આધુનિક યુગમાં કોમ્યુનિકેશન ટેક્નોલોજીને કારણે સમસ્ત વિશ્વ એક ‘વૈશ્વિક ગ્રામ’ (global village) બની ગયું છે. વૈશ્વિકીકરણનો યુગ ચાલી રહ્યો છે, પણ વિડંબણા એ છે કે વૈશ્વિક શાંતિ ખોવાઈ ગઈ છે.

એક ભયંકર કટોકટીના સમયમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. વિવિધ દેશો વચ્ચે ચાલી રહેલાં યુદ્ધો કેવું સ્વરૂપ ધારણ કરશે તેની ધારણા થવી મુશ્કેલ છે. કેટલાય લોકોના મનમાં પ્રશ્ન ઉદ્‌ભવે છે, “ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો શું થશે?” સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક ડૉ. આલ્બર્ટ આઈન્સ્ટાઈનને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો—ત્રીજા વિશ્વયુદ્ધ વિશે તેમની કેવી ધારણા છે. તેમણે ઉત્તરમાં કહ્યું હતું, “ત્રીજા વિશ્વયુદ્ધ વિશે હું કંઈ કહી નથી શકતો, પણ એટલું ચોક્કસ છે કે ચોથું વિશ્વયુદ્ધ પથ્થરો દ્વારા થશે.” એનો અર્થ એ કે સમસ્ત વિશ્વનો ત્રીજા વિશ્વયુદ્ધમાં સંપૂર્ણ વિધ્વંશ થઈ જશે અને માનવસભ્યતા ફરી પથ્થરયુગમાં આવી જશે.

ખરેખર આજે વિશ્વમાં કેટલાય દેશો પાસે એવાં ન્યુક્લિયર શસ્ત્રો છે, જે સમસ્ત વિશ્વનો વિનાશ એક વાર નહીં, અનેક વાર કરી શકે. આ પરિપ્રેક્ષ્યમાં વિશ્વશાંતિ એક અત્યંત મહત્ત્વનો મુદ્દો બની ગયો છે. વિજ્ઞાન અને ધર્મના સમન્વયથી જ આ સમસ્યાનો ઉકેલ આવી શકે એમ છે, માત્ર વિજ્ઞાન દ્વારા નહીં. ડૉ. આઈન્સ્ટાઈને સાચી વાત કરી હતી, “વિજ્ઞાન દ્વારા પ્લુટોનિયમને કાઢી શકાય પણ વ્યક્તિની દુષ્ટતાને કાઢી શકાય નહીં.” તેમણે એમ પણ કહ્યું હતું, “ધર્મ વગર વિજ્ઞાન પંગુ છે અને વિજ્ઞાન વગર ધર્મ અંધ છે.” આમ, ધર્મ અને વિજ્ઞાન એકબીજાનાં પરિપૂરક છે. એમ પણ કહી શકાય કે ધર્મ વગર વિજ્ઞાન અંધ છે અને વિજ્ઞાન વગર ધર્મ પંગુ છે, કારણ કે વિજ્ઞાન દ્વારા ધર્મ વધુ આગળ વધી શકે પણ ધર્મ વિજ્ઞાનને સાચી દિશા દર્શાવશે. વિજ્ઞાન ન્યુક્લિયર શક્તિની શોધ કરી ગતિ આપી શકશે, પણ એ શક્તિનો સદુપયોગ કરવો કે દુરુપયોગ, એની સાચી દૃષ્ટિ ધર્મ આપશે.

ડૉ. જોશીયા ઓલ્ડફીલ્ડે ૧૯૧૯માં વર્સેલ્સ (Versailles)ની સંધિ (treaty) વખતે એક સચોટ વાત કરી હતી, “સારા સ્વભાવની વ્યક્તિઓ યુદ્ધ વિશે વાતો કરતી હોય ત્યારે વધારે યુદ્ધો નથી થતાં; પણ જ્યારે ખરાબ સ્વભાવની વ્યક્તિઓ શાંતિની વાટાઘાટો કરતી હોય ત્યારે થાય છે.”

