પશ્ચિમની ચિત્રકળાની માફક ભારતીય ચિત્રકળા પદાર્થના માત્ર બહિર અંગનું આલેખન કરતી નથી; પરંતુ એથી કંઈક વિશેષ કરે છે. એ મૂળ પદાર્થનું આબેહૂબ ફોટો ચિત્ર નથી હોતી. પશ્ચિમની કળામાં જેનો ઉપયોગ થાય છે, તે પ્રકાશ અને છાયાના વિનિયોગમાંથી તે જન્મતી નથી. એ પદાર્થનો વિષય નથી, પણ ચિત્તનો વિષય છે. નેત્ર દ્વારા કોઈ પણ પદાર્થની આકૃતિ ચિત્તમાં દાખલ થાય છે, ત્યારે અંદર પહોંચતા વેંત તેનું રૂપાન્તર થઈ જાય છે. તેની આ રૂપાંતરિત છબિ ચિત્રમાં રણક્યા કરે છે. કોઈ ધન્ય ઘડીએ ચિત્રમાં પડેલી એ છબિ એના બધા સંદર્ભો અને સર્જકના અંતરંગથી રંગાઈને તે પુન: ચિત્તમાં સળવળે છે અને સર્જક-બળને લઈ તે ચિત્રકૃતિ રચાઈ જાય છે. એટલે એ મૂળ પદાર્થનું ફોટો ચિત્ર નથી હોતી, પણ એક નવસંસ્કરણ પામેલી ‘ભાવ-છબિ રૂપે રંગ અને રેખા દ્વારા કાગળ, દિવાલ કે કેન્વાસ પર અવતરે છે. ટૂંકમાં કહીએ તો સર્જકની આન્તરચેતનાનો તેને સંસ્પર્શ લાગી ગયો હોય છે અને અસલના પદાર્થનું તેમાં ઉન્નયન થઈને, એક જુદો જ પદાર્થ પરિણમ્યો હોય છે. એટલે જ ચિત્તમાં જેનું ભાવના-સ્વરૂપે ત્રાણ થયું છે, પરંતુ તેનું પરિત્રાણ સધાતાં પુન: નવા રૂપે જે અવતરે છે, તેને ચિત્ર કહી શકાય. આ પ્રમાણે ચિત્તમાં જેનું ત્રાણ થયું હતું, તેનું રંગ, અને રેખા દ્વારા પુન:આલેખન એટલે જ ચિત્ર. આવી ભારતીય ચિત્રકળાનું સૌથી અગત્યનું અંગ પાણીના રેલાની માફક અવિચ્છિન્ન લયબદ્ધ રીતે વહેતી અને ચિત્રને સમગ્ર રીતે આવરી લેતી તેની પ્રવાહી રેખા હોય છે. એ રેખા વચ્ચેના ખાલી પટ્ટાને પ્રકાશ કે છાયા દ્વારા પશ્ચિમની ચિત્રક્લાની જેમ ઉપસાવવામાં આવતી નથી; પરન્તુ તેમાં જુદા જુદા રંગ સંવાદી રીતે પૂરીને, પેલી પ્રાણવાન રેખાઓને સજીવન કરવાની હોય છે. ‘વિષ્ણુધર્મોત્તર પુરાણ’માં ચિત્રકળાની ષડંગો વિષે વાત કરી છે. આ ષડ્અંગમાં રૂપભેદ, પ્રમાણ, લાવણ્ય, વર્ણિકાભંગ, સંયોજન અને સાદૃશ્યની ગણના થાય છે. ઉત્તમ ચિત્રમાં આ છયે અંગો શ્રેષ્ઠ રીતે સંવાદી થયેલાં હોય છે. આ તો પદાર્થગત ચિત્રકળાની વાત થઈ; પણ ભારતીય પોર્ટ્રેચર વિશે શું? એમ કોઈ પ્રશ્ન પૂછે, તો જગન્નાથભાઈએ મુલાકાત વખતે દીધેલો ઉત્તર ટાંકી શકાય. પશ્ચિમનાં છબિચિત્રો (પોર્ટ્રેચર) વ્યક્તિના બહિર શરીરનાં ચિત્રો છે. જ્યારે ભારતીય પાર્ટ્રેચર એ વ્યક્તિના શરીર કે બહિર્-મુખભાવનું નહીં, પરંતુ એ વ્યક્તિમાં જે ગુણ વિશેષ ભાવે પરિવર્તે છે, તેનું ભાવચિત્ર કે ગુણચિત્ર છે. ભારતીય ચિત્રકળા વિષે પૂર્વાલાપ રૂપે આટલું કહ્યા પછી હવે એ કળાના હાર્દ વિષે કેટલાક સર્જકો, મનીષીઓ, યોગવિદો અને કલાવિવેચકો શું કહે છે; તેનાં કેટલાંક કથનો વિચારીશું.
