ભારતનું પ્રાચીન વાઙ્મય સાગર જેટલું વિશાળ, વૈવિધ્યભર્યું અને સમૃદ્ધ છે. વેદો, બ્રાહ્મણગ્રંથો, આરણ્યકો, ઉપનિષદો, પુરાણો, મહાકાવ્યો, વેદાંગો વગેરે અનેક એમાં સમાવિષ્ટ છે. એનાથી પરિચિત થવાની દરેક ભારતીયની જવાબદારી છે. આપણે એ પરિચય પ્રાપ્ત કરીએ : પહેલાં આપણે એ સૌથી પ્રાચીન વેદનું સંકલન ક્યારે થયું અને વૈદિક સરસ્વતીનું એ કાળે શું મહત્ત્વ હતું- તે સંબંધે થોડી વાતો કરીશું.
વેદ આપણો સૌથી પ્રાચીન સાહિત્યવારસો છે. માત્ર ભારતનો જ નહિ, પણ સમગ્ર વિશ્વનો એ પ્રાચીનતમ ગ્રંથ છે. પરંતુ શાસન કરી રહેલા અંગ્રેજોએ ભારતમાં ઇતિહાસ લેખનની સામગ્રીનો અને એવા લેખનની દૃષ્ટિનો પણ અભાવ માનીને પશ્ચિમની ઢબછબ મુજબનો ઇતિહાસ લખવાનું કામ વહીવટી અમલદારો, ખ્ર્રિસ્તીધર્મચુસ્તો અને આભાસી ઇતિહાસવિદોને સકારણ જ સોંપ્યું. એ બધા તથાકથિત ઇતિહાસ લેખકોએ બાઈબલમાં લખેલ ‘ઈ.પૂ. ૪૦૦૪માં જગતની ઉત્પત્તિ થઈ, એ પહેલાં કશું જ ન હતું’ – એ વિધાનજન્ય વહેમથી ગ્રસ્ત થઈને વેદની રચનાનો સમય ખૂબ પાછળ ઠેલીને ઇ.સ. પૂર્વ ૧૨૦૦ થી ૧૫૦૦નો ઠરાવી દીધો. એને બાઈબલના લખાણ સિવાય અન્ય કોઈ ઐતિહાસિક પ્રમાણ ન હતું.
એનું પરિણામ એ આવ્યું કે ભારતના પ્રાચીનતમ ઇતિહાસનો સમય પણ એ ધક્કો ખાઈને આગળ આવી ગયો અને એ રીતે ભારતની સાંસ્કૃતિક ગરિમાની પ્રાચીનતાને પણ જબરો ફટકો પડ્યો. જર્મની અને ઈંગ્લેન્ડના આવા પૂર્વગ્રહી ઇતિહાસ લેખકો બાઈબલને વળગીને એવું કરે એ તો જાણે ઠીક; પણ ભારતના તથાકથિત ઇતિહાસવિદો એમની ‘હા’માં ‘હા’ મેળવે એ ખરેખર આશ્ચર્ય છે.
સ્વામી વિવેકાનંદે આ માટે વ્યથા વ્યક્ત કરતાં ૧૯૦૦ના પેરિસ સંમેલનમાં આ ઉદ્ગારો કાઢ્યા હતા: ‘Strange, that our Indian Scholars, too, say amen to them’ મોહન જો દડોની શોધ પછી પણ આ ચીલો ચાતરવાની કોઈ ભારતીયે જલદી તસ્દી લીધી હોય એમ જણાતું નથી. આમ આ ભ્રમણાનો દોર ઠીક ઠીક લાંબો ચાલ્યો. હજુએ ઘણાં સ્થળે એની પકડ છે.
પણ હવે પરિસ્થિતિ પલટાઈ છે. આજે જગતના ઘણા દેશોના ઇતિહાસવિદો એમ માનતા થઈ ગયા છે કે માનવ સભ્યતાનો ઇતિહાસ તો લાખો વરસ પુરાણો છે. આપણાં પુરાણોમાં તો એનું પ્રમાણ છે જ, પણ એ પ્રમાણને જવા દઈએ તો પણ કેટલાક આધુનિક ઇતિહાસકારો એ વાતની સાખ પૂરે છે. એચ. જી. નેલ્સ જેવાએ પણ પોતાના ‘Outline of the world-history’ માં આ વાત કબૂલી છે. મોહન-જો-દડો અને બીજાં અનેક ઉત્ખનન આદિ ઐતિહાસિક સામગ્રીથી પણ એ વાત પુરવાર થઈ જ ચૂકી છે.
