ભારતમાં ૧૯મી સદીના પ્રારંભમાં અંગ્રેજી શાસનના પ્રભાવને લઈને પાશ્ચાત્ય શિક્ષણ અને સંસ્કૃતિનું પ્રમાણ વધતું જતું હતું. તેના પરિણામે ભોગવાદ, સંશયવાદ અને જડવાદી સભ્યતા વિસ્તરતાં જતાં હતાં. પાશ્ચાત્ય શિક્ષણ ભારતના યુવામાનસને પોતાના જ ધર્મ અને સંસ્કારોથી વિમુખ બનાવી રહ્યું હતું. ભારતનો મહાન વૈદિક ધર્મ જાણે અરણ્યોમાં અને જંગલોમાં થોડાંક ગણ્યા ગાંઠ્યા સાધુઓ પૂરતો જ મર્યાદિત બની ગયો હતો. ભૌતિકતા પાછળની આંધળી દોટમાં આધ્યાત્મિકતા લુપ્ત થતી જતી હતી. સમગ્ર ભારત જાણે કે અજ્ઞાન, અંધશ્રદ્ધા, વહેમ, કુરિવાજો અને વિવિધ સંપ્રદાયોના વાડાઓથી ઘેરાઈ ગયું હતું. ત્યારે તો ઘણા ચિંતકોને એવું જણાતું હતું કે ભૂતકાળનું ભવ્ય ભારત શું અંધકારના ગર્તામાં વિલિન થઈ જશે! પરંતુ એ સમયે ભારતની ક્ષિતિજ પર એક એવા જ્ઞાન સૂર્યનો ઉદય થયો કે જેણે સમગ્ર વિશ્વને દિવ્યતાથી અલોક્તિ કરી દીધું. જેણે પોતાના પ્રકાશમાં માનવજીવનના મૂળભૂત ઉદ્દેશને પ્રગટ કર્યો, એટલું જ નહીં પણ પોતાના આંતરતેજના પ્રકાશથી સર્વધર્મોના અંતિમ રહસ્યને પ્રગટ કરી લુપ્ત થતી જતી ભારતની આધ્યાત્મિકતાને પુન: પ્રતિષ્ઠિત કરી. ભારતના આકાશમાં દોઢ સૈકાથી પણ વધારે સમયથી ઝળહળી રહેલા એ જ્ઞાનસૂર્યનાં કિરણો વધુ ને વધુ પ્રજ્વલિત બની માનવજાતિને આજે પણ સાચાં જીવનનો માર્ગ બતાવી રહ્યાં છે એ જ્ઞાન સૂર્ય છે – શ્રીરામકૃષ્ણ પરમહંસ.

બંગાળના કામારપુકુર નામના નાના ગામડામાં ગરીબ પણ ધર્મપરાયણ અને ચારિત્ર્યવાન બ્રાહ્મણદંપતી ખુદીરામ બોઝ અને ચંદ્રામણિ દેવી રહેતા હતાં. એમને ત્યાં ૧૮૩૬ની ૧૮મી ફેબ્રુઆરીએ રામકૃષ્ણનો જન્મ થયો હતો. ખુદીરામને સ્વપ્નમાં થયેલાં ભગવાનના દર્શનના આદેશ પ્રમાણે બાળકનું નામ ગદાધર રાખવામાં આવ્યું. બાળપણથી જ ગદાધરમાં અસાધારણ ગુણો જોવા મળતા હતા. અદ્‌ભુત સ્મરણ શક્તિ, આબેહૂબ અભિનય કરવાની શક્તિ, શિલ્પકલાની નિપુણતા અને સાધુસંતો પ્રત્યેનું તીવ્ર આકર્ષણ આ બધાં ગુણો તેમનામાં નાનપણથી જ જોવા મળતા હતા. સત્યાચારણ તો એમના સ્વભાવ સાથે જોડાયેલું હતું. યજ્ઞોપવિત સમયે બાળક ગદાધરે ધની લુહારણના હાથે ભિક્ષા ગ્રહણ કરીને પોતાની વચનપાલકતા સિદ્ધ કરી આપી હતી. પરંતુ બાળગદાધરને શાળાકીય શિક્ષણમાં બિલકુલ રસ નહોતો પડતો. એમને ગણિતના આંકડા બિલકુલ સમજાતા ન હતા. કામારપુકુરની ગામઠી શાળામાં ગદાધર નહીં ભણે એમ માનીને તેના મોટાભાઈ રામકુમાર તેને કોલકાતા લઈ આવ્યા અને કોલકાતામાં એમના જીવનમાં નવો જ વળાંક આવ્યો.

