ઈતિહાસકાર આર્યોના મૂળ સ્થાન તરીકે ભલે ઉત્તર ધ્રુવને કલ્પે, ભાષાશાસ્ત્રી એ માન ભલે મધ્ય એશિયાને આપે, દેશાભિમાની ભલે હિન્દુસ્તાનને જ આર્યોની આદ્યભૂમિ સિદ્ધ કરે, પરંતુ રાષ્ટ્ર હૃદયમાં વસતી પ્રેરણાને જો કંઈ ઐતિહાસિક મહત્ત્વ હોય, તો હિમાલય એ જ આપણું આર્યોનું આદ્યસ્થાન છે. રાય હોય કે રંક, વૃદ્ધ હોય કે યુવાન, પુરુષ હોય કે સ્ત્રી, પ્રત્યેકને લાગે છે કે આયુષ્યમાં વધુ નહીં તો એક જ વાર, પણ હિમાલયનાં દર્શન કરીએ. હિમાલયનાં અમૃતજળનો આસ્વાદ લઈએ, હિમાલયની એકાદ વિશાળ શિલાની ઉપર બેસીને ક્ષણ ભર ઈશ્વરનું ધ્યાન કરીએ. જિંદગીનાં કરવાનાં તેટલાં કાર્યો સમેટાઈ જાય, ઇન્દ્રિયોની બધી શક્તિઓ ક્ષીણ થઈ જાય, ર્જીણ દેહે અને બાકી રહેલું આયુષ્ય ભાર રૂપ લાગવા માંડે, એટલે પછી આ દુનિયા રૂપ પારકા ઘરમાં પડ્યા ન રહેતાં સ્વગૃહે જઈને જ મરીએ. આવા ઉદ્દેશથી કેટલાયે હિન્દુઓ અન્નજળનો ત્યાગ કરીને દેહ પડે ત્યાં લગી હિમાલયમાં ઈશાન દિશા તરફ ચાલ ચાલ કરે છે. આપણા શાસ્ત્રકારો આ જ માર્ગ લખી ગયા છે. કોઈ રાજાનું રાજપાટ ગયું કે તે જશે હિમાલયમાં. ભર્તૃહરિ સરખાને ચાહે તેવો વૈરાગ્ય ઊપજ્યો, પણ તેને હિમાલયને વિશેનો અનુરાગ એક અણુ માત્ર પણ ઘટવાનો નહીં, ઊલટો એનો અનુરાગ વધારે ને વધારે ચડતો જશે. કોઈક વેપારીને દેવાળું કાઢવા વખત આવ્યો, કોઈ સોદાગરનું સર્વસ્વ સમુદ્રમાં ડૂબી ગયું, કોઈની સ્ત્રી કુલટા નિવડી, કોઈની પ્રજા ઊધળી ગઈ, કોઈને કંઈ રાજકીય કે સામાજિક સંકટ માથે આવી પડ્યું, કોઈને પોતાના અધ:પાતને લીધે સમાજમાં મોં બતાવવા સરખું ન રહ્યું – કોઈ પણ અવસ્થામાં આસ્તિક હિંદુ આપઘાત નહીં કરે, પરમ દયાળુ મહાદેવ ઉપર હિંદુને જેટલી શ્રદ્ધા છે, તેટલી જ અટલ શ્રદ્ધા તેને હિમાલય ઉપર છે. પશુપતિનાથની જેમ હિમાલય પણ અશરણ-શરણ છે. રાષ્ટ્રોદ્ધારનું ચિંતન ચંદ્રગુપ્તે હિમાલયમાં જઈને જ કર્યું હતું. સમર્થ રામદાસ સ્વામીને પણ રાષ્ટ્રોદ્ધાર કરવાની શક્તિ બજરંગ બલી રામદૂત પાસેથી હિમાલયમાં જ પ્રાપ્ત થઈ હતી. હિંદુ ધર્મનું રહસ્ય અનાયાસે પ્રગટ થાય એવું પૃથ્વીની સપાટી ઉપર કોઈ સ્થાન હોય તો તે હિમાલય જ છે. શ્રી વેદ વ્યાસે પોતાનો ગ્રંથસાગર હિમાલયને ખોળે બેસીને રચ્યો હતો. શ્રીમદ્ શંકરાચાર્યે એમની વિશ્વવિખ્યાત પ્રસ્થાનત્રયી હિમાલયમાં જ લખી કાઢી હતી. અને સ્વામી વિવેકાનંદ અને