ભારતમાં સૃષ્ટિની શરૂઆતની વાત કરીએ તો પ્રાણીશાસ્ત્રીઓ, ઇતિહાસવિદો, ભૂસ્તરશાસ્ત્રીઓ ભારતમાંથી જ સૃષ્ટિનો આરંભ થયેલો માને છે. કારણ કે ભારતની આબોહવા એને અનુકૂળ હતી. (આ વિદ્વાનોમાં મેડલીકટ, બ્લુમફોર્ડ, થોર્ટન ટોડ, વોલ્ટર રેલે, વગેરે ઘણા છે.)
આ રીતે ભારતીય સંસ્કૃતિની પ્રાચીનતા વૈજ્ઞાનિક ઇતિહાસ સામગ્રીથી લાખો વર્ષ પુરાણી સિદ્ધ થવા છતાં પશ્ચિમના વિદ્વાનોને એ ઈ.પૂ. ૨૫૦૦ થી ઈ.પૂ. ૩૦૦૦ વરસથી વધારે પુરાણી લાગી નહિ! ભારતીય સંસ્કૃતિનો સર્વપ્રથમ ઉલ્લેખ કરતા, સમગ્ર વિશ્વના પ્રાચીનતમ ગ્રંથ ઋગ્વેદને પણ એમણે ઈ.પૂ. ૧૨૦૦ થી ૧૫૦૦ની વચ્ચે જ મૂકી દીધો! આવું ખોટું કાલનિર્ધારણ કરવાનું જર્મનીના પ્રસિદ્ધ સંસ્કૃત વિદ્વાન મેક્સમૂલરને ફાળે જાય છે. તેઓ પણ પૂર્વોક્ત બાઈબલ કથિત ભ્રમણામાં ફસાયેલા જર્મન રાષ્ટ્રવાદી અને ખ્ર્રિસ્તીધર્મ પ્રચારના ચુસ્ત હિમાયતી હોઈને ભારતમાં અંગ્રેજ રાજ્યનું સ્થાયિત્વ અને ઔચિત્ય માનતા હતા અને લોકમાનસનું પશ્ચિમીકરણ ઇચ્છતા હતા.
જો વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદ ઈ.પૂ. ૧૨૦૦ કે ૧૫૦૦ની રચના હોય તો શું લાખો વરસથી ચાલી આવતી માનવજાત પાસે ઈ.પૂ. ૩૫૦૦ પહેલાં પોતાનું કશું સાહિત્ય જ ન હતું? આ તો ઘણી વિચિત્ર વાત લાગે છે. આજે વૈજ્ઞાનિકો દ્વારા પૃથ્વીની ઉંમર ૧૯૭૨૯૦૦૦૦૦ વરસ ઠરાવાઈ છે. દેશી-વિદેશી સંવતોની સરાસરી કાઢીને કાળગણના કરતાં પણ એવું પરિણામ આવીને ઊભું રહે છે. આ જોતાં એવા લિખિત સાહિત્યનું અસ્તિત્વ અટકળે માનવું પડે છે. કંઠોપકંઠ વેદપ્રવાહની અવિરતતા ઉચ્ચારણ શુદ્ધિને અનુલક્ષીને છે. લિપિ હોવાનો સંકેત ઋગ્વેદના, उत त्वा पश्यन् न ददर्श वाचम् उत त्वा शृण्वन् न शृणोत्येन्मम्। उतो त्वस्मै तन्वं विसस्रे जायेव पत्य उषसी सुवासाः – આ મંત્રમાં મળે છે. મંત્ર કહે છે ‘કોઈક તો શબ્દ જોઈને પણ નથી જોઈ શકતો. તો કોઈ વળી સાંભળીને પણ સાંભળી શકતો નથી.’ અર્થાત્ એ વખતે જોવા અને સાંભળવા માટે-લિપિ અને શ્રવણાત્મક-બન્ને પ્રકારના વર્ણો હતા એટલે એ વખતે લિખિત સાહિત્ય અવશ્ય જ હોવું જોઈએ. લિપિવિજ્ઞાનીઓએ ધડો લેવા જેવો આ મંત્ર છે.
આચાર્ય કિશોરીદાસ વાજપેયીનો લિપિ સંબંધી અભિપ્રાય ‘હિન્દી શબ્દાનુશાસન’માં એવો છે કે જ્યાં પ્રાચીનતમ સાહિત્ય છે, ત્યાં જ પહેલાં ભાષા જન્મી છે. વિશ્વનો પ્રાચીનતમ ગ્રંથ સર્વ માન્ય રીતે ઋગ્વેદ છે તો ત્યાં જ પ્રથમ ભાષા જન્મી. મેક્સમૂલર પણ આ અભિપ્રાય સાથે સંમત તો છે પણ એનું કાલનિર્ધારણ પૂર્વગ્રહવાળું છે. અને એ ભ્રમમૂલક પૂર્વગ્રહને ઘણા વિદ્વાનોએ થોડાક ફેરફાર સાથે ટેકો આપ્યા કર્યો છે. આશ્ચર્યની વાત છે કે હજુએ એ ટેકાઓ ચાલુ રહ્યા છે.
