શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સૅક્રૅટરી શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજના મૂળ અંગ્રેજીમાં લખાયેલ અને ‘નિવેદિતા વિદ્યાલયના શતાબ્દિ મહોત્ત્સવની સ્મરણિકા’માં પ્રસિદ્ધ થયેલા આ લેખનું ગુજરાતી અનુસર્જન શ્રી દુષ્યંત પંડ્યાએ કર્યું છે. – સં.
૧
ગોપાલની મા (અઘોરમણિદેવી નામનાં બ્રાહ્મણ વિધવા અને શ્રીરામકૃષ્ણનાં ભક્ત) કલકત્તાથી થોડા માઈલ દૂર, ગંગાકાંઠે એક ઝૂંપડીમાં એકાંત, તપસ્વી અને ભક્તિમય જીવન ગાળતાં. પોતાની ઇષ્ટમૂર્તિ અને ગોપાલલાલ માટેની એમની ભક્તિએ એમને અદ્ભુત દર્શનાનુભૂતિ આપી હતી. એટલે એ ‘ગોપાલની મા’ તરીકે ઓળખાતાં, તેઓની મુલાકાત ભગિની નિવેદિતાએ લીધાનું સાંભળી વિવેકાનંદના મુખેથી આ ઉદ્ગારો સરી પડ્યા: ‘અરે! તમે એ પુરાણા ભારતનું દર્શન કર્યું. એ ભારતમાં પ્રાર્થના અને આંસુ, જાગરણ અને ઉપવાસ હતાં. એ ભારત હવે જઈ રહ્યું છે અને કદી પાછું ન આવે.’ જૂનું ભારત ભલે ચાલી જાય અને ભલે ફરી પાછું ન આવે પરંતુ, ભારતની સેવા કરવા માટે, નવાના સંદર્ભમાં જૂના ભારતને સમજવાની આવશ્યકતા ઓછી અગત્યની નથી. ભારતની સેવા કરવા ઇચ્છતા અનેક આદર્શવાદી, વિચારક અર્વાચીન સ્ત્રીપુરુષો આ બાબત પૂરી સમજતાં નથી. અને શિક્ષિતોના ટોળા વિશે થોડું કહ્યું વધુ સારું. અધકચરું શિક્ષણ લઈ, પશ્ચિમને કે પૂર્વને સમજ્યા વિના પાશ્ચાત્ય રીતરિવાજોનું અનુકરણ કરવામાં જીવનનું મૂલ્ય સમાયેલું એમ તેઓ માને છે.
પાછળ બાબત સાથે અહીં આપણે નિસબત નથી, પરંતુ, ભારતની સેવા કરવી હોય તો એને સાચી રીતે સમજવું જોઈએ તે, ભગિની નિવેદિતાના સમર્પિત જીવન પરથી જોવા મળે છે. એમના ગુરુને હાથે એમનું ઘડતર, ભારતીય સાધ્વી તરીકેનું જીવન, ભારતનાં ઈતિહાસ, પરંપરાઓ અને મૂલ્યોનું એમનું અધ્યયન, બધું આ નિર્દેશે છે. ભારતીયો કરતાં એમણે વધારે ભારતીય થવું જોઈએ, ભારત સાથે પોતાની જાતને આત્મસાત્ કરી દેવી જોઈએ તો જ એ ભારતની સ્ત્રીઓની સેવા કરી શકશે એવો સ્વામી વિવેકાનંદનો આગ્રહ હતો. અને, અપેક્ષા કરતાં શિષ્યાએ જાતને વધારે મોટી પુરવાર કરી બતાવી. દયાપાત્ર પદાર્થો જેવી માની ભારતીય મહિલાઓની સેવા કરવાનું જ કાર્ય એમનું ન હતું. પરંતુ ભારત સાથે ભળી જઈને તેનો એક અંશ બની, ભારતનાં ઊંડેરાં મૂલ્યોને અને પ્રેરકબળોને સમજવાનો એમનો યત્ન હતો. રવીન્દ્રનાથ ટાગોરના શબ્દોમાં: ‘પોતાના સર્વગ્રાહી મન અને પ્રજાની અસાધારણ સંપન્ન દૃષ્ટિને કારણે, આપણી સામાજિક રૂઢિઓ પાછળ રહેલા સર્જનાત્મક આદર્શો એ જોઈ શક્યાં અને, પોતાના અતીત સાથે જીવંત રીતે સંલગ્ન અને પોતાની સિદ્ધિ તરફ કૂચ કરતાં આપણા આત્માની ખોજ એ કરી શક્યાં.’ ટાગોરે વિશેષમાં કહ્યું છે કે, ‘નિવેદિતા આદર્શવાદી હોઈને, સત્યોને નહીં પણ કેવળ પદાર્થોને જોતા વિદેશીઓ કરતાં અનેકગણું વધારે જોઈ શક્યાં.’