સ્વામી રામતીર્થે પણ સનાતન ધર્મોનાં તત્ત્વો આધુનિક જમાનાને કેવી રીતે લાગુ કરવાં તેના વિચાર હિમાલયમાં જ કર્યા હતા. હિમાલય-આર્યોનું આ આદ્યસ્થાન, તપસ્વીઓની આ તપોભૂમિ,-પુરુષાર્થી લોકોને માટે ચિંતન કરવાનું એકાંત સ્થાન, થાક્યાંપાક્યાંનો વિસામો, નિરાશ થયેલાઓનું સાંત્વન, ધર્મનું પિયેર, મુમૂર્ષુઓની અંતિમ દિશા, સાધકોનું મોસાળ, મહાદેવનું ધામ અને અવધૂતની પથારી છે. માણસોને તો શું, પશુપક્ષીને પણ હિમાલયનો આધાર અપૂર્વ છે. સાગરને મળનારી અનેક નદીઓનો એ પિતા છે. એ જ સાગરમાંથી ઉદ્ભવેલાં વાદળોનું એ તીર્થ સ્થાન છે. કવિ કુલગુરુએ એ ‘દેવતાત્મા નગાધિરાજ’ને પૃથ્વીનો માનદંડ કહ્યો છે તે અનેક અર્થે યથાર્થ છે. હિમાલય એ ભૂલોકનું સ્વર્ગ, યક્ષ-કિન્નરનું વસતિ સ્થાન છે. જગતનાં સર્વે દુ:ખોને સમાવી લે એવડો તે વિશાળ છે; સર્વ ચિંતાગ્નિને શમાવી દે એટલો એ ઠંડો છે; કુબેરને પણ આશ્રય આપી શકે તેટલો તે ધનાઢ્ય છે; અને મોક્ષની સીડી બની શકે એવડો એ ઊંચો છે. છેક બચપણથી હિમાલયનું નામ આપણે સાંભળતાં આવ્યા છીએ. બાલવાર્તા, બાલગીત, પ્રવાસ કે યાત્રાવર્ણન, ઈતિહાસ કે પુરાણ, ગમે ત્યાં જુઓ, બધે અંતિમ આશ્રય તો હિમાલયને વિશે જ મળવાનો. નાનપણથી જે આદર્શ રમણીય સ્થાન કલ્પનાસૃષ્ટિમાં આવ્યું હશે તે હિમાલયમાંથી જ કલ્પાયું હોવાનું.
અરે, આ હિમાલયે શું શું નથી જોયું? પૃથ્વી પરના અસંખ્ય ધરતીકંપ અને આકાશમાંના હજારો ધૂમકેતુને આંખની પાંપણ પણ હાલવા દીધા વગર એણે જોયા છે. મહાદેવના વિવાહ એણે જ કરી આપ્યા છે. સતીના વિહારનું અને કુમારસંભવનું એણે જ અપત્યવાત્સલ્યથી કૌતુક કર્યું છે. રઘુકુળની ભગીરથ પર્યંતની અનેક પેઢીઓની કઠણ તપસ્યાઓનો એ સાક્ષી છે. પાંડવોની મહાયાત્રા એણે જ સફળ કરી છે. પણ જૂની વાતો શા માટે? સતાવનની સાલના પરાક્રમમાં શિકસ્ત મળવાથી હતાશ ને નાસીપાસ થયેલા વીરોને અને મૃત્સદૃીઓને હિમાલયનો જ આશ્રય મળ્યો છે. ભૂસ્તરશાસ્ત્રની દૃષ્ટિથી જોવું હોય, પ્રાણીશાસ્ત્રની દૃષ્ટિએ વિચારવું હોય, ઐતિહાસિક દૃષ્ટિએ શોધ કરવી હોય, ભવ્યતાનું જો તમારે દર્શન કરવું હોય, ધર્મતત્ત્વોને ઉકેલવાનો જો તમારે પ્રયત્ન કરવો હોય, તો હિમાલયમાં જ તમારું સમાધાન થવાનું; કારણ આર્યાવર્તના એકેએક જમાનાના પુરુષાર્થ હિમાલય જાણે છે. લ્લ
(કાલેલકર ગ્રંથાવલિ, ભાગ – ૧)
Your Content Goes Here