પરંતુ, હવે એવા દેશી અને વિદેશી વિદ્વાનોની સંખ્યા પણ ઘણી છે કે જે મેક્સમૂલરના સમયનિર્ધારણને માનવા તૈયાર નથી. આ સંખ્યા હવે નવાં નવાં સંશોધનો અને પુરાવાઓની સાથે વધતી જ જાય છે. હવે લોકમાન્ય તિલકે ખગોળગણિત પ્રમાણે ઠરાવેલા ઈ.પૂ. ૧૦૦૦૦ થી માંડીને અવિનાશચંદ્રદાસ અને દેવેન્દ્રનાથ મુખોપાધ્યાય જેવા વિદ્વાનો એને ૫૦૦૦૦ ઈ.પૂ.ના સમય સુધીની પ્રાચીનતામાં ખેંચી ગયા છે. અને બીજી કેટલીક નવીનતમ શોધો એને ટેકો આપી રહી છે. બલુચિસ્તાનના બોલનઘાટ નજીકના ખોદકામમાંથી મળેલી સામગ્રી તો વળી એ તિથિને ઈ.પૂ.૭૫૦૦૦ થી ૮૦૦૦૦ સુધી લંબાવે છે. આ રીતે જેમ જેમ નવાં ઉત્ખનનો થતાં જાય છે તેમ તેમ ભારતીય સભ્યતા પ્રાચીનથી વધુ પ્રાચીન સિદ્ધ થતી જાય છે અને તે જ પ્રમાણે વિશ્વના સર્વપ્રથમ ગ્રંથ વેદની પ્રાચીનતા વધતી જ જાય છે. કારણ કે એ જ તો ભારતીય સભ્યતાનો સર્વપ્રથમ લિખિત ગ્રંથ છે.
વિદ્વાનોએ વેદસંકલનના કાર્યને જટિલ બનાવી દીધું છે. એનું કારણ પશ્ચિમના વિદ્વાનોએ કરેલું ઘણું મોડું સમયનિર્ધારણ છે. એમનું એ પાછળના સમયનું નિર્ધારણ કોઈ જ ઐતિહાસિક પ્રમાણ પર આધારિત નથી, નથી કોઈ શોધખોળ, નથી કોઈ ઉત્ખનન કે નથી કોઈ તામ્રપત્રકે શિલાલેખ કે જે એ કાલનિર્ણયને સમર્થન આપે! બસ, કેવળ કોરી મનઘડંત કલ્પનાઓ એનો આધાર છે. પશ્ચિમના વિદ્વાનો અને એનું અંધાનુકરણ કરતા ભારતીય વિદ્વાનો પણ ભારતીય કાલગણનાને સમજી શક્યા નથી – અથવા એમણે સમજવાની દરકાર કરી નથી. એવું લાગે છે કે મોહન-જો-દડોના સંસ્કૃતિ વિકાસની સમાંતરે વેદોના સંકલનનો અંતિમ તબક્કો ચાલતો હોય!
ગમે તેમ પણ જ્યાં સુધી વેદોના સંકલનકાળની સુનિશ્ચિતતા નહિ સધાય, ત્યાં સુધી ભારતનો કોઈ પણ ઇતિહાસ સાચી અને સુવ્યવસ્થિત રીતે લખી શકાય તેમ નથી એ વાત નક્કી છે.
વેદોની પ્રાચીનતાનો બીજો એક સબળ પુરાવો વેદોમાં જ વર્ણવાયેલી સરસ્વતી નદીનો છે. ઋગ્વેદમાં આ સરસ્વતીનું ખૂબ મહત્ત્વ છે. એના કાંઠા પર રહીને ઋષિઓએ એની પેટ ભરીને પ્રશંસા કરી છે. ઋષિઓના આશ્રમોથી અને લોકોના નિવાસથી સરસ્વતીના કાંઠાઓ હર્યાભર્યા રહેતા. એની પ્રશંસાના અનેકાનેક મંત્રો ઋગ્વેદમાં છે. એને જ કિનારે ઋષિઓ સામગાન કરતા, યજ્ઞયાગાદિ અનુષ્ઠાનો કરતા અને તપશ્ચર્યા કરતા રહેતા. ગૃત્સમદ નામના ઋષિ નમ્રભાવથી સરસ્વતીને સંબોધીને (ઋ. ૨.૪૧.૧૬) માં પ્રાર્થના કરે છે કે –
अम्बितमे नदीतमे देवितमे सरस्वति ।
अप्रशस्ता इव स्मसि प्रशस्तिमम्ब नस्कृधि ॥
‘હે નદીઓમાં સર્વશ્રેષ્ઠ, દેવીઓમાં અગ્રગણ્ય, પૂજનીય માતા, અમે તો વણપ્રીછ્યા છીએ, અમે ભાગ્યશાળી બનીએ એવી કૃપા કરો.’
