૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩. શિકાગોમાં ઐતિહાસિક વિશ્વધર્મ પરિષદ ભરાઈ છે. આર્ટ ઈન્સ્ટિટ્યૂટનો કૉલમ્બસ હૉલ દેશ-વિદેશના લગભગ ચાર હજાર વિદ્વાન પ્રતિનિધિઓથી ખીચોખીચ ભરાયેલ છે. પ્લેટફોર્મ-ડાયસ પર વિશ્વના વિભિન્ન ધર્મોના ટોચના નેતાઓ બેઠેલા છે. તેમાંના બે યુવાનો પોતાના પહેરવેશથી અને પાઘડીથી સૌના આર્કષણનું કેન્દ્ર બન્યા છે. એક છે વિશ્વ વિખ્યાત સ્વામી વિવેકાનંદ અને બીજા જૈનધર્મના પ્રતિનિધિ શ્રી વીરચંદ રાધવજી ગાંધી. બન્નેએ પોતાની આગવી પ્રતિભા, વિદ્વત્તા અને વ્યક્તિત્વ દ્વારા ધર્મપરિષદમાં એવો પ્રભાવ પાડ્યો કે પરિષદ પૂરી થયા બાદ પણ બન્નેને અમેરિકામાં વ્યાખ્યાનો આપવા ચાલુ રાખવા પડ્યા. સ્વામીજીએ ત્રણ વર્ષો સુધી અમેરિકામાં અને યુરોપમાં વિભિન્ન વિષયોમાં અસંખ્ય વ્યાખ્યાનો આપ્યાં અને ૧૫ જાન્યુઆરી ૧૮૯૭ના રોજ ભારત પાછા ફર્યા. વળી, ૨૦ જૂન ૧૮૯૯થી ૯ ડિસેમ્બર ૧૯૦૦ સુધી તેમણે અમેરિકા અને યુરોપનો બીજી વાર પ્રવાસ કર્યો અને વ્યાખ્યાનો દ્વારા વેદાંતનો પ્રચાર કર્યો. શ્રી વીરચંદ ગાંધીએ પણ ધર્મ પરિષદ પૂરી થયા બાદ અમેરિકામાં જૈન ધર્મ વિષે પ્રવચનો આપવાં ચાલુ રાખ્યાં અને ૧૮૯૬માં તેમ જ ૧૮૯૯માં બે વાર ફરી અમેરિકાનો પ્રવાસ કર્યો અને ૬૫૦ જેટલાં પ્રવચનો આપ્યાં.

ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્મના આ બે મહાન જ્યોર્તિધરોમાં કેટલીક વાતોમાં અદ્ભુત સામ્ય હતું.

બન્ને મહાનુભાવો સમોવડિયા હતા. સ્વામી વિવેકાનંદનો જન્મ કલકત્તામાં ૧૨ જાન્યુઆરી ૧૮૬૩ના રોજ થયો હતો તો શ્રી વીરચંદ ગાંધીએ ૨૫ ઑગસ્ટ ૧૮૬૪ના રોજ મહુવામાં જન્મ ગ્રહણ કર્યો હતો. બન્ને અદ્ભુત કર્મયોગી હતા. કર્મ કરતાં-કરતાં જ “બહુજન હિતાય, બહુજન સુખાય” પોતાની જાતને સમર્પીને અલ્પવયમાં જ બન્નેએ આ પૃથ્વીમાંથી મહાપ્રયાણ કર્યું. સ્વામી વિવેકાનંદે કલકત્તામાં બેલુડમઠમાં પોતાના ઓરડામાં ૪ જુલાઈ ૧૯૯૨ના રોજ ફક્ત ૩૯ વર્ષની વયે મહાસમાધિ લીધી તો શ્રી વીરચંદ ગાંધીનો દેહવિલય ૭મી ઑગસ્ટ, ૧૯૦૧ના રોજ ૩૭ વર્ષની વયે થયો.

