(રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘ધર્મ-િજજ્ઞાસા’ના શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલા ગુજરાતી અનુવાદમાંથી પ્રશ્નોત્તરી વિભાગ વાચકોના લાભાર્થે પ્રસ્તુત કરીએ છીએ. – સં.)

(ગતાંકથી આગળ)

પ્રશ્નઃ કહેવાય છે કે વ્યક્તિ આજે જે કંઈ પણ છે, તે તેના પૂર્વજન્મના સંસ્કારોનું પરિણામ છે. તો શું આ સંસ્કારોને પુુરુષાર્થ દ્વારા બદલી ન શકાય?

ઉત્તરઃ કેમ નહીં, અવશ્ય બદલી શકાય છે. એ સાચું છે કે આપણે પૂર્વજન્મના સંસ્કાર લઈને જન્મીએ છીએ, પરંતુ એ પણ સત્ય છે કે પ્રયત્નો દ્વારા આ સંસ્કારોમાં પરિવર્તન કરી શકાય છે. ધારો કે, એક ખેડૂત પાસે ઉચ્ચ ગુણવત્તાનાં બીજ છે. પરંતુ એ બીજનું ઉચિત ફળ એને ત્યારે જ મળશે, જ્યારે જમીન સારી રીતે તૈયાર થયેલી હોય, પર્યાપ્ત માત્રામાં ખાતર અને સિંચાઈની વ્યવસ્થા કરવામાં આવી હોય. આ બધાંના અભાવમાં સારી ગુણવત્તાનું બીજ પણ નિરુપયોગી સાબિત થઈને સારો પાક આપી શકશે નહીં. જો બીજ હલકી ગુણવત્તાનાં હશે તોપણ જો એને પર્યાપ્ત જમીન, ખાતર અને પાણી મળે, તો એ સારામાં સારો પાક આપશે, નહીંતર બીજનું સારતત્ત્વ પણ નષ્ટ થઈ જશે. પૂર્વજન્મોના સંસ્કારોની તુલના આપણે બીજ સાથે કરી શકીએ છીએ તથા જમીન, ખાતર અને સિંચાઈની વ્યવસ્થાની તુલના પુરુષાર્થ સાથે. પુરુષાર્થ દ્વારા સંસ્કારોના સામર્થ્યમાં વૃદ્ધિ તથા સાથોસાથ પરિવર્તન પણ કરી શકાય છે. પુરુષાર્થના અભાવમાં ઉત્તમ સંસ્કારો પણ કુંઠિત થઈ જાય છે.

પ્રશ્નઃ ખરાબ સંસ્કારોને કઈ રીતે જીતી શકાય છે?

ઉત્તરઃ આપણે યાદ રાખવું જોઈએ કે સંસ્કારો પર એકદમ વિજય પ્રાપ્ત કરી શકાતો નથી. એને ધીમે ધીમે જ બદલી શકાય છે. સંસ્કારોને બદલવા કે જીતવા માટે આપણે પહેલાં એ જાણવું જોઈએ કે સંસ્કાર કેવી રીતે બને છે. જ્યારે આપણે જાણીજોઈને કોઈ ક્રિયાનું વારંવાર પુનરાવર્તન કરીએ છીએ, ત્યારે એ સંસ્કારોનું રૂપ ધારણ કરી લે છે અને એટલે એને જાણીજોઈને પુનરાવર્તન કરવાની જરૂર નથી. એટલે તો તે અનાયસ જ આપણા મનમાં આવીને ઊભા રહી જાય છે અને મન–ઇન્દ્રિયોને એવી ક્રિયાઓ કરવામાં લગાવી દે છે. આ સંસ્કારોને દૂર કરવા માટે પહેલાં મનના એ તરફના આકર્ષણને સમાપ્ત કરવું પડશે અને ત્યાર પછી જ્યારે પણ મનમાં એ સંસ્કારોનો ઉદય થાય, ત્યારે એની ઉપેક્ષા કરવી પડશે, એને પ્રાથમિકતા આપવી બંધ કરવી પડશે અને મનને બળપૂર્વક એ સંસ્કારની વિરુદ્ધની વૃત્તિઓ તરફ વાળવું પડશે.