વૈદિક લોકોની પુણ્યતમા અને સુવિખ્યાત આ સરસ્વતીને કિનારે યજ્ઞયાગોનાં કેટલાંય અનુષ્ઠાનો થતાં રહેતાં. કેટલાકને મતે પહેલાં સિંધુ-સરસ્વતી બંને એક જ નદી માટે વપરાતા પર્યાયશબ્દો હતા. પણ પાછળથી કુરુક્ષેત્રવાળી નદી જ સરસ્વતીને નામે ઓળખાવા લાગી. આ સરસ્વતી યમુના અને શતુદ્રી (સતલજ)ની વચ્ચે વહેતી હતી. અને સીધી સમુદ્રને મળતી હતી. પણ પછીના સમયમાં મરુભૂમિમાં તે નદી સાવ સુકાઈ ગઈ. પૌરાણિકોને મતે આ સરસ્વતી અદૃશ્ય રૂપે આવીને પ્રયાગમાં ગંગાયમુનાને મળે છે; પણ વેદમાં તો એનો કોઈ જ સંકેત મળતો નથી. ઋગ્વેદકાળમાં એ પશ્ચિમી સાગર તરફ વહેતી હતી. બ્રાહ્મણ યુગમાં એની સુકાવાની પ્રક્રિયા શરૂ થઈ. તાંડ્યબ્રાહ્મણ (૨૦.૧૦.૧૬)માં સરસ્વતીના લુપ્ત થવાના સ્થાનનું તથા જૈમિનીય બ્રાહ્મણ (૪.૨૬.૧૨)માં ફરી વખત આવિર્ભાવ થવાના સ્થાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સરસ્વતીના લોપસ્થાનને ‘વિનશન’ અને પુનરુત્થાન અને ‘પ્લક્ષપ્રાસ્રવણ’ નામ અપાયાં છે. બંને સ્થાનો એક બીજાથી અશ્વગતિના ચુમ્માલીસ દિવસો જેટલાં દૂર છે. આશ્વલાયન શ્રૌતસૂત્ર (૧૨.૬.૧)માં આ નામ થોડું ફેરવીને ‘પ્લક્ષ પ્રશ્રવણ’ એમ કહેવાયું છે.
આ સરસ્વતી નદી ભારતના ધાર્મિક, સાંસ્કૃતિક, સાહિત્યિક અને ઐતિહાસિક વગેરે દૃષ્ટિએ ઘણું મહત્ત્વ ધરાવે છે. આ નદીની સાથે ભારતના તત્કાલીન લોકોના અનેક સુખદ મહત્ત્વશાલી અને પ્રામાણિત સંદર્ભો સંકળાયેલા છે. સરસ્વતીના પાવન તીર પર ભારતીય જીવન પદ્ધતિનાં અનેક પરિમાણો ફેલાયેલાં છે. ત્રિકાળજ્ઞાની ઋષિમુનિઓએ એને જ કાંઠે વસીને ભારતીય સંસ્કૃતિના મૂલાધારરૂપ વેદો સંકલિત કર્યા છે, એના ઉછળતા તરંગોના કલધ્વનિ સાથે વેદઋચાઓનાં મધુર ગુંજનો ભળ્યાં છે. વૈદિક યુગની સુવિખ્યાત નદીઓમાં સરસ્વતીને અનન્ય, જીવતીજાગતી પવિત્રતમ અને સતત પ્રવહમાણ નદી તરીકે વેદોમાં વર્ણવવામાં આવી છે. એની સ્તુતિ કરતાં ઋગ્વેદ ૨.૪૧.૧૬ જણાવે છે એ આપણે ઉપર જોઈ ગયા છીએ.
