એકવાર નારદમુનિ એક વનમાં થઈને જઈ રહ્યા હતા, ત્યારે તેમણે એક વિચિત્ર પાગલ જેવા માણસને જોયો. તે નાચતો, કૂદતો અને કીર્તન કરતો હતો. નારદજીને જોઈને તેણે પૂછ્યું:“અરે નારદજી, ક્યાં ચાલ્યા?”નારદજીએ જવાબ આપ્યો:“હું વૈકુંઠમાં જાઉં છું.”પેલા માણસે કહ્યું:“ત્યારે કૃપા કરીને ભગવાનને પૂછજો કે હું ક્યારે મુક્ત થઈશ.”નારદજીએ કહ્યું, “ભલે”અને ચાલતા થયા. આગળ ચાલતાં તેમણે એક બીજા માણસને જોયો. તે ધ્યાનમાં બેઠો હતો. એટલા લાંબા કાળથી તે ધ્યાન કરી રહ્યો હતો કે તેની આસપાસ ઊધઈનો રાફડો જામી ગયો હતો. નારદજીને જોઈને તેણે પૂછ્યું; “આપ ક્યાં જાઓ છો?”નારદજીએ જ્યારે કહ્યું કે તેઓ વૈકુંઠમાં જઈ રહ્યા છે ત્યારે તે તપસ્વીએ કહ્યું:“ત્યારે ભગવાનને પૂછી જોજો કે એ મારા ઉપર ક્યારે કૃપાદૃષ્ટિ કરશે અને મને ક્યારે મુક્તિ મળશે?”નારદમુનિ તેનેપણ “ભલે”એમ કહી આગળ ચાલ્યા.
ઘણે લાંબે વખતે નારદમુનિ પાછા એ જ રસ્તે થઈને નીકળ્યા અને પેલા રાફડાવાળા તપસ્વી પાસે આવ્યા. નારદમુનિને જોઈ તેણે પૂછ્યું:“મહારાજ! આપે ભગવાનને મારે વિષે પૂછ્યું હતું?”“હા જરૂર,”નારદમુનિએ જવાબ આપ્યો. તપસ્વીએ પૂછ્યું:“શું બોલ્યા ભગવાન?”નારદમુનિએ કહ્યું:“ભગવાન બોલ્યા કે તારી મુક્તિ હજી ચાર જન્મ પછી થશે.”એ સાંભળી પેલો તપસ્વી તો રડવા લાગ્યો અને શોક કરવા લાગ્યો,“અરેરે, મેં તો ભગવાનનું એટલા બધા સમય સુધી ધ્યાન ધર્યું કે મારી આજુબાજુ રાફડા બંધાઈ ગયા ને હજી ચાર જન્મ બાકી?”
નારદમુનિ ત્યાંથી ચાલીને જ્યારે પેલા પાગલ જેવા લાગતા માણસ પાસે ગયા ત્યારે તેણે પણ તેમને પૂછ્યું:,‘આપે ભગવાનને મારી બાબતમાં પૂછ્યું હતું?”નારદમુનિએ કહ્યું, “હા, ભગવાન બોલ્યા કે આ સામેનું આંબલીનું ઝાડ દેખાય છે તેનાં પાંદડાં જેટલા જન્મ લીધા પછી જ તારી મુક્તિ થશે.” એ માણસ તો આનંદમાં આવી જઈ નૃત્ય કરવા લાગ્યો અને બોલી ઊઠ્યો:“એટલા ટૂંકા ગાળામાં મારી મુક્તિ થઈ જશે! ભગવાન કેટલા દયાળુ છે!” ત્યાં તો આકાશવાણી થઈ:“વત્સ; તું આ ક્ષણે જ મુક્ત છે!”
સ્વામી વિવેકાનંદજી આ વાર્તા ધૈર્યના મહત્ત્વને સમજાવવા માટે કહેતા. જે વ્યક્તિ અખૂટ ધીરજ રાખે છે, કશાથી નાહિંમત થતી નથી, જન્મો સુધી સાધના કરવાને તત્પર હોય છે તેને જ સફળતા મળે છે.