દક્ષિણેશ્વરમાં રાણી રાસમણિએ મહાકાલીનું મંદિર બનાવ્યું હતું. તેના પૂજારી તરીકે ગદાધરના મોટાભાઈ રામકુમારની નિયુક્તિ થતા ગદાધર એમની સાથે દક્ષિણેશ્વરમાં આવ્યા અને તેઓ મોટાભાઈને પૂજા કાર્યોમાં મદદ કરવા લાગ્યા. પણ પછી મોટાભાઈનું અવસાન થતાં ભવતારિણીના મંદિરની સઘળી પૂજાની જવાબદારી ગદાધરને સોંપવામાં આવી.

ગદાધરમાં કાલીની પૂજા કરતાં કરતાં માનાં પ્રત્યક્ષ દર્શનની તીવ્રતમ ઝંખના જાગી ઊઠી. વારંવાર માને કહેવા લાગ્યા, ‘મા, તું મૃણ્મયી છો કે ચિન્મયી? જો ચિન્મયી હોય તો મને દર્શન કેમ નથી આપતી?’ રોજ સાંજે રૂદન કરતાં કરતાં, ધૂળમાં આળોટતાં આળોટતાં માને કહેતાં કે, ‘મા આજનો દિવસ પણ નકામો ગયો, તારાં દર્શન ન થયાં.’ અને એક દિવસે તો વ્યાકુળતા એટલી તીવ્ર બની ગઈ કે તેમને થયું કે, ‘માના દર્શન વગર જીવવું જ નકામું છે.’ એટલે મંદિરમાં રહેલું ખડગ હાથમાં લઈને પોતાની ડોક ઉપર વીંઝ્યું. પણ હજુ ખડગ તેમની ડોક ઉપર પડે તે પહેલાં તો મૃણ્મય મૂર્તિ ચિન્મય બની ગઈ. તેમના હાથમાંથી ખડગ પડી ગયું અને આખો ઓરડો પ્રકાશથી ભરાઈ ગયો અને તેઓ પણ નીચે પડી ગયા ને તેમનું બાહ્યભાન ચાલ્યું ગયું. પછી જ્યારે બાહ્યભાન આવ્યું ત્યારે તેમની આંતરિક સ્થિતિ સદંતર બદલાઈ ગઈ હતી. આ સાક્ષાત્કાર પછી મૃણ્મયી માની મૂર્તિ તેમના માટે જીવંત મા કાલી બની ગઈ. એ પછી શ્રીરામકૃષ્ણદેવના જીવનમાં ભારે પરિવર્તન આવી ગયું.

શ્રીરામકૃષ્ણદેવે ચોવીસ વર્ષની ઉંમરે શ્રીશારદામણિની સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ તેઓ પાછા દક્ષિણેશ્વરમાં આવીને વિવિધ પ્રકારની સાધનામાં લીન થઈ ગયા. ભૈરવી બ્રાહ્મણી પાસે તેમણે ચોસઠ તંત્રોની સાધના સિદ્ધ કરી. મધુરભાવની સાધના કરી તેમણે રાધાકૃષ્ણનો સાક્ષાત્કાર કર્યો. હનુમાનભાવે શ્રીરામની સાધના કરી સીતામાતા અને શ્રીરામનાં પણ તેમણે દર્શન કર્યા. તેમણે ઈસ્લામધર્મની સાધના કરી મહમ્મદ પયગંબરનો પણ સાક્ષાત્કાર કર્યો અને એ જ રીતે તેમણે ખ્ર્રિસ્તી ધર્મની સાધના કરી ઈસુ ખ્ર્રિસ્તનાં પણ દર્શન કર્યા. આ ઉપરાંત ગુરુ તોતાપુરી પાસે સંન્યાસ ગ્રહણ કરીને એમણે અદ્વૈતની સાધના કરી નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરી. ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધની મૂર્તિઓ તેમના ઓરડામાં રહેતી. શીખ ધર્મ વિશે તેઓ દક્ષિણેશ્વરમાં સ્થિત ફેકટરીના શીખ સિપાઈઓ સાથે વાતો કરતા. આમ, તેમનું જીવન જ જાણે કે ધર્મપરિષદરૂપ હતું.

શ્રીરામકૃષ્ણદેવે ગૃહસ્થધર્મનો પણ ત્યાગ કર્યો ન હતો. જ્યારે એમના સહધર્મિણી શ્રીશારદાદેવી એમની સેવા કરવા દક્ષિણેશ્વરમાં આવ્યા ત્યારે તેમણે તેમનો ઈન્કાર નહોતો કર્યો, પરંતુ તેમણે પત્નીમાં પણ જગદંબાના દર્શન કર્યા, પત્નીનું એવું ઘડતર કર્યું કે શ્રીશારદાદેવીનું મન પણ હંમેશાં ઉચ્ચ ભૂમિકામાં જ રહેતું હતું. શ્રીરામકૃષ્ણદેવે શ્રીશારદાદેવીની ષોડશી પૂજા કરી તેમનાં સર્વ અંગોમાં શ્રીમા ત્રિપુરાસુંદરીનો આવિર્ભાવ કર્યો. પછી પોતાની સાધનાનું સમસ્ત ફળ અને જપમાળા જગદંબારૂપી શ્રીશારદાદેવીને અર્પણ કર્યા. આધ્યાત્મિક ઇતિહાસમાં આવું બીજું કોઈ દૃષ્ટાંત જોવા મળતું નથી.

