો. તે યુવાનને સ્પષ્ટપણે સમજાઈ ગયું કે દુર્વૃત્તિઓ અને કુવિચારો ઉપર બિલકુલ ધ્યાન આપવું જોઈએ નહીં. તેમણે કહ્યું કે, ‘જો તમે તેમની સામે લડાઈ ઝઘડો કરશો તો તેઓ તો બહુ શક્તિશાળી છે, તમે એમને પહોંચી નહીં શકો અને તેઓ તમને પકડમાં લઈ જ લેશે. એના કરતાં એના તરફ દુર્લક્ષ સેવો. જરાપણ ધ્યાન નહીં આપો તો બે ત્રણ વાર તેઓ હેરાન કરશે ને પછી તેમની પરવા ન કરવાથી તેઓ ચાલ્યાં જશે. અને પછી તમને સાવ છોડી દેશે.’ આ તો એવું છે કે તમારે પશ્ચિમને છોડી દેવું છે, તો તમે પશ્ચિમને છોડી દેવાની બૂમાબૂમ કરવા કરતાં પૂર્વતરફ આગળ ચાલવા મંડો, પશ્ચિમ એની મેળાએ પાછળ રહી જશે, દૂર થઈ જશે. જેમ જેમ ધ્યાનનો પ્રકાશ વધતો જશે, અને અચેતન મનમાંથી ઊઠતા સંસ્કારો આ પ્રકાશમાં ધોવાતા જશે, તેમ તેમ મન સચ્ચિદાનંદ રૂપમાં ડૂબવા લાગશે. જો શાહીના ખડિયાને ધોવામાં આવે તો પછી શરૂઆતમાં પાણી નાંખતા પાણી ડહોળું થઈ જાય છે. આઠ-દશ વખત આમ કરીએ તોય પાણી ડહોળું થઈ જાય છે. પણ ચોખ્ખું પાણી ચોખ્ખું જ રહે ત્યાં સુધી પ્રયત્ન ચાલુ જ રાખવો પડે છે. એમ મનરૂપી શાહીના ખડિયામાં ય ધ્યાનરૂપી જળ નાંખતા જ્યાં સુધી મલિન સંસ્કારો ચોંટેલા હશે, તેની છાપ પણ રહી હશે, ત્યાં સુધી મન ડહોળું થઈ જશે, પણ પછી તો અત્યંત શુદ્ધ મન જ રહેશે. આ સંદર્ભમાં સ્વામી વિવેકાનંદે કહ્યું હતું:

‘You must never forget that as the bad thoughts and bad deeds are ready to spring upon you like, a tiger, so also there is an inspiring hope that good thoughts and good deeds are ready with a hundred thousands angels to defend you always and forever.’

‘તમે એ કદી ભૂલતાં નહીં કે જેમ ખરાબ વિચારો અને ખરાબ કાર્યો તમારી ઉપર વાઘની જેમ તરાપ મારવાને તૈયાર હોય છે, તેમ બીજે પક્ષે પ્રેરક આશાનાં કિરણો પણ રહેલાં છે કે સુવિચારો અને સત્કાર્યો તમારો બચાવ કરવા હજારો દેવદૂતોની જેમ હંમેશા અને સદાને માટે તત્પર હોય છે.’

આ વચનોમાં શ્રદ્ધા રાખી. ખરાબ વિચારોની સદંતર ઉપેક્ષા કરીને, રોજેરોજ નિયમિત રીતે ધ્યાનનો અભ્યાસ કરીને, મનને એવું તો એકાગ્ર કરી શકાય છે કે પછી ધ્યાનમાંથી બહાર આવવું મુશ્કેલ બની જાય છે.

Total Views: 253

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.