યદુવંશીઓનો વિનાશ
આની પછી તરત દ્વારકામાં મોટા મોટા અપશુકનો અને ઉત્પાત થવા લાગ્યા. એ જોઈને યદુવંશના વયોવૃદ્ધો શ્રીકૃષ્ણ પાસે આવ્યા. શ્રીકૃષ્ણે એ લોકોને કહ્યું, ‘તમે લોકો તો જાણો છો કે આપણા વંશને બ્રાહ્મણોએ એવો શ્રાપ આપી દીધો છે કે જેને ઉલટાવવો ઘણું જ કઠિન છે. મારો એવો વિચાર છે કે જો આપણા પ્રાણોની રક્ષા કરવાની ઇચ્છા હોય તો આપણે અહીં રહેવું ન જોઈએ. વિલંબ કરવાની જરૂર નથી. આપણે લોકો આજે જ પરમપવિત્ર પ્રભાસક્ષેત્ર જવા નીકળી પડીએ. પ્રભાસનો મહિમા અત્યંત પ્રસિદ્ધ છે. આપણે ત્યાં સ્નાન કરીશું, દેવતા અને પિતૃઓનું તર્પણ કરીશું તેમજ દાન-દક્ષિણા આપીશું. આ બધાં કર્માે દ્વારા આપણે મોટાં મોટાં સંકટોને પાર કરી જઈશું.’
બધાએ શ્રીકૃષ્ણની સલાહનો સ્વીકાર કર્યાે. તરત જ બધાં યદુવંશીઓ પ્રભાસ જવાની તૈયારી કરવા લાગ્યા. પ્રભાસ પહોંચીને ઘણી શ્રદ્ધા-ભક્તિપૂર્વક શાંતિપાઠ વગેરે તથા બીજાં પણ અનેક જાતનાં મંગલકાર્યો કર્યાં. પરંતુ વિધાતાએ તેઓની બુદ્ધિ હરી લીધી અને મૈરેય નામની મદિરાનું પાન કરવા લાગ્યા, જેના નશાથી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. એ તીવ્ર મદિરાના પાનથી બધા જ પોતા પરનું નિયંત્રણ ગુમાવી બેઠા અને પરસ્પર લડાઈ-ઝઘડો કરવા લાગ્યા. થોડી જ વારમાં તો ઉગ્ર ઝઘડાનો પ્રારંભ થઈ ગયો અને યદુવંશીઓ ક્રોધના આવેશમાં એકબીજાને મારવા માટે તત્પર થઈ ગયા. તેઓ બાણ, તલવાર, ભાલા, ગદા વગેરે અસ્ત્ર-શસ્ત્ર વડે સમુદ્ર કિનારા પર જ એકબીજા પર જ પ્રહાર કરવા લાગ્યા. મૂઢતાવશ પુત્ર પિતાનું, ભાઈ ભાઈનું, ભાણેજ મામાનું અને મિત્ર મિત્રનું ખૂન કરવા લાગ્યા. જ્યારે તેમનાં બધાં અસ્ત્ર-શસ્ત્ર તૂટી ગયાં ત્યારે તેઓએ સમુદ્ર કિનારે ઉગેલ એરકા નામનું ઘાસ ઉખાડવાનું શરૂ કર્યું. આ તે જ ઘાસ હતું, જે ઋષિઓના શ્રાપને કારણે ઉત્પન્ન થયેલ મુસળના ટુકડામાંથી પેદા થયું હતું. તેમના હાથમાં આવતાં જ એ ઘાસ વજ્રની જેમ કઠોર બની ગયું. હવે તેઓ રોષમાં આવીને એ ઘાસથી પોતાના વિપક્ષીઓ પર પ્રહાર કરવા લાગ્યા. થોડાક જ સમયમાં, શ્રીકૃષ્ણ અને બલરામ સિવાય સમગ્ર યદુકુળનો વિનાશ થઈ ગયો.
