(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા)

ગયા અંકમાં લાંબા નાક દ્વારા લોકોની શાખ-આબરુની મિથ્યા વાત આપણે વાંચી, હવે આગળ…

ઊંચું જોનારા – ગગનૂ

લાંબાં નાકવાળાના દેશમાંથી ઊડીને મને કંઈ સુઝ્યું નહીં. મારી ભાવનાઓ નીચેની જમીન જેવી સપાટ અને નિરસ હતી. જેમ શિયાળાની કડકડતી ટાઢને કારણે કોઈ યજમાન તમારું ઉષ્માવિહોણું સ્વાગત કરે, એવું લાગતું હતું. જ્યારે નિષ્ફળતા અને નાપસંદભાવ એકી સાથે મળી જાય ત્યારે એના પરિણામે આવે છે વિરક્તિ. એની અસર એ થઈ કે મને નીચેની બધી ચીજો સાથે વૈરાગ્ય જેવો ભાવ જાગ્યો. દુનિયાની હરેક ચીજ પર અસંતોષ દેખાડવા મેં વચ્ચે વચ્ચે ‘હં, ઠીક છે બધું.’ એવા ઉદ્ગાર પણ કાઢ્યા.

મેં એ પણ અનુભવ્યું કે મારી ચારે તરફ જે કંઈ બની રહ્યું છે તે ઘટનાઓની એક સાંકળ હતી. આ દુનિયામાં સર્વકંઈ સંજોગોની પોટલીમાં બંધાઈને આવ્યું હતું. એને ખોલવાથી નવા સંજોગો ઉદ્ભવતા હતા અને વળી એ મોટેભાગે સારા ન હતા. અને જો કોઈ સફળ થવા ઇચ્છતું હોય તેણે આ સંજોગોને પોતાની આવશ્યકતા પ્રમાણે વાળવા પડે છે. મારે પણ સફળ થવા કંઈક કરવાનું હતું.

હવે મને શિક્ષક બનવાનું મન થયું. નાદાનીના દિવસોથી જ શિક્ષણ-પ્રશિક્ષણ વિશે ઠીક ઠીક સાંભળ્યું હતું. પણ કોણ કોને ભણાવે છે એની સ્પષ્ટ જાણકારી મારી પાસે ન હતી. એ વિશે વધારે જાણવા હું હોલાજી પાસે ગયો. એમણે જે કહ્યું તે તો સાવ સાધારણ વાત હતી, ‘શિક્ષણ વાસ્તવમાં તો છેતરવાની કળા છે. એક એવી રીત છે કે જેમાં એક મૂર્ખ બીજા મૂર્ખાઓને ઘણી ચતુરાઈથી મૂર્ખ બનાવે છે. એટલે શિક્ષણ આપવું એ દુનિયામાં સૌથી સરળ કામ છે.’ હું તો એમના આ શબ્દો સાંભળીને આશ્ચર્યમાં પડી ગયો. મેં પૂછ્યું, ‘આપ જે કહો છો તે ખરેખર સાચું છે? હું તો એક અણસમજૂ પોપટ છું. તો એનો અર્થ શું એવો થાય છે કે હું ખરેખર શિક્ષક બની શકું?’ અને એ સમજવામાં ઠીક ઠીક સમય લાગ્યો કે હોલાજી પોતાની રીતે સાચા હતા. ઓછામાં ઓછું પોતાને માટે તો અવશ્ય. નહીં તો ભલા એક લાયક શિક્ષકની જેમ શા માટે વર્તાવ કરે? પણ એ દિવસોમાં હું નાદાન યુવાન હતો, ખૂબ મહત્ત્વાકાંક્ષાથી ભરેલો હતો. એમના શબ્દો સાંભળીને મારા મનમાં આશા જાગી અને મેં પૂછ્યું, ‘શ્રીમાન હોલાજી, ભણાવવાની સૌથી સાચી રીત કઈ છે?’

‘જે પોતે ખૂદ નથી કરતા તે જ બીજાને કરવાનું કહો. શિક્ષણનો આ મૂળ મંત્ર છે’ આ શબ્દો ઉચ્ચારીને હોલાજીએ ઊડીને ચાલ્યા ગયા. ઉત્સુકતા ભર્યો હું જે શીખ્યો હતો તે શ્રીલક્કડખોદને બતાવવા ગયો. મારી વાત સાંભળીને શ્રીલક્કડખોદે મને પોતાના સાથીઓ અને શિક્ષકોની પસંદગીમાં સાવધાની વર્તવાનું કહ્યું. એમણે એમ પણ કહ્યું કે આ તો અણસમજુ દીમાગમાં ખોટી વાતો નાખીને બરબાદીની ખીચડી પકાવવા જેવું છે. આજ સુધી હું એમની સલાહની કદર કરતો આવ્યો છું પણ એ દિવસે મારી સમજને કોણ જાણે શું થઈ ગયું. શિક્ષક બનવાની મારી ચાહતે મારી સંવેદનાઓને જાણે કે હરી લીધી. જે સંવેદનાઓ આ પ્રામાણિક કામ માટે આવશ્યક હોય છે.

