લક્ષ્મીનાં સ્વરૂપો

અષ્ટમહાલક્ષ્મી તરીકે જાણીતાં લક્ષ્મીનાં આઠ સ્વરૂપો મૂર્તિશાસ્ત્રના ગ્રંથોમાં મળી આવે છે. આમાંની ગજલક્ષ્મી સૌથી વધુ લોકપ્રિય છે. દરવાજાની ફ્રેમ ઉપરના મથાળે મૂકવામાં આવતા પથ્થરના પાટડા કે ભારોટિયા ઉપર તેનું ચિત્ર સામાન્ય રીતે મૂકવામાં આવે છે. આઠ પાંખડીવાળા કમળ પર તેનું આસન હોય છે, તેને ચાર હાથ હોય છે અને તેમાં કમળ, અમૃતકુંભ, બિલ્વફળ અને શંખ હોય છે. તેની ઉપર સૂંઢ વડે ઉપાડેલા ઘડામાંથી અભિષેક કરતાં બે હાથીઓને  તેની પાછળ દર્શાવવામાં આવે છે. જ્યારે આ દેવીને બે હાથવાળી દર્શાવવામાં આવે છે ત્યારે તેને સામાન્યલક્ષ્મી અથવા ઇન્દ્રલક્ષ્મી કહેવાય છે. જો તેનું આલેખન તેના બે હાથમાં બે કમળો સાથે અને બીજા બે હાથ અભય અને વરદ મુદ્રા સાથે કરવામાં આવ્યું હોય, ત્યારે વરલક્ષ્મી કહેવામાં આવે છે. બીજાં સ્વરૂપો બહુ પ્રચલિત નથી.

વિષ્ણુની આઠ શક્તિઓ

વિષ્ણુની આઠ સંરક્ષક શક્તિઓ માનવામાં આવી છે. આમાંની દરેકનું આલેખન દેવી તરીકે કરવામાં આવે છે.

શ્રીદેવી એ ધન અને સમૃદ્ધિની દેવી છે. ભૂદેવી પૃથ્વીનું પ્રતીક છે, અને ઘણીવાર શ્રીદેવી સાથે, વિષ્ણુની બીજી પત્ની તરીકે પૃથ્વી પરના સામ્ર્રાજ્યનું દ્યોતક છે. સરસ્વતી જ્ઞાનની દ્યોતક દેવી છે. પ્રીતિ એ પ્રેમનું મૂર્તિમાન સ્વરૂપ છે. કીર્તિ અને શાન્તિ યશ અને શાન્તિની દેવીઓ છે. જ્યારે તુષ્ટિ-પુષ્ટિ આનંદ અને બળપ્રદ દેવીઓ છે.

અલક્ષ્મી

અલક્ષ્મી એ લક્ષ્મીનું વિરોધી સ્વરૂપ છે. એ દુર્ભાગ્યનું મૂર્તિમાન સ્વરૂપ છે. તેનો જન્મ પણ સમુદ્રમંથન વખતે જ થયો હતો. તે લક્ષ્મી કરતાં પહેલાં દેખાયેલી એથી તેને જયેષ્ઠા (મોટેરી) કહેવામાં આવે છે. દુ:સહ (દુ:ખથી સહન થઈ શકે તેવા) નામના ઋષિ સાથે તેનો વિવાહ કરવામાં આવ્યો હતો. બીજો મત એવો છે કે એ ઋષિનું નામ કપિલ હતું. તેના પુત્રનું નામ અધર્મ છે. તેનું આલેખન દુષ્ટ સ્વભાવની કૂબડી ડોસી તરીકે કરવામાં આવે છે અને ગધેડા પર સવારી કરતી દર્શાવવામાં આવે છે. તેના હાથમાં સાવરણી હોય છે. તેના ધ્વજમાં કાગડો દર્શાવવામાં આવે છે. કેટલાંક મંદિરોમાં તેની મૂર્તિ જોવામાં આવે છે. જ્યારે તેની આરાધના કરવામાં આવે છે ત્યારે તે દુષ્ટ તત્ત્વોને દૂર કરીને સમૃદ્ધિ આપે છે. કેટલીક વાર આ જયેષ્ઠાદેવી અને લક્ષ્મીને એક જ માનવામાં આવેલ છે.