એમાં પહેલી સાક્ષી છે વિખ્યાત કળા-અભ્યાસી વિદૂષી બહેન સ્ટેલા ક્રેમરીશની. તેઓ સતત બે વર્ષ સુધી શાંતિનિકેતન અને વિશ્વભારતીમાં કળાનો અભ્યાસ કરવા રહ્યાં હતાં અને અભ્યાસ અને સંશોધનના ફળરૂપે તેમણે અગત્યનો સચિત્ર ગ્રંથ પ્રગટ કર્યો છે, તેનું નામ છે: ‘ઈન્ડિયન આર્ટસ – ઈટ્સ ટ્રેડિશન્સ ઈન આર્કિટેક્ચર, પેઈન્ટિંગ ઍન્ડ સ્કલ્પચર’. તેઓ તેની સાધના અને કલાશ્રી વિષે નીચેના ઉદ્ગારો કાઢે છે:
“ભારતમાં જીવનનો સાત્યંતિક હેતુ મોક્ષ છે. આ હેતુને સિદ્ધ કરનારું કળા પણ એક સાધન છે. આ મોક્ષનો હિન્દુ-તત્ત્વજ્ઞાન પ્રમાણે અર્થ શો છે? એની નિષેધાત્મક બાજુએ એ જીવનની સાથે સંબંધ ધરાવતી બધી પ્રવૃત્તિઓ જે ચિત્તને આસક્તિથી જકડી રાખે છે, તેમાંથી નિવૃત્તિ લેવી એ છે. આસક્તિ એ જ બંધન; એથી વિરુદ્ધની સ્થિતિ એટલે મુક્તિ અથવા મોક્ષ. પરન્તુ આ આસક્તિહીન નિષેધાત્મક ચેતનાની બીજી એક વિધેયક અવસ્થા પણ છે. જ્યારે તે પ્રાપ્ત થાય છે ત્યારે સર્જક-પ્રશા નવું પરિમાણ સાધે છે; અને તેની અનુભૂતિ ચિત્તને પરમાનંદમાં ઝબોળી દે છે! અને તેમાંથી નિષ્પન્ન થઈને, જે કૃતિ રચાય છે, તે દિવ્યત્વનો રણકો લઈને આવે છે. મોક્ષનો બીજો અર્થ છે, પરમતત્ત્વમાં પુન: સંમિલિત થવું. આ રીતે હિન્દુ ધર્મમાં પરમતત્ત્વ સાથે એકાકાર થવાની કે દૂપ થવાની નોખનોખી રીતિ અને જુદીજુદી સાધનાઓ છે. તેને લક્ષમાં લઈને ભારતીય તત્ત્વજ્ઞાનની પરિભાષામાં જેને ધર્મ કહે છે, તેને ધ્યાનમાં રાખીને જ ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ચતુર્વિધ પુરુષાર્થની ઉત્તરોત્તર સંકલના રચાઈ છે. ધર્મનો અર્થ સામાજિક અને વ્યક્તિગત રીતે જે શ્રેષ્ઠ ગણાય તેવી નૈતિક આચાર-સંહિતા થાય છે. અર્થ, કામ અને મોક્ષનું આદિ બીજ આ ધર્મ છે. એ આ આખીયે સંકલનામાં પરિવર્તવો જોઈએ, તો જ અર્થ અને કામનો સ્વીકાર યોગ્ય ગણાય. અને એનો ઉપયોગ એવી રીતે કરવો જોઈએ જેથી માનવ ચિત્ત મોક્ષ કે નિર્વાણની પરિસ્થિતિને પામે. ‘યોગ’ અને ‘કળા’ બન્ને આ છેવટનું કાર્ય પોતપોતાની રીતે સાધે છે. વળી માનવનું જીવન જેમ મોક્ષ પ્રાપ્ત થતાં પરમ મૌનમાં પરિણમે છે, તેમ સર્જકનો શબ્દ પણ આખરે પરમૌનમાં પ્રવેશીને એના આદિસર્જક સાથે એકરૂપ થઈ જાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની આ સીડી ઉપર જયારે સર્જક-પ્રજ્ઞા વિહરે છે, ત્યારે કળાની નોખનોખી તરાહો અને કક્ષાઓ જન્મે છે; પરંતુ જેવી તે મહદ્ તત્ત્વનો સ્પર્શ અનુભવે છે, ત્યારે જે કલાકૃતિનો આવિર્ભાવ થાય છે, તેનું પરિણામ આધ્યાત્મિક હોય છે. છેક કારુકલાથી ચારુકલા સુધી પથરાયેલી ભારતીય કલાસૃષ્ટિ ત્યારે જ કૃતાર્થ થાય છે, જ્યારે તે આ અંતિમ પરિણામ સાધે છે. આ બિન્દુએથી જ ભારતીય કળાનો ઉત્તમોત્તમ આવિર્ભાવ થાય છે. આમ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની આ સીડી ઉપર સર્જક ચેતના રમમાણ કરે છે, ત્યારે જુદીજુદી કક્ષાની અને તરાહની કળાનો છેક સ્થૂલભાવથી માંડીને, સૂક્ષ્મસંવેદના સુધીનો, બંધનથી માંડીને મોક્ષાનુભવ સુધીનો, તેમાં અનુભવ આકાર લઈ લે છે. તેને લઈને ભારતીય કળામાં અપાર વૈવિધ્ય સાથે તીવ્ર એકરૂપતા પણ જોવામાં આવે છે.”
