શિવજીની સાચી પૂજા
એક ગામમાં નાનુ મજાનું શિવમંદિર હતું. આ મંદિરના પૂજારી શિવની પૂજા કરતા. તેમના પરિવારમાં પત્ની, પુત્ર-પુત્રી હતાં. તેમનો પુત્ર શિવભક્ત હતો. શિવપૂજાની પૂજા સામગ્રી એકઠી કરવામાં તે અવારનવાર પિતાને મદદ પણ કરતો.
એક વખતે પૂજારીને નજીકના ગામમાં લગ્ન પ્રસંગે જવાનું થયું. પત્ની અને પુત્રી પણ સાથે જવાનાં હતાં. તેમણે શિવકુમારને બોલાવીને કહ્યું, અમે ત્રણેય ત્રણ દિવસ માટે બહારગામ જઇએ છીએ. તુંય અમારે સાથે આવે તેમ ઇચ્છું પણ અહીં શિવજી અપૂજ રહે. તે મને શિવપૂજા વખતે અવારનવાર મદદ કરી છે, અને શિવપૂજા વિધિ પણ જોઇ છે, એટલે હું બહારગામ છું, એટલા દિવસ તું આ ભોળા મહાદેવની પૂજા કરીશ ને?’
નાના શિવકુમારની આંખો પ્રેમ અને આનંદથી ચમકી ઊઠી. તેણે કહ્યું ‘શિવપૂજા વિધિનું મને પૂરું જ્ઞાન છે. એટલે તમે નિશ્ચિન્ત રહેશો. પિતાજી! મારું એ પરમ સદ્ભાગ્ય છે કે મને આ સુઅવસર સાંપડ્યો. તમતમારે નિરાંતે લગ્ન પતાવીને આવજો.’
સ્નાનવિધિ પછી વહેલી સવારે પિતાના ગયા પછી શિવકુમારે અબોટિયું પહેરીને પૂજા માટે પૂષ્પો ચૂંટીને પછી શિવજી માટે નૈવેદ્ય તૈયાર કર્યું. શિવપૂજા વિધિ પૂર્ણ કરીને તેણે શિવજીની મૂર્તિ સામે નૈવેધનો થાળ ધર્યો. પડદો આડો કરીને શિવજી નૈવેધ આરોગી લે તેની રાહ જોતો બહાર ઊભો રહ્યો. થોડી વાર પછી તેણે પડદો દૂર કરીને જોયું તો, નૈવેધના થાળ તો હતા તેમ ને તેમ! શિવજીએ તેમાંથી એક કણેય ગ્રહણ ન કર્યો. આ જોઇને તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેની આંખમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યાં. ગદ્ગદ્ કંઠે પ્રાર્થના કરીને તે બોલ્યો, હે પ્રભુ! મારા પર આટલી કઠોરતા કેમ લાવો છો? મારા પિતાએ ધરેલા નૈવેધને, પ્રભુ, તમે આજ સુધી સ્વીકારતા રહ્યા અને આજે મેં ભક્તિભાવથી ધરેલા નૈવેધનો એક કણેય ન સ્વીકાર્યો? હે પ્રભુ આટલો ભેદભાવ કેમ? મારી કોઈ ઊણપ છે કે શું? મારી પૂજા વિધિમાં ક્યાંય શરતચૂક થઇ છે? હે શિવજી, મને આ બધું સમજાતું નથી.’
થોડી વાર તે વિચારમાં પડી ગયો. પિતાની શિવપૂજા તેણે નજરે જોઈ હતી એટલું જ. તેમાં તે અવારનવાર મદદ પણ કરતો હતો. પણ શિવજીનો આવો ભાવ જોઈને તેણે આઘાત અનુભવ્યો. તેની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યાં. તેની નજર ધૂંધવાઈ ગઈ. તે રડતો જ રહ્યો.
શિવજી પોતાના બાળભક્તના કરુણ આક્રંદથી પીગળી ગયા. તેના સહજ સરળ ભાવ અને આતુરતા સામે શિવજીના હૃદયમાં કરુણા ઉદ્ભવી. તેઓ મૂર્તિમાંથી સાક્ષાત્ શિવના રૂપે પ્રગટ થયા. અને તેનું નૈવેધ આરોગ્યું. શિવજીએ પોતાનું નૈવેધ સ્વીકાર્યું, એ જોઈને તેની આંખો દિવ્ય આનંદથી ચમકી ઊઠી. દિવ્ય ભાવના આનંદને વાગોળતાં વાગોળતાં તે ઘરે આવ્યો.
