આ પરમ સત્તાનું સ્વરૂપ શું છે ? આપણને વૈદિકકાળના પ્રારંભમાં પણ હિંદુ ઋષિઓ આ વિશે વિચાર કરતા જોવા મળે છે. ઋગ્વેદના નાસદીય સૂક્તમાં કહ્યું છે :
‘ત્યારે ન સત્ હતું, ન અસત્ કે ન હતું આ જગત. ન હતું અંતરિક્ષ, એની પાર પણ કંઈ નહીં. કોણે, ક્યાં, કોને આવૃત કર્યું; કોણે આશ્રય દીધો, ગહન ગંભીર જળ પણ ત્યારે ક્યાં હતું ? ત્યારે ન હતું મૃત્યુ કે ન હતું અમરત્વ. ન હતું દિવસ-રાત્રિ-જ્ઞાન. પ્રાણવાયુ પણ ન હતો, બ્રહ્મ સિવાય બીજું કંઈ અસ્તિત્વમાં ન હતું. સૃષ્ટિ પૂર્વે તમસથી તમસ આવૃત હતું, બધું અવ્યક્ત હતું, તે એક અવિનાશી તત્ત્વ તપસ્યાના પ્રભાવથી વ્યક્ત થયું. (ઋગ્વેદ, 10.129.1.3)
ઉપર્યુક્ત શ્ર્લોક સૃષ્ટિ પૂર્વેના બ્રહ્મના અદ્વૈત સ્વરૂપનું વર્ણન કરે છે. શુદ્ધ અસીમ સત્તાની ધારણા પણ અદ્વૈતને સીમિત કરે છે. એટલે પછીથી ઉપનિષદોમાં આપણને આ ચરમ સત્તાનું વર્ણન ‘નેતિ-નેતિ’ દ્વારા મળે છે.
સાંખ્ય નામની દર્શનપ્રણાલીમાં સત્યની બીજી માન્યતા છે. સાંખ્ય હિન્દુદર્શનની અતિ પ્રાચીન, સંભવત: સૌથી પ્રાચીન પ્રણાલી છે. એનો પ્રભાવ બીજાં બધાં દર્શનશાસ્ત્રો પર પડ્યો છે. એના મનોવિજ્ઞાનને હિન્દુ ધર્મની લગભગ બધી શાખાઓએ સ્વીકાર્યું છે. પુરુષ અને પ્રકૃતિ સાંખ્યનાં મૂળ તત્ત્વ છે. પુરુષ ચૈતન્ય છે અને પ્રકૃતિ એ મન અને ઇન્દ્રિયો સહિત બધા જડપદાર્થોનું આદિકારણ છે. જેટલાં પ્રાણીઓ છે, એટલા જ પુરુષ છે. વેદાન્તનો ‘જીવ’ અને સાંખ્યનો ‘પુરુષ’ સમાનાર્થી છે. દર્શનપ્રણાલીઓ પ્રમાણે આત્મા સ્વરૂપત: શુદ્ધ, ચૈતન્ય, અનંત અને નિત્ય છે, પરંતુ અજ્ઞાનવશ મન અને દેહની સાથે તાદાત્મ્ય સ્થાપીને વારંવાર પ્રાણીના રૂપે જન્મ ધારણ કરે છે. અદ્વૈત વેદાન્તમાં સાર્વભૌમિક અજ્ઞાન કે માયાની ધારણા છે અને એ સાંખ્યની ‘પ્રકૃતિ’ સાથે મળતી આવે છે. બન્ને દર્શનોમાં આત્મ-અનાત્મ વિવેકજન્ય જ્ઞાનને જીવને માટે બંધનોથી મુક્તિનો એક માત્ર ઉપાય ગણવામાં આવ્યો છે. આ વાતો સાંખ્ય અને વેદાન્તમાં સમાન છે.