એમનામાં આ સમજ વિકસાવવા સ્વામી વિવેકાનંદે એમનું ઘડતર કેવી રીતે કર્યું તે જોવું રસપ્રદ થશે. કોઈ પણ ચીજને સાચી રીતે સમજવા માટે સહાનુભૂતિવાળી દૃષ્ટિથી, એ ચીજના પોતાના અભિગમથી, આપણે એને જોવી જોઈએ. ૧૮૯૮માં, સ્વામી વિવેકાનંદની સાથે, ઉત્તર ભારતની યાત્રામાં એ આલ્મોડા અને કાશ્મીર ગયાં હતાં. દરેક સ્થળે ભારતના ભૂતકાળનાં ભવ્ય ચિત્રો સ્વામી વિવેકાનંદે દોર્યાં: પ્રાચીન પાટલીપુત્ર, વારાણસીની પરંપરાઓ, હિમાલયની તળેટીમાંનું બુદ્ધનું યૌવન અને એમનો ત્યાગ આદિ મૂર્તિમંત કર્યું હતું. આલ્મોડામાં, સ્વામી વિવેકાનંદના પ્રખ્યાત શિષ્ય સ્વામી સ્વરૂપાનંદ પાસેથી નિવેદિતાએ ‘ભગવદ્ગીતા’નો અભ્યાસ કર્યો. નિવેદિતાની આકરી કસોટી સ્વામી વિવેકાનંદે અહીં કરી હતી. પોતાના આ કાળ વિશે ભગિનીએ લખ્યું છે કે, ‘ગુરુ સાથેના મારા સંબંધના આ કાળને ઝઘડાનો અને સંઘર્ષનો જ કહી શકાય. શીખવાનું કેટલું બધું હતું અને સ્વઘડતર કરવાનું શીખવા માટેનો સમય કેટલો ઓછો હતો અને શિષ્યના ચિત્તમાંની આત્મનિર્ભરતાને હણવાનો પાઠ પહેલો હતો તે, હું આજે સમજી શકું છું. પરંતુ, પ્રીતિપૂર્વક સંઘરેલી મારી બધી પૂર્વમાન્યતાઓ પર થતા સતત હલ્લા અને, ઠપકા મારે ભાગે હતા તેને માટે હું જરીય તૈયાર ન હતી.’ પણ આ કંઈ લાંબું ચાલવાનું ન હતું. સ્વામી વિવેકાનંદે પોતાનું વલણ બદલ્યું, શિષ્યાને અંત:કરણના આશીર્વાદ આપ્યા અને એનું ચિત્ત શાંત થયું. અનેક પૂર્વગ્રહોને તોડવા અને પોતાની જાતને શિષ્યા તરીકે આગળ ધરી એના પૂરા પરિપ્રેક્ષ્યમાં ભારતને સમજવા તૈયાર કરવા તથા, પોતાની જાતને ભારતની સેવાનું સાધન બનાવવા માટે આ સંઘર્ષનો કાળ જરૂરનો હતો. ‘પ્રશ્નો સાથે પ્રણમીને અને, જે જ્ઞાનીઓએ સત્યનો સાક્ષાત્કાર કર્યો છે તેમને સેવવાથી તેઓ તને બોધ દેશે એ જાણ,’ એ ગીતાવાક્ય અનુસાર જ ગુરુને હાથે નિવેદિતાનું ઘડતર થઈ રહ્યું હતું.
