એક પૈસાદાર કાપડિયો એક ગરીબ બ્રાહ્મણનો શિષ્ય હતો. વેપારી સ્વભાવે ઘણો કંજૂસ હતો. પોતાની પોથીને ઢાંકવા બ્રાહ્મણને એક વાર કપડાના ટુકડાની જરૂર હતી. પોતાના શિષ્ય પાસે જઈ એણે કાપડનો ટુકડો માગ્યો. પેલાએ કહ્યું: ‘મહારાજ! હું ખૂબ દિલગીર છું. થોડાક કલાક પહેલાં તમે મને આ કહ્યું હોત તો, હું તમને તે આપી શક્યો હોત. અત્યારે મારી પાસે તમને કામમાં આવે એવો એકે ટુકડો નથી. હું એ યાદ તો રાખીશ જ પણ, મને અવારનવાર યાદ કરાવતા રહેજો.’ બ્રાહ્મણને નિરાશ થઈને જવું પડ્યું. ગુરુ અને એના મોંઘા ચેલા વચ્ચેની આ વાત, એ વેપારીની પત્નીએ પડદા પાછળથી સાંભળી હતી. એણે તરત એક માણસને મોકલી પેલા બ્રાહ્મણને પાછો બોલાવી પૂછ્યું: ‘મહારાજ! શેઠ પાસે તમે શું માગતા હતા?’ જે બન્યું હતું તે બધું બ્રાહ્મણે કહ્યું. શેઠાણી કહે, ‘આપ ઘેર પઘારો. આવતી કાલે સવારે આપને કાપડનો ટુકડો મળી જશે.’ દુકાન વધાવીને પતિ ઘરમાં આવ્યો ત્યારે, પત્નીએ એને પૂછ્યું: ‘તમે દુકાન વધાવી દીધી છે?’ કાપડિયાએ પૂછ્યું, ‘કેમ, તારે શું કામ છે?’ પત્ની કહે, ‘જલદી પાછા જાઓ અને, ઉત્તમ કાપડના બે કટકા લાવી આપો.’ પતિ બોલ્યો: ‘શી ઉતાવળ છે? આવતીકાલે સવારે હું બે ઉત્તમમાં ઉત્તમ કપડાં આપીશ.’ પત્ની કહે, ‘ના, મને અત્યારે જ લાવી આપો, નહીં તો નથી જોઈતાં.’ પેલો બીચારો વેપારી શું કરે? અત્યારે એને જેની સાથે પનારો હતો તે એના આધ્યાત્મિક ગુરુ ન હતા કે, એને વચન આપી પાછા વાળી શકાય. આ તો હતા ‘પડદા ગુરુ’ જેનો આદેશ તરત જ ઉઠાવવો પડે નહીં તો, ઘરમાં શાંતિ ન રહે. આખરે, વેપારીએ રાજી ખુશીથી એ મોડી રાતે દુકાન ખોલી અને પોતાની પત્ની માટે બે કપડાં લાવ્યો. બીજી સવારે તરત જ એણે ગુરુએ માગેલી વસ્તુ એમને મોકલાવી અને કહાવ્યું: ‘ભવિષ્યમાં આપને અમારી પાસેથી કશું જોઈતું હોય તો અમને જણાવશો એટલે એ આપને મળી જશે.’ (એટલે, જે લોકો જગદંબાને પ્રાર્થી એના આશીર્વાદ માગે છે તેમને પિતારૂપ પ્રભુને ભજનારા કરતાં પોતાની પ્રાર્થના ફળવાની તક વધારે છે.)

*****

‘ગણપતિએ એક વાર બિલાડીને નહોર ભરાવ્યા. ઘેર જઈને એમણે જોયું કે માતા પાર્વતીને ગાલે ઉઝરડો પડ્યો હતો. એ જોઈ એમણે પૂછ્યું: ‘મા, તમારે ગાલે આ ઉઝરડા કેમ કરતાં પડ્યાં?’ જગજ્જનની બોલ્યાં: ‘એ તારા હાથનું કામ છે; તારા નખની એ નિશાની છે.’ અચરજ પામી ગણેશે પૂછ્યું: ‘એ કેમ બને, મા? મેં તો તમને નખ અડાડ્યો યે નથી. છતાં તમારે ગાલે ઉઝરડો શાનો?’ ‘બેટા, આજ સવારે તેં બિલાડીને નખ ભરાવ્યા હતા તે તું ભૂલી ગયો શું?’ ગણેશે કહ્યું: ‘હા, બિલાડીને નખ ભરાવ્યા હતા પણ, તમારે ગાલે ઉઝરડો શાનો?’ મા બોલ્યાં: ‘બેટા મારા? આ વિશ્વમાં મારા સિવાય જગતમાં બીજા કશાનું અસ્તિત્વ નથી. આખી સૃષ્ટિમાં હું જ છું. તું કોઈ પણ જીવને ઇજા કર તો તું મને જ ઇજા કરે છે.’ આ સાંભળી ગણેશને ખૂબ આશ્ચર્ય થયું. ત્યાર પછીથી દરેક સ્ત્રીને ગણેશ જગદંબા રૂપે જોતા.’

Total Views: 176

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.