પરંતુ વેદાન્તમાં ‘બ્રહ્મ’ નામની ચરમ સત્તાની ધારણા છે અને એ અનંત સચ્ચિદાનંદ સ્વરૂપ છે તેમજ જીવ અને સ્થૂળ પદાર્થોના રૂપે અભિવ્યક્ત થાય છે. જેમ વેદાન્તમાં છે તેમ સાંખ્યમાં ઈશ્વર અથવા પરમાત્મા માટે કોઈ સ્થાન નથી. બધા જીવ એક પ્રકારના છે. યોગ અને સાંખ્યમાં જ્યાં ક્યાંય ઈશ્વરનો ઉલ્લેખ થયો છે, ત્યાં તેને કેવળ નિત્યયુક્ત ગુરુઓના પણ ગુરુ, પુરુષવિશેષ સ્રષ્ટા કહેવામાં આવ્યો છે. પરંતુ તે જગતનો સ્રષ્ટા નથી. પતંજલિ કહે છે કે ઈશ્વર પ્રત્યે ભક્તિ અને સમર્પણથી શીઘ્ર સમાધિલાભ થઈ શકે છે. સૃષ્ટિ અને પ્રલય પ્રકૃતિમાં નિરંતર થતાં રહે છે. વેદાન્ત પ્રમાણે જગત-સૃષ્ટા બ્રહ્મા કે હિરણ્યગર્ભ પરમનિયન્તા ઈશ્વરથી નિમ્નકોટીના છે. સ્વામી વિવેકાનંદના મત અનુસાર અસીમ અનંત વિશેની માનવની ઉચ્ચતમ ધારણા જ ઈશ્વર છે.
વેદાંતની એક વધુ વિશેષતા વિષ્ણુ, શિવ કે દેવી જેવા દેવતાઓને પરમ દેવત્વ કે પરમતત્ત્વ પ્રદાન કરવાની છે. અવતારોને પણ પ્રાય: ઈશ્વરનું સ્થાન અપાયું છે. શ્રીમદ્ ભાગવતમાં શ્રીકૃષ્ણનું ઈશ્વરના એક અવતાર રૂપે વર્ણન નથી કર્યું, પરંતુ તેઓ સ્વયં ભગવાન છે, એવું કહેવામાં આવ્યું છે. ‘કૃષ્ણસ્તુ ભગવાન સ્વયમ્.’ (ભાગવત, 1.3.28) એટલે જ દેવતાઓ અને ઋષિઓ દ્વારા શ્રીકૃષ્ણની સ્તુતિમાં આમ કહેવામાં આવ્યું છે :
આ પુરુષ આપની પાસેથી શક્તિ પ્રાપ્ત કરીને અમોઘ-વીર્ય બની જાય છે અને પછી માયા સાથે સંયુક્ત થઈને વિશ્વના મહત્-તત્ત્વરૂપ ગર્ભનું સ્થાપન કરે છે. ત્યાર પછી મહત્-તત્ત્વ ત્રિગુણમયી માયાનું અનુશરણ કરીને આ અનેક સ્તરોવાળા સુવર્ણમય બ્રહ્માંડની રચના કરે છે. (ભાગવત, 11.6.16)
ભગવદ્ ગીતામાં પણ અવતારને પરમેશ્ર્વરની સમકક્ષ બતાવ્યા છે.
આ સંસારમાં ક્ષર અને અક્ષર બે પુરુષ છે. સમસ્ત પ્રાણી ક્ષર છે અને કૂટસ્થ (શંકરાચાર્ય પ્રમાણે માયા કે મૂળ અવિદ્યા) અક્ષર કહેવાય છે. પરંતુ એક ઉત્તમ પુરુષ છે, જે અવ્યય પરમાત્મા કહેવાય છે. ‘તે ત્રણ લોકોમાં વ્યાપ્ત થઈને તેને પોષે છું, કારણ કે હું ક્ષરથી અતીત છું અને અક્ષરથી પણ ઉત્તમ છું, એટલે હું લોક તથા વેદોમાં પુરુષોત્તમના રૂપે પ્રખ્યાત છું.’ (ગીતા, 15.16-18)
આધ્યાત્મિક જગતમાં સગુણ ઈશ્વરનું સ્થાન
ઈશ્વરના કોઈપણ સાકાર રૂપ-વિશેષમાં ભક્ત અસીમ અને સસીમની વચ્ચેની કડી મેળવે છે. સર્વપ્રથમ તો તે પેલા સગુણ-વ્યક્તિત્વના માધુર્યથી આકર્ષાય છે અને પછી તેના માધ્યમથી નિરાકારનો સાક્ષાત્કાર કરે છે.
