રામકૃષ્ણ મઠ બેંગલોરના અધ્યક્ષ સ્વામી હર્ષાનંદજીએ મૂળ અંગ્રેજીમાં લખેલ પુસ્તક ‘Devi and her aspects’નો પ્રો. શ્રી ચંદુભાઈ ઠકરાલે કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકો સમક્ષ અહીં પ્રસ્તુત છે. – સં.

દશમહાવિદ્યાઓ

તાંત્રિક સાહિત્યમાં શક્તિનાં દશ સ્વરૂપોનાં વર્ણન મળી આવે છે. તેમને નામ આપવામાં આવ્યું છે દશ મહાવિદ્યાઓ. જાણવા યોગ્ય વસ્તુઓનાં ઉદ્‌ભવસ્થાનરૂપ આ વિદ્યાઓ સર્વોચ્ચ જ્ઞાન અને શક્તિની પ્રતિનિધિ છે.

– પ્રથમ છે કાલી, કાલની દેવી સર્વ વિનાશક શક્તિ

– બીજી છે તારા જેમાંથી સમગ્ર જગત્‌ ઉદ્‌ભવે છે

તે હિરણ્યગર્ભની શક્તિ. તે આકાશ અથવા અસીમ અવકાશનું પ્રતીક છે.

– ત્રીજી છે ષોડશી. શબ્દશ: અર્થ છે સોળ વરસની તે સંપૂર્ણતા, પૂર્ણતાનું મૂર્તિમાન સ્વરૂપ છે.

– ચોથી છે ભુવનેશ્વરી – ભૌતિક જગતની શક્તિ

– પાંચમી છે ભૈરવી – મૃત્યુ અને વિનાશને માર્ગે દોરી જતી વાસનાઓ અને લાલચોની શક્તિ

– છિન્નમસ્તા. એ છઠ્ઠી છે. નિર્વસ્ત્ર અને હાથમાં પોતાનું કપાયેલું માથું રાખેલું હોય અને પોતાનું જ રક્તપાન કરતી હોય એવું તેનું આલેખન મળી આવે છે.

જે જગતમાં સતત આત્મવિનાશ અને આત્મ નવીનીકરણની ક્રિયા ચાલુ જ હોય છે એવી સૃષ્ટિની પોતાની જાતકે ટકાવી રાખવાની ચક્રાકાર સ્થિતિની આ મૂર્તિ છે.

– ધૂમાવતી સાતમી છે. અગ્નિ દ્વારા જે વિનાશ થાય છે અને માત્ર તેની રાખમાંથી ધૂમાડો જ રહે છે, એ પરિસ્થિતિનું મૂર્તિકરણ છે. 

કેટલીક વાર તેનું એકીકરણ અલક્ષ્મી અથવા જયેષ્ઠાદેવી સાથે કરી દેવામાં આવ્યું છે.

– બગલા એ આઠમી વિદ્યા છે. તેનું મસ્તક બગલાનું હોય છે અને જીવંત પ્રાણીઓની વિરૂપ બાજુ ઈર્ષ્યા, ધિક્કાર અને ક્રૂરતાનું પ્રતિનિધિત્વ કરે છે.

-માતંગી નવમી વિદ્યા છે. વર્ચસ્વ ભોગવવાની વૃત્તિનું આ સાકાર સ્વરૂપ છે.

– કમલા એ દશમી અને છેલ્લી વિદ્યા હોય છે. એ આત્માના વિશુદ્ધ ચૈતન્યનું સ્વરૂપ છે. તે યાચકોને વરદાનો આપે છે અને તેમના ભયને દૂર કરી દે છે. તેને સમૃદ્ધિની દેવી લક્ષ્મીની સાથે એકાકાર થતી દર્શાવવામાં આવી છે.

દુર્ગા

દુર્ગા એ સૌથી વિશાળ રીતે ઉપસાવવામાં આવતું શક્તિનું સ્વરૂપ છે. ‘દેવી ભાગવત’ નામનું આખું પુરાણ તેને સમર્પિત કરવામાં આવ્યું છે. ‘દેવી માહાત્મ્ય’ એ દેવી ભાગવત કરતાં વધારે જાણીતો ગ્રંથ છે, પરંતુ તેમાં સંક્ષેપમાં વસ્તુ તો એ જ છે. એ ‘દુર્ગાસપ્તશતી’ અથવા ‘ચંડી’ નામે જાણીતો છે. બીજા જાણીતા પુરાણ માર્કંડેય પુરાણનો એક જાણીતો ભાગ છે. આ ગ્રંથને એટલો ઉચ્ચ આદર આપવામાં આવે છે કે તેના પ્રત્યેક શ્લોકને દેવીનો મંત્ર માનવામાં આવે છે અને તેની સાથે એવી માન્યતા સંકળાયેલી છે કે તેના જાપથી સાધકને ઇચ્છિત વરદાન છે.

શબ્દશ: ‘દુર્ગા’ શબ્દનો અર્થ છે – જેની પાસે જવું મુશ્કેલ છે, તે અથવા જેને જાણવાનું કાર્ય મુશ્કેલ છે તે. આ દેવી બધા દેવોની શક્તિનો મૂર્તિમાન સરવાળો હોવાને લીધે કુદરતી રીતે જ તેની પાસે જવું કે તેને જાણવાનું કામ મુશ્કેલીભર્યું છે. તે છતાં ય તે જગતની જનની હોવાને લીધે તેની પાસે જ્યારે યાચના કરવામાં આવે ત્યારે તે વાત્સલ્યપૂર્ણ પ્રેમની મૂર્તિ બની જાય છે.