સ્ટેલા ક્રેમરિશ જેવાં વિદુષી બહેનના ‘કળા અને મોક્ષ’ અને ‘યોગ અને મોક્ષ’ – બન્ને વિષેના આ વિચારો મેં જરાક વિશેષ સ્કૂટ કરીને દર્શાવ્યા છે; પરંતુ સારાંશ એટલો જ છે કે યોગ અને કળા બન્ને ભિન્ન-ભિન્ન રસ્તે પણ જે કાર્ય સાધે છે તે મોક્ષ પ્રાપ્તિ હોય છે. તેના આ લક્ષ્યને લઈને જ ભારતીય કળાનું આધ્યાત્મિક સ્વરૂપ ઘડાય છે. ભારતીય કળાએ અત્યાર સુધી જે-જે મહાન અને ભવ્ય કૃતિઓ ઉત્પન્ન કરેલી છે, તેનું નિરીક્ષણ કરીશું તો આ સત્યની પ્રતીતિ થયા વિના રહેશે નહીં. કલાકારની સાધના જેટલી ઉચ્ચ, ગહન વ્યાપક અને ઉદાત્ત તેટલી તેની કૃતિ પણ તેવી જ રચાય છે. વળી આવિષ્કારના આ સર્વોચ્ચ શિરોબિન્દુએ, ભારતીય કલાકાર માટે વસ્તુ અને સ્વરૂપનો વિગ્રહ ટળી જાય છે; અન, બન્ને એકરૂપ અને એકરસ થઈને સમગ્ર કૃતિને આલોકિત કરી દે છે, આ ક્થનનો સાક્ષાત્કાર આપણે ‘અજંટા’ની ચિત્રસૃષ્ટિમાં, ‘ઍલિફન્ટા’ની શિવમૂર્તિમાં અને ‘ઈલોરા’ની સ્વર્ગની સંકલ્પનામાં કરી શકીશું. તો માનવીય સંવેદના અને સમાધિસ્થ આવેગના મહાકાવ્ય સમ ખજૂરાહની માદક મૂર્તિઓમાં પણ ઉદાત્ત પ્રણય પ્રત્યે આરોહણ કરતા અને દુન્યવી આવેગને તાર સ્વરે ગાતા કળાકારનાં દર્શન કરી શકીશું: કારણકે તે જાતીય ચિત્રો નથી પરન્તુ તે ઉર્ધ્વની, માનવ-પ્રણયનાં પ્રતીક દ્વારા યાદ આપતી પ્રતીકાત્મક, માનવીય સૃષ્ટિ રચતી, ઉત્કટ અને સમાધિ કળા છે.
ભારતીય કળા વિષેની બીજી સાક્ષી હું કવિ મની રવીન્દ્રનાથ ઠાકુરની આપીશ. તેઓ એક સ્થળે કહે છે કે શ્રેષ્ઠ કવિતા એના ઉત્તમોત્તમ સ્વરૂપે પ્રિયતમ અને પ્રિયતમ વચ્ચેની પ્રેમ-ગોઠડી છે; આત્મા અને પરમાત્મા વચ્ચેની ગૂફતગુ છે; આ કેવળ વાણી-વિહાર નથી; પરંતુ ‘ગીતાંજલી’માં જે કવિતા છે તે તેમના રહસ્યવાદી સૂત્ર પ્રતીતિ કરાવે છે, તેમના આ ઉદ્ગારો છે તો કવિતા વિષેના પરન્તુ તે બીજી બધી કળાઓને લાગુ પડે છે. હાથમાં તંબૂર લઈને ગાતો ભક્ત સૂરદાસ એ જ કરે છે. કરતાલ લઈને નાચતાં મીરાં અને નરસિંહ પણ એ જ કરે છે; હાથમાં ટાંકણું લઈને ધડતો શિલ્પી પણ એ જ કરે છે; અને રવીન્દ્રનાથની શ્રીમતી – નૃત્ય આરાધના કરીને બુદ્ધ પ્રત્યેના પૂજયભાવ ખાતર લીલું માથું વધેરી દે છે, તે પણ એ જ કરે છે; અને વરસો સુધી એ ઈટ ઉપર, બીજી ઈંટ મૂકીને ભક્તિભાવપૂર્વક પગથીથી છેક શિખર સુધી મંદિરને કળાત્મક આકાર આપતો સ્થપતિ- સમુદાય પણ એવી સમૂહ-ઉપાસના કરે છે; એમ અવશ્ય કહી શકાય.
(ક્રમશ:)
Your Content Goes Here