થોડા જ સમયમાં હું મૂર્ખ બનવાનો હતો.

મારા રસ્તામાં એક લીલુંછમ જંગલ આવ્યું. મારે સચેત રહેવું જોઈએ, એમ કહેવાની જરૂર ન હતી. ઘટનાઓનો જે ક્રમ ચાલતો હતો એ પ્રમાણે થોડા જ વખતમાં કંઈક નવું બનવું જોઈતું હતું. હવે હું અણસમજુ લોકોને જિંદગી વિશે સારી અને મહાન વાતો કહેવા તૈયાર હતો. પછી ભલે જે થવાનું હોય તે થાય. હઠીલાઓ સાથે મેં કડક વલણ અપનાવવાનો નિર્ધાર કર્યો. નાલાયકોને એક ચાંચ ન મારું તો કંઈ નહીં પણ એમના તરફ આક્રોશની નજર તો નાખીશ.

પાંદડાંથી ભરેલી એક સુરક્ષિત ડાળ પર ઉતરવા હું ફર્યો. દરેક વૃક્ષની નીચે સજ્જનોના સ્વાંગમાં કેટલાક બેઠેલા હતા. એ લોકો એકીટશે ઉપર જોતા હતા. એમની લાંબી અને સખત ડોક કોઈ નાના જીરાફને ગળે પટ્ટો બાંધીને સુરક્ષિત રાખી હોય તેવું લાગતું હતું. આમ તેમ હલતી વખતે પણ એમનાં મોં ઉપર તરફ મંડાયેલાં રહેતાં. અમે પક્ષીઓ સામે કે નીચે જોવાનું પસંદ કરીએ છીએ, ઉપર તો બહુ ઓછી નજર રાખીએ છીએ. જ્યારે એમની સામે નીચે એટલું બધું જોવાનું હતું છતાં આ લોકો ઉપર જ કેમ નજર રાખીને બેઠા હતા? મેં વિચાર્યું કે ચાલો થોડી રાહ જોઈએ. હમણાં કંઈક નવું બનશે, ત્યારે બધો ખ્યાલ આવી જશે. હું રાહ જોઈને બેઠો.

મને એ દિવસ યાદ આવ્યો કે જ્યારે અમારા વડલા નીચે લોકોના એક સમૂહે આશ્રય લીધો હતો. એમના હાવભાવ ખૂબ જ અનોખા હતા. એમાંથી એક દોરડા પર ચાલતો હતો અને બીજા અંગકલાબાજી બતાવતા હતા. એક દિવસ મેં જોયું તો તેનો એક છોકરો માથાભર ચાલતો હતો. એ પોતાના પગ પર ખાવાની થાળી રાખીને માથાભર ચાલતો હતો. મેં મારા મગજને ખૂબ કસ્યું, પણ એનું કોઈ કારણ સમજાયું નહીં. અંતે હું લક્કડખોદ પાસે ગયો ત્યારે મને જાણવા મળ્યું કે એ લોકો નટ હતા અને મુશ્કેલ અંગકળા બતાવીને પોતાનું ગુજરાન કરતા હતા. પણ સાચું કહો તો મને હજી સુધી એ નથી સમજાયું કે કોઈ પોતાનાં અંગોનાં કામની આવી અદલાબદલી શા માટે કરતા હશે? આજે અહીં પણ કંઈક આવી જ પરિસ્થિતિ હતી.

આજુબાજુ ફળથી લચકતાં વૃક્ષો મજાનાં શોભતાં હતાં. વૃક્ષની નીચે ઘણાં ફળો પડ્યાં હતાં, પણ એમાંથી કોઈનું ય ધ્યાન એનાં પર જતું ન હતું. વૃક્ષની નીચે બેઠેલા લોકોની નજર તો ઉપર જ મંડાયેલી હતી અને એમની ઉદાસ આંખોમાં ઇચ્છા ને ભૂખ જોઈ શકાતાં હતાં.મારી આદત પ્રમાણે મેં નીચે બેઠેલા એક સજ્જન વ્યક્તિ સાથે વાતચીત કરી.