આ ગ્રંથે શક્તિનાં કેટલાંક સ્વરૂપો ગણાવ્યાં છે, તેમાં યોગનિદ્રા (ધ્યાન-નિદ્રા) સર્વપ્રથમ આવે છે. તે નિદ્રાની શક્તિ છે, તેથી તેનો આશ્રય લઈને વિષ્ણુ બે સર્જનપ્રક્રિયાઓની વચ્ચેના સમયમાં આરામ કરી લે છે. વિશ્વનાં ઉત્પત્તિ, સ્થિતિ અને લયની બાબતમાં તેને જવાબદાર ગણીને તેની પ્રશંસા કરવામાં આવે છે. તે રહસ્યાત્મક શક્તિ જ્ઞાન, શાણપણ અને સ્મૃતિની શક્તિઓનું તે મૂર્તિમાન સ્વરૂપ છે. તે આનંદી અને સૌંદર્યવતી છે. સાથે સાથે તે રૌદ્રપણ છે જ. આ વિરોધી ગુણોનું સંમિશ્રણ તેના માટે જ શક્ય છે. તેણે ધનુષ્ય, બાણ, તલવાર, ચક્ર અને ત્રિશૂલ એમ કેટલાંક આયુધો ધારણ કરતાં હોય એવું તેનું વર્ણન મળી આવે છે.

તેના પછીનું બીજું સ્વરૂપ છે મહિષાસુરમર્દિની. મહિષાસુર નામના રાક્ષસથી ત્રાસી ગયેલા બધા દેવોની શક્તિ એકઠી કરીને તેણે આ સ્વરૂપ ધારણ કરેલું છે. મહિષાસુરનાં દુષ્કૃત્યોની વાતો સાંભળીને વિષ્ણુ, શિવ અને બ્રહ્મા ઊકળી ઊઠ્યા હતા. તેમના તથા અન્ય નાના નાના દેવોના ક્રોધથી આ દેવી પ્રકટ થયાં હતાં. આ દેવોની શક્તિઓએ તે દેવીના શરીરનાં અંગોનું નિર્માણ કર્યું અને તે દેવોનાં આયુધો આ દેવીને મળતાં તેની પાસે હથિયારોનો સંગ્રહ થયો હતો આદુર્ધર્ષ આયુધો ધારણ કરીને અને સિંહ પર સવારી કરીને તેણે મહિષાસુરને પડકાર્યો અને તેના સૈન્ય સાથે તેનો નાશ કરી નાખ્યો.

આ વાર્તા પછી એક સુંદર સૂક્ત આવે છે. તે સૂક્તમાં કાવ્યાત્મક્તા અને ભક્તિની તથા અંતરદૃષ્ટિનો સુંદર સમન્વય થયો છે.

આ એક અગાધ શક્તિ છે. તે સર્વવ્યાપક અને શક્તિદાતા છે. તે સંપત્તિ, શક્તિ, સૌંદર્ય અને સદ્‌ગુણોનું મૂર્તિમાન સ્વરૂપ છે. તે સાકારયુક્ત છે, સર્વોચ્ચ વિદ્યા (પરાવિદ્યા) છે. સાથે સાથે તે અપરાવિદ્યા (ભૌતિક વિજ્ઞાનોનું જ્ઞાન) પણ છે. તે જ

– દુન્યવી અને આધ્યાત્મિક સમૃદ્ધિ આપે છે

– આપત્તિઓને દૂર કરી દે છે અને

– દુષ્ટોનો નાશ કરે છે.

તેનાં સૌંદર્ય અને પરાક્રમ અનન્ય છે.

લાંબા લાંબા સમય સુધી દેવો સ્વાતંત્ર્યની મજા માણી શકતા ન હતા. એમને શુંભ અને નિશુંભ નામના રાક્ષસોએ હરાવી દીધા હતા. આથી દેવોને હિમાલય પાસે દોડી જવું પડ્યું હતું અને દુર્ગા દેવી પાસે યાચના કરવી પડી હતી. ‘અપરાજિતા નામનું આ સ્તોત્ર દેવીનું’ ‘અપરાજિત’ શક્તિ તરીકે વર્ણન કરે છે. બધાં પ્રાણીઓમાં તે અંતર્યામીરૂપે રહેલ છે, એ આ સ્તવનના મુખ્ય વિષય છે. બધાં પ્રાણીઓની શક્તિઓ તથા પ્રકૃતિઓ આ જ દેવીની શક્તિનાં પ્રકટ સ્વરૂપો છે.

આ પ્રાર્થનાના પ્રત્યુત્તરમાં દેવી કૌશિકી દુર્ગા સ્વરૂપે પ્રકટ થયાં. તેઓ પાર્વતીના દેહમાંથી આવિર્ભાવ પામ્યાં હતાં. અને આ પ્રાકટ્ય પછી પાર્વતી પોતે કાલી – શ્યામ – બની ગયાં હતાં.