આ રીતે એને માતૃશક્તિઓમાં સર્વોત્તમ માતા, નદીઓમાં સર્વોત્તમ નદી અને દેવીઓમાં સર્વાધિક મહીયસી દેવી માની છે. વળી, ઋગ્વેદના ૭/૩૬/૬માં તો કહ્યું છે કે ‘એનો જલપ્રવાહ, એની ઉદાર દાન-શીલતાનો શુભ્ર યશોમય પટ વણી રહેલો છે.’ આ સરસ્વતી છ નદીઓની સાતમી માતા છે. સરસ્વતીની સુંદર સલિલ ધારા ધરતીને સીંચીને કૃષિયોગ્ય બનાવે છે. ‘સ્વેન પયસા’ એટલે પોતાના પાણીથી ધરતીને સીંચે છે.
સરસ્વતીના આ વેદોક્ત વર્ણનથી ચાર વાતો ખૂબ સ્પષ્ટ થઈ જાય છે. (૧) આ મંત્રો રચાયા, તે પહેલાંના સમયથી જ સરસ્વતી એક મહાનદીના રૂપે ખ્યાતિ પામેલી હતી. (૨) એ છ નદીઓની – સતલજ, બિયાસ, રાવી, ચિનાબ, ઝેલમ અને સિંધુની માતા હતી. (૩) એ પોતાના જ પાણીથી સતત વહ્યા કરતી હતી અને બીજી નદીઓને પોતાનું જળ આપતી હતી, અને (૪) ‘સરસ્વતી’ અને ‘સિંધુ’ આ બંને શબ્દોનો એકી સાથે જ આ મંત્રમાં પ્રયોગ થયો હોવાથી ‘સિંધુ’ શબ્દનો અર્થ સામાન્ય સંજ્ઞા તરીકે નદીવાચક જ છે. ‘સિંધુ’ નામની વિશેષ નદી તરીકે નથી એટલે કે સરસ્વતી નદી અને ઇતિહાસ પ્રસિદ્ધ સિંધુ નદી બંને અલગ અલગ જ નદીઓ છે અને બંનેનું અસ્તિત્વ ઋગ્વેદ સંહિતાના સંકલનની પહેલાંનું છે.
વેદવર્ણિત આ મહત્ત્વપૂર્ણ નદીનાં દર્શન આજે ભારતમાં ક્યાંય થતાં નથી. એટલે આજના તથાકથિત પૂર્વ-પશ્ચિમી વિદ્વાનો કોઈ પણ પુરાવા વગર કેવળ કપોલકલ્પનાથી આંખો મીંચીને એવું માની બેઠા કે આ નદીનું અસ્તિત્વ જ ન હતું! સારું તો સદ્ભાગ્યે એ થયું કે એક અમેરિકન ઉપગ્રહે ભૂમિની ભીતર દબાયેલી આ સરસ્વતીના ફોટાઓ ખેંચીને પૃથ્વી ઉપર મોકલ્યા અને એ કહેવાતા વિદ્વાનોની આંખો ખોલી! અમદાવાદના ‘સ્પેસ રિસર્ચ સેન્ટરે’ આ ફોટાઓ ઉપરથી એવું તારણ કાઢ્યું કે સીમલાની પાસે શિવાલિકના પહાડોથી માંડીને કચ્છની ખાડી સુધીની ભૂમિના ભીતરી ભાગમાં એક સુકાયેલી નદીનો પટ અસ્તિત્વ ધરાવે છે. એની પહોળાઈ કોઈ કોઈ સ્થળે છ કિલોમીટર જેટલી છે.