સાધનાકાળ પૂરો થતાં શ્રીરામકૃષ્ણના જીવનમાં શિષ્યોનું આગમન શરૂ થયું. તેમના શિષ્યોમાં ગૃહસ્થો, કોલેજના ભણતા યુવાનો, શાળાના શિક્ષકો, ઓફિસરો વગેરે હતા. ભક્તોનું આગમન થતાં શ્રીરામકૃષ્ણે પોતાની જીવનસાધના દ્વારા જે સત્યો પ્રાપ્ત કર્યા હતાં, તે અનુભૂત જ્ઞાન સહજ-સરળપણે ભક્તો સમક્ષ વહેવા લાગ્યું. કોલેજમાં ભણતા યુવાન નરેન્દ્રે જ્યારે એમને પ્રશ્ન કર્યો કે, ‘મહાશય શું આપે ઈશ્વરને જોયા છે?’ ત્યારે તેમણે કહ્યું, ‘હા, મેં જોયા છે, એટલું જ નહીં, પણ તારી સાથે વાત કરું છું તેમ તેની સાથે પણ વાત કરું છું. દરેક મનુષ્ય એને જોઈ શકે. તેની સાથે વાતચીત કરી શકે, પણ એવી ઉત્કટતા કોનામાં છે?’ આ શબ્દોમાં નરેન્દ્રે સચ્ચાઈનો અનુભવ કર્યો અને તેઓ ધીમે ધીમે શ્રીરામકૃષ્ણ પ્રત્યે આકર્ષાયા અને શ્રીરામકૃષ્ણ પણ તેમને નક્કર વાસ્તવિક અનુભૂતિઓ દ્વારા ઈશ્વરાભિમુખ કરતા રહ્યા. તેમના મનના સંશયોને નિર્મૂળ કરતા રહ્યા. નરેન્દ્ર જેવા બીજા પંદર યુવાનો હતા. દરેકને તેની પ્રકૃતિ પ્રમાણે શ્રીરામકૃષ્ણ આધ્યાત્મિક રીતે ઘડતા રહ્યા. વિદ્યાસાગર હાઈસ્કૂલના આચાર્ય મહેન્દ્રનાથ ગુપ્ત સંસારનાં દુ:ખોથી ત્રસ્ત થઈને આત્મહત્યાના ઈરાદાથી નીકળ્યા હતા. પણ શ્રીરામકૃષ્ણનાં પ્રથમ દર્શનથી જ તેમનામાં પરિવર્તન આવી ગયું. તેઓ શ્રીરામકૃષ્ણના શિષ્ય બની ગયા અને નિયમિત આવવા લાગ્યા. શ્રીરામકૃષ્ણ ભક્તો સાથે જે વાર્તાલાપ કરતાં તે તેઓ તે જ દિવસે પોતાની ડાયરીમાં નોંધી લેતા. પાછળથી આ ડાયરી ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ રૂપે પુસ્તકાકારે પ્રસિદ્ધ થઈ. દેશવિદેશની અનેક ભાષાઓમાં તેનું રૂપાંતર થયું છે. આ પુસ્તકમાં શ્રીરામકૃષ્ણનું અનુભૂત જ્ઞાન અત્યંત સરળ ભાષામાં ઉપલબ્ધ છે.

ઈ.સ. ૧૮૮૫ના ઉનાળામાં શ્રીરામકૃષ્ણના ગળામાં ધીમું દર્દ શરૂ થયું. પછી તો આ દર્દ વધવા લાગ્યું. કોલકાતાના વિખ્યાત ડોકટરો, વૈદ્યોએ કેન્સરનું નિદાન કર્યું. કેન્સરની સારવાર માટે તેમને કોલકાતામાં શ્યામાપુકુર અને પછી કાશીપુરના બગીચાના બંગલામાં લઈ આવવામાં આવ્યા. નરેન્દ્રની રાહબરી હેઠળ સર્વ યુવાન ભક્તોએ એમની સેવા-સુશ્રુષાનો ભાર ઉઠાવી લીધો અને ગૃહસ્થ ભક્તોએ તમામ પ્રકારના ખર્ચનો બોજો વહેંચી લીધો. તે વખતના સુવિખ્યાત હોમિયોપેથી ડોકટર મહેન્દ્રનાથ સરકારને તેમની સારવાર માટે રોકવામાં આવ્યા. પણ દર્દ ઘટવાને બદલે વધતું જતું હતું. શિષ્યોને હવે એવું લાગવા માંડ્યું હતું કે તેઓ લીલાસંવરણ કરી રહ્યા છે. લીલાસંવરણના ત્રણ દિવસ અગાઉ જ તેમણે નરેન્દ્રને બોલાવ્યો, તેના તરફ સ્થિર દૃષ્ટિ કરીને તેઓ ઊંડી સમાધિમાં ઊતરી ગયા. નરેન્દ્રને ત્યારે એવું લાગ્યું કે જાણે વીજળીના જેવા કોઈ સૂક્ષ્મ પ્રવાહ પોતાના શરીરમાં પ્રવેશી રહ્યો છે. તે સમયે નરેન્દ્રનું બાહ્યભાન ચાલ્યું ગયું. કેટલીયે વાર પછી જ્યારે બાહ્યભાન આવતાં તે જાગૃત થયો, ત્યારે તેણે જોયું તો શ્રીરામકૃષ્ણદેવની આંખોમાં આંસુ હતા!

