ગયા અંકમાં આપણે ક્રાંતિકારી પક્ષીઓના પ્રદેશમાં ટિયાને થયેલ ચિત્ર-વિચિત્ર અને ભય પમાડનારા અનુભવો અને અંતે એણે પોતાના મનની કાઢેલી ભડાશની વાત જોઈ, હવે ટિયા એક નવા પ્રદેશમાં પહોંચે છે.

દુ :ખીરામ

‘તો ટિયા?’ હું મનમાં ને મનમાં વાતો કરી રહ્યો હતો. શરીર ઉડ્ડયનમાં વ્યસ્ત અને દિમાગ વિતેલા કાળમાં વ્યસ્ત. ‘પૂરેપૂરી બળતી હેડલાઈટ વાળી રીવર્સમાં જતી – પાછળ ધકેલાતી ગાડી જેવા તમે લાગો છો.’

હું મારા વિચારોને ફાલતુ સામાનની જેમ ઉપાડીને ચૂપચાપ ઊડ્યે જતો હતો. મારા જે મિત્રોની ખાતર હું લડી રહ્યો હતો અને મારું સ્થાન બદલી રહ્યો હતો એમણે આ નાજુક પળે મારો સાથ છોડી દીધો. જે દાદાની સામે મેં મારી જાતને નીચી દેખાડી એણે જ મને કાઢી મૂક્યો. અને હંસ બાબુ જેના પર મેં ભરોસો કર્યો અને જેની અત્યારે જરૂરત હતી ત્યારે ગાયબ!

‘મિત્રોની યાદ આવી રહી છે? પ્રતિક્રાંંતિ? સુધારાવાદ? જો પક્ષીદાદા બધું ભૂલીને તને પાછો બોલાવે તો?’

‘હંમ.’

‘ચાલ છોડ બધું, પક્ષીરામ! ત્યાંની જિંદગી ઘણી વિષમ અને એક રસીલી હોત. મરઘાં-બતકાંનું જીવન કંઈ જીવન કહેવાય!’

‘હંમ.’

‘મારા પ્યારા મિત્ર, આ બધો એક સાથનો સોદો છે, એકની સાથે બીજો પણ. મને તો પસ્તાવો થાય છે કે હું દાદા પર થૂંકી ન શક્યો. પોતાની જાતને રોકીને મેં એ બતાવી દીધું કે અમે એમનાથી ઘણા ચડિયાતા છીએ, બરાબરને? ભગવાન કરે અને એમને કાયમ માટે શરદી થઈ જાય!’

‘આપણે જે ઇચ્છીએ છીએ તે મળતું નથી અને નથી ચાહતા એ જ મળે છે. એટલે હવે વિચારવું શા કામનું! આપણે તો પોતાની વાસ્તવિકતાને રૂબરૂ થવા ઘરેથી નીકળ્યા છીએ. એટલે ચાલો, આગળ વધીએ.’

હું મારી પોતાની સમજદારીથી વિસ્મય પામ્યો. આ બધું શું હું જ કહેતો હતો? દર્દની પીડાએ મારા મગજને ખોલી નાખ્યું. મને થોડી નિરાંત થઈ. હળવા અને ઉદાસ મને હું નવી જગ્યામાં પહોંચ્યો. આ જગ્યા તો યુવાનોના વાળથી પણ વધારે અસ્તવ્યસ્ત હતી. મારું મન પણ આ નવી જગ્યાની જેમ અસ્તવ્યસ્ત હતું. અવ્યવસ્થિત મનના ક્રાંતિકારીઓના વ્યવસ્થિત દેશની તુલનામાં આ પરિવર્તન ઠીકઠીક સારું લાગતું હતું. ક્રાંતિ, મારું માથું! દગાબાજ, ઠગ!

આ નવી જગ્યાના લોકો કદાચ માતમ મનાવતા હોય એવા શોકાતુર હતા. હું મારી આસપાસના લોકોને આંસુ વહાવતા જોઈ શકતો હતો. એમના ખભા નમેલા હતા અને પગમાં થાક દેખાતો હતો. એમના ઊંડા શ્વાસોચ્છ્વાસ અને અધૂરા શબ્દો જાણે કે હવામાં લટકતા હતા. શોકભર્યા એ વાતાવરણમાં તેઓ જેટલું ચાલતા હતા એના પ્રમાણમાં બમણું અટકતા જતા હતા. અહીં એવું લાગતું હતું કે વૃક્ષો પણ વધવા નહોતાં ઇચ્છતાં. એમની ડાળીઓ ઝૂકેલી હતી અને એમનાં પાંદડાં ખરવા તૈયાર હોય એવું લાગતું હતું. એનાં ફળ અરધાં કાચાં અને અરધાં પાકાં હતાં. એમના દુ :ખની તુલનામાં મારું દુ :ખ ઘણું ઓછું લાગતું હતું.

ત્યાંના સ્થાનિક લોકો સરઘસ આકારે જતા હતા. હું સાવધાનીપૂર્વક એક છેલ્લા માણસની પાસે ગયો અને મેં ઉદાસીન અવાજે પૂછ્યું, ‘ભાઈ, શું કોઈનું મૃત્યુ થયું છે?’

‘ના,’

‘તો શું કોઈ શોકજનક ઘટના ઘટી છે?’

‘ના,’

‘શું બધાને પ્લેગ થયો છે?’

