(ગતાંકથી આગળ)
સવારે બ્રાહ્મમૂહર્તમાં ૪-૦૦ની આસપાસ જાગ્રત થઈ નિત્ય કર્મથી નિવૃત્ત થઈ, સ્નાન-ધ્યાન કરીને જ આગળ ચાલવાનું. સોળ ઉપચારથી થતી દેવપૂજાવિધિમાં પરિક્રમા પણ છે. તેથી મા નર્મદાની પરિક્રમા પૂજા હોવાથી સ્નાન કર્યા વિના આગળ વધાય નહીં. ગરમીના સમયમાં સવારે સાડા આઠ કે સુધી ચાલીને નિર્ધારિત સ્થળે પહોંચી જતો. પુન: સ્નાન કરી પાઠ-પૂજા કર્યા બાદ યા પૂર્વે પ્રસાદ વ્યવસ્થા કરી લેતો. પાઠપૂજાથી નિવૃત્ત થઈને પ્રસાદ ગ્રહણ કર્યા પછી આરામ. સાયંકાલે સ્નાન-ધ્યાન-જપ કર્યા બાદ રાત્રે શયન. પરિક્રમામાં એકવાર ભોજનનો નિયમ છે. શક્ય હોય તો સાંજે હા પી લેતો, જે મોટે ભાગે મળતી જ. મંડલાનગર વટાવ્યા પછીના જંગલપ્રદેશનાં અત્યંત નાનાં ગામોમાં દૂધ વગરની મળતી.
મારી યાત્રા દરમિયાન જૂનમાસના આરંભમાં વાદળો ઘેરાયાં ને વર્ષારાણીએ પધરામણી કરી. આથી ગરમીમાં રાહત થઈ. આ વર્ષે અસહ્ય ગરમી હતી ને ભયાનક લૂ ચાલી હતી. આ બાજુના પ્રદેશોમાં તેનો ભારે પ્રકોપ હતો. રાત્રિનિવાસ માટેની જગ્યાઓ મોટે ભાગે ખુલ્લી- ઘાટ પર, ચોતરા પર યા કોઈના મકાનના ઓટલા પર રહેતી. છેવટે ‘તરુતલવાસ’ તો ખરો જ! તેથી ગ્રીષ્મના દિવસો ‘‘પરિણામરમણીયા:’’ કહ્યા છે તેમ રાત્રિઓ આનંદમાં વીતતી. વરસાદ શરૂ થયા પછી કાર્યક્રમ બદલ્યો. હવે સાંજે પણ થોડું ચાલવાનું રાખ્યું. આયોજન પ્રમાણે ચૈત્રી નવરાત્રિ નેમાવરના સિદ્ધક્ષેત્રમાં તથા ચાતુર્માસ આમ્રકૂટ-અમરકંટકમાં કરવાનો છે. ફાગણમાસની અમાવાસ્યાએ નેમાવરમાં પ્રવેશ્યો ત્યારે અહીં કિનારા પર ભારે મેળો ભરાયેલો હતો જે રાત્રે પડેલા તોફાની વરસાદને કારણે અસ્તવ્યસ્ત થઈ ગયો હતો. મધ્યપ્રદેશનાં નર્મદાતટનાં કેટલાક ગામોમાં અમાવાસ્યાનો મહિમા ઘણો જોવા મળ્યો. અહીંના પ્રસિદ્ધ ‘બ્રહ્મચારી આશ્રમ’માં દસબાર દિવસ રોકાવાની અનુમતિ મળી ગઈ. મારું મહદ્ભાગ્ય કે નર્મદાના નાભિક્ષેત્ર તથા ભગવાન સિદ્ધનાથના સાન્નિધ્યમાં નવરાત્રિમાં માનાં ગુણગાન ગાવાનો મહામૂલો અવસર મળ્યો. આશ્રમમાં રાત્રિએ બે કલાક સુધી થતા તુલસી-રામાયણ ગાન વ.થી અનેરો આનંદ આવ્યો. ગામમાં ‘પ્રેતરાજ મંદિર’ જોઈને નવાઈ લાગી! ઓમકારેશ્વરથી શરૂ થયેલો ઝાડી પ્રદેશ અહીં પૂર્ણ થયો; હવે છેક મંડલા સુધી મેદાની પ્રદેશ છે.