વળી, એમણે એવું પણ ઠરાવ્યું કે એ વૈદિક સમયમાં સતલજ નદી અને યમુના નદી આ સરસ્વતીને મળતી હતી. આ નદી જ લુપ્ત થયેલી સરસ્વતી તરીકે વૈજ્ઞાનિકોએ માની અને એને જ વૈદિક ઋષિઓએ ‘નદીતમે’ વગેરે વિશેષણોથી નવાજી હતી. એમ સૌએ સ્વીકાર્યું. આમ તો અમદાવાદના વૈજ્ઞાનિકોએ અમેરિકન ઉપગ્રહોનાં ચિત્રોનાં જે તારણો કાઢ્યાં હતાં એની પહેલાં જ રાજસ્થાનના કેટલાય વિદ્વાનોએ પોતાનો ચોખ્ખો મત ક્યારનોય પ્રગટ કરી દીધો હતો કે એ વિસ્તારમાં ક્યારેક કોઈ મોટી નદી અવશ્ય જ વહેતી હતી જ. રાજસ્થાન સરકારના એક અધિકારી શ્રી એન.એન. ગોડબોલેએ આ નદીના પ્રદેશમાં આવેલા જુદા જુદા કૂવાઓના પાણીનું રાસાયણિક પરીક્ષણ કરાવ્યું અને તેથી એવું જાણવામાં આવ્યું કે એ બધાં જ જળોનું રાસાયણિક મિશ્રણ એક જ પ્રકારનું હતું. પણ જ્યારે આ નદીના ક્ષેત્રથી કેટલાક કિલોમીટર દૂરના કૂવાઓના પાણીનું રાસાયણિક પૃથક્કરણ કરવામાં આવ્યું, ત્યારે તે કોઈ જુદા જ પ્રકારનું મિશ્રણ નીકળ્યું. સંશોધન કરનારા વિદ્વાનોને એવું પણ જાણવા મળ્યું કે રાજસ્થાનની રેતીની નીચે નદીના પૂરના કાંપની માટીનો એક મોટો થર પણ આવેલો છે. આ બધાથી એવું સાબિત થાય છે કે કોઈક મોટી નદી પોતામાં મળેલા બીજી નાની નદીઓના પ્રવાહની સાથે અહીં ઘણાં વરસો સુધી એક ધારી વહતી રહી હશે. અને એને જ કારણે અહીં આટલો કાંપ – આટલી નદીપૂરની માટી – અહીં જમા થઈ હશે. પેલા ઉપગ્રહે મોકલેલા ફોટાઓ દ્વારા આ અનુમાનને એક વધારાનું પ્રમાણ સાંપડે છે.
એમાંયે વળી પાંચેક વરસ પહેલાં સરસ્વતીની હસ્તીનો એક બીજો પણ મજબૂત પુરાવો મળી આવ્યો છે. ખાલી અટકળોથી પરસ્પર સંમતિ-અસંમતિ દાખવતા રહેતા ઇતિહાસકારો ભલે સરસ્વતીની હસ્તીને મામલે ગુંચવણમાં મૂકાઈ ગયા હોય પણ કેન્દ્રીય ભૂસ્તરીય જલ વિષયક બોર્ડના વિજ્ઞાનીઓને હરિયાણા તેમજ પંજાબનાં ઘણાં ઘણાં સ્થાનો ઉપરાંત રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં પણ સરસ્વતી નદીના અસ્તિત્વના નક્કર પુરાવાઓ મળી આવ્યા છે. ‘રનાઉ’ નામના ગામમાં બોરહોલના ૧૨૩ મિટરના ખોદકામમાંથી સ્પષ્ટ પ્રમાણ સાંપડ્યું છે કે ત્યાં અવશ્ય કોઈક નદીનું અસ્તિત્વ હતું, જે આજે મૃતપ્રાય છે. તદુપરાંત અહીંના જ આસપાસના એક કૂવામાં લગભગ ૧૧૬-૧૧૮ મિટર ઊંડે ખોદતાં એવું માલૂમ પડ્યું છે કે એની રચનામાં એક પ્રકારની ‘કછારી’ માટીનો ઉપયોગ થયો છે. અને એમાં બારીક અને મધ્યમ કક્ષાની રેતીનું મેળવણ થયું છે. આ માટી એવું સૂચવી જાય છે કે આ પ્રદેશની આસપાસ અવશ્ય જ કોઈ નદી કોઈક જમાનામાં વહેતી હોવી જ જોઈએ.
સેંકડો વરસો પહેલાંથી આ સરસ્વતીનો પ્રવાહ કોઈક કારણને લીધે લુપ્ત થઈ ગયો હતો. કયાં કારણોને લીધે સરસ્વતી લુપ્ત થઈ ગઈ, એ વિશે અનેકાનેક લોકવાયકાઓ વિદ્વાનોમાં પણ પ્રચલિત છે, કશાં પ્રમાણો વગરની એ વાતો પુરાકલ્પનો – ‘મિથ’ જેવી થઈ ગઈ છે. આજથી લગભગ વીસેક વરસ પહેલાં – ૧૯૮૫ની સાલના અંતભાગમાં, ‘વૈદિક સરસ્વતી શોધ અભિયાન’ નામની એક સંસ્થાની સ્થાપના થઈ છે. આ સંસ્થામાં પુરાતત્ત્વ, ભૂગોળ, ભૂગર્ભ, જ્યોતિષ, ઇતિહાસ અને વૈદિક વાઙ્મય વગેરેના વિદ્વાનો એકત્રિત થયા હતા. આ બધા વિદ્વાનોએ ભેગા મળીને સરસ્વતી નદી સાથે સંકળાયેલાં સર્વ સ્થાનો – હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ગુજરાત વગેરે પ્રદેશોમાં – ચાર હજાર કિલોમિટર જેટલા વિશાળ ક્ષેત્રની મુલાકાત લઈને એના તટવર્તી પ્રાચીન ટીંબા-ટેકરાઓનું સર્વેક્ષણ કર્યું. કાલીબંગા, પીલીબંગા, લોથલ વગેરે સ્થાનો પર ઉત્ખનનમાંથી પ્રાપ્ત થયેલી સામગ્રીનું સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું. જુદાં જુદાં સ્થાનોમાંથી હડપ્પાકાલીન માટીના ઘડા, માટીની મુદ્રાઓ વગેરે ભેગી કરીને આસપાસનાં ઘણાં અપભ્રષ્ટ થઈ ગયેલાં નામો ઉપરથી મૂળ નામો શોધવાનો પણ પ્રયાસ કર્યો હતો.
