(ડૉ. આર. બાલાસુબ્રમણ્યમ્ ‘સ્વામી વિવેકાનંદ યુથમુવમેન્ટ’ના સ્થાપક તથા ‘Capacity Building Commission of India’ના મેમ્બર એચ.આર. છે. તેમના અંગ્રેજી લેખનો ગુજરાતી અનુવાદ ડૉ. ચેતનાબહેન માંડવિયાએ કર્યો છે. તા. ૧૫ ઓગસ્ટ, સ્વતંત્રતા દિન નિમિત્તે આ લેખ વાચકોના લાભાર્થે પ્રસ્તુત કરીએ છીએ. – સં.)
વિશ્વ અત્યારે ઐતિહાસિક ત્રિભેટે ઊભું છે; અનેક પ્રકારોથી લદાયેલું છતાં અપાર સંભાવનાઓથી છલોછલ! વિશ્વમાં દૃષ્ટિગોચર થતી સામાજિક અશાંતિ, વધતી જતી અસમાનતા, પર્યાવરણીય સંકટો તથા ભૌગોલિક તથા રાજકીય તણાવો વિખંડિત વૈશ્વિક વ્યવસ્થાની ત્રુટિઓ દર્શાવે છે.
આ અનિશ્ચિતતાઓની વચ્ચે ભારતને વિશ્વગુરુ તરીકે જોવાનું સ્વામીજીનું સ્વપ્ન જાણે વારંવાર પ્રતિધ્વનિત થાય છે. આ સ્વપ્ન વૈશ્વિક સંવાદિતાને અખંડ રાખી સર્વાંગી પરિવર્તન કરવાનું આહ્વાન આપે છે.
સ્વામીજીનો શાશ્વત સંદેશ વેદાંતની ફિલસૂફીના પાયા ઉપર ઊભેલો છે અને રાષ્ટ્રીય તેમજ સામાજિક મર્યાદાઓથી પર છે. તે આપણને જીવનના ઉચ્ચતમ પુરુષાર્થની સિદ્ધિ તરફ દોરી જાય છે. આ પુરુષાર્થ શું છે? તે છે—સમગ્ર વિશ્વ તેની જૈવિક અને ભૌતિક વિવિધતાઓ વચ્ચે પણ પરસ્પર સંકળાયેલું છે તે સમજીને નિ:સ્વાર્થતા અને સહકારની ભાવનાને કેળવવી અને વૈશ્વિક એકતા સ્થાપવી. સ્વામીજીનું આ દૂરદર્શી સ્વપ્ન પ્રવર્તમાન યુગની તાકીદની સમસ્યાઓના ઉકેલ માટે પ્રેરણા તથા વહેવારુ દૃષ્ટિ—બંને પ્રદાન કરે છે.
સ્વામી વિવેકાનંદના સ્વપ્નની પ્રખરતા
સ્વામી વિવેકાનંદની કલ્પનાનું ભારત એટલે જ્ઞાનની પ્રાચીન દક્ષતા જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વનું આધ્યાત્મિક હૃદય!
સમગ્ર માનવજાતના ઉત્થાનની જવાબદારી ભારત ઉઠાવે તેવું તેઓ ઇચ્છતા હતા. તેઓ દૃઢપણે માનતા હતા કે ભારતનું હાર્દ તેના આધ્યાત્મિક સિદ્ધાંતોમાં રહેલું છે અને આ સિદ્ધાંતો સમગ્ર અસ્તિત્વનું એકત્વ તથા દરેક વ્યક્તિમાં રહેલ અંતર્નિહિત દિવ્યતાને ઉજાગર કરે છે.
તેમણે ગર્જના કરી, “ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો.” સીમિત સંકુચિત સ્વાર્થપરાયણતાથી પર થઈને, એકત્રિત થઈને, પોતાની અંદર રહેલી અસીમ સંભાવનાઓને જગાડી કાર્ય કરવાનું તેમનું આ બુલંદ આહ્વાન હતું. સમગ્ર માનવજાતની સહિયારી પ્રગતિ થાય તે માટે પથદર્શક દીવાદાંડી સમાન એમના આ શબ્દો છે.
