ભારતની ગઈકાલ અને આજ
ઉદ્યોગ : ગઈ સદીનો ભારતનો ઉદ્યોગ એટલે કાપડ ઉદ્યોગ. ૧૯૦૦-૦૧માં ભારતની કાપડની મીલો દ્વારા ૪૨૦.૬ મિલિયન વાર કાપડ તૈયાર થતું અને હૅન્ડલુમ દ્વારા ૬૪૬.૪ મિલિયન વાર કાપડ તૈયાર થતું. કાપડની આયાત ૧૮૭૫ મિલિયન વારની હતી અને નિકાસ ૧૧૧ મિલિયન વાર હતી. ૧૯૦૦ અને ૧૯૩૯ વચ્ચે ભારતે કાપડ ઉદ્યોગના ઉત્પાદન ક્ષેત્રે ક્રાંતિ સર્જીને સ્વનિર્ભર રાષ્ટ્ર બન્યું. બીજા વિશ્વયુદ્ધ વખતે ભારત મહત્ત્વનું મોટું કાપડની નિકાસ કરનારું રાષ્ટ્ર બન્યું. આજે ભારતમાં સ્પનયાર્નના ક્ષેત્રે ૨,૮૦૮ મિલિયન કિ.ગ્રા.નું ઉત્પાદન કરીને મહત્તમકક્ષાનું નિકાસ કરનારું રાષ્ટ્ર બન્યું છે.
બીજા ઉદ્યોગોના ક્ષેત્રે પણ એટલું જ અસરકારક કાર્ય થયું છે. ૧૯૦૦-૦૧માં ભારતે ૨,૮૬,૫૦૦ ટન લોખંડ અને સ્ટીલની આયાત કરી હતી. પરંતુ લોખંડ પોલાદના ક્ષેત્રે વિશ્વપ્રસિદ્ધ ઉદ્યોગો સ્થાપીને આપણું રાષ્ટ્ર ૨૩ મિલિયન ટન શુદ્ધ સ્ટીલ, ૨૪ મિલિયન ટન સ્ટીલની પાટો-ઢાળિયા અને ૧૯ મિલિયન ટન પિગઆયર્નનું વાર્ષિક ઉત્પાદન કરે છે. આવી જ રીતે ૧૯૧૪માં સિમેન્ટનું ઉત્પાદન માત્ર ૯૪૫ ટન હતું અને ભારતે એ વર્ષમાં ૧,૬૫,૭૨૩ ટન સિમેન્ટની આયાત કરી હતી. પણ આજે ૯૦ મિલિયન ટન સિમેન્ટનું ઉત્પાદન થાય છે એટલે કે, ભારત જેટલા સિમેન્ટની આયાત કરતું હતું તેટલા સિમેન્ટની નિકાસ કરી શકે છે. ૧૯૦૧-૦૫ દરમ્યાન આપણું કોલસાનું વાર્ષિક ઉત્પાદન ૪.૨૩ મિલિયન ટન હતું તેને બદલે આજે ૩૦૦ મિલિયન ટન છે. આપણા ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રના ઉત્પાદનોની ગ્રૉસ વૅલ્યુ ૧૯૫૦-૫૧માં ૧,૦૩૧ કરોડ રૂપિયા હતી પરંતુ આજે આ ગ્રૉસ વૅલ્યુ ૨,૧૫,૮૦૦ કરોડ રૂપિયા જેટલી છે.
જીવનની ગુણવત્તા : ગઈ સદીમાં ભારતે લોકોના જીવન સુધારણાની ગુણવત્તામાં ઘણો ઝડપી અને અસરકારક સુધારો સાધ્યો છે. ૧૯૬૦ના દસકા પછી ભારતમાં આવેલી હરિયાળી ક્રાંતિને કારણે ભયંકર અને વિનાશક દુકાળોના દિવસો હવે ચાલ્યા ગયા છે. ૧૯૫૦માં વ્યક્તિદીઠ ૩૭૬ગ્રામ અનાજ દરરોજ મળતું પરંતુ આજે એ વધીને ૫૦૦ગ્રામ સુધી પહોંચ્યું છે, ખાદ્ય તેલની વાર્ષિક પૂર્તિ ૨.૮ કિ.ગ્રા.માંથી વધીને આજે ૮.૧ કિ.ગ્રા. સુધી પહોંચી છે, અને ખાંડ ૩ કિ.ગ્રા.માંથી વધીને ૧૫ કિ.ગ્રા. ખાંડ મળે છે, ચા ૨૨૦ ગ્રામમાંથી ૬૫૭ ગ્રામ સુધી વધી છે, વ્યક્તિદીઠ ૮.૫ મિટર કાપડના કપડાંમાંથી વધીને ૧૬.૨ મિટર સુધીની વૃદ્ધિ થઈ છે.
૧૯૦૧માં સ્ત્રીઓની સરેરાશ ઉંમર ૨૪ વર્ષની હતી અને પુરુષોની ઉંમર ૨૩.૬ વર્ષની હતી. આજે સરેરાશ ઉંમર ૬૦ વર્ષની થઈ છે. ૧૯૫૧માં આપણા દેશમાં ૨૭૦૦ હૉસ્પિટલો હતી તેને બદલે ૧૪,૦૦૦ હૉસ્પિટલો છે. ૧૯૦૭ પહેલાં શિક્ષણના ક્ષેત્રમાં ભારતની બધી યુનિવર્સિટીઓમાંથી આટર્સ, સાયન્સ, એન્જિનિયરિંગ અને મૅડિસિન શાખાના સ્નાતકોની સંખ્યા ૨૦૦૦થી વધુ ન હતી. ૫૦ મિલિયન લોકોની શૈક્ષણિક સેવા કરતી મદ્રાસ યુનિવર્સિટી દ્વારા ૧૯૦૦માં ૩૬૫ આટર્સ ગ્રૅજ્યુએટ્સ અને ૧૯૦૧માં ૩૩૧ ગ્રૅજ્યુએટ્સ બહાર પડ્યા હતા. ૧૯૦૧માં બધા વિદ્યાર્થીઓમાં સ્ત્રીઓનું પ્રમાણ ૦.૦૯૭ હતું – ખરેખર અત્યંત દયનીય પરિસ્થિતિ કહેવાય.
આજે ૧૮.૩% સાક્ષારતાના પ્રમાણમાંથી ૧૯૫૧માં ૫૨.૨% સુધી સાક્ષરતાનું પ્રમાણ વધ્યું છે. ભારતની ૨૨૮ યુનિવર્સિટી દ્વારા ૧૮૦૦થી વધુ સંખ્યાની વ્યાવસાયિક શિક્ષણની કૉલેજો ભારતના લોકોને સારી ગુણવત્તાવાળું શિક્ષણ આપે છે. વાસ્તવિક રીતે તો આઝાદી પછી ભારતના ડૉક્ટરો, એન્જિનિયરો અને સૉફ્ટવેરના નિષ્ણાતોએ સમગ્ર વિશ્વમાં પોતાનું નામ કાઢ્યું છે અને એક ક્રાંતિ સર્જી દીધી છે.
(‘બિઝનેસ ઈંડિયા-૨૭ ડિસે. ૯૯’ના સૌજન્યથી)
Your Content Goes Here