નર્મદાતટે જંગલોનાં બન્ને સ્વરૂપ જોયાં-શુષ્ક અને લીલાંછમ. ઓમકારેશ્વરની ઝાડી તથા લક્કડકોટનું ભયાનક જંગલ જે ભર ઉનાળામાં પસાર કર્યાં તે તદ્દન સૂકાં, છાયારહિત, જલહીન અને જનહીન. લક્કડકોટનું ચોવીસ કિ.મી.નું જંગલ એકીશ્વાસે પસાર કરવાનું હોય છે. તેમાં વચ્ચે ક્યાંયે ગામ, વિશ્રામ કે પાણી લગભગ નથી. તદુપરાત વાઘ, રીંછ, જંગલીપાડા, વ. જેવાં વન્યપશુઓનો ભય છે.
હરણો અને વાંદરા તો છે જ. પરંતુ અમને તો સસલું પણ જોવા મળ્યું! સવારના પાંચથી અગિયાર સુધી સતત છ કલાક ચાલવાનું અને તે પણ જંગલના અડાબીડ માર્ગે! જંગલમાં ટ્રકનો કાચો રસ્તો ઝીણી કાંકરીથી છવાયેલો છે ખરો, પણ તે લાંબો હોવાથી ‘નર્મદે હર’ કરીને પગદંડી પકડીને જંગલમાં ઘૂસવું જ પડે. ક્યાંયે માણસ કે પશુનું નામનિશાન ન મળે. જ્યાં બે-ચાર પગદંડી ભેગી થાય ત્યાં ભારે સમસ્યા. પૂછવું કોને? અંતર્યામી દેવતાના ભરોસે જ ‘નર્મદે હર’કરીને ચાલવું પડે. છતાંયે ક્યાંયે ભૂલા પડ્યા વિના કે ક્યાંયથી પાછા વળ્યા વિના સીધા જંગલ બહાર! આ છે મા નર્મદાનો અપ્રતિહત પ્રભાવ!
મંડલાનગર વટાવ્યા પછીનાં જંગલોમાં વરસાદ પડી ચૂક્યો હોવાથી લીલાં તથા રમણીય હતાં. ગાઢ જંગલનાં ઊંચા-ઊંચા વૃક્ષો જાણે કે આકાશને સ્પર્શવા ઊંચી કરેલી પૃથ્વીની ભુજાઓ ન હોય તેવાં લાગતાં હતાં. ઘડીકમાં દૂર તો ઘડીકમાં તદ્દન નજીક આવી જતા ભૂરા પહાડો, લીલી ગીચ ઝાડી અને લાલ રંગની ભૂમિ-જાણે કે રંગોનો ત્રિવેણી સંગમ! આ ઘનઘોર જંગલોમાંથી એકાકી પસાર થયો. કશો જ ભય નહીં.