આ ખૂબ લાંબા અને વ્યાપક સર્વેક્ષણનો હેતુ એ જાણવાનો હતો કે ઋગ્વેદમાં વર્ણવાયેલી સરસ્વતી નદી પોતાના ઉદ્ગમ સ્થાનથી માંડીને ઠેઠ પશ્ચિમી સાગરમાં ભળી, ત્યાં સુધીના સમગ્ર પ્રવાહની સાથે ભારતવર્ષમાં કયા કાળે વહી રહી હતી? એ ક્યારે સુકાઈ ગઈ? એના સુકાવાનું કારણ શું હતું? અને એનો લોપ ક્યારે થયો? સ્વ.ડો. વી.એસ. વાકણકરે પોતાના નિષ્ણાતોની એક મંડલ સાથે ઐતિહાસિક ખોજનાં વિવિધ શાસ્ત્રો દ્વારા સંશોધન કરીને દર્શાવ્યું કે સરસ્વતીએ સમયે સમયે પોતાનાં વહેણો બદલ્યા કર્યાં છે. અને છેવટે ઈ.પૂ. ૧૯૦૦ની આસપાસ તે સાવ સુકાઈ ગઈ હતી. એનું મુખ્ય કારણ, એમાં ભળતાં યમુના અને સતલજના બે પ્રવાહોની હાનિ હતું. યમુનાનો પ્રવાહ ગંગામાં ભળી ગયો અને સતલજનો પ્રવાહ સિંધુમાં ભળી ગયો! ત્યાર પછી જ ભારતીય પ્રજા ગંગાને પવિત્ર માનવા લાગી અને એની પહેલાં એવી પવિત્ર નદી સરસ્વતી જ હતી. સરસ્વતીમાંના એ બે પ્રવાહો અન્ય સ્થળે વળી ગયા પછી જ રાજકીય તખ્તો પણ મગધ તરફ વળ્યો!
સરસ્વતીનો આ બધો વિકાસક્રમ વૈદિક અને વૈદિકોત્તર બ્રાહ્મણગ્રંથો અને પુરાણોમાં નોંધાયેલો છે. ડો. વાકણકરનાં સંશોધનોને આધારે સરસ્વતીનો સૌથી પ્રાચીન પ્રવાહ આજથી ૨૫૦૦૦ વરસો પહેલાંના સમય સુધી અને એની પહેલાંનાં પાંચ લાખ વરસો સુધી ડીડવાના (રાજસ્થાન) થઈને તૂણી નદીને રસ્તે બાલોત્રા (રાજસ્થાન) સુધી પહોંચતો હતો. અને તૂણીના જ માર્ગેથી ઉત્તરપૂર્વે કચ્છના રણમાં મળીને નાનું રણ અને નળસરોવર થઈને ખંભાતના અખાત ઉપર દક્ષિણ સાગરને મળતો હતો.
ખરી રીતે સરસ્વતી નદીનો સંબંધ વૈદિક યુગ અને વૈદિક સંસ્કૃતિ સાથે સિદ્ધ થઈ જ જાય છે. પણ એનાથીયે વધારે ખૂબ પ્રાચીન કાળમાં વહેતી હોય તો પણ કોઈ નવાઈની વાત નથી. કારણ કે રાજસ્થાનમાં હાકડા નદીના કાંઠાળ વિસ્તારમાં જિપ્સમ અને મુલતાની પ્રકારની માટી ઘણી માત્રામાં આજે પણ ઉપલબ્ધ થતી રહી છે.
