(21 જૂન, યોગદિન નિમિત્તે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજના વીડિયો પ્રવચનનો ગુજરાતી ભાવાનુવાદ. લિપિકાર છે શ્રી નલિનભાઈ મહેતા. -સં.)
આજના સમયમાં આધુનિક માનવ જીવનમાં શાંતિ શોધી રહ્યો છે. આબાલ-વૃદ્ધ, સ્ત્રી-પુરુષ, ગરીબ-ધનવાન બધાં જ તણાવભર્યું જીવન વ્યતીત કરી રહ્યાં છે. વિદ્યાર્થી જીવનમાં અભ્યાસનું ટેન્શન, પિતાને નોકરીનું તો માતાને ઘર-પરિવારનું ટેન્શન, વૃદ્ધોને સ્વાસ્થ્યનું ટેન્શન પરેશાન કરી રહ્યું છે. યુનેસ્કોના એક રીપોર્ટ મુજબ વિશ્વના સૌથી ધનવાન અને વિકસિત દેશોમાં સૌથી વધુ લોકો તણાવભર્યું જીવન જીવે છે. એ દર્શાવે છે કે માત્ર પૈસા દ્વારા આપણા જીવનમાં શાંતિ અને સુખ ન આવી શકે. H=Happiness અને M=Money હોય, તો H α M—પૈસાના પ્રમાણે સુખ વધતું રહે—એ સમીકરણ સાચું નથી. રોટી-કપડાં-મકાનની આવશ્યકતા પૂરી ન થાય ત્યાં સુધી પૈસા હોવા જરૂરી છે, આવશ્યક છે. એક સામાજિક વૈજ્ઞાનિકના સર્વે પ્રમાણે અમુક હદ સુધી પૈસા આવતા સુખનો ગ્રાફ ઉપર જાય છે. પરંતુ ત્યાર પછી વધુ પૈસા આવતા એ ગ્રાફ નીચે જવા લાગે છે, સુખ ઓછું થતું જાય છે. એટલે કે ખરેખર તો H α 1/M—વધુ પૈસા આવતા સુખ ઓછું થતું જાય—એ સમીકરણ સાચું છે. આવા સમયે કેટલાયે પ્રયત્નો કરવા છતાં જીવનમાં શાંતિ આવતી નથી, સમસ્યાઓનું સમાધાન નથી મળતું. કેટલાં પુસ્તકો, કેટલા વર્ગો—છતાં આ પરિસ્થિતિમાંથી મુક્તિ મળતી નથી.
એક વૃદ્ધાની સોય ખોવાઈ ગઈ. તે રડતી હતી. એક યુવાને આ જોયું અને તેને મદદ કરવા માટે પૂછ્યું કે સોય ક્યાં ખોવાઈ ગઈ. તે વૃદ્ધાએ કહ્યું કે બાજુના ઓરડામાં. યુવાન ગુસ્સે થઈ ગયો એટલે વૃદ્ધાએ કહ્યું કે એ ઓરડામાં અંધારું છે અને અહીં અજવાળું છે એટલે અહીં શોધું છું. આ આપણી વાર્તા છે. જો આખી જિંદગી સોય શોધ્યા કરીએ તો પણ સોય નહીં મળે. શાશ્વત શાંતિનો, શાશ્વત સુખનો સ્રોત આપણી ભીતરમાં જ છે અને આપણે તે શોધીએ છીએ બહાર; આધુનિક વાહનો, આધુનિક વસ્ત્રોમાં તેને શોધીએ છીએ.
કબીરે કહ્યું છે,
“મોકો કહાં ઢૂંઢે રે બંદે, મૈં તો તેરે પાસ મેં,
ખોજોગે તો અભી મિલુંગા, પલભર કી તલાશ મેં.”
વેદાન્તમાં પણ કહ્યું છે,
एष सर्वेषु भूतेषु गूढोऽऽत्मा न प्रकाशते।
दृश्यते त्वग्र्यया बुद्ध्या सूक्ष्मया सूक्ष्मदर्शिभिः॥
‘પ્રત્યેક મનુષ્યની અંદર—સત્-ચિત્-આનંદ સ્વરૂપ, અનંત સુખ, અનંત જ્ઞાન અને અનંત આનંદરૂપ એ આત્મા બિરાજમાન છે અને આપણે તેને શોધીએ છીએ બહાર.’
