(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા)

(ગયા અંકમાં આપણે ઊંચું જોનારા અને નિરર્થક ઠેંસઠેબાં ખાનારા ગગનૂવિશે વાંચ્યું, હવે આગળ…)

હિમશિલા પર સવાર

‘તો જગત ગુરુ?’

‘હમ્મ’

‘ઘાસફુંસ ભરેલું મગજ અને અક્કલના દુશ્મન!’

‘હમ્મ’

‘ચાલો આશા રાખીએ કે આપણું ગુરુગિરિ અહીં ખતમ!’

‘હમ્મ’

‘તમે એટલા વાહિયાત કેવી રીતે થઈ શકો છો?’

‘ક્યારેક ક્યારેક હરકોઈ આવાં કામ કરે છે. કદાચ મારા અભદ્ર વ્યવહાર માટે એ જગ્યા જ દોષી હતી.’

‘પ્રતિકૂળ સંજોગોમાં પારખેલાં સદ્ગુણો કે મૂલ્યો સાચાં હોય છે, એ વાત ભૂલી ગયો? જ્યારે મૂલ્યો વિષમ સંજોગોમાં કસોટીની શરાણે ચડે છે ત્યારે જ સાચો સદાચાર ઉદ્ભવે છે.’

‘હા, હું જાણું છું અને મેં ભૂતકાળમાં એને આચરણમાં મૂકવાનો પ્રયાસ કર્યો છે. એમાં એકાદવાર ભૂલચૂક થઈ ગઈ તો શું થયું? સદાચાર કે નૈતિકતાનું મૂલ્યાંકન કોઈની અસફળતાથી નહીં પણ એના સફળ પ્રયત્નોથી થાય છે. વીતી ગયું તે વીતી ગયું. વીતેલી વાત માટે તણાવગ્રસ્ત બનવાની આવશ્યકતા નથી. હવે પછીથી સાવધાન રહીશું.’

વાતને ટૂંકમાં કહું છું તો આવી રીતે મારું મન પસ્તાવામાંથી નીકળવા આકુળવ્યાકુળ થતું હતું. હંુ હંમેશાં દૃઢતા સાથે સદાચારને પથે ચાલ્યો છું. એટલે જ એમાં અચાનક આવેલ થોડી એવી ઊણપે મને ઘણો વિચલિત કરી દીધો છે. ગગનૂ સાથે મેં જે વર્તન દાખવ્યું તે મારી પોતાની દૃષ્ટિએ જોઈએ તો માફ કરવા લાયક નથી.

મારી ડાબી પાંખની પીડાએ મને હેરાન હેરાન કરી દીધો અને હું ડગમગવા લાગ્યો. હું કોઈક સ્થળે ઊતરવા માગતો હતો, પણ મારા કમનશીબે કોઈ વૃક્ષ કે બેસવાનું સલામત સ્થળ નજરે પડતું ન હતું. જ્યાં સુધી મને સાંજના અંધારામાં જોવાનું મુશ્કેલ ન લાગ્યું ત્યાં સુધી હું ઊડતો રહ્યો. અંતે હું એક ટાપુ પર ઊતર્યો, એના પર નાની નાની ઝાડીઓનાં ઝૂંડ હતાં. મેં વિચાર્યું કે હવે હેબતાઈ જવાની કોઈ વાત નથી. એટલે હું દેહ અને મનના દર્દ સાથે સૂઈ ગયો. રાતે અને ઊંઘે મને ઘેરી લીધો.

પછીની સવારે મેં નવોદિત સૂર્યનું ઉષ્માથી સ્વાગત કર્યું. ગાઢ અને આરામદાયક ઊંઘે મારાં દેહ અને દીમાગને નવા દિનનું અભિવાદન કરવા મને તરોતાજા કરી દીધો હતો. તમને કદાચ નવાઈ લાગશે કે મારી પોતાની જૂની કડવાશ હું કેવી રીતે ભૂલી ગયો અને એકવાર ફરીથી પેલા પુરાણા વડલાનો કલરવ કરતો પોપટ બની ગયો. આમ જોઈએ તો સર્જનહારે આપણને પહેલેથી જ વર્તમાનમાં જીવવા માટે સર્જ્યા છે અને એટલે જ આપણે ભૂતકાળની વાતો કે ભવિષ્યમાં શું થશે, એ વિચારવાનું ભૂલી જઈએ છીએ.