બસ, આનંદ જ આનંદ! તદ્દન નિર્જન પ્રદેશમાં મળે પણ કોણ? પહાડો જોઈને ‘નર્મદે હર’ની ગર્જના કરી તેના પ્રતિધ્વનિની મોજ માણતો ચાલતો રહ્યો. ‘અરણ્યરુદન’ની જેમ ‘અરણ્યગર્જન’ પણ પ્રતિભાવરહિત! માર્ગચ્યુત થવાય તેવા પ્રસંગે અણધારી રીતે વનવાસી ચા ગોવાળ મળી જઈ માર્ગદર્શન કરે, જ્યાં ઘડી પહેલાં કોઈ જ ન મળે! મનમાં એમ થાય કે મા નર્મદા તો એ સ્વરૂપે નહીં હોય? મનોમન પ્રણામ કરતો. વહેલા આવી પહોંચેલા વરસાદની શુભ-અશુભ અસરો અનુભવી. વાતાવરણમાંથી ગરમી ઘટી ને સાંજે પણ ચાલવાનું શક્ય બન્યું તે શુભ. વળી, જોગી ટેકરિયાથી સોપારીના ટુકડા જેવી લાલરંગની ધારદાર કાંકરીવાળો માર્ગ- જે પગને રક્તરંજિત કરી દે તેવો છે અને પગે કપડું વીંટાળવું પડે તેવો કઠિન છે- વરસાદ પડવાથી માટી મિશ્રિત થતાં કાંકરી ચોંટી જવાથી, તેની પગમાં ખેંચવાની ક્ષમતા ઘટતાં મારા માટે તે લગભગ સરળ બની ગયો. પ્રત્યેક પરિક્રમાવાસીની આ માર્ગ કપરી કસોટી કરે છે. અમરકંટક સુધીનો આ પ્રદેશ ‘મુંડા મહારણ્ય’ કહેવાય છે.
સાચે જ વરસાદનો અને તેની પ્રેરક મા નર્મદાનો જ આ મહિમા છે. વરસાદની અશુભ અસર એ થઈ કે માર્ગમાં ચીકણા કાદવમાં નૃત્ય કરવું પડ્યું! નદીઓ ઓળંગતા હિંમત રાખવી પડી! મા નર્મદામાં પૂર આવતાં-ઉતરતાં કાંઠો કાદવવાળો થતાં ઉપરનો માર્ગ પકડવો પડ્યો! છતાં એકંદરે કોઈ પણ પ્રકારની ક્ષતિ- શારીરિક કે માનસિક- સિવાય સમગ્ર પદયાત્રા સફળ રહી. મા નર્મદાની તેના આ બાળક પ્રત્યેની વાત્સલ્યમયી મમતાથી જ આ શક્ય બન્યું. કેટલીક વાર એવો અનુભવ થતો જાણે હું હવામાં અદ્ધર ચાલું છું. જાણે કે મને ગોદમાં લઈને મા ચાલી રહી છે! એક દિવસમાં જંગલમાર્ગે એકધારું અઢાર-વીસ કિ.મી. ચાલવા છતાં જાણે થાક જ નથી! અરે ખબર પણ ન પડે. સમય જોતાં જણાય છે કે ચાર-પાંચ કલાક થઈ ગયા ને હું જંગલનાં નાનાં ગામ પર ગામ વટાવતો સ્ફુર્તિયુક્ત થઈ ચાલ્યા જ કર્યો હોઉં!
ઘોર જંગલમાં દમગઢનો પહાડ વટાવી બીજી દિશાએ ઉતરતાં કપિલધારાનું અતિરમ્ય સ્થાન છે. લગભગ સો-સવાસો ફૂટ ઊંચેથી બે મોટી જળધારારૂપે મા નર્મદાએ ઊંડી ખીણમાં કૂદકો માર્યો છે. અહીં કપિલાશ્રમ-કપિલેશ્વર તીર્થ છે. ચારે બાજુ લીલાંછમ ગીચ જંગલો છે. નર્મદાતટનાં રમણીય સ્થાનોમાંનું આ એક શ્રેષ્ઠ સ્થાન છે. સરકારે પણ વિહારસ્થળ તરીકે તેને વિકસાવવા માંડ્યું છે.