૨
ભારતના વારસાના, રૂઢિઓના અને રીત-રિવાજોના પોતાના સંશોધનમાં નિવેદિતાએ સપાટી પરનું જ ખનન કર્યું ન હતું. યુગોથી જે પ્રેરણાઓએ ભારતનું ઘડતર કર્યું છે, વિદેશી આક્રમકો સામે જે પ્રેરકબળો ટકી રહ્યાં છે અને કાળની કસોટીએ પાર ઊતર્યાં છે તે ઊંડેરાં પરિબળો પામવા નિવેદિતાએ યત્ન કર્યો. ભારતના ચિત્તમાં નિવેદિતાએ કેવી રીતે પ્રવેશ કર્યો તે, એમનાં લખાણોમાં ડોકિયું કરતાં જાણી શકાય છે.
ભારતના ઈતિહાસની વાત કરતાં નિવેદિતા કહે છે કે, ‘ભારતના ઈતિહાસના અભ્યાસથી જ આજના ભારતને સમજી શકાય છે. ભૂતકાળે સામગ્રી આપણે માટે મૂકી છે તેના વડે જ પોતાનું સર્જન થવાની વાટ ભાવિ જુએ છે અને, એ વારસાની આપણી સમજણ તેમાં સહાયભૂત થાય છે.’ માટે, આપણી વર્તમાન સમસ્યાને સમજવા માટે, આપણા ભૂતકાળની આપણી પૂરી પકડ આવશ્યક છે. આપણને પુસ્તકોમાં પ્રાપ્ત છે તે ભારતીય ઈતિહાસ, વારંવાર વિકૃત કરવામાં આવ્યો છે. જો કે, આઝાદી પછીથી ભારતના ‘ભારતીય’ ઈતિહાસને પ્રકાશમાં લાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. એ માટે, નિવેદિતાને મતે, પ્રવાસની અગત્ય છે. આપણા દેશમાં ચોમેર જે સ્મારકો વેરવિખેર પડેલાં છે તે આપણા ઈતિહાસની અગત્યની ચાવી પૂરી પાડે છે. અને આજે આપણે જે અવશેષો જોઈએ છીએ તે, કાળે અને આક્રમણકારોએ રહેવા દીધેલા અવશેષોનો અંશ છે.
ભારત સમન્વયનો દેશ છે અને સદાકાળ તેવો જ રહ્યો છે એમ આ અવશેષો દર્શાવે છે, એવો નિવેદિતાનો મત છે. ભારતીય જીવનનો વેદાંતી પાયો એના આ સમન્વયકારી અભિગમનું મુખ્ય કારણ છે. આમ, ભારતમાં આવનાર અનેક વિદેશીઓએ આ દેશને જ પોતાનું ઘર બનાવ્યું અને, આ મહા માનવસાગરમાં બિંદુ બની ભળી ગયા. પ્રાચીન ભારતીયો હંમેશાં શીખવામાં અને આત્મસાત્ કરવામાં માનતા હતા તેથી એ શક્ય બન્યું. વિદેશી અસરને એ પોતાની કુલડીમાં ઓગાળી નાખતું અને એને પોતાનો ઘાટ આપી શકતું. માળામાં પ્રોત સૂત્રની માફક, એનું આ લક્ષણ બધી પ્રવૃત્તિઓમાં પ્રવર્તતું હતું ત્યાં સુધી ભારત સબળ હતું. નિવેદિતાના શબ્દોમાં કહીએ તો, ‘જે તત્ત્વોનું ભારત બનેલું છે તેમનાં ભાવિને અને સ્વરૂપને પણ ઘાટ આપતા, સર્વગ્રાહી, સર્વોપરી ભારતનો પોતાનો આપણે સ્વીકાર કરવો પડશે. યાંત્રિક બાબતોમાં વ્યવસ્થા અને સંચાલનમાં ભારતીય લોકો ભલે ખામીવાળા હોય, પરંતુ સજીવ સમન્વયનું કોઈ તત્ત્વ એમનામાં ઊણું નથી.