એક ઉદાહરણ દ્વારા આ વાતને વધુ સ્પષ્ટ રીતે સમજી શકાય. ધારો કે, તમે એક કૂતરાને એક દિવસ સ્નેહપૂર્વક રોટલીનું બટકું આપો છો. કૂતરો તમારી પાસે આવવાનું શરૂ કરે છે. તમે બીજા દિવસે ફરી એને રોટલી આપી. જો આ પ્રમાણે તમે આ ક્રિયાનું થોડા દિવસો પુનરાવર્તન કરશો, તો તમને જોતાંવેંત જ કૂતરો તમારી પાસે દોડી આવશે, તમને ચોંટી જશે, તમારા ખોળામાં બેસવા માટે અધીરો બનશે. માનો કે, કોઈ કારણવશ કૂતરાનું આવું વર્તન તમને ગમતું નથી; તમે હવે નથી ઇચ્છતા કે કૂતરો તમારી પાસે આવે. ત્યારે તમે શું કરશો? સૌથી પહેલાં તમારે કૂતરા પ્રત્યેના તમારા લગાવને બંધ કરવો પડશે. માત્ર એટલું જ નહીં, એને રોટલી આપવાનું પણ બંધ કરવું પડશે. પરંતુ આટલેથી પણ કામ નહીં બને. તોપણ કૂતરો તમારી પાસે પૂંછડી પટપટાવતો આવશે, તમને ચોંટવાની કોશિશ કરશે. ત્યારે તમારે મનને મક્કમ કરીને કૂતરા સામે લાકડી ઉગામવી પડશે. તમારો આ ઊલટો વ્યવહાર જોઈને કૂતરો થોડી વાર માટે અવાક બની જશે. લાકડીનો માર ખાઈને તમારાથી દૂર ચાલ્યો જશે, પરંતુ થોડી વાર પછી ફરી તે તમારી પાસે પૂંછડી પટપટાવતો હાજર થશે. તમારે તેને ફરી લાકડી મારવી પડશે. વારંવાર આ પ્રકારે તેના પર પ્રહાર કરવાથી તેને લાગશે કે તમે એને પ્રેમ કરતા નથી અને ત્યારે તે તમારી પાસે આવવાનું બંધ કરશે.

ખરાબ સંસ્કારો સાથે પણ આવો જ વ્યવહાર કરવો પડે છે. આ સંસ્કારો કૂતરા જેવા પાલિત થઈ ગયા છે. એને આપણે માથે ચઢાવ્યા છે. જો આપણે એની સામે જીતવું હશે, તો સૌથી પહેલાં એના પ્રત્યેનો માનસિક લગાવ ઓછો કરવો પડશે. એને ખોરાક આપવાનું બંધ કરવું પડશે. જેમ કે, જો મનમાં લોભના સંસ્કાર માથું ઊંચકે, તો ત્યાગની મહત્તાનું ચિંતન કરવું જોઈએ. મનમાં ત્યાગી પુરુષોના વિચારો કરવા. લોભ–વૃત્તિના વિચારો મનમાં ઊઠે ત્યારે વારંવાર વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો. લોભની વૃત્તિને આપણે જ માથે ચઢાવી છે અને હવે આપણે એ સ્પષ્ટ કહી દેવું જોઈએ કે ‘એ લોભવૃત્તિ, અમે તને નથી ઇચ્છતા.’

