મનુષ્યને અશાંત કરનાર જો કોઈ મહત્ત્વનું પરિબળ હોય તો તે છે—ચિંતા. નાનાથી માંડીને મોટાં—બધાંને કોઈ ને કોઈ પ્રકારની ચિંતા તો સતાવતી જ રહે છે. કોઈને ધનની ચિંતા તો કોઈને તનની ચિંતા. આમ મનુષ્યના મનમાં ચિંતા કાયમી ઘર કરીને બેસી ગયેલી છે, જે તેને કોરી ખાય છે. એટલે જ એવું કહેવાયું છે કે ચિતા કરતાં પણ ચિંતા વધારે ખતરનાક છે. કેમ કે ચિતા તો મરેલાંને બાળે છે, જ્યારે ચિંતા તો જીવતાંને બાળી નાંખે છે. જ્યારે ચિંતાથી જીવતાં મનુષ્યો સતત બળી રહ્યાં હોય તો શાંતિ કેવી રીતે મળે? પરંતુ જ્યારે મનુષ્ય ચિંતાગ્રસ્ત હોય છે, ત્યારે જ તેને સહુથી વધારે શાંતિની જરૂર રહે છે. તો આ પરિસ્થિતિમાં શાંતિ કેવી રીતે મેળવવી?

કોઈપણ પરિસ્થિતિ વિશે ચિંતા કરવાથી તો દુઃખ અને અશાંતિ વધવાનાં જ. પણ તેના ઉપર ચિંતન કરવાથી ચિંતા ઓછી થઈ જશે. ચિંતા ઉપર ચિંતન કરવું, મનન કરવું, તેનું વિશ્લેષણ કરવું. આ વિશ્લેષણ કરવાથી સ્પષ્ટ રીતે જાણી શકાય છે કે આપણે જે ચિંતા કરીએ છીએ, તે તદ્દન ખોટી છે. મનોવૈજ્ઞાનિકો તો એમ કહે છે કે આપણી ૮૦ ટકા ચિંતાઓ માત્ર કાલ્પનિક જ હોય છે. કાલ્પનિક ચિંતાઓથી દુઃખી થવું એ તો મૂર્ખતા જ ગણાય. જેનું અસ્તિત્વ જ નથી તેના વિશે ચિંતા કરી દુઃખી થવું કે પછી આનંદિત થવું એ મૂર્ખતા જ નહીં પણ પાગલપણાની નિશાની છે. આ સમજ જાગૃત થતાં પછી ચિંતા ચાલી જાય છે. મન ચિંતામાંથી મુક્ત થયા પછી સમસ્યાઓ હળવી બની જાય છે. અથવા તો તે પછી ધ્યાન આપવા જેવી બાબત પણ લાગતી નથી.

ક્યારેક એવી પરિસ્થિતિ ઊભી થાય કે વ્યક્તિને એવું લાગે કે તે ચારેબાજુ દુઃખથી ઘેરાઈ ગઈ છે, ત્યારે તે ખૂબ જ ચિંતા કરવા લાગે છે. ઉદાહરણ તરીકે એક વ્યક્તિ વર્ષાે સુધી જ્યાં કામ કરે છે, તે મિલ બંધ થઈ જતાં તેની આવક બંધ થઈ જાય છે. ઘરમાં વૃદ્ધ માતાપિતા, પોતાની પત્ની અને બે બાળકોનું ભરણપોષણ કરવાનું છે. પુત્રે બારમા ધોરણની પરીક્ષા આપી છે. એને હવે કૉલેજમાં મોકલવાનો છે. આ સ્થિતિમાં શું કરવું? હતાશ-નિરાશ થઈ જવાય તેવી પરિસ્થિતિમાં હંમેશાં એ યાદ રાખવું કે ભગવાન એક દ્વાર બંધ કરે છે, તો બીજાં બે દ્વાર ખોલી આપે છે. ઈશ્વરમાં સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરવાથી ભગવાન બીજું દ્વાર ખોલી આપે છે.