બન્ને કરુણામૂર્તિ હતા. “શિવભાવથી જીવસેવા”ના આદર્શ અનુસાર સ્વામીજીએ પોતાનું સર્વસ્વ સેવાકાર્યોમાં અર્પિત કર્યું. દરિદ્રનારાયણ અને રોગીનારાયણની સેવામાં લાગી જવા પોતાના શિષ્યોને સ્વામીજીએ હાકલ કરી. “આત્મનો મોક્ષાર્થ જગત્ હિતાય ચ”ના આદર્શથી “રામકૃષ્ણ મિશન”ની સ્થાપના કરી. ૧૮૯૮માં જ્યારે કલકત્તામાં પ્લેગની મહામારી ફેલાઈ ત્યારે પોતાનું સ્વાસ્થ્ય ખરાબ હોવા છતાં તેઓ પોતાના શિષ્યો સાથે પ્રાણપણે રાહતકાર્યમાં લાગી ગયા. રાહતકાર્ય માટે જ્યારે ફંડનો અભાવ થયો ત્યારે જીવનભરની મહત્ત્વાકાંક્ષાની પૂર્તિ માટે મહા પરિશ્રમથી મેળવેલ બેલુડમઠની જમીન વેચવા પણ તૈયાર થઈ ગયા. જો કે પછીથી શ્રીમા શારદાદેવીના સૂચનથી ને અણધારી મદદ મળતા આ મુશ્કેલીમાંથી રામકૃષ્ણ મિશન બચી ગયું પણ સ્વામીજીના હૃદયની વિશાળતાનું આ સૂચક છે.

શ્રી વીરચંદ ગાંધી પણ કરુણામૂર્તિ હતા. ૧૮૯૬માં જ્યારે તેમને ભારતના દુષ્કાળના સમાચાર અમેરિકામાં મળ્યા ત્યારે વિશ્વધર્મ પરિષદના પ્રમુખ સી. સી. બૉનીના અધ્યક્ષપદે અને પોતાના મંત્રીપદે એક દુષ્કાળ રાહત સમિતિની સ્થાપના કરી. શિકાગોની જનતાને દર્દભરી અપીલ કરતાં તાત્કાલિક રાહતનાં પગલાં તરીકે અન્ન ભરેલું વહાણ તુરત જ રવાના કરવામાં આવ્યું અને વિશેષમાં રાહતકાર્ય માટે ટહેલ નાખતાં ત્યાંની જનતાએ શ્રી વીરચંદભાઈની ઝોળી છલકાવી દીધી. લગભગ ચાલીશ હજાર રૂપિયા રોકડા દેશના વિવિધ ભાગોમાં રાહત અર્થે મોકલવામાં આવ્યા.

સ્વામીજીએ કહ્યું હતું, “શિક્ષણ, શિક્ષણ, શિક્ષણ. ભારતની બધી સમસ્યાઓનું સમાધાન છે શિક્ષણ.” આમ જનતાની અને નારીઓની કેળવણી ૫ર સ્વામી વિવેકાનંદે સવિશેષ ધ્યાન આપવા કહ્યું હતું. તેઓ દેશમાં નારી જાગરણ અને નારી શિક્ષણના પ્રથમ હિમાયતીઓમાંના એક હતા.

શ્રી વીરચંદ ગાંધીએ પણ ભારતમાં અને ખાસ કરીને જૈન સમાજમાં નવી કેળવણીનો વ્યાપક પ્રચાર થાય, એ માટેની સુવિધા ઉપલબ્ધ થાય એ માટે અથાક પ્રયત્નો કર્યા હતા. એમના પ્રયત્નોથી અમેરિકામાં ‘International Society for the Education of Women in India’ નામે સંસ્થા સ્થપાઈ હતી અને એમના પ્રયત્નોથી જ ત્રણ ભારતીય બહેનોને આ દ્વારા રહેઠાણ અને અભ્યાસના ખર્ચની સગવડ કરી અમેરિકામાં અભ્યાસાર્થે મોકલવામાં આવ્યા હતા. ભારતીય સન્નારીઓ સમાજમાં પોતાના સ્થાનને સમજે અને સાક્ષર શિક્ષિત સ્ત્રીઓ સાવિત્રી, મૈત્રેયી, ગાર્ગી અને દમયંતી જેવી સતી સ્ત્રીઓના જેવો પોતાનો દરજજો પુન: પ્રાપ્ત કરે એવો ઉદ્દેશ આ સંસ્થાનો હતો.

બન્નેના સમયે જ્ઞાતિબંધન, ટૂંકી દૃષ્ટિ અને વિદેશયાત્રાનો વિરોધ હોવા છતાં બન્ને મહાનુભાવોએ ધર્મના પ્રચારાર્થે સાગર ખેડ્યા. આ માટે બન્નેને વિદેશ જતાં પહેલાં અને વિદેશથી પાછા ફર્યા બાદ કેટલું સહન કરવું પડ્યું હતું! સમુદ્રયાત્રા હિન્દુ શાસ્ત્રોમાં નિષિદ્ધ છે એમ જણાવી પોંડિચેરીના પંડિતોએ સ્વામીજીની વિદેશયાત્રાના ઇરાદા વિરુદ્ધ સખત વિરોધ નોંધાવ્યો હતો. વિદેશથી પાછા ફર્યા પછી, વિશ્વવિજયી બન્યા પછી પણ તેમને આ માટે સહન કરવું પડ્યું હતું.