આ વિશ્વમોહિની શક્તિના સૌંદર્યે શુંભ અને નિશુંભનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. તેમણે પોતાની સાથે લગ્ન કરવા માટે પોતાના દૂત દ્વારા કહેણ મોકલ્યું. રાક્ષસોના કમભાગ્યે નબળાઈ અને મૂર્ખતાની પળે આ દેવીએ પ્રતિજ્ઞા લીધી હતી કે મને જે યુદ્ધમાં હરાવશે તેની સાથે જ હું પરણીશ. પેલા રાક્ષસોએ દેવીને પોતાના તરફ ખેંચી જવાના જે પ્રયાસો કર્યા એ બધામાં રાક્ષસો માટે મુશ્કેલીઓ ઊભી થઈ. યુદ્ધમાં લડવૈયાઓનાં કપાયેલાં માથાં આમથી તેમ અથડાયાં. ધૂમ્ર્રલોચન, ચંડ, મુંડ અને રક્તબીજ જેવા દાનવોની દરમ્યાનગીરી પણ નકામી નીવડી. આ દેવીના કપાળમાંથી ભયાનક દેવી કાલીનો પ્રાદુર્ભાવ થયો, તેણે ચંડ અને મુંડને હણી નાખ્યા અને એ રીતે પોતાના માટે ચામુંડા એવું નામ મેળવી લીધું. રક્તબીજ નામના દાનવ સાથેનું દેવીનું યુદ્ધ લાંબુ ચાલ્યું કેમ કે યુદ્ધમાં તેનું લોહીનાં બિંદુ રેડાય તેમાંથી અનેક રાક્ષસો ઉત્પન્ન થાય એવી રહસ્યાત્મક શક્તિ તેની પાસે હતી. તેથી એને હણવા માટે દેવીને ખાસ પ્રયાસોની જરૂર પડી. આ દેવીના શરીરમાંથી જ લડવા માટે પ્રકટ થયેલી સપ્તમાતૃકાઓ પણ નિ:સહાય જણાઈ, કાલીએ પોતાની લાંબી જીભ લંબાવી અને રક્તબીજના શરીરમાંથી વહેતા લોહીનું પાન કરવું શરૂ કર્યું. આ રીતે તેણે રાક્ષસોને ઉત્પન્ન થતા રોક્યા અને દુર્ગાને સહાય કરી. બાકીનું કામ સરળ હતું. કૃતક યુદ્ધમાં નિશુંભ હણાયા. આથી ગભરાઈ ગયેલા શુંભે દેવી પર આરોપ મૂક્યો કે તેણે ‘બીજા’ની મદદ લીધી હતી! દેવીએ તિરસ્કારથી હસીને દેવીએ પોતાનાં બધાં સ્વરૂપોને પોતાની અંદર જ પાછાં લીધાં અને બતાવી આપ્યું કે તે એક અને અદ્વિતીય છે. તે પછી થયેલા યુદ્ધમાં રાક્ષસરાજ શુંભની હત્યા સહેલાઈથી કરવામાં આવી અને આ રીતે દેવીએ બધા લોકને રાક્ષસોના સંકટમાંથી મુક્ત કરી દીધા.

આના પછી એક નાનકડી પ્રાર્થના આવે છે. એ પણ એક મોહક કાવ્યાત્મક સ્તોત્ર છે. એમાં સાદગી અને મનોહરતા છે. એ સ્તોત્ર નારાયણી – સ્તુતિ તરીકે જાણીતું છે. એની શરૂઆત કૃતજ્ઞ દેવો દ્વારા માને કરવામાં આવેલી ઉત્સાહપૂર્ણ અપીલથી થાય છે. તેઓ માને મોટા મનનાં અને ઉદાર બની રહેવા વિનવે છે.

આ સ્તવન માને સમગ્ર સૃષ્ટિનાં માતા અને અધિષ્ઠાત્રી તરીકે વર્ણવે છે. તે જ ભૌતિક વિશ્વ છે. તે વિષ્ણુની રહસ્યાત્મક વિષ્ણુની શક્તિ છે; જગતનું આદિકારણ અને જીવોને મોહમાં નાખનારી શક્તિ છે. એને પ્રસન્ન કરીને જ કોઈપણ સાધક આધ્યાત્મિક મુક્તિની આશા સેવી શકે. બધાં કલાઓ અને વિજ્ઞાનો તથા સમગ્ર નારી સૃષ્ટિ તેનાં પ્રકટ સ્વરૂપો છે. તે મનુષ્યોનાં હૃદયોમાં બુદ્ધિરૂપે નિવાસ કરે છે. તે સર્વભક્ષી કાલ છે. આ જગતમાં જે કોઈ વસ્તુ સારી અનેક કલ્યાણકારક છે, તે બધીનું તે જ મૂર્તિમાન સ્વરૂપ છે. તે દેવી પોતાનાં બાલકોનું રક્ષણ કરવામાં જ સદાય રત રહે છે. સપ્તમાતૃકાઓ વાસ્તવિક રીતે આ દેવીનાં જ સ્વરૂપો છે. કંઠમાં માનવમુંડની માળાને ધારણ કરતી ભયાનક કાલીએ આ દેવીનું બીજું સ્વરૂપ છે. જ્યારે તે પ્રસન્ન થાય છે. ત્યારે રોગોનો ઉપચાર કરી શકે છે. જો તે રોષે ભરાય તો આપણને જે જે વસ્તુઓ પર પ્રેમ હોય અને માલિકી ધરાવવી ગમતી હોય એનો નાશ કરી દે છે. તેના ભક્તો હંમેશાં બધી આફતોથી મુક્ત હોય છે. આધ્યાત્મિક ગ્રંથોમાં વર્ણવેલ સર્વોપરિ સત્ય – પરમ સત્ય – આ દેવી છે. એ ગ્રંથમાં દેવીનાં બીજા અવતરણો પ્રકટ સ્વરૂપો જેવાં કે

– વિંધ્યવાસિની (વિંધ્યપર્વતમાં રહેનારી)

– રક્તદન્તા (રાતા દાંતવાળી)

– શતાક્ષી (સો આંખોવાળી)

– શાકંભરી (વનસ્પતિની પોષક)

– દુર્ગા (દુર્ગમનામના રાક્ષસનો વધ કરનારી)

– ભીમા (ભયંકર) અને

– ભ્રામરી અથવા ભ્રમરાંબા (મધમાખીના સ્વરૂપવાળી)

પણ વર્ણવવામાં આવ્યાં છે.