આ સૃષ્ટિ પરસ્પર વિરોધી ભાવોનું મિશ્રણ છે અને બધું ચક્રાકારે થતું રહે છે, તેથી સદ્‌ભાગ્ય અને દુર્ભાગ્ય બન્ને એક જ સિક્કાની બે બાજુઓ છે. આ સૃષ્ટિનો જ એક ભાગ હોવાને લીધે આપણા જીવનની બાબતમાં દુર્ભાગ્ય પણ સમૃદ્ધિની પેઠે ભગવાન દ્વારા જ નિર્માયેલું છે. જીવનની બાબતમાં કદાચ આ મહાન બોધ આપવા ખાતર જ દુર્ભાગ્યને પણ દૈવ બનાવી દેવામાં આવ્યું છે.

પાર્વતી

પાર્વતી એ શિવની શક્તિ અને પત્ની છે. હિન્દુ પરંપરામાં શિવને વિભાજન અને વિનાશના દેવ માનવામાં આવ્યા છે. હિન્દુ ધર્મની, આપણે હેરત પામીએ એવી મોટી બહુમતીની દેવીઓ આ પાર્વતીનાં જુદાં જુદાં સ્વરૂપો અને અવનવાં રૂપો છે. આ દેવી જુદાં જુદાં નામે ઓળખાય છે અને તેની ઉપાસના કરવામાં આવે છે. એ નામોની સંખ્યા એટલી વિશાળ છે એનો નિર્દેશ કરી શકાય એમ નથી. તેનાં કેટલાંક નામો છે પાર્વતી, હૈમવતી, ગિરિજા અને દાક્ષાયણી. આ નામોમાં તેના ઉદ્‌ભવસ્થાન હિમાલય અને દક્ષ પ્રજાપતિનો (માનવજાતિના એક વડવા) નિર્દેશ થાય છે. તો તેનાં બીજાં નામો શિવા, મૃડાની, રુદ્રાણી અને શર્વાણી તેના શિવની પત્ની હોવાની હકીકત પર ભાર મૂકે છે. તેનાં બીજાં નામો અપર્ણા અને ઉમા પણ છે. આ નામોમાં કેટલીક પૌરાણિક કથાઓનો સ્પષ્ટ નિર્દેશ રહેલો છે.

સૌથી શરૂઆતમાં આ દેવીનો ઉલ્લેખ केनोपनिषद् (૩.૧૨)માં મળી આવે છે. ત્યાં તેનો ઉલ્લેખ ઉમા હૈમવતી તરીકે છે. તે દેવોના રાજા ઇન્દ્રને બ્રહ્મ વિષે પરાશક્તિ બોધ આપે છે. આ દેવીની ઉપાસના ખૂબ પ્રાચીન છે, એવા તારણ પર આવવા માટે આ ઉલ્લેખ પૂરતો છે.

પૌરાણિક ઉલ્લેખો અનુસાર તેના પ્રથમ અવતારમાં તે દક્ષ અને પ્રસૂતિની પુત્રી દાક્ષાયણી હતી. તેને ભગવાન શિવ સાથે પરણાવવામાં આવી હતી. ભગવાન શિવની મહત્તાને સમજી ન શકતાં એક વખત દક્ષે તેમને અપશબ્દો કહ્યા અને પછી તેમને ધિક્કારવા લાગ્યો. જ્યારે તેણે એક મોટો યજ્ઞ શરૂ કર્યો ત્યારે તેમાં એક નોંધપાત્ર અપવાદ એ હતો કે નિમંત્રિત મહાનુભાવોમાં શિવને પોતાને જ નિમંત્રણ આપવામાં આવ્યું ન હતું. પોતાના પતિની સલાહ વિરુદ્ધ જઈને નિમંત્રણ ન હોવા છતાં દાક્ષાયણી યજ્ઞમાં ગઈ અને ત્યાં અપમાન થતાં યોગાગ્નિમાં તેણે દેહત્યાગ કર્યો. આથી તે સતી પવિત્ર સ્ત્રી નામે જાણીતી થઈ. પછી તેનો જન્મ હિમવાન અને મેનાની પુત્રી પાર્વતી નામે થયો. ખૂબ તપસ્યા કર્યા પછી તે શિવને પ્રસન્ન કરી શકી અને પોતાને પત્ની તરીકે સ્વીકારવા વિનવી શકી.