અવાંછનીય વૃત્તિને દૂર કરવા માટે યોગ–સૂત્રોના રચિયતા મહર્ષિ પતંજલિ મનને એની વિપરીત વૃત્તિ પર કેન્દ્રિત કરવાની સલાહ આપે છે. એના કારણે આપણે મનમાં એક નવા સંસ્કારને જન્મ આપવા સમર્થ બનીએ છીએ, જે પેલા ખરાબ સંસ્કારની તીવ્રતાને શિથિલ કરીને ક્રમશઃ એનો સંપૂર્ણ નાશ કરી દે છે. મહાબલી અર્જુન પણ આ જ સમસ્યાથી પીડાતા હતા. તેઓ ગીતામાં ભગવાન કૃષ્ણને પૂછે છેઃ

  अथ केन प्रयुक्तोऽयं पापं चरति पूरुष:।
अनिच्छन्नपि वार्ष्णेय बलादिव नियोजित: ॥३.३६॥

‘હે વિષ્ણુ! કોના દ્વારા પ્રેરિત થઈને, ઇચ્છા ન હોવા છતાં પણ, મનુષ્યને જાણે બળપૂર્વક પાપકર્મમાં લગાવી દેવામાં આવે છે?’

ઉત્તરમાં શ્રીભગવાન કહે છેઃ

काम एष क्रोध एष रजोगुणसमुद्भवः ।
महाशनो महापाप्मा विद्धयेनमिह वैरिणम् ॥३.३७॥

‘આ કામ, આ ક્રોધ રજોગુણથી ઉત્પન્ન થાય છે. આ વેરીને ભોગોથી તૃપ્ત ન થવાવાળા અને મહાપાપી જાણો.’

આમ કહીને ભગવાન આ વેરીને જીતવાનો ઉપાય પણ બતાવે છે. એમના કહેવાનો સાર એ છે કે ઇન્દ્રિઓ વિષયો સાથે એકરૂપ થઈ જાય છે, મન એનો રસ લે છે અને બુદ્ધિ એને સ્વીકૃતિ પ્રદાન કરે છે. તેથી ખરાબ સંસ્કાર પ્રબળ બને છે. આવા સંસ્કારને દૂર કરવા માટે પહેલાં બુદ્ધિએ એને સ્વીકારવાનું બંધ કરવું જોઈએ, પછી મન એના પ્રત્યેના લગાવને પાછો ખેંચી લે તથા ઇન્દ્રિઓ પોતાના વિષયોથી અલગ કરી દે.

આ કાર્ય ધીરે ધીરે જ સફળ થાય છેે. વિષયોમાં ભટકતા મનને વારંવાર ખેંચીને ભગવાનમાં લગાવવું જોઈએ. એથી ખરાબ સંસ્કારોનું જોર આપમેળે ઘટી જાય છે. આ રીતે આપણે જોઈએ છીએ કે અશુભ વૃત્તિનો ઉદય થાય ત્યારે વિવેકબુદ્ધિનો વારંવાર પ્રહાર અથવા તો એની બિલકુલ ઉપેક્ષા કે વિપરીત વૃત્તિનું ચિંતન, ઈશ્વર પાસે વ્યાકુળ થઈને પ્રાર્થના—આ એવા ઉપાયો છે, જેનો એકી સાથે આધાર લઈને આપણે ખરાબ સંસ્કારોને જીતી શકીએ છીએ.

પ્રશ્નઃ મહાભારતના ઉદ્યોગપર્વ અંતર્ગત ‘વિદુર–નીતિ’ પ્રસંગમાં મહાત્મા વિદુરનું આ કથન કે ‘दिष्टमेव ध्रुवं मन्ये पौरुषं तु निरर्थकं’ (હું પ્રારબ્ધને અટલ માનું છું, એની સામે પુરુષાર્થ નિરર્થક છે), ક્યાં સુધી ઉચિત છે?