વેદાંત : વૈશ્વિક પરિવર્તનનો પાયો
વેદાંત કે જે વિભાજનને દૂર કરી અસ્તિત્વના એકત્વને પ્રતિપાદિત કરતી ફિલસૂફી છે તે સ્વામી વિવેકાનંદના સંદેશનો કેન્દ્રસ્થ વિચાર છે. વેદાંત ભારપૂર્વક જણાવે છે કે જે બ્રહ્મ સારરૂપ તત્ત્વ છે તે ફક્ત એક જ છે અને તે અવિભાજ્ય છે; એટલું જ નહીં, તે દરેક જીવંત વ્યક્તિમાં વિદ્યમાન છે. આવી સમજ વ્યક્તિઓ, રાષ્ટ્રો અરે, સમગ્ર માનવજાત અને પ્રકૃતિ વચ્ચેના ભેદને મિટાવી શકે છે.
સ્પર્ધા અને શોષણનું પ્રભુત્વ ધરાવતા વિશ્વને આવી સંકલનકારી ફિલસૂફીની જરૂર છે. સમગ્ર વિશ્વ જેનો સામનો કરી રહ્યું છે, તે પર્યાવરણીય અસમાનતા, ગરીબી, જાતીય અસમાનતા અને સંઘર્ષ—આ બધાં એકબીજાં પર અવલંબિત છે. આ સમસ્યાઓનો અસરકારક ઉકેલ ત્યારે જ આવી શકશે, જ્યારે સમસ્ત માનવજાત તેમની સહિયારી જવાબદારી સમજી વેદાંતની સારરૂપ એકત્વની ફિલસૂફીને કેન્દ્રસ્થ રાખી તેમના ઉકેલ માટે પ્રયત્ન કરશે. નિ:સ્વાર્થતાને અપનાવવાનો સ્વામી વિવેકાનંદનો પડકાર એ ફક્ત ફિલસૂફી જ નથી, માનવજાતને ટકી રહેવા માટેની તે તાતી જરૂરિયાત છે.
જી-20 દિલ્હી ડિક્લેરેશન : વેદાંતની આધુનિક અભિવ્યક્તિ
ભારતની અધ્યક્ષતા હેઠળ કરાયેલ જી-20ની ઘોષણાએ સ્વામી વિવેકાનંદના સ્વપ્નને વૈશ્વિક ફલક પર મૂકી દીધું છે. આ ઘોષણા ચાર સ્તંભ પર ઊભેલી છે: આમજનતા, ઉત્કર્ષ, આપણું નિવાસસ્થાન એવી આ પૃથ્વી અને શાંતિ. મૂળભૂત રીતે આ ઘોષણા વેદાંતની ફિલસૂફીને જ વિશાળ ફલક પર મૂકે છે.
આમજનતા: શિક્ષણ, આરોગ્ય અને સમાનતા દ્વારા આમજનતાનું સશક્તીકરણ કરવું, જેથી તેઓ તેમની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરી શકે.
ઉત્કર્ષ: સૌને સાથે રાખી સર્વગ્રાહી આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવું.
પૃથ્વી: દીર્ઘકાળ સુધી ઉપયોગિતા ધરાવતી નવીન યોજનાઓ દ્વારા પર્યાવરણનું રક્ષણ કરવું.
શાંતિ: સંવાદિતા અને સહ-અસ્તિત્વને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રો વચ્ચે સમજણના સેતુ વિકસાવવા.
આ ઘોષણા એ માત્ર નીતિવિષયક નિવેદન નથી, તે નૈતિક અને આધુનિક સમયમાં જરૂરી એવી જાગૃતિ માટેનો લલકાર છે. પ્રગતિના પાયામાં પ્રેમ અને નિ:સ્વાર્થતાની સ્વામી વિવેકાનંદે જે ભલામણ કરી છે, તેની સાથે આનો પૂર્ણ તાલમેલ છે.