‘શું ચાલે છે?’

‘તમારે શું ચાલે છે?’

‘આ તો ઘણું સારું સ્થળ છે, ખરું ને?’

‘હા, સ્થળ તો સારું છે, પણ છે ક્રૂર.’

મને તો આ જગ્યા ક્રૂર કે દુ :ખદાયક ન લાગી. પણ હું તો ચૂપ જ રહ્યો. એણે મને મારા, મારા જીવન અને મારી સિદ્ધિઓ વિશે પૂછ્યું. મેં પણ ટૂંકમાં જ યોગ્ય હતંુ તે કહીને, એ ઇંગિત કર્યું કે બડાઈનાં બણગાં ફૂંક્વા જેવું કંઈ નથી. એનાથી એ રાજી તો થઈ ગયો અને બદલામાં મને કહ્યું કે એમની પ્રજાતિને ગગનૂ – ઊંચે આકાશમાં જ જોઈ રહેનારા કહે છે અને એ દુનિયાની બીજી પ્રજાતિ કરતા શ્રેષ્ઠ છે કારણ કે એ સદૈવ ઉપર જુએ છે. એમનું જીવનસૂત્ર છે : ‘નીચે જુએ તે નીચ અને ઊંચે જુએ તે ઉચ્ચ.’ આનું ઉલ્લંઘન કરનારને સખત સજા થાય છે.

કોઈ સાંભળી ન જાય એ રીતે હું મનમાં બબડ્યો, ‘અરે ગટરિયા બુદ્ધિવાળા!’ પછી મેં પ્રયત્ન કરીને પૂછ્યું, ‘તો આમ તમારી જિંદગી કેવી રીતે ચાલે છે?’

‘કંઈ બહુ સારી રીતે નહીં!’

‘મને તો આ જગ્યા બહુ સારી લાગી.’

‘હું જે ઇચ્છું છું તે મેળવી શકતો નથી અને મારે કેટલાય દિવસ ભૂખ્યા રહેવંુ પડે છે.’

આ સાંભળીને મને નવાઈ લાગી. આટલાં બધાં પાકાં ફળ હોવાં છતાં કોઈ ભૂખ્યું કેમ રહી શકે. ભૂખ્યા રહેવાની પોતાની મરજી હોય તો ભલે. મેં પૂછ્યું, ‘હું કાંઈ મદદ કરી શકું ખરો?’ એ ખચકાયો પછી બોલી ઊઠ્યો, ‘શું તમે મારી મરજી મુજબનું ફળ લાવીને આપી શકો ખરા? કયું ફળ લાવવું એ હું ઈશારો કરીને બતાવીશ. હા, આટલું જો જો કે એ ફળ લેવાની તમને ઇચ્છા ન થવી જોઈએ. દરેકનો વિશ્વાસ ન કરી શકાય. તમે પણ એ જાણો છો.’

‘તમારી આસપાસ આટલાં ફળ છે, એમાં તમે કહો છો એવું શું છે, ભાઈ ગગનૂ?’ મેં ધૈર્યવાળા શિક્ષકની જેમ કહ્યું.

‘જ્યારે એ નાની કળી જેવું હતું ત્યારથી મારી નજર એનાં તરફ રહી છે. એ જ ફળ ખાવા ઇચ્છું છું. બસ, એટલી જ વાત છે.’

‘જે છે એને ત્યજીને જે નથી એને લેવાની ઇચ્છા કરવી!’ મારી અંદરનો શિક્ષક બહાર નીકળવાની તૈયારીમાં હતો.

‘ગગનૂજી, ખાવું જરૂરી છે. કોઈ વિશેષ ફળ ખાવું નહીં. જે નથી એની ઇચ્છા ન કરો અને જે છે એમાં જ રાજી રહો. તમારી જાત તરફ તો નજર કરો. તમે નાની એવી વસ્તુ માટે કેટલાં સમય, શક્તિ અને ભાવનાઓ વ્યર્થ ગુમાવો છો. આ બધું તમે એક વધારે સારાં ગગનૂ બનવામાં લગાડી શક્યા હોત. મૂર્ખામી છોડો, સમજદાર બનો. હજી મોડું નથી થયું. અત્યારથી જ આરંભી દો.’

‘પોપટિયા દિમાગ, એવું તમે વિચારો છો. જીવોમાં સૌથી વધુ સારા મગજવાળા એવા અમે તમારા જેવા પોપટની વાત શા માટે સાંભળીએ?’

