ભારામાં નારીત્વનો આદર્શ માતા છે. પહેલી માતા અને છેલ્લી પણ માતા, ‘સ્ત્રી’ શબ્દ – હિંદુના મનમાં માતૃત્વની ભાવના ખડી કરે છે. ખુદ ઈશ્વરને ‘માતા’ તરીકે સંબોધવામાં આવે છે. અમે જ્યારે નાના છોકરાઓ હતા ત્યારે દરરોજ અમારે સવારના પહોરમાં પ્યાલામાં પાણી લઈને માતા પાસે જવું પડતું. અમે પ્યાલો માતા પાસે ધરીએ અને માતા તેમાં પોતાના પગનો અંગૂઠો બોળે એટલે અમે એ માનું ચરણામૃત પી જઈએ.

પશ્ચિમમાં સ્ત્રી એ પત્ની છે; ત્યાં સ્ત્રીત્વનો આદર્શ પત્ની તરીકે જ મૂર્ત થાય છે. ભારતમાં સામાન્ય માનવીને મન સ્ત્રીત્વનું સમસ્ત બળ માતૃત્વમાં એકઠું થયેલ છે. પાશ્ચાત્ય કુટુંબમાં પત્નીનું રાજ્ય ચાલે છે. ભારતીય કુટુંબમાં માતાનું ચલણ હોય છે. પાશ્ચાત્ય કુટુંબમાં જો મા સાથે રહેવા આવે તો તેણે પુત્રવધૂને તાબે રહેવું પડે. ત્યાં ઘર પત્નીનું ગણાય. ભારતમાં અમારે ત્યાં તો મા હંમેશાં અમારાં ઘરમાં જ રહે; પત્નીએ આવી તેને તાબે રહેવું જોઈએ. જુઓ, વિચારોમાં કેટલો બધો ભેદ છે! હવે હું સરખામણી માટે માત્ર સૂચન કરીશ. હું હકીકતો જ રજૂ કરીશ. જેથી, આપણે બંને બાજુની તુલના કરી શકીએ. હવે આ સરખાવી જુઓ. તમે જો પૂછો: ‘ભારતીય નારીનું પત્ની તરીકે સ્થાન ક્યાં છે?’ તો ભારતવાસી પૂછે છે : ‘માતા તરીકે અમેરિકન સ્ત્રીનું સ્થાન ક્યાં છે? જેણે આપણને દેહ આપ્યો તે સંપૂર્ણ મહિમાવતી નારીનું સ્થાન ક્યું છે? પોતાના ઉદરમાં નવ માસ સુધી આપણને ધારણ કરનારનું સ્થાન ક્યું છે? જરૂર પડે તો એક વાર નહીં પણ અનેક વાર પોતાનું જીવન-સમર્પણ કરનારીનું સ્થાન ક્યાં છે? આપણે ગમે તેવા દુષ્ટ થઈએ, ગમે તેવા અધમ થઈએ, છતાં જેના પ્રેમનો કદી અંત આવતો નથી તેનું સ્થાન ક્યાં છે? તે માતાની તુલનામાં પતિની સાથે જરાક ખરાબ વર્તન થતાંવેંત જ જે સ્ત્રી છૂટાછેડાની અદાલતમાં દોડી જાય. તે પત્નીનું સ્થાન ક્યાં આવે?’

ઓ અમેરિકન નારીઓ! તમે જવાબ આપો. તેનું સ્થાન ક્યાં આવે? તમારા દેશમાં તેવી માતા મને જોવા નહીં મળે. માતાને પ્રથમ સ્થાન આપનાર પુત્ર આ દેશમાં મેં કોઈ જોયો નથી. અમે મરી જઈએ ત્યાર પછી પણ અમારાં બૈરી-છોકરાં તે માતાનું સ્થાન લઈ લે એમ અમે ઈચ્છતા નથી. અમારી માતા! અમે તેના પહેલાં મરી જઈએ તો ફરી એક વાર તેના ખોળામાં માથું મૂકીને મરવાનું અમે ઈચ્છીએ છીએ. તેનું સ્થાન ક્યાં છે? શું નારી શબ્દ માત્ર સ્થૂળ દેહ સાથે જ સંપર્ક ધરાવતો શબ્દ છે? ભાઈ, કેવળ દેહની સાથે જ દેહનો સંબંધ ધરાવનાર બધા આદર્શોથી હિંદુ મન ડરે છે. ‘ના, ના, દેવી! તારો દેહભાવના સાથે કશો જ સંબંધ નથી!’ તારું નામ હંમેશાં પવિત્ર મનાયું છે. એક ‘મા’ શબ્દ સિવાય બીજો ક્યો શબ્દ એવો છે કે જેની સમક્ષ કામ વાસના કદી આવી શકતી નથી, જેની નજીક કોઈ પણ પ્રકારની ઇંદ્રિયાસક્તિ કદી ફરકી શકતી નથી. ભારતમાં આદર્શ આ છે.

– સ્વામી વિવેકાનંદ

(ભારતીય નારી, પૃ. ૧૭ ૧૯)

Total Views: 434

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.