આ ગ્રંથમાં મળી આવતા વર્ણન અનુસાર દેવીનાં ત્રણ મુખ્ય પ્રકટ સ્વરૂપો

– મહાકાલી

– મહાલક્ષ્મી અને

– મહાસરસ્વતી છે.

દેવીનાં આ સ્વરૂપોનો ગોટાળો પુરાણોમાં વર્ણિત પાર્વતી, લક્ષ્મી અને સરસ્વતી સાથે ન થવો જોઈએ. તેઓ તો ખરેખર ત્રણ ગુણ (તમસ્‌, રજસ્‌ અને સત્ત્વ) અનુસાર એક જ પરાશક્તિ માહેશ્વરીનાં મુખ્ય ત્રણ સ્વરૂપો છે.

પ્રથમ મહાકાલીનાં દશ મુખ અને દશ ચરણ હોય છે. નીલમણિ રત્નની જેમ તેનો વર્ણ ઘેરો શ્યામ તેને આભૂષણોથી શણગારવામાં આવે છે અને તેના દશ હાથોમાં નિમ્નલિખિત આયુધો અને પદાર્થો ધારણ કરેલ હોય છે :

તલવાર, ચક્ર, ગદા, બાણ, ધનુષ્ય, લોખંડની ગદા ભાલો, ગોફણ, માનવની ખોપરી અને શંખ. તે દેવીના તામસિક સ્વરૂપની મૂર્તિ હોવાને લીધે તેને યોગનિદ્રા પણ કહેવામાં આવે છે. તેણે ભગવાન વિષ્ણુમાં નિદ્રા પ્રેરી છે. બ્રહ્માએ આ દેવીને જ પ્રાર્થના કરતાં વિનંતી કરી છે કે તે વિષ્ણુને મુક્ત કરી દે કે જેથી એ દેવ મધુ અને કૈટભ દૈત્યોનો વિનાશ કરે.

આ દેવી માયાનું સાકાર સ્વરૂપ છે. તે ભગવાન વિષ્ણુની રહસ્યાત્મક શક્તિ છે. જ્યાં સુધી પ્રસન્ન થઈને તે સ્વેચ્છાએ પાછી નહીં વળે ત્યાં સુધી આપણા અંતર્યામી દેવ પોતાની શક્તિ પાછી નહીં ખેંચી લે, જાગશે નહીં અને આપણે વિનાશ કરવાનો પ્રયત્ન કરી રહેલી દુષ્ટ શક્તિઓનો વિનાશ કરશે નહીં- બ્રહ્મા મધુ અને કૈટભની વાર્તાનો આ સારાંશ લાગે છે.

મહાલક્ષ્મી એ દેવીનું બીજું સ્વરૂપ છે. તે રજોગુણ-પ્રધાન છે. તેનો વર્ણ પરવાળાં જેવો લાલ દર્શાવવામાં આવે છે. પોતાના અઢાર હાથોમાં તે નિમ્નલિખિત આયુધો અને પદાર્થોને ધારણ કરે છે : માળા, પરશુ ગદા, બાણ, વજ્ર, કમળ, ધનુષ્ય, જલકુંભ, ધોકો, ભાલો, તલવાા, ઢાલ, શંખ, ઘંટિકા, સુરાનું પાત્ર, ત્રિશૂલ, પાશ અને ચક્ર – સુદર્શન. સર્વ દેવોનાં સંયુક્ત ક્રોધ અને શક્તિમાંથી ‘પ્રકટ થયેલ’ હોવાથી તે માત્ર દેવોના ગુસ્સાનું જ નહીં, પણ દુષ્ટ તત્ત્વો સામેની યુયુત્સાનું પણ મૂર્તિમાન સ્વરૂપ છે. આથી જ તેને રક્તવર્ણની આલેખવામાં આવે છે. એ યુદ્ધનો પણ સૂચક છે. તેણે મહિષાસુરનો વધ કર્યો હતો.

મહિષાસુરની વાર્તાના કેટલાક ભાવાર્થો છે. મહિષ એ જંગલી પાડો છે અને ‘બળિયાના બે ભાગ’ની જંગલની નીતિનો પ્રતિનિધિ છે. જ્યાં સ્વાર્થ સાધી લેવાનો હોય અને એનો કોઈ વિરોધ કરે તો એને સખત હાથે દબાવી દેનારું એ નિર્દય પરિબળ છે. દેવોની સામે પણ એ આ બાબતમાં સફળ થયો હતો; હા, પણ એ વખતે તેઓ પરસ્પર વિભાજિત હતા. પરંતુ દેવોની સંયુક્ત સાહસ અને યુદ્ધની દુર્દમ્ય ઇચ્છા સામે તેને હારવું પડ્યું છે. દેવી મહિષાસુરમર્દિની આ બાબતનું પ્રતિપાદન કરે છે. આ વાર્તામાંથી સામાજિક કક્ષાએ જે પાઠ શીખી લેવાનો છે, તેની સમજૂતી આપવાની જરૂર નથી. અને એના સમાજ કક્ષાએ મળતા પાઠની આપણે ઉપેક્ષા પણ ન કરી શકીએ. વૈયક્તિક કક્ષાએ મહિષાસુર એ અજ્ઞાન અને પ્રબળ અહમનું પ્રતીક છે. જ્યારે આધ્યાત્મિક સાધક પોતાની બધી જ શક્તિઓને એકત્ર કરી લે છે અને યુદ્ધ કરવાની દુર્દમ્ય ઇચ્છા કેળવી લે છે ત્યારે જ એને કાબૂમાં લાવવાનું અને જીતી લેવાનું શક્ય બને છે. કારણ કે એવો કાનૂન છે કે જે માણસ પોતાની જાતને મદદ કરે છે, તેને જ ભગવાન મદદ કરે છે. દિવ્યશક્તિની દરમ્યાનગીરી તો કાયમ હોય જ છે.

