શ્રાવણ માસમાં તીર્થના પુરોહિત-પંડાઓ ત્રણ-ચાર સમૂહમાં વહેંચાઈ જઈને દૂર સુદૂરના પહાડ-જંગલોમાંની રાખ ચાળે છે અને સંક્રાંતિ તથા પ્રત્યેક શ્રાવણી સોમવારે તેઓ અણિદાર અક્ષુણ્ણ સુંદર બિલ્વપત્રોને રજતથાળમાં સજાવીને પરસ્પર સ્પર્ધા યોજે છે.
(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીની ધારાવાહિકરૂપે પ્રકાશિત બોલ-બમની યાત્રા સંસ્મરણનો આ ત્રીજો લેખ છે. – સં.)
પહેરેલાં વસ્ત્રો પલળેલાં હતાં તેથી તે દિવસે માત્ર મા પાર્વતી મંદિરનાં દર્શન કરીને હું મિત્રો સાથે પાછો ફર્યો. પટનાવાળા મિત્રે આ દરમિયાન પટનાની વાટ પકડી હતી. બીજા દિવસે સોમવાર હતો- બાબાનો વિશેષ દિવસ. તેથી અત્યધિક ભીડ હોય તે સ્વાભાવિક જ હતું. મંદિરની અંદર પ્રવેશવાનો તો કોઈ પ્રશ્ન જ ન હતો. સાંજના વખતે ત્યાં જઈને અન્ય ૨૧ મંદિરોનું પરિદર્શન કર્યું- જગજ્જનની, ગણેશ, ચતુર્મુખ બ્રહ્મા, સંધ્યા(કામાખ્યા), કાલ ભૈરવ, હનુમાન, મનસા, સરસ્વતી, સૂર્ય, મા બગલાદેવી, રામ-લક્ષ્મણ-જાનકી, ગંગા-જાહ્નવી, લક્ષ્મી-નારાયણ, ભૈરવ, ગૌરીશંકર, નર્મદેશ્વર મહાદેવ, તારા, કાલી, અન્નપૂર્ણા, નીલકંઠ તથા નંદી વૃષભ બસહા. કાલ ભૈરવની મૂર્તિ ભગવાન બુદ્ધની મૂર્તિ જેવી જ લાગી.
સજાવેલાં બિલ્વપત્રોનું પ્રદર્શન પણ જોવા મળ્યું. સાંભળવા મળ્યું કે શ્રાવણ માસમાં તીર્થના પુરોહિત-પંડાઓ ત્રણ-ચાર સમૂહમાં વહેંચાઈ જઈને દૂર સુદૂરના પહાડ-જંગલોમાંની રાખ ચાળે છે અને સંક્રાંતિ તથા પ્રત્યેક શ્રાવણી સોમવારે તેઓ અણિદાર અક્ષુણ્ણ સુંદર બિલ્વપત્રોને રજતથાળમાં સજાવીને પરસ્પર સ્પર્ધા યોજે છે. જે સમૂહની જીત થાય છે તેને પંડા-સમાજ અને બિલ્વપત્રના દર્શનાર્થીઓ તરફથી પ્રચુર માત્રામાં પ્રશંસાપુષ્પો પ્રાપ્ત થાય છે.
તે રાત્રે રામકૃષ્ણ મિશન વિદ્યાપીઠના શિક્ષક શ્રી દુર્ગાચરણ ઝા ‘દુર્ગેશ’ (જેઓ વૈદ્યનાથ નિર્દેશિકાના સંચાલક પણ છે) સાથે બાબા વૈદ્યનાથ મંદિરની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ સંબંધિત વાતચીત થઈ. વિદ્વાનો મધ્યે આ મંદિરની પ્રાચીનતા અંગે અનેક મતભેદ છે. લોકવાયકા છે કે આ મંદિર ભગવાન વિષ્ણુના દેવશિલ્પી વિશ્વકર્મા દ્વારા નિર્મિત થયું છે. મંદિરમાં મળી આવેલા એક શિલાલેખમાં લખ્યું છે કે પૂરણ રાજાએ ૧૫૧૭ શાકેમાં (અર્થાત્ ૩૮૩ વર્ષ પૂર્વે)આ મંદિરનું નિર્માણ કરાવડાવ્યું. અન્ય એક શિલાલેખ અનુસાર મધ્ય ખંડમાંના પ્રવેશદ્વાર પર ગિદ્ધૌર નરેશ રાવણેશ્વર પ્રસાદસિંહે પિત્તળના મજબૂત પાટ લગાવડાવીને એવા દાવાનો ઉલ્લેખ કર્યો -‘मदीय वंशे निमित्तो्ऽत्र वैद्यनाथ मंदिरे…।’ કેટલાક વિદ્વાનો આ મંદિરની ભવ્યતા, વિશાળતા તથા શિલાઓની પ્રાચીનતા જોઈને ગિદ્ધૌર રાજવંશવાળાઓના દાવાનો અસ્વીકાર કરે છે. હોઈ શકે છે કે મહારાજા પૂરણે માત્ર મધ્યખંડ અને ગર્ભગૃહનું નિર્માણ કરાવડાવ્યું હોય અને બાકીનો હિસ્સો એથીય પ્રાચીન હોય. આ સંદર્ભમાં ‘દુર્ગેશ’જીએ ચંદ્રકાંત મણિનો ઉલ્લેખ કર્યો. સન ૧૯૬૨માં જ્યારે શિવજી પરનો ચંદરવો ખોલીને સર્ચ લાઇટ દ્વારા જોવામાં આવ્યું ત્યારે મંદિરના અંદરના પ્રકોષ્ઠમાં શિખર નીચે આવેલ આ મણિની ભાળ મળી. ચતુર્પાર્શ્વ આકારમાં અષ્ટદળ કમળ વચ્ચે આવેલ આ લાલ લઘુખંડના પરીક્ષણ દ્વારા કહેવાય કે પ્રતિ મિનિટે અતિ શીતળ જળનું એક ટીપું બરાબર બાબાના મસ્તક પર પડે છે. ‘દુર્ગેશ’જીનું માનવું છે કે મંદિરનું નિર્માણ રાવણે જ કરાવ્યું હશે. આના સમર્થનમાં તેમણે એક શ્લોક ઉદ્ધૃત કર્યો કે જે તેમને કોલકાતાની નેશનલ લાયબ્રેરીમાં જોવા મળ્યો હતો-
शिखरेऽष्ट दल जातं चन्द्रकान्त मणिप्रभम्।
जलं पतति पूजार्थं रावणेन विनिमिर्तम्।।
તેમની વાત તર્કયુક્ત હતી કેમ કે મંદિરમાંથી મળેલ કોઈ શિલાલેખમાં કે કોઈ પુસ્તકમાં આ મણિનો ઉલ્લેખ નથી. પરંતુ મન તો કુતર્કશીલ છે. રાવણ ત્રેતાયુગમાં લંકાનો રાજા હતો અને શ્રીરામની સાથે યુદ્ધમાં મરાયો હતો. ઠાકુર પ્રસાદના પંચાંગ અનુસાર ત્રેતાયુગનું આયુષ્ય ૧૨,૯૬,૦૦૦ વર્ષ તથા દ્વાપરયુગનું આયુષ્ય ૮,૬૪,૦૦૦ વર્ષનું છે. કળિયુગનાં હજુ ૫,૦૮૦ વર્ષ વીત્યાં છે. તેથી આની સ્થાપના ૨૧,૬૫,૦૦૦ વર્ષ પૂર્વે થઈ હશે. શું આ શક્ય છે? આવું બધું વિચારતાં વિચારતાં જ માથું ચકરાવા લાગ્યું. એટલામાં શ્રીરામકૃષ્ણદેવની વાત યાદ આવી ગઈ- ‘તમે કેરી ખાવા આવ્યા છો, કેરીનો આનંદ લો; ઝાડ, ડાળ પાંદડાં વગેરે ગણવામાં સમય શા માટે ગુમાવો છો?’ કોણે મંદિર બંધાવ્યું, કોણે ક્યારે શિવલિંગની સ્થાપના કરી, આ બધાં તથ્યોની તરતપાસ કરવામાં વ્યર્થ શક્તિક્ષય કરવાનો શો અર્થ? આંખો સમક્ષ જોઈ રહ્યો છું- લાખો નર-નારી, આબાલ-વૃદ્ધ પોતાનાં શ્રદ્ધા-ભક્તિ આ સ્થાન પર નિવેદિત કરી રહ્યાં છે. કેવી રીતે બાબા વૈદ્યનાથની ભાવભૂમિ બધાંને એક જ રંગમાં રંગીને, એક જ રસમાં તરબોળ કરીને ‘બોલ બમ’નો મહાતરંગ વહેવડાવી જઈ રહી છે! આ મહાતંરગમાં ડૂબકી લગાવવી એ જ પરમ સૌભાગ્ય છે.
તેથી બાબાનાં દર્શન માટે મન ફરી પાછું વ્યગ્ર થઈ ઊઠ્યું. બીજા દિવસે મંગળવારે મારું દેવઘરનું કાર્ય પૂરું થઈ ગયું. વિચાર્યું કે બુધવારે પાછા જતાં પહેલાં ફરી એક વાર બાબાનાં દર્શનનો પ્રયાસ કરી લઉં. રવિવારે બાબાનો સ્પર્શ કરી શક્યો ન હતો. જળ પણ ચઢાવી શક્યો ન હતો. એમાંય બાબની ઇચ્છા રહી હશે કારણ કે પાછળથી કોઈ પુસ્તકમાં વાંચ્યું કે ઉપવાસ કર્યા વિના આ શિવલિંગનો સ્પર્શ કે પૂજન ન કરવાં જોઈએ કેમ કે અહીંયા શિવજી ત્યાગી યોગેશ્વરના રૂપમાં અવસ્થિત છે. તેથી બુધવારે સવારે ૭ વાગ્યે, કંઈ પણ ખાધા-પીધા વગર એક પાત્રમાં શુદ્ધ ગો-દૂધ તથા બિલ્વપત્ર લઈને મંદિર ગયો. મારી પાસે એક શીશીમાં ગંગોત્રી, યમુનોત્રી, ગોમુખ, કેદાર તથા બદરીનાથથી લાવેલાં જળ હતાં. તેને પણ ગો-દૂધમાં મેળવી દીધાં.
2 Comments
Leave A Comment
Your Content Goes Here






Very good description of pilgrimage of Bana Vaidyanth, with research
યાત્રાનું સુંદર વર્ણન આપણે પણ યાત્રાળું હોઈએ તેવો અહેસાસ કરાવે છે.