ઈશાવાસ્યમ્ ઈદમ્ સર્વમ્
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કોઈ સવાલના જવાબમાં કહેલું કે “આપણા બધા ધર્મગ્રંથો નાશ પામે પણ, ‘ઈશાવાસ્ય’ ઉપનિષદ માત્ર બચી જાય તો હિંદુ ધર્મ નાશ પામશે નહીં.” અઢાર શ્લોકના આ ઉપનિષદમાં એવું તે કયું રહસ્ય છે કે તેણે મહાત્મા ગાંધીજીને આમ કહેવા પ્રેર્યા? એ જાણવા આપણે પ્રયત્ન કરીએ.
એ ટચુકડા ઉપનિષદ ઉપર નાનાં મોટાં અનેક ભાષ્યો ને વાર્તિકો લખાયાં છે. અને ભવિષ્યમાં પણ તે લખાતાં રહેશે. એનું કારણ એ નાનકડા ઉપનિષદના અજાણ રચયિતાએ, આર્ષદ્રષ્ટા ઋષિવરે, એ ઉપનિષદમાં આપેલો સંપ્રદાય – નિરપેક્ષતાનો, સમન્વયનો, સુમેળનો માનવજાત માટેનો મંગલ સંદેશ છે.
‘ઈશાવાસ્ય’ના ઋષિ આ સંસારને મિથ્યા કહીને ઉતારી પાડતા નથી. કારણ? આ સમગ્ર ચરાચર જગત ઈશને વસવા યોગ્ય, ઈશથી વસેલું છે. બધું જ ઈશમય હોય – ‘અમારા હરિ સઘળે’ હોય – પછી એ બધાંમાંથી, સમગ્ર જગતમાંથી, ક્યાં નાસી જવાનું હોય? એ મહાન ઋષિ આદેશ આપે છે: ‘તું એને ભોગવ’. પણ સંસારને ભોગવવો કેવી રીતે? ‘તેન ત્યકતેન’ – તેને ત્યાગીને, ગમતું ગુંજે ભરીને નહીં પણ કવિ મકરંદભાઈ કહે છે તેમ ગમતાનો ગુલાલ ઉડાડીને, સંસારમાં આસક્તિ રાખીને નહીં પણ, મનને ઈશ્વર પ્રત્યે વાળીને. શ્રીરામકૃષ્ણ પરમહંસ આ બાબતનું એક સરસ ઉદાહરણ આપતા.
એક ગરીબ બાઈ કોઈ શેઠિયા માણસના ઘરમાં છોકરાં સાચવવાનું કામ કરે. પોતાને ઘેરથી નીકળી, વહેલી સવારે, એ બાઈ પેલા શેઠની હવેલીએ પહોંચી જાય. શેઠના દીકરાને નવરાવવાનું, ખવરાવવાનું, શણગારવાનું, રમાડવાનું ને બહાર ફેરવવાનું એમ બધું કામ આખો દિવસ એ કરે. બાઈ પોતાનું કામ સાચી નિષ્ઠાથી કરે. શેઠના દીકરા પર ખૂબ વહાલ વરસાવે ને એનું ખૂબ કાળજીપૂર્વક જતન કરે. જાણે સાચી જનેતા જોઈ લો. શેઠનો એ લાડકો પણ પોતાની માના કહ્યામાં નહીં એટલો આ આયાના કહ્યામાં. એ બાળકને બોલાવતી વેળા, એ બાઈ સતત, ‘મારો રામ!’, ‘મારો વહાલો’, ‘મારો લાડકો’ કહીને બોલાવે. એ બાઈને બોલે બોલે વાત્સલ્ય ઝરે. પરંતુ, દિવસ પૂરો થતાં એ ઘેર જાય ત્યારે, પોતાના