દેવીના સાત્ત્વિક સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરતી મહાસરસ્વતી એ ત્રીજી દેવી છે. તે શરદઋતુના ચંદ્ર જેવી તેજસ્વી છે. તેના આઠ હાથોમાં આ આયુધો અને વસ્તુ ધારણ કરેલાં હોય એવું આલેખન મળી આવે છે. ઘંટડી, ત્રિશૂલ, હળ, શંખ, મુસલ, ચક્ર, ધનુષ્ય અને બાણ. પાર્વતીના ભૌતિક કોષમાંથી તે પ્રકટ થતી હોય છે તેથી તેને કૌશિક દુર્ગા તરીકે ઓળખવામાં આવે છે. ભૌતિક સંરક્ષણ અને સૌંદર્યનું તે મૂર્તિમાન સ્વરૂપ છે. તે કાર્ય કરવાની વ્યવસ્થા અને સંગઠન સાધનારી શક્તિ છે.

તેનાં પરાક્રમોનું વર્ણન કરનારો વિભાગ સૌથી લાંબો છે. તેણે વધ કરેલા મુખ્ય મુખ્ય દાનવોમાં ધૂમ્ર્રલોચન, ચણ્ડ, મુણ્ડ, રક્તબીજ, નિશુંભ અને શુંભનો સમાવેશ થાય છે. આ બધા દાનવોને અસુરો તરીકે ઓળખવામાં આવ્યા છે. તેઓ અહંકારી લોકોના આદિપુરુષો છે અને તેઓ ઇન્દ્રિયોના ઉપભોગોમાં આળોટતા પડ્યા રહેતા હોય છે. પ્રતીકાત્મક રીતે તેઓ અહંકારની જુદી જુદી જુદી કક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે. જો ધૂમ્ર્રલોચન (ધૂમાડિયા – આંખોવાળો) દાનવ સૌથી સ્થૂળ પ્રકારનાં અજ્ઞાન અને અહંકારનું પ્રતિનિધિત્વ રે છે, તો રક્તબીજ વધારે સૂક્ષ્મ પ્રકારની અહંની કક્ષાનું પ્રતિનિધિત્વ કરે છે. તેની વૃદ્ધિ થતી રહે છે અને આપણી મુશ્કેલીઓ પણ વધતી જાય છે! જ્યારે મુણ્ડ આપણા અહંનું નીચું સ્વરૂપ છે (મુણ્ડ – નીચું), ત્યારે ચણ્ડ એ અહંકારની ભયાનક બાજુ (ચણ્ડ – પ્રચણ્ડ, ભયાનક) સૂચવે છે. શુમ્ભ અને નિશુમ્ભ વધારે પ્રબુદ્ધ પ્રકારના અહંકારનાં પાસાં છે. શુમ્ભ – પ્રકાશવું.

ધૂમ્ર્રલોચનનો વિનાશ હુંકાર દ્વારા, માત્ર ભવાં ચડાવીને કરવામાં આવ્યો હતો. દેવી સાથે સીધા સંઘર્ષમાં આવવા માટે ચણ્ડ અને મુણ્ડ ખૂબ ખૂબ નાના હતા. આથી ભયાનક કાલીએ દેવીના આદેશથી જ તેમનો વધ કરી નાખ્યો. રક્તબીજ સાથે પનારો પાડવામાં વધારે કુશલતાની જરૂર હતી. તેનો વધ કરતાં પહેલાં તેની શક્તિના સ્રોતનો નાશ કરવામાં આવ્યો હતો. નિશુમ્ભ અને શુમ્ભને તો દેવીએ સીધી લડાઈ જ આપવી પડી હતી.

ધૂમ્ર્રલોચન, ચણ્ડ અને મુણ્ડ એ દાનવો નિમ્ન કક્ષાનાં અજ્ઞાન અને અહંનાં વિશિષ્ટ સ્વરૂપો છે. તેમનો વિનાશ કરવા માટે શક્તિના એકાએક થતા આવિર્ભાવ અને કડક હાથે કામ લેવાથી કરી શકાય છે. રક્તબીજ યુક્તિબાજ કક્ષાઓનું પ્રતીક છે. તેનું પરિણામ અનંતગણી વાસનાઓમાં આવતું હોય છે. સમસ્યાના મૂળ સુધી જઈને યુક્તિપ્રયુક્તિથી તેઓ ઉત્પન્ન થાય કે તરત જ, તેમને દબાવી દેવાથી તેમનો સામનો કરી શકાય છે. ‘પ્રબુદ્ધ અહંકાર’ એવો શબ્દપ્રયોગ કરી શકાય, તો એ પણ અહંકાર જ છે. તેની સાથે સીધી લડાઈ જરૂરી બની રહે છે. એ લડાઈ ભલે લાંબી ચાલે પણ તેમાં સફળતા મેળવવા માટે દેવીની કૃપા ખૂબ આવશ્યક બની રહે છે.