ઉત્તરઃ આ કથન વિદુરનું નહીં પણ ધૃતરાષ્ટ્રનું છે. વિદુરે રાજા ધૃતરાષ્ટ્રને ઘણા  સમજાવ્યા કે દુર્યોધન અધર્મના માર્ગે જઈ રહ્યો છે, જ્યારે પાંડવોનો માર્ગ ધર્મનો છે. ત્યારે ધૃતરાષ્ટ્રે વિદુરજીને કહ્યું (ઉદ્યોગપર્વ, ૩૯. ૩૦–૩૨) –

एवमेतद्‌ यथा त्वं मामनुशाससि नित्यदा।
ममाधि च मतिः सौम्य भवत्येवं यथाऽऽत्थ माम॥

सा तु बुद्धिः कृताप्येवं पाण्डवान्‌ प्रति मे सदा।
दुर्योधनं समासाद्य पुनर्विपरिवर्तते॥

न दिष्टमभ्यतिक्रान्तुं शक्यं भूतेन केनचित्‌।
दिष्टमेव ध्रुवं मन्ये पौरुषं तु निरर्थकम्‌॥

‘વિદુર! તું દરરોજ મને જે રીતે ઉપદેશ આપ્યા કરે છે, તે બહુ સારું છે. સૌમ્ય!તું મને જે કંઈ પણ કહે છે, એવું જ હું પણ વિચારું છું. જો કે, હું પાંડવો પ્રત્યે હંમેશાં એવી જ બુદ્ધિ રાખું છું, છતાં પણ દુર્યોધનને મળ્યા પછી બુદ્ધિ પલટાઈ જાય છે. પ્રારબ્ધનું ઉલ્લંઘન કરવાની શક્તિ કોઈ પણ પ્રાણીમાં નથી. હું તો પ્રારબ્ધને જ અચળ માનું છું, એની સામે પુરુષાર્થ તો વ્યર્થ છે.’

ધૃતરાષ્ટ્રના આ કથનને ધર્મનું પ્રમાણ માની શકાય નહીં. ધૃતરાષ્ટ્ર દુર્બળ મનની વ્યક્તિ છે, તેમનામાં મનુષ્યની બધી નબળાઈઓ વિદ્યમાન છે. એમનું એ કથન કે ‘દુર્યોધનને મળ્યા પછી ફરી બુદ્ધિ પલટાઈ જાય છે.’ એમના ચરિત્ર–દોષને પ્રકટ કરે છે. આવી વ્યક્તિ ધર્મની વ્યવસ્થા ન આપી શકે. પ્રારબ્ધને એ જ વ્યક્તિ અચળ માને છે, જેનામાં આત્મવિશ્વાસનો અભાવ છે, જે પલાયનવાદી છે, જે પરિસ્થિતિઓનો સામનો કરતાં ગભરાઈ છે.

હવે થોડું તાત્ત્વિક વિવેચન કરીએ. પ્રારબ્ધ કઈ રીતે બને છે? પૂર્વજન્મોનાં કર્મોથી. પૂર્વજન્મનાં કર્મ કઈ રીતે થાય છે? આ પ્રશ્નનો જવાબ ત્રણ રીતે આપી શકાયઃ

(૧) પહેલો જવાબ એ આપી શકાય કે પૂર્વજન્મનાં કર્મો એની પહેલાંના જન્મનાં કર્મોના ફળસ્વરૂપે બને છે. એનો અર્થ એવો થયો કે આજે આપણે જે કંઈ કર્મ કરીએ છીએ, એ પ્રારબ્ધનું પરિણામ છે. તે પ્રારબ્ધ પાછલા જન્મોનાં કર્મોને આધારે નિર્મિત થયું તથા પાછલા જન્મનાં કર્મો એ જન્મના પ્રારબ્ધના પરિણામે થયાં. આ મતમાં મનુષ્યના ઇચ્છા–સ્વાતંત્ર્ય, પુરુષાર્થને કોઈ અવકાશ રહેતો નથી. મનુષ્ય કેવળ એક યંત્ર સમાન બની જાય છે.