અચાનક મને પોતાની આસપાસ બધું હલતું હોય એમ કેમ લાગ્યું? જોયું તો ખ્યાલ આવ્યો કે હું જેને જમીન સમજતો હતો તે વાસ્તવિક રીતે તરતા ટાપુઓનો સમૂહ હતો અને વિશાળ સાગરજળમાં અહીં તહીં તરતો હતો. કેટલાંક ઘર અહીં તહીં ફેલાયેલાં હતાં. જેમની બહાર કૂંડાંમાં અને જમીન પર નાના નાના છોડ લાગેલા હતા. આ ટાપુ પર નવાઈ પમાડે તેવા દેખાતા બે પગવાળા અને ઘેટાં જેવા જીવ આમતેમ ભમતા હતા. મારી જિજ્ઞાસા ફરીથી સળવળી ઊઠી. પણ એ વિશે જાણવા, પૂછવા કે તપાસ ન કરવાનું મેં નક્કી કર્યું. મને ખ્યાલ હતો કે આવી તરતપાસ કરવાનો પ્રયત્ન કર્યો તો પછી કંઈક ઊલટું અને ખોટું થઈ જશે. છતાંય જિજ્ઞાસુ બનવાની બહુ રાહ જોવી ન પડી. જ્ઞાનતંતુ – નસોને બહેરી બનાવી દે તેવો ધડાકાનો મોટો અવાજ થયો અને એની સાથે હું આપમેળે ઘટનાસ્થળની વચ્ચે જઈ પહોંચ્યો.

અમારા પક્ષીઓ માટે આવા આકસ્મિક ધડાકાના અવાજ અસહ્ય હોય છે. મેં ડાબી-જમણી બાજુએ જોયું અને એક ટાપુ બે ભાગમાં વહેંચાઈ ગયો, તે જોઈને હું ખૂબ ભયભિત બની ગયો. વળી એ ટાપુનો સમૂહ ન હતો પરંતુ એ તો હતો

હિ..મ..શિ..લા..ઓનો. એ જોઈને મારો ભય વધી ગયો. આ પાગલ જીવ બરફના એ શિલા જેવા લોંદા પર સવાર થઈને પોતાના ગંતવ્ય સ્થાને જવાનો પ્રયાસ કરતા હતા! ધડાકામાંથી સારાસાજા રહેલ જીવોને બચાવી લીધા. તેઓ ભીના અને બરફ જેવા ઠંડાગાર હતા.

અમને પોપટને બધા સમજદાર નથી ગણતા, છતાં પણ અમે કેટલીક વાસ્તવિકતાઓને જાણીએ છીએ. ખાસ મેં પણ હિમશિલાઓ વિશે સાંભળ્યું હતું અને મને એ સારી રીતે યાદ હતું. સ્મરણશક્તિ વિશે એક મજાની વાત એ છે કે જ્યારે કોઈ મુશ્કેલીમાં હોય છે ત્યારે એ મુશ્કેલી વિષયક બધી ભયંકર વાતો એને એકદમ યાદ આવી જાય છે.

મારી સૌથી વધારે નજીક આવેલા ઘેટાને સંબોધીને મેં કહ્યું : ‘નમસ્તે ઘેટાભાઈ !’

‘ભાઈ, હું ઘેટાસાહેબ નથી. મારી સાથે આવા જેવા તેવા નામ ન જોડૉ. હું તો ઉત્તમ નામને જ પાત્ર છું.’

‘શ્રીમાન્, મારાથી ભૂલ થઈ ગઈ. હું આપને કયા નામે સંબોધન કરું ?’

‘ભાઈ પંપુ, રહેવા દે. તારે શું કહેવાનું છે એ મૂળ વાત કર ને ?’