પુરાણો તથા આગમોમાં દર્શાવવામાં આવેલાં દુર્ગાનાં સ્વરૂપો અસંખ્ય છે. જેમકે શૈલપુત્રી, કુષ્માણ્ડા, કાત્યાયની, ક્ષેમકરી, હરસિદ્ધિ, વનદુર્ગા, વિન્ધ્યવાસિની, જગદુર્ગા વગેરે વગેરે. મૂર્તિવિધાનશાસ્ત્રમાં આ વધારે રસપ્રદ બની રહે છે, અને પોતાની જુદા જુદા પ્રકારની કામનાઓ જુદાં જુદાં દેવી સ્વરૂપોની આરાધના કરીને પૂરી કરવા માગતા હોય એવા સાધકો માટે પણ એ સ્વરૂપોનું મહત્ત્વ છે.

દુર્ગાની પ્રતિમાઓના હાથ ચાર અથવા આઠ, અથવા દશ અથવા અઢાર અથવા વીસ પણ હોઈ શકે. સામાન્ય રીતે આંખો ત્રણ હોય છે. વાળ જટના સ્વરૂપમાં બાંધેલા (કરણ્ડમુકુટ) દર્શાવવામાં આવે છે. તેની વેશભૂષા ભવ્ય અને રક્તવર્ણની તથા કેટલાંક આભૂષણોથી યુક્ત હોય છે. દેવીના હાથમાં જે જે પદાર્થો ધારણ કરેલા હોય છે, તેમાં વધારે સામાન્ય છે – શંખ, ચક્ર, ત્રિશૂળ, ધનુષ્ય, બાણ, તલવાર, ખંજર ખડ્‌ગ, ઢાલ, માળા, સુરાપાત્ર અને ઘંટડી. દેવીને કમલ પર અથવા મહિષના મસ્તક પર ઊભેલ અથવા સિંહ પર સવારી કરતાં દર્શાવવામાં આવે છે.

મૃગેન્દ્ર-સિંહ એમનું વાહન છે. તે પશુસૃષ્ટિમાં જે શ્રેષ્ઠ છે, તેનું પ્રતિનિધિત્વ કરે છે. ખોરાક માટેના લોભનું પણ એ પ્રતીક હોઈ શકે. અને તેથી ઇન્દ્રિયોના વિષયોપભોગો માટેના લોભનું પ્રતીક પણ હોઈ શકે. આ ઉપભોગો કામવાસનાને બહેકાવતા હોય છે. દિવ્ય (-દેવ) બનવા માટે પશુ-વૃત્તિઓને સંપૂર્ણ રીતે કાબૂમાં રાખવી જરૂરી હોય છે. દેવીને ચિત્રમાં સિંહવાહિની (સિંહ પર સવાર) દર્શાવવામાં આ જ બોધપાઠ લાગે છે.

કાલી

હિન્દુ દેવમંડળમાં જે જે સ્વરૂપો મળી આવે છે, તેમાં આધુનિક માનસને માટે કાલીનું સ્વરૂપ કદાચ સૌથી વધુ સમસ્યાત્મક છે.

– કાળી નિર્વસ્ત્ર સ્ત્રી

– માણસોના હાથનો ઝભ્ભો પહેરેલી સ્ત્રી

– મનુષ્યનાં મસ્તકોનો હાર

ખાસ કરીને તાજાં જ કાપી નાખવામાં આવેલાં મનુષ્યના મસ્તકો અને તેમને કાપવા માટે વપરાયેલ લોહી ટપકાવતું ખડ્‌ગ – આ બધું જોઈને કોને ભય અને અણગમાની લાગણી નહીં થાય?

માનવજાતિના સમગ્ર ઇતિહાસ દરમ્યાન એ મર્મપૂર્ણ પ્રતીકોથી ગૂંચવાડામાં પડેલી રહી છે. જ્યારે તે પ્રતીકોનો મેળ તેના પોતાનાં આગવાં ‘મીઠાં અને સંસ્કારપૂર્ણ’ ધોરણો સાથે ખાતો નથી ત્યારે આવું ખાસ બને છે. જ્યારે એક સમુદાય કે સંપ્રદાય સફળતાપૂર્વક એને આત્મસાત્‌ કરી લે છે અને તેની ઉપાસના કરવા લાગે છે, ત્યારે બીજા સમુદાયો અથવા સંપ્રદાયો તેને તિરસ્કારવાનું ચાલુ રાખે છે. બીજા બધા સમાજોનાં પ્રતીકોના તિરસ્કાર કરવા એ એક સમુદાય અથવા સંપ્રદાય માટે કુદરતી છે; પણ ત્યારે એ સમુદાય કે સંપ્રદાય સગવડપૂર્વક ભૂલી જાય છે કે ‘બીજા સમુદાયો’ અને સંપ્રદાયો પણ આમ જ કરતા હોય છે! કતલ કરવામાં આવેલા ઘેટાનું ચિત્ર અથવા ‘પવિત્ર હૃદય’નો સંપ્રદાય એ આ બતાવવા માટેનાં બે ઉદાહરણો છે. બીજે પક્ષે જો આપણે સૂક્ષ્મ નિરીક્ષણ કરીએ તો આવાં પ્રતીકો તેમના વિષેના આપણા અજ્ઞાનને દૂર કરી દેશે એટલું જ નહીં, પણ આપણામાં તેમના વિષે અહોભાવ પ્રેરશે શું દૂરથી ઘેરું ભૂરું અથવા લીલું દેખાતું દરિયાનું પાણી નજીકથી તપાસવામાં આવે તો ખરેખર રંગ વિનાનું અને પારદર્શક નથી હોતું?