બુદ્ધોત્તર કાળમાં ભલે મહાન સ્મારકો રચાયાં પણ, પોતાના સંસ્કૃત ઈતિહાસના આરંભના લાંબા ગાળામાં, ‘ઉપનિષદોનાં દર્શન અને ચિંતનમાં’ ભારતે પોતાનાં બધાં સ્વપ્નો મૂક્યાં અને, શબ્દો ક્ષણિક હોવા છતાં, માનવચિંતનના સંગ્રાહક બની આપણા પ્રાચીન વારસાને જાળવનાર બને એથી વધારે રૂડું શું હોઈ શકે? વેદોએ અને ઉપનિષદોએ જે ચિંતનપ્રવાહ વહેતો કર્યો હતો તેને આપણાં ઐતિહાસિક સ્મારકોનો નાશ અસર કરી શક્યો નહીં તે આપણે આજે જોઈએ છીએ. અર્વાચીન જગતમાં, ઉપનિષદો-જગતના સૌથી પ્રાચીન ગ્રંથોનું-અધ્યયન અને પરિશીલન બૌદ્ધિકો સર્વત્ર કરી રહ્યા છે. એટલે, નિવેદિતા કહે છે કે, ‘માતૃભૂમિની લાંબી કથામાં, આત્મગૌરવ અને આદર સિવાય બીજું કંઈ જ તેમને પ્રાપ્ત થવાનું નથી એ દૃઢ શ્રદ્ધા સાથે, ભારતના વિદ્યાર્થીઓ ભારતના ઈતિહાસનું અધ્યયન આરંભે તો, જ્ઞાનવૃદ્ધિમાં એ ખૂબ સહાયભૂત થશે.’
રાષ્ટ્રને પ્રગતિ સાધવી હોય તો, તેણે બીજાં રાષ્ટ્રો પાસેથી પણ શીખવું જોઈએ. સત્ત્વને જાળવી રાખી, રાષ્ટ્રે ચિત્તને વળગેલાં અસાત્ત્વિક તત્ત્વોને ખંખેરી નાખવાં. જે દિવસે ભારતે મ્લેચ્છ શબ્દ ઘડ્યો અને, વિદેશના જગતથી જાતને ઢાંકી ઢબૂરી રાખી તે દિવસથી ભારતનું પતન મંડાયું, એમ સ્વામી વિવેકાનંદે દર્શાવ્યું હતું. પૂર્વ અને પશ્ચિમના સમન્વિત જોડાણની ભારતને આવશ્યકતા હતી.