આ આકરી તપશ્ચર્યા દરમ્યાન જીવનને ટકાવી રાખવા માટેના આહાર તરીકે વૃક્ષનાં સૂકાં પાન પણ ન લીધાં. અને તેથી તેને અપર્ણા એવું નામ પ્રાપ્ત થયું. તેની માતા તેની આવી ઉગ્ર સાધના જોઈ ન શકી તેથી તેણે દીકરીને ‘ઉહ્‌… મા’ (અરે દીકરી આમ ન કર!) એમ કહીને રોકવાનો પ્રયત્ન કર્યો. આ શબ્દો ‘ઉમા’ તેનું બીજું નામ બની ગયું. તે હિમાલય પુત્રી હતી તેથી ગૌરી (સફેદ વર્ણની (હિમ-બરફ-નું સ્થાન) હતી. જગતની માતા હોવાને લીધે તેને અમ્બા કે અમ્બિકા કહેવામાં આવે છે. બન્ને શબ્દોનો અર્થ ‘મા’ એવો છે.

પોતાના પતિ શિવની પેઠે તેનાં પણ બે સ્વરૂપો છે – મૃદુ અને રૌદ્ર. પાર્વતી અથવા ઉમા તરીકે મૃદુ સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરે છે. આ સ્વરૂપમાં સાધારણ રીતે તેને શિવ સાથે દર્શાવવામાં આવે છે. એ વખતે તેના બે જ હાથ હોય છે, જમણા હાથમાં ભૂરું કમળ હોય છે અને ડાબો હાથ છુટ્ટો હોય છે. આ મૂર્તિને સુશોભિત કરવામાં આવે છે. જ્યારે તેને સ્વતંત્ર રીતે દર્શાવવામાં આવે છે ત્યારે તેને ચાર હાથ હોય છે. બે હાથમાં લાલ અને ભૂરાં કમળ હોય છે. બીજા બે હાથ વરદ અને અભય મુદ્રામાં હોય છે.

જો કે બધી સ્ત્રી દેવતાઓને તેમના પુરુષપક્ષની  શક્તિ કહેવામાં આવે છે, તે છતાં ખાસ કરીને – અથવા તેમના માટે જ ‘‘શક્તિ’’ અને ‘‘દેવી’’ શબ્દો યોજવામાં આવે છે. તેમાં શિવની શક્તિનો નિર્દેશ હોય છે. અને એ બધી પાર્વતીનાં અસંખ્ય સ્વરૂપો છે. શિવને જો મહાદેવ, – પરમ દૈવત – ગણવામાં આવે તો પાર્વતી જગતનાં ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનારી શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે.

હિમાલય આકાશ – પ્રથમ મહાભૂત -નું પ્રતીક છે. મેના બુદ્ધિનું પ્રતીક છે. આમ તેમનું સંતાન પાર્વતી વૈશ્વિક ચેતન તત્ત્વનું પ્રતીક બની રહે છે. આથી તેને उमा (- પ્રકાશ, તેજસ્વી) કહેવામાં આવે છે.

આત્મદર્શી કક્ષાએ ઉમા-હૈમવતી બ્રહ્મવિદ્યા અથવા આધ્યાત્મિક શાણપણનું પ્રતીક છે. તેના દ્વારા શિવ અથવા ભગવાન સાથે ઐક્ય સાધી શકાય છે. તે શિવ રુદ્ર – ભયંકર -ની પત્ની તરીકે તેનું બીજું પાસું કે સ્વરૂપ રૌદ્ર – ભયંકરતા – ભયાનકતા -નું છે. તેનો અલગ અભ્યાસ થવો જોઈએ.