આમ, આ ત્રણેય દિવસ આ બાળભક્ત શિવપૂજા કરતો રહ્યો. અને શિવજીએ તેના નૈવેધને સ્વીકાર્યું પણ જે નૈવેધ તે ધરતો તે મહાદેવ આરોગી જતા. ચોથા દિવસે તેના પિતા પાછા આવ્યા. શિવકુમાર મંદિરેથી પૂજા ઈત્યાદિ પતાવીને આવતો હતો. પિતાએ પ્રેમથી ભેટીને પૂછ્યું : ‘કેમ ભાઈ, પૂજા વગેરે બરાબર થતી હતી ને?’ પુત્રે જવાબ આપ્યો : ‘હા પિતાજી, બધું બરાબર ચાલતું હતું.’ જવાબ સાંભળીને પિતાએ કહ્યું: ‘તો થોડો પ્રસાદ લઈ આવ, અમે પ્રસાદ લઈને પછી નિરાંતે જમીશું.’ શિવકુમારે કહ્યું, ‘પિતાજી, પ્રસાદ તો નથી. મેં જે જે નૈવેધ ધર્યું, તે શિવજી પોતેજ આરોગી ગયા અને નૈવેધ માંથી કાંઈ વધ્યું નથી.’
પિતાને ગળે આ વાત ઊતરી નહીં. તેમણે કહ્યું : બેટા, તું શી વાત કરે છે! મૂર્તિ સામે ધરેલ નૈવેધ મૂર્તિદેવ આરોગી જાય એ બને જ કેવી રીતે? તને તો ખબર છે જ કે, હું દરરોજ થાળ ધરું છું અને એ જ થાળ એમ ને એમ રહે છે. એને આપણે દેવપ્રસાદ ગણીએ છીએ અને પ્રભુ આખો થાળ કે થાળમાંથી અલ્પાતિ અલ્પ આરોગી જાય એવું આજ સુધી બન્યું નથી. શિવકુમારના આશ્ચર્યનો પાર ન રહ્યો. તે પિતાની સામે તાકીને જોઈ રહ્યો. અને બોલ્યો : ‘પિતાજી, તમે કહો છો તે વાત સાચી નથી પ્રભુનેય ભોજન જોઈએ છે અને મેં નૈવેધ ધર્યું ત્યારે તે બધું આરોગી ગયા. એ એક વાસ્તવિક ઘટના છે અને આમાં આપને નવાઈ કેમ લાગે છે તે મને સમજાતું નથી.’
નૈવેધ પ્રસાદ વિષે પુત્રને કેમ સમજાવવો એ ન સમજાતાં તેણે કહ્યું. ‘બેટા, તું કહે છે તેની આજે ખાતરી કરી લઈએ. આવતી કાલે પણ તું જ પૂજા કરજે.’ શિવકુમારે તો પ્રેમથી પિતાની વાત સ્વીકારી લીધી. એને મન તો આજની ઘડી રળિયામણી બની ગઈ. શિવજીની પૂજા કરવાનો એક રૂડો અવસર મળી ગયો.
બીજા દિવસે શિવકુમારે પૂજાવિધિ પતાવીને શિવજીની મૂર્તિ સમક્ષ નૈવેધનો થાળ ધર્યો. પડદો ખેંચીને શિવનામનો જપ કરતો બહાર ઊભો રહ્યો. અડધાએક કલાક પછી જોયું તો શિવજી નૈવેધ આરોગી ગયા હતા. શિવકુમારના પિતાના આશ્ચર્યનો પાર ન રહ્યો. થોડી વાર તો એમને આ બધું ન સમજાયું પણ તરત જ એમનાં મન હૃદયમાં એક ચમકારો થયો અને સમજાયું કે, આ ભોળા બાળકે માત્ર હૃદયની ભક્તિથી આ અનન્ય કાર્ય સિધ્ધ કર્યું છે. શિવકુમારના પિતા શિવની મૂર્તિને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને આંસુભરી આંખે હૃદયની ભાવનાથી પ્રાર્થના કરવા લાગ્યા, ‘હે પ્રભુ, મારા પુત્રના હૃદય જેવું જ મારું હૃદય નિર્મલ, સરળ, પવિત્ર ભક્તિ ભાવ ભર્યું બનાવી દો. હે પ્રભુ, વહાલા પ્રભુ, મારા પર કૃપા કરો.’
જેટલું આપણું હૃદય નિર્મલ, પવિત્ર તેટલા પ્રભુ આપણી નજીક અને હૃદય સંપૂર્ણ નિર્મલ બને ત્યારે પ્રભુ સાક્ષાત દર્શન દે. તેટલું જ નહીં પરંતુ, એક માનવની જેમ આપણી સાથે બોલે, ચાલે, હસે પણ ખરા. નરેને (સ્વામી વિવેકાનંદ) શ્રીરામકૃષ્ણને પ્રશ્ન પૂછ્યો હતો. ‘મહાશય, આપે પ્રભુને જોયા છે?’ શ્રીરામકૃષ્ણે કહ્યું હતું :
‘વારુ, હા. મેં ઈશ્વરને જોયા છે. તને આજે જેમ જોઉં છું, એમ જોયા છે, અને તને પણ એનાં દર્શન કરાવી શકું તેમ છું.’ માત્ર એમના માટે હૃદયની સાચી ઝંખના જરૂરી છે, એમને માટે હૃદયપૂર્વકનાં આંસુ સારવાની જરૂર છે. આ તલસાટ હોય તો પ્રભુનાં દર્શન, એમનો સાક્ષાત્કાર થાય.
સંકલન : શ્રી મનસુખભાઈ મહેતા
Your Content Goes Here




