(અમેરિકામાં અત્યારે ટી.વી. જોનારાઓની ત્રીજી પેઢી ચાલી રહી છે. આધુનિક મનોવૈજ્ઞાનિકોએ વિશ્લેષણ દ્વારા જાણ્યું છે કે વધુ ટી.વી. જોનારા માતા-પિતાના બાળકોનું મસ્તિષ્ક (Brain) જન્મથી જ ખોડખાંપણવાળું હોય છે, જેમાં વિશ્લેષણ કરવાની શક્તિ ઓછી હોય છે અને જોવાની શક્તિ વધુ. એટલે જ અમેરિકામાં ટી.વી.ને બુદ્ધુ બનાવનારું સાધન (Idiot box) કહેવામાં આવ્યું છે. લેખક વિભિન્ન શોધખોળોને આધારે પ્રબુદ્ધ યુવા વર્ગને આ બુદ્ધુ બનાવનારા સાધનથી સાવધ રહેવા ચેતવે છે.)

દિન-પ્રતિદિન વિશ્વમાં જેમ વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીનો વિકાસ થતો જાય છે, તેમ સુખસગવડોનો વિસ્ફોટ થતો જાય છે અને મનુષ્યજાતિ પાંચ હજાર વર્ષમાં ન કલ્પેલ સુખોનો ઉપભોગ ક૨વા સમર્થ બની છે. પ્રથમ વાર માનવી ‘સુખી’ બન્યો છે.

પરંતુ, સમાંતરે, આ વિજ્ઞાને જ મનુષ્યની તાણ પણ વધારી છે. વિજ્ઞાનનો દુરુપયોગ થવાથી પ્રાણઘાતક શસ્ત્રો પણ શોધાયાં છે. બે વિશ્વયુદ્ધે તથા ઈરાક-યુદ્ધે વિજ્ઞાનનો બિહામણો ચહેરો પ્રગટ કરી દીધો છે અને માનવ જાતને હચમચાવી નાખી છે. અલબત, રશિયાના વિઘટન પછી વિશ્વમાં તુલનાત્મક રીતે શાંતિ સ્થપાઈ છે, પણ તેથી યુદ્ધ નહીં જ થાય તેવું નથી. હા કદાચ, શસ્ત્રોની ભયાનકતા જ યુદ્ધને અટકાવી રાખે છે. પણ જે દિ’ થયું, તે દિવસે પૃથ્વી ગણતરીની મિનિટોમાં ભસ્મીભૂત થઈ જવાની.

પણ એવું યુદ્ધ તો થાય ત્યારે. ત્યાં સુધી પણ માણસને બીજી રીતે પણ ખલાસ કરવા અનેક માર્ગો શોધાયા છે. અને મજાની વાત એ છે કે આ માર્ગો ‘વિકાસ’, ‘મનોરંજન’ને નામે ઓળખાય છે! હેતુ મનોરંજન તથા શિક્ષણનો છે, પણ તે હેતુ સિદ્ધ નથી થતો અને તે સાધનો મનને ખલાસ ક૨વામાં વ્યસ્ત થતાં જાય છે.

તેમાંનું એક સાધન તે ‘ટેલિવીઝન’.

પ્રતિદિન ટી.વી.ની પકડ સમગ્ર વિશ્વ પર વધતી જાય છે. ઉપગ્રહો દ્વારા ખૂણેખૂણામાં આ યંત્રનો પ્રભાવ પહોચ્યો છે. ઓકટોપસ જેમ તેનો ભરડો વધતો જાય છે. સમાજવિજ્ઞાનીઓ, ચિંતકો તથા કેળવણીકારો ચિંતિત થતા જાય છે.

શું ટી.વી. એટલું ભયંકર છે?

ના, તે આમ તો, આગળ કહ્યું તેમ, શિક્ષણ અને મનોરંજનનું ઉત્તમ સાધન છે. આજે તેના દ્વારા માહિતીનો જે ધોધ ઠલવાય છે, તેના પરિણામે જ્ઞાનમાં કલ્પનાતીત વધારો થાય છે. નાના ગામડાનો નિરક્ષર પણ વિશ્વના બનાવો વિષે જાણતો થયો છે, નાના ઝૂંપડાંમાં પણ જ્ઞાને પ્રવેશ કર્યો છે. બાળકો અને યુવાનો હવે ‘અપ-ટુ-ડેટ’ થતાં જાય છે. વૈશ્વિક સંસ્કૃતિ ઊભી થવા લાગી છે. વિશ્વ એક નાનું ગામડું બની ગયું છે. માનવનાં મન-બુદ્ધિની શક્તિ અમર્યાદિત થવા લાગી છે.