એક વસ્તુ નોંધવી રસપ્રદ બની રહેશે કે વૈષ્ણવ પ્રતીકો – શંખ અને ચક્ર તેના હાથમાં પણ હોય એમ દર્શાવવામાં આવ્યું છે. પુરાણો પાર્વતીનું વર્ણન વિષ્ણુની બહેન તરીકે કરે છે. સંભવ છે કે વિષ્ણુ શિવની સક્રિય શક્તિ હોઈ અને તેથી દેવીના હાથમાં આ પ્રતીકો દર્શાવવામાં આવ્યાં હોય. આ અનુમાનને એ હકીકતથી સમર્થન મળે છે કે શિવની હર્યર્ધ – મૂર્તિમાં વિષ્ણુ ડાબું અંગ હોય છે અને અર્ધનારીશ્વર સ્વરૂપમાં દેવી ડાબું અર્ધું અંગ હોય છે.

પાર્વતીનાં સ્વરૂપો – સપ્ત – માતૃકાઓ

દુર્ગાસપ્તશતી માતૃ-સંપ્રદાયના મૂળ ગ્રંથોમાંનો એક છે. તેમાં વર્ણન આવે છે કે જ્યારે કૌશિકી દુર્ગા રક્તબીજ નામના દૈત્ય સાથે યુદ્ધ કરી રહ્યાં હતાં, ત્યારે તેમણે પોતાના શરીરમાંથી સાત સ્વરૂપો પ્રકટ કર્યાં હતાં. આ રક્તબીજ દૈત્યને એવું વરદાન મળ્યું હતું કે જો તેનું લોહી પૃથ્વી પર પડે તો તેમાંથી તેના જેવા અન્ય રાક્ષસો ઉત્પન્ન થાય. કૌશિકી દુર્ગાએ જે સાત સ્વરૂપો પ્રકટ કર્યાં છે, તેને સપ્તમાતૃકા અથવા નાની નાની સાત માતાઓ કહેવામાં આવે છે. તેમનાં નામો છે:

– બ્રાહ્મી (અથવા બ્રહ્માણી) – માહેશ્વરી – કૌમારી – વૈષ્ણવી – વારાહી – નારસિંહી અને ઐન્દ્રી (અથવા ઇન્દ્રાણી) તેમનાં નામો જ નિર્દેશ કરે છે, તે રીતે તેઓ ક્રમશ: બ્રહ્મા, મહેશ્વર, કુમાર (સ્કન્દ), વિષ્ણુ, વરાહ, નરસિંહ અને ઇન્દ્રની શક્તિઓ છે. આથી તેમનાં સ્વરૂપો, શાસ્ત્રો અને વાહનો તેમના દેવો જેવાં જ છે. ઉપર્યુક્ત ગ્રંથ અનુસાર આ દેવીનું સ્વરૂપ બધા દેવોની સંયુક્ત  શક્તિ સ્વરૂપ થયું હતું. આ સપ્તમાતૃકાઓની વાત આ રીતે સમજી શકાય તેવી બની રહે છે. કેટલીક વાર નારસિંહીના વિકલ્પે  ચામુંડા (અથવા ચામુંડી)ને મૂકવામાં આવે છે. મૂળ દેવી – જેને દુર્ગા મહાલક્ષ્મી કહેવામાં આવેલ છે. તે સહિત એમની સંખ્યા આઠ માનવામાં આવે છે.

આ સાત માતૃકાઓનું ગુપ્ત અર્થઘટન તંત્રશાસ્ત્રના અનુયાયીઓ દ્વારા કરવામાં આવે છે. તેમના મતાનુસાર બ્રાહ્મી નાદની પ્રતિનિધિ છે. આ શક્તિમાં સૌથી પ્રથમ ધબકાર પણ હજી સુધી જોવામાં આવ્યો નથી. આ અનાહત unmanifest sound) (Logos), છે. આ નાદને સમગ્ર સૃષ્ટિનું ઉદ્‌ભવસ્થાન માનવામાં આવે છે. પ્રણવ (ઓમ્‌) જે શક્તિનો પ્રતિનિધિ છે, તે જ શક્તિ અથવા પદાર્થ આ શક્તિ છે. જ્યારે બ્રાહ્મી જગતનું સર્જન કરે છે ત્યારે વૈષ્ણવી શક્તિ તેને નિશ્ચિત આકાર આપે છે. વિશ્વનાં સૌષ્ઠવ સૌંદર્ય, તંત્રવ્યવસ્થાપન અને વ્યવસ્થા એ વૈષ્ણવોનું કાર્ય છે.