મોટા ભાગના લોકો ધ્યાનનો અભ્યાસ – પ્રારંભ તો કરે છે પણ મન એકાગ્ર થતું નથી એમ જોઈ અભ્યાસ છોડી દે છે. ધ્યાનના અભ્યાસમાં અસીમ ધૈર્યની આવશ્યકતા હોય છે. મન લાગે કે ન લાગે નિયમિત અભ્યાસ કરવો પડે છે. બીજ વાવ્યા પછી રાતોરાત કાંઈ ઝાડ ન ઊગી જાય અને તેના ફળ ન મળે. તેવી જ રીતે ધ્યાનનો અભ્યાસ શરૂ કરતાં જ આપણને સમાધિ અવસ્થાનો કે અશાંત પ્રગાઢ ધ્યાનની અવસ્થાનો અનુભવ થવો અશક્ય છે. ઘણા લોકો ‘instant coffee’ની જેમ ‘instant samadhi’મેળવવા માગે છે! જે સમાધિ અવસ્થાને પ્રાપ્ત કરવા શ્રીરામકૃષ્ણદેવને વર્ષોની કઠોર તપસ્યા કરવી પડી હતી તેમની પાસે કોઈ-કોઈ આવીને પૂછતા, “મહાશય, સાંભળ્યું છે, આપને સમાધિ અવસ્થા થાય છે, તો અમને પણ સમાધિ શીખવી દો!”આવી વાતો શ્રીરામકૃષ્ણદેવ હસવામાં ઉડાવી દેતા.
શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી બ્રહ્માનંદજી મહારાજને એકવાર (૨૫મી એપ્રિલ ૧૯૧૩ના રોજ) એક વ્યક્તિએ પૂછ્યું:“મન તો કોઈ પણ રીતે શાંત નથી થતું, શું કરવું?”સ્વામી બ્રહ્માનંદજી મહારાજે જવાબ આપ્યો:“મન તો બાળક જેવું ચંચળ છે, નિરંતર અહીં-તહીં ભાગતું રહે છે, તેને વારંવાર ખેંચીને ઈષ્ટના ચિંતનમાં લગાવવું જોઈએ. આ રીતે બે ત્રણ વરસ કર્યા બાદ જોશો કે હૃદયમાં અનિર્વચનીય આનંદ આવવા લાગ્યો છે. મન પણ શાંત થઈ રહ્યું છે. પહેલાં-પહેલાં તો જપ ધ્યાન નીરસ જ લાગે છે, પરંતુ દવાના સેવનની જેમ મનને પરાણે ઈષ્ટચિંતનમાં ડુબાડેલું રાખવું જોઈએ.ત્યાર પછી ધીમેધીમે આનંદનો અનુભવ થશે. પરીક્ષામાં સફળ થવા લોકો કેટલી બધી મહેનત કરે છે! પરંતુ એની સરખામણીમાં પ્રભુપ્રાપ્તિ તો ઘણી વધારે સહેલાઈથી થઈ શકે છે.”
કેવી આશાની વાણી! ખરેખર, પરીક્ષા માટે વિદ્યાર્થીઓ કેટલો પરિશ્રમ કરતા હોય છે! રાતરાતના ઉજાગરા; ખાવાપીવાનું ઠેકાણું નહિ, સતત પરીક્ષાની ચિંતા! આ બધું શા માટે? પરીક્ષામાં સારું ફળ મળે જેથી આગળ ઉચ્ચ અભ્યાસ માટે એડમીશન મળે જેથી આગળ સારી નોકરી મળે એવી આશાથી. જોકે એવું કંઈ નથી કે ઉચ્ચ શિક્ષણ મેળવવાથી સારી નોકરી મળી જ જશે અને એવું પણ નથી કે પરીક્ષા માટે સખત પરિશ્રમ કરવાથી સારું પરિણામ આવશે જ તેમ છતાં વિદ્યાર્થીઓ કેવી જહેમત ઉઠાવે છે? શું ધ્યાનના અભ્યાસીઓ આવા ખંતથી, પરિશ્રમથી, ધૈર્યપૂર્વક સાધના કરે છે? બહુ જ અલ્પ સંખ્યામાં આવી વ્યક્તિઓ જોવા મળે છે. અને તેથી જ ‘ધ્યાનમાં સફળતા ન મળી’ એવું કહી ધ્યાનનો અભ્યાસ છોડી દેવાવાળા જ વધુ જોવા મળે છે.