સગા દીકરાને જોતાં એના વિરહવ્યાકુળ હૈયામાંથી અમીધારા ઉભરાવા લાગે. શેઠના બાળક પ્રત્યેનું એનું વહાલ દેખાવનું કે ખોટું ન હતું. પણ એના અંતઃકરણના સામ્રાજ્યનો શહેનશાહ તો એનો સગો બાળક જ હતો, જેની એ જનેતા હતી, અને જેનાથી એ દિવસભર વિખૂટી પડેલી હતી. આમ એ અભણ બાઈએ જે રીતે પોતાના જીવનનાં બે જુદાં ખાનાં પાડી રાખ્યાં હતાં અને, તે છતાં તે બંને વચ્ચે સુમેળ બેસાડ્યો હતો તેમ, જગત અને ઈશ વચ્ચે મેળ બેસાડવાનું ‘ઈશાવાસ્ય’ કહે છે, આવી રીતે કર્મ કરનારને, ‘ઈશાવાસ્ય’ કહે છે કે, કર્મ લેપતું નથી. એટલું જ નહીં, એ ઉપનિષદ તો આ રીતે નિષ્કામ ભાવે કર્મ કરતાં સો વર્ષ – જરાય ઓછાં નહીં – જીવવાની ઈચ્છા રાખવાનું કહે છે!
શ્રીરામકૃષ્ણ કહે છે કે સંસારમાં કર્મનું બંધન છે જ. સરસ ઘરગથ્થુ દાખલો આપી ઠાકુર કહે છે કે, ‘મરચું ખાઓ તો તીખું લાગવાનું જ.’ આગળ ચાલતાં પોતાનાં કર્મોને લઈને મથુરબાબુને અમુક તમુક રોગ થયા હતા એમ પણ તેઓ પ્રમાણ આપે છે. અને છતાં, જાળ અને માછલીઓના દૃષ્ટાંત દ્વારા, પ્રયત્ન કરી કર્મમાંથી મુક્તિ મેળવવાનું ઊર્ધ્વગામી બનવાનું તેઓ કહે છે. નિત્યજીવની માફક સંસારની જાળમાં ફસાઈએ નહીં એવાં કર્મ ન થઈ શકે અને એ જાળમાં ફસાયા તો જોરદાર કર્મ દ્વારા તેમાંથી બહાર નીકળી જવું જેથી કર્મ આપણને લપેટમાં લે નહીં. ‘ઈશાવાસ્ય’ પણ સંસારની જાળનો, અવિદ્યાનો નકારાત્મક નહીં પણ ભાવાત્મક ઉપયોગ કરવાનું કહે છે: ‘અવિદ્યાથી મૃત્યુને તરીને વિદ્યાથી અમૃત આરોગો!’
અવિદ્યા અને વિદ્યા વચ્ચે, રૂપ (અસંભૂતિ) અને અરૂપ (સંભૂતિ) વચ્ચે ‘ઈશાવાસ્ય’ ઉપનિષદે જે સુમેળ સાધી આપ્યો છે તે, કદાચ, અજોડ છે. એ ઉપનિષદમાં ક્યાંય નિષેધાત્મક વાત નથી. અવિદ્યા વિદ્યા, રૂપઅરૂપ, સાકારનિરાકાર કશું જ, શ્રીરામકૃષ્ણની માફક, ત્યાં તિરસ્કારવામાં કે નકારવામાં આવ્યું નથી. સર્વોચ્ય ધ્યેયને પ્રાપ્ત કરવાનાં એ સઘળાં ઉપયોગી પગથિયાં છે. ઠાકુરે કહ્યા મુજબ, અગાશીએ પહોંચવા માટે એ બધાં પગથિયાં જરૂરનાં છે. ત્યાં પહોંચ્યા પછી પગથિયાંનો વિચાર જ શા માટે કરવો?