આ ઉપરાંત મનુષ્યે એમ વિચારવું જોઈએ કે જીવનમાં સુખ અને દુઃખ તો આવ્યા જ કરે છે. સુખ પણ કાયમી નથી, તેમ દુઃખ પણ કાયમી નથી. ભગવાન બુદ્ધ કહે છે, सर्वम्‌ क्षणिकम्‌, सुखम्‌ क्षणिकम्‌, दु:खमपि क्षणिकम्‌। બધું જ અસ્થાયી છે. એ સમજાયા પછી સુખ અને દુઃખ બંનેમાં તાટસ્થ્ય આવે છે. પછી કોઈ પણ જાતના બાહ્ય સંજોગો ખળભળાવી શકતા નથી. શ્રીમા શારદાદેવી પણ કહે છે કે ‘કોઈ પણ મુશ્કેલી કાયમ ટકતી નથી. પુલ નીચેના પાણીની જેમ સડસડાટ વહી જાય છે.’ મુશ્કેલી, દુઃખ ક્ષણિક છે, એમ માનવાથી મુશ્કેલી અને દુઃખોનું જોર ઓછું થઈ જાય છે.

ઘણી વખત મનુષ્યે ધાર્યું હોય તેના કરતાં કંઈક ઊલટું જ બને છે. તેથી મનુષ્ય ઉદ્વિગ્ન બની જાય છે. એક વિદ્યાર્થિનીને એમ.એ.ની પરીક્ષામાં યુનિવર્સિટીના પરિણામમાં પાંચ માર્ક્સ ઓછા આવવાથી તેનો ફર્સ્ટ ક્લાસ ગયો. આ પરિણામથી તેને ભારે આઘાત લાગ્યો. કેમ કે જો ફર્સ્ટ ક્લાસ આવ્યો હોત તો તેને અમેરિકા આગળ અભ્યાસ માટેની સ્કોલરશિપ મળત અને તેને ખૂબ આગળ વધવાની તક હતી. આથી તે દિવસો સુધી રડતી રહી. પણ પછી તેને સારી કૉલેજમાં અધ્યાપક તરીકે નોકરી મળી અને વિદ્યાર્થીઓને ભણાવવાના કાર્યમાં તેને ખૂબ રસ પડવા લાગ્યો. સાથે સાથે તે વિદ્યાર્થીઓના જીવન ઘડતરનું પણ કાર્ય કરવા લાગી અને તે વિદ્યાર્થીઓમાં ખૂબ પ્રિય બની ગઈ. પાછળથી તેને સમજાયું કે સારું થયું ફર્સ્ટ ક્લાસ ન આવ્યો, નહીંતર વિદેશમાં તેને વધારે પદવીઓ, ભૌતિક સુખ સમૃદ્ધિ મળ્યાં હોત, પણ આટલા બધા વિદ્યાર્થીઓનો પ્રેમ, કાર્ય કર્યાનો સંતોષ અને ચિત્તની પ્રસન્નતા અને શાંતિ તેને ન મળ્યાં હોત! આ સત્ય ઘટના દ્વારા એ જાણી શકાય છે કે ધાર્યું હોય એના કરતાં કંઈ જુદું બને તો ચિંતા-ઉપાધિ કરવા કરતાં, એનો સહજ સ્વીકાર કરીને, વિપરીત પરિસ્થિતિમાં પણ હસતે મુખે કાર્ય કરવામાં આવે તો વિપરીત પરિસ્થિતિ પણ સાનુકૂળ બની જાય છે. એક બાબત હંમેશાં ધ્યાનમાં રાખવી જોઈએ કે ભગવાન જે કંઈ કરશે તે સારા માટે જ કરી રહ્યા છે. તો પછી મનમાં અદ્‌ભુત શાંતિ આવે છે. અને ગમે તેવી પરિસ્થિતિ પણ મનુષ્યને વિચલિત કરી શકતી નથી. આથી જ્યારે ભવિષ્યમાં ચિંતા થાય કે હાય હવે શું થશે, ત્યારે માથે હાથ દઈને બેસવા કરતાં પુરુષાર્થમાં લાગી જવું જોઈએ. આ માટે Do your best and leave the rest આ સૂત્ર યાદ રાખવું જોઈએ.

Total Views: 714

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.