નાનું બાળક જ્યારે બારાખડી શીખે છે ત્યારે કેટલા ધૈર્યપૂર્વક, પરિશ્રમપૂર્વક તેને ક,ખ,ગ કે ૧,૨,૩ ઘૂંટવું પડે છે. એકવાર બારાખડી શીખી લીધા પછી જ્ઞાનપ્રાપ્તિ જલદી થતી જાય છે. તેવી જ રીતે ધ્યાનનો અભ્યાસ કરતી વખતે પ્રારંભમાં ધણા ધૈર્યપૂર્વક પરિશ્રમપૂર્વક મનને એકાગ્ર કરવાનો પ્રયત્ન કરવો પડે છે. સ્વામી બ્રહ્માનંદજી મહારાજ કહેતા:“ખૂબ જ ધીરજ જોઈએ. ધીરજ ધરીને સાધના કર્યે જાઓ… શરૂશરૂમાં સાધના વેઠની પેઠે નીરસ લાગે છે. જેમ કે પહેલાં અ,આ વગેરે શીખવું. પરંતુ ધીરજપૂર્વક મંડ્યા રહેવાથી ધીમેધીમે શાંતિ મળે છે…આ કંઈ ઉતાવળે મળી જાય તેવી વસ્તુ નથી!” (‘ધ્યાન, ધર્મ અને સાધના’, પૃ.૨૯)
ઘણા સાધકોનો એવો અનુભવ હોય છે કે ક્યારેક મન ખૂબ સ્થિર થઈ જાય છે અને ક્યારેક-ક્યારેક તો હજાર પ્રયત્ન કરવા છતાં પણ સ્થિર થતું નથી, ફક્ત અહીંતહીં ભટકતું ફરે છે. આનું કારણ છે મનની એકાગ્રતમાં ભરતી-ઓટ. જેમ સાગર કાંઠેની કોઈ નદીમાં ભરતી-ઓટ આવતાં હોય છે તેમ મન પણ ક્યારેક મન ધ્યાનમાં ખૂબ લાગી જાય છે અને ક્યારેક બિલકુલ નથી લાગતું. સ્વામી બ્રહ્માનંદજી મહારાજ આ વિષે સલાહ આપતા:“સાધન-ભજનમાં પણ ભરતી-ઓટ છે પરંતુ એ શરૂ-શરૂમાં જ હોય છે. એના માટે કંઈ વિચાર ન કરો. કમ્મર કસીને મંડ્યા જ રહો. થોડા સમય સુધી જો નિયમિતરૂપે સાધન-ભજન કરવામાં આવે તો પછી ભરતી-ઓટ નહીં થાય.” મનની ભરતી-ઓટની સ્થિતિ હોય ત્યારે ધ્યાનનો અભ્યાસ કેવી રીતે કરવો તેનો સુંદર ઉપાય બતાવવા સ્વામી બ્રહ્માનંદજી કહે છે:“આસનમાં બેસતાં જ એકદમ જપ-ધ્યાન શરૂ કરી દેવાં યોગ્ય નથી. પહેલાં તો વિચારપૂર્વક મનને બહારથી સમેટી લેવું જોઈએ, ત્યાર પછી જપધ્યાન શરૂ કરવાં જોઈએ – કેટલાક દિવસ આ રીતે અભ્યાસ કરવાથી મન ધીમે ધીમે સ્થિર થઈ જશે.” (‘ધ્યાન, ધર્મ અને સાધના’પૃ.૫૦)
શ્રીરામકૃષ્ણદેવ એક સુંદર ભજન ગાતા-
હરિસે લાગી રહો રે ભાઈ,
તેરી બનત બનત બન જાઈ,
તેરી બિગડી બાત બન જાઈ…
અંકા તારે બંકા તારે તારે સુજન કસાઈ
(ઔર) શુગ્ના પઢા કે ગણિકા તારે, તારે મીરાંબાઈ.
ભજનનો ભાવ સમજાવતા તેઓ કહેતા:“અરે, સમય થયે થશે, સમય આવ્યે સમજજો. બીજ વાવતાંની સાથે લાગલું કાંઈ ફળ મળી જાય કે? પહેલાં અંકુર ફૂટે, પછી છોડવો થાય, પછી એનું જ મોટું ઝાડ થઈને ઉપર ફૂલ બેસે ને ત્યાર પછી ફળ આવે – બરાબર એના જેવું. તોય મંડી રહેવું જોઈએ. છોડી દીધું ચાલે નહીં.”
આમ ધ્યાનના અભ્યાસમાં અસીમ ધૈર્યનીઆવશ્યકતા છે. પણ એનો અર્થ એ નથી થતો કે બધું ધીમેધીમે થઈ જશે એમ માનીને ધ્યાન અભ્યાસની ગતિ મંદ કરી દેવી. વ્યાકુળતાનું એટલું જ મહત્ત્વ છે. અલબત્ત ક્ષણિક વ્યાકુળતા નહિ. શ્રીરામકૃષ્ણદેવ ઉપરોક્ત ભજનના બીજા ચરણ ‘તેરી બનત બનત બની જાય’એ ગાતાં-ગાતાં બોલી ઉઠતા “હટ્ટ સાલા, ‘બનત’‘બનત’ વળી શું? એવી બાયલી ભક્તિ કરવી નહીં. મનમાં જોર કરવું જોઈએ કે હમણાં જ થશે, હમણાં જ એમને પામીશ. બાયલી ભક્તિ કર્યે શું ભગવાનને પમાય કે?”
(ક્રમશ:)
Your Content Goes Here