મને ગુસ્સો આવ્યો. અહીં હું મારાં હોદાનાં માનપાનનો આનંદ માણી રહ્યો હતો અને આ ભાઈ તો મને જેવો તેવો – કાઢી નાખવા જેવો માનતા હતા! જો બધા જ આવું વર્તન કરે તો આ દુનિયાનું શું થશે? હું મફતમાં મદદ કરતો હતો અને એને મારી કોઈ કદર કે કિંમત જ ન હતી. જો હું પેલાં પૂતળાંના દેશમાં ન ગયો હોત અને ગુસ્સાથી થતા નુકશાનનો ખ્યાલ ન હોત તો હું મારી એક નજરથી જ એને બાળી નાખત. મેં તો માત્ર આટલું જ કહ્યું, ‘ભાઈ, વ્યવહારુ બનો. જે તમારી પાસે છે એ જ ઘણું છે. જે તમારી પહોંચની બહાર છે – દૂર છે તે કદાચ તમારા માટે સારું પણ ન હોઈ શકે. એવું ય બને કે એમાં પડેલાં જીવડાંનું જ ખાધેલું હોય.’

‘એટલે શું થયું? હું તો જે ઇચ્છું છું એ જ લઈશ. દૃઢ ઇચ્છાવાળા રોજ પોતાનો ઈરાદો બદલતા નથી.’

મૂર્ખ સાથેના બકવાસ કરતા ચૂપ રહેવું સારું. એટલે મેં પણ શાંત રહેવાનું ઠીક સમજ્યું. ‘ઠીક છે. આ તમારા માથાનો દુ :ખાવો છે. અલબત્ત, તારે જો માથું હોત તો. તમને જે સારું લાગે એ લઈ લો ભાઈ, લઈ લો. મને શા માટે હેરાન કરો છો?’ મેં કહ્યું.

તમે તો જુઓ છો કે અમે વૃક્ષ પર ચડી શકતા નથી અને છતાં પણ તમે મારી લાચારી પર હસો છો. કોઈના દુ :ખ પર હસવું સારું નથી. જો કોઈ મદદ કરી શકતા હો તો કરો, નહીં તો દૂર રહો. ભાષણબાષણ ન મારો.

એની ઉદાસીન આંખમાં આંસુ હતાં અને તેના પર મને દયા આવી. પણ એનો અનાદર કરવાનું પણ યાદ આવી ગયું. સાથે ને સાથે મારે તેને એક સારો માણસ બનાવવો હતો, એવું મારા મનમાં હતું.

‘તમારે ભાષણની જ જરૂર છે એટલે હું તમને ભાષણ આપું છું. હું વાસ્તવમાં તમારી મદદ કરી શકું છું. પણ એટલું જરા સમજી લો કે તમારાં વર્તનવ્યવહાર ખોટાં શા માટે છે?’

‘તમે મારા અને મારા લક્ષ્ય વચ્ચેની સીડી છો. તમે મારી ઇચ્છેલી વસ્તુને બદલે ફિલસૂફી સંભળાવો છો.’

જે થવાનું હતું તે થયું. વૃક્ષ પરથી એ જ ફળ જમીન પર પડ્યું. ગગનૂ તો રાજીના રેડ અને પછી મોટે સાદે બોલી ઊઠ્યો. અને પોતાના હાથ ફળ તરફ લંબાવ્યા. પણ એને ફળ દેખાયું નહીં, કારણ કે તે નીચે જોતો ન હતો અને ફળને ન મેળવી શકતાં ફરી પાછો ઉદાસીન થઈ ગયો. તે શાંત થયો અને તેણે પોતાની નજર બીજાં ફળ પર સ્થિર કરી. હવે એ ફળ વિશે માનતા માનવા લાગ્યો. આ જોઈને હું મારી જાતને રોકી ન શક્યો અને મારાથી બોલી જવાયું, ‘ભાઈ ગગનૂ, તમે એક વાંદરા જેવા છો. હરપળે નવી ચીજ પર નજર નાખ્યે રાખો છો. જુઓ તો ખરા, તમે કેટલા ચંચળ અને અસ્થિર છો. કદાચ જેમાં જે ન હોય તે પોતાની હોવાના બડાફા મારો છો. એમ ન હોય તો તમે આદર્શાેની વાતો શા માટે કરો છો? હવે આટલું તો શીખી લો કે દૂર જ નહીં પણ પોતાની આસપાસ પણ જોવું જોઈએ.’