શ્રીરામકૃષ્ણે કહ્યું, ‘અરે, નરેન્દ્ર આજે મેં તને મારું સર્વસ્વ આપી દીધું છે, હવે હું કેવળ અકિંચન ફકીર બની ગયો છું. આજે મેં તને જે આપ્યું છે, તેનાથી તું જગતમાં મહાન કાર્યો કરી શકીશ, એ કાર્યો પાર પાડ્યા પછી તું જ્યાંથી આવ્યો છે, ત્યાં પાછો જઈશ.’ આમ, પોતાની સર્વશક્તિ શ્રીરામકૃષ્ણે નરેન્દ્રને આપી દીધી, જેના દ્વારા નરેન્દ્રે સ્વામી વિવેકાનંદ રૂપે સમગ્ર વિશ્વમાં જડવાદી સભ્યતાના પાયાને હચમચાવી ભારતીય સંસ્કૃતિની મહત્તાને પુન:પ્રતિષ્ઠિત કરી.

એ પછી ત્રણ જ દિવસમાં ૧૮૮૬ની સોળમી ઓગસ્ટે સોમવારે વહેલી સવારે શ્રીરામકૃષ્ણદેવે પોતાની ઐહિક જીવનલીલા સંકેલી લીધી. એ પછી એમના યુવાન શિષ્યો કોઈ સંસારમાં પાછા ગયા નહીં પણ સંન્યાસી બની પોતાના ગુરુદેવના ઉપદેશ પ્રમાણે ‘શિવજ્ઞાને જીવસેવા’નો મહામંત્ર લઈને ‘આત્મનોમોક્ષાર્થં જગતદ્ધિતાય ચ’ માટે સેવા કાર્યો કરવા લાગ્યા. આ માટે સ્વામી વિવેકાનંદે ૧૮૯૭માં શ્રીરામકૃષ્ણ મઠ-મિશનની સ્થાપના કરી, જેની ૧૬૦ જેટલી શાખાઓ આજે દેશવિદેશમાં શ્રીરામકૃષ્ણના જ્ઞાનામૃતનું પ્રસારણ કરી અસંખ્ય લોકોને આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ દર્શાવી રહી છે.

શ્રીરામકૃષ્ણનો જીવનસંદેશ :

શ્રીરામકૃષ્ણનો જીવનસંદેશ એ એમની જીવનસાધનાની અનુભૂતિઓના અર્કમાંથી નીપજેલો છે. તેમણે પોતાના જીવનની પ્રયોગશાળામાં પોતે જાતે પ્રયોગો કરીને જે સિદ્ધ કર્યું છે, એ એમણે પ્રગટ કર્યું છે. આથી એમની વાણી એ વિદ્વાનો કે પંડિતોની વાણી નથી, પણ અનુભવોની એરણ પર ચકાસીને સિદ્ધ કરનાર વૈજ્ઞાનિકની વાણી છે. એથી જ તો માનવજીવનનાં મૂળભૂત સત્યોને પ્રગટ કરતો એમનો જીવનસંદેશ એ કોઈ એક કાળખંડ પૂરતો સીમિત ન રહેતા, એ સમગ્ર યુગને આવરી લેતો યુગસંદેશ બની રહે છે. સનાતન સત્યને પ્રગટ કરતા એમના સંદેશની મુખ્ય બાબતો આ પ્રમાણે છે :

(૧) મનુષ્યજીવનનો એકમાત્ર ઉદ્દેશ છે, ઈશ્વરપ્રાપ્તિ:

