ભારતના નવયુવકો ! તમારે ત્યાગ કરવો જોઈએ. મહાન બનો. ત્યાગ સિવાય કોઈ પણ મહાન કાર્ય બની શકે નહીં. આ જગતને સર્જવા માટે (આદિ) પુરુષે પોતે પોતાનો જ ભોગ આપ્યો. તમારી સુખસગવડો, તમારી મોજમજાઓ, તમારાં નામ, તમારો યશ કે મોભો, અરે તમારાં જીવન સુધ્ધાં વિસર્જન કરો અને માનવ અંકોડાની સાંકળોનો એક પુલ તૈયાર કરો કે જેના પર થઈને લાખો લોકો આ સંસાર-સાગરને પાર કરે. બધાં શુભ બળોને એકત્રિત કરો. તમે ક્યા નેજા નીચે કૂચ કરો છો તેની પરવા ન કરો, તમારો ક્યો રંગ છે – લીલો, વાદળી કે લાલ – તેની પરવા ન કરો; બધા રંગો એકસાથે મેળવી દો અને પ્રેમના શ્વેતરંગનો પ્રબળ પ્રકાશ પેદા કરો. કાર્ય કરવાનું આપણા હાથમાં છે; પરિણામો પોતાની મેળે પોતાનું સંભાળી લેશે. ઈશ્વરસ્વરૂપ થવાના તમારા માર્ગમાં જો કોઈ સામાજિક સંસ્થા આડી આવતી હશે તો એ આત્માની શક્તિ આગળ નમી પડશે. હું ભવિષ્યમાં મીટ માંડતો નથી; તેમજ એ જોવાની પરવા પણ કરતો નથી. પરંતુ એક દૃશ્ય હું આપણા અસ્તિત્વ જેટલું જ સ્પષ્ટ જોઈ રહ્યો છું, કે આપણી આ વૃદ્ધ પ્રાચીન માતા ફરી પાછી એક વાર જાગી ઊઠી છે અને પૂર્વે કદીયે હતી તેના કરતાં વધુ યૌવનસંપન્ન અને વધુ મહિમાવાન બનીને પોતાના સિંહાસન પર બિરાજમાન થઈ છે. સમસ્ત વિશ્વની સમક્ષ શાંતિ અને આશીર્વાદના અવાજે નેકી પોકારો કે ‘ભારત માતા કી જય હો!’

પ્રેમ અને પરિશ્રમપૂર્વકના આ કાર્યમાં સદા તમારો

વિવેકાનંદ

(‘હિન્દુ ધર્મનું નવજાગરણ’ શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, પૃ. ૨૮-૨૯)

Total Views: 378

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.