नित्योऽनित्यानां चेतनश्चेतनानामेको बहूनां यो विदधाति कामान्।
तमात्मस्थं येऽनुपश्यन्ति धीरास्तेषां शान्तिः शाश्वती नेतरेषाम् ॥
‘નિત્ય આત્માની ભીતર એક નિત્ય પરમાત્મા છે અને જે ચેતન-તત્ત્વ છે તેની ભીતર પરમ ચેતન-તત્ત્વ છે. એ પરમ ચેતન-તત્ત્વનું, પરમાત્માનું જેમણે દર્શન કર્યું છે, તેને જ પરમ શાંતિ પ્રાપ્ત થાય છે, બીજાને નહીં.’
પરંતુ આ પરમાત્માની પ્રતીતિ આપણને કેમ થતી નથી?
કારણ કે વચ્ચે અજ્ઞાનનો પડદો આવી ગયો છે.
ભગવાન શ્રીરામકૃષ્ણદેવે ભક્તો સાથે વાતો કરતાં કહ્યું, ‘જુઓ, મનુષ્ય-જીવનનું લક્ષ્ય છે ઈશ્વરપ્રાપ્તિ, પરમાત્માનું દર્શન કરવું તે. જો એ ન કર્યું તો આપણું મનુષ્ય-જીવન વ્યર્થ છે.’
‘પણ પરમાત્મા છે ક્યાં?’
‘પ્રત્યેક મનુષ્યના હૃદયમાં પરમાત્મા વસે છે.’
વળી આગળ કહે છે (ચહેરા પર ચાદર ઢાંકીને), ‘તમે મને જોઈ શકો છો?’
‘નહીં.’
‘તો શું હું નથી?’
‘ના, છો.’
‘તો કેમ જોઈ શકતા નથી?’
‘વચ્ચે ચાદર છે.’
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે—
ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुनतिष्ठति।
भ्रामयन्सर्वभूतानि यन्त्रारूढानि मायया॥
तमेव शरणं गच्छ सर्वभावेन भारत।
तत्प्रसादात्परां शान्तिं स्थान प्राप्स्यसि शाश्वतम्॥
‘હે અર્જુન! ભગવાન સર્વ જીવોના હૃદયમાં વસે છે. જેઓ ભૌતિક ઊર્જાથી બનેલ યંત્ર પર સવારી કરે છે, તેમની ક્રિયાઓ અનુસાર તે ભટકતા આત્માઓને માર્ગદર્શન આપે છે. હે ભારત! ફક્ત તમારા સમગ્ર અસ્તિત્વ સાથે સંપૂર્ણ રીતે તેમનો આશ્રય લો. તેમની કૃપાથી તમે સંપૂર્ણ શાંતિ અને તેમના શાશ્વત નિવાસને પ્રાપ્ત કરશો.’

કબીર કહે છે—
ઘૂંઘટ કા પટ ખોલ રે તોહે પિયા મિલેંગે,
કટૂક વચન મત બોલ રે તોહે પિયા મિલેંગે.
આ અજ્ઞાનનો પડદો કેવી રીતે ખૂલે?
સ્વામી વિવેકાનંદે આ પડદો હટાવવાના ચાર ઉપાયો બતાવ્યા છે. ‘રાજયોગ’ નામના તેમના ગ્રંથમાં સમગ્ર વેદાન્તનો સાર આપતાં તેમણે કહ્યું, “પ્રત્યેક મનુષ્યની ભીતર આ દિવ્યતા બિરાજમાન છે, પણ અવ્યક્ત રૂપમાં છે. મનુષ્ય-જીવનનું લક્ષ્ય છે તે અંતર્નિહિત દિવ્યતાને અભિવ્યક્ત કરવી.” કેવી રીતે કરી શકાય? ‘અન્તઃપ્રકૃતિને વશીભૂત કરીને. તેના ચાર ઉપાયો છે—રાજયોગ-ધ્યાન, ભક્તિયોગ-પ્રાર્થના, જ્ઞાનયોગ-સદ્ગ્રંથોનું અધ્યયન, કર્મયોગ-નિઃસ્વાર્થ સેવા. આ ચાર યોગોમાંથી એક કે તેથી વધુ કે ચારેય ઉપાયો દ્વારા તે અંતઃદિવ્યતાને અભિવ્યક્ત કરવી એ જ મનુષ્ય-જીવનનું લક્ષ્ય છે અને એ જ ધર્મનું સર્વસ્વ છે.’ બાહ્ય આડંબર—દેખાડો ખરાબ નથી પણ ગૌણ છે. દરેક યોગ સારો જ છે, પરંતુ બધા યોગોનો સમન્વય કરવો સર્વશ્રેષ્ઠ છે. કેમ કે, તેનાથી ચારેય યોગોનો લાભ મળે છે. જેમ કે, અમુક સમય ધ્યાન કરી, કર્મયોગમાં પ્રવૃત્ત થાઓ. કર્મયોગથી અભિમાન આવે તો ભક્તિયોગ (હું દાસ, જે કંઈ થયું તે ઈશ્વરની કૃપાથી થયું)નો સહારો લો. તેનાથી કર્મયોગનું ઝેર-અભિમાન નીકળી જાય. અતિ ભાવુકતાથી મૂર્ખતા ન આવે તે માટે જ્ઞાનયોગના શરણે જાઓ. અને માત્ર જ્ઞાનયોગથી શુષ્કતા ન આવે એ માટે તેમાં ભક્તિયોગ ભેળવી દો. સ્વામીજી કહે છે, ‘આપણી પાસે જે કંઈ છે, તે દરેકનો ઉપયોગ કરો. હાથ આપ્યા છે—કર્મ કરો (કર્મયોગ), મન આપ્યું છે—ધ્યાન કરો (રાજયોગ), બુદ્ધિ આપી છે—જ્ઞાનયોગ કરો, હૃદય આપ્યું છે—ભક્તિયોગ કરો.’ સ્વામીજી આને સમન્વયાત્મક યોગ કહે છે.
સ્વામીજીએ બનાવેલું રામકૃષ્ણ મિશનનું પ્રતીક પણ આ ચારેય યોગોનો સમન્વય સૂચવે છે અને એ પ્રતીકથી રામકૃષ્ણ મિશનનો ઉદ્દેશ સ્પષ્ટ થાય છે. સાપ છે તે કુંડલિની શક્તિ (રાજયોગ) સૂચવે છે, કમળનું પુષ્પ ભક્તિયોગનું સૂચન કરે છે, જળના તરંગો કર્મયોગ અને સૂર્ય જ્ઞાનયોગનું સૂચન કરે છે. વચ્ચે હંસ દર્શાવ્યો છે, જેની નીચે લખ્યું છે ‘तन्नो हंस: प्रचोदयात्’, અર્થાત્ ચારેય યોગોના સમન્વયથી પરમહંસની, પરમાત્માની પ્રાપ્તિ થાય છે. શાશ્વત શાંતિ પ્રાપ્ત કરવાના આ જ ઉપાયો દૈનિક જીવનમાં શાંતિ પ્રાપ્ત કરવા માટે પણ છે. વૈજ્ઞાનિકો પણ કહે છે કે રોજ પ્રાર્થના કરવાથી મનનો તણાવ દૂર થાય છે.
સ્વામીજીએ એક યુવકના કર્મયોગ વિષયક પ્રશ્નના ઉત્તરમાં કહ્યું હતું, “આંખો ખુલ્લી રાખો, બારી-દરવાજા ખોલી નાખો, આસપાસ જુઓ. કોણ ગરીબ છે, તેને અન્ન આપો; કોણ બીમાર છે, તેને દવા અને સારવાર આપો; કોણ દુઃખી છે, તેનું દુઃખ દૂર કરો; કોઈ અશક્ત વ્યક્તિને રસ્તો ઓળંગાવો. શ્રીમા શારદાદેવીએ પણ તેમના અંતિમ ઉપદેશમાં કહ્યું છે, “જો તમે શાંતિ ચાહતા હો, તો કોઈના દોષ જોશો નહીં. દોષ જોવા હોય તો પોતાના જુઓ. આ જગતમાં કોઈ પારકું નથી, બધા આપણા પોતાના છે.”
કબીર પણ આ જ વાત કહે છે—
બુરા જો દેખન મૈં ચલા, બુરા ન મિલિયા કોઈ;
જો દિલ દેખા આપના, મુજ સે બુરા ન કોઈ.
આમ, દૈનિક જીવનમાં શાંતિ મેળવવા માટે કોઈ પણ રીતે નિઃસ્વાર્થ ભાવે સેવા કરો, તમને તત્કાળ શાંતિ મળશે.
Your Content Goes Here