બલરામ આ ઘટનાક્રમથી દુઃખી થઈને સમુદ્ર કિનારે બેસી ગયા. ત્યાં એમણે એકાગ્ર ચિત્ત થઈને પરમાત્માનું ચિંતન કરતાં કરતાં યોગબળ દ્વારા સમાધિમાં લીન થઈ પોતાના દેહનો ત્યાગ કરી દીધો. પોતાના મોટા ભાઈ બલરામજીને આ લોકનો પરિત્યાગ કરતા જોઈને શ્રીકૃષ્ણ પણ પીપળાના એક વૃક્ષ નીચે જઈને ચુપચાપ બેસી ગયા. વર્ષાઋતુનાં વાદળોની જેમ એમનાં શ્યામવર્ણા દેહમાંથી જ્યોતિ નીકળી રહી હતી. તેમણે રેશમી પિતાંબરનું ધોતિયું તેમજ એવો જ ખેસ ધારણ કર્યાે હતો. તેમના ઘુંટણો સુધી પુષ્પમાળા લટકતી હતી. ઘણું જ મંગલમય રૂપ હતું. એ સમયે ભગવાન પોતાના ડાબા સાથળ પર જમણો પગ રાખીને બેઠા હતા, જેનું લાલ લાલ તળિયું રક્ત કમળની જેમ ચમકી રહ્યું હતું. જરા નામના એક પારધિએ એ મુસળના વધેલા ટુકડાનું ફણું બનાવીને પોતાના બાણ પર ચઢાવી લીધું હતું. એને દૂરથી શ્રીકૃષ્ણના લાલ લાલ પગની પાની તથા તળિયું હરણના મુખના જેવાં લાગી રહ્યાં હતાં. એણે પોતાના બાણથી એને વીંધી નાખ્યાં. જ્યારે તે નજીક આવ્યો ત્યારે એણે જોયું કે એણે તો સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ પર પ્રહાર કરી દીધો છે! તે ભયનો માર્યાે કાંપવા લાગ્યો અને શ્રીકૃષ્ણના ચરણોમાં મસ્તક રાખીને ધરતી પર પડી ગયો. પછી એણે રડતાં રડતાં કહ્યું, ‘હે મધુસૂદન! મેં અજાણપણે આ પાપ કયું છે. પ્રભુ! આપ કૃપા કરીને મારો અપરાધ ક્ષમા કરો. મહાત્મા લોકો કહે છે કે આપના સ્મરણ માત્રથી મનુષ્યોનાં પાપો નષ્ટ થઈ જાય છે. ઘણા જ દુઃખની વાત છે કે મેં પોતે જ આપનું અનિષ્ટ કરી દીધું!’
આ સાંભળીને શ્રીકૃષ્ણે હસતાં હસતાં કહ્યું, ‘તું ડરીશ નહીં, હું તારા પર ક્રોધિત થયો નથી. તેં તો મારું ઇચ્છિત કાર્ય જ કર્યું છે. જા, મારી ઇચ્છાથી તું સ્વર્ગમાં નિવાસ કર, જેની પ્રાપ્તિ મહાન પુણ્યશાળીઓને થાય છે.’ જ્યારે શ્રીકૃષ્ણે જરાને આ રીતનો આદેશ આપ્યો ત્યારે જરાએ ત્રણ વાર શ્રીકૃષ્ણની પ્રદક્ષિણા કરી અને વિમાનમાં સવાર થઈને સ્વર્ગે સિધાવ્યો.
શ્રીકૃષ્ણનો સારથિ દારુક એમને શોધી રહ્યો હતો. ભગવાને ધારણ કરેલી તુલસીની માળાની સુગંધથી યુક્ત વાયુને સૂંઘીને એમના ત્યાં હોવાના સ્થળનું અનુમાન લગાવીને તે શ્રીકૃષ્ણ સમીપ આવ્યો. શ્રીકૃષ્ણને પીપળાના વૃક્ષની નીચે બેઠેલા જોઈને દારુકનાં નેત્રોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી અને તે એમના ચરણોમાં આળોટી પડ્યો. શ્રીકૃષ્ણે તેને સાંત્વના આપતાં કહ્યું, ‘દારુક! હવે તું દ્વારકા ચાલ્યો જા અને ત્યાંના લોકોને યદુવંશીઓના પારસ્પરિક સંહાર, બલરામજીની પરમગતિ અને મારા સ્વધામ-ગમનની વાત કહે. તેમને કહેજે કે તેઓએ હવે દ્વારકામાં રહેવું જોઈએ નહીં. મારા ન રહેવાથી તે નગર સમુદ્રમાં સમાઈ જશે. બધા લોકો પોતપોતાના પરિવારજનો સાથે અર્જુનના સંરક્ષણમાં ઇન્દ્રપ્રસ્થ ચાલ્યા જાય.’ ભગવાનનો આ આદેશ લઈને દારુકે એમની પરિક્રમા કરી અને એમના ચરણોમાં મસ્તક રાખીને પ્રણામ કર્યા. ત્યાર બાદ ઉદાસ થઈને તે દ્વારકા જવા માટે તે ચાલી નીકળ્યો.
ભગવાનનું સ્વધામ-ગમન
દારુકના ગયા પછી બ્રહ્માજી, ભગવાન શંકર અને ઇન્દ્ર વગેરે દેવતાઓ ભગવાન શ્રીકૃષ્ણના પરમધામના પ્રસ્થાનને જોવા માટે ઘણી જ ઉત્સુકતાથી ત્યાં આવ્યા. તેઓ બધા ભગવાનની લીલાઓનાં ગીત ગાઈ રહ્યા હતા. એમનાં વિમાનોથી આકાશ જાણે છવાઈ ગયું હતું. તેઓ બહુ ભક્તિભાવથી ભગવાન પર પુષ્પવૃષ્ટિ કરી રહ્યા હતા. શ્રીકૃષ્ણે પોતાનાં નેત્રો બંધ કર્યાં અને પોતાના આત્માને સ્વરૂપમાં સ્થિત કરી દીધો. પછી તેઓ સદેહે વૈકુંઠલોક ચાલ્યા ગયા. આજે પણ ભગવાનનો શ્રીવિગ્રહ એમના ઉપાસકો અને ભક્તોનાં ધ્યાન તથા ધારણાનો મંગલમય આધાર છે અને સમસ્ત પ્રજા માટે પરમ આશ્રય છે.
Your Content Goes Here





