ઘણા સાધકોનો પ્રશ્ન હોય છે, “ધ્યાનના સમયમાં ખરાબ વિચારો આવે તો શું કરવું?” કેટલીક વાર તો તેઓને એમ લાગે છે – “આના કરતાં તો પહેલાં જ આપણે સારા હતા. આવા વિચારો તો ક્યારેય નહોતા આવતા, આ તો આપણે ઉલમાંથી ચૂલમાં પડયા!”
ના, એવું નથી. આપણા અચેતન મનમાં હજારો જન્મોના સંસ્કારો છૂપાયેલા હોય છે, ધ્યાન-ચિંતનરૂપી દોહનક્રિયા કરવાથી નીચે બેસી ગયેલી ગંદકી ઉપર ચેતન મનમાં આવી જાય છે, અને આપણે ગભરાઈ જઈએ છીએ. શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી અદ્ભુતાનંદજી મહારાજ (લાટુ મહારાજ) કહેતા કે ઈશ્વરના નામમાં-ચિંતનમાં એવી અમોધ શક્તિ છે કે એની ગરમીથી જાણે કે મનની અંદર છૂપાઈને બેઠેલ ખરાબ સંસ્કારોરૂપી ચોરો ન છૂટકે બહાર આવી જાય છે. આ ઈશ્વરના નામની ગરમીથી જ તેઓ હંમેશને માટે મનથી બહાર ભાગી જવા માટે લાચાર થઈ જશે. માટે ગભરાયા વગર આવી સ્થિતિમાં જપધ્યાનનો અભ્યાસ બમણા વેગથી ચલાવવો જોઈએ.
આ વાતને સમજાવવા માટે શાહીના ખડિયાનું ઉદાહરણ આપવામાં આવે છે. શાહીનો ખડિયો સાફ કરવો હોય ત્યારે આપણે એમાં શુદ્ધ પાણી નાખીએ છીએ, પણ એમાંથી ગંદુ પાણી બહાર આવે છે. વારંવાર આમ પાણી નાખતા રહેવાથી એક એવી સ્થિતિ આવે છે કે જ્યારે ખડિયામાંથી શુદ્ધ પાણી નીકળે છે. તેવી જ રીતે આપણે ઈશ્વરનું ધ્યાન-ચિંતન કરીએ છીએ ત્યારે આપણું અચેતન મન વલોવાય છે અને મનની છુપાયેલી ગંદકી બહાર નીકળે છે. પણ આપણે ગભરાયા વગર જો ધ્યાન-ચિંતન ચલાવતા રહીએ તો છેવટે મન સંપૂર્ણ રીતે શુદ્ધ થાય છે.
ધ્યાન કરતી વખતે ખોટા વિચારો આવે ત્યારે શું કરવું? તેનાથી વિચલિત થયા વગર તેની ઉપેક્ષા કરવી. તેના પર ધ્યાન દેવાથી તો આ વિચારો વધુ ને વધુ સબળ થતા જશે. આ એક મનોવૈજ્ઞાનિક તથ્ય છે. મહાપુરુષો સલાહ આપે છે કે ખરાબ વિચારોની સાથે સામસામા યુદ્ધ કરવું શ્રેયસ્કર નથી. એથી ઘણીવાર એવું બને છે કે ચેતન મન તો આ વિચારોની સાથે લડે છે પણ અચેતન મન તેનું રસાસ્વાદન કરે છે અને આમ કુવિચારો આપણી જ શક્તિથી શક્તિમાન થઈ આપણી સમસ્યાને વધુ આકરી બનાવી દે છે. માટે ડહાપણ-શાણપણ એમાં જ છે કે આવા વિચારો પર ધ્યાન ન દેવું અને હકારાત્મક વલણ અપનાવવું. તેમજ સારા વિચારો પર જ ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રત્ન કરવો.