તો પછી ભયંકર શા માટે?

તેનો ખોટો ઉપયોગ. કોઈ પણ સાધન પોતે કઈ સારું ખરાબ નથી હોતું. પણ તે કોના હાથમાં છે તેના ૫૨ તેના ઉપયોગનો આધાર છે. ટી.વી. હવે ‘વેપારીઓ’ના હાથમાં છે. તેથી તેનું ‘વેપારીકરણ’ થતું જાય છે માટે તે નુકસાનકારક બનતું જાય છે. ખાસ કરીને બાળકો તથા યુવા વર્ગ માટે તો તે જોખમી બનતું જાય છે. સ્વીડનમાં તો એક નવો શબ્દ પ્રયોજાયો છે. ‘‘ટી.વી. ઘાયલ બાળકો.” માટે વિચારકો ચિંતામાં પડ્યા છે. તેના વિષે જે સંશોધનો થતાં જાય છે તે આંખ ઉઘાડે તેવાં છે.

ટી.વી.ની નુકસાનકારક અસરો ઘણી રીતે જોવા મળે છે.

પ્રથમ અસર દેખાય છે ‘સમય’ પર. હવે તો આખો દિવસ ટી.વી. ચાલુ રહે છે. પુષ્કળ ચેનલો કાર્યક્રમો આપે છે. પરિણામે બાળકો તથા યુવાનો તેના સામે વધારે કલાકો બેસવા લાગ્યાં છે. બાળકોના ડૉક્ટરોના સંગઠનના મંત્રી ડૉ. હરીશ ચેલાણીએ આ વિષે એક સંશોધન કર્યું છે. જેમાં તેમણે દિલ્હીનાં ૩૪૩ બાળકોની મોજણી કરી છે. તેમાં આ પાસાં વિષે તે જણાવે છે, ‘‘બાળકો રોજ સરાસરી સાડાત્રણ કલાક ટી.વી. જુએ છે.” પ્રગતિશીલ દેશોમાં તો બાળકો વધારે સમય ગાળે છે.

તેની બીજી અસરો પડે છે. ટી.વી.નું વ્યસન થતું જાય છે. ફિલ્મો, રમતગમત, જાહેરખબરો – આ બધાંનું એટલું આકર્ષણ થાય છે કે ટી.વી. સામેથી આંખ ખસતી જ નથી. તેનો નશો ચડે છે.

આની સીધી અસર બાળકના વિકાસ પર પડે છે. પ્રથમ તો તેના અભ્યાસ ૫૨ વિપરિત અસર પડે છે. અમેરિકાએ આ ‘ટીવી-વ્યસનીઓ’ પર જે સંશોધન કર્યું છે તેમાં કહે છે કે તેનાથી બાળકની વિચારવાની તથા પૃથકકરણ કરવાની શક્તિ ઘટે છે. ટી.વી. તૈયાર ઉકેલો આપે છે, જે વાસ્તવ જગતમાં ઉપયોગી નથી. પણ તેમને ‘આધારભૂત’ માની બાળક વર્તે છે. પરિણામે જાતે વિચારવાનું ટાળે છે. ડૉ. ચેલાણી કહે છે તેમ બે કલાકથી વધુ ટી.વી. સામે બેસવાથી શાળાકીય-વિદ્યાકીય પ્રવૃત્તિઓનો ભોગ લેવાય છે. બાળકો તથા યુવાનોનો શાળા-કૉલેજોમાં તથા અભ્યાસમાં રસ ઘટે છે. તેથી વિદ્યાકીય શ્રેષ્ઠત્વની ભાવના ઘટે છે. પરીક્ષામાં પરિણામો ૫૨ તેની અસરો નોંધાય છે.