ભારતને જીવંત રાખવા માટે જગતની સંસ્કૃતિ અને સભ્યતામાં ભારતનું ભૂતકાલીન યોગદાન અપૂરતું હતું એમ નિવેદિતા જાણતાં હતાં. વર્તમાન સમયમાં પોતાના વ્યક્તિત્વનું ભાન તેને હોવું જોઈએ અને, જીવનનાં સર્વક્ષેત્રોમાં નવા ફાલ માટે ભારતે પોતાની જાતને નવપલ્લવિત કરવી જોઈએ; નહીં તો, પુરાણાં મિસર અને યુનાન (ગ્રીસ) યહુદિયા અને રોમની માફક, એ પણ વિલીન થઈ જશે. આ ચિંતવતાં એ લખે છે: ‘જગતને ધર્મનું પ્રદાન, પોતાનો ભૂતકાળ વ્યર્થ નહતો તેનો પુરાવો પૂરતો છે પરંતુ, ભાવિ માટે એનાથી રક્ષણ મળતું નથી… રૂઢિવાદી પોતાના ભૂતકાળની આસપાસ જ નિત્ય ગોળગોળ ફરવાનો છે. એટલા જ અંધાપાથી આરૂઢ વિદેશી વર્તમાનના ચોકઠામાં જોડાવાનો છે. દેશભક્તિવાંછુ આત્મઘાતી નિરાશામાં વિરોધી સંપ્રદાયોની યુદ્ધઘોષણાઓનું પુનરુચ્ચારણ કર્યા કરે છે અથવા, નવા ધર્મના ઉદય માટે નિસાસા નાખ્યા કરે છે, કેમ જાણે, વિસંવાદિતાનું પાંચમું તત્ત્વ ઉમેર્યે ભારતની પ્રજા એકતા હાંસલ કરશે. તેમજ, આજે અપાતું શિક્ષણ આ કોયડાનો કશો ઉકેલ દર્શાવતું નથી.’
ભારતને પુનર્જીવિત કરવા માટે નિવેદિતા, આમ, નવો ઉત્સાહ રેડવા ભારતીયોને અનુરોધ કરતાં રહ્યાં ને પારદર્શક સ્પષ્ટતાપૂર્વક તેમણે આ કાર્યની રૂપરેખા આંકી: ‘પ્રાચીન જ્ઞાનને અર્વાચીન પર્યાયોમાં મૂકવાનું આપણું કાર્ય છે. જૂની શક્તિને આપણે નવું રૂપ આપવાનું છે. એ પુરાણી શક્તિ વગરનું નવું રૂપ ઠઠ્ઠા સિવાય કશું નથી: ઉચિત અભિવ્યક્તિ વિનાની પુરાણકાલીન શક્તિનો જંગલી કાલ વ્યુત્ક્રમ પણ એવી જ મુર્ખાઈ કરે છે. આપણે જેની સાધનાનો પ્રયત્ન ન કરી શકીએ એવું આધ્યાત્મિક કે બૌદ્ધિક કશું નથી.
૩
નિવેદિતાના સમયમાં જે સ્થિતિ હતી તેનાથી આપણે આજે લાંબી મજલ કાપી છે. આ સદીના આરંભના દશકાઓના સંઘર્ષોના ફળરૂપે રાજકીય આઝાદી આવી છે. પણ કદાચ, અનેક કૃત અને અકૃતને કારણે, નિવેદિતા પછીના કાળમાં આવેલાં બે વિશ્વયુદ્ધો નિહાળેલ જગતમાં ગોઠવાવા માટે આપણે સંઘર્ષ કરી રહ્યાં છીએ. અને, એક અર્થમાં, એમના કાળમાં હતી તેના કરતાં આજે સમસ્યાઓ વધારે વિકટ છે.
સૌ ભારતીય સુચિંતકોએ આ પ્રશ્નો વિચારવાના છે: ‘આજે આપણને શું પીડે છે? બીજા દેશો પર આ માટે આપણે આર્થિક રીતે પરાવલંબિત છીએ? તીવ્ર હરીફાઈના જગતમાં આપણો અવાજ કેમ સંભળાવી શકાય? આપણા ભૂતકાળને ઉવેખીને કે, ભૂત, વર્તમાન અને ભાવિને બરાબર સમજીને આપણે પ્રગતિ સાધી શકીએ? આ તોફાની સાગર પાર કરવા માટે આપણે ક્યા સિદ્ધાંતો પર આધાર રાખવો?