આ તો મોટો ખીજાડ જીવ લાગે છે.

‘શ્રીમાન્, આ હિમખડક છે, ખરું ને ?’

‘હા, છે. તો તેથી શું ?’

‘તો પછી એના પર જવું ભયજનક છે, એવું આપને લાગતું નથી ?’

‘ભય, એમાં વળી ભય શાનો હોઈ શકે ? ડર તો નિર્બળના ગળાનો ગાળિયો છે, નિડરતા બળવાનનું ઘરેણું છે.’

કદાચ આ ભાઈ પેલા ‘ઈન્કલાબી’ દાદાને મળ્યા હોય તો ડર એટલે શું, એનો એને ખ્યાલ આવી જાત. એની યાદે જ મારા શરીરે પરસેવો છૂટ્યો. છતાં પણ મેં મારા ચંચળ વિચારોને આમતેમ ભમતા રોક્યા અને વર્તમાન પર ધ્યાન સ્થિર કર્યું.

‘મારા કહેવાનો મતલબ એ છે કે એનાથી તમે ડૂબી શકો છો. હિમશિલા પીગળતી રહે છે, શું એની તમને ખબર નથી ?’

‘આ તો સમજી વિચારીને વ્હોરી લીધેલી આફત છે. શું આના વિશે ક્યારેય સાંભળ્યું છે ખરું, લીલા ઘાસિયલ ? તું જેટલો બહારથી લીલો દેખાય છે એટલો જ અંદરથી પણ છો.’

મારા ગત અનુભવોએ મને પ્રબળ શક્તિવાળો બનાવી દીધો હતો. એટલે મેં એના એ વ્યંગની કોઈ પ્રતિક્રિયા ન આપી. પહેલાંની જેમ દિવસો હોત તો એનો જવાબ બીજી રીતે આપત.

‘શું આપ જોખમ ઉઠાવવા મનબુદ્ધિ લગાડો છો? બુદ્ધિનો ઉપયોગ ભય કે જોખમમાંથી બહાર નીકળવા માટે થાય છે.’

આ વાતમાં રહેલા છૂપા વ્યંગને તે સમજી ન શક્યો અને તે બોલવા લાગ્યો : ‘જો કંઈક મેળવવું હોય તો ખતરો તો સહન કરવો પડે, ડરપોક પંખી!’

‘શું આ પાણીમાં પડવાથી જ તમે થીજીને મરી નહિ જાઓ?’

‘ખતરો નહિ તો ફાયદો નહિ, મંદબુદ્ધિ! હું એ પણ કહેવા માગું છું કે મૂર્ખા જ પડે છે. અમારો સિદ્ધાંત છે- સાચું ગણો અને ઉત્તમ રહો. મૂર્ખા જેટલા વધારે પડશે એટલું બીજા માટે સારું રહેશે. મૂર્ખાઓ ઓછા જન્મશે. કુદરતને ય ઓછું કામ કરવું પડે.’

આ બધા જીવોનું ભવિષ્ય કેવું હશે અને એમનો આગામી સમાજ કેવો હશે, એનો મને ખ્યાલ નથી. આત્મવિશ્વાસના અતિરેકથી ચકચૂર આ ઘેટાં પોતાની સાચી ગણનાની તરતપાસ કરતાં કરતાં ડૂબી મરશે. મારે તો આ સમયે ઊડી જવું જોઈએ. પરંતુ ઈજા થવાથી હું ઊડી ન શક્યો. સારાસાજા થવા માટે મારે અહીં રોકાવાની જરૂર હતી અને જિંદગીની બાકીની આવશ્યકતાની જેમ મારી જરૂરત મને ખતરા તરફ લઈ જતી હતી.

મેં આગળ કહ્યું : ‘શું આપની પાસે આ શિલા પર સવાર થઈને જવા સિવાય બીજો કોઈ વિકલ્પ છે ખરો, શ્રીમાન?’ મને મારા સંરક્ષણની ચિંતા હતી.

