ગતાંકથી આગળ….

આપણે શું કરવું જોઈએ ?

આપણા આચાર્યો કહે છે, ‘દેહ અને મનથી શુદ્ધ થવાનો પ્રયત્ન કરો. પ્રસન્ન રહેવાનો પ્રયાસ કરો. થોડી ઘણી તપશ્ચર્યા કરો. વધારે પડતા નરમ પ્રકૃતિના ન બનો. અવ્યવસ્થિત અધ્યયન અને મનને અહીંતહીં ભટકવા દેવાને બદલે ગહન ચિંતન અને અધ્યયન કરો. અહં કેન્દ્રિત બનવાને બદલે સર્વાંતર્યામી અને બધાના ચિરંતન ગુરુ એવા ઈશ્વરને પોતાનાં કર્મોનું ફળ સમર્પિત કરી દો.’

પરંતુ આપણે આ સલાહ સાંભળતા નથી. આપણે અસંતુલિત વિચારોને, ભાવનાઓને આશ્રય આપીએ છીએે. આપણે મોટે ભાગે સ્થૂળ કર્મ કરીએ છીએ. કદાચ આધ્યાત્મિક જીવનનો પ્રારંભ પણ કરીએ છીએ, તોપણ અશુભ ભાવનાઓને કારણે અનેક રોગના ભોગ બનીએ છીએ. કેટલીક વાર આપણે પોતાની જાતને અસહાય અનુભવીએ છીએ. આપણામાં કોઈ શક્તિ જ બચતી નથી. આપણે ડામાડોળ થતા રહીએ છીએ, નિર્ણય કરી શકતા નથી. આપણાં દેહમન તમોગુણી બની જાય છે. હવે આ પરિસ્થિતિને આપણે બદલવી જ પડશે. એક નવો અધ્યાય શરૂ કરવો પડશે. પતંજલિ કહે છે, (યોગસૂત્ર : ૧.૩૨) ‘આ આડખીલીઓ ઉદ્ભવતાં જ પરમાત્માનું ચિંતન કરો.’ એક ઉચ્ચતર મનોભાવનું નિર્માણ કરો અને એની સહાયતાથી પોતાની વર્તમાન સ્થિતિનાં પ્રમાદ અને ચંચળતાથી ઉપર ઊઠી શકશો. પરંતુ આ કાર્યમાં પણ આપણે અસ્થિર અને અવિશ્વાસુ છીએ, એ જ આપણી સૌથી મોટી સમસ્યા છે. આપણે પોતાની જાત પર પૂરેપૂરો ભરોસો કરી શકતા નથી, એ જ સૌથી મોટી કઠણાઈ છે.

પતંજલિ આ મુસીબતોને એક પછી એક દૂર કરવાની સલાહ આપે છે. અશુભ વિચારોને શુભ વિચારોથી જીતો. ઘૃણાને પ્રેમથી દૂર કરો. (યોગસૂત્ર : ૨.૨૩) પરંતુ આપણે અહીં જ અટકી જવું ન જોઈએ. એક સ્તરવિશેષ સુધીની ચિત્તશુદ્ધિ પછી એક વ્યાપક દૃષ્ટિકોણ અપનાવવાનો પ્રયાસ કરો. હૃદયમાં રહેલા પરમાત્માનું વધારેમાં વધારે ચિંતન કરવાનો પ્રયાસ કરો. ભગવાનના નામનો જપ કરો. ગુરુના પણ પરમ ગુરુ પરમાત્માનું ધ્યાન ધરો અને તમને જોવા મળશે કે તમે પોતાની વર્તમાન અસ્થિર અવસ્થામાંથી ઉપર ઊઠવામાં સમર્થ બન્યા છો. (યોગસૂત્ર ૧.૨૮-૨૯) બ્રહ્મનું ચિંતન કરવાથી અનંત બ્રહ્મનો થોડો સ્વભાવ આપણને પણ પ્રાપ્ત થાય છે. ભગવાનના નામના જપમાં સિદ્ધ થવાથી તેમજ એમના ધ્યાનથી પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. ત્યારે વ્યક્તિ વ્યષ્ટિજીવ અને પરમાત્માના એકત્વમાં સફળ થાય છે.