ભારતની સમસ્યાઓ પ્રત્યેના નિવેદિતાના અભિગમના અભ્યાસની સહાયથી આ પ્રશ્નોના ઉત્તર આપણે મહદંશે આપી શકીશું. નિવેદિતાની વિચારણાનું ઘડતર એમના ગુરુની જ્વલંત ભઠ્ઠીમાં થયું હતું તે આપણે યાદ રાખવું જોઈએ.
ભારતની આજની કટોકટીને ‘મૂલ્યોની કટોકટી’ કહી શકાય. આર્થિક, રાજકીય અને સામાજિક કક્ષાઓની આપણી બધી સમસ્યાઓ આ એક કારણને આભારી છે. જીવનનાં વિવિધ પાસાંઓમાં રાષ્ટ્રની ફિલસૂફીનું પ્રતિબિંબ પડે છે. પણ આપણી ફિલસૂફી શી છે? સામાજિક મૂલ્યોનો ચરુ ઊકળે છે અને આધ્યાત્મિક શૂન્યાવકાશ છે. આ સદીના આરંભમાં ઉચ્ચ આદર્શો આપણા નેતૃત્વની લાક્ષણિકતા હતી અને એણે જીવનનાં બધાં ક્ષેત્રોમાં સંપૂર્ણ પુનર્જાગ્રતિની મોટી આશા અનેક હૃદયોમાં જન્માવી હતી. પણ પુનર્જાગ્રતિનું પુષ્પ પૂરું ખીલ્યા પહેલાં કરમાઈ ગયું છે એમ લાગે છે.
ઓગણીસમી અને વીસમી સદીના ભારતના રાજકીય સંઘર્ષોઅને સામાજિક ઉથલપાથલોનાં મૂળ ભૂતકાળમાં હતાં અને તે છતાં તે અર્વાચીન હતાં. પૂર્વના અને પશ્ચિમના, બે વિશ્વનાં ઉત્તમ તત્ત્વોનો સમન્વિત સુમેળ કરવો તે એ જમાનાનો ઉદ્ઘોષ હતો. પરંતુ આજે શું જોવા મળે છે? યુદ્ધનો પહેલો તબક્કો સર કર્યા પછી આપણે થાકી ગયાં છીએ. ઉત્સાહનો ચોમેર અભાવ છે. નાના મોટા સૌ સમસ્યાઓના ઉકેલ માટે બીજા પર મીટ માંડે છે અને, રાષ્ટ્રનાવના સુકાનીઓ વિશે થોડું બોલવું વધારે સારું છે.
આ સદીના આરંભમાં નિવેદિતાએ કહ્યું હતું તે આજે વધારે લાગુ પડે છે: ‘સમસ્ત જગતમાં, પોતાના અબાધિત અધિકારરૂપે પોતાની ભૂમિ પરના વિદેશીઓ પર જય મેળવવા માટે ભારતીય ચિત્ત હજી જાગ્યું નથી. અર્વાચીન બાબતોમાં પણ, એને જે અપાય છે તેનો આજ્ઞાપૂર્વક સ્વીકાર કરી તે સંતોષ માને છે. અને એને અપાતી ચીજની નવીનતા અને નવાઈએ એને આંજી દીધેલ છે. ભારતની સમગ્ર પ્રજાની છેલ્લી બે પેઢીઓ પુરુષાર્થ વિના, પરિસ્થિતિઓ સામે મુક્ત પ્રતિભાવ આપવાની સમર્થતા વિના, અરે, સામાન્ય બુદ્ધિ વિના પણ, સ્વપ્નમાં ચાલતાં લોકો બની રહેલ છે.’