રામકૃષ્ણ મઠ અને મિશનના દશમા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ પાસે એકવાર એક યુવકેપોતાની સમસ્યા રજૂ કરી. કુવિચારોથી તેનું મન પીડિત હતું. આ ચિંતા તેને દિવસ-રાત સતાવતી હતી. પૂ વીરેશ્વરાનંદજી મહારાજે મધુર સ્મિત કરતાં કહ્યું, “એમાં આટલી ચિંતા શા માટે કરે છે? આ ઉંમરે તો આવા વિચારો આવવા સ્વાભાવિક છે. આ કુવિચારો તરફ ધ્યાન ન દેવું અને પ્રભુનાં જપ-ધ્યાનમાં જ મનને લગાડવાનો પ્રયત્ન કરવો. જો કોઈ પૂર્વ તરફ અગ્રસર થાય તો પશ્ચિમ પોતાની મેળે પાછળ છૂટી જાય છે. તેના માટે બળપૂર્વક પશ્ચિમને છોડવાનો પ્રયત્ન કરવો પડતો નથી. તેવી જ રીતે ભગવાન તરફ અગ્રસર થવાથી આ બધા કુવિચારો પોતાની મેળે ચાલ્યા જશે. પછી તેમણે ઉદાહરણ આપતા કહ્યું, “જો તું મારી પાસે આવે અને ત્યારે જો હું વાંચવામાં મગ્ન હોઉં અને મારું ધ્યાન તારા તરફ ન જાય તો તું શું કરીશ? થોડીવાર રાહ જોઈને ચાલ્યો જઈશ, બરાબરને? ઠીક તેવી જ રીતે કુવિચારો તારા મનને વશ કરવા પ્રયત્ન કરશે પણ ત્યાં ભગવાનનું ચિંતન જોઈને પાછા વળી જશે. આશ્ચર્યની વાત છે કે એ જ દિવસે સવારે આવી ઘટના બની હતી. એ યુવક પૂ. મહારાજને મળવા ગયો હતો, પણ તેમને વાંચવામાં નિમગ્ન જોઈને તેમના કાર્યમાં વિક્ષેપ કરવાનું સાહસ તે ન કરી શક્યો અને થોડીવાર રાહ જોઈ પાછો ફરી ગયો.
એક મહાત્મા પાસે એક માણસ આવ્યો અને તેની પાસે ભૂતને વશ કરવાનો ઉપાય પૂછ્યો. મહાત્માએ સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો કે ભૂતને વશ કરવું એ શ્રેયસ્કર કાર્ય નથી, પણ પેલા માણસે તો હઠ પકડી કે મારે તો ભૂતને વશ કરવું જ છે. મહાત્માએ છેવટે તેનાથી પિંડ છોડાવા માટે તેને એક મંત્ર આપ્યો અને કહ્યું, “જો આ મંત્રનો જપ કરી જે ભૂતને વશ કરવા માગે છે તેના પર ધ્યાન કરજે. ભૂતનું ધ્યાન કરવાથી આ ભૂત તારે વશ થઈ જશે. પણ એક વાત ખાસ યાદ રાખજે. જ્યારે કોઈ આ ભૂત પર ધ્યાન કરવા માગે છે ત્યારે એક વાનર ક્યાંકથી આવી ચડે છે. આ વાનરથી સાવધાન રહેજે. જો આ વાનર તારા ધ્યાનમાં ન આવે તો તારું કાર્ય ફતેહ જ સમજ.”પેલો માણસ તો હર્ષિત થઈ પાછો ફર્યો અને મહાત્માએ બતાવેલ વિધિ પ્રમાણે ધ્યાન કરવા માંડયો. ધ્યાન કરતી વખતે તે વિચારવા લાગ્યો, “જો આ વાનર મારા ધ્યાનમાં ન આવે તો મારું કામ ફતેહ.” આવું વિચારે છે ત્યાં તો વાનરનું મુખ તેના ધ્યાનમાં આવી ગયું. જેમ-જેમ તે વાનરને પોતાના ધ્યાનમાંથી ભગાડવાનો પ્રયત્ન કરવા લાગ્યો તેમ-તેમ આ વાનરનું મુખ વધુ ને વધુ તેના ધ્યાનમાં આવવા લાગ્યું. છેવટે તેનું કાર્ય સિદ્ધ ન થયું.
આવી જ રીતે આપણે જ્યારે નકારાત્મક વલણ અપનાવી ખરાબ વિચારોને મનમાંથી કાઢી નાખવા માટે ઘણા પ્રયત્ન કરીએ છીએ ત્યારે આ વિચારોનો હુમલો વધુ ને વધુ પ્રબળ થતો જાય છે; પણ જો તેમના તરફ ઉપેક્ષા દાખવી ઈશ્વરના ધ્યાનમાં મન પરોવીએ તો છેવટે આ ખરાબ વિચારોથી ઉન્મુક્ત થવાય છે.
(ક્રમશ:)
Your Content Goes Here




