(ગતાંકથી આગળ)
લૂંટપ્રસંગ પછી કિનારાના એક ગામે પટેલને ત્યાં રાત્રિવાસ કર્યો. ગામનો પટેલ કહેવાય એટલું જ, કશું મળે નહીં! નજીક-દૂરની ટાપરીઓમાંથી ભિક્ષા લાવી પટેલનાં વાસણોમાં ચૂલાની અગ્નિમાં પ્રસાદ બન્યો-લીધો. વીસમી સદી પૂર્ણતાને આરે છે અને હજી જંગલોમાં વસતી પ્રજા અંધકારમાં જ રહે છે. કેવી કરુણતા! મા નર્મદાની અસીમકૃપાનો અનુભવ એવો થયો કે ગરીબમાં ગરીબ આદિવાસી પણ ભિક્ષા આપે-ભલે તેનું પ્રમાણ અલ્પ હોય! આગળ જતાં મુસલમાન દુકાનદારે તો પર્યાપ્તમાત્રામાં સામગ્રી આપી! સાચી બિનસાંપ્રદાયિકતા તે આનું નામ! ઝલકન નદી સુધી લૂંટનો ભય રહે છે. તે પછી મહારાષ્ટ્ર રાજ્યની હદ છે. નર્મદા ડેમના કારણે ડૂબમાં જતાં કિનારાનાં ગામો ખાલી કરવામાં મદદરૂપ થવા આવેલી મહારાષ્ટ્રની પોલીસના કેમ્પ હવે શરૂ થયા. કેમ્પમાં અમારું સ્વાગત થતું. ચા તથા પ્રસાદ માટે પૂરતી સામગ્રી અને વાસણો મળવા માંડ્યાં. મા નર્મદાનાં દર્શન-સ્નાન-જલપાનથી આ એસ.આર.પી.ના જવાનોનાં હૃદય પણ ઉદાર અને દયાર્દ્ર થયાં છે! રાત્રે તેમના તંબુઓમાં નિવાસ. આમ, શૂલપાણિની ઝાડીમાં પણ મા નર્મદાએ અમને બન્ને સમય જમાડ્યા- ચા આપી! માઘમાસની ઠંડી ન લાગે તેવા કેમ્પના તંબુઓમાં નિવાસ આપ્યો! જયશ્રી નર્મદે હર.
માણિબેલી ગામ વટાવી દેવગંગા-નર્મદાના સંગમસ્થળે આવ્યા. ભગવાન શૂલપાણિનું પ્રાચીનમંદિર તો જલમગ્ન થયેલું છે. માત્ર શિખર જણાય છે. અહીં સ્નાન કરી મનોમન વંદના-પ્રાર્થના કર્યાં. અત્યંત વિકટ ગણાતી ઝાડીની યાત્રા આપની અસીમકૃપાથી જ પૂર્ણ થઈ. હવે ડેમ સામે જ દેખાય છે. ઝડપથી ચાલીને નવાગામમાં પ્રવેશવા કમર કસી. પરંતુ માર્ગ ઘણો ચઢાવ-ઉતાર અને વળાંકોવાળો તથા વિકટ હોવાથી રાત્રિનો અંધકાર ઊતરી આવ્યો છતાં પૂરો ન થયો. હવે માર્ગ સૂઝતો નથી. હવે મા નર્મદાને પોકાર્યા સિવાય છૂટકો નથી. ‘નર્મદે હર’ની ગર્જનાઓ સાંભળી ડેમ પરથી એક ભાઈએ આવીને અમને સલામત રીતે નવાગામમાં લાવી દીધા. જમવાની તથા રાત્રિ નિવાસની વ્યવસ્થા કરી દીધી! મા નર્મદા સિવાય આ પ્રબંધ બીજું કોણ કરે!