શ્રીરામકૃષ્ણદેવે મનુષ્ય જન્મનો મૂળભૂત હેતુ જ ઈશ્વરની પ્રાપ્તિ માટેનો ગણાવ્યો છે. તેમણે પોતે પોતાના જીવનમાં વિવિધ સાધનાઓ દ્વારા ઈશ્વરની પ્રાપ્તિ કરી હતી અને એટલે જ તેઓ પોતાની સમીપ આવનાર સર્વને ભારપૂર્વક કહેતા કે ઈશ્વર છે, અને તેનો સાક્ષાત્કાર કરી શકાય છે. તેમણે જણાવ્યું હતું કે, ‘જો કોઈ ત્રણ દિવસ ઈશ્વર માટે રૂદન કરે, તો તેને અવશ્ય ઈશ્વરની પ્રાપ્તિ થાય છે, પણ સ્ત્રી-પુત્રાદિ માટે માણસો ઘડો ભરીને આંસુ પાડે, પૈસા માટે માણસો આંસુની નદીઓ વહાવે પણ ઈશ્વર સારું કોણ રડે છે? જેમતેમ નહીં, પણ બોલાવવાની રીતે ઈશ્વરને બોલાવવો જોઈએ.’ તેઓ ઈશ્વરને જ સારરૂપ તત્ત્વ માનતા હતા. કેમકે તેમણે પોતે જીવનમાં એ સારતત્ત્વની પ્રાપ્તિ કરી લીધી હતી. પોતાના જીવનમાં જે સિદ્ધ કર્યું હતું, એ જ એમણે ભક્તો-શિષ્યોને આપ્યું હતું. આ સંદર્ભમાં મહાત્મા ગાંધીજી કહે છે કે, ‘શ્રીરામકૃષ્ણ પરમહંસની જીવનકથા આચરણમય ધર્મની કથા છે, એમનાં કથનો માત્ર પંડિતનાં કથનો નથી પરંતુ જીવનની કિતાબનાં પાનાં છે. એમણે જે અનુભવ્યું એનું એમાં દર્શન છે. જેનો પ્રતિકાર ન કરી શકાય એવી એની છાપ વાચક ઉપર પડે છે.’

શ્રીરામકૃષ્ણે એમ પણ જણાવ્યું કે ‘ઈશ્વરને મેળવવા માટે સંસાર છોડી જંગલમાં જવાની અને કઠોર તપશ્ચર્યા કરવાની બધાને જરૂર નથી. સંસારમાં રહીને પણ ઈશ્વરપ્રાપ્તિ કરી શકાય છે. એ માટે તેઓ કહે છે કે, મોટા ઘરની દાસીની જેમ રહેવું. એટલે કે અનાસક્તભાવે રહેવું. સંસારનું બધું કામ કરવું, પણ મન ઈશ્વરમાં પરોવી રાખવું. હાથે તેલ ચોપડીને ફણસ ચીરવું જોઈએ, નહીંતર તેનું દૂધ હાથે ચોંટી જાય છે, એમ ઈશ્વરભક્તિરૂપી તેલ ચોપડીને પછી સંસારનાં કામમાં હાથ લગાડવો જોઈએ.’ આમ, રોજિંદા જીવનનાં દૃષ્ટાંતો દ્વારા તેમણે સંસારમાં રહીને ઈશ્વરપ્રાપ્તિ કેવી રીતે કરવી તેનો માર્ગ બતાવ્યો. વળી, એમણે પોતાના જીવનમાં એ સિદ્ધ કરી બતાવ્યું કે સંસારની વચ્ચે રહીને સતત ભગવદ્‌ભાવમાં રહી શકાય છે. તેમણે પત્નીનો સ્વીકાર કરી, એમની દિવ્યશક્તિઓને જાગૃત કરી તેમને જગદંબા સ્વરૂપે સ્વીકાર્યા. માતા ચંદ્રામણિને દક્ષિણેશ્વરમાં પોતાની પાસે રાખ્યાં હતાં. ભાણેજ હૃદયરામ, ભત્રીજો રામલાલ, પિતરાઈ હલધારી, વિધવા ભત્રીજી લક્ષ્મી – આ બધાં પરિવારજનો એમની સાથે રહ્યાં હતાં. સગાવહાલાં, ભક્તો, શિષ્યો બધાંથી ઘેરાયેલા હોવા છતાં એમની સાધનામાં ક્યારેય વિક્ષેપ પડ્યો ન હતો. તેઓ મા કાલીનું સતત સાન્નિધ્ય અનુભવતા હતા. આ રીતે પોતાના જીવન દ્વારા એમણે એ પ્રતિપાદિત કર્યું કે સંસારની વચ્ચે રહીને પણ આધ્યાત્મિક જીવન જીવી શકાય છે.