આ દેશમાં કોઈ ચૂંબકીય આકર્ષણ હતું. હવે હું પાછો વળીને નિષ્પક્ષભાવે ઘટનાઓ જોઉં છું તો એવું લાગે છે કે એ જગ્યામાં મગજ કે બુદ્ધિને બદલી નાખવા અને સારા વિચારને ભ્રષ્ટ કરી દેવાની શક્તિ હતી. મારું મગજ સુસ્ત થતું હતું અને સમજદારી પણ ખતમ થઈ જતી હોય એવું લાગ્યું. મારો દૃષ્ટિકોણ જ બદલતો જતો હતો. જેમ કે હું લાલ જોઈ રહ્યો હોત તો તે મને લાલ રંગ ન દેખાતાં ભયનું ચિહ્ન લાગત. આવી રીતે જ્યારે હું કોઈ વસ્તુને જોતો ત્યારે મને લાગતું કે એને જરૂર પ્રાપ્ત કરી લેવું જોઈએ. દિલને મોહગ્રસ્ત કરનાર આ સ્થળ પર આવ્યાને ઠીકઠીક પ્રમાણમાં સમય વહી ગયો હતો. હવે મારે જવાનો સમય આવી ગયો હતો.’

ગગનૂએ બતાવેલ ફળ હવે મારે માટે એ ફળ રહ્યું ન હતું. હવે તો તે મારે પ્રાપ્ત કરવાની ચીજ બની ગઈ હતી. જે ડાળ પર ફળ હતું, હું એની નજીક પહોંચ્યો અને ગગનૂએ કહ્યું, ‘જો તમે આ ફળ પ્રાપ્ત ન કરી શકો, એનો અર્થ છે કે એ તમારા નશીબમાં નથી. એ કોઈ બીજા સારા નશીબવાળાના હાથમાં જવાનું છે અને એ બીજું વધારે સારું મારા સિવાય કોણ હોઈ શકે? તમારા કરતા હું ઉપર જ નહીં, આસપાસ પણ જોઈ શકું છું. વળી પરિસ્થિતિ પણ મને સાનુકૂળ છે, એટલે હું એને લઈ લઉં છું. આ ફળ મને બતાવવા માટે તમારો આભાર. તમે ભૂખ્યા રહેવા ટેવાયેલા છો, એટલે તમે આવી જ રીતે રહો.’

‘બદમાશ! એને છોડી દે. મારો જીવ ન ખા.’

‘મારી કૃતજ્ઞતાથી સંતોષમાનો. ઊંચે આકાશમાં જોનારા અકડ, બંધાયેલા ડોકવાળા, બીજા તો તને આટલું ય નહીં આપે.’

એ સમયે મને શું થઈ ગયું હતું, એ વિશે મને ઘણી નવાઈ લાગે છે. મારી શિક્ષક બનવાની ઇચ્છા જ મરી ગઈ. વળી પાછો હું તો માત્ર નિરુપયોગી રહ્યો. શું આ પ્રદેશને કારણે મારું અવિવેકીપણું હતું કે આ મજાક પણ મારા કાબુ બહારની થઈ ગઈ. કાંઈ ખ્યાલ આવતો નથી. ફળને ચાંચમાં લેવા હું આગળ વધ્યો ત્યારે જ

બૂ ઉ ઉ ઉ ઉ ઉ મ!

બીજાઓને તો આ અવાજ હળવો સંભળાયો હશે. આ અવાજ મારી પાસેથી જ આવ્યો હશે એટલે મને વધારે સંભળાયો. ગગનૂએ એક સડેલું સફરજન મારા પર ફેંક્યું, એનાથી મારું શરીર નાચી ઊઠ્યું અને પોતાના શરીરને સાથ દેવાના પ્રયાસમાં મારું મગજ પણ નાચી ઊઠ્યું. એ વાત સ્પષ્ટ છે કે ફળ લેવાનો પ્રયત્ન કરતી વખતે પળભર એણે નીચે તો જોયું હશે. એનો અર્થ એ થયો કે એક શિક્ષકના રૂપે મને કંઈક સફળતા તો મળી ખરી. પરંતુ જે તીવ્ર પીડા મને થતી હતી એના પ્રમાણમાં આ સફળતાનો કંઈ હિસાબ ન ગણાય.

ત્યાર પછી શું થયું, એ બતાવવામાં મને મુશ્કેલી પડતી હતી. મારી ડાબી પાંખમાં જે ચોટ લાગી હતી તેનાથી ઘણી પીડા થતી હતી. આ પીડા સાથે હું ઊડ્યો. પણ દિશાહીન નીચે અને વધારે ઝડપથી જઈ પડ્યો.

Total Views: 435

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.