ટી.વી. સામે સતત બેસી રહેવાથી અન્ય પ્રવૃત્તિઓ પર પણ અસર પડે છે. બાળ યુવા સમય દરમ્યાન જરૂરી છે હરવું – ફરવું – રમવું વ્યાયામ વગેરે. હવે બાળકનો સમય તો ટી.વી. ખાઈ જતું હોવાથી આ બધી પ્રવૃત્તિઓમાં ઘટાડો થાય છે. બાળક ટી.વી.માં દેખાતી રમતોમાં ખૂબ ૨સ લે છે, પણ જાતે તે શીખવા – રમવા કે ચેમ્પીયન થવાનું ટાળે છે. કસરતના દાવ જોતાં તે માણે છે, પણ કરતું નથી. કુદરતમાં હરવા-ફરવાનું બંધ થાય છે. તેથી તેની શારીરિક તાકાતમાં વધારો નથી થતો. આરોગ્ય પર તેની વિપરિત અસરો પડે છે. સતત જોવાથી આંખો પણ નબળી પડે છે અને મોટી વાત કે, બાળકની સંવેદનશક્તિ તથા અવલોકન -શક્તિ ઘટે છે.

આ અસરો કરતાં પણ જીવનને ખૂબ નુકસાન પહોંચાડે તેવી પાંચ અસરોથી ચેતવા જેવું છે.

પ્રથમ ‘કુટુંબ વ્યવસ્થા પર અસર’. જેટલો વધારે સમય ટી.વી. સામે વડિલો તથા બાળકોનો જાય છે, તેમ તેની અસ૨ કુટુંબ જીવન પર પડે છે. સમગ્ર વ્યવસ્થામાં પરિવર્તન આવે છે. આગળ કુટુંબનું જે રુટિન (routine) હતું તે તૂટે છે. હવે સમગ્ર દિનચર્યા પણ ટી.વી.ને આધારે ગોઠવાય છે. જાગવું-ભોજન-સૂવું-હળવું-મળવું – બધાને ટી.વી. અસર કરે છે. સંબંધો પર પણ તેની અસર પડે છે. વડિલો બાળકો વચ્ચે વાતચીત ઘટતી જાય છે. સંવાદિતા તૂટે છે. ભોજન વખતે પણ નજર ટી.વી. ૫૨ હોવાથી ત્યારે પણ વાતો નથી થતી, તથા સ૨ખું ભોજન પણ નથી થતું. સભ્યો વચ્ચે કૌટુમ્બિક અને અન્ય ચર્ચાઓ ઘટતી જાય છે. પરિણામે જે અભિવ્યક્તિ ખીલવી જોઈએ તે નથી વિકસતી. પરસ્પર જે ભાવો પ્રગટ થવા જોઈએ તેનું પ્રમાણ ઘટે છે. પરસ્પર સંબંધોમાં જળવાતી ઉષ્મા ઘટે છે. બાળકને ઘ૨માં બાજુમાં બેઠેલ વ્યક્તિ ટી.વી.ના સ્ટાર કરતાં પારકી લાગે છે, તેની તુલનામાં સામાન્ય પણ લાગે છે. મૈત્રી પણ ઘટે છે – મળવાના અભાવે! ઘરે આવતી વ્યક્તિઓ પણ નથી ગમતી – ટી.વી. જોવામાં ‘ખલેલ’ પહોંચાડતી હોવાથી! સમાજના સભ્યો વચ્ચે જાણે ઔપચારિક સંબંધો થતા જાય છે. હળવામળવાનું ઘટે છે. પરિણામે, ટી.વી. સિવાયના સમયમાં, એકલતાની અનુભૂતિ થાય છે.