ન્યૂનતમ નૈતિક યોગ્યતા આવશ્યક છે

ઉપનિષદોના આચાર્યો પણ આપણને આ જ વાત કહે છે. એ ઋષિઓએ પોતાના દોષો ને અપવિત્રતાઓને દૂર કરીને અંતર્યામી જ્યોતિર્મય પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો હતો. યોગાચાર્યોની જેમ વેદાંતનો આચાર્યગણ પણ ખૂબ વિસ્તારથી નિર્દેશ આપે છે. તેઓ ઇચ્છે છે કે આપણો દેહ સ્વસ્થ બને, ઇન્દ્રિયો સ્વસ્થ અને સબળ બને તેમજ મન એકાગ્ર અને શુદ્ધ બને. આના વિના કોઈ પણ સાધનપથ પર આગળ વધી ન શકે અને આત્મજગતમાં કોઈ ઉલ્લેખનીય ઉપલબ્ધિ થઈ ન શકે.

આચાર્યગણ પ્રાય : દેહ અને ઇન્દ્રિયોના દોષોની ચર્ચા કરે છે. દેહ સમરસ નથી. દેહનાં વિભિન્ન અંગ બરાબર કામ કરતાં નથી. તે સામંજસ્યપૂર્ણ કામ કરતાં નથી. ઇન્દ્રિયોમાં પણ દોષ છે, તે પોતાના વિષયો તરફ ભાગતી રહે છે અને તેમના સંસ્પર્શમાં આવવા ઇચ્છે છે. એટલું જ નહીં મનના પણ રોગ છે : વાસના, સંશય, અનિશ્ચતતા, પ્રમાદ, એકાગ્રતાનો અભાવ. આને લીધે મન કલુષિત થઈ જાય છે. મનના બીજા પણ દોષ છે : વિપરીત ભાવના, અત્યધિક અહંકાર, વસ્તુઓ પ્રત્યે ખોટો દૃષ્ટિકોણ અને ખોટો મનોભાવ. હવે આપણે આ બધા દોષોને દૂર કરવાના છે.

એટલે યોગાચાર્યોની જેમ વેદાંતના આચાર્યો પણ આ વિષયમાં કહે છે, ‘ન્યૂનતમ નૈતિક અને આધ્યાત્મિક યોગ્યતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો. વિવેક રાખવાનું શીખો. સ્પષ્ટ ચિંતન કરો. નિત્ય શું છે, અનિત્ય શું છે; સત્ય શું છે, અસત્ય શું છે; શું ક્ષણજીવી છે, શું સ્થાયી છે; આ બધું જાણવાનું શીખો. શમ (મનોનિયંત્રણ) અને દમ (ઇન્દ્રિયસંયમ)નો યથાસંભવ પ્રયાસ કરો. જે વસ્તુઓના સંપર્કમાં તમે આવવા નથી માગતા, એમનાથી તમે તમારી જાતને દૂર રાખતાં શીખો. મહાન અધ્યવસાય અને ગહન શ્રદ્ધાયુક્ત બનો.

પોતાના વાસ્તવિક આત્મામાં, ઈશ્વરમાં, જે નિર્દેશોનું તમે પાલન કરતા હો, એમનામાં તથા સત્યનો સાક્ષાત્કાર કરવાની પોતાની ક્ષમતામાં શ્રદ્ધાસંપન્ન બનો. સાથે ને સાથે સામાન્ય એકાગ્રતાનો અભ્યાસ કરો.’

પહેલાં કહેવામાં આવ્યું હતું તે પ્રમાણે બધા ધર્મોે, સમગ્ર કાળના અધ્યાત્મના આચાર્યો પવિત્રતાની આવશ્યકતા પર ભાર દે છે. ઈસાઈ સાધકો એને ‘Purgation-વિરેચન’ કહે છે. આ પહેલી સીડી છે. અધ્યાત્મપથ પર સફળતાપૂર્વક આગળ ધપવા કેટલીક ન્યૂનતમ નૈતિકતાની આવશ્યકતા છે. (ક્રમશ 🙂

Total Views: 454

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.