‘ના,’

મને તો એવી નવાઈ લાગી કે આ બધાને એકી સાથે એવું કયું દુ :ખ હોઈ શકે કે જેને લીધે તેઓ આટલાં આંસુ વહાવે છે? હું માનતો હતો કે આસું મૂર્ખતાની નિશાની છે. જે જેટલા વધારે મૂર્ખ તે તેટલાં વધુ આંસુ વહાવે. એટલે ‘દુ :ખીરામ’ એ જ નામ મેં એમને આપ્યું.

મેં વિચાર્યું કે દુ :ખીરામ પાસે બોલવાની વધારે શક્તિ નહીં હોય એટલે તેઓ ક્યાં જાય છે એ જાણવાની ઇચ્છાથી હું પણ એ સરઘસમાં સામેલ થઈ ગયો. મારે વધુ રાહ જોવી ન પડી. સભા ચાલુ હતી, એમાં ઘણી મોટી સંખ્યામાં લોકો સામેલ હતા. જેવું વાતાવરણ હતું તેવો જ ઢબછબ વિનાનો મંચ હતો. મને કાગડાનો માળો યાદ આવ્યો. એમાં નકામી ચીજો ભરેલી હોય છે. અમને નવાઈ લાગતી કે કાગડાભાઈ આવી ચીજો ક્યાંથી કેવી રીતે શોધી લે છે. કાગડા કે કાગડીને માળા માટે આવશ્યક ચીજોનો અભાવ હતો કે નહીં, એનો મને ખ્યાલ નથી. પણ તેઓ જરૂર કરતાં વધારે ચીજો ચોરી લાવવામાં કુશળ હતાં અને ચતુરાઈથી એને છુપાવવામાં કુશળ હતાં અને એટલાં કુશળ કે જ્યારે જરૂરત પડે ત્યારે પોતે શોધી ન શકે.

અધ્યક્ષ મરેલા અવાજે બોલી રહ્યા હતા, ‘આ પવિત્રદેશના નિવાસીઓ, ભગવાને આપણને પોતે જ પસંદ કર્યા છે; જેથી આપણે દુનિયાને બતાવી શકીએ કે દર્દ કે દુ :ખમાં સામેલ થવું એ જ જીવવાનો માર્ગ છે. દરેક આત્મકેન્દ્રી છે અને પોતાનાં દુ :ખદર્દ વિશે જ વિચારે છે, પણ આપણે એવા નથી. આપણે તો આપણી આસપાસની દરેક ચીજવસ્તુ માટે દુ :ખી થઈએ છીએ અને આંસુ વહાવીએ છીએ. ભગવાનની સેવા કરવાનો આપણો આ જ ઉપાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ જે બીજાને માટે આંસુ વહાવવા માટે સૌથી ઉત્તમ રીત બતાવશે એવા વ્યક્તિને – ‘આંસુ વહાવવાનો શ્રેષ્ઠ વાર્ષિક પુરસ્કાર’ આપીશું. એની સાથે જ એ વિજેતાને પછીના વર્ષની સભાનો અધ્યક્ષ પણ બનાવીશું. ચાલો, આપણે શરૂ કરીએ.’ આટલું કહીને એ ખુરશી પર ઢગલો થઈને પડ્યો અને એટલો તો પરસેવો વળ્યો કે આગળ કાંઈ બોલી ન શક્યો. ત્યાર પછી શ્રોતાઓમાંથી નાક ચૂવાના, ઊંડા નિસાસા નાખવાના, નાક સાફ કરવાના, ડૂસકાં ભરવાના અવાજ આવવા લાગ્યા.

ધીમે ધીમે બધા એક પછી એક ઊઠ્યા અને પોતપોતાના વિચાર પ્રગટ કરવા લાગ્યા :

‘જીવવું કેટલું દુ :ખદાયી છે એ તો તમે જાણો છો. એક અઠવાડિયા પહેલાં એક ઝાડ પરથી પડતા ફળને જોયું. મને વૃક્ષ અને પેલાં પક્ષીઓ માટે માઠું લાગ્યું કારણ કે હવે એમને એ ફળ નહીં મળે. ત્યારથી માંડીને અત્યાર સુધી હું ઊંઘી શક્યો નથી. જો તમે આસપાસના કોઈ પણ વૃક્ષને જુઓ તો તમને પણ રોવાનાં અનેક કારણ મળી રહેશે.’ આમ કહીને વક્તા ખૂબ રોવા લાગ્યા અને શ્રોતાઓ પણ એને સાથ દેવા લાગ્યા.

દૂરથી મેં જોયું તો બધા દુ :ખીરામ એક પછી એક ઊઠ્યા, મંચની સીડીઓ ચડ્યા, પોતાના વિચાર વ્યક્ત કર્યા અને શ્રોતાઓ ડૂસકે ડૂસકે રડ્યા. (અહીં તાળીઓ વગાડવી એ પછાતપણાની નિશાનીઓ ગણાતી હશે.) એમને ઈનામમાં કોઈ રસ ન હતો. ભાષણ મારતા હતા :

‘…મારા આગલા વક્તાએ આપણને ઘણા સારા વિચારોથી માહિતગાર કર્યા. એક પાંદડું ઝાડ પરથી પડીને કેટલું દુ :ખી થતું હશે – વિદાય! પણ જરા વિચારો તો ખરા કે પક્ષીઓ પકડે ત્યારે કીડા કે જીવજંતુ કેટલાં દુ :ખી થતાં હશે – વિનાશ! સાપ દર વર્ષે પોતાની કાંચળી ઉતારીને કેટલો દુ :ખી થતો હશે – બરબાદી!’ ચારેય તરફ ડૂસકાં અને ડૂસકાં! (ક્રમશ 🙂

Total Views: 331

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.