આજે જરૂર છે તાજા ચિંતનની. નવું ચિંતન કરવા માટે નીડર અને, હજારો વર્ષોથી આપણી વૈયક્તિકતાને જાળવી રાખનાર પ્રાચીન મૂલ્યોને ભૂલ્યા વિના આમ કરનારની તાતી જરૂર છે. વળી આ નવું ચિંતન મંડનાત્મક હોવું ઘટે. વિદેશી સત્તા સામે લડવાનો પ્રશ્ન આજે નથી પણ, આપણી નિર્બળતાઓ સામે લડવાનો પ્રશ્ન છે. શિક્ષિત અને સમૃદ્ધ ભારતીય નાગરિકે સમજવાનું છે કે, રાષ્ટ્રની સેવા માટે નિ:સ્વાર્થતા અને પ્રેમનાં મૂલ્યો પાયાનાં છે. રાષ્ટ્રને આત્મનિર્ભર કરવાનો સંઘર્ષ કરવાનો છે એ વિસરી જઈ, દેશ આઝાદ થયો તે જ ક્ષણથી, બીજાંઓને ભોગે લાભ ખાટવાના કાર્યમાં આપણામાંના ઘણા પડ્યા છે. પરિણામે, યોજનાઓ અને પ્રકલ્પો ભલે કાગળ ઉપર આકર્ષક લાગતાં હોય પણ, વાસ્તવિકતામાં પરિણમતાં નથી અથવા, વધારેમાં વધારે, પાશ્ચાત્ય સંસ્થાઓના સસ્તા અનુકરણ જેવાં રહે છે, નિષ્પ્રાણ રીતે અમલમાં મુકાય છે અને રાષ્ટ્રને ભારરૂપ બને છે.
વિપ્લવના અને રાજકીય સંઘર્ષોના કાળમાં આપણે ફત્તેહમંદ બન્યા હોઈએ પરંતુ, આ મંડનાત્મકતાના આપણા યુગકાર્યમાં આપણે ઊણા ઊતર્યા છીએ. સ્વામી વિવેકાનંદે ભાર મૂક્યો હતો તે શ્રદ્ધા અને બલિદાનમાં મૂલ્યોની રચનાત્મક કાર્ય માટે ખાસ જરૂર છે. એમ લાગે છે કે સ્વાર્થનું કાળું વાદળ આજે દેશ પર છવાયું છે. જે અનુસાર આચરણ કરીને પોતે સિદ્ધિનો સંતોષ પામી શકે એવા, જીવનના ઉચ્ચ આદર્શની ખોજ યુવાનો કરી રહ્યા છે. પરંતુ, અરે! એ લોકો ફિલ્મી સિતારાઓનું અનુકરણ કરી શકે છે કે, પશ્ચિમમાંથી આયાત કરેલી કોઈ નવીન ઘેલછા પાછળ ગાંડાં કાઢી શકે છે! રાષ્ટ્ર તરીકે આપણે પ્રગતિ કરવી હોય તો, આ પરિસ્થિતિ બદલવી જ રહી. આ સદીના પૂર્વાર્ધમાં, ભારતને પોતાનું વતન બનાવનાર ભગિની નિવેદિતા જેવાં વિદેશીઓ પણ જેમાંનાં હતાં તેવાં મહાન નરનારીઓએ આપેલાં બલિદાનની આજના યુવાનોને જાણ પણ નથી. શું આ બધું વ્યર્થ જવાનું? દારિદ્ર્ય અને નિરક્ષરતા વિનાના ભવ્ય ભારતનું નિર્માણ કરવાની ફરજ આજના અને આવતીકાલના ભારતીયોની નથી શું? રવીન્દ્રનાથે શબ્દબદ્ધ કરેલી ભાવના અનુસારની જાગ્રતિ ભારતમાં આવે એ માટે જાગ્રત થવું જોઈએ:
ચિત્ત જ્યાં ભયશૂન્ય છે અને મસ્તક ઉન્નત છે;
જ્ઞાન જ્યાં મુક્ત છે;
નિત્ય વિકસિત ચિંતન અને કૃતિમાં તું મનને દોરે છે —
મુક્તિના એ સ્વર્ગમાં, હે મારા પિતા!
મારા દેશને જાગ્રત કર.
Your Content Goes Here