(૨) બીજો જવાબ એ આપી શકાય કે, પૂર્વજન્મનું કર્મ મનુષ્ય સ્વયં પોતાની ઇચ્છાથી કરે છે. એનો અર્થ એ થયો કે મનુષ્યનું પ્રારબ્ધ તેના પોતાના હાથમાં છે. આજે આપણે જે કર્મ કરીએ છીએ, આપણી ઇચ્છાશક્તિથી કરીએ છીએ; એટલે કે આપણે આપણા આગામી જન્મનું પ્રારબ્ધ આપણી ઇચ્છાનુસાર બનાવી શકીએ છીએ. આ મત અનુસાર, વ્યક્તિ જે ઇચ્છે તે કરી શકે છે; અર્થાત્‌ ભાગ્ય કે પ્રારબ્ધ નામની કોઈ વસ્તુ નથી, પુરુષાર્થ જ સત્ય છે.

(૩) ત્રીજો જવાબ એ છે કે  માનવ–જીવન ભાગ્ય અને પુરુષાર્થનો સંયુક્ત ખેલ છે. મનુષ્ય અમુક હદ સુધી બંધાયેલો છે, અને અમુક સુધી સ્વતંત્ર છે. પોતાની સ્વતંત્રતાનો યોગ્ય ઉપયોગ કરીને, તે પોતાના બંધનની સીમાને ઘટાડી પણ શકે છે.

આ ત્રણેયમાં પહેલો જવાબ તો ધૃતરાષ્ટ્રનો દૃષ્ટિકોણ છે. એટલા માટે તેનો સ્વીકાર કરી શકાય નહીં, કારણ કે એથી તો મનુષ્યની સ્થિતિ પશુવત્‌ થઈ જાય છે. તે ફક્ત એક મશીન બની જાય છે, જેમાં પોતાની સ્વતંત્ર ઇચ્છાને કોઈ સ્થાન નથી. આ સ્વીકારવા યોગ્ય સ્થિતિ નથી.

બીજો જવાબ, એ કેવળ પુરુષાર્થમાં માને છે. આ પણ બરાબર નથી. જો જીવનમાં પુરુષાર્થ જ સર્વસ્વ હોત તો, પછી પ્રયત્ન ક્યારેય નિષ્ફળ ન જાત. એક સાજો–નરવો તંદુરસ્ત યુવાન અચાનક કાળના પ્રવાહમાં તણાઈ જાય છે. એક કુશળ તરવૈયો પાણીમાં ડૂબીને મરી જાય છે. ઝેર ખાવાવાળો બચી જાય છે અને દવા ખાનાર મરી જાય છે. કેવળ પુરુષાર્થ આ સમસ્યાનું સમાધાન કરી શકશે નહીં.

એટલા માટે ત્રીજો જવાબ જ સાચો છે. આપણે જોઈએ છીએ કે મનુષ્ય એક વર્તુળમાં બંધાયેલો છે, પરંતુ એ વર્તુળમાં પણ તે કર્મ કરવા માટે સ્વતંત્ર છે. ભાગ્ય આપણને એક વર્તુળ પ્રદાન કરે છે, આપણે એ વર્તુળની અંદર રહીને પુરુષાર્થ કરી શકીએ છીએ. શ્રીરામકૃષ્ણ કહેતા કે, જો ભાગ્યમાં પગ કપાવાનું લખ્યું હશે, તો પુરુષાર્થ કરવાથી એ શક્ય છે કે પગ નહીં કપાય, ફક્ત કાંટો વાગીને રહી જશે. એટલે કે પુરુષાર્થના જોરે ભાગ્યની રેખાને ક્ષીણ કરી શકાય છે. પુરુષાર્થ કરવા માટે આપણને વર્તુળ મળેલું છે, એનો યોગ્ય ઉપયોગ કરીને આપણે આપણા ભાવી પ્રારબ્ધને પર્યાપ્ત માત્રામાં પ્રભાવિત કરી શકીએ છીએ. એટલે તો મહાભારતમાં એક જગ્યાએ કહ્યું છે — ‘तथा पुरुषकारेण विना दैवं न सिध्यति’ —  પુરુષાર્થ વિના ભાગ્ય પણ ફળદાયી નથી બનતું.

(ક્રમશઃ)

Total Views: 302

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.