આ બધાં બહોળાં સંશોધનોથી પેલા ઈ.પૂ. ૧૫૦૦માં જ વેદોની રચના માનવાવાળા પશ્ચિમી, બાઈબલના કથનના ભ્રમમાં પડેલા પૂર્વગ્રહી તથાકથિત ઇતિહાસવિદોનો અને એનું આંધળું અનુકરણ કરનાર દેશી વિદ્વાનોનો મત પણ કડડભૂસ થઈ જાય છે. એ મિથ્યાવાદીઓએ પોતાના બાઈબલકથન (ઈ.પૂ. ૪૦૦૪માં સૃષ્ટિ થઈ) ના બચાવમાં, વેદોની પ્રાચીનતાને નકારી કાઢવાને માટે જ સરસ્વતી (સરસ્+વતી) નદીના અસ્તિત્વને જ નકારી કાઢ્યું! અને એને કેવલ ભાવનાત્મક પ્રતીકનું રૂપ આપી દીધું. એ રીતે એમણે ભારતીય સંસ્કૃતિની જ નહિ, વિશ્વ-સંસ્કૃતિના ઇતિહાસની પણ ભારે દુસેવા કરી છે.
એક વખતની મહાન અને જનજીવનની સંજીવની સમી આ સરસ્વતી પર જ વેદોનું સંકલન થયું હતું. સરસ્વતીને નકારીને વેદસંકલનના સમયને ખૂબ પાછળ ઠેલવાનું કાવત્રુ પશ્ચિમી ઇતિહાસકારોએ પોતાનાં સ્થાપિત હિતોને પોષવા, પોતાની સાંસ્કૃતિક શ્રેષ્ઠતા સ્થાપવા કર્યું હતું. એ હવે નિર્વિવાદ પુરવાર થઈ ચૂક્યું છે. આવશ્યક બધાં જ ક્ષેત્રોનાં ઉપકરણોની એ પુરાવાઓમાં સાક્ષી છે.
વૈદિક સરસ્વતી સુકાઈ ગઈ એ ઘટનામાંથી બે પ્રશ્નો ઉદ્ભવે છે : પહેલો તો એ કે જો સરસ્વતી ઈ.પૂ. ૧૯૦૦ની આસપાસ સુકાઈ જ ગઈ હોય તો એના સુકાયા પછીનાં પાંચસો વરસે ઋગ્વેદ રચનારા આર્યો એની હસ્તીની અને એના સતત વહેતા પ્રવાહની ભરપેટ સ્તુતિ કેવી રીતે કરી શકે? ઈ.પૂ. ૧૫૦૦માં જો વેદનું સંકલન થયું હોય, તો એ વખતે તો સરસ્વતી સુકાયેલી જ હોય ને? આનાથી પણ વધુ મુંઝવતો બીજા એક પ્રશ્ન એ છે કે ઋગ્વેદમાં જણાવ્યા પ્રમાણે એ સરસ્વતીને તીરે હજારો વસાહતો હતી, કેટલાંય અનુષ્ઠાનો થતાં હતાં તો પ્રશ્ન એ થાય છે કે એવી સુકાયેલી સરસ્વતીના તીરે હજારો વસાહતો ઊભી થાય ખરી? એ વખતે ભારતમાં છ મોટી નદીઓ તો ભરપૂર જળવાળી હતી – સિંધુ અને તેની પાંચ શાખાઓ સતત પ્રવહમાણ હતી. તોયે સુકાયેલી સરસ્વતીના નપાણિયા પ્રદેશમાં વસાહતો કેમ ઊભી થઈ અને એને જ તીરે વેદોનું સંકલન કેમ થયું? એટલે પુરાતત્ત્વનો આ ચુકાદો સ્પષ્ટ રીતે જણાવી દે છે કે સરસ્વતીના સુકાયા પહેલાં, જ્યારે તેનામાં પોતાનું જળ સતત વહેતું હતું ત્યારે; સંજીવની હતી ત્યારે જ એને તીરે વેદોનું સંકલન કરવામાં આવ્યું હતું; ત્યારની રચનાઓમાં જ ત્યારની સરસ્વતીની પ્રશંસાઓ છે.
આ સિદ્ધ થયે હવે સમગ્ર સંસ્કૃતિની સમયનિર્ધારણની સમસ્યા હલ થશે. આટલું બધું સંશોધન થયા છતાં હજુ જૂની કપોલકલ્પિત ભ્રમાત્મક અને જૂઠી કલ્પનાઓમાં રાચનારાઓ પોતાને ઇતિહાસવિદ માનવાનો ગર્વ સેવે છે, એ પણ એક અજાયબી ગણવી જોઈએ. અને વેદસંકલનના સમયની ચોકસાઈ માટે ઉપયોગમાં આવી શકે તેટલી બધી જ્ઞાનશાખાઓને કામે લગાડવી જોઈએ અને ખોટી અટકળોમાંથી અટકી જ જવું જોઈએ.
Your Content Goes Here