‘કેમ ન હોય? અમારી પાસે આ શિલાઓ સાથે બંધાયેલી કેટલીયે હોડીઓ છે પણ એનો ઉપયોગ કરવામાં મજા નથી. હિમની શિલા પર સવાર થઈને જવામાં આઝાદી અને શક્તિની મજા આવે છે.’

‘શું તમને તમારા પોતાના સંરક્ષણની ચિંતા નથી થતી?’ મેં પૂછ્યું.

હવે મારે જવાબની જરૂર ન હતી. એક વાર ફરીથી તડ તડ તડ અવાજ થયો અને બરફનો ટૂકડો તૂટી ગયો.

અમારો પોતાનો ટૂકડો તૂટીને બે ભાગમાં વહેંચાઈ ગયો. એને લીધે ચારે તરફ લહેરો ઊઠવા લાગી. ઘેટા સાહેબ (મનમાં ને મનમાં મેં એને આ નામ આપ્યું) ઠંડા પાણીમાં હતા. તે ઘણો મૂર્ખ લાગતો હતો. તેણે જોરથી અવાજ કર્યો : ‘બચાવો..વોવોવો.’

મેં કડક અવાજે કહ્યું : ‘આવો, શ્રીમાન્ મારો પગ જોરથી પકડી લો અને તમે સુરક્ષિત બહાર નીકળી જશો. તમે ટિયાના સુરક્ષિત પગમાં જ છો. પકડી રાખજો.’

માત્રા કરતાં પ્રમાણમાં વધારે આત્મવિશ્વાસથી ઉદ્ભવેલ ઉત્સાહ પ્રાણહારી બની શકે છે. ત્યાર પછી જે બન્યું તે ઘણું દુ :ખદ હતું અને વળી હાસ્યાસ્પદ પણ ખરું. એ ઘેટું પોપટનો પગ પકડીને પાણીમાંથી બહાર આવવાનો પ્રયાસ કરે તો શું થાય ? એની જરા કલ્પના તો કરો! એ સ્પષ્ટ છે કે ત્યાર પછી જે બન્યું તેનો પહેલેથી જ અંદાજ હતો. હું હિમ જેવા ઠંડા પાણીમાં પડ્યો. પલળીને થરથર કાંપતો, ટાઢથી થીજી જતો, જાણે કે મૃત્યુ પાસે જતો ન હોઉં!

ઝડપથી બચાવકાર્ય શરૂ થઈ ગયું. પેલા ઘેટાને એની જાતિના બીજાં ઘેટાંએ હેમખેમ બહાર ખેંચી લીધો. પણ હું તો જ્યાં હતો ત્યાં જ રહ્યો, પાણીમાં ડૂબતો. મને અહીં કોઈ જાણતું ન હતું અને મારી કોઈનેય પડી ન હતી, એ વાસ્તવિકતા હતી. પહેલાંની જેમ હું ફિલસૂફી હાંકવા માંડ્યો. આ જ જિંદગી છે, મેં વિચાર્યું. કોઈને બચાવવા માટે થોડા આગળ જાઓ તો વળતરમાં લાઠી ખાઓ.

નસીબજોગે બે માછીમારો મને તેમની હોડીમાં બચાવીને લાવ્યા. ત્યાર પછીનું હું કંઈ જાણતો નથી અને જે થોડુંઘણું યાદ છે એને ફરીથી યાદ કરવા ઇચ્છતો નથી. હું એમનું ઋણ કેવી રીતે ઉતારી શકું એ વિશે મેં માછીમારોને પૂછ્યું. એ વખતે એમણે મને જે કહ્યું તે તો મારા માટે વજ્રાઘાત જેવું લાગ્યું.

‘તમારે અમારા ઋણી હોવાથી જરૂર નથી. ઊલટાના અમે તમારા આભારી છીએ. માછલા પકડીને ખાતાં ખાતાં અમારે કેટલાય દિવસો વહી ગયા છે. આજનો નાસ્તો તો તું જ છે. દોસ્ત, અહીં આવવા માટે તારો આભાર.’ એમણે ખુશ થઈને કહ્યું.

