ગાર્ગી

ગાર્ગી વૈદિકકાળનાં મહાન વિદૂષી હતાં. ઘણા ઋષિઓથી પણ ચડિયાતાં જ્ઞાન-પ્રતિભા તેઓ ધરાવતાં હતાં. તેઓ ઋષિ વાચક્નુનાં પુત્રી હતાં. તેમણે યાજ્ઞવલ્ક્ય સાથે કરેલી પડકારભરેલી જ્ઞાનચર્ચા બૃહદારણ્યક ઉપનિષદમાં આવે છે.

એક વખત રાજા જનકે સર્વોત્કૃષ્ટ સત્યના સ્વરૂપની ચર્ચા કરવા પોતાના રાજદરબારમાં વિદ્વાનોની સભા બોલાવી. યાજ્ઞવલ્ક્ય અને બીજા દેશના ભિન્ન ભિન્ન પ્રદેશોમાંથી સેંકડો જ્ઞાનર્ષિઓ આ સભામાં આવ્યા હતા. મહાન વિદૂષી ગાર્ગી પણ જનકની આ સભામાં આવ્યાં. આ જ્ઞાનર્ષિઓમાંથી સૌથી વધારે પ્રતિભાવાન કોણ છે એ જાણવાની ઇચ્છા જનકના મનમાં જાગી. એક હજાર ગાય એક સ્થળે બાંધેલી હતી. એ દરેક ગાયના શિંગળા પર સોનાનું ખોભરું શોભતું હતું. રાજા જનકે ઉદ્‌ઘોષણા કરી: ‘હે મહર્ષિઓ! તમારામાં જે કોઈ વેદનો સર્વશ્રેષ્ઠ જ્ઞાતા બને તે આ ગોધન પોતાના ઘરે લઈ જશે.’ એમાંના એકેય ઋષિએ આ ગોધન મેળવવાની હિંમત ન કરી, તેઓ બધા મૂંગા જ રહ્યા. એક માત્ર યાજ્ઞવલ્ક્યે પોતાના શિષ્યોને આ ગાયો પોતાના આશ્રમમાં લઈ જવા કહ્યું. બીજા ઋષિઓને આ મંજૂર ન હતું. તેમણે તો યાજ્ઞવલ્ક્યના જ્ઞાનની કસોટી કરવા પ્રશ્નોનો મારો ચલાવ્યો. યાજ્ઞવલ્ક્યે એ બધા પ્રશ્નોના ઉત્તર સૌને ગળે ઊતરે એ રીતે આપ્યા.

અંતે ગાર્ગી ઊભાં થયાં. તેમણે કહ્યું: ‘હું યાજ્ઞવલ્ક્યને કેટલાક પ્રશ્નો પૂછવા માગું છું. જો એ પ્રશ્નોનો સંતોષજનક ઉત્તર તેઓ આપે તો યાજ્ઞવલ્ક્ય સૌથી શ્રેષ્ઠ જ્ઞાની છે એમ હું સ્વીકારીશ.’ ગાર્ગીએ પૂછેલા બધા પ્રશ્નોના ઉત્તર યાજ્ઞવલ્ક્યે આપ્યા.

ગાર્ગી અને યાજ્ઞવલ્ક્ય વચ્ચેના આ પ્રશ્નોત્તરીનો સંવાદ એટલે આધ્યાત્મિક અંતર્દૃષ્ટિના ઊંડાણની અદ્‌ભુત સાબિતી. વિદૂષી નારીઓ પણ એ વૈદિક કાળમાં આટલું ગહનજ્ઞાન ધરાવતી હતી.

Total Views: 141

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.