સમગ્ર સૃષ્ટિને તેનું વ્યક્તિત્વ પ્રદાન કરવાનું કાર્ય કરનારી તરીકે માહેશ્વરીને આલેખવામાં આવી છે. તે બધાંનાં હૃદયોમાં વાસ કરે છે અને ચક્ર પર સવારી કરી રહેલાં પ્રાણીઓને તે કઠપૂતળીની જેમ ખેલ કરાવે છે.

હંમેશાં યુવાન દેવી કૌમારી ઉત્ક્રાન્તિ પામતા જતા જીવની આકાંક્ષાની શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. તેને ‘ગુરુગુહા’ પણ કહેવાય છે. ગુરુગુહ એ કુમાર અથવા સ્કન્દનું એક નામ છે. આ દેવી તેની શક્તિ છે. ગુરુ – માર્ગદર્શક, ઉપદેશક, ગુહા – હૃદયની ગુફા, બુદ્ધિ.

વારાહી એ સંકલન અને ઉપભોગો પ્રદાન કરનારી સર્વભક્ષી શક્તિ છે. આ દેવીને લીધે બધાં પ્રાણીઓ પોતાનો ખોરાક અને ભૌતિક ઉપભોગો મેળવે છે.

ઐન્દ્રી અથવા ઇન્દ્રાણી એ ઋતના (cosmic law) વિરોધીઓનો નાશ કરનાર રૌદ્ર શક્તિનું પ્રતીક છે.

ચામુંડા એ એકાગ્રતાપૂર્ણ સાવધાનતા અને હૃદયમાંની આધ્યાત્મિક જાગૃતિ પ્રદાન કરનારી શક્તિ છે. એ શક્તિ અપરિપક્વ મનની અવિરત પ્રવૃત્તિઓને ખાઈ જાય છે અને તેને સર્વોચ્ચ કક્ષાએ લઈ જાય છે. રક્તબીજાસુર એ મન જ છે. તેનું પ્રત્યેક મોજું બીજાં મોજાંઓને ઉત્પન્ન કર્યા કરે છે. આ રક્તબીજનો ચામુંડા દ્વારા વધ કરવો એટલે મનના વિકારોનો વિનાશ કરવો. આ કામ આધ્યાત્મિક જાગૃતિ લાવીને કરી શકાય.

આ દેવીઓનું આલેખન સાધારણ રીતે લાલ વર્ણ અને બે હાથ સાથે કરવામાં આવે છે. એક હાથમાં મનુષ્યની ખોપરી અને બીજા હાથમાં કમલ હોય છે. ઉપર્યુક્ત પુરુષ દેવોની તેઓ શક્તિઓ હોવાને લીધે તેમનું આલેખન પુરુષ દેવોની સ્ત્રી નકલો છે, તે રીતે પ્રાય: કરવામાં આવે છે.

કેટલીક વાર આ દેવતાઓને માટે ખાસ એકાદ વૃક્ષ નક્કી કરી આપવામાં આવ્યું છે. એ વૃક્ષ એ એ દેવતા માટે પવિત્ર ગણાય છે. દા.ત.:

– કૌમારી માટે ઉદુમ્બર – વૈષ્ણવી માટે અશ્વત્થ 

(-પીપળો) – વારાહી માટે કરંજ. સામાન્ય રીતે તેમના વૃંદને ગણેશ અને વીરભદ્ર સાથે તેમની બન્ને બાજુએ ગોઠવાયેલ દર્શાવવામાં આવે છે. શંકરનાં મંદિરોમાં પણ તેમનાં વૃંદ દર્શાવવામાં આવે છે.

પ્રસંગવશાત્‌ તેમનું અલગ દહેરું બાંધવામાં આવ્યું હોય એમ પણ જોવા મળે છે. ફલની અપેક્ષાનુસાર તેમનો ગોઠવણ ક્રમાંક બદલતો રહે છે. જો ગામની સુરક્ષા માટે જરૂર પડે તો બ્રાહ્મીની કેન્દ્રમાં સ્થાપના કરવામાં આવે છે. જો પ્રજાવૃદ્ધિની અપેક્ષા હોય તો ચામુંડાને કેન્દ્રમાં સ્થાન આપવામાં આવે છે.

(ક્રમશ:)

Total Views: 297

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.