બીજી ચેતવા જેવી બાબત છે – ‘‘વ્યાપારીકરણ”. ટી.વી.ની જાહેરાતોની જે પ્રચંડ તથા પ્રબળ અસર દેખાય છે તે ચિંતા પ્રેરે તેવી છે. જાહેરાતો કરનારા તો પોતાની વસ્તુને ગમે તે પ્રકારે ખપાવવા માગતા હોય છે. તેથી તેને આકર્ષક રીતે રજૂ કરે છે. તેઓ બાળકોને ધ્યાનમાં રાખી જાહેરાતો બનાવે છે, તેના મનનો શિકાર પહેલો કરે છે…હવે, બાળકો કે કિશોરોમાં (આમ તો પ્રૌઢોમાં પણ!) વિવેક શક્તિનો પૂરો વિકાસ થયો નથી હોતો. તે શ્રેયપ્રેયનો- જરૂરી બિનજરૂરી ભેદ નથી સમજતાં, તેથી પ્રચારાતી વસ્તુ તરફ સહજ રીતે આકર્ષાઈ જાય છે અને, બાજપાઈ કહે છે તેમ, ‘બાળકો જાહેરાતમાં આવતી દરેક વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખે છે, અને તેમાં સૌથી વધુ વસ્તુઓ મોજશોખની, અને તે પણ મોંઘી, હોય છે.’ તેને કારણે માતાપિતા ૫૨ આર્થિક બોજો વધી જાય છે. ઘ૨માં બિનજરૂરી વસ્તુઓ વધે છે. આરોગ્ય ૫૨ ૫ણ તેની વિઘાતક અસરો પડે છે. અને મન સતત ઈચ્છા તળે હોવાથી તાણમાં રહે છે!

તેનાથી પણ અણગમતી બાબત છે ટી.વી.ના કાર્યક્રમોની અસર. તેની બે અસરો છે. એક છે કે જે ફિલ્મો, કાર્યક્રમો, સીરીયલો વગેરે બતાવાય છે તેનું પૃથક્કરણ કરતાં જણાય છે કે તેમાં હિંસાની માત્રા ખૂબ હોય છે. આ દૃશ્યોની બાળ માનસ પર એટલી તીવ્ર અસર પડે છે કે તેનું માનસ હિંસાખોર બનતું જાય છે. તે આ દૃશ્યોની નકલ પણ કરે છે. સંશોધનો કહે છે કે ૫ થી ૧૦ વર્ષનાં બાળકોમાંથી ૫૮ ટકા તથા ૧૦ થી ૧૫ વર્ષનાં બાળકોમાંથી ૭૦ % બાળકો દૃશ્યોની નકલ કરે છે. સમગ્ર વિશ્વમાં હિંસાનું પ્રમાણ વધતું જાય છે. તેમાં ટી.વી.નો મોટો ફાળો ગણાય છે. ઘર-શાળા-જાહેરમાં મારફાડ- બડાઈ- ખૂન-ચોરી વગેરેના બનાવો તે પણ યુવાનો દ્વારા વધતા જાય છે! વ્યક્તિ પુખ્ત થતી જાય છે ત્યાં સુધી તો જાણે ‘આ’ દૃશ્યોથી ટેવાઈ જાય છે અને તેની ચામડી જાડી થઈ જાય છે. તે તેને સહજ લાગે છે. તેથી તેની સંવેદનશક્તિ બુઠ્ઠી થાય છે.

કાર્યક્રમોની બીજી અસર તો વધારે ચિંતાજનક છે, મોટા ભાગના કાર્યક્રમો પશ્ચિમથી આયાત કરેલા અથવા તેની નકલ રૂપે બનાવેલા હોય છે. આ કાર્યક્રમો ઉત્તેજક હોવાથી યુવા-માનસને જલ્દી અસ૨ કરે છે. તેથી એક બાજુ આ માનસ છીછરું થતું જાય છે તો બીજી બાજુ સંસ્કૃતિનાં મૂળિયાં હચમચી ઊઠે છે. આપણા દેશની જે ઉત્તમ બાબતો છે, પરંપરાઓ છે, તેની આ કાર્યક્રમો ઠેકડી ઉડાવે છે. તેથી તે પ્રત્યે ઉદાસીન બને છે. પરિણામે પોતાના વતનમાં તે પરાયું જીવન જીવે છે.

યુવા માનસને ખલાસ કરી નાખતી અને સૌથી જોખમી અસર એ છે કે ટી.વી. યુવા-માનસમાં ખોટા ખ્યાલો ઊભા કરે છે. જેમ વ્યાપારીકરણ કે હિંસાનો પ્રચાર થાય છે, તેમ જ સંબંધો, કાયદો, મૂલ્યો વગેરે વિષે પણ ખોટા ખ્યાલો ઊભા થાય છે.