શ્રીરામકૃષ્ણ પરમહંસના જીવનમાં પણ ક્યાંય નિષેધને સ્થાન નથી. માતા અને અન્ય વડીલોના આદેશથી તેઓ લગ્ન કરે છે પરંતુ, મનથી સંન્યાસી હોઈ લગ્ન પછી ચૌદેક વર્ષે પત્ની શારદામણિદેવી પોતાની પાસે દક્ષિણેશ્વર આવે છે ને પૂછે છે ‘હું કોણ છું?’ ત્યારે ઉત્તરમાં ઠાકુર કહે છે, ‘જે મા મંદિરમાં છે તે જ તમે છો, જે માએ જન્મ આપ્યો છે તે તમે છો.’ આમ પત્ની, માતા અને જગન્માતામાં અભિન્નતા જોતા, ત્રણે રૂપનો સમન્વય કરતા શ્રીરામકૃષ્ણ અભૂતપૂર્વ સમીકરણ માંડી આપે છે! એમને માટે સત્ય ધર્મ સદા અપાવૃત, ખુલ્લો, છે; સુવર્ણનું લોભામણું ઢાંકણ ક્યારનુંયે દૂર થઈ ગયું છે. પોતે સત્યનું દર્શન કરી શકે એ માટે સોનાનું માયાવી ઢાંકણું દૂર ક૨વાની એમને પ્રાર્થના નથી ક૨વી પડતી. કાલીમાતાની મૂર્તિને બદલે પોતાને મસ્તકે ફૂલ ચડાવનાર ઠાકુર ‘સોઽહમ્ અસ્મિ’ની કક્ષાએ પહોંચી ગયા છે. જિસસે પણ ઉદ્ગાર કાઢ્યો હતો ને, – I and my Father art one – હું અને પિતા પ્રભુ એક છીએ!
પોતાની કચેરીમાં બેસી દક્ષિણેશ્વરનો વહીવટ તપાસતા મથુરબાબુને પરસાળમાં આંટા મારતા શ્રીરામકૃષ્ણ દેખાયા. પોતાની તરફ મોં કરીને ચાલતા અને પાછા ફરતી વખતે વાંસો દેખાય તેમ ચાલતા શ્રીરામકૃષ્ણમાં એક વેળા માતાજીના રૂપનું અને બીજી વેળા મહાદેવના રૂપનું દર્શન થતાં પ્રથમ તો પોતાની આંખે જોયેલી એ વાતને મથુરબાબુ માની શક્યા નહીં. પણ ફરી ફરીને એવું જ દર્શન થતાં, મથુરબાબુ માટે પણ હિરણ્મય પાત્ર ઊઘડી ગયું અને એમને સત્યનું દર્શન લાધ્યું. અર્થાત્ મથુરબાબુની આંખ આડેનું પડળ હટી ગયું. શ્રીરામકૃષ્ણમાં બે વિભિન્ન દર્શનો થઈ, બંને વચ્ચેના અભેદનું જ્ઞાન તેમને લાધ્યું.
એક વાર દક્ષિણેશ્વ૨ના કાલીમંદિરના શ્રીરામકૃષ્ણના ઓરડામાં વિવિધ સંપ્રદાયો વિશે ચર્ચા ચાલી રહી હતી. તે કાળે બંગાળમાં પ્રચલિત કોઈ સંપ્રદાયના કેટલાક ઉપચારો ધૃણાસ્પદ જેવા લાગતાં નરેન (ભાવિ વિવેકાનંદ) તેની જોરદાર ટીકા કરવા લાગ્યા ત્યારે, ધીમે સ્વરે શ્રીરામકૃષ્ણે કહ્યું: “જો નરેન, મોટા ઘરમાં આવવાના ઘણા દરવાજા હોય. સામાન્ય રીતે લોકો મુખ્ય દરવાજેથી જ આવજા કરે. પણ ઘરની પછીતે, છીતરીમાંયે એક નાનકડી ખડકી હોય તેમાંથી અમુક પ્રકારનાં કામ કરનારાં માણસો આવ-જા કરે. એ દરવાજેથી યે દાખલ થનારાં પણ એ ઘરમાં જ પ્રવેશે છે ને? આ સંપ્રદાય માટે તારે એમ સમજવું.” કાચીંડાનો આ જ રંગ સારો એમ નહીં, એનાં બધા જ રંગો સાચા છે; સાચો તો છે એ બધા રંગો બદલતો, એ બધા રંગોથી પર રહેલો કાચીંડો.