નીચે ખીણમાં બીજો નાનો જલધોધ- દો ધારા છે અને તેની પાસે દુર્વાસાગુફા છે. કેવાં કેવાં પ્રાકૃતિક રમણીય સ્થાનો આપણા ઋષિ-મુનિઓએ પોતાની તપોભૂમિ માટે પસંદ કર્યા છે તે જોઈને સાશ્ચર્ય આનંદ થાય છે! હવે અહીંથી અમરકંટક છ કિ.મી. દૂર છે. આ બાજુનાં જંગલોમાં રીંછનો ભારે ઉપદ્રવ છે, ક્વચિત્ વાઘનો ભય પણ રહે છે. આવા જંગલોમાંથી પગે ચાલીને એકાકી તથા નિઃશસ્ત્ર પસાર થવું કેટલું જોખમકારક છે! ભગવાન શ્રી ગુરુનારાયણની અનહદકૃપાથી જ બધું શક્ય બન્યું છે. એકમાત્ર તેમને શરણાગત રહેવામાં જ આપણી સલામતી છે, તેનો મોટો અનુભવ ફલશ્રુતિ છે. થયો, તે આ યાત્રાની મોટામાં મોટી ફલશ્રુતિ છે.
ઓમકારેશ્વરથી અમરકંટક સુધીના માર્ગમાં અનેક રમણીય અને મનમોહક સ્થળો જોયાં- પતયઘાટનું નૂતન શિવમંદિર, બ્રહ્માંડઘાટે મા નર્મદાનો વિશાળ જળરાશિ, ધૂઆંધારનો સુપ્રસિદ્ધ જળપ્રપાત, ભેડાઘાટમાં રંગ- બેરંગી આરસની ખીણોમાં લીલાં-ભૂરાં જળની અનેકવિધ રમણાઓ આદિ અવિસ્મરણીય છે અને હવે અમરકંટક. મા નર્મદાનું ઉદ્ગમ સ્થાન-નર્મદોત્રી. સાગરથી ૩૫૦૦ ફૂટ ઊંચે આવેલા આ પર્વતીય નગરનો રંગ લીલો છે! જ્યાં નજર કરો ત્યાં સર્વત્ર ઊંચાં-ઊંચાં ઘટાદાર લીલાં-લીલાં વૃક્ષો જ વૃક્ષો. પ્રાચીનકાળથી તપોભૂમિ તરીકે પ્રસિદ્ધ હોવાથી અહીં અનેક તપસ્યાસ્થાનો, આશ્રમો, મંદિરો, ધર્મશાળા, સદાવ્રત આદિ છે. વિન્ધ્યાચળના એક વિભાગ મેકલપર્વત પર હું આવ્યો છું. મા નર્મદાનું એક નામ ‘મેકલસુતા’ છે જે પ્રસિદ્ધ છે. આ પહાડની ઊંચાઈનો ખ્યાલ તો ત્યારે જ આવ્યો કે જ્યારે પૂર્વદિશામાં લગભગ ૩૬૦ ફૂટ ઊંચેથી પડતા શોણનદના જળપ્રપાતનું દર્શન કર્યું. નીચે ઊંડી ખીણોમાં દૂર દૂર સુધી ગાઢ અરણ્ય ફેલાયેલું છે. ‘માઈકી બિગયા’ના સ્થાને આ પ્રાકૃતિક સુષમા માણવા જેવી છે.
અહીંના પ્રસિદ્ધ ‘કલ્યાણ આશ્રમ’માં ચાતુર્માસ નિવાસ થયો. નર્મદા તટ પ્રદેશમાં અહીંની સાધુસેવા અદ્વિતીય છે. ઉદાસીન સંપ્રદાયના સંત શ્રીકલ્યાણદાસજી તેના અધિષ્ઠાતા છે. અનેક મંદિરોનું સંકુલ, સંતનિવાસ, છાત્રાવાસ, ગૌશાળા, સુસજ્જ હોસ્પિટલ, આધુનિક સુવિધાયુક્ત યાત્રીનિવાસો- આ આશ્રમની શોભા છે. હિમાલયનાં દુર્ગમ સ્થળો ગંગોત્રી જમનોત્રીની યાત્રા કરતા ગુજરાતીઓ આ નર્મદોત્રીની યાત્રાની કેમ ઉપેક્ષા કરતા હશે! આ સ્થળ ઊંચાઈ પર હોવાથી પ્રત્યેક ૠતુમાં અહીંનું વાતાવરણ ખુશનુમા જ રહે છે. અમરકંટક સિવાય અહીં આજુબાજુ અનેક રમણીય સ્થાનો-વાલેશ્વર, અમાનાલા, ભૃગુમંડલ, માઈકી અગિયા આદિ દર્શનીય છે.