એનો અર્થ એ થયો કે જ્યાં સુધી મનુષ્યોનો સ્વભાવ નહીં બદલાય ત્યાં સુધી યુદ્ધો બંધ થશે નહીં. એટલે જ યુનેસ્કોના આમુખમાં લખ્યું છે, “કારણ કે યુદ્ધોનો પ્રારંભ મનુષ્યોના મનમાંથી થાય છે માટે મનુષ્યોના મનમાં શાંતિ સ્થાપવાના પ્રયત્નો કરવા જોઈએ.”

મનુષ્યના મનમાં શાંતિ આવશે, ત્યારે જ પરિવારમાં શાંતિ આવશે અને સમાજમાં શાંતિ આવશે, વિશ્વમાં શાંતિ આવશે. મનુષ્યના મનમાં સદ્‌વૃત્તિઓને લાવવામાં ધર્મ એક અત્યંત મહત્ત્વનો ભાગ ભજવે છે. આધુનિક વિજ્ઞાન પણ હવે માને છે કે મનુષ્ય જો સાચી સફળતા, સુખ અને શાંતિ ઇચ્છતો હોય તો તેણે—IQ (Intelligence Quotient), EQ (Emotional Quotient) અને SQ (Spiritual Quotient)—ત્રણેયનો વિકાસ કરવો પડશે.

SQ (આધ્યાત્મિક આંક)નો વિકાસ કરવા માટે સ્વામી વિવેકાનંદજીએ આધુનિક માનવ માટે એક સરળ અને સચોટ ઉપાય સૂચવ્યો છે—ચારેય યોગોનો સમન્વય.

રાજયોગના ગ્રંથમાં સ્વામી વિવેકાનંદજી વેદાંતના સંદેશનો નિચોડ આપતાં કહે છે, “પ્રત્યેક આત્મા અપ્રગટરૂપે પરમાત્મા છે. ધ્યેય છે બાહ્ય તેમજ આંતરપ્રકૃતિ પર કાબૂ મેળવીને અંદર રહેલા આ પરમાત્મભાવને પ્રગટ કરવો. એ તમે કર્મ દ્વારા કે ઉપાસના દ્વારા કે યોગ દ્વારા કે તત્ત્વજ્ઞાન દ્વારા કરો—એક દ્વારા કે એકથી વધારે દ્વારા કે આ બધાં દ્વારા કરો—અને મુક્ત થાઓ. ધર્મનું સમગ્ર તત્ત્વ આ છે. સિદ્ધાંતો કે સાંપ્રદાયિક માન્યતાઓ કે કર્મકાંડ કે શાસ્ત્રગ્રંથો કે મંદિરો કે મૂર્તિઓ એ બધાં ગૌણ વિગતો માત્ર છે.”

આમ, ધર્મ અને વિજ્ઞાનના સમન્વયથી વૈયક્તિક શાંતિ લાવીને જ લાંબે ગાળે વૈશ્વિક શાંતિનો માર્ગ મોકળો થશે. વૈશ્વિક શાંતિ માટેનાં આપણાં સૂચનો વિભિન્ન દેશો સ્વીકારશે નહીં, પણ આટલું આપણે કરી શકીએ—પોતાના મનમાં શાંતિ માટેના પ્રયત્નો કરી શકીએ અને વિશ્વશાંતિ માટે અનવરત પ્રાર્થના કરી શકીએ,

ॐ सर्वे भवन्तु सुखिनः। सर्वे सन्तु निरामयाः।
सर्वे भद्राणि पश्यन्तु। मा कश्चित् दुःख भाग्भवेत्॥ ॐ शान्तिः शान्तिः शान्तिः॥

Total Views: 69

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.