જૈનધર્મના પ્રતિનિધિ તરીકે શિકાગોની ધર્મ પરિષદમાં ભાગ લેવા પૂ. આત્મારામજી મહારાજને નિમંત્રણ મળ્યું હતું પણ જૈનાચાર પ્રમાણે વિદેશયાત્રા થઈ ન શકે. આથી તેમણે “ધી જૈન એસોસીએશન ઑફ ઈન્ડિયા”ના મંત્રી શ્રી વીરચંદભાઈને છ મહિના સુધી પોતાની પાસે જૈનધર્મનો વિશિષ્ટ અભ્યાસ કરાવ્યો અને ‘શિકાગો પ્રશ્નોત્તર’ નામનો ગ્રંથ પરિષદને લક્ષમાં રાખી તૈયાર કરાવ્યો. પણ શ્રી વીરચંદભાઈની વિદેશયાત્રાના વિરોધમાં ૯મી જુલાઈ ૧૮૯૩ના રોજ એક જાહેર પત્રિકા બહાર પાડવામાં આવી, જેની નીચે ૧૩૭ જૈનોની સહી હતી. વિદેશથી પાછા ફર્યા બાદ શ્રી વીરચંદભાઈની સભાઓમાં ધાંધલ મચી, ખુરશીઓ ઊછળી, વીરચંદ ગાંધીને નાત બહાર મૂકો’ના લોકોએ નારા લગાવ્યા અને અન્ય ધમકીઓ પણ મળી. સમાજની આવી સ્થિતિમાં બન્ને મહાવીરોએ સાચા ધર્મની સમજણ આપી, સત્યમાં અડગ રહ્યા અને ધર્મની રક્ષા કરી, દેશની કીર્તિ વધારી.

બન્ને મહાપુરુષો એકબીજાના ચાહક અને પ્રશંસક હતા. શ્રી વીરચંદભાઈએ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદનો કેવો પ્રભાવ હતો તેની પ્રશંસા કરતાં અમેરિકાથી પ્રકાશિત પત્રિકા ‘એરેના’ (Arena)ના જાન્યુ ૧૮૯૫ના અંકમાં લખ્યું હતું – “શિકાગો ધર્મપરિષદની આ હકીકત છે કે ભારતના એક સુંદર વક્તાના ભાષણ બાદ કોલમ્બસ હૉલના ત્રીજા ભાગના અને ક્યારેક તો બેતૃતીયાંશ ભાગના લોકો બહાર ભાગવા માંડતા.” આ પ્રભાવી વક્તા સ્વામી વિવેકાનંદ જ હતા તેનો પુરાવો “નૉર્થોમ્પટન ડેલી હેરાલ્ડ” (એપ્રિલ ૧૧,૧૮૯૪)ના વર્ણન પરથી મળે છે: “શિકાગો ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદને કાર્યક્રમના અંત સુધી બોલવા દેવામાં આવતા નહિ. ઉદ્દેશ એ કે લોકો રાત્રીના અંત સુધી બેઠા રહે… જે દિવસે ગરમી વધારે પડી હોય અને કોઈ પ્રોફેસરે ખૂબ લાંબું ભાષણ ચલાવ્યું હોય અને લોકો સેંકડોની સંખ્યામાં હૉલ છોડીને જવા માંડતા ત્યારે એક જ જાહેરાતની આવશ્યક્તા રહેતી કે સ્વામી વિવેકાનંદ એક સંક્ષિપ્ત ભાષણ, કાર્યક્રમના અંતે આપશે અને હજારો લોકો તેમનું પંદર મિનિટનું ભાષણ સાંભળવા કલાકો રાહ જોતા.”