(૨) બધા જ ધર્મો એક જ સત્ય પ્રત્યે લઈ જાય છે :

શ્રીરામકૃષ્ણદેવનો બીજો સંદેશ એ છે કે બધાં જ ધર્મો અંતે તો એક જ ઈશ્વર પ્રત્યે લઈ જાય છે. ‘એકં સત્‌ વિપ્રા બહુધા વદન્તિ’ આ શાસ્ત્રવાક્યને એમણે વિવિધ ધર્મોની સાધના કરી સિદ્ધ કર્યું. આ વિષે તેઓ કહે છે, ‘મારે બધા ધર્મોની સાધના એકવાર કરી લેવી પડી છે. હિન્દુ, મુસલમાન, ખ્ર્રિસ્તી, તેમજ વળી શાક્ત, વૈષ્ણવ, વેદાન્ત એમ બધે રસ્તે થઈને આવવું પડ્યું હતું. અંતે મેં જોયું છે કે સૌનો એક જ ઈશ્વર છે. બધાં તેની જ પાસે આવી રહ્યાં છે. જુદા જુદા માર્ગે થઈને.’ તેમણે પોતાના એક જ જીવનમાં દરેક ધર્મોનો સાક્ષાત્કાર કરી એક જ સત્યનો અનુભવ કર્યો. આ સંદર્ભમાં સ્વામી વિવેકાનંદ કહે છે, ‘ફક્ત એક જ મનુષ્ય આટલા બધાં વિવિધ ધર્મો દ્વારા ઈશ્વરનો અનુભવ કરે એ ખરે જ ઇતિહાસની એક અજોડ ઘટના છે. છતાંય સત્ય છે. માનવજાતિની આધ્યાત્મિક અનુભૂતિઓની કલગી સમું છે.’

આજે જ્યારે સમગ્ર વિશ્વ ધર્મના સંકુચિત વાડાઓમાં વિભક્ત થઈ ગયું છે. ધર્મઝનૂનતા આતંકવાદમાં પરિણમતી જણાય છે ત્યારે બધા ધર્મોની સંવાદિતાનો શ્રીરામકૃષ્ણદેવનો સંદેશ જ વિશ્વને ઘાતકમાર્ગેથી બચાવી શકશે. એનું સમર્થન કરતાં સુપ્રસિદ્ધ ઇતિહાસકાર આર્નોલ્ડ ટોયન્બી કહે છે. ‘શ્રીરામકૃષ્ણ પૃથ્વી ઉપર એક એવા સમયે આવિર્ભૂત થયા કે જ્યારે તેમનાં જ જીવન અને સંદેશની આવશ્યકતા હતી… માનવ ઇતિહાસની આ સર્વાધિક ભયંકર ઘડીએ બચવાનો એક માત્ર પથ છે, ભારતનો પથ. સમ્ર્રાટ અશોક અને મહાત્મા ગાંધીજીના અહિંસાના સિદ્ધાંતોમાં અને શ્રીરામકૃષ્ણની સર્વધર્મસમન્વયની અનુભૂતિમાં આપણને એ વલણ અને એ આદર્શ સાંપડે છે, જે સમસ્ત માનવજાતિને એક પરિવારની જેમ પાંગરવા સહાયરૂપ થશે. આ અણુયુગમાં આપણને આત્મવિનાશમાંથી બચાવવા માટેનો આ એકમાત્ર વિકલ્પ છે.’

આર્નોલ્ડ ટોયન્બીની જેમ ક્લાઉડ એલન પણ આજના યુગમાં શ્રીરામકૃષ્ણના સર્વધર્મ સમન્વયનો દૃષ્ટિકોણ જ બધા ધર્મોના ઝઘડા મિટાવી શકશે તેમ ભારપૂર્વક પોતાના પુસ્તક ‘God of all’ માં કરે છે. તેઓ લખે છે, ‘શ્રીરામકૃષ્ણદેવનો સર્વધર્મ પ્રત્યેનો ઉદાર દૃષ્ટિકોણ જે ઈશ્વરના સાક્ષાત્‌ અનુભવ ઉપર આધારિત છે, તે ધર્મોની વિવિધતાની સમસ્યાના રૂપે એક વ્યવહારિક સિદ્ધાંત રજૂ કરે છે.’

આમ, આજે વિશ્વના વિખ્યાત વિદ્વાનો, ચિંતકો, ઇતિહાસકારો શ્રીરામકૃષ્ણદેવનો સર્વધર્મ સમન્વયનો સંદેશ જ વિશ્વને માનવજાતિની એકતા પ્રત્યે દોરી જશે એવી શ્રદ્ધા ધરાવે છે.

(૩) શિવજ્ઞાને જીવસેવા :