‘કાલી’ શબ્દ જાણીતા શબ્દ કાલ – સમય – પરથી ઊતરી આવેલો છે. તે કાલની શક્તિ છે. આપણને સૌને ખબર છે જ કે સમય સર્વનાશક, સર્વભક્ષક છે. આથી જ ગીતામાં (૧૧.૩૨) ભગવાન કહે છે, ‘અત્યંત વૃદ્ધિ પામેલો અને જગતનો નાશ કરનારો કાલ હું છું.’ અને જે શક્તિ વિનાશક હોય તેનું ચિત્ર ધ્રૂજારી પ્રેરે તેવા ભયાનક શબ્દોમાં જ થાય.

સામાન્ય રીતે શાસ્ત્રો, ચિત્રો અને મૂર્તિઓમાં મળી આવતાં કાલીના કલ્પન તરફ વળીએ. આ બધાની પૃષ્ઠભૂમિ શ્મશાનભૂમિ અથવા મૃતદેહને દાટવાની ભૂમિ અથવા યુદ્ધનું મેદાન હોય છે. તેમાં મૃતદેહો અને અંગવિચ્છેદ પામેલાં શરીરોનો સમાવેશ થતો હોય છે. તે દેવી પોતે પડકાર ઝીલવાના આસનમાં મૃતદેહ ઉપર ઊભેલ હોય છે. અને તે મૃતદેહ હોય છે તેના પોતાના પતિ શિવનો પોતાનો. જો શિવ વિશુદ્ધ શુભ્ર હોય તો દેવી લગભગ શ્યામ કહી શકાય એવા ઘેરા ભૂરા રંગનાં હોય છે. તે સંપૂર્ણ રીતે નિર્વસ્ત્ર હોય છે. અપવાદરૂપે ઝભ્ભારૂપે તેણે માનવના હાથને ધારણ કરેલા હોય છે. દેવી પચાસ માનવ મસ્તકો અથવા ખોપરીઓને માળા તરીકે ધારણ કરે છે. તેમના વાળ સંપૂર્ણ રીતે અસ્તવ્યસ્ત હોય છે. તેમનાં ત્રણ નેત્ર અને ચાર હાથ હોય છે. આ દેવીના ઉપલા હાથોમાં તાજેતરમાં જ વધ કરેલ અને રક્ત ટપકતું માનવ મસ્તક હોય છે અને સાથે એ વધ માટે વાપરવામાં આવેલ હથિયાર (ખડ્‌ગ – તલવાર) હોય છે. નીચલા બન્ને હાથો અભય અને વરદ મુદ્રામાં હોય છે. તેમનું મુખ લાલ હોય છે અને જીભ બહાર નીકળી ગયેલી હોય છે.

પશ્ચાદ્‌ભૂ અથવા ગોઠવણ વિષયને સર્વથા સંવાદી હોય છે. કપાયેલું માથું અને ખડ્‌ગ હમણાં જ થઈ ગયેલા સંહારનું આબેહૂબ આલેખન છે.

એમ કહેવામાં આવે છે કે ભગવાને આ જગતનું સર્જન કર્યું અને પછી તેમાં પ્રવેશ કર્યો (તૈત્તિરીયોપનિષદ્‌ – ૨.૬). આ રીત જગત દિવ્ય તત્ત્વ માટે એક પડદો, વસ્ત્ર બની જાય છે. જ્યારે તેનો નાશ કરી દેવામાં આવે છે ત્યારે એ દિવ્યતત્ત્વ નિર્વસ્ત્ર બની રહે છે. કાલીના નિર્વસ્ત્ર હોવાનો આ જ અર્થ છે. આથી જ તેને ‘દિગમ્બરા’ – દિશાઓ જ જેનાં વસ્ત્ર છે, તેવી કહેવામાં આવેલ છે. આમ તેણે અસીમ આકાશ જ આવરણ તરીકે ધારણ કરેલ હોય છે.

એ તમસ્‌નું મૂર્તિમાન સ્વરૂપ હોવાને લીધે અસીમ વિસ્તરણ માટે ઉત્તરદાયી શક્તિ સ્વરૂપ – અમર્યાદ અવકાશ – સર્વનું ભક્ષણ કરી જતું અવકાશ – એ બની રહે છે આથી તે શ્યામકાળી – હોય છે. જેમાં કાલ, અવકાશ અને કાર્ય – કારણ – ભાવ અદૃશ્ય થઈ ગયાં હોય અને જાણે કે તેનું કોઈ નિશાન જ ન મળતું હોય એવી સ્થિતિનું તે પ્રતિનિધિત્વ કરે છે. આથી તે કાળી હોય છે.

હાથ કાર્ય કરવાની ક્ષમતાના પ્રતિનિધિ બની રહે છે. આથી કપાયેલા હાથોનો ઝભ્ભો એવું સૂચન હોઈ શકે કે દેવી આપણે અર્પણ કરેલાં કર્મોથી તથા તેનાં ફળોથી એટલી પ્રસન્ન છે કે તેમને પોતાના શરીર પર ધારણ કરે છે.