ભારતની પ્રાચીન ફિલસૂફીએ ભૌતિક પ્રગતિને આધ્યાત્મિક મૂલ્યો સાથે જોડવાની જે વાત કરી છે તે સમગ્ર વિશ્વની સહિયારી પ્રગતિ માટે માર્ગદર્શક બની રહેશે, કારણ કે આધ્યાત્મિક ખોજ માટે તે હંમેશાં અગ્રેસર છે.
ભારતની પવિત્ર જવાબદારી
વેદના ઉપદેશોથી શરૂ કરીને ગાંધીજીના આદર્શો સુધી રાષ્ટ્રએ એક એવી ફિલસૂફી કેળવી છે જે પરંપરાને આધુનિકતા સાથે, વ્યક્તિગત સુખાકારીને સામુદાયિક સુખાકારી સાથે અને ભૌતિક પ્રગતિને પર્યાવરણીય સંચાલન સાથે સંતુલિત કરે છે.
યોગ અને આયુર્વેદ જેવી ભારતની પ્રાચીન પ્રણાલીઓને તેમના આરોગ્ય અને સુખાકારી માટેના સર્વગ્રાહી અભિગમ માટે વિશ્વભરમાંથી માન્યતા મળી છે. ગાંધીજીના આદર્શોથી પ્રેરિત સામુદાયિક ચળવળો હાલની પરિસ્થિતિમાં પણ ગરીબી, અસમાનતા અને પર્યાવરણીય પડકારોનો સામનો કરવા માટેના અસરકારક ઉકેલો સૂચવતી રહે છે.
આમ છતાં સમગ્ર અસ્તિત્વના એકત્વને પ્રતિપાદિત કરતી, ભારતે પ્રબોધેલ વેદાંતની ફિલસૂફી ભારતનું સર્વોચ્ચ યોગદાન છે, જે વૈશ્વિક રાજકારણમાં પ્રવર્તતા ભાગલાવાદ તથા અલગતાવાદનો અંત લાવી શકે છે. વિશ્વગુરુ તરીકેની પોતાની ઓળખાણ સ્થાપિત કરવા માટે ભારતે પોતાની શ્રેષ્ઠતાનો દાવો રજૂ કરવાનો નથી, પરંતુ પોતાના સદીઓ જૂના આ વિશિષ્ટ જ્ઞાનને વિશ્વમાં વહેંચી તેને સંવાદિતા તરફ દોરવાનું રહેશે.
નવા વર્ષ માટેની કાર્યસૂચિ
નવા વર્ષનું આગમન એ નવીનીકરણ, સંકલ્પ અને આંતરખોજ કરવા માટેનો લલકાર છે. પોતાની સમક્ષ રહેલા પડકારોને ઝીલવા માટે માનવજાતે સ્વામી વિવેકાનંદે આચરણમાં મૂકેલા તથા પ્રબોધેલા આદર્શોને અપનાવવા પડશે. આ માટે નીચે જણાવેલ હિંમતપૂવર્કનાં ત્વરિત પગલાં-નિર્ણયો લેવાની જરૂર છે.
૧. નૈતિક નેતૃત્વ: નેતાઓએ સ્વાર્થી અને અલગતાવાદી હિતોથી ઉપર ઊઠવું જોઈશે, પ્રામાણિકતાને અપનાવી ‘બહુજન હિતાય’ના સિદ્ધાંતને પ્રાથમિકતા આપવી જોઈશે. સ્વામી વિવેકાનંદનું ‘મનુષ્ય-નિર્માણ’નું બુલંદ આહ્વાન આપણને યાદ અપાવે છે કે ચારિત્રમાં જ સાર્થક નેતૃત્વ સમાયેલું છે.
૨. આંતર-સાંસ્કૃતિક સંવાદ: વધુને વધુ ધ્રુવીકરણ પામતા વિશ્વની સંસ્કૃતિઓ અને પરંપરાઓ વચ્ચે સમજણ કેળવાય તે ખૂબ જરૂરી છે. ‘વિવિધતામાં એકતા’ની ભારતની નીતિ વૈશ્વિક એકતા માટેનું એક નમૂનારૂપ મોડેલ બની શકે તેમ છે.