શ્રીરામકૃષ્ણદેવનો ત્રીજો સંદેશ શિવજ્ઞાન એટલે કે જીવમાં શિવ બિરાજમાન છે એમ માની, જીવસેવા કરવાનો છે. શ્રીરામકૃષ્ણદેવ મથુરબાબુની સાથે જ્યારે કાશી યાત્રાએ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં દેવધરના દરિદ્રોની સ્થિતિ જોઈને તેમણે મથુરબાબુને આ ગરીબ લોકોને અન્ન, વસ્ત્ર, તેલ વગેરે આપવા કહ્યું. પણ મથુરબાબુએ જ્યારે એ આપવા આનાકાની કરી ત્યારે તેઓ એ ગરીબ લોકોની વચ્ચે જઈને બેસી ગયા અને કહ્યું, ‘જા હું તારી કાશી યાત્રાએ નહીં આવું.’ આખરે મથુરબાબુએ કોલકાતાથી બધી સામગ્રી મંગાવીને બધાંને અન્ન, વસ્ત્રાદિ આપ્યાં ત્યારે તેઓ કાશી જવા તૈયાર થયા. સ્વામી વિવેકાનંદ તો સમાધિના આનંદમાં ડૂબી જવા ઇચ્છતા હતા, એ માટે તેમણે શ્રીરામકૃષ્ણદેવ પાસે માગણી પણ કરી હતી, ત્યારે તેમણે કહ્યું, ‘અરે નરેન, તારી તો ભારે હીનબુદ્ધિ! મને તો એમ કે તું વિશાળ વડલા જેવો બનીશ અને તારા આશ્રય તળે હજારો લોકો સુખશાંતિ મેળવશે.’ આમ કહીને સ્વામી વિવેકાનંદમાં તેમણે લોકોનું કલ્યાણ કરવાના તેનાં કાર્યનું સૂચન કરી દીધું હતું. બીજા એક પ્રસંગે પણ જ્યારે સ્વામી વિવેકાનંદે ઈન્કાર કરતાં કહ્યું હતું કે, ‘ના હું એ નહીં કરું’ ત્યારે તેમણે કહ્યું કે, ‘તું શું તારા હાડકાંયે કરશે.’ આ રીતે શ્રીરામકૃષ્ણ પોતાના સર્વ શિષ્યોને ‘આત્મનોમોક્ષાર્થં જગતદ્ધિતાય ચ’નો મર્મવ્યાપી સેવાકાર્યો કરવાનો સંદેશો આપ્યો હતો.

શ્રીરામકૃષ્ણના આગમન પહેલાં ધર્મની બાબતમાં એવી પરંપરાગત ધારણા હતી કે જેમણે મોક્ષ મેળવવો હોય અને ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો હોય, તેમણે સાંસારિક અને વ્યવહારિક કાર્યો કરવાં જોઈએ નહીં. હોસ્પિટલો, સ્કૂલો, આપદ્‌ગ્રસ્તોને સહાય વગેરે કાર્યો સાધકો માટે ત્યાજ્ય હતાં. શ્રીરામકૃષ્ણે આધ્યાત્મિક અને વ્યવહારિક જીવન વચ્ચેની ખીણ પૂરી દીધી. જીવની સેવા એ જ શિવની સેવા છે – શિવ જ્ઞાને જીવસેવાનો મહામંત્ર આપી સાધકો માટે નવી રાહ કંડારી દીધી.

(૪) પ્રત્યેક નારીમાં જગદંબા રહેલી છે :

શ્રીરામકૃષ્ણદેવનો ચોથો સંદેશ એ છે કે પ્રત્યેક નારીમાં જગદંબાનો અંશ રહેલો છે. તેઓ પોતે પ્રત્યેક નારીને માતૃ સ્વરૂપે જોતા. દક્ષિણેશ્વરમાં એક વખત શ્રીશારદાદેવીએ એમને પૂછ્યું હતું કે, ‘તમે મને કઈ દૃષ્ટિથી જુઓ છો?’ ત્યારે તેમણે તુરત જ ઉત્તર આપતાં કહ્યું, ‘જે મા ભવતારિણી મંદિરમાં બિરાજે છે, જે મા (જન્મદાત્રી માતા ચંદ્રામણિ) નોબતખાનામાં રહે છે એ જ મા (શારદાદેવી) મારી સામે રહેલી છે.’ તેઓ શ્રીશારદાદેવીમાં પણ જગદંબાને જ જોતાં. એક વખત મથુરબાબુ તેમને વેશ્યાગૃહે લઈ ગયા ત્યારે ત્યાં વેશ્યાઓને જોઈને પણ તેઓ ‘મા, મા’ પોકારવા લાગ્યા. તેમાં પણ તેમને જગદંબાનાં જ દર્શન થતાં હતાં. તેમનો આ ભાવ જોઈને વેશ્યાઓ પણ આશ્ચર્યચક્તિ થઈ ગઈ હતી. ગિરીશ ઘોષની સ્ટાર થિયેટરની અભિનેત્રીઓમાં પણ તેઓ જગદંબાને જ જોતાં. તેમાંની નટી વિનોદિનીને તો મસ્તક પર હાથ મૂકીને તેમણે આશીર્વાદ આપ્યા હતા. આ આશીર્વાદને પરિણામે નટી વિનોદિનીનું એવું હૃદયપરિવર્તન થઈ ગયું કે માત્ર ત્રેવીસ વર્ષની ઉંમરે પોતાની ઉજ્જવળ કારર્કિદી છોડીને તે સંન્યાસિની બની ગઈ. શ્રીરામકૃષ્ણના ભક્તમંડળમાં અનેક સ્ત્રીઓ આગળ પડતી હતી. તેમના તાંત્રિક ગુરુ ભૈરવી બ્રાહ્મણી સ્ત્રી હતાં. ગોપાલની મા, ગોલાપ મા, ગૌરીમા, ભત્રીજી લક્ષ્મી, ઉપરાંત અનેક ભક્ત ગૃહસ્થોની સ્ત્રીઓ એમના ભક્તમંડળમાં હતી. શ્રીરામકૃષ્ણદેવે સ્ત્રીઓને હંમેશાં પૂજનીયા ગણીને એમની આધ્યાત્મિકતાને ઊંચે ઉઠાવી છે. ઘરની ચાર દીવાલોમાં પૂરાઈને રહેતી સ્ત્રીઓની સમક્ષ એમણે શ્રીમા શારદાદેવીનો આદર્શ મૂક્યો છે. એમણે જ નારીજાગરણના સર્વપ્રથમ બીજ રોપ્યાં કે જે બીજને એમના શિષ્ય-પુત્ર સ્વામી વિવેકાનંદે ભગિની નિવેદિતા, ભગિની ક્રિસ્ટાઈન, શ્રીમતી સારાબુલ, કુમારી જોસેફાઈન વગેરે પોતાની વિદેશી શિષ્યાઓ દ્વારા બાલિકા વિદ્યાલયની સ્થાપના કરીને અંકુરિત કર્યા. આમ, શ્રીરામકૃષ્ણે નારી જાગરણનાં મંડાણ કરી ભારતની નારીઓ માટે શિક્ષણનો, જ્ઞાનનો, આધ્યાત્મિક જીવનનો માર્ગ ખુલ્લો કર્યો.