આ બધામાં ભયાનક છે સ્ત્રી-પુરુષના સંબંધોનો ખ્યાલ. ટી.વી. ૫૨ જે કાર્યક્રમો કે જાહેરાતો આવે છે તેમાં બે વલણ જોવા મળે છે. (૧) સ્ત્રીઓ ઉપભોગની વસ્તુ છે. તેનું એક જ કામ છે કે શરીરની સુંદરતા પ્રગટાવવી, શરીરને જ મહત્ત્વ આપવાનું, સ્ત્રીનો પરિચય શરીર દ્વારા જ હોય અને તે ઉપભોગની બાબત છે. સ્ત્રીને પણ સંવેદન શક્તિ છે, બુદ્ધિ છે, પ્રતિભા હોય – તે વિષે કશું જાણવાની જરૂર નથી. સ્ત્રી એટલે માત્ર ચામડીનું રૂપાળાપણું એ જ સૂત્ર મનમાં ઠસે છે. પરિણામે યુવા માનસમાં સ્ત્રી વિષે એક ‘આદરભાવ’ ઊભો થવા બદલે ‘વસ્તુગત’ ખ્યાલ ઊભો થાય છે અને માતૃભાવ, બહેનભાવ, મૈત્રીભાવ વિકસતા જ નથી.

(૨) સ્ત્રી નબળી છે પુરુષ પર જ આધારિત છે – આ પુરુષગ્રંથીને કાર્યક્રમો મજબૂત કરે છે. કાર્યક્રમો આ ખ્યાલને ‘વટ’થી રજૂ કરે છે. પરિણામે સમાનતા, સ્વાતંત્ર્ય, આદર વગેરે મૂલ્યો વિકસતાં જ નથી.

આ બન્નેની અસર એ આવે છે કે જાતીય સ્વચ્છંદતાનો વિસ્ફોટ થયો છે. પરસ્પરનો બૌદ્ધિક કે ભાવનાત્મક આદર તૂટવાથી માત્ર શારીરિક સંતોષ જ મહત્ત્વનો બન્યો છે. જાતીયતા જાણે પ્રેમનો પર્યાય બન્યો છે અને પ્રેમનાં સૂક્ષ્મ તત્ત્વો, અનુભવો ગૌણ બની ગયાં છે. અને ‘આવો’ પ્રેમ મેળવવા બળાત્કા૨ ક૨વો પડે તો તે પણ માન્ય છે તે પુરુષ માનસમાં ઠસે છે. તેથી સ્ત્રી અસલામત બને છે.

વળી, સ્ત્રી પણ પોતાનું ‘સમગ્ર’ મૂલ્ય આંકવાને બદલે શારીરિક મૂલ્ય જ આંકે છે! બુદ્ધિશાળી સ્ત્રી થવા કરતાં મિસ ઈન્ડિયા કે મિસ યુનિવર્સ થવું વધુ પસંદ કરે છે. પૈસા ખાતર દેહનો ઉપયોગ કરવા પણ તૈયાર થઈ જાય છે…તેથી સ્ત્રી પુરુષ સંબંધો ડહોળાતા જાય છે. તેની અસર લગ્ન વ્યવસ્થા પર પથરાવા લાગી છે. છૂટાછેડાનું વધતું પ્રમાણ, બાળકોની એકલતા વગેરે તેનાં ચિહ્નો છે…અને આ બધાની સમગ્ર અસર એ કે સમાજમાં એક પ્રચ્છન્ન અવ્યવસ્થા થતી જાય છે.

આમ, ટી.વી. કેળવણીનું એક ઉત્તમ માધ્યમ હોવા છતાં તેના દુરુપયોગે તેને એક બોમ્બ કરતાં પણ જોખમી માધ્યમ બનાવ્યું છે. આજથી સો વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદની ચેતવણીને સતત યાદ અપાવે છે. સ્વામીજીએ કહેલ કે, “પવિત્રતા અને વિવેક વિનાનું જ્ઞાન અને શક્તિ માણસને શેતાન બનાવે છે.” ટી.વી. આ કાર્ય વફાદારીથી કરે છે.

ટી.વી.નો પ્રભાવ પ્રતિદિન વધવાનો છે. ત્યારે જો યુવા વર્ગમાં વિવેકશક્તિ ખીલવવામાં નહીં આવે, તેમને યોગ્ય કેળવણી નહીં આપવામાં આવે, તો ટી.વી. ભસ્માસુરનું કામ કરશે તેમાં શંકા નથી.

માટે યુવાનો! ટી.વી.થી સાવધાન!

Total Views: 213

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.