શ્રીરામકૃષ્ણની આ સમત્વદૃષ્ટિને અને વૃત્તિને અપનાવ્યા પછી બધા ભેદોનો અંત આવી જાય છે. અણસમજથી ભેદ જન્મે છે. ભેદમાંથી ધર્માંધતા પ્રગટે છે. ધર્માંધતા ધર્મઝનૂન પ્રગટાવે છે. એમાંથી અસહિષ્ણુતા ઉત્પન્ન થાય છે. એ ઝેર આંખે અંજાયા પછી, સમન્વયના, સુમેળના, અભેદના સત્યદર્શનને અવકાશ જ નથી રહેતો. ધર્મઝનૂની યહુદીઓએ નિર્દોષ ઈશુનો વધ માગ્યો હતો. પ્રથમ ઈસ્લામના અને પછીથી ખ્રિસ્તી યુરોપિયનોના આક્રમણ સામે સંપથી વીરત્વ દાખવવાને બદલે આપણે સંકુચિત અને વિભાજિત બની ગયા અને આપણી જાતને જ્ઞાતિના અને આભડછેટના કોચલામાં પૂરી રાખવા પ્રયાસ કર્યો. મંદિરો તૂટતાં હતાં અને લોકોને પરાણે વટલાવાતા હતા ત્યારે આંખો અને દિમાગ બંધ રાખી બેઠા હતા. દેશમાં અને પરદેશમાં – કેટલાં મંદિરો ને કેટલી મસ્જિદો તોડી પડાયેલ છે? કેટલાં નિર્દોષ લોકોની કતલ કરવામાં આવી છે? કેટલાં બેઘર બન્યાં છે? કેટલાં અનાથ બન્યાં છે? અને કેટલાં જુઠાણા ફેલાવાયાં છે? પરમાત્મા એક જ છે ને તે સર્વત્ર વસે છે તે સરળ સત્યને જૂઠાણાના અને પ્રચારના અંધ તમસ્ ના જડ અને ધન આચ્છાદનથી લપેટી દેવામાં આવ્યું છે. અને રાજકીય સ્વાર્થની લોલુપ નટીના નર્તનના મોહમાં લોકસમસ્તને પાડી દેવામાં આવે છે.
એ અંધ તમસ્ માંથી ઉગારી શકશે કેવળ નાનકડું ‘ઈશાવાસ્ય’ ઉપનિષદ, શ્રીરામકૃષ્ણની અને સ્વામી વિવેકાનંદની સર્વધર્મસ્વરૂપિણી દૃષ્ટિ. સાંપ્રદાયિકતાની વાડો તોડીને વર્તનારા, હરિજનવાસમાં જઈ ભજન કરનારા નરસિંહ મહેતા જેવા સંતો, ગુરુ નાનક જેવા સમાનતાના પ્રબોધકો, શ્રીરામકૃષ્ણ પરમહંસ જેવા સર્વધર્મસાધકો, હિંદુ મુસલમાનની એકતા માટે પ્રાણની આહુતિ આપનાર રાષ્ટ્રપિતા ગાંધીજી સમા સર્વધર્મસમન્વયના ઉપાસકો જ આ અંધ તમસ્ માંથી ઉગારી શકશે.
શ્રીરામકૃષ્ણ પરમહંસનું જીવન એટલે ‘ઈશાવાસ્ય’ પરનું હાલતું ચાલતું, જીવંત ભાષ્ય.
Your Content Goes Here