આપણને પોતાની ભાવનાઓને કેન્દ્રિત કરવા કંઈક જોઈએ છે અને જો આપણે કોઈપણ દૈવીરૂપ, કોઈ દિવ્ય વ્યક્તિત્વ પ્રત્યે આકર્ષણ ન અનુભવીએ તો આપણે સ્વાભાવિકરૂપે કોઈપણ માનવમૂર્તિમાં આસક્ત થઈ જઈએ છીએ. પરંતુ આ દૈવી મહાપુરુષોના માનવીય પક્ષથી સર્વપ્રથમ ભલે આપણે મોહિત થઈ જઈએ છતાંય પછીથી આપણે એમનામાં પરમાત્માને પામીએ છીએ. આ જ અવતાર-ઉપાસનાની ઉપયોગિતા છે. ભવનનિર્માણ માટે એક નક્શાની આવશ્યકતા હોય છે. આ દેવમાનવોનાં દેહ-મન કાચની પેટી જેવાં હોય છે, એની ભીતરથી પરમાત્મા પ્રકાશિત થાય છે; જ્યારે આપણાં દેહ-મન લોખંડની પેટી જેવાં હોય છે. આપણું કાર્ય લોખંડની પેટીને કાચની પેટીમાં પરિવર્તિત કરવાનું છે. પોતાના અતિમાનવીય, આધ્યાત્મિક પ્રયાસોથી આ દેવમાનવોએ લોખંડની પેટીને કાચની પેટીમાં રૂપાંતરિત કરવાનો આપણને ઉપાય બતાવ્યો છે. આ દેવમાનવોએ પણ નિયમિત સાધના અને સંસ્કાર દ્વારા પોતાનાં દેહ અને મનને નિર્દોષ બનાવવાં પડ્યાં હતાં. એમણે પણ પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરવી પડી હતી. પુરાણોમાં જોવા મળતા આ દેવમાનવોના વર્ણનમાં આપણને વ્યક્તિત્વ અને પરમાત્મ-સત્તાનું અને માનવીય તેમજ દૈવીગુણોનું અદ્ભુત સંમિશ્રણ જોવા મળે છે. એમ ચેતનના માધ્યમથી અતિચેતન અભિવ્યક્ત થાય છે અને જો આપણે તેમના માનવીય પક્ષથી આકર્ષાઈ જઈએ તો યોગ્ય સમયે આપણે એમના દૈવી પક્ષના સંપર્કમાં પણ આવી જઈશું. પાકા અદ્વૈતવાદી પણ આપણી સમક્ષ આવા વિચારો પ્રસ્તુત કરી શકે છે, જે આપણી વર્તમાન પરિસ્થિતિમાં સમજવા અને સ્વીકારવા યોગ્ય બની શકે. તેઓ આપણો હાથ પકડીને આપણને ઉચ્ચથી ઉચ્ચતર સત્ય સુધી દોરી જવા તૈયાર છે. મૂર્તિપૂજા એક અનિવાર્ય અવસ્થા છે, પરંતુ લોકોએ એનાથી ઉપર ઉચ્ચ કક્ષાએ જવું જોઈએ અને જો લોકો પોતાની ભાવનાઓ અને સંવેગોને કેન્દ્રિત કરવા કાંઈ ઈશ્વરીય વિગ્રહ-મૂર્તિ પસંદ ન કરે, તો તેવા લોકો કોઈ બીભત્સ માનવીય પૂતળાને, કોઈ સ્ત્રી-પૂતળી કે પુરુષ-પૂતળાની પસંદગી કરશે અને એની આરાધના કરીને એનો દાસ બની જશે. (ક્રમશ:)
Your Content Goes Here