નર્મદાના ઉત્તરતટનું વર્ણન પ્રાચીન કાળમાં કવિ ૠષિઓએ અનેક રીતે કરી તેનો મહિમા ગાયો છે. સંસ્કૃત સાહિત્યના પ્રસિદ્ધ કવિઓએ પણ તેના સૌંદર્યનું પાન કરી પોતાની વિલક્ષણ પ્રતિભાથી કાવ્યોમાં તેને અમરત્વ આપ્યું છે. ધાવડીકુંડથી આગળ વધતાં ટેકરા પરના મુકામ પરથી નર્મદા દર્શન કરતાં તેના પ્રવાહમાં નાનાં-મોટાં અનેક વૃક્ષો દેખાયાં. આશ્ચર્ય થયું! પૂછતાં જાણ્યું તે જાંબુના વૃક્ષો છે. તત્ક્ષણ કવિકુલગુરુ કાલિદાસના ‘મેઘદૂત’ની કાવ્યપંક્તિ સ્મરણપટ પર ધસી આવી ‘જંબુકુંજપ્રતિતરય:’ અર્થાત્ જાંબુનાં વૃક્ષોની ઝાડીથી જેના પ્રવાહની ગતિ રોકાઈ છે તે નર્મદા…! અહા! દોઢ-બેહજાર વર્ષો પૂર્વે કવિએ જોયેલા દશ્યને હું આજે જોઈ રહ્યો છું! પછી તો આગળ અન્ય સ્થળોએ પણ પ્રવાહમાં આવી જંબુકુંજો નિહાળી. મહેશ્વરનગર પાસેની સહસ્રધારાનું દશ્ય પરમ રમણીય અને ચિત્તાકર્ષક છે. એક ઊંચા ટેકરા પરના શિવાલયના ઓટલા પરથી માણેલું સૌંદર્ય અવિસ્મરણીય છે. ‘મેઘદૂત’માં તેનું વર્ણન છે ‘રેવાં દ્રસિ ઉપલવિષમે વિન્ધ્યપાદે વિશીર્ણામ્ ।. ભૂતિમંગે ગજસ્ય।।’ અર્થાત્ ‘હૈ મેઘ! વિંધ્યાચળના તલપ્રદેશમાં ઊંચા-નીચા કાળા ખડકોને લીધે વેરવિખેર થઈ અનેક ધારાઓમાં વહેતી રેવાને તું હાથીની કાયા પર દોરેલી ચિત્રકારીસમી જોઈશ.’ કાળા રંગના ખડકો હાથી અને શ્વેત જળધારાઓ તે ચિત્રકારી. કલ્પના ચક્ષુથી આકાશમાં રહીને નિહાળેલું દશ્ય કેવું તાદશ છે! અમરકંટકને પણ કવિ ભૂલ્યા નથી. ચારે બાજુ આંબાનાં વૃક્ષોથી છવાયેલા આ પર્વતને તેમણે ‘આમ્રકૂટ’ કહ્યો છે. કાલિદાસનો મહિમા વિશ્વમાં આજે પણ છે તે તેમની આવી ક્રાન્તદર્શી પ્રતિભા તથા કાલજયી કૃતિઓના કારણે છે-ઈતિ કાવ્યવિનોદ. (ક્રમશ:)
Your Content Goes Here