ઈર્ષ્યા એ આપણા દેશનો જાતિગત દોષ છે, તેમ સ્વામી વિવેકાનંદ કહેતા. સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકામાં અસાધારણ ખ્યાતિ પ્રાપ્ત કરવા માંડ્યા ત્યારે તેમના ભારતીય મિત્રો જ ખ્રિસ્તી મિશનરીઓની સાથે મળીને તેમની વિરુદ્ધ ભ્રામક પ્રચાર કરવા લાગ્યા. ત્યાં સુધી કે તેમના ચારિત્ર્ય પર પણ દોષારોપણ કરવા માંડ્યા. આવા કપરા સમયમાં સ્વામીજીના હિતેષી જૂનાગઢના દિવાન હરિદાસ વિહારીદાસ દેસાઈએ સ્વામીજીના અમેરિકન મિત્રોને પત્રમાં સ્વામીજીના ઉમદા ચારિત્ર્ય વિષે લખી તેમને આ નિંદાદોષમાંથી બચાવવાનો પ્રયત્ન કર્યો. આ પ્રક્રિયામાં જૂનાગઢના દિવાનજીના સંપર્કમાં આવેલ અને સ્વામીજીના સહૃદયી મિત્ર શ્રી વીરચંદ ગાંધીએ પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ખ્રિસ્તી, મિશનરી મિ. હ્યુમ સાથે સ્વામીજીનો વિવાદ સર્જાયો ત્યારે સમાચાર પત્રોમાં જાણે કે એક યુદ્ધ છેડાઈ ગયું. આવા કપરા સંજોગોમાં તેમની તરફેણમાં ત્યારે શ્રી વીરચંદ ગાંધી અને શ્રી પુરુષોત્તમ રાવ તેલંગ જ હતા. સ્વામી વિવેકાનંદ વિષે શોધકાર્ય કરી ‘વિવેકાનંદ ઈન ધ વેસ્ટ ન્યુ ડિસ્કવરીઝ’ નામનો ગ્રંથ ૬ ભાગોમાં પ્રકાશિત કરી અભૂતપૂર્વ કાર્ય કરનાર મેરી લુઈ બર્ક (સિસ્ટર ગાર્ગી) લખે છે –

“The Hume – Vivekananda letters set off a bitter debate which lasted into the early part of 1895 and which was published in various widely read periodicals such as the Forum, the Arena, the Monist, and so on. The principal antagonists were, on the missionary side: the Right Reverend Mr. J. M. Thoburn, Missionary Bishop to India and Malaysia, Mr. Fred Powers, Rev. J. M. Muller and Rev. E. M. Wherry, and on the Hindu side : Mr. Virchand R. Gandhi and Mr. Purushottam Rao Telang.” (Vo. I, P. 464-468)

આ તરફ જ્યારે શ્રી વીરચંદ ગાંધીને તેમના જ જ્ઞાતિના લોકો નાતબહાર મૂકવાની ઝુંબેશ ઉપાડી રહ્યા હતા ત્યારે તેમના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતાં સ્વામીજીએ જૂનાગઢના દિવાન હરિદાસ વિહારીદાસ દેસાઈને શિકાગોથી નવેમ્બર ૧૮૯૪ના પત્રમાં લખ્યું હતું- “પાશ્ચાત્ય લોકોની સફળતાનું રહસ્ય છે – હળીમળીને કામ કરવાની અને સંગઠનની શક્તિ. પરસ્પર વિશ્વાસ અને સહાયતા દ્વારા જ આ શક્ય છે. હવે અહીં વીરચંદ ગાંધી છે, જેમને તમે મુંબઈમાં સારી રીતે ઓળખતા હતા. આ વ્યક્તિ આ ભયંકર ઋતુમાં પણ શુદ્ધ શાકાહાર સિવાય બીજો કોઈ ખોરાક લેતા નથી અને પોતાના ધર્મ અને દેશવાસીઓને બચાવવાનો ભરપૂર પ્રયત્ન કરી રહ્યા છે. આ દેશના લોકો તેને ખૂબ ચાહે છે પણ જેઓએ તેમને અહીં મોકલ્યા તેઓ શું કરી રહ્યા છે? તેઓ તેમને નાતબહાર કાઢી મૂકવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઈર્ષ્યા ગુલામોમાં સાહજિક રીતે જન્મે છે અને આ ઇર્ષ્યા જ તેમને અધોગતિના માર્ગમાં જકડી રાખે છે.”

આજે જ્યારે શિકાગો ધર્મપરિષદની શતાબ્દી ઉજવણી સમસ્ત વિશ્વમાં થઈ રહી છે ત્યારે ધર્મપરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્મનું પ્રતિનિધિત્વ કરનાર આ બંને મહાન જ્યોર્તિધરોને આપણાં વિશેષ વંદન!

Total Views: 85

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.