ગતિશીલ શક્તિનું પ્રતીક પણ હાથ હોઈ શકે આથી કપાયેલા હાથો અંતર્હિત શક્તિનું પ્રતીક હોઈ શકે. આ શક્તિએ બધાં બાહ્ય પ્રકટીકરણો અટકાવી દીધાં છે અને તે છતાં તે અતિશય શક્તિશાળી છે અને ધારે ત્યારે પ્રકટ થવા માટે તૈયાર રહે છે.

તેના અસ્તવ્યસ્તવાળને લીધે દેવીને ‘મુક્ત-કેશી’ કહેવામાં આવે છે. તે તેના નિર્બાધ સ્વાતંત્ર્યનું સૂચન કરે છે અને પછી આવે છે પચાસની સંખ્યામાં માનવ- મસ્તકો અથવા ખોપરીઓનો હાર. તેઓ વર્ણમાલાના પચાસ અક્ષરોનું પ્રતીક છે, નાદની એ પ્રકટ સ્થિતિ છે, અથવા ગમે તે પ્રકારનો નાદ (શબ્દ) જેમાંથી સમગ્ર સૃષ્ટિ સર્જન પામી છે. આ દૃશ્ય પ્રપંચને પાછો ખેંચી લેવામાં આવેલ છે તેવું સૂચન કરવા માટે દેવી પોતાના શરીર પર એ હારને ધારણ કરે છે. ખોપરીઓ અથવા કપાયેલાં મસ્તકો વિનાશની સ્થિતિનો નિર્દેશ કરે છે.

સૃષ્ટિના વિનાશ માટે ઉત્તરદાયી એ દેવી સર્વોપરિ શક્તિ છે એ સૂચવવા માટે કુદરતી રીતે જ તેનું આલેખન ક્ષોભ અને ભીતિ પ્રેરે તેવું કરવામાં આવે છે. પરંતુ તે જનની, માતા પણ છે જ. આથી તે પોતાના ભયગ્રસ્ત સંતાનોને અભયમુદ્રા દ્વારા ખાતરી આપતાં કહે છે: ‘ડરો નહીં! હું તમારી વહાલી મા છું!’ સાથે સાથે વરદમુદ્રા દ્વારા વરદાન આપવાની પોતાની કામનાને (desire) પણ પ્રદર્શિત કરે છે.

આ તો બધું ઠીક! પરંતુ તે દૈવીના પગ તળે શિવ -મહાદેવને કચડાતા દર્શાવવામાં આવે છે, તેનું શું? પૌરાણિક કથામાં એક એવો ઉલ્લેખ મળી આવે છે કે કાલીએ યુદ્ધમાં બધા દાનવોનો સંહાર કરી નાખ્યો અને પછી માત્ર વિજયની અભિવ્યક્તિ કરવા માટે તાંડવ નૃત્ય શરૂ કર્યું. તેના પ્રભાવથી બધા લોક કંપવા લાગ્યા અને પતન પામવા લાગ્યા. બધા દેવોની પ્રાર્થનાથી શિવે પોતે દેવીને આ નૃત્ય અટકાવી દેવા કહ્યું. દેવી એટલી બધી મદમાં હતી કે તેણે કોઈનું કશું સાંભળ્યું નહીં. આથી તે જેના પર નૃત્ય કરી રહી હતી તે મૃતદેહોની વચ્ચે પોતાને લાગતો આઘાત નિવારવા માટે એક મૃતદેહ તરીકે સૂઈ ગયા. જ્યારે મહાદેવ પર દેવીનો પગ પડ્યો ત્યારે તેને એકાએક પોતાની ભૂલનું ભાન થયું અને શરમથી જીભ બહાર નીકળી ગઈ!

શિવ મહાદેવ પરમ બ્રહ્મ છે, જે બધાં નામ, રૂપ અને પ્રવૃત્તિઓથી પર છે. આથી તેમને શબ, મૃતદેહ તરીકે પડેલા દાખવવામાં આવે છે. કાલી તે પરબ્રહ્મની શક્તિ અથવા ઊર્જાનું પ્રતિનિધિત્વ કરે છે. શક્તિ કદી તેના ઉદ્‌ભવસ્થાન (શક્તિમાન) સિવાય અસ્તિત્વ ધરાવી શકે નહીં કે તેના વિના સ્વતંત્ર રીતે કશું કરી શકે નહીં. જ્યારે તે પોતાના ઉદ્‌ભસ્થાન પર સુદૃઢ રીતે સ્થિત હોય છે ત્યારે જ તે પ્રકટ થઈ શકે છે અને કાર્ય કરી શકે છે. શિવની છાતી પર ઊભેલી દેવી કાલીને દર્શાવવા પાછળ આ જ અર્થ રહેલો છે.

આ બધા પરથી કોઈ એવા નિર્ણય પર કૂદી પડવું ન જોઈએ કે કાલી ભગવાનની સંહારક શક્તિના સ્વરૂપનું જ પ્રતિનિધિત્વ કરે છે.

– સમયને પાર ચાલ્યા ગયા પછી જે બાકી રહે છે,

– શાશ્વતી રાત્રિ અથવા

– અસીમ શાન્તિ અને આનંદ, એ પણ કાલી (મહારાત્રિ) જ છે. વળી તે જ દેવી શિવ મહાદેવને હવે પછીની સૃષ્ટિ માટે પ્રેરે છે. ટૂંકમાં કહીએ તો ભગવાનની સર્વતોમુખી શક્તિનું સ્વરૂપ છે.

Total Views: 266

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.