(૫) સમન્વયનો સંદેશ :

શ્રીરામકૃષ્ણની જીવનસાધના જાણે સર્વ પ્રકારના સમન્વયની સાધના હતી એવું સ્પષ્ટ જણાય છે. તેમણે સર્વધર્મોનો સમન્વય તો કર્યો જ છે, પણ સાધનાના ભિન્ન ભિન્ન માર્ગોનો પણ સમન્વય કર્યો છે. ભક્તિયોગ, જ્ઞાનયોગ, કર્મયોગ અને રાજયોગ – આ ચારેય યોગનો સમન્વય કરીને સાધનાનો એક રાજમાર્ગ કંડારી આપ્યો છે. સ્વામી વિવેકાનંદે તો લખ્યું છે, ‘આવું અનોખું વ્યક્તિત્વ, જ્ઞાન, યોગ, ભક્તિ અને કર્મની ચરમસીમાનો આવો સમન્વય અગાઉ કદાપિ માનવજાતિમાં જોવા મળ્યો નથી.’ આ ઉપરાંત તેમના જીવનમાં પૂર્વ અને પશ્ચિમનો, વ્યાવહારિક અને આધ્યાત્મિક જીવનનો, ગૃહસ્થ અને સંન્યાસનો સમન્વય થયેલો જોવા મળે છે. આવું અદ્‌ભુત સમન્વયકારી વ્યક્તિત્વ સમગ્ર ઇતિહાસમાં બીજું જોવા મળતું નથી. એટલે રોમાં રોલાં શ્રીરામકૃષ્ણદેવને ભારતનું સંવાદી સંગીત કહે છે. તેઓ શ્રીરામકૃષ્ણદેવ વિષેના પોતાના પુસ્તકમાં લખે છે : ‘યુરોપ સમક્ષ હું રજૂ કરું છું, નવી પાનખરનું ફળ, આત્માનો એક નવો સંદેશ, ભારતનું સંવાદી સંગીત, આ સર્વ ઉપર શ્રીરામકૃષ્ણદેવનું નામ અંક્તિ થયેલું છે; જે માણસની મૂર્તિનું હું આવાહ્‌ન કરું છું તે બે હજાર વર્ષના ગાળા ઉપર પથરાયેલા ત્રીસ કરોડ લોકોના જીવનનો અર્ક હતો.’

આજના ભોગવાદ તરફ ધસી રહેલાં વિશ્વને ત્યાગમાં, જડવાદી સભ્યતાને આધ્યાત્મિકતામાં, ધર્મઝનૂનતાને સંવાદિતામાં, સંશય, નાસ્તિકતા અને અશ્રદ્ધાની સામે ઈશ્વરનાં પ્રત્યક્ષ દર્શનની અનુભૂતિમાં પલટાવીને શ્રીરામકૃષ્ણદેવે વિશ્વમાં જે આધ્યાત્મિક યુગની ભૂમિકા રચી આપીને, માનવહૃદયમાં બેઠેલા ઈશ્વરની હસ્તામલકવત્‌ સુલભ પ્રાપ્તિનો માર્ગ દર્શાવીને નૂતન સત્યુગનો શુભારંભ કરી આપ્યો, એ માટે સમગ્ર માનવજાતિ સદાકાળ એમની ઋણી રહેશે.

Total Views: 166

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.