સાચે જ, ઝાડીમાંથી પસાર ન થાય તેની પરિક્રમા અધૂરી જ છે. સમગ્ર યાત્રામાં કપરામાં કપરી યાત્રા પણ આ જ છે; સાથે સૌંદર્ય પણ પાર વગરનું અહીં ભર્યું પડ્યું છે. પહાડીઓ એવી સીધી ચઢવા કે ઊતરવાની આવે કે મા નર્મદા જ એ તો પાર કરાવે! લૂંટના બહાને ભાર હલકો થયો ન હોય તો ચઢતાં-ઊતરતાં માણસ અવશ્ય પડે અથવા સામાન છૂટી જાય! છેક ધાર પાસે ઢોળાવવાળી ભેખડમાં ચાલવાનું આવે તે તો દોરડા પર ચાલતા નટ જેવું લાગે! એ તો મા નર્મદાની અહૈતુકી કૃપા જ છે કે અમે ઝાડીમાંથી સુખરૂપ બહાર નીકળી આવ્યા! એક વાતની નોંધ લીધી કે ઝાડીના આટલા લાંબા પટમાં ભાગ્યે જ કોઈ પક્ષી કે જળચર જોવા મળ્યાં! પહાડી જમીનમાં થતી ખેતીમાં શું પાકે? જંગલના માનવીઓનો આહાર આ પક્ષીઓ અને માછલાં વ. જળચર બન્યાં હશે!
ગોરા કોલોનીમાં નર્મદાતટે શ્રીશૂલપાણિ મહાદેવનું ભવ્ય નૂતન મંદિર બન્યું છે. મહાશિવરાત્રિના મંગલદિને દર્શન-પૂજનનું મહદ્ભાગ્ય સાંપડ્યું. કિનારે આવેલાં સદાવ્રતોમાંથી વસ્ત્ર, દવા વિ. મળ્યાં, આરામ મળ્યો. ઘણા લાંબા સમય પછી ગુજરાતી ભોજનનો સ્વાદ માણ્યો. મંદિરમાં પણ પ્રસાદ મળ્યો. કૃપા, કેવળ કૃપા. શૂલપાણિની ઝાડીની સમગ્ર યાત્રા દસ દિવસમાં પૂરી કરી. ના, મા નર્મદાજીએ પૂરી કરાવી! ઈતિ શૂલપાણિ ઝાડી યાત્રાવૃત્ત:!!
ગુર્જરભૂમિમાં પ્રવેશ આરંભે સુખદ રહ્યો. ગોરા કોલોનીથી તટના માર્ગે આગળ વધતાં સામા તટે પૂ.વાસુદેવાનંદજી સ્વામી મહારાજનું સમાધિ મંદિર અને પાકાઘાટવાળા ગરુડેશ્વરનું દર્શન થયું. મનોમન વંદન કરી ઉત્તરવાહિની નર્મદાના તટે રામપુરામાં ભગવાન રણછોડરાય-દશાવતાર-ના અલૌકિક સ્વરૂપનાં દર્શન કર્યાં. માંગરોળ પાસે તપોવન આશ્રમ દક્ષિણ ભારતીય સંતની તપશ્ચર્યાથી હમણાં દર્શનીય બન્યો છે. પુરાણ પ્રસિદ્ધ તીર્થ કુંભેશ્વર, હનુમંતેશ્વર, ભગવાન શુકદેવની તપોભૂમિ વ.નાં દર્શન કરતાં ઓરી ગામ પાસે આવેલા કોટેશ્વર-કૃપાલુ આશ્રમમાં આવી પહોંચ્યા. અહીંથી અખંડ ધૂન પ્રવર્તક શ્રી દગડુમહારાજના નિર્લોભી આશ્રમ, અસા થઈને પરમપાવની ગોદાવરી ગંગાના પવિત્ર જળનું માર્જન-આચમન કરી દિવ્યભૂમિ મણિનાગેશ્વરના શિવાલયે મુકામ કર્યો. ઝઘડિયા પાસે નર્મદાતટે જગદીશ મઢીનું સ્થાન પરિક્રમાપથમાં પ્રસિદ્ધ છે. અહીં સુધી સાગરની ભરતીનાં પાણીનો ધક્કો લાગતો હોવાથી કિનારાનો પ્રદેશ કાદવ-કીચડયુક્ત થતો રહે છે. આગળ જતાં પાણી ખારાં બનતાં હોવાથી હવે ઉપરનો માર્ગ છે. પુરાણોમાં વર્ણવેલાં અનેક તીર્થો, પવિત્ર કુંડ તથા તપઃસ્થલીઓ એ માર્ગ પર છે. કાવેરી સંગમ પાસે હનુમાનજીનું જાગ્રતસ્થાન ગુમાનદેવ, અંકલેશ્વરમાં રામકુંડ, આગળ જતાં પ્રકૃતિના વિચિત્ર ખેલ સમો બલબલાકુંડ, સિદ્ધરુદ્રકુંડ વ. નાં દર્શન કરતાં હાંસોટ થઈને કતપોર રેવાસાગર સંગમે આવી પહોંચ્યા. અમરકંટકથી અહીં સુધીની લગભગ ૧૪૦૦ કિ.મી. ની યાત્રા કુલ ૧૨૬ દિવસમાં પૂર્ણ થઈ.