૩. લાંબા સમય સુધી ટકે તેવો વિકાસ: સરકારો, ઉદ્યોગો અને નાગરિકોએ લાંબા સમય સુધી ચાલે તેવી નીતિઓ-કાર્યોને પ્રાથમિકતા આપવી જોઈશે. તેમણે એ સ્પષ્ટ સમજણ કેળવવી પડશે કે પર્યાવરણ કે સામાજિક સમાનતાના ભોગે આર્થિક વિકાસ સંભવી શકે નહીં.
૪. યુવાનોનું સશક્તીકરણ: ભવિષ્યની રૂપરેખા દોરવાની શક્તિ યુવાનો પાસે છે. જવાબદારી સ્વીકારવાની તત્પરતા, કરુણા તથા સેવા કરવાની પ્રતિબદ્ધતા તેઓ વિકસાવે તે માટે તેમને વિશિષ્ટપણે પ્રેરિત કરવા જોઈએ.
૫. વૈશ્વિક સંસ્થાઓને સુગઠિત બનાવવી: વૈશ્વિક સંસ્થાઓ વર્ચસ્વ સ્થાપવાના રાજકારણને તિલાંજલી આપે અને તેને બદલે ન્યાય, સમાનતા અને સહિયારા હિતને પ્રાથમિકતા આપે તે રીતે તેમને તૈયાર કરવી જોઈએ.
આગળના પથને પ્રકાશિત કરવો
‘વિશ્વગુરુ’ ભારતની ભૂમિકા વર્ચસ્વ મેળવવા માટે નથી, પરંતુ વિશ્વને સાચી, સર્વગ્રાહી સમજ આપી રાહ ચીંધવા માટેની છે. સ્વામી વિવેકાનંદના ઉપદેશો આપણને યાદ અપાવે છે કે સમગ્ર માનવજાતનું ઉત્થાન એ જ પ્રગતિનું સર્વોચ્ચ ધ્યેય હોઈ શકે. નિઃસ્વાર્થતા, કરુણા અને સેવા માટેનું તેનું આહ્વાન એ ફક્ત તેમની આકાંક્ષા જ નથી; એક નવા વિશ્વની વ્યવસ્થા માટેનો તે પડકાર છે. શાંતિ, સમૃદ્ધિ અને સમગ્ર પૃથ્વીમાં રહેલ સંવાદિતા તેના આધારસ્તંભરૂપ છે.
સ્વામી વિવેકાનંદની જન્મજયંતી ઉજવ્યા પછી આપણે જે નવા વર્ષમાં પ્રવેશ કર્યો છે, તે વર્ષમાં આ પરિવર્તનકારી દૃષ્ટિકોણને અપનાવીએ. ચાલો, આપણે સૌ વિભાજનકારી પરિબળો અને સ્પર્ધાત્મક ભાવનાઓથી ઉપર ઊઠીએ તથા એકત્વ અને સહકારનાં મૂલ્યો અપનાવવા માટે પોતાની જાતને પ્રતિબદ્ધ કરીએ.
વેદાંતના સિદ્ધાંતોને આત્મસાત્ કરીને તથા ‘દિલ્હી-ઘોષણા’નાં મૂલ્યોને અપનાવીને આપણે વિશ્વની પુન: રચના કરીએ. એક એવા ભવિષ્યનું નિર્માણ કરીએ કે જ્યાં માનવજાત પોતાની સાથે તથા પ્રકૃતિની સાથે તાલમેલથી રહી શકે.
પોતાના સનાતન જ્ઞાન તથા શાશ્વત મૂલ્યો સાથે ભારત સમગ્ર વિશ્વને દોરવણી આપવા સજ્જ છે. એને અનુસરવાની હિંમત તથા તૈયારી સમગ્ર વિશ્વે કેળવવી પડશે. હવે ‘કરીને બતાવવાનો’ સમય આવી ગયો છે. સ્વામી વિવેકાનંદના અવિનાશી શબ્દોમાંથી પ્રેરણા લઈને, ચાલો, આપણે સૌ જાગૃત થઈએ અને ભવિષ્યની પેઢીઓ પ્રેરણા લઈ શકે તેવા વિશ્વનું સર્જન કરીએ.
Your Content Goes Here