એમાંના બીજા એકે કહ્યું :

‘માઠું ન લગાડતો, મિત્ર. તું તો આમેય મરી ગયો છે. હવે તને એટલું તો આશ્વાસન છે કે તું કોઈકનું ભોજન બનીને એમની સેવા કરે છે! રાજી થા ભાઈ, અમે તને સદા યાદ કરીશું!’

મારી રોકાયેલી-રુંધાયેલી ભાવનાઓએ મારી ચાંચમાંથી એક પણ શબ્દ નીકળવા ન દીધો. પણ મારા વિચાર એનું કામ કરતા હતા. મગરમચ્છ પોતાના શિકારને કેવી રીતે ખાય છે અને પછી કેવી રીતે આંસુ વહાવે છે એ વાત મને યાદ આવે છે. આ રાક્ષસો પણ કંઈક એવા જ હતા. સાલા ઢોંગી!

હવે હું સ્વગત બોલ્યો : ‘ટિયા, આ જ જિંદગી છે. જેણે તને બચાવ્યો એ જ તારું બલિદાન લેશે.’

એ જ વખતે મને બચાવનાર અને મારનારના સહભાગીએ કહ્યું : ‘શું તમે આ ગટરના પાણી જેવા રસામાં લસણનો વઘાર કરશો? મરીમસાલા નકામા નાખી દેશો?’

‘ભાઈ, તમે કેવી રીતે જાણ્યું? સારા અને યોગ્ય મસાલા વિના રાંધવામાં આપણી આબરૂ શી રહેવાની?’

‘લસણના વઘારથી આને ઝેરીલું ન બનાવો. વળી તમે જે રાંધો છો તે આમેય ખરાબ જ હોય છે.’

‘મારી ઇચ્છા મુજબ જ કરીશ, પક્ષી મારું છે અને હું મારી ઇચ્છા પ્રમાણે રાંધીશ.’

આમ, પોતાના મનની ઇચ્છા સ્પષ્ટ જણાવીને એણે મારી ભીની પાંખોને પકડી લીધી અને મને રાંધવાના વાસણમાં નાખી દીધો.

પછી એણે ઢાંકણાને બરાબર બંધ કરી દીધું. મેં બહાર આવવાનો પ્રયત્ન કર્યો પણ મારી ભીની પાંખોનો સહારો મને ન મળ્યો.

‘ભાઈ ટિયા, હવે ઊકળ. તું જેટલું તારા વિશે ધારતો હતો એના કરતાં કંઈ વધારે છે! તેં ક્યારેય એવી ધારણા કરી હતી કે તું રસા માટેની આવશ્યક સામગ્રી બનીશ? શ્રીહંસજીએ આપેલ સંકેત મુજબની આ એક મહાન ઉપલબ્ધિ છે.’

મેં જિંદગીથી વિદાય લીધી અને જેમને ગમે તે રીતે કે કારણે દુભવ્યા હોય એની માફી પણ માગી લીધી અને મેં મારી આંખો બંધ કરી. ત્યાં જ કંઈ તૂટવા-ફૂટવાનો અવાજ આવ્યો.

કદાચ માછીમારના સહભાગીએ ગુસ્સામાં વાસણને લાત મારી હશે. હું વાસણની બહાર આવી ગયો. એના પાણીથી મારામાં કંઈ ગરમી આવી ગઈ અને હું જીવ બચાવીને ભાગી ગયો.

મેં ભાગતાં ભાગતાં જોયું તો તેઓ એક બીજાનાં ગળાં પકડીને ઊભા હતા. એમણે એમના અતિ મૂલ્યવાન શિકારને ગુમાવી દીધો હતો.

મેં એક બીજા ટાપુના તૂટવાનો અવાજ સાંભળ્યો. એ બધાની દરકાર કર્યા વિના ત્યાંથી ઊડીને ભાગ્યો. પાછું વળીને જુએ એ બીજા! હું ચૂપ, શાંત અને મૂગો રહ્યો. સદાને માટે પરિવર્તિત પોપટ ટિયા! (ક્રમશ 🙂

Total Views: 469

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.