કતપોરની પાસે વિમલેશ્વર અંતિમ તીર્થ. તેનાં દર્શન કર્યાં. પરિક્રમાવાસીઓ ઠીક સંખ્યામાં થતાં નાવ છૂટતી હોય છે. ગામમાં સદાવ્રત-ધર્મશાળા વ. છે. હવે અહીંથી સાગર ઓળંગી સામા તટે પહોંચવાનું છે. પવનની મદદથી સઢ દ્વારા ચાલતી હોડીમાં સવારે નવની આસપાસ સહુ ગોઠવાયા. ‘નર્મદે હર’ની ગર્જના સાથે હોડી દ્વારા યાત્રારંભ થયો. મધ્યપ્રદેશમાં સાગરતટ ન હોવાથી તે પ્રદેશના યાત્રીઓ વિસ્ફારિત નયને નર્મદા-સાગરનો વિશાળ જળરાશિ જોઈ ભયભીત થઈ રહ્યા છે! અખંડ હરિનામ સંકીર્તન થવા માંડ્યું. અધવચ્ચે સંગમ સ્થળ આવતાં નાવિકની સૂચનાનુસાર મા નર્મદા તથા સાગરદેવનાં યાત્રિકોએ પૂજા-પ્રાર્થના, આરતી, શ્રીફળ અર્પણ, દક્ષિણા વ. વિધિ કરી ધન્યતા અનુભવી. પવન અટકી જતાં હોડીની ગતિ પણ રોકાઈ ગઈ. સાગરમાં ચાલ્યા કરતી ભરતી-ઓટના વિધવિધ પ્રવાહ તથા અનંત જળરાશિ માનવમનને મુગ્ધ કરે છે. વાયુદેવતાની કૃપા તથા નાવિકોનાં બાવડાંના બળે અંતે લગભગ નવ કલાક પછી સામા તટે નાવ પહોંચી. સુખરૂપ સાગર પાર ઊતરતાં જાણે ભવસાગર તર્યા હોય તેવી લાગણી સહુએ અનુભવી! મા નર્મદાને પુનઃ પુનઃ વંદન કરી મીઠીતલાઈ પાસેના કૃષ્ણાનંદ આશ્રમે આવ્યા. આવતાં જ ચા મળી, સદાવ્રત વહેંચાયું. આરામ.
હવે અહીંથી મા નર્મદાના ઉત્તરતટની યાત્રાનો પુનઃ આરંભ થશે. છેક ભરૂચ સુધી નર્મદાનીર ખારાં તથા તટ કીચડયુક્ત હોવાથી ઉપરનો જ માર્ગ છે. હરિકા ધામ, દહેજ-દધીચિ આશ્રમ, ભાડભૂત આદિ તીર્થોમાં થઈને મહાતીર્થ ભૃગુક્ષેત્ર-ભરૂચમાં પ્રવેશ કર્યો. અહીં ઘણા લાંબા સમય પછી યથેચ્છ નર્મદા સ્નાન-જલપાનનો લહાવો લીધો. જ્યારે-જ્યારે મા નો કિનારો છોડી ઉપરના માર્ગે ચાલવાનું થાય છે ત્યારે જાણે કે મનમાં ગમતું નથી- એક પ્રકારનો અભાવ સતત સાલે છે. તટની યાત્રામાં તો જાણે મા આપણો હાથ પકડી આપણી સાથે ચાલતી આપણને યાત્રા કરાવી ન રહી હોય તેવી અલૌકિક અનુભૂતિ સતત થયા કરે! અહા! મા નો સદા જય હો! ભરૂચ મોટું નગર હોવાથી પ્રાચીન-અર્વાચીન અનેક તીર્થો-મંદિરો, આશ્રમો, ધર્મશાળા, સદાવ્રત આદિ છે. અમરકંટક અને ભરૂચ આ બે સ્થળે એકવીસ દિવસ નિવાસ કરવાનો મહિમા છે. આવાં દિવ્ય સ્થળો આજે ભલે આપણને બાહ્ય રીતે કલુષિત લાગતાં હોય પણ તેમનો દિવ્ય પ્રભાવ હજી પણ અક્ષુણ્ણ છે જેની પ્રતીતિ સાચા સાધકને થયા સિવાય રહેતી નથી. (ક્